અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૧૯
સુજાતાના બારમાં ધોરણની પરીક્ષા પૂરી થઈ ગઈ હતી. થોડાં દિવસનાં વેકેશન પછી, સુજાતાએ કોલેજ જવાનું ચાલું કરી દીધું હતું. સુજાતાએ રાજુ અને આદિત્યની કોલેજમાં જ એડમિશન લીધું હતું.
અરવિંદભાઈ અને રાજુ પણ રાજકોટથી ફરી સુરત આવતાં રહ્યાં હતાં. રાજુ અરવિંદભાઈ સાથે તેનાં બંગલે જ રહેતો હતો. જ્યારે સુજાતા તેનાં મમ્મી-પપ્પા સાથે ફરી તેનાં પોતાનાં ઘરે આવતી રહી હતી. સુજાતા અને રાજુની મિત્રતા ગાઢ બની ગઈ હતી. હવે રાજુ, સુજાતા અને આદિત્ય વધુ સમય એકબીજા સાથે જ વિતાવતાં. આમ છતાં અરવિંદભાઈએ હજું સુધી રાજુને આદિત્ય અને સુજાતા એકબીજાને પ્રેમ કરે છે, એ જણાવ્યું નહોતું.
અરવિંદભાઈએ ફરી તેનો બિઝનેસ સંભાળી લીધો હતો. માધવભાઈ અને જસવંતભાઈ ફરી અરવિંદભાઈની ઓફિસમાં કામ કરવાં લાગ્યાં હતાં.
આટલાં સમય દરમિયાન સુજાતા અને આદિત્ય વધુ ને વધુ એકબીજાની નજીક આવવા લાગ્યાં હતાં. રવિવારની રજા હોવાથી સુજાતા આદિત્યની ઘરે આશાબેનને મળવાં આવી હતી. સુજાતા આદિત્યના ઘરમાં પ્રવેશી.
"અરે બેટા, આવ આવ. તું તો હમણાં જાણે આંટીને ભૂલી જ ગઈ હતી."
"નાં આંટી, એવું કાંઈ નથી. હજું હમણાં જ બારમાંની પરિક્ષા પૂરી થઈ. તો આટલો સમય ક્યાંય ગયાં નહોતાં. તો મમ્મીના આગ્રહથી બધાં સગાંસંબંધીઓને ત્યાં ગયાં હતાં.
"ત્યાંથી આવી તરત કોલેજમાં ફોર્મ ભરવાની તૈયારી કરી. પછી કોલેજ જવા લાગી. તો સમય જ નાં મળતો."
"વાંધો નહીં. તું આવી એજ મારાં માટે ઘણું છે. આદિત્ય ઉપર છે. તું ત્યાં જા. હું નાસ્તો લઈને આવું."
"ઓકે આંટી."
આશાબેન કિચનમાં નાસ્તો લેવાં જતાં રહ્યાં. સુજાતા ઉપર આદિત્યના રૂમમાં જવા સીડીઓ ચડવા લાગી. ઉપર જતાં જ પહેલો રૂમ કિશનભાઈનો આવ્યો. કિશનભાઈનો રૂમ જોઈ ફરી બધી યાદો તાજી થઈ ગઈ. સુજાતાની આંખમાં એક આંસુ આવી ગયું. સુજાતા થોડીવાર ત્યાં જ ઉભી રહી ગઈ. પછી આંખમાં આવેલું આંસુ સાફ કરીને આદિત્યના રૂમ તરફ આગળ વધી.
સુજાતા આદિત્યનાં રૂમમાં ગઈ. રવિવારની રજા હોવાથી આદિત્ય હજું સૂતો જ હતો. આદિત્ય હાથમાં ફાઈલ અને બાજુમાં લેપટોપ રાખીને જ સૂઈ ગયો હતો.
સમય કેટલો ઝડપથી વિતી જતો હોય છે. એ સુજાતાને આજ સમજાયું. આદિત્ય ક્યારે મસ્તીખોર આદિમાંથી સમજદાર આદિત્ય બની ગયો, એ સુજાતાને આજ સમજમાં આવ્યું. કિશનભાઈના ગયાં પછી આદિત્યએ આશાબેનને અને ઘરને બહું સારી રીતે સંભાળી લીધું હતું. આદિત્યએ તેનાં મિત્ર સાથે એક બિઝનેસ પણ ચાલું કરી દીધો હતો. જે બિઝનેસ પાછળ આદિત્ય દિવસ-રાત મહેનત કરી રહ્યો હતો.
સુજાતા આદિત્યનાં હાથમાંથી ફાઈલ લેવાં ગઈ. ત્યાં જ આદિત્ય ઉઠી ગયો. સુજાતાને સવાર સવારમાં પોતાની સામે જોઈને આદિત્યને નવાઈ લાગી. પહેલીવાર તો પોતે જાણે કોઈ સપનું જોતો હોય એવું લાગ્યું.
એક એવું સપનું જે આદિત્ય માટે ખુશીઓનો ખજાનો હતું. એક એવું સપનું જેનાં સાકાર થતાં જ આદિત્યનું આખું જીવન બદલાઈ ગયું હતું.
દિવસનાં ઉગતા સુરજની રોશની હોય કે, રાતનાં ચંદ્રની ચાંદની, આદિત્ય માટે તો એ બંને સુજાતા જ હતી. સુજાતાનો ખીલેલો ચહેરો જ આદિત્ય માટે તેનાં જીવનની રોશની હતી. સુજાતાની મીઠી મધુરી વાણીમાં છલકાતો પ્રેમ ચંદ્રની ચાંદનીથી પણ વધુ શીતળ હતો.
આદિત્ય હજું કાંઈ સમજે એ પહેલાં જ આશાબેન નાસ્તો લઈને આવ્યાં.
"તું હજું સુધી સૂતો જ છે!! હવે ઉઠી જા. હું તારાં અને સુજાતા બંને માટે નાસ્તો અને કોફી લાવી છું."
આશાબેન નાસ્તો અને કોફી મૂકીને નીચે જતાં રહ્યાં. આશાબેનના મોઢે સુજાતાનું નામ સાંભળીને, આદિત્યને વિશ્વાસ આવી ગયો કે, પોતે કોઈ સપનું નથી જોઈ રહ્યો. સુજાતા સાચે જ તેની સામે ઉભી હતી.
સુજાતા ફાઈલ લઈને મૂકવાં જતી હતી. ત્યાં જ આદિત્યએ તેનો હાથ પકડીને તેને પોતાની તરફ ખેંચી. આદિત્યની એવી હરકતથી સુજાતાએ આદિત્યના ગાલ ખેંચ્યા.
"પાગલ હવે ઉઠ અને નાહવા જા. ફરી આંટી આવશે તો તને જ ખીજાશે."
સુજાતા આદિત્યને હળવો ધક્કો મારીને ઉભી થઈ ગઈ, ને ટેબલ પર નાસ્તો ગોઠવવાં લાગી. આદિત્ય ઉભો થઈને ફટાફટ નાહવા ચાલ્યો ગયો. ત્યાં સુધીમાં સુજાતાએ નાસ્તો ગોઠવીને, બેડ પરની ચાદર સરખી કરી લીધી. લેપટોપ અને ફાઈલ લઈને તેની જગ્યાએ ગોઠવવાં લાગી.
આદિત્ય નાહીને બહાર આવ્યો. સુજાતાને એ રીતે પોતાનો રૂમ સરખો કરતાં જોઈને, આદિત્ય હસવા લાગ્યો. બધી વસ્તુઓ ગોઠવીને સુજાતા પાછળ ફરી, તો આદિત્ય તેની સામે જોઈને મુસ્કુરાતો હતો.
આદિત્યને એ રીતે મુસ્કુરાતો જોઈને સુજાતા તેની સામે ગુસ્સાવાળી નજરથી જોવાં લાગી. સુજાતાના ચહેરાનાં બદલાતાં હાવભાવ જોઈને, આદિત્ય તેની તરફ આગળ વધ્યો.
સુજાતાને કમરેથી પકડીને પોતાની તરફ ખેંચી, તેની નશીલી આંખોમાં જોવાં લાગ્યો. આદિત્યની કાતિલ નજરથી સુજાતાએ નજરો ઝુકાવી લીધી. આદિત્યએ સુજાતાની દાઢી પકડીને તેનો ચહેરો ઉપરની તરફ કર્યો. સુજાતા ફરી શરમાઈને આદિત્યનાં ગળે વીંટળાઈ ગઈ.
આદિત્યએ સુજાતાને વધુ કસીને પોતાની બાહોમાં જકડી લીધી. બંને એકબીજાંની બાહોની હૂંફમાં ખોવાઈ ગયાં. આદિત્ય ધીમે-ધીમે સુજાતાની ગરદનને પોતાનાં હોઠથી ચૂમવા લાગ્યો. સુજાતા આદિત્યના હોઠોનાં સ્પર્શની ગરમીથી તેનાં પ્રેમમાં ઓગળવા લાગી.
સુજાતાનો ચહેરો બંને હાથે પકડીને આદિત્યએ પોતાનાં ગરમ હોઠ સુજાતાનાં હોઠ પર મૂકી દીધાં. બંને એકબીજાનાં હોઠો સાથે રમવા લાગ્યાં. આ બંનેનાં શરીરનો પહેલો સ્પર્શ હતો. બંને એકબીજામાં સંપૂર્ણપણે ખોવાઈને બધું ભૂલી ગયાં હતાં.
સતત પાંચ મિનિટ સુધી એકબીજાનાં હોઠોનો સ્વાદ માણ્યાં પછી આદિત્યએ સુજાતાનાં કપાળને ચૂમીને ફરી તેને પોતાની બાહોમાં જકડી લીધી. બંને જાણે આજે જ એકબીજાનાં બની જવા માટે તત્પર હતાં. બંનેમાંથી કોઈની અલગ થવાની ઈચ્છા નહોતી.
સુજાતા આદિત્યને ગળે વળગીને જ બોલી રહી હતી.
"આદિ તું આમ જ બધી મુસીબતોમાં મારો સાથ આપજે. તું ક્યારેય મને છોડીને નાં જતો."
"અરે ગાંડી, હવે હું તારાં જીવનમાં કોઈ મુસીબત આવવાં જ નહીં દવ. તું તો મારું જીવન છે. તારાં થકી જ હું અત્યારે આટલો ખુશ છું. પપ્પાનાં ગયાં પછી, તે જ મને જીવતાં શીખવાડ્યું છે. તો હું તને છોડીને કેવીરીતે જાવ?"
આદિત્યએ હળવેકથી સુજાતાને પોતાનાંથી અલગ કરી, તેનાં બંને હાથ પકડ્યાં. બંને હાથ ચૂમીને, તેને નાસ્તાનાં ટેબલ પાસે લઈ ગયો. બંનેએ નાસ્તો કર્યો, પછી બંને નીચે ગયાં. આશાબેન સાથે થોડી વાતો કરીને, સુજાતાએ વિદાય લીધી.
આદિત્ય સુજાતાને દરવાજા સુધી મુકવા ગયો. સુજાતાએ બહાર નીકળી પોતાની એક્ટિવા ચાલું કરી. આદિત્યએ સુજાતાનો હાથ પકડી તેનાં હાથ પર કિસ કરી. સુજાતાએ આદિત્યનાં ગાલ પર કિસ કરી, પછી એક્ટિવા લઈને ઘરે જવા નીકળી ગઈ.
આજે સુજાતા અને આદિત્યની ખુશી સાતમાં આસમાને પહોંચી ગઈ હતી. બંને બધી મુસીબતોનો સામનો કર્યા પછી, આજે પણ કોઈ પરેશાની વગર એકબીજાને મળ્યાં હતાં. એ વાતથી જ બંનેનાં દિલ ખુશીથી ઝૂમી રહ્યાં હતાં.
(ક્રમશઃ)