ચિંતાથી ઘેરાયેલા શ્રીમાન ચિત્રગુપ્ત આજ મનોમંથનના સાગરમાં ડૂબકી લગાવે છે. સ્વર્ગનું સંચાલન કઈ રીતે કરવું તે હવે તેમનાં માટે મૂંઝવણનો વિષય બન્યો છે. સ્વર્ગ સાવ ઉજ્જડ અને ખાલીખમ ભાસે છે. સ્વર્ગની રોનક ફીકી પડી ગઈ છે. સ્વર્ગમાં વાસ પામેલ કેટલાંક સાધુ સંતો શ્રોતાઓના અભાવે ધર્મ ઉપદેશ આપી શકતા ન હોય તેઓ બરાબરના અકળાયા છે. દર્શકોના અભાવે કોની સમક્ષ નૃત્ય કરવું તે પીડામાં સર્વશ્રેષ્ઠ નૃત્યાંગના રંભા અને અન્ય અપ્સરાઓ સાવ નાસીપાસ બની છે. સોમરસના સુવર્ણ પાત્રો રોજેરોજ એમ જ ઢોળી દેવામાં પડે છે. સ્વર્ગનાં જુદાં જુદાં પદ ઉપર નિયુક્તિ માટે માનવ મળતાં નથી, જેથી તમામ પદો ખાલી પડયા છે. ખુદ ચિત્રગુપ્ત જેઓને પણ પોતાનાં ચોપડાં ઉપાડવા માટે આસિસ્ટન્ટ મળતો નથી. કેટલાંક યોગ્યતા પ્રાપ્ત લોકો સ્વર્ગનાં દ્વારે આવીને સ્વર્ગની આ ખરાબ સ્થિતિ જોઈ સ્વર્ગમાં પ્રવેશવાની અનિચ્છા વ્યક્ત કરે છે. તો વળી કેટલાકનાં સમગ્ર સગા સંબંધી અને મિત્રો તમામ નરકલોકમાં હોઈ, પોતે સ્વર્ગલોકમાં એકલાં પડી જશે તે વિમાસણમાં સ્વર્ગમાં પ્રવેશવાની આના કાની કરે છે.
વળી, એનાથી પણ મોટી ચિંતાનો વિષય એ નર્કલોકના સંચાલનનો છે. નર્કના દ્વારે યોજનો લાંબી માનવોની લાઈનો લાગી છે. નર્કલોક માનવ વસ્તીથી ઉભરાવા માંડ્યું છે, ખાવા-પીવાની તંગી સર્જાઇ છે. નર્કદ્વારે નજર કરીએ તો લોકો નર્કમાં પ્રવેશ કરવા માટે કેટલાંય દિવસોથી નર્કની વંડી ઉપર બેઠાં રાહ જુએ છે. કોઈ ઓટલા ઉપર આડાઅવળા સુતાં છે, કોઈ ભેગા મળીને બાજી પત્તાં રમીને, તો કોઈ ટોળે વળીને ટોળટપ્પાં મારીને સમય પસાર કરી રહ્યું છે. નરકના દ્વારની બહાર અને અંદર ધાંધલ-ધમાલ ચાલે છે, નરકલોકમાં પ્રવેશવા માટે સૌ કોઈ ઉત્સુક જણાય છે.
ચિંતાથી ઘેરાયેલા ચિત્રગુપ્ત આ સમસ્યાના નિવારણ અર્થે પરમ પિતા બ્રહ્માજી સમક્ષ પહોંચે છે.
બે હાથ જોડી નત મસ્તકે ઊભા રહી બ્રહ્માજીને પ્રાર્થના કરે છે કે, "સ્વર્ગલોકના પ્રવેશ માટે આપણે જે નિયમો બનાવ્યાં છે તે નિયમો, અનુસાર પૃથ્વીલોક ઉપરથી આવતાં કોઈપણ મનુષ્યને પ્રવેશ આપવો શક્ય બનતો નથી. મોટા ભાગનાં મનુષ્યો યમ નિયમનું પાલન કરવામાં નિષ્ફળ જાય છે, તેથી પાપ-પુણ્યના સરવૈયા માટે રાખેલાં ચોપડાઓ પૈકી પુણ્યના ચોપડાં વર્ષોથી કોરાં પડ્યાં છે અને પાપનાં ચોપડાઓની અછત સર્જાઈ છે. પરિણામ સ્વરૂપ સ્વર્ગલોકમાં મનુષ્યનો શૂન્યાવકાશ સર્જાયો છે.
હે, પરમપિતા બ્રહ્માજી! આ નિયમોમાં કેટલીક છૂટછાટ આપો. એકાદી ચોરી, છાનો છૂપો ગણ્યો ગાઠ્યો વ્યભિચાર, ઉશ્કેરાટમાં કરેલું ખૂન, લાલચમાં આવી કરેલું એકાદ આર્થિક કૌભાંડ, ભગવાં કપડાંથી થયેલી ભૂલ, ઢોંગ, ખોટાં વચનનો, નિંદા, સંગ્રહખોરી, કામચોરી લોભ, મોહ જેવાં કેટલાંક વિષયોમાં કંઈક છૂટછાટ આપો.
ચિત્રગુપ્તની વાતો સાંભળી ખુદ બ્રહ્માજી પણ વિચારમગ્ન અને દિગ્મૂઢ બન્યા છે. પૃથ્વીલોક ઉપરથી રોજ સંભળાતા ભક્તિનાદથી તેઓ રોજ ખુશ થતાં હતાં પરંતુ આજ ચિત્રગુપ્તની વાત સાંભળી તે ભક્તિનાદનું વિશ્લેષણ કરતાં, ખુદ બ્રહ્માજીને પણ સમજાય છે કે મોટાભાગનાં ભક્તો કોઈને કોઈ લાલચ, ઇચ્છા, કામના કે ડરને વશ થઈને જ ભક્તિ કરે છે. નિષ્કામ ભક્તિ, નિષ્કામ કર્મનો વાસ્તવમાં દુષ્કાળ સર્જાયો છે.
આ સંજોગોમાં સ્વર્ગલોકના પ્રવેશની પાત્રતા અને યોગ્યતાઓ સંબંધી કોઈ છૂટછાટ આપી શકાય કે કેમ? તે વિષય ઉપર વાદ વિવાદ અને ગહન ચર્ચા અને ચિંતન કરવા માટે અન્ય દેવી-દેવતાઓની મહા પરિષદ બોલાવવા બ્રહ્માજીએ આહવાન કરે છે.
બ્રહ્માજીનું આ આહવાહન સાંભળી, પૃથ્વીલોક ઉપર મારાં જેવો પામર જીવ, સ્વર્ગલોકમાં પ્રવેશ મળવાની સંભાવના સાંભળી આનંદથી ઉછળી પડે છે અને આ આનંદના ઉન્માદમાં ને ઉન્માદમાં ગેસ ઉપર ઉકળવા મૂકેલી 'ચા' ક્યારે ઉભરાઈ ગઈ તે ખ્યાલ જ ન રહ્યો. છાનોમાનો ગેસ સાફ કરી મારી ભૂલ પર ઢાંકપિછોડો કરવા હું પ્રયત્નશીલ હતો તેવામાં જ હું કપડું શોધું છું તેની જાણ શ્રીમતીજીને થતાં, તેમનાં સ્વમુખેથી મારી ખામીઓની લાંબી યાદી સાંભળી આપણને આવી કોઈ છૂટછાટનો લાભ મળશે નહીં તે સમજાતાં, સ્વર્ગ પ્રવેશનું મારું દિવાસ્વપ્ન પણ 'ચા'ની સાથે જ રોળાઈ ઢોળાઈ ગયું.
સંજય_૧૮_૧૧_૨૦૨૦
slthakker123@gmail.com