અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૨૧
આરાધ્યા અને અદિતિ સુરત આવતાં રહ્યાં. અદિતિ, આદિત્ય અને રાજુ બધાં સુજાતાની ઘરે ભેગાં થયાં હતાં.
"સોરી અદિતિ, મારાં લીધે આજે તારાં પપ્પા જેલમાં છે. તને પણ કેટલાં સમય પછી તારાં પપ્પાને મળવાનો મોકો મળ્યો હતો. મારાં લીધે તમે સરખી રીતે મળી પણ નાં શક્યાં."
"યાર, એમાં તારો કોઈ વાંક નથી. પરિસ્થિતિ જ એવી હતી કે, એમાં કોઈ કાંઈ કરી શકે એમ નહોતું.
"મારાં પપ્પાએ ગુનો કર્યો હતો. જેની સજા તેમને મળી. તો તું તારી જાતને ગુનેગાર નાં સમજ. જેને આ બધું કર્યું - રાજુ સામે નજર કરીને - તેને કાંઈ નથી. તો તું શાં માટે એવું વિચારે છે?"
રાજુ અદિતિની એ નજરને સમજી નાં શક્યો. અદિતિ અને સુજાતા એકબીજાને સમજતાં હતાં. જે કાંઈ થયું, તેનાં લીધે સુજાતાથી કોઈ નારાજ નહોતું. એ વાતથી સુજાતા ખુશ હતી.
"થેંક્યું અદિતિ, હું ખુશનસીબ છું કે, મને આદિત્ય, રાજુ અને તારાં જેવાં મિત્રો મળ્યાં. જે મને સમજે છે.".
"પાગલ, એમાં થેંક્યું નાં હોય. મિત્રોનું તો કામ જ હોય છે, એકબીજાને સમજવાનું અને એકબીજાનો સાથ આપવાનું. તારો કોઈ વાંક છે જ નહીં, તો તને દોષી ગણવાનો કોઈ મતલબ જ નથી."
સુજાતા તેનાં મિત્રોથી ખુબ જ ખુશ હતી. જીવનમાં સારાં મિત્રો હોવાં એ દુનિયાની તમામ સંપતિ કરતાં મોટું સુખ છે. જે લોકો મિત્રોનું મહત્વ સમજે, તેને જીવનમાં ક્યારેય કોઈ મુસીબત હરાવી શકતી નથી. જીવનની કોઈ સાચી ખુશી હોય, તો એ છે આપણાં જીવનમાં રહેલાં, આપણાં સુખ દુઃખનાં સાથી, આપણાં પ્યારાં મિત્રો. સુજાતાના જીવનમાં એવાં એક નહીં, પણ ત્રણ મિત્રો હતાં. એવાં મિત્રોનાં લીધે જ સુજાતાની અડધી મુસીબતો તો એમનમ જ સોલ્વ થઈ જતી.
"ચાલો, બહું વાતો થઈ ગઈ. હવે ચાલો નીચે જમવા."
કમલાબેનનો અવાજ સાંભળી, બધાં નીચે જમવા ગયાં. આજે બધાંને સુજાતાની ઘરે જ જમવાનું હતું. અદિતિ અને આદિત્ય ઘણાં સમય પછી સુજાતાની ઘરે જમવા રોકાયાં હતાં. તો કમલાબેને આદિત્યને ભાવતો ગાજરનો હલવો, ને અદિતિની મનપસંદ કચોરી બનાવી હતી.
"અરે મમ્મી, બધું અદિતિ અને આદિત્યનું મનપસંદ જ! મારું અને રાજુનું મનપસંદ કાંઈ નહીં?
"રાજુ માટે તેનાં મનપસંદ પિઝ્ઝા બનાવ્યાં છે. પણ તારાં માટે તો હલવો છે જ ને! તો બીજું શું જોઈએ તારે?"
"ઓહ, તને પણ હલવો પસંદ છે? મને તો આજ ખબર પડી."
"તું આટલાં સમયથી સુજાતા સાથે રહે છે, તો પણ સુજાતાની પસંદની તને ખબર નથી?"
અદિતિએ સવાલ આદિત્યને કર્યો. પણ રાજુને પણ સુજાતાની પસંદ નાપસંદ ખબર નાં હોવાથી, તે પણ એ બાબતે વિચારવા લાગ્યો કે, તેને પણ સુજાતાની પસંદ નાપસંદ જાણવી જોશે.
"અરે અદિતિ, મેં આદિત્ય સાથે જેટલો પણ સમય પસાર કર્યો. એ બધો પ્લાન બનાવવામાં જ ગયો છે. તો એ બિચારો મારી પસંદ ક્યારે જાણે?"
"ઓહ, તું સારો આદિત્યનો પક્ષ લે હો."
"એમાં પક્ષનું કાંઈ નથી. જેવું છે, એવું જ મેં કહ્યું."
"હવે વાતો પછી કરજો. પહેલાં નિરાંતે જમી લો."
કમલાબેનના કહેવાથી બધાં પોતપોતાનું મનપસંદ જમવાનું લઈને જમવા લાગ્યાં. અદિતિ સુજાતા અને આદિત્ય વચ્ચેનો પ્રેમ જોઈને મનોમન ખૂબ જ ખુશ હતી. બધાંએ જમીને સુજાતાની ઘરેથી વિદાય લીધી.
બધાં મિત્રો ઘણાં સમય પછી એકસાથે મળ્યાં હતાં. જતી વખતે બધાનાં ચહેરા પર એક અલગ જ ખુશી હતી.
*****
રાજુ પોતાની ઘરે પહોંચ્યો. અરવિંદભાઈ તેની રાહ જોઈને જ બેઠાં હતાં.
"અરે, આવ બેટા. મળી લીધું બધાં મિત્રોને?"
"હાં પપ્પા, ખૂબ જ મઝા કરી."
"સારું સારું, પણ તે આગળ શું વિચાર્યું છે હવે?"
"મતલબ? હું તમારી વાત સમજ્યો નહીં પપ્પા."
"તારે હવે સુજાતાને ક્યારે તારાં દિલની વાત કહેવી છે? એ બાબતે કહું છું."
"એ વિશે તો હજું વિચાર્યું નથી. કોલેજ પૂરી થાય, પછી કોઈ સારી એવી જોબ ગોતીને પછી જ કહીશ. એવો વિચાર છે."
"બેટા, જોબની શું જરૂર છે? આપણો બિઝનેસ છે ને!"
"મારે પહેલાં મારાં પગભર થવું છે. પછી હું તમારો બિઝનેસ જ સંભાળીશ."
રાજુ એટલું કહીને તેનાં રૂમમાં જતો રહ્યો. રાજુના એવાં વિચારે અરવિંદભાઈને મુસીબતમાં મૂકી દીધાં હતાં. રાજુ સુજાતાને પોતાનાં દિલની વાત કહેવા તૈયાર નહોતો. એવામાં આદિત્ય કે સુજાતાની ઘરે બંનેનાં પ્રેમની જાણ થઈ જાય. તો રાજુને સુજાતાથી અલગ થવું પડે. જે વાત અરવિંદભાઈને મંજૂર નહોતી.
રાજુ તો સુજાતાને કાંઈ કહેવાનો નહોતો. આથી અરવિંદભાઈએ જ આગળ શું કરવું, એ વિશે વિચારવાનું ચાલું કરી દીધું.
(ક્રમશઃ)