Adhura premni anokhi dastaan - 6 books and stories free download online pdf in Gujarati

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 6

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૬


સુજાતા આદિત્ય અને રાજુ ત્રણેય કારમાં સુજાતાની ઘરે આવી પહોંચ્યા હતાં.

"અરે આદિ, કાર કેમ રોકી?"

"અરે ભાઈ સુજાતાનું ઘર આવી ગયું. તો કાર તો રોકવી પડે ને!કે પછી કારને સીધી ઘરની અંદર જવા દવ?" આદિત્યએ મજાક કરતાં કહ્યું.

"તું નહીં સુધરે. તારે તો બધી વાતમાં મજાક જ હોય." આદિત્યના સ્વભાવથી વાકેફ એવાં રાજુએ કહ્યું.

"હવે હું તો જેવો છું એવો છું, હવે તમે બંને જલ્દીથી ઉતરો અને સુજાતાનાં ઘરમાં જઈને સબૂત શોધો. આપણી પાસે વધું સમય નથી." આદિત્યએ કહ્યું.

આદિત્યના કહેવાથી રાજુ અને સુજાતા કારનો દરવાજો ખોલી બહાર નીકળ્યાં. બહાર નીકળી રાજુએ કહ્યું, "ચાલો અંદર જઈને સબૂત શોધીએ."

"તમે બંને અંદર જાવ. હું અહીં બહાર જ ક્યાંક છુપાઈને ધ્યાન રાખું છું. જેથી જો કોઈ આવે તો હું તમને જણાવી શકું." આદિત્યએ કહ્યું.

"હાં રાજુ, આદિત્યની વાત તો સાચી છે. બહાર ધ્યાન રાખવું પણ જરૂરી છે." સુજાતાએ આદિત્યની વાતમાં હામી ભરતાં કહ્યું.

રાજુ અને સુજાતા બંને આદિત્યની વાતનો સ્વીકાર કરતાં સુજાતાના ઘરમાં ગયાં, ને આદિત્ય ઘરની બહાર જ કોઈ આવે નહીં, તેનું ધ્યાન રાખવા લાગ્યો.

સુજાતા સૌપ્રથમ તેનાં મમ્મી-પપ્પાના રૂમમાં ગઈ, ને બધી વસ્તુઓ નિરાંતે જોવાં લાગી. કબાટનાં બધાં ખાનાં તપાસી લીધાં. બધી ફાઈલો વીંખી નાંખી. બેડશીટની નીચે જોઈ લીધું. તેમ છતાંય ક્યાંયથી એક પણ એવી વસ્તુ નાં મળી, કે જે સુજાતાને તેનાં અસલી પપ્પા સુધી પહોંચાડવાનો કોઈ રસ્તો બતાવી શકે.

આખરે સુજાતા તેનાં મમ્મી-પપ્પાનો આખો રૂમ તપાસીને ડ્રોઈંગરૂમમાં ગઈ. ત્યાં પણ ઘણી મહેનત કરવા છતાં કાંઈ હાથમાં નાં આવ્યું. સુજાતા કંટાળીને હાર માનીને નીચે બેસી ગઈ. રાજુ તેનાં ખંભા પર હાથ મૂકીને તેને હિંમત નાં હારવા સમજાવી રહ્યો હતો. ત્યાં જ સુજાતાની નજર એક ફાઈલ પર ગઈ. જેમાંથી એક ફોટો અડધો બહારની તરફ દેખાતો હતો.

સુજાતાની નજર એ ફાઈલ પર પડતાં, તેને થયું કે, નક્કી આમાં કોઈ વસ્તુ તો મળવી જ જોઈએ. એમ વિચારી સુજાતા ફટાફટ ઉભી થઈને એ ફાઈલ જ્યાં પડી હતી, એ તરફ ગઈ. સુજાતાની અચાનક આવી હરકતથી રાજુ પણ તેની પાછળ પાછળ ગયો. ફાઈલ પાસે પહોંચીને સુજાતાએ ફાઈલ હાથમાં લઈને ખોલી. તો અંદર માત્ર એક ફોટો જ હતો, બાકી આખી ફાઈલ ખાલી હતી.

એ ફોટો કલ્પેશભાઈની ઓફિસનો હતો. જે જોતાં ઘણાં સમય પહેલાનો હોય, એવું લાગતું હતું. ફોટોની અંદર કલ્પેશભાઈ, કિશનભાઈ, રાજુના પપ્પા અરવિંદભાઈ અને ઓફિસના સ્ટાફના બીજાં ઘણાં બધાં મેમ્બર્સ હતાં. જેમાં અમુક જાણીતાં, તો અમુક અજાણ્યાં હતાં.

એ ફોટોમાં માત્ર એક જ સ્ત્રી હતી, બાકી બધાં પુરુષો હતાં. ફોટોમાં જે સ્ત્રી હતી. એ સ્ત્રી અત્યારે કલ્પેશભાઈની ઓફિસમાં કામ નહોતી કરતી. ફોટોને જોતાં એવું લાગતું હતું કે, એ સ્ત્રી કિશનભાઈને ખૂબ નજીકથી ઓળખતી હોવી જોઈએ. કેમકે, તે અને કિશનભાઈ પાસે-પાસે ઉભાં હતાં, અને બીજાં બધાં કરતાં તે બંનેનાં ચહેરા વધું ખુશ જણાતાં હતાં.

સુજાતાને એ સ્ત્રીને જોઈને એક જ વિચાર આવ્યો કે, એ સ્ત્રી જ તેને તેનાં અસલી પપ્પા સુધી પહોંચાડી શકશે. સુજાતા એ ફોટો તેનાં પર્સમાં મુકવા જતી હતી. ત્યાં જ આદિત્યનો રાડ પાડવાનો અવાજ સંભળાયો. સુજાતા અને રાજુ દોડીને ફટાફટ બહાર ગયાં. બહાર જઈને જોયું, તો આદિત્ય બહાર બેહોશ પડ્યો હતો. રાજુએ તેને ભાનમાં લાવવાની પૂરી કોશિશ કરી, તેમ છતાંય તે ભાનમાં નાં આવ્યો.

આખરે કોઈનાં આવવાનાં ડરથી, રાજુ આદિત્યને ઉંચકીને કારમાં બેસાડવા ગયો, ત્યાં જ કાર પાસે એક વ્યક્તિ જમીન પર ઉંધો પડ્યો હતો. તેને ચોકીદારનાં કપડાં પહેર્યા હતા. આથી રાજુને થયું, આ નક્કી આ ઘરનું ધ્યાન રાખતો ચોકીદાર જ હોવો જોઈએ. રાજુએ પહેલાં આદિત્યને કારની પાછળની સીટમાં સુવડાવી દીધો. પછી નીચે બેસીને તેણે ચોકીદારનું શરીર પલટાવ્યુ. શરીર પલટાવવાની સાથે જ રાજુને એક આંચકો લાગ્યો, ને રાજુ પૂતળાંની માફક ઉભો રહી ગયો. એ ચોકીદારનાં પેટમાં ચાકુથી વાર થયો હતો, અને ચોકીદાર મૃત્યું પામ્યો હતો. થોડીવાર તો રાજુને શું કરવું એજ નથી સમજાતું. ત્યાં જ સુજાતા ત્યાં આવી, તે પણ ચોકીદારને જોઈને ખૂબ જ ડરી ગઈ. સુજાતાને ડરેલી જોઇને, રાજુએ થોડાં સ્વસ્થ થવાની કોશિશ કરીને સુજાતાને કહ્યું, "તું ફટાફટ કારમાં બેસ, આપણે અત્યારે જ અહીંથી નીકળવું જોશે. જો આપણને કોઈ આ લાશ સાથે જોઈ લેશે, તો આપણે મુસીબતમાં પડી જાશું."

સુજાતાના કારમાં બેસતાની સાથે જ રાજુએ કારને આદિત્યના ઘર તરફ ભગાવી મૂકી. થોડીવારમાં બધાં આદિત્યના ઘરે પહોંચી ગયાં, પછી રાજુ આદિત્યને ઉંચકીને તેનાં રૂમમાં લઈ ગયો, ને બેડ પર સુવાડી દીધો, ને ત્યાં કોઈ આવે નહીં, એ માટે દરવાજો અંદરથી બંધ કરી દીધો.

રાજુ આદિત્યના મોંઢા પર પાણી છાંટી તેને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરતો હતો. ત્યારે સુજાતા પોતાનાં પર્સમાંથી પેલો ફોટો કાઢવાં લાગી. સુજાતાએ જેવો ફોટો કાઢવાં પર્સમાં હાથ નાંખ્યો કે, ફોટો પર્સમાં નથી એવી સુજાતાને જાણ થઈ. ફોટો નાં મળતાં સુજાતાએ તેનું આખું પર્સ જમીન પર ઉંધુ વાળી દીધું, ને બધી વસ્તુઓ વિખેરવા લાગી. સુજાતાની આવી હરકત જોઈ રાજુએ કહ્યું, "તું આ શું કરી રહી છે? એક તો આદિત્ય ભાનમાં નથી આવતો, ને તું આ શું તારું પર્સ ખોલીને બેઠી છો?"

"હું મને મારાં ઘરેથી જે ફોટો મળ્યો હતો, એ ફોટો શોધું છું. મેં મારું આખું પર્સ જોઈ લીધું. મને એ ફોટો ક્યાંય નથી મળતો." સુજાતાએ પરેશાન અવાજમાં કહ્યું.

"એકવાર સરખું ચેક કર. ફોટો પર્સમાં નાંખ્યો હોય, તો એમાં જ હોય ને!" રાજુએ કહ્યું.

"અરે, મેં સરખું જ જોયું. એ ફોટો ક્યાંય નથી." સુજાતાએ કહ્યું.

"તો ક્યાંક તું એ ફોટો ત્યાં જ ભૂલીને નથી આવી
ને?" રાજુએ અનુમાન લગાવતાં કહ્યું.

"મને પણ એવું જ લાગે છે. ચાલને આપણે ફરી ત્યાં જઈને એ ફોટો લેતાં આવીએ." સુજાતાએ કહ્યું.

"તું પાગલ થઈ ગઈ છે? ત્યાં એક મર્ડર થઈ ગયું છે. અહીં આદિત્ય બેહોશ છે, ને તારે એક ફોટો માટે ફરી ત્યાં જવું છે?" રાજુએ ગુસ્સે થતાં કહ્યું.

રાજુનો ગુસ્સો જોઈ, સુજાતાની આંખોમાં પાણી આવી ગયું. જે જોઈ રાજુએ તરત જ ઉભાં થઈને તેની પાસે જઈને કહ્યું, "યાર, તું થોડો સમય આ બધું રહેવા દે. એકવાર આદિત્યને ભાનમાં આવી જવા દે. પછી આપણે વિચારીશું કે આગળ શું કરવું. મેં તને કહ્યું હતું ને કે, હું તને તારાં પપ્પા સુધી પહોંચાડીશ જ, તો મારાં પર વિશ્વાસ રાખ."

રાજુ અને સુજાતા બંને વાતો કરતાં હતાં. ત્યાં જ આદિત્યના શરીરમાં હલનચલન થઈ. જે જોઈ રાજુ અને સુજાતા બંને તેની પાસે ગયાં. બરાબર એક મિનિટની અંદર આદિત્ય ભાનમાં આવી ગયો. આદિત્યના ભાનમાં આવતાંની સાથે જ રાજુએ તેને પાણી આપ્યું, અને પૂછ્યું, "તને શું થઈ ગયું હતું? મેં તને ભાનમાં લાવવાની કેટલી કોશિશ કરી, અને તને ખબર પણ છે કે, સુજાતાની ઘરે શું થયું?"

"હાં, મને બધી ખબર છે, સુજાતાના ઘરનું ધ્યાન રાખતાં ચોકીદારનું કોઈએ મર્ડર કરી નાખ્યું, ને એજ વ્યક્તિએ મને માથાંમાં મારીને બેહોશ કરી નાંખ્યો." આદિત્યએ ત્યાં જે બન્યું એ બધું જણાવતાં કહ્યું.

"તેં એ વ્યક્તિને જોયો? કોણ હતો એ? તે તને ખબર છે?" સુજાતાએ ગભરાયેલા અવાજે પૂછ્યું.

"નાં, મેં તેને નથી જોયો, અને હું તેને નાં જોઈ શક્યો. એનાં લીધે જ કદાચ હું જીવતો છું. જો મેં તેનો ચહેરો જોઈ લીધો હોત. તો એ મને પણ ત્યારે જ મારી નાંખેત. કેમકે, તેને એ વાતનો ડર રહેત કે, હું તેનાં વિશે કોઈને જાણ કરી દઈશ." આદિત્યએ બધી ચોખવટ કરતાં કહ્યું.

"તો હવે શું કરીશું?" સુજાતાએ પૂછ્યું.

"દોસ્તો, હવે તો મને આ બધું બહું મુશ્કેલીભર્યું બનતું જતું હોય, એવું લાગે છે. કોઈ તો છે, જે સુજાતાને તેનાં પપ્પા સુધી પહોંચવા દેવાં નથી માંગતું." આદિત્યએ તુક્કો લગાવતાં કહ્યું.

"પણ એવું કોણ કરી શકે?" સુજાતાએ પૂછ્યું.

"હવે એ જાણવું તો મુશ્કેલ છે." રાજુએ વાતની ગંભીરતા ચકાસતા કહ્યું.

"સુજાતા હાલ તો તું બાજુનાં રૂમમાં જા. સવાર થવા આવી છે. મમ્મી-પપ્પા બસ ઉઠતાં જ હશે. હવે આગળ શું કરવું? એ આપણે કાલે જ નક્કી કરીશું." આદિત્યએ કહ્યું.

આદિત્યની વાતને સમજતાં સુજાતા બીજાં રૂમમાં ચાલી ગઈ. થોડીવારમાં આદિત્યના મમ્મી-પપ્પા જાગી ગયાં. આથી આદિત્ય, સુજાતા અને રાજુ ત્રણેય નીચે ગયાં. ત્રણેયને આવતાં જોઈ, આશાબેને કહ્યું, " આવો છોકરાંવ, નાસ્તો તૈયાર જ છે. ચાલો નાસ્તો કરવાં બેસી જાવ."

સુજાતાનું નાસ્તો કરવાનું બિલકુલ મન નહોતું. આથી સુજાતા નાં પાડવાં જતી જ હતી. ત્યાં જ રાજુએ ઈશારો કરી સુજાતાને નાં પાડવાની નાં પાડી. સુજાતા કમને નાસ્તો કરવાં બેઠી.

નાસ્તો કર્યા પછી રાજુ અને સુજાતા ઘરે જવા નીકળી ગયાં. ઘરે જઈને સુજાતાનું શાળાએ જવાનું પણ બિલકુલ મન નહોતું. છતાંય ઘરે કોઈ કાંઈ પૂછે, એ કરતાં શાળાએ જવું જ યોગ્ય લાગતાં, સુજાતા તૈયાર થઈને શાળાએ જવા નીકળી ગઈ. રાજુ પણ તેની કોલેજે જતો રહ્યો.

*****

"કેમ છે તને હવે બેટા?" રાજુ અને સુજાતાનાં જતાંની સાથે જ કિશનભાઈએ આદિત્યને પોતાનાં રૂમમાં બોલાવીને પૂછ્યું.

"સારું જ હોય ને, પપ્પા.તમે છો તો મારે શેની ચિંતા?" આદિત્યએ કહ્યું.

"એ રાજુ અને સુજાતા તો એમ સમજતાં હશે કે, કાલ રાત્રે જે થયું. એ કોઈ બીજાએ કર્યું હતું. પણ તેને એ નથી ખબર કે તેને તેનાં પપ્પા સુધી પહોંચતાં રોકવાવાળો હું જ છું." કિશનભાઈએ એક ભયાનક હાસ્ય સાથે કહ્યું.

"હાં પપ્પા, એતો બેવકૂફ છે. રાજુ મને તેનો મદદગાર સમજે છે. જ્યારે તેને એ નથી ખબર કે, હું જ તેની સાથે આ બધું કરી રહ્યો છું. કાલ પેલાં ચોકીદારને પણ મેં જ માર્યો હતો. પછી પોતાનાં જ માથામાં ડંડો મારી, હું જાતે જ બેહોશ થયો હતો." આદિત્યએ કાલ જે બન્યું એ પોતે કર્યું હતું. એવી કબૂલાત કરતાં કહ્યું.

"સૌથી મોટો બેવકૂફ તો પેલો કલ્પેશ છે. તેને એમ છે કે, હું તેનો સાથ આપું છું, અને અત્યાર સુધી તેણે સુજાતાથી બધી હકીકત છુપાવી રાખી છે. પણ હકીકત તો હું જ જાણું છું કે, સુજાતાથી તેણે નહીં, પણ મેં બધી હકીકત છુપાવી રાખી છે. હું થોડો પાગલ છું કે, હાથમાં આવતાં રૂપિયા એમ જ જવા દવ." કિશનભાઈએ પોતાનાં જ વખાણ કરતાં કહ્યું.

"સારું પપ્પા, તો હવે હું કોલેજ જાવ છું. તમે તમારી સફળતાની ખુશી મનાવો." આદિત્યએ કહ્યું.

"હાં, હવે તું જા. તારું કામ પૂરું." કિશનભાઈએ ખુશ થતાં કહ્યું.

આદિત્યનાં જતાની સાથે જ કિશનભાઈ ફરી ભયાનક હાસ્ય રેલાવતા બોલવાં લાગ્યાં, "કલ્પેશ.. કલ્પેશ.. તું કેટલો ભોળો છે. તને એમ છે કે, અત્યાર સુધી જે થયું એ માધવે કર્યું હતું. જ્યારે તે બિચારો તો નિર્દોષ હતો. જે કર્યું એ મેં કર્યું હતું. કેમકે, જો એ અને અરવિંદ તેનો બિઝનેસ છોડે, તો જ હું એ બિઝનેસ ચલાવી શકું."

પણ અફસોસ મારી કિસ્મતનો કે, માધવ ઉપર અરવિંદની પત્ની સાથે છેડતી કર્યાનો આક્ષેપ લગાવી, તેને ઓફિસમાંથી કાઢ્યાં પછી, અરવિંદની પત્નીને મારી નાંખીને, અરવિંદને એવું જણાવ્યું કે, માધવે તેની છેડતી કરી, તેનો આઘાત સહન નાં થતાં તેણે આત્મહત્યા કરી લીધી. પછી અરવિંદથી તેની પત્નીની મોતનો આઘાત સહન ન થતાં તે પોતાનો બિઝનેસ છોડી જતો રહ્યો. તેમ છતાંય આજે તેનું ઘર, તેનો બિઝનેસ બધું તને મળી ગયું.

બધું મારાં પ્લાન મુજબ જ ચાલતું હતું. પણ તારાં લીધે બધું મારાં હાથમાંથી જતું રહ્યું. હવે જ્યારે માધવનાં નામનાં ખોટાં ફોન કરી, મને તારી પાસેથી મોંઢે માંગ્યા રૂપિયા મળે છે‌. તો હું સુજાતાને તેનાં પપ્પા સુધી પહોંચવા દવ, એટલો પાગલ તો નથી જ.

જો સુજાતા માધવ સુધી પહોંચી જાય. તો મારે એ રૂપિયાથી હાથ ધોઈ નાખવાં પડે. હવે તો હું તને સુજાતાને મળવાવાળી વાત કરતો, એ બંધ કરી દેવી પડશે. બાકી તું સુજાતાને તેનાં બાપને મળવાથી નહીં રોકે.

એકલાં એકલાં બોલીને થાક્યાં પછી કિશનભાઈએ પોતાનો બીજો મોબાઈલ કાઢ્યો, ને કલ્પેશભાઈને ફોન કર્યો. બે રિંગ પૂરી થઈ, તો પણ કલ્પેશભાઈએ ફોન નાં ઉપાડ્યો.આખરે ત્રીજી રિંગે કલ્પેશભાઈનો અવાજ સંભળાયો, "હાં, બોલ હવે શું કામ છે તારે?" કલ્પેશભાઈએ ગુસ્સે થઈને કહ્યું.

"મારે બીજું શું કામ હોય? આજે રાતે બાર વાગ્યે મને પાંચ લાખ રૂપિયા પહોંચાડી દેજે. ને હાં મારી છોકરીને કાંઈ કહેવાની જરૂર નથી. તે મારાં સુધી પહોંચવાની કોશિશ કરે છે. એ મને ખબર છે, ને ચોકીદારની હાલત જોઈ તને પણ સમજાય ગયું હશે. તો ચૂપચાપ પાંચ લાખ પહોંચાડી દેજે.

"જો તું મારી છોકરીને મારાં સુધી પહોંચતા નહીં રોકે, તો કાલ તો આદિત્યને ખાલી બેહોશ કર્યો હતો. હવે તો તેને સીધો ઉપર પહોંચાડી દઈશ. મારાં રસ્તામાં જે પણ આવશે, તેને મારવાનો મને જરા પણ અફસોસ નહીં થાય. પછી એ આદિત્ય હોય, રાજુ હોય કે મારી દિકરી સુજાતા હોય." કલ્પેશભાઈ હજું કાંઈ બોલે એ પહેલાં જ કિશનભાઈએ એટલું કહીને ફોન કાપી નાંખ્યો.

ફોન કાપીને કિશનભાઈ તેનાં કબાટમાંથી એક સ્ત્રીનો ફોટો કાઢી, કહેવા લાગ્યાં, "હવે બસ થોડો જ સમય છે, એકવાર હું કલ્પેશ પાસેથી આ પાંચ લાખ રૂપિયા લઈ લઉં, પછી સુજાતાને મારીને આપણે બંને ક્યાંક દૂર ચાલ્યાં જાશું.'આઈ લવ યુ' આરુ."



(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED