અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 4 Sujal B. Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 4

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૪


બીજાં દિવસે સવારે કલ્પેશભાઈ ઓફિસે જવા નીકળતા હતાં, ત્યારે જ રાજુએ આવીને કલ્પેશભાઈને કહ્યું, "અંકલ આજે મારે પણ તમારી સાથે ઓફિસે આવવું છે, મને કોલેજમાંથી બિઝનેસ ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ મળ્યો છે, તો તે અંગે તમારી પાસેથી થોડી માહિતી જોઈએ છે.

"હાં બેટા, ચાલને. આમ પણ મારાં પછી તો તમારે છોકરાંવે જ આ બિઝનેસ સંભાળવાનો છે, તો અત્યારે જ શીખી લો. એથી મોટી વાત મારાં માટે શું હોય?" કલ્પેશભાઈએ કહ્યું.

રાજુ કલ્પેશભાઈ સાથે ચાલતો થયો, ત્યાં જ સુજાતા આવી. સુજાતા હજું કાંઈ બોલે, એ પહેલાં કલ્પેશભાઈએ જ કહ્યું, "બેટા, તું પણ અમારી સાથે આવ. આમ પણ આજે રવિવાર છે, તો થોડું બહાર ફરી લે. બાકી તો તું ભણવામાંથી જ ઉંચી નથી આવતી."

સુજાતાને તો 'ભાવતું હતું ને વૈદે કીધું' એવું થયું. સુજાતાએ એક જ વારમાં કલ્પેશભાઈની વાત સ્વીકારી લીધી. પછી રાજુ, કલ્પેશભાઈ અને સુજાતા ત્રણેય કલ્પેશભાઈની કારમાં ઓફિસે જવા નીકળી પડ્યાં.

ઓફિસે પહોંચી પહેલાં કલ્પેશભાઈએ પોતાનું થોડું કામ હતું એ પૂરું કર્યું. ત્યાં સુધીમાં રાજુએ અને સુજાતાએ ઓફિસના બધાં સ્ટાફની મુલાકાત કરી. રાજુ નાનો હતો, ત્યારે તેનાં પપ્પા સાથે ઓફિસે આવતો. પરંતુ, તેનાં પપ્પાના ગયાં પછી, રાજુ ક્યારેય ઓફિસે આવ્યો નહોતો. આજ અચાનક રાજુને ઓફિસમા જોઈ, સ્ટાફનાં બધાં સભ્યો બહું જ ખુશ થયાં.

રાજુએ થોડીવાર બધાં સાથે વાતો કરી. રાજુ પણ ઘણાં સમય પછી બધાંને મળતો હોવાથી બહું ખુશ દેખાતો હતો. રાજુને ખુશ જોઈ સુજાતા પણ મનોમન ખુશ થતી હતી. થોડીવાર પછી કલ્પેશભાઈનું કામ પૂરું થતાં, કલ્પેશભાઈએ રાજુ અને સુજાતાને પોતાની ઓફિસમાં બોલાવ્યાં.

ઓફિસમાં જઈને, રાજુએ કલ્પેશભાઈ પાસેથી બિઝનેસ ડેવલપમેન્ટ અંગેની ઘણી બાબતો શીખી. સુજાતા પણ રાજુ અને કલ્પેશભાઈ વચ્ચેની ચર્ચાને ધ્યાનથી સાંભળતી હતી.

લગભગ એક કલાક જેવી ચર્ચા ચાલી. એ દરમિયાન રાજુએ સુજાતાના ઘરની ચાવી સુધી કેવી રીતે પહોંચવું? એ અંગે કોઈપણ ઈશારો નહોતો કર્યો. જેથી હવે સુજાતા રાહ જોઈને કંટાળી હતી. જે રાજુએ તેનાં ચહેરાનાં હાવભાવ જોઈને, નોટિસ કર્યું.

આખરે સુજાતાના ઈંતેજારનો અંત આવ્યો. ઓફિસના એક કર્મચારીએ આવીને, કલ્પેશભાઈને એક મિટિંગની જાણ કરી. મિસ્ટર ચૌધરીનું નામ સાંભળીને કલ્પેશભાઈએ તરત જ મિટિંગ માટે હાં પાડી દીધી.

કલ્પેશભાઈનાં અંદાજ મુજબ મિટિંગ બહુ લાંબી ચાલવાની હતી, તો કલ્પેશભાઈએ રાજુ અને સુજાતાને કહ્યું, "મારે હવે આવવામાં મોડું થાશે. જો તમારે લોકોને ઘરે જવું હોય તો ઘરે જાવ, નહીંતર ઓફિસના કેન્ટીનમાં જઈને નાસ્તો કરી એન્જોય કરો."

સુજાતા અને રાજુ તો બસ એક મોકાની ફિરાકમાં જ હતાં. કલ્પેશભાઈના જતાંની સાથે જ રાજુ અને સુજાતા લોકરરૂમ તરફ ગયાં. બધાં મિટિંગમાં ગયાં હતાં. ઓફિસના અમુક કર્મચારી જ હાજર હતાં. જે જોઈ રાજુએ કહ્યું, "તું અહીં બહાર ધ્યાન રાખ. હું અંદર જઈને ચાવી લઈ આવું."

રાજુની વાત સાંભળી સુજાતા હસવા લાગી. સુજાતાને હસતી જોઈ, રાજુએ પૂછ્યું, "એમાં હસવા જેવી શું વાત છે?"

"તને લોકરનો નંબર ખબર છે?" સુજાતાએ ફરી મંદ મંદ હાસ્ય રેલાવતાં કહ્યું.

"નાં" રાજુએ એક જ શબ્દમાં જવાબ આપીને મોઢું ફેરવી લીધું.

રાજુને એવી રીતે મોઢું ફેરવતાં જોઈ, સુજાતાએ કહ્યું, "અરે એમાં નારાજ શું થાય છે? સોરી બસ? તે કહ્યું જ એવી રીતે એટલે મને હસવું આવી ગયું"

સુજાતાની વાતો સાંભળી રાજુ હસવા લાગ્યો, અને કહ્યું, "અરે હું તો મજાક કરતો હતો."

મજાકની વાત સાંભળી સુજાતાએ રાજુની છાતી પર એક હળવો મુક્કો મારીને કહ્યું, "તે તો મને ડરાવી જ દીધી હતી. કોઈ આવાં સમયે આવી મજાક કરતું હશે કાંઈ?"

"અરે બાબા સોરી, હવે જલ્દી જા, અને ચાવી લઈ આવ. નહીંતર કોઈ આવી જશે, તો આપણાં આખાં પ્લાન પર પાણી ફરી વળશે." રાજુએ સુજાતાને સમજાવતાં કહ્યું.

સુજાતા ફટાફટ લોકરરૂમનો દરવાજો ખોલી અંદર ગઈ. રાજુ બહાર જ સુજાતાની રાહ જોઈને ઉભો રહ્યો. સુજાતાએ અંદર જઈને, સેક્યુરિટી સિસ્ટમ જોઈને, રાજુને મેસેજ કર્યો.

"અહીં તો સેક્યુરિટી સિસ્ટમ લગાવેલી છે. જો મેં ખોટો પાસવર્ડ નાંખ્યો, તો તરત જ એલાર્મ વાગશે, ને બધાંને ખબર પડી જશે." એવો મેસેજ ટાઈપ કરી, સુજાતાએ રાજુના નંબર પર મોકલી દીધો.

મોબાઈલમાં મેસેજની નોટિફિકેશન પોપ અપ થતાં રાજુએ મેસેજ જોવાં ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો. મોબાઈલ કાઢી ઈનબોક્સમાં જોયું, તો સુજાતાનો મેસેજ હતો. મેસેજ વાંચી રાજુ થોડીવાર વિચારમાં પડી ગયો. પછી તરત જ રાજુએ મેસેજ ટાઈપ કરવાનું ચાલું કર્યું, "તું સમજી વિચારીને લોકર નંબર નાંખજે. જરાં પણ ટેન્શન નાં લે." મેસેજ ટાઈપ કરી રાજુએ મેસેજ સુજાતાના નંબર પર મોકલી દીધો.

રાજુનો સાંત્વના આપતો મેસેજ વાંચી, સુજાતાએ થોડો વિચાર કરી, ભગવાનનું નામ લઈને, લોકરમાં નંબર નાંખી દીધો. નંબર નાંખતાની સાથે જ લોકરનો દરવાજો ખુલી ગયો. સુજાતા ફટાફટ ચાવી લઈને લોકર બંધ કરી, ચાવી સાથે બહાર આવી ગઈ.

બહાર આવી રાજુને અંગૂઠો બતાવી, કામ થઈ ગયું, એવો ઈશારો કરી દીધો. સુજાતાનો ઈશારો જોઈ, રાજુએ હળવું સ્મિત કર્યું.

કામ પૂરું કરી, બંને ફરી જાણે કાંઈ થયું જ નાં હોય, એમ આવીને કલ્પેશભાઈની ઓફિસમાં બેસી ગયા. હજું બંનેનાં આવ્યાને થોડીવાર થઈ, ત્યાં જ કલ્પેશભાઈ પોતાની મિટિંગ પૂરી કરી, ઓફિસમાં આવ્યાં.

કલ્પેશભાઈના આવ્યાં પછી, બપોરનો સમય થઈ ગયો હોવાથી, રાજુ અને સુજાતાએ ઓફિસમાંથી વિદાય લીધી. ચાવી મળ્યાંની ખુશીમાં બંનેએ બહાર જમવાનું નક્કી કર્યું. સુજાતાએ તેનાં મમ્મીને 'અમે બહાર જમીને આવશું.' એવું ફોન કરીને જણાવી દીધું.

બંને રિયલ પિઝ્ઝામાં પિઝ્ઝા ખાવાં માટે ગયાં. પિઝ્ઝા ખાઈને રાજુએ આઈસ્ક્રીમ ઓર્ડર કર્યું. પછી બંને આઈસ્ક્રીમ ખાઈને, બિલ ચુકવીને બહાર નીકળ્યાં, ત્યાં જ નીચે બેંકમાંથી બહાર નીકળી રહેલાં એક વ્યક્તિની સુજાતા સાથે ટક્કર થઈ. ટક્કર થતાં પેલો વ્યક્તિ નીચે જમીન પર પડી ગયો. જે જોઈ સુજાતા તેમને ઉભાં કરવા લાગી. સુજાતાએ તે વ્યક્તિને ઉભો કર્યો, એટલે એ વ્યક્તિએ સુજાતાના માથાં પર હાથ ફેરવી સુજાતાનો આભાર માન્યો.

એ વ્યક્તિ ઉંમરમાં સાંઠેક વર્ષનાં હતાં. તે વ્યક્તિનાં માથાં પર હાથ ફેરવવાથી, સુજાતાને પોતાનો એ વ્યક્તિ સાથે કોઈ જૂનો સંબંધ હોય એવું લાગ્યું. એ વ્યક્તિ સુજાતાનો આભાર માની ત્યાંથી જતો રહ્યો. પણ, સુજાતા માટે વિચારો છોડતો ગયો.

એ વ્યક્તિનાં ગયાં પછી, રાજુએ સુજાતાને વિચારોમાં ખોવાયેલી જોઈ, ચપટી વગાડીને કહ્યું, "એય, ક્યાં ખોવાઈ ગઈ? ચાલ હવે ઘરે નથી જવું?"

રાજુના અવાજથી સુજાતાએ વિચારોમાંથી બહાર આવીને કહ્યું, "હાં, ચાલ. મમ્મી પણ રાહ જોતી હશે."

સુજાતાની વાત પૂરી થતાં, બંને ત્યાંથી સીધાં ઘરે જવા નીકળ્યાં. ઘરે પહોંચી સુજાતાએ કિચનમાં નજર કરી, તો કમલાબેન પોતાનું કામ કરતાં હતાં. રાજુ અને સુજાતાને આવેલાં જોઈ, કમલાબેને કહ્યું, "આવી ગયાં, તમે બંને? બહું વાર લગાડી."

"હાં, મમ્મી. પપ્પાને અચાનક એક મિટિંગ આવી ગઈ, તો તે મિટિંગમાં ગયાં, પછી અમે થોડીવાર ત્યાં જ રોકાઈ ગયાં. રાજુનાં પ્રોજેક્ટની બધી માહિતી એકઠી કરી, બધાં સ્ટાફને મળ્યાં, પછી બપોર થઈ ગયાં હતાં. તો રાજુએ બહાર જ જમવાનું નક્કી કર્યું, એટલે જમીને આવ્યાં. તો મોડું થઈ ગયું." સુજાતાએ કમલાબેનને મોડું થયાનું કારણ જણાવતાં કહ્યું.

"વાંધો નહીં, બેટા. હવે મારે બધું કામ થઈ ગયું છે. તો તમે બંને ઉપર જઈને, આરામ કરો. "કમલાબેને કહ્યું

"ભલે, મમ્મી." સુજાતાએ કહ્યું, ને સુજાતા ઉપર પોતાનાં રૂમમાં જતી રહી. રાજુ પણ હોલમાંથી ન્યૂઝ પેપર લઈને, પોતાનાં રૂમમાં જતો રહ્યો. રાજુની રોજ સવારે ન્યૂઝ પેપર વાંચવાની આદત હતી. પરંતુ, આજ સવારે જ તે ઓફિસે ચાલ્યો ગયો હોવાથી વાંચવાનો સમય જ નહોતો મળ્યો. આથી તે ન્યૂઝ પેપર લઈને, પોતાનાં રૂમમાં જઈ, ફ્રેશ થઈને, ન્યૂઝ પેપર વાંચવા બેઠો.

હજું રાજુએ વાંચવાની શરૂઆત કરી જ હતી, ત્યાં જ સુજાતા તેનાં રૂમમાં આવી. સુજાતાને આવેલી જોઈ, રાજુએ પૂછ્યું, "બોલ શું કામ હતું?"

રાજુના સીધાં એવાં પ્રશ્નથી સુજાતાએ કહ્યું, "તને કેમ ખબર, હું કોઈ કામથી જ આવી છું?"

સુજાતાના પ્રશ્નથી રાજુએ ઉભાં થઈને, સુજાતાના બંને ખભા પકડી, તેનું મોઢું અરીસા તરફ ફેરવીને કહ્યું, "તારું મોઢું જો. આવો ચહેરો જોઈને કોઈપણ વ્યક્તિ સમજી જાય કે, તું પરેશાન છે, અને મદદ માટે જ આવી છે."

"હાં, તું તો ત્રિકાળજ્ઞાની રહ્યો ને! એટલે તને બધી ખબર હોય. પણ હવે તને ખબર જ છે કે, હું કોઈ કામથી આવી છું, તો મને એ કહે કે, આપણે હવે મારાં ઘરે જઈને, સબૂત શોધવાનું કામ ક્યારે ચાલું કરવાનું છે?" સુજાતાએ રાજુને તેની ટીખળ કરતાં પૂછ્યું.

"હાલ તો બે દિવસ મારે કોલેજનું બહુ કામ છે. તો બે દિવસ પછી આપણે કોઈ બહાનું બતાવી, તારાં ઘરે જઈ આવશું." રાજુએ સુજાતાના સવાલનો જવાબ આપતાં કહ્યું.

"મારાથી હવે વધું રાહ નહીં જોવાય. જો તારે કામ હોય, તો હું એકલી જ ચાલી જઈશ." સુજાતાએ પોતાની અધીરાઈ બતાવતાં કહ્યું.

"અરે, તારે એટલી બધી શું ઉતાવળ છે? આપણે બે દિવસ પછી જાશું. તે પેલી કહેવત નથી સાંભળી, 'ધીરજનાં ફળ મીઠાં હોય.' તો આટલો સમય રાહ જોયા પછી થોડી વધું રાહ જોઈ લે." રાજુએ સુજાતાને સમજાવતાં કહ્યું.

"પણ રાજુ આપણે મારાં ઘરની ચાવી લાવ્યાં છીએ, એ પણ સમય રહેતાં ફરી લોકરમાં મુકવા જાવું જોશે ને? જો પપ્પાને ખબર પડી ગઈ કે, લોકરમાંથી ચાવી ગાયબ છે, તો મોટી આફત આવી પડશે." સુજાતાએ વાતનો મુખ્ય મુદ્દો સમજાવતાં કહ્યું.

ચાવીવાળી વાતથી તો રાજુ પણ વિચારમાં પડી ગયો. સુજાતાની વાત એકદમ સાચી હતી. કલ્પેશભાઈને ખબર પડે એ પહેલાં ચાવી ફરી લોકરમાં મુકવા જવું પણ જરૂરી હતું. થોડીવાર વિચાર્યા બાદ, રાજુને એક વિચાર આવ્યો, તેણે કહ્યું, "સારું ચાલ, આપણે કાલ રાતે તારાં ઘરે જાશું."

રાતની વાત આવતાં સુજાતાએ કહ્યું, "પણ આપણે બહાનું શું બનાવશું? રાતે તો મમ્મી કોઈ ચોક્કસ બહાનાં વગર બહાર એક ડગલું પણ મૂકવાં નહીં દે મને."

"એ પ્લાન પણ મારી પાસે છે. કાલ મારાં એક ફ્રેન્ડની બર્થડે પાર્ટી છે, અને તેને તું પણ ઓળખે છે. એ અહીં ઘરે પણ ઘણીવાર આવી ગયો છે." રાજુએ કહ્યું.

"તું વાતને ફેરવ નહીં. તે ફ્રેન્ડ કોણ છે? અને પ્લાન શું છે? એ જણાવ." સુજાતાએ રાજુની ગોળ-ગોળ વાતોથી પરેશાન થઈને કહ્યું.

"એ ફ્રેન્ડ આદિત્ય છે." રાજુએ કહ્યું.

"અરે, એ આદિત્યને તો કેમ નાં ઓળખું? એ જ્યારે આવતો ત્યારે મને ચીડવ્યા જ કરતો." સુજાતાએ પહેલાંનું યાદ કરતાં કહ્યું.

"હાં, તો તું ક્યાં ઓછી હેરાન કરતી તેને!! તું જ તેને તારી સાથે લડવા ઉશ્કેરતી." રાજુએ કહ્યું.

"હાં, બસ હવે તારાં મિત્રની તરફદારી બંધ કર, અને પ્લાન શું છે? એ જણાવ મને." સુજાતાએ મુદ્દાની વાત પર આવતાં કહ્યું.

"એ આદિત્યનો જ કાલ બર્થ-ડે છે. તો હું તેને કહી દઈશ કે, એ તને પણ તેની પાર્ટીમાં આવવાનું આમંત્રણ આપે. પછી આપણે બંને ત્યાં જાશું, અને પાર્ટી પૂરી થઈ ગયાં પછી આપણે તારાં ઘરે જઈને તારાં પપ્પા વિશે માહિતી મેળવીશું." રાજુએ પૂરો પ્લાન સમજાવતાં કહ્યું.

"ઓકે, તો આપણે એમ જ કરીશું. આદિત્યને ત્યાં જવાનું છે, તો મમ્મી કે પપ્પા કોઈ નાં નહીં પાડે." સુજાતાએ રાજુના પ્લાનનો સ્વીકાર કરતાં કહ્યું.

"તો હવે તું આરામથી સૂઈ જા. આપણે કાલ તારાં ઘરે જઈને, તારાં પપ્પા સુધી પહોંચવાનો કોઈ રસ્તો તો શોધી જ લેશું." રાજુએ સુજાતાને વિશ્વાસ અપાવતાં કહ્યું.

"ઓકે, તું પણ સૂઈ જા." સુજાતા રાજુને પણ સુવાનું કહી, પોતાનાં રૂમમાં જતી રહી.

*****

અહીં કલ્પેશભાઈ અને કમલાબેન પણ હજું જાગતાં હતાં, ને સુજાતાની જ વાતો કરી રહ્યાં હતાં.

"આપણે સુજાતાથી તેનાં અસલી પપ્પા વિશે છુપાવીને, કાંઈ ખોટું તો નથી કરી રહ્યાં ને?" કમલાબેને કલ્પેશભાઈને પૂછ્યું.

"આટલાં સમય પછી, તને આજે આવો વિચાર કેમ આવ્યો?સુજાતાથી હકીકત છુપાવવાનો વિચાર તો તારો જ હતો ને?" કલ્પેશભાઈએ કહ્યું.

"હાં, વિચાર તો મારો જ હતો. પણ હવે સુજાતા મોટી થઈ ગઈ છે. કદાચ ક્યારેક તેને બધી વાતની ખબર પડી જાશે તો?" કમલાબેને પોતાનાં મનનો ડર વ્યક્ત કરતાં કહ્યું.

"તેને કેવી રીતે ખબર પડે? આપણે કોઈ એવી વસ્તુ રાખી જ નથી. જેનાં દ્વારા સુજાતાને કોઈ પણ વાતની જાણકારી મળી શકે." કલ્પેશભાઈએ કમલાબેનને સમજાવતાં કહ્યું.

"વાત તો તમારી સાચી છે. પણ આજ ખબર નહીં કેમ, મનમાં એક ડર સતાવી રહ્યો છે." કમલાબેને ચિંતિત સ્વરે કહ્યું.

"તું ચિંતા નાં કર. કાંઈ નહીં થાય. ભગવાન પર ભરોસો રાખ. તે જે કરશે એ સારું જ કરશે." કલ્પેશભાઈએ કમલાબેનને સાંત્વના આપતાં કહ્યું.

"પણ-" કમલાબેન એટલું બોલી જ અટકી ગયાં.

"શું પણ? જે હોય તે કાંઈ પણ વિચાર્યા વગર કહી દે." કલ્પેશભાઈએ કહ્યું.

"આપણે આ ઘરે આવ્યાં, ત્યારે સુજાતાએ અચાનક મને તેનાં જન્મસ્થળ વિશે પૂછ્યું. પણ મેં તેને તેનો જન્મ અમદાવાદ તેની નાનીના ઘરે થયો હતો, એમ કહી દીધું. જ્યારે તેનો જન્મ સુરત થયો હતો. જે વાત પાછળની હકીકત આપણે જ જાણીએ છીએ." કમલાબેને બધી ચોખવટ કરતાં કહ્યું.

"એવી નાની એવી વાતથી સુજાતાને કાંઈ ખબર નહીં પડે. આમ પણ તેને તો અમદાવાદની જ ખબર છે. તો એ તે બાબત વિશે ક્યાં જાણવાં જવાની? ને જાણવાં માટે તેને આપણે ખોટું બોલીએ છીએ, એ પણ ખબર તો હોવી જોઈએ ને?" કલ્પેશભાઈએ કમલાબેનને હકીકત જણાવતાં કહ્યું.

"હાં, એ વાત તમે સાચી કહી. સુજાતાને તો‌ જેટલું મેં જણાવ્યું, એટલી જ ખબર છે." કમલાબેને કહ્યું.

"તો હવે એ બધાં વિચાર છોડીને આરામથી સૂઈ જા. સવારે તારે વહેલાં પણ ઉઠવું હોય." કલ્પેશભાઈએ એકદમ હળવાં અને પ્રેમાળ સૂરમાં કહ્યું.

"હાં, ઠીક છે. તમે પણ સૂઈ જાવ. તમારે પણ ઓફિસે જવું હોય." કમલાબેને કહ્યું.

બધી વાતો કરીને, બંને પતિ-પત્ની સૂઈ ગયાં. આ તરફ સુજાતાએ તેનાં મમ્મી-પપ્પાની બધી વાતો સાંભળી લીધી હતી. આથી હવે તેને વિશ્વાસ આવી ગયો હતો કે, પોતે જે વિચારે છે, એ સાચું છે. કલ્પેશભાઈ તેનાં પપ્પા નથી.

હવે તો સુજાતા તેનાં અસલી પપ્પા સુધી પહોંચવા અધીરી બની ગઈ હતી. તેણે મનોમન નક્કી કરી લીધું કે, કાંઈ પણ થાય એ તેનાં પપ્પા સુધી પહોંચીને જ રહેશે.


(ક્રમશઃ)