Unique Tale of Unfulfilled Love - 3 books and stories free download online pdf in Gujarati

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 3

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૩


આઠ વર્ષ પછી રાજુ કોલેજમાં આવી ગયો હતો. સુજાતાનો અગિયારમાં ધોરણનો અભ્યાસ ચાલું હતો. સુજાતાએ કોમર્સ રાખ્યું હતું. તે પોતાનાં અભ્યાસમાં બહું વ્યસ્ત રહેતી. રાજુ સુજાતાનાં અભ્યાસમાં તેની પૂરી મદદ કરતો. સુજાતા સાથે રહીને રાજુને જીવન જીવવાની નવી ઉમ્મીદ મળતી. તે વધુમાં વધું સમય સુજાતા સાથે જ પસાર કરતો.

આઠ વર્ષ પછી ઘણું બધું બદલાઈ ગયું હતું. બસ, રાજુનું ઘર અને તેનો ભૂતકાળ એમ જ અકબંધ હતાં. બસ ફરક એટલો હતો. રાજુ હવે પોતાનો ભૂતકાળ કોઈની સામે યાદ નાં કરતો. રાતે પોતાનાં રૂમમાં એકલાં બેસી તેની મમ્મીનાં ફોટોની સામે રોજ જે-જે બનતું તે બધી વાતો કરીને, પોતાનું મન હળવું કરી લેતો.

સુજાતા આ બધું જાણતી હતી. તેમ છતાં રાજુ આગળ વધવાની પૂરી કોશિશ કરી રહ્યો હતો, અને ખુશ પણ હતો. આથી તે રાજુને એ બાબતે કાંઈ પણ કહેવાનું ટાળતી.

એક દિવસ રાજુ કોલેજેથી ઘરે આવ્યો, ત્યારે સુજાતા ઘરે એકલી જ હતી. રાજુ પોતાનું બેગ પોતાનાં રૂમમાં મૂકીને સુજાતાનાં રૂમમાં ગયો. રાજુએ સુજાતાનાં રૂમમાં જઈને જોયું, તો સુજાતા રડતી હતી. રાજુને આવેલો જોઈ, સુજાતાએ પોતાનાં આંસુ સાફ કરીને કહ્યું, "અરે, તું ક્યારે આવ્યો? ચાલ હું તને જમવાનું આપું. આજે મમ્મી-પપ્પા તો ચેતનને લઈને બહાર ગયાં છે."

સુજાતા ઉભી થઈને રૂમની બહાર જવા જતી હતી. ત્યાં જ રાજુએ તેનો હાથ પકડી તેને રોકી, અને પૂછ્યું, "જમવાનું પછી, પહેલાં તું એ કહે કે, તું રડતી શાં માટે હતી?"

રાજુનાં સવાલથી સુજાતાનાં ચહેરાનાં હાવભાવ બદલાયાં, તેનાં શબ્દો પણ ગુંચવાઈ ગયાં, "અરે, એ તો...બસ.."

સુજાતા એક પણ વાક્ય પૂરું નહોતી બોલી રહી. જે જોઈ રાજુએ તેને બેડ પર બેસાડી, અને કહ્યું, "શું અરે એતો? બસ?જે કહેવું હોય એ સાચું અને વ્યવસ્થિત કહી દે. બાકી મને તારી પાસેથી સાચી વાત કઢાવતાં આવડે છે." એમ કહી રાજુ આગળ કંઈક બોલવાં જતો હતો. ત્યાં જ સુજાતાએ ઈશારો કરી તેને ચૂપ રહેવાનું કહ્યું.

સુજાતાનો ઈશારો સમજી રાજુએ કહ્યું, "તો જે હોય તે ફટાફટ બોલવાં માંડ."

સુજાતાએ પોતાનાં બેગમાંથી એક પેપર કાઢીને રાજુને આપ્યું. રાજુ એ પેપર જોઈને હસવા લાગ્યો. એ પેપર સુજાતાનું બર્થ સર્ટિફિકેટ હતું. જેમાં સુજાતાનાં પપ્પા કલ્પેશભાઈનાં નામની જગ્યાએ માધવભાઈ લખેલું હતું, ને સરનેમ પણ મલ્હોત્રાની જગ્યાએ ખુરાના હતી.

રાજુએ એ પેપર જોઈને હસતાં-હસતાં કહ્યું," આ તારાં પપ્પાનું નામ અને સરનેમ કોણે બદલી નાખ્યાં?"

રાજુને હસતો જોઈને સુજાતાએ કહ્યું, "એમાં હસવાની શું વાત છે? ને હાં મારાં પપ્પાનું નામ અને સરનેમ કોઈએ બદલી નથી. આ બર્થ સર્ટિફિકેટમાં જે નામ છે, એજ મારાં અસલી પપ્પા છે."

સુજાતાની વાત સાંભળી રાજુએ કહ્યું, "અરે તું પણ શું આ બધું લઈને બેઠી છે? કોઈએ તારી સાથે મજાક કરી છે. પહેલાં તું મને એ કહે કે, આ બર્થ સર્ટિફિકેટ તને કોણે આપ્યું?"

રાજુની વાત સાંભળી સુજાતાએ કહ્યું, "મારી સાથે કોઈએ કોઈ મજાક નથી કરી. આ બર્થ સર્ટિફિકેટ આઠ વર્ષ પહેલાં જ્યારે હું અહીં તારી ઘરે આવી. ત્યારે મારાં મમ્મીનાં રૂમનો બધો સામાન પેક કરતી વખતે, મને તેનાં સામાનમાંથી જ આ બર્થ સર્ટિફિકેટ મળ્યું છે."

સુજાતાની વાત સાંભળી રાજુને કાંઈ સમજમાં નાં આવતાં તે એકપણ શબ્દ બોલી નાં શક્યો. રાજુનાં ચહેરાનાં હાવભાવ જોઈને, સુજાતાએ કહ્યું, "કેમ શું થયું? તારી બોલતી કેમ બંધ થઈ ગઈ? હવે હસને!"

સુજાતા એટલું બોલીને જ ફરી રડવા લાગી. સુજાતાને રડતી જોઈ રાજુએ પૂછ્યું, "આ સર્ટીફીકેટ તને તારી ઘરે જ મળ્યું. તો એ સાચું જ હોય એવું જરુરી તો નથી ને?"

રાજુની વાત સાંભળી સુજાતાએ કહ્યું, "એમાં માત્ર મારાં પપ્પાનું નામ જ બીજું છે. મમ્મીનું નામ તો એનું એજ છે. તો એવું કેમ? એ તું જણાવી શકે?"

સુજાતાની વાત સાચી હતી. આથી રાજુ પણ કાંઈ બોલી નાં શક્યો. ત્યાં જ સુજાતાએ કહ્યું, "આ બર્થ સર્ટિફિકેટ સાચું છે, એની મને પૂરી ખાતરી છે. કેમકે, આ બર્થ સર્ટિફિકેટ મળ્યાં પછી, જયારે મેં મમ્મીને પૂછ્યું કે," મારો જન્મ નાનીને ત્યાં, અમદાવાદ થયો હતો ને? તો મમ્મીએ હાં પાડી હતી. જ્યારે આ સર્ટીફીકેટમાં સુરત લખેલું છે, અને મારાં નાની અમદાવાદમાં રહે છે, સુરતમાં નહીં."

સુજાતા પાસે બર્થ સર્ટિફિકેટ સાચું હોવાનાં બધાં પુરાવાઓ હતાં. આથી રાજુએ વધું કાંઈ નાં બોલીને સીધું જ કહ્યું,"તો તારે ત્યારે જ તારાં મમ્મીને જ પૂછી લેવાય ને કે, એ ખોટું કેમ બોલે છે!"

"તે મારી સામે મારો જન્મ કયાં થયો, એ બાબતે ખોટું બોલ્યાં, તો એને આ સર્ટીફીકેટ વિશે પૂછું, ને એ સાચું કહી દે, એતો શક્ય જ નથી ને!" સુજાતાએ કહ્યું.

"તો હવે તું શું કરીશ? આ બાબતમાં આગળ જાણવાં માટે." રાજુએ સુજાતા સામે પ્રશ્નાર્થભરી નજરે જોઈને કહ્યું.

સુજાતા પાસેથી કોઈ જવાબ નાં મળતાં રાજુને થયું, સુજાતાએ આગળ શું કરવું, એ બાબતે કાંઈ વિચાર્યું નથી.એટલે રાજુએ જ કહ્યું, "જો તું તારાં અસલી પપ્પા કોણ છે? એ જાણવાં માંગતી હોય, તો મારી પાસે એક રસ્તો છે."

રાજુની વાત સાંભળી સુજાતાએ પૂછ્યું, "શું રસ્તો છે?"

"આપણે પહેલાં તું જ્યાં રહેતી, એ ઘરે જઈને તારાં પપ્પાનો કોઈ ફોટો કે બીજી કોઈ એવી વસ્તુ હોય, એ શોધીએ, જે તારાં પપ્પા સુધી પહોંચવામાં આપણી મદદ કરી શકે." રાજુએ રસ્તો બતાવતાં કહ્યું.

"તારો વિચાર સારો છે, પણ મારાં અંદાજ મુજબ હવે ત્યાં કોઈ એવી વસ્તુ આપણને નહીં મળે. અને આમ પણ ત્યાં જવા માટે એ ઘરનાં તાળાંની ચાવી જોશે. જે હંમેશા મારાં પપ્પાની ઓફિસમાં રહે છે." સુજાતાએ કહ્યું‌.

"તને કેમ ખબર, એ ચાવી તારા પપ્પાની ઓફિસમાં રહે છે?" રાજુએ પૂછ્યું.

"હું એકવાર ઓફિસે ગઈ હતી. ત્યારે ઓફિસનો એક આદમી પપ્પા પાસે એ ઘરની ચાવી લેવાં આવ્યો હતો. પપ્પાને તે ઘરેથી ઓફિસને લગતી અમુક ફાઈલોની જરૂર હતી, તો ત્યારે મેં પપ્પાને તેની ઓફિસનાં લોકરરૂમમાંથી એ ચાવી કાઢીને આપતાં જોયાં. ત્યારે મને આ વાતની ખબર પડી." સુજાતાએ બધી વાતની ચોખવટ કરતાં કહ્યું.

"તારાં પપ્પાએ જે લોકરમાં એ ચાવી રાખી હતી, એ લોકરનો નંબર તને ખબર છે?" રાજુએ સુજાતાને પૂછ્યું.

"નાં, કેમકે પપ્પા એ રૂમમાં એકલાં જ ગયાં હતાં. પણ, મારાં અંદાજ મુજબ ચેતનની બર્થ ડેટ અને પપ્પાનો લક્કી નંબર બંને મિક્ષ કરીને કોઈ એક નંબર બને એવો કોઈ નંબર લોકરનો નંબર હોવો જોઈએ." સુજાતાએ અંદાજ લગાવતાં કહ્યું.

"તને પૂરી ખાતરી છે?" રાજુએ કોઈ પણ કામ કર્યા પહેલાં બધી જાણકારી મેળવી લેવી સારી, એમ વિચારીને સુજાતાને પૂછ્યું.

"નાં, ખાતરી તો નહીં, પણ પપ્પા ગમે તે વસ્તુનો પાસવર્ડ રાખવાં માટે તેનો લક્કી નંબર મિક્ષ કરી, ચેતનની બર્થ ડેટ રાખે છે, એવો મને પપ્પાનું જે બેંકમાં લોકર છે, તે લોકરનાં નંબર પરથી અંદાજો છે, કેમકે, બેંકના લોકરનો નંબર પણ તેનાં લક્કી નંબર સાથે ચેતનની બર્થ ડેટનું વર્ષ મિક્સ કરીને જ રાખ્યો છે. તો ઓફિસનાં લોકરનો નંબર ચેતનની બર્થ ડેટની તારીખ સાથે મિક્ષ કરીને રાખ્યો હોવો જોઈએ." સુજાતાએ તુક્કો લગાવતાં કહ્યું.

"તો આપણે બંને એક દિવસ કોઈ કામથી ઓફિસે જાશું, અને ચાવી લઈ આવીશું, પછી તારી ઘરે જઈને બધી વસ્તુઓ ચેક કરીશું. જેથી તારાં પપ્પા સુધી પહોંચવાની કોઈ કડી મળી શકે. "રાજુએ આગળ કોઈ રોમાંચક સફર શરૂ થવાની હોય, એવાં ઉત્સાહિત થઈને કહ્યું.

"ઓકે, પણ આપણે ક્યાં કામથી ઓફિસે જાશું, એ વિચાર્યું છે?" સુજાતાએ કહ્યું.

"એ હવે હું તને વિચારીને કહીશ. હાલ તો બહું ભૂખ લાગી છે, હવે જમવા મળશે?" રાજુએ પોતાનાં પેટ પર હાથ ફેરવતાં ફેરવતાં કહ્યું.

"હાં, ચાલ. હવે તો બધું ઠંડું થઈ ગયું હશે. તું નીચે આવ, ત્યાં હું ફરી ગરમ કરી લઉં." સુજાતાએ એકદમ હળવાં સૂરમાં કહ્યું.

સુજાતાએ નીચે કિચનમાં જઈને એક પ્લેટમાં બધું જમવાનું મૂકી, તેને ઓવનમાં ગરમ થવા મૂક્યું, ત્યાં જ રાજુ આવ્યો. જમવાનું ગરમ કરી સુજાતા બહાર ડાઇનિંગ ટેબલ પર બધું મૂકીને, રાજુ પાસેની ખુરશીમાં બેસી ગઈ, ને રાજુને જમવાનું પરોસી બંને જમવા લાગ્યાં.

સુજાતા હજું પણ ઉદાસ હતી. જે જોઈ રાજુએ પોતાનો હાથ સુજાતાના હાથ પર મૂકીને કહ્યું, "હવે ચિંતા નાં કર. આપણે તારાં અસલી પપ્પા કોણ છે, એ જલ્દી જ જાણી લેશું. મારા પર વિશ્વાસ રાખ."

રાજુની વાત સાંભળી, સુજાતાની અડધી તકલીફ તો એમ જ દૂર થઈ ગઈ.

રાજુ જમીને પોતાનાં રૂમમાં જઈને, ફરી સુજાતાએ આપેલું બર્થ સર્ટિફિકેટ જોવા લાગ્યો. તેને એમાં જે સુજાતાનાં અસલી પપ્પા હતાં, તેનું નામ જોઈને, એ નામ પોતે પહેલાં ક્યાંક સાંભળેલું હોય, એવું લાગ્યું. મગજ પર ઘણું જોર આપવા છતાં રાજુને એ વ્યક્તિનું નામ ક્યાં સાંભળ્યું હતું, એ યાદ નથી આવતું.

સુજાતા કિચન સાફ કરીને બહાર હોલમાં આવી, ત્યાં જ કલ્પેશભાઈ અને કમલાબેન ચેતન સાથે ઘરમાં પ્રવેશ્યાં. કમલાબેને આવીને તરત પૂછ્યું, "બેટા,રાજુ ક્યાં? તમે લોકોએ જમી લીધું?"

"તે હમણાં જ જમીને તેનાં રૂમમાં ગયો. તમારો દિવસ કેવો રહ્યો?" સુજાતાએ કમલાબેનને પૂછ્યું.

"બહુ મજા કરી અમે તો, પણ તું નાં આવી એ મને જરાય નાં ગમ્યું. તું આવી હોત તો વધું મજા આવત." કમલાબેને શિકાયત કરતાં કહ્યું.

"અરે મમ્મી, મારે શાળાએ જવું પણ જરૂરી હતું, ને આમ પણ દર વખતે તો આપણે બધાં સાથે જ જતાં હોઈએ છીએ. એક વખત હું નાં આવી તો શું થયું?" સુજાતાએ તેનાં મમ્મીને સમજાવતાં કહ્યું.

"સારું, હવે બીજી વખત હું તારું કોઈ બહાનું નહીં સાંભળુ, તારે અને રાજુએ બંનેએ અમારી સાથે આવવું જોશે." કમલાબેને ફરમાન જાહેર કરતાં કહ્યું.

"હાં સારું, અમે જરૂર આવશું." સુજાતાએ મમ્મીનું ફરમાન સ્વીકારતાં કહ્યું.

સુજાતા બધાં સાથે વાતો કરતી હતી, ત્યાં જ રાજુએ તેને ઉપર પોતાનાં રૂમમાં બોલાવી. કમલાબેન અને કલ્પેશભાઈ પોતાનાં રૂમમાં જતાં રહ્યાં. સુજાતા રાજુનાં રૂમમાં ગઈ. ચેતન હવે અગિયાર વર્ષનો થઈ ગયો હતો, તો તેને પણ તેનો અલગ રૂમ આપી દેવામાં આવ્યો હતો, આથી ચેતન પોતાનાં રૂમમાં જઈને સૂઈ ગયો.

સુજાતા રાજુનાં રૂમમાં પહોંચી, એટલે રાજુએ કહ્યું, "મને તારાં પપ્પાની ઓફિસમાં જવાનો રસ્તો મળી ગયો છે."

"શું... શું...? જલ્દી બોલ." સુજાતાએ આનંદિત સ્વરે કહ્યું.

"હું કોમર્સનો સ્ટુડન્ટ છું, તો મારે પણ બિઝનેસ અંગેનું જ ભણવાનું આવતું હોય. તો હું બિઝનેસ ડેવલપમેન્ટનાં પ્રોજેક્ટનાં બહાને તારાં પપ્પાની ઓફિસમાં જઈશ." રાજુએ પોતાનો પ્લાન સમજાવતાં કહ્યું.

"મતલબ, તું એકલો જઈશ?" સુજાતાએ રાજુ સામે પ્રશ્નાર્થસૂચક નજરે જોતાં કહ્યું.

"અરે, નાં હવે. તું પણ કોમર્સ જ કરે છે ને! તો તું એમ કહી દેજે, કે રાજુ આવતો હતો. તો મને થયું, હું પણ અત્યારથી જ થોડીઘણી માહિતી મેળવી લઉં. જેથી હું પણ રાજુ સાથે મળીને આપણો બિઝનેસ આગળ વધારી શકું." રાજુએ સુજાતાને સાથે આવવાનો રસ્તો બતાવતાં કહ્યું.

"ઓકે, તો કાલ રવિવાર છે, તો આપણે કાલ જ આપણો પ્લાન શરૂ કરી દઈએ. આમ પણ પપ્પા રવિવારે પણ ઓફિસે જતાં જ હોય છે, તો આપણું કામ આસાનીથી થઈ જાશે." સુજાતાએ કહ્યું.

"ઓકે, ડન." રાજુએ સુજાતાને અંગૂઠો બતાવતાં કહ્યું.


(ક્રમશઃ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED