લવ રિવેન્જ - 35 S I D D H A R T H દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ રિવેન્જ - 35









લવ રિવેન્જ

પ્રકરણ-35

લગભગ એક વર્ષ પહેલાં ………(કોલેજનું બીજું વર્ષ)


“ઘર્ર્રરર......! ઘર્ર્રરર......! ઠસ......!”

“અરે ધત.....! આ એકટીવાની તો....!” મસ્ત મજાના ઘૂંટણથી ઊંચા ઝૂલવાળા સ્લીવલેસ શોર્ટ બ્લેક ડ્રેસમાં તૈયાર થઈને કોલેજ જઈ રહેલી લાવણ્યાનું એકટીવા અડધે રસ્તે બંધ પડી ગયું.

ચિડાયેલી લાવણ્યા બબડાટ કરતી-કરતી એકટીવા ઉપરથી નીચે ઉતરી. એકટીવાનું સ્ટીયરીંગ પકડી રાખીને લાવણ્યાએ એકટીવા રોડની સાઈડે લગાવ્યું અને પોતે રોડની સાઈડે બનેલી પેવમેન્ટ ઉપર ઉભી રહી.

“જયારે....! ઉતાવળ હોય.....!” એકટીવાને ડબલ સ્ટેન્ડ કરતાં-કરતાં લાવણ્યા એવાંજ અકળાયેલાં અવાજમાં બોલી “ત્યારેજ..... આના ડખાં હોય છે....!”

એકટીવાની કિકને પગ વડે દબાવીને લાવણ્યા હવે એકટીવા ચાલુ કરવનો પ્રયત્ન કરવાં લાગી.

“ચાલુંથા ને ચાલું થા.....!” ગુસ્સે થઈ ગયેલી લાવણ્યા હવે વધુ ચિડાઈ.

તેણીએ પગમાં પહેરેલી ઉંચી હીલને લીધે કિક મારવાંમાં અગવડ થઈ રહી હતી. ઘણી કીકો માર્યા પછી પણ એકટીવા ચાલું ના થતાં લાવણ્યા થાકી-કંટાળીને આમતેમ જોવાં લાગી.

રીલેક્સ થતી હોય એમ લાવણ્યાએ તેણીની ગરદન આમ-તેમ ઉપરનીચે ફેરવી.

“કેટલું બધું અંધાર્યું છે....!” આકાશમાં ઘેરાયેલાં કાળાં ભમ્મર વાદળો તરફ જોઇને લાવણ્યા બબડી અને ફરીવાર એકટીવાની કીકો મારવાં લાગી

“ગમે.....!” જોર લગાવીને કિક મારતાં-મારતાં વચ્ચે-વચ્ચે લાવણ્યાએ બબડવાનું ચાલું રાખ્યું.

“ત્યારે.....!

વરસાદ .....!

તૂટી .....!

પડશે....!

એનાં પે’લ્લાં .....

આ ચાલું થાય......

તો સારું....!”

જુલાઈ મહિનો હજીતો અડધો પત્યો હતો, ત્યાંજ અમદાવાદમાં વરસાદની સીઝન બરાબર જામી ગઈ હતી. આકાશ આખું કાળાં વાદળોથી ઘેરાયેલું રહેતું હતું, અને ગમે ત્યારે ધોધમાર વરસાદ તૂટી પડતો હતો. રસ્તાઓમાં ભરાતું પાણી, ભયંકર ટ્રાફિક અને વરસાદી પાણીને લીધે રોડમાં પડતાં ખાડાં અને “ભૂવા” તો જાણે અમદાવાદની ઓળખ બની ગયાં હતાં.

“તું પપ્પાને સાચવી લે બ્રો....! હું હવે હમણાં પાછો નઈ આવું....!” એકટીવાની કિક મારી રહેલી લાવણ્યાની નજર હવે તેનાંથી સહેજ આગળ રોડ ઉપર સ્ટેન્ડ બાઈક સ્ટેન્ડ કરી પેવમેન્ટ ઉપર ઉભેલાં એક ઊંચા સરખાં દેખાવડા યુવાન ઉપર પડી.

“અરે નઈ ભાઈ .....! મારે એ ધંધા ઉપર નઈ બેસવું હોં.....! તું જ સંભાળ એ બધું....!” ફોન ઉપર કોઈની જોડે વાત કરી રહેલો એ યુવાન હવે લાવણ્યા તરફ ફર્યો.

એકટીવાની કિક મારી-મારીને થાકેલી લાવણ્યાએ ઓલાં યુવાન ઉપર એક નજર નાંખી અને ઉભી-ઉભી આમ-તેમ ડાફોળિયાં મારવાં લાગી.

થોડો શ્વાસ લઈને લાવણ્યાએ જેમ-તેમ કરીને ફરીવાર એકટીવાની કિક મારવાંની શરુ કરી.

કિક મારતાં-મારતાં લાવણ્યાની નજર હવે પેવમેન્ટ ઉપર ઉભેલાં તે યુવાન ઉપર ફીરવાર પડી. સહેજ સોહામણો અને ગોરો દેખાતો ઓલો યુવાન જાણે લાવણ્યા ઉપર મોહી પડ્યો હોય એમ તેણીને જોઈજ રહ્યો હતો.

આમતો લાવણ્યાને આદત હતી, આવાં અજાણ્યાં યુવાનો તેણીને ઘૂરીને જોઈ રહે એવી. એમાંય જયારે તે બનીઠનીને નીકળતી, ત્યારે છેક તેનાં ઘરેથી લઈને કોલેજ સુધી એવાં કેટલાય યુવાનો તેની સામે ઘૂર્યા કરતાં. એનાથી લાવણ્યાનો પોતાની સુંદરતા ઉપરનો ઘમંડ પોસરાતો.

એકીટશે પોતાની સામે જોઈ રહેલાં યુવાનને જોઇને લાવણ્યાએ મોઢું નીચું કરીને ઘમંડથી સ્મિત કર્યું અને ચેહરા ઉપર આગળ આવી ગયેલી તેનાં લાંબા ખુલ્લાં વાળની લટ ઝાટકીને પાછળ કરી. પોતાની સુંદરતાથી ઘવાયેલો એ યુવાન એકટીવા ચાલું કરવાં માટે લાવણ્યાની મદદ સામે ચાલીને કરશે એવું માનીને લાવણ્યા કેટલીક ક્ષણો સુધી કોઈવાર તે યુવાન સામે તો કોઈવાર આમતેમ જોઈ રહી.

થોડીવાર સુધી એજરીતે આમતેમ જોઈ રહ્યાં બાદ ઓલાં યુવાને જયારે કંઈજ ના કર્યું અને પોતાની જગ્યાએ એમજ ઉભો રહ્યો, તો ચિડાઈને લાવણ્યાએ ફરીવાર તેનાં એકટીવાની કીકો મારવાં લાગી.

તે યુવાન હજીપણ ત્યાંજ ઉભો-ઉભો મલકાતો-મલકાતો લાવણ્યાને કીકો મારતાં જોઈ રહ્યો હતો.

“આમ ઉભો-ઉભો શું જોઈ રહ્યો છે ઠોયાં જેવો.....!” આખરે લાવણ્યા ગુસ્સે થઈ ગઈ અને મોટેથી ઘાંટો પાડીને તે યુવાનને બોલી “કોઈ છોકરી પ્રોબ્લેમમાં હોય...તે એની મદદ કરવાની ભાન નથી પડતી.......!”

ઘાંટો પાડીને બોલતી-બોલતી લાવણ્યા બે-ત્રણ ડગલાં ઉતાવળે ભરીને તે યુવાન નજીક જઈ પહોંચી.

“ આ ગીટાર લઈને છોકરીઓ સામે કલર કરવાનાં સારાં લાગે છે....!” જીન્સ-ટી શર્ટ પહેરેલાં તે યુવાને તેની પીઠ ઉપર ગીટાર લટકાવેલું હતું “પણ કોઈ છોકરી પ્રોબ્લેમમાં હોયતો એની મદદ કરવાની ખબર નઈ પડતી.....!” આંખો મોટી કરીને લાવણ્યા એજરીતે ઘાંટા પાડીને બોલી.

“પ..પ....પણ હું તો ....!” ઓલો યુવાન થોથવાઈ ગયો.

“શું હું તો...! હેં...!? શું હું તો.....!?” મોટેથી બોલતી લાવણ્યા વધુ એક ડગલું તે યુવાનની તરફ ધસી.

“હું...હું....ચાલું કરી આપું....!” થોથવાઇને બોલતો-બોલતો તે યુવાન તરતજ લાવણ્યાના એકટીવા તરફ ઉતાવળાં પગલે ગયો.

“ઘર્ર્રરર......! ઠસ....! ઘર્ર્રરર......! ઠસ......!” એકટીવાની જોડે પહોંચી તે યુવાન હવે કીકો મારવાં લાગ્યો.

લાવણ્યા તેણીની ભ્રમરો સંકોચી તે યુવાનની જોડે અદબવાળીને ઉભી રહી.

“જોરથી કિક માર.....!” તે યુવાન જાણે પોતાનો પર્સનલ ગેરેજવાળો હોય એમ લાવણ્યા તેને ધમકાવતાં બોલી.

ઓલાં યુવાનથી હસાઈ ગયું.

“શેનું હસું આવે છે તને....!?” તે યુવાનને હસતો જોઇને લાવણ્યા વધુ ચિડાઈ.

“ક...કંઈ નઈ....!” તે યુવાન ફરીવાર એજરીતે હસવું દબાવી રાખીને બોલ્યો.

મોઢું બગાડીને લાવણ્યા તે યુવાનને કિક મારતો જોઈ રહી.

“મારે લેટ થાય છે....!” થોડીવાર પછી પણ કિક મારવાં છતાં જયારે તે યુવાનથી એકટીવા ચાલું ના થયું, તો લાવણ્યા તેની ઉપર બોસની જેમ ગુસ્સો કરતી હોય એમ બોલી.

“સોરી હા.....! પણ લાગે છે તમારું એકટીવા મરી ગ્યું......!” ઓલો યુવાન થાકેલાં ચેહરે બોલ્યો “તમે હવે આનું બેસણું રાખીદો.....!”

“શું....!? હી...હી...હી...!” લાવણ્યાથી પરાણે હસાઈ ગયું.

ઓલો યુવાન લાવણ્યાને સ્માઈલ કરતો જોઈ રહ્યો.

“તમારે ક્યાં જવું છે....!? હું ડ્રોપ કરી દઉ....!?” તે યુવાને ભોળો ચેહરો બનાવીને પૂછ્યું.

“મારે HL કોલેજ જવું છે....!”

“અરે વાહ....! હું પણ HL જઉં છું.....!” એ યુવાન ખુશ થતાં બોલ્યો.

“અચ્છા....! તો હવે તારે પણ HLજ જવાનું છે એમ....!?” લાવણ્યા વ્યંગ કરતાં બોલી “જૂની રીત થઈ ગઈ આ.....છોકરીઓ પટાવાની......!”

“અરે એવું નથી...! HLતો મારાં ....!”

“હા હા.....! ઠીક છે ઠીક છે....! ચાલ હવે....!” તે યુવાન બોલતોજ હતો ત્યાં લાવણ્યા તેને ટોકતાં તોછડાઈથી બોલી “મારે ઓલરેડી ઘણું લેટ થઈ ગ્યું છે....! ફટાફટ તારું બાઈક સ્ટાર્ટ કર....!”

“અને તમારું એકટીવા.....!?” લાવણ્યા કરતાં તદ્દન અલગ તે યુવાન સભ્ય ભાષામાં લાવણ્યાને સંબોધી રહ્યો હતો.

“હું મારાં પપ્પાને ફોન કરી લઉં છું.......!” લાવણ્યાએ હવે એકટીવાની આગળ પડેલી તેણીની હેન્ડબેગ ઉઠાવી અને તેમાંથી પોતાનો મોબાઈલ કાઢતાં સહેજ ચિડાઈને બોલી “તું તારું બાઈક ચાલું કર જલ્દી.....!”

“હાં....હાં....! કરું.....!” લાવણ્યાનો ફરીવાર બદલાયેલો મૂડ જોઇને ઓલો યુવાન પોતાની બાઈક તરફ ગયો.

“હાં....! પપ્પા....! એકટીવા બંધ પડી ગયું છે....!” તે યુવાનની પાછળ જતાં-જતાં લાવણ્યા સહેજ મોટેથી બોલી “શ્યામલ ચાર રસ્તા પાસે....! લેવડાઈ લેજો બાય....!”

પોતાની વાત પૂરી કરી દઈને લાવણ્યાએ ફોન કટ કરી દીધો.

“આ તારા ગીટારનો ડબ્બો ખસેડને....! હું બેસીસ ક્યાં...!?” બાઈક ચાલું કરીને ઉપર બેઠેલાં તે યુવાનની પીઠ ઉપર બાંધેલાં ગીટારને જોઈને લાવણ્યા એજરીતે ચિડાઈને બોલી.

“હ...હાં....હાં.....લઈ લઉં....!” લાવણ્યાના ગુસ્સાંથી ફફડેલો તે યુવાને ફટાફટ તેનું ગીટાર પીઠ ઉપરથી લઈને આગળ લીધું.

જેમ-તેમ ગીટાર આગળ પોતાનાં ખભાંને ટેકે એક સાઈડ રાખીને તે યુવાને હવે બાઈકનો સેલ માર્યો અને એક્સીલેટર ઘુમાવીને મોટો અવાજ કરતુ તેનું રોયલ એનફિલ્ડ બાઈક હવે યુનિવર્સિટી રોડ તરફ મારી મુક્યું.

-----

“હાં..... હાં.....! અહિયાંજ....!આજ HL છે....!” તે અજાણ્યાં યુવાનની બાઈક પાછળ બેઠેલી લાવણ્યા સામે દેખાતાં HL કોલેજના ગેટ સામે હાથ કરીને બોલી.

“એમ....!?મને નો’તી ખબર ....! હું નવો છું અહિયાં....!” એ યુવાન જાણે વ્યંગ કરતો હોય એમ હસીને બોલ્યો અને બાઈકની સાઈડ લાઈટ બતાવીને બાઈક કોલેજનાં ગેટ આગળ લીધું.

“એમાં હસવાની શું વાત છે...!?” લાવણ્યા ફરી ચિડાઈ.

“અરે કંઈ નઈ.....! હું તો....!”

“હાં...હાં....ઠીક છે....!” લાવણ્યાએ ફરીવાર તોછડાઈ પૂર્વક ઓલાની વાત કાપી.

ઓલો યુવાન માથું ધુણાવીને ફરી હસ્યો અને તેણે બાઈક ધીમું કરીને કોલેજના ગેટ આગળ ઉભું રાખ્યું.

બાઈક ઉપરથી ઉતરી રહેલી લાવણ્યાને તે યુવાને પોતાની ઓળખ આપતાં હાથ લાંબો કરીને કહ્યું –

“માય નેમ ઈઝ......!”

“ટ્રીન....ટ્રીન....ટ્રીન....!” ત્યાંજ લાવણ્યાનાં મોબાઈલની રીંગ વાગી.

“હાં....! બસ કોલેજના ગેટ આગળ આઈજ ગઈ છું.....!” ઓલાં યુવાનની વાતની પરવા કર્યા વિના લાવણ્યા હવે કોલેજના ગેટ આગળ ઉભાં રાખેલાં તેનાં બાઈક ઉપરથી ઉતરી અને કંઈપણ બોલ્યાં વગર તે સીધી કોલેજના ગેટ તરફ ઉતાવળા પગલે ચાલી ગઈ. તે યુવાન તરફ પાછું ફરીને જોયાં વગરજ લાવણ્યા કે તેને “થેન્ક યુ” પણ કહ્યાં વગર લાવણ્યા કોલેજ કેમ્પસમાં એન્ટર થઈ ગઈ.

“અરે યાર....! એકટીવા બંધ પડી ગ્યું’તું.....!” મોટેથી બોલતી-બોલતી લાવણ્યા કોલેજ બિલ્ડિંગના પેવમેન્ટ ટ્રેક ઉપર ઉતાવળાં પગલે ચાલવા લાગી “કીધું તો ખરાં આવું છું....!”

તોછડાઈથી એવું કહીને લાવણ્યાએ ફોન કટ કરી નાંખ્યો. હાથમાં ફોન લઈને લાવણ્યા સીધી કેન્ટીન તરફ જતાં કોરીડોરમાં ચાલવાં લાગી.

-----

“લાવણ્યા....! તું કેમ કંઈ ખાતી નથી...!?” કેન્ટીનમાં લાવણ્યાની સામે બેઠેલો પ્રેમ બોલ્યો.

લંચમાં બધાં કેન્ટીનમાં ટેબલની ફરતે બેસીને નાસ્તો-પાણી કરી રહ્યાં હતાં. લાવણ્યા સિવાય બધાંજ સેન્ડવીચ વગેરે ખાઈ રહ્યાં હતાં.

“કોઈ પ્રોબ્લેમ છે...!? તારે બીજું કંઈ ખાવું હોયતો કે...! હું લઈ આવું...!” પ્રેમ બોલ્યો.

“હાં....! એક કામ કરને....! શમ્ભુની ગ્રીલ સેન્ડવીચ ખાવી છે...! અને જોડે શમ્ભુનોજ કોલ્ડ કોકો...! તું જા અને લેતો આવ....!” લાવણ્યા જાણે ઓર્ડર કરતી હોય એમ બોલી.

“પણ તુંજ એની જોડે જાને.....! શમ્ભુ ઉપર....!” પ્રેમની જોડે બેસીને સેન્ડવીચ ખાતી અંકિતા બોલી.

“ના....! મારે વરસાદમાં પલળવાની કોઈ ઈચ્છા નથી....!” લાવણ્યા અદાથી તેનાં વાળ ઝાટકીને બોલી “પ્રેમ તું જાય છે કે નઈ...!?”

“હાં...હાં...બસ હું જતો જ’તો.....!” પ્રેમ ખુશ થઈને બોલ્યો અને હાંફળો-ફાંફળો ઉભો થઈને ફટાફટ કેન્ટીનની બહાર નીકળી ગયો.

“શ....!” થોડીવાર પછી લાવણ્યાએ તેણીનું પેટ દબાવીને પીડાથી સિસકારો કર્યો “હું ઘરે જાવ છું....! મને ઠીક નથી લાગતું....!”

“અરે....! તો પ્રેમ જોડે શમ્ભુનો નાસ્તો મંગાયો એનું શું....!?” કામ્યાએ ચેયરમાંથી ઉભી થઈ ગયેલી લાવણ્યાને પૂછ્યું.
“હવે મારો મૂડ નથી ખાવાનો....!” લાવણ્યાએ મોઢું બગાડ્યું અને પોતાનું હેન્ડબેગ ખભે ભરાવતી તોછડાઈથી બોલી.

“તો બિચારાંને છેક ત્યાં શું કામ ધક્કો ખાવાં મોકલ્યો....!?” સામે બેઠેલી નેહાએ નવાઈથી પૂછ્યું.

“તને એટલી ચિંતા હોય એની....! તું ખાઈલેજે ....!” નફફટ ચેહરે લાવણ્યા બોલી અને ત્યાંથી ચાલી નીકળી.

નેહા સહીત બધાં અવાચક થઈને લાવણ્યાને જતી જોઈ રહ્યાં.

“બિચારો પ્રેમ....!” પાછુંવળીને લાવણ્યાને કેન્ટીનની બહાર નીકળતાં જોઈ રહેલી નેહાએ માથું ધુણાવીને કહ્યું.

“આ છોકરીને આપડે શું કામ સહન કરીએ છે મને તો એજ નથી સમજાતું....!”અંકિતા પણ બોલી.

“એને કોઈની ફિલિંગ્સની પરવા નથી...!” કામ્યા શાંતિથી પોતાનો ફોન મચેડતા-મચેડતા બોલી.

----

કોલેજમાંથી બહાર નીકળીને લાવણ્યાએ પોતાનાં ઘરે જવાં ગેટ આગળથી ઓટો પકડી લીધી. ઓટો છેક પોતાનાં ઘરના ગેટ સુધી લઈ જવાં માટે લાવણ્યાએ ઓટોવાળાંને કહી દીધું. ઘરે પહોંચતાં સુધી લાવણ્યા પીડાથી કણસતી રહી. વરસાદના કારણે વધી ગયેલાં ટ્રાફિકથી ઘરે પહોંચવામાં પણ વધુ સમય લાગ્યો.

“અરે શું થયું...!? કેમ આટલાં વે’લ્લાં ઘરે આવતી રઈ....!?” લાવણ્યા હજીતો ઘરે પહોંચીજ હતી ત્યાંજ ઘરનો મેઈન ડોર ખોલતાં સુભદ્રાબેન બોલ્યાં.

“મને પેટમાં બવ દુખે છે મમ્મી....!” લાવણ્યા ફરીવાર પેટ દબાવી મોઢું બગાડીને બોલી અને સીડીઓ ચઢીને પોતાનાં બેડરૂમમાં જવાં લાગી.

“તને મસાલાવાળી ચ્હા બનાઈ આપું....!?” સીડીઓ ચઢી રહેલી લાવણ્યાને સુભદ્રાબેને પૂછ્યું.

“ના....! હું સુઈ જાવ છું....!” પાછું જોયાં વિના લાવણ્યા બોલી અને સીડીઓ ચઢીને બેડરૂમમાં આવી ગઈ.

બેડ ઉપર પોતાની ખભે ભરાવેલી હેન્ડબેગ ઘા કરીને લાવણ્યાએ બેડ ઉપર પડતું મુક્યું.

“ટ્રીન....ટ્રીન.....ટ્રીન....!” પીડાથી કણસતી લાવણ્યાએ હજીતો માંડ આંખો મીંચી હતી ત્યાંજ તેનાં ફોનની રીંગ વાગી.

લાવણ્યા ફોન ઉઠાવી સ્ક્રીનમાં જોયું. નંબર વિશાલનો હતો.

“હમ્મ...બોલ વિશાલ....!” કંટાળો અનુભવતી લાવણ્યા પરાણે બોલી.

“ક્યાં છે તું....!? જવાનું નો’તું આપડે...!?” વિશાલે પૂછ્યું.

“મારું મૂડ નથી...!” લાવણ્યા એજરીતે બોલી.

“અરે તો મારાં ફ્રેન્ડનો ફ્લેટ ખાલીજ છે...!” વિશાલ લુચ્ચા સ્વરમાં બોલ્યો “ચલ....! ડ્રીન્ક બિંન્ક કરશું....! અને મસ્ત “એન્જોય” કરશું...! મૂડ બનાવી દઈશ...!”

“વિશાલ....! હમણાં પોસીબલ નથી....!” લાવણ્યાએ શાંતિથી કીધું.

”કેમ નથી એટલે...!? તે કીધું’તું યાર...!” વિશાલ ચિડાયો હોય એમ બોલ્યો.

“કીધુંને તને એકવાર...! પોસીબલ નથી...! હવે ફોન મુક...!” લાવણ્યા ચિડાઈ અને ફોન કટ કરી દીધો.

આંખો બંધ કરીને લાવણ્યાએ બેડ ઉપર પડખું ફેરવી લીધું.

-----

ત્રણ-ચાર દિવસ પછી.....

“લાવણ્યા.....!” કોલેજની બિલ્ડીંગ તરફ જતાં પેવમેન્ટ ઉપર ચાલી રહેલી લાવણ્યાને પ્રેમે પાછળથી બુમ મારી.

પોતાની રોજની આદત પ્રમાણે લાવણ્યાએ આજેપણ બોડી એક્સપોઝ થાય એવાંજ મોડર્ન કપડાં પહેર્યા હતાં. બ્લ્યુ કલરનું સ્લીવલેસ હાલ્ફ ટોપ, ખુલ્લી કમર, જીન્સનું શોર્ટ. પોતાની કમર લચકાવતી લાવણ્યા વહેલી સવારે કોલેજ આવી પહોંચી. કોલેજ કેમ્પસમાં એન્ટર થતાંજ આસપાસથી પસાર થતાં બોયઝની નજર લાવણ્યા ઉપરજ ચોંટી ગઈ. લાવણ્યા માટે હવે આ રોજનું થઈ ગયું હતું. બધાં બોયઝ તેણીને જે રીતે જોઈ રહેતાં એ જોઈ લાવણ્યાનો ઘમંડ પોસરાતો. અદાથી ચાલતી અને પોતાનાં વાળની લટ રમાડતી લાવણ્યા ઘમંડભર્યું સ્મિત કરતી-કરતી પેવમેન્ટ ઉપર ચાલી રહી હતી ત્યાંજ પ્રેમે તેણીને બુમ મારી અટકાવી.

“કેમ ત્રણ દિવસ નાં આવી....!?” જોડે આવીને ઉભાં રહેતાં પ્રેમે પૂછ્યું.
“તું મને આ રીતે શું લેવાં પાછળથી બોલાવીને ટોકતો હોય છે...!?” પ્રેમને ધમકાવતી હોય એમ લાવણ્યા સહેજ મોટેથી બોલી “મારો ટાઈમ વેસ્ટ કરે છે....!”

“સ....સોરી....! હું તો....!”

“શું હું તો....!? હેં.....!?” પ્રેમને ટોકી લાવણ્યા તેને એજરીતે ધમકાવીને બોલી.

“એ...તો....એ...તો..હું...હું...એટલે પૂછાતો’તો....! કે...કે...!” ગુસ્સાંથી લાલ થઈ ગયેલો લાવણ્યાનો ચેહરો જોઇને પ્રેમની જીભ થોથવાઈ ગઈ “અમ્મ્મ....! હું...! એ દિવસે શંભુ ઉપરથી તારાં માટે સેન્ડવીચ લઈને આયો....! ને તું જતી રઈ...! તો..હું...!”

“તો શું ધાડ મારી તે....!?” લાવણ્યા થોડું વધુ ઊંચા સ્વરમાં બોલી “આખી કોલેજનાં બોયઝ મારી....!’

“આટલી બુમો શેની પાડે છે તું....!?” લાવણ્યા આગળ બોલવાં જતી હતી ત્યાંજ પ્રેમની પાછળથી કામ્યાએ આવીને તેણીને ટોકી “તું એકલી થોડી છે આખી કોલેજમાં....!? અને તારાંથી શાંતિથી ના બોલાતું હોય....! તો બોલે છેજ શું કરવાં...!?”

“ઓ હેલ્લો....!?” લાવણ્યા વ્યંગ કરતી હોય એમ કામ્યા સામે પંજો ધરીને બોલી “મેં ક્યાં બોલાયો આને....!?

“અરે તો શું થઈ ગયું...!?” લાવણ્યાનો ઊંચો સ્વર સાંભળી કામ્યા પણ હવે ઊંચા સ્વરમાં બોલી “આપડાં ગ્રુપનો કોઈ છોકરો તને બોલાવે એમાં આટલું ઓવર રીએક્ટ કરવાનું...!?”

કામ્યા મોટેથી બોલવાં લાગતાં આજુબાજુથી પસાર થતાં સ્ટુડન્ટસ હવે તેમની તરફ જોઇ રહ્યાં. ત્યાંથી પસાર થતી એકાદ-બે ગર્લ્સ સહેજ દૂર ઉભાં રહીને તેમની તરફ જોઈ રહી. પ્રેમે આજુબાજુ નજર કરી.

“તું પ્રેમની વકીલ છે...!? તારે ....!”

“અરે બસ કરો તમે બેય...!” પ્રેમ બેયને રોકવાં વચ્ચે હાથ કરીને બોલ્યો “સવાર-સવારમાં શું માંડ્યું છે...! અને લાવણ્યા....!” પ્રેમે લાવણ્યા સામે જોયું “સોરી...! મારી ભૂલ થઈ ગઈ....! હું...!”

“અરે તું શું કામ સોરી બોલે છે...!? જયારે મન થાય ત્યારે એ તારી ઈન્સલ્ટ કરી નાંખે છે...! તો સોરી એ બોલે...!?” કામ્યા તાડૂકીને પ્રેમને ધમકાવતી હોય એમ બોલી.

“હું કોઈને સોરી-બોરી નથી બોલવાની....!” લાવણ્યા તેનો પંજો હલાવીને બોલી.

“અરે કોઈ વાંધો નઈ યાર....! મારે કોઈની જોડે સોરી નથી બોલાવવું...!” બંનેને ઠંડા પાડવાં પ્રેમ ફરીવાર વચ્ચે બોલ્યો “લાવણ્યા...! તું જા....! અને કામ્યા....!” પ્રેમે કામ્યા સામે જોયું “તું ચાલ હવે....! મારે સ્ટેટની એક્ઝામ માટે તારી જોડેથી નોટ્સ જોઈએ છે....! ચાલ...!”

પ્રેમ કામ્યાનું બાવડું પકડીને ખેંચી જવાં લાગ્યો. કામ્યા જતાં-જતાં લાવણ્યા સામે ઘુરકીને જોઈ રહી. લાવણ્યા પણ સામે મોઢું બગાડીને જોઈ રહી.

“બધું મૂડ ખરાબ કરી નાંખ્યું....!” જઈ રહેલી કામ્યા સામે જોઈ રહીને લાવણ્યા માથું ધુણાવીને બબડી અને કોલેજનાં પાર્કિંગ શેડ તરફ જવાં લાગી.

-----


“સવાર સવારમાં મગજની પથારી ફેરવી નાંખી....!” પાર્કિંગમાં પાર્ક કરેલાં એક બાઈકનાં કાંચમાં પોતાનો ચેહરો જોતાં-જોતાં લાવણ્યા મનમાં બબડી.

“વ્રુમ....વ્રુમ....!” ત્યાંજ પાર્કિંગ તરફ આવી રહેલાં કોઈ બાઈકનો અવાજ સંભળાયો.

લાવણ્યાએ પાછાંવળીને જોયું.

“વિવાન.....!” કોલેજનો સૌથી હેન્ડસમ છોકરો ગણાતો છોકરો વિવાન તેનાં રોયલ એનફિલ્ડ ઉપર પાર્કિંગ તરફ આવી રહ્યો હતો.

ઓલીવ ગ્રીન કલરની હાલ્ફ સ્લીવ ટી શર્ટ અને ગોગલ્સ પેહરીને બાઈક ઉપર આવી રહેલાં હેન્ડસમ વિવાનને પોતાની તરફ પાર્કિંગ બાજુ આવતાં જોઇને લાવણ્યાએ તરતજ પાછાં ફરીને એજ પાર્ક કરેલાં બાઈકના કાંચમાં જોયું.

આમતેમ મોઢું ફેરવીને લાવણ્યાએ પોતાનો ચેહરો બરાબર છે કે નઈ તે ચેક કર્યો અને પછી પોતાનાં વાળની લટો સરખી કરી. પોતે પહેરેલાં બ્લ્યુ સ્લીવલેસ ટોપમાં પોતાનાં ઉરજોના ઉભારને વધુ ઉન્નત દેખાડવા લાવણ્યાએ પોતાનાં બ્રેસ્ટ બરાબર એડજસ્ટ કર્યા અને કમર વધુ ખુલ્લી દેખાય એનાં માટે લાવણ્યા તેનું જીન્સનું શોર્ટ નાભીથી સહેજ વધુ નીચે સરકાવ્યું.

ત્યાં સુધીમાં વિવાને લાવણ્યાથી સહેજ દુર પાર્કિંગ શેડમાંજ પોતાનું બાઈક પાર્ક કરી દીધું હતું અને સ્ટેન્ડ કરીને નીચે ઉતરી પાર્કિંગ શેડમાંથી બહાર કોલેજના બિલ્ડીંગ તરફ જઈ રહ્યો હતો.

“વ...વિવાન....!” વિવાન વધુ દુર જાય એ પહેલાંજ લાવણ્યા તેની પાછળ બુમ પાડીને ઉતાવળા પગલે દોડી “ગુડ મોર્નિંગ....!”

માખણ લગાડતી હોય એમ લાવણ્યા શક્ય એટલું પ્રેમથી બોલી.

“ગુડ મોર્નિંગ....!” લાવણ્યા સામે જોયાં વિનાજ વિવાને ચાલતાં-ચાલતાં તેનો મોબાઈલ મંતરતા કહ્યું.

“અમ્મ...! હું શું કઉ છું....!” વિવાનની ઝડપને મેચ કરતી-કરતી લાવણ્યા તેની જોડે ચાલતાં-ચાલતાં બોલી “આ સેટરડે તું ફ્રી હોય તો આપડે ક્યાંક લંચ માટે જવું છે....! અને પછી મુવી કે લોન્ગ ડ્રાઈવ માટે....!”

“લાવણ્યા....! લુક.....!” વિવાન ઉભો રહ્યો અને લાવણ્યા સામે હાથ કરીને ઘમંડપૂર્વક બોલ્યો “તું આ પે’લ્લાં પણ મારી ઉપર “ટ્રાય” મારી ચુકી છું....રાઈટ...! મેં એ વખતે પણ તને રીજેક્ટ કરી હતીને....! આજે પણ કરું છું....! યુ આર નોટ માય ટાઈપ લાવણ્યા....!”

સપાટ સ્વરમાં એટલું બોલી દઈ વિવાન ઘમંડથી તેનું કાનુડા જેવું સ્મિત કરી ચાલતો થઈ ગયો. વિવાનનાં એટીટ્યુડથી છક થઈ ગયેલી લાવણ્યા ત્યાંજ ઉભી થઈ ગઈ અને જઈ રહેલાં વિવાનની પીઠ તાકી રહી. કોલેજનાં સૌથી હેન્ડસમ છોકરાં વિવાનને પટાવવાનો લાવણ્યા અગાઉ પણ પ્રયત્ન કરી ચુકી હતી. એ વખતે વિવાને લાવણ્યાનાં ગ્રુપના તેમજ કોલેજના અન્ય સ્ટુડેંન્ટસની સામે તેણીને રીજેક્ટ કરી દીધી હતી.

“આજનો દિવસજ ખરાબ છે....!” લાવણ્યા નિસાસો નાંખતાં બોલી પછી મનમાં બબડી “કેન્ટીનમાં જઈને કઈંક ચ્હા-બા પીવી પડશે....!”

માથું ધૂણાવતી લાવણ્યા હવે કેન્ટીન તરફ ચાલવાં લાગી.

----

“અરે વાહ....! મારાં માટે ચ્હા હાજરજ છે....!” કેન્ટીનમાં પહોંચતાંજ લાવણ્યાએ તેનાં ગ્રૂપના ટેબલ ઉપર કેન્ટીનના બચ્ચને જસ્ટ મૂકેલો ચ્હાનો કપ ઉઠાવી લેતાં કહ્યું.

બ્લ્યુ સ્લીવલેસ હાલ્ફ ટી-શર્ટ પહેરેલી લાવણ્યાને ચ્હાનો કપ હોંઠે માંડતાં આજુબાજુનાં ટેબલ ઉપર બેઠેલાં બોયઝ જોઈ રહ્યાં. ટેબલ ઉપર બેઠેલી કામ્યા, અંકિતા, નેહા સહિત બીજાં ફ્રેન્ડ્સ પણ લાવણ્યાને જોઈ રહ્યાં. ઘમંડથી બધાંની સામે જોતાં-જોતાં લાવણ્યાએ ચ્હાનાં કપમાંથી એક સિપ લીધી.

“ઈઈ....! આ ચ્હા કેમ આવી ફિક્કી છે....!? બચ્ચન....!” ચ્હાનો ઘૂંટ પીતાજ લાવણ્યા મોઢું મચકોડીને બોલી.

કપ પાછો ટેબલ ઉપર મૂકી દઈ લાવણ્યા નેહાની જોડે ખાલી ચેયરમાં બેસી ગઈ.

“હા યાર....!” સામે બેઠેલી ત્રિશાએ પણ ચ્હાનો એક ઘૂંટ પીધાં પછી મોઢું બગાડીને કહ્યું “ચ્હામાં ભલીવાર નથી...!”

“ચ્હાનાં કારીગર બદલાઈ ગયાં છે....! હાંઈ.....!” બચ્ચન તેની આદત પ્રમાણે “અમિતાભ”ની સ્ટાઈલમાં બોલ્યો.

“કેમ ક્યાં ગયાં છે....!?” લાવણ્યાની જોડે બેઠેલી નેહા તેનાં મોબાઇલમાંથી નજર હટાવીને બોલી.

“લગન કરવાં માટે ગામડે ગ્યાં છે....! હાંઈ....!” બચ્ચન એજરીતે બોલ્યો.

“ઉફ્ફ....લગન....!” લાવણ્યાએ મેરેજની વાત સાંભળીને મોઢું બગાડ્યું “આખી લાઈફ “એકજ માણસ” જોડે.....! how boring…..!”

“તો તું ત્રણ-ચાર જોડે કરજે....!” કામ્યા બોલી અને બધાં હસી પડ્યાં.

“પ્લીઝ હા....કામ્યા...! ફરીવાર શરૂ નાં કરતી....!” લાવણ્યાએ હાથનો પંજો બતાવીને કહ્યું “હું તો ખાલી એમ કઉ છું કે...! કોઈ પોતાની આખી લાઈફ...! એકજ માણસનું થઈને કેવીરીતે જીવી શકે...!”

“કોઈને સાચાં દિલથી લવ કરો....! તો આખી લાઈફ શું...! સાતેય જનમ સાથે વિતાવી શકાય...!” નેહા બોલી.

“આઈ ડોન્ટ બિલિવ ઈન લવ...! હુંહ....!” લાવણ્યાએ ફરીવાર તેનું મોઢું મચકોડયું અને અદાથી પોતાનાં વાળની લટો પોતાનાં કાન પાછળ ભરાવી “લવ-ફવ...બકવાસ છે...! અને સાતે જનમની વાતો...! ઉફ્ફ....બકવાસ....! આ એકજ લાઈફ છે....! જેટલી “મજા” કરવી હોય...! કરીલો..!”

લાવણ્યાએ બોલીને નેહા સામે જોયું અને આંખ મિચકારી.

“હમ્મ...! મને ખબર છે....! તું કઈ “મજા”ની વાત કરે છે...!” કામ્યાએ ફરીવાર ટોંન્ટ મારતાં કહ્યું.

“પ્લીઝ યાર ટોપિક ચેન્જ કરો....!” પ્રેમ કંટાળીને બોલ્યો.
“હાં....! અને મને પણ અહિયાંથી છૂટો કરો....! શું લાવવું છે એ કઈદો.....!” ટેબલ જોડે ઉભેલો બચ્ચન બોલ્યો.

“લાવણ્યા....! તું મસ્કાબન ખાઇશ...!?” પ્રેમે પૂછ્યું.

“એને પે’લ્લાં પૂછીલે ....! કે એ દિવસની જેમ ભાગીતો નઈ જાયને....!?” કામ્યા ઘુરકીને પ્રેમ સામે જોઇને બોલ.

“આરે હાં....! લાવણ્યા....! એ દિવસે તું ગઈ એ પછી ત્રણ દિવસ કોલેજ કેમ નાં આવી...!?” પ્રેમની જોડે બેઠેલો રોનક બોલ્યો.

“ગર્લ પ્રોબ્લેમ હતી....!” લાવણ્યાએ નકલી સ્મિત કરી ટૂંકો જવાબ આપ્યો.

સવાર-સવારમાં કામ્યા સાથે ઝઘડો અને વિવાનનાં ફરીવાર “રિજેકશન” પછી લાવણ્યાનું મૂડ ખરાબ થઈ ગયું હતું.

“વુંઉઉઉઉ.......!”

પોતાનું માઈન્ડ ડાયવર્ટ કરવાં માટે લાવણ્યાએ તેનો મોબાઈલ હજીતો તેનાં પોકેટમાંથી કાઢ્યોજ હતો, ત્યાં તેની સામે બે-ત્રણ ટેબલ પછીનાં એક ટેબલને ઘેરીને આજુબાજુ ઉભેલાં સ્ટુડન્ટસ હાથ ઊંચાં કરીને ચિચિયારીઓ પાડવાં લાગ્યાં.

કુતુહુલવશ લાવણ્યાએ એ ટેબલ તરફ જોયું. લાવણ્યાના ફ્રેન્ડસ પણ હવે એ ટેબલની આજુબાજુ ટોળુંવળીને ઉભેલાં સ્ટુડન્ટસ તરફ જોઈ રહ્યાં હતાં. એ ટેબલની આજુબાજુના ટેબલ ઉપર બેઠેલાં સ્ટુડન્ટસ પણ એજ ટેબલ તરફ જોઈ રહ્યાં હતાં. તેમાનાં કેટલાંક પણ ઉભાં થઈને પોતાનાં પંજા ઉપર ઊંચા થઈને જોઈ રહ્યાં હતાં.

“શું ચાલે છે ત્યાં...!?” લાવણ્યાને હવે વધુ કુતુહલ થતાં તે પોતાની ચેયરમાં બેઠાં-બેઠાં આમતેમ મોઢું ફેરવીને ત્યાં જોવાનો પ્રયત્ન કરી રહી.

ત્યાંજ લાવણ્યાને ગીટાર વાગવાંનો સ્વર સંભળાયો.

“હું મને શોધ્યાં કરું....! પણ હું તને પામ્યાં કરું.....!

તું લઈને આવે મેળોઓ.....રે......!”

ગીટારનો અવાજ સાંભળી લાવણ્યા એ તરફ જોઈજ રહી હતી ત્યાંજ લાવણ્યાને કોઈ છોકરાંનો મધુર સ્વરમાં સોન્ગ ગાવાંનો અવાજ સંભળાયો.

“કોણ ગાય છે આ....!?” લાવણ્યાએ હળવું સ્મિત કરતાં-કરતાં જોડે બેઠેલી નેહાને પૂછ્યું.

“નવો છોકરો છે....!” નેહાએ તરફ એક નજર નાંખી અને સ્મિત કરીને કહ્યું “ત્રણેક દિવસથી રોજે કેન્ટીનમાં આજરીતે સોન્ગ્સ ગાય છે....! અને મેહફીલ જમાવીદે છે....!”

“સાથ તું લાંબી મજલનો ઓ....સાર....તું મારી ગઝલનો ઓ....!

તું અધુરી...વારતાનો છેડો રે......!”


ત્યાંજ ટેબલ ઘેરીને ઉભેલાં કેટલાંક સ્ટુડન્ટસ ચેયરમાં બેસી જતાં લાવણ્યાને હવે તે ટેબલની ચેયરમાં ગીટાર લઈને બેઠેલો તે યુવાન દેખાયો.

“અરે આ તો એ છોકરો છે....!?” લાવણ્યાની નજર ગીટાર વગાડતાં- વગાડતાં સોન્ગ ગાઈ રહેલાં તે યુવાન ઉપર પડી અને તે ચમકી ગઈ.

તે એજ યુવાન હતો જેણે લગભગ ત્રણેક દિવસ પહેલાં લાવણ્યાનું એકટીવા ખરાબ થઇ જતાં તેણીને HL કોલેજ સુધી પોતાની બાઈક ઉપર લીફ્ટ આપી હતી.

“મીઠડી આ સજા છે.....! દરદોની મજા છે....”

ગીટાર વગાડતાં-વગાડતાં સોંન્ગ ગાઈ રહેલાં તે યુવાનની નજર હવે લાવણ્યા ઉપર પડી. તે યુવાન હવે લાવણ્યા સામે મુગ્ધ નજરે જોઈ રહ્યો અને સોન્ગ ગાઈ રહ્યો.

“તારો વિરહ પણ લાગે વ્હાલો રે......!

કે વાલમ આવોને....આવોને....!

વાલમ આવોને....આ.....વોને....!

કેવી આ દિલની સગાઈ...! કે માંડી છે લવની ભવાઈ...ઓ....

તા થઈયા... થઈયા ...... તા થઈ...યા..... થઈ....!”

લાવણ્યા સહીત કેન્ટીનમાં લગભગ બધાંજ મંત્રમુગ્ધ બનીને તે યુવાનને સાંભળી રહ્યાં.

“તા થઈયા... થઈયા ...... તા થઈ...યા..... થઈ....!”

તે જ્યાં બેઠો હતો તે ટેબલની આજુબાજુ ચેયરમાં બેઠેલાં અને આજુબાજુ ઉભેલાં સ્ટુડન્ટસ પણ હવે તેની સાથે-સાથે તાલ મીલાવતાં ગાવાં લાગ્યાં. કેન્ટીનનું આખું વાતાવરણ કોઈ મોટાં સિંગરના મ્યુઝીક કોન્સર્ટની જેમ સંગીતમય થઈ ગયું.

“તા થઈયા... થઈયા ...... તા થઈ...યા..... થઈ....!”

“વુંઉઉઉઉ.......!”

છેવટે તે યુવાને ગાવાનું પૂરું કર્યું અને તેની સાથે ગાઈ રહેલાં અન્ય સ્ટુડન્ટસે તેમજ કેન્ટીનના અન્ય વિદ્યાર્થીઓએ તાળીઓ અને ચિચિયારીઓ પાડીને તેને વધાવી લીધો. તે ગાતો હતો ત્યાં સુધી લાવણ્યા તે યુવાનને જોઈ રહી હતી અને તેનાં મધુર અવાજમાં એ સોન્ગને સાંભળી પણ રહી હતી. તે યુવાન પણ લાવણ્યા સામે જોતાં-જોતાં ગાતો રહ્યો હતો.

“મસ્ત ગાય છેને ...!?” જોડે બેઠેલી નેહાએ ઓલાં યુવાન સામે જોઈ રહેલી લાવણ્યાને પૂછ્યું.

“હેં.....! અ...! હાં...હાં...ઠીક ઠીક....!” લાવણ્યા ઘમંડથી મોઢું બગાડીને બોલી “એટલું કંઈ સારું નો’તું....!”

લાવણ્યા હજી તે યુવાન સામે જોઈ રહી હતી અને તે યુવાન પણ તેણી સામે જોઈ રહ્યો હતો. આજુબાજુના કેટલાંક સ્ટુડન્ટસ હજીપણ તે યુવાનને તેણે ગાયેલાં સોન્ગ માટે એપ્રીશીયેટ કરી રહ્યાં હતાં.

તે યુવાને હવે લાવણ્યાને જોઇને સ્મિત કર્યું. લાવણ્યાએ ઘમંડથી પોતાનાં હોંઠ મચકોડ્યા અને પોતાની હેન્ડબેગ ખભે ભરાવતી-ભરાવતી ચેયરમાંથી ઉભી થઈ ગઈ.

“હું લેકચર ભરવાં જાવ છું.....!” કેન્ટીનમાંથી બહાર જતાં-જતાં લાવણ્યાએ ગ્રુપના ફ્રેન્ડસને સંબોધીને કહી દીધું અને કેન્ટીનની બહાર નીકળી ગઈ.

“હેય...! મિસ...!” લાવણ્યા ક્લાસરૂમ તરફ જતાં કોરીડોરમાં ચાલી રહી હતી ત્યાંજ પાછળથી કેન્ટીનમાંથી નીકળી તેણી પાછળ સોન્ગ ગાનારો ગીટારવાળો એજ યુવાન દોડતો-દોડતો આવ્યો.

લાવણ્યાએ એકાદ ક્ષણ અટકીને તે યુવાન તરફ જોયું અને પાછી ક્લાસરૂમ તરફ ચાલવાં લાગી.

“તમને સોન્ગ કેવું લાગ્યું...!?” તે યુવાન હવે લાવણ્યા જોડે ચાલતો-ચાલતો પૂછવા લાગ્યો.

“તે કેન્ટીનમાં બધાંને આ ક્વેશ્ચન પૂછ્યો...!?” લાવણ્યાએ તોછડાઈપૂર્વક તેની સામે જોયાં વિના કહ્યું.

“હાં...હાં...હાં....” તે યુવાન હસી પડ્યો “ના ખાલી તમને...!”

તેની સ્માઈલ સાંભળી લાવણ્યાથી પરાણે હળવું હસાઈ ગયું અને તેણીએ ચાલતાં- ચાલતાં તે યુવાન સામે જોયું. સહેજ સપાટ અને ક્યુટ દેખાતો ગોરો ચેહરો, નાનાં બાળક જેવી માસુમ કાળી આંખો, અરિજિત સિંઘ જેવાં સહેજ લાંબા કર્લીવાળ, ચેહરા ઉપર આછી દાઢી.

ચાલતાં-ચાલતાં લાવણ્યાએ તે યુવાન ઉપર એક અછડતી નજર નાંખી. લીનનનો ફૂલ સ્લીવનો ચાઇનીઝ કોલારવાળો બ્લેક શર્ટ જેની સ્લીવ્સ તેણે કોણી સુધી વાળેલી હતી. ખાખી કલરનો બહુ બધાં ખિસ્સાંવાળો કાર્ગો ટ્રેક, બ્લેક સ્પોર્ટ્સ શુઝ. લાવણ્યાનાં બોયફ્રેન્ડ બનવાં લાયક હોય એવાં કોલેજના સ્ટાઈલીસ છોકરાઓથી સાવ અલગ એકદમ સિમ્પલ પણ એટ્રેક્ટિવ લૂક હતો એનો.

“તમે મારી જોડે કોફી પીવા આવશો....!?” જોડે ચાલી રહેલાં યુવાને લાવણ્યાએ ભોળાં ભાવે પૂછ્યું.

“તો ...તારે લાઈનમાં ઉભું રહેવું પડશે...!?” લાવણ્યા ઘમંડથી પોતાનાં વાળ ઝાટકીને બોલી

“આધારકાર્ડ કઢાવાં...!?” તે યુવાન બોલ્યો

“નાં હવે....!” લાવણ્યા પરાણે પોતાનું હસવું રોકી રહી “કોલેજના લગભગ બધાંજ હેન્ડસમ છોકરાઓ મારી જોડે કોફી પીવાં માંગે છે....!”

“ઓહ....! તો તો મારો નંબર આવતાં-આવતાં કોલેજ પૂરી થઈ જશે....!” તે યુવાન ફરીવાર મઝાકીયાં સ્વરમાં બોલ્યો.

“હાં કદાચ....!” પોતાનું હસવું રોકી રાખીને લાવણ્યા બોલી.

ક્લાસરૂમ નજીક આવી જતાં લાવણ્યાએ પોતાની ચાલવાંની સ્પીડ ધીમી કરી.

“તો કોઈ રીતે આપડું સેટિંગ નથી થાય એવું...!?” ઓલો યુવાન જાણે કોઈ ટ્રાફિક પોલીસને લાંચ આપતો હોય એમ બોલ્યો.
“ના...લાઈનમાં ઉભેલાં બીજાં યુવાન નારાજ થાય....!” લાવણ્યા બોલી.

“એક કામ કરીએ તો..!” તે યુવાન હજીપણ એવાંજ ઇનોસન્ટ સ્વરમાં બોલી રહ્યો હતો “કોલેજ પતે પછી સાંજે તમે છુપાઈને કોલેજના ગેટથી થોડાંદુર ઉભાં રેહજો....! હું પછી બાઈક લઈને આઈ જઈશ અને તમને બેસાડી લઈશ....! કોઈનેય ખબર નઈ પડે....!”

“હા..હાં..હાં....!” લાવણ્યા હવે હસી પડી અને કોરીડોરમાં અટકી “આ બવ ક્યુટ પ્રપોઝલ હતું....હોં..!”

“તો કોફી પાક્કી....!?”

“હું તો તને ઓળખતી પણ નથી...!?” લાવણ્યા ઘમંડથી બોલી “અને કોલેજનાં એવાં બધાંજ અજાણ્યાં બોયઝ સાથે જો હું કોફી પીવાં માટે જાવ....! તો મારી આખી કોલેજ કોફી પીવામાં પતે અને મને ડાયાબિટીસ થઈ જાય એ અલગથી....!”

“અને વજન પણ વધી જાય...!” તે યુવાન તેનાં હોંઠ દબાવી રાખીને હસવું રોકતાં બોલ્યો.

“ઓય વજન વાળાં...!” લાવણ્યા હસી પડી અને તે યુવાનની ચેસ્ટ ઉપર હળવાં પંચ મારવાં લાગી.

“અરે...! હું તો ખાલી એમજ કવ છું....!” એ યુવાન સહેજ પાછો ખસી ગયો “અને હું અજાણ્યો નથી....! મેં જ તમને લીફ્ટ આપી હતી...! ત્રણેક દિવસ પે’લ્લાં....! તમારું એકટીવા બગડી ગ્યું’તું ત્યારે....!”

“ ઓહ....હાં....! યાદ આયું...!” લાવણ્યા જાણે યાદ કરતી હોય એમ નાટક કરતાં બોલી “એક્ચ્યુલી....! મને ઘણાં બધાં છોકરાઓ લીફ્ટ આપતાં હોય છે..યુ નો...!”

“હમ્મ....! એટલેજ તમે કોઈને “થેન્ક યુ” પણ નઈ કે’તા હોવ....! નઈ...!?”

“હાં...હાં...હાં.....! તો તારે થેન્ક યુનાં બદલાંમાં કોફી જોઈએ છે એમ...!?” લાવણ્યા અદબવાળીને ઉભી રહી અને તે યુવાનના ઇનોસન્ટ ચેહરા સામે જોઈ રહી.

એકદમ કાંચ જેવી ચોખ્ખી કાળી માસુમ આંખો. અત્યારસુધી લાવણ્યાએ ભલે તે યુવાનને “ટુંકારે” બોલાવ્યો હોય પણ તે યુવાને લાવણ્યાને હજીપણ “તમે” કહીને માનપૂર્વક સંબોધી હતી.

“નાં ના...એવું કંઈ નઈ....!” તે યુવાને નાનાં બાળકની જેમ માથું ધુણાવ્યું.

“મારે લેટ થાય છે...!” લાવણ્યા સ્માઈલ કરતી-કરતી ક્લાસરૂમ તરફ ચાલી.

“તો કોફી...!?” તે યુવાને ત્યાંજ ઉભાં રહીને સહેજ ઊંચા સ્વરમાં પૂછ્યું.

­ઘમંડથી સ્માઈલ કરતી-કરતી લાવણ્યા કંઈપણ જવાબ આપ્યાં વિનાજ ક્લાસરૂમમાં એન્ટર થઈ ગઈ.

-----
“અરે યાર....! વરસાદ ચાલું થઈ ગયો....!” લાવણ્યા કોલેજનાં મેઈન ગેટ તરફ જઈ રહી હતી ત્યાંજ વાદળોમાં ગડગડાટ સાથે ધીમી ધારે વરસાદ ચાલું થઈ ગયો.

કોલેજના બિલ્ડીંગના કોરીડોરમાં પગથીયાં પાસે લાવણ્યા ઉભી રહી અને પોતાની હથેળી બહાર કાઢી વરસાદની સ્પીડ ચેક કરી રહી.

“ગેટ સુધી પહોંચતાં-પહોંચતાં પલળી જવાશે...!” હથેળી પલળી જતાં લાવણ્યા મનમાં બબડી.

“હું તમને ઘરે ડ્રોપ કરી દઉં....!?” લાવણ્યા તેણીની હથેળી જીન્સના શોર્ટ ઉપર લુંછી રહી હતી ત્યાંજ એ યુવાને લાવણ્યાની જોડે ઉભાં રહીને પૂછ્યું.

લાવણ્યાએ તેની તરફ સ્મિત કરીને જોયું. તેણે પોતાની પીઠ પાછળ ગીટાર ભરાવ્યું હતું.

“મેં કીધું’તું તો ખરાં....!” લાવણ્યા ફરીવાર એજરીતે ઘમંડી એટીટ્યુડથી બોલી “મને લીફ્ટ આપવાંવાળાં ઘણાં છે...!”

“અને એમ પણ....!” તે યુવાન કંઈક બોલવાં માટે પોતાનું મ્હોં ખોલવાંજ જતો હતો ત્યાંજ લાવણ્યા ટોન્ટભર્યા સ્વરમાં બોલી પડી “હું બાઈકની જગ્યાએ ઓટોમાં જવાનું પસંદ કરીશ....! જેથી પલળાય નઈ....!”

એટલું કહીને લાવણ્યા પગથીયું ઉતરી ગઈ અને કોલેજના ગેટ તરફ ઉતાવળાં પગલે દોડી ગઈ.

વરસાદમાં પલળતી લાવણ્યા કોલેજના ગેટની બહાર હજીતો આવીજ હતી ત્યાંજ એક ઓટોવાળાંએ લાવણ્યાને જોતાં ઓટો ઉભી રાખી. લાવણ્યા દોડીને ઓટોની પાછલી સીટમાં અંદર બેસી ગઈ.

“જોધપુર....!” વરસાદની વાછટોથી બચવાં ઓટોની સીટમાં સહેજ વધુ અંદર ખસતાં લાવણ્યા બોલી.

“સોરી મેડમ....! એ બાજુ નઈ જવાય...!” ઓટોવાળો માફી માંગતાં બોલ્યો “પણ એ બાજુ પાણી બવ ભરાયું છે અને ટ્રાફિક પણ બઉ જોરદાર છે....!”

“તો પછી ઓટો શું લેવાં ઉભી રાખી....!” લાવણ્યા તાડૂકી અને ગુસ્સે થઈને બોલી.

“તમારાં મોઢાં ઉપર થોડી લખ્યું છે કે તમારે જોધપુર જવાનું છે....!?” લાવણ્યાનાં ગુસ્સાંનાં જવાબમાં ઓટોવાળાએ ચોપડાવી દીધું.

“રાસ્કલ....!” લાવણ્યા સહેજ ધીમેથી બોલી અને મોઢું બગાડીને ઉતરી ગઈ.

વરસાદની ઝડપ વધી ગઈ હોવાથી થોડું પલળેલી લાવણ્યા હવે વધુ પલાળવાં લાગી.

તેણીએ પહેરેલાં બ્લ્યુ કલરનાં સ્લીવલેસ હાલ્ફ ટોપ અને ઢીંચણથી ઊંચા જીન્સનાં શોર્ટમાં પલળતું તેનું કાતિલ રૂપ હવે વધુ મારકણું બની ગયું. કોલેજની બાઉન્ડરી વોલને અડીને બનેલી પેવમેન્ટ ઉપર સહેજ ઉતાવળાં પગલે ચાલતાં-ચાલતાં લાવણ્યા હવે બસસ્ટેન્ડ તરફ જવાં લાગી. વધી ગયેલાં વરસાદની સ્પીડને લીધે બસસ્ટેન્ડ સુધી પહોંચતાં-પહોંચતાં લાવણ્યા આખી પલળી ગઈ. તેણીએ પહેરેલી હાઈ હિલ્સને લીધે તે વધુ ઝડપથી ચાલી પણ ના શકી.

વરસાદથી બચવાં લાવણ્યા હવે બસસ્ટેન્ડમાં ઉભી રહી.

“ભીનાં હાથે ફોન પણ કેમનો બહાર કાઢવો...!” લાવણ્યા મનમાં બબડી.

થોડીવાર પછી કોલેજના તરફથી આવતી એક વ્હાઈટ કલરની BMW કારને જોઈ લાવણ્યાએ હાથ લાંબો કરીને લીફ્ટ માંગવા બસસ્ટેન્ડમાંથી બહાર આવી.

ધાકડ સ્વભાવની લાવણ્યા કોઈપણ અજાણી વ્યકિત પાસે લીફ્ટ માંગવામાં ક્યારેય ડરતી નહોતી.

BMW કારના ચાલકે કાર લાવણ્યા સામે ઉભી રાખી.

લાવણ્યા સાઈડની વિન્ડોનો કાંચ આપમેળે ખૂલવા લાગ્યો. લાવણ્યાએ સહેજ નીચાં નમીને જોયું.

“અરે....!? તું....!?” કાર ચાલક બીજું કોઈ નહિ પણ કેન્ટીનમાં રોજે ગીટાર વગાડી સોન્ગ ગાનારો એજ યુવાન હતો “તારી જોડે કાર પણ છે...!?”

“તો......! હું બોલું એ પહેલાંજ તમે ગેટ બાજુ ભાગી ગયાં.....!” કારની ડ્રાઈવિંગ સીટ ઉપર બેઠેલો તે યુવાન બોલ્યો.

“હાં...હાં....! ઠીક છે...!” લાવણ્યા કારનો દરવાજો ખોલીને ડ્રાઈવિંગ સીટની બાજુની સીટમાં ઝડપથી બેસી ગઈ અને સીટ બેલ્ટ બાંધવાં લાગી.

ઓલો યુવાન લાવણ્યાને તેણીનાં ઉરજો ઉપર સીટ બેલ્ટ બાંધતાં મુગ્ધ નજરે જોઈ રહ્યો.

“શું જોવે છે તું....!?” પોતાની તરફ જોઈ રહેલાં તે યુવાનને જોઇને લાવણ્યાએ સહેજ ચિડાઈને કહ્યું.

“ક...કંઈ નઈ.....!” છોભીલાં પડીને તે યુવાને તેનું મ્હોં ફેરવી લીધું અને લાવણ્યાથી નજર ચુરાવતો હોય એમ શરમાઈને બોલ્યો “ક...ક્યાં જવું છે તમારે.....!?”

“જોધપુર....!” લાવણ્યા તેની સામે જોઈ રહીને માંડ હસવું દબાવીને બોલી.

“કોફી પીશો....! ગરમ ગરમ...!” તે યુવાન અચાનકજ લાવણ્યા સામે જોઈ નાનાં બાળકની જેમ આંખો મોટી કરીને બોલ્યો “તમે પલળી ગ્યાં છોને ...! તો તમને સારું લાગશે...!”

“હેં ભગવાન આ છોકરો....!” લાવણ્યાને હવે તે યુવાનનાં માસૂમ ચેહરાને જોઇને તેની ઉપર વ્હાલ આવી ગયું અને તે મનમાં બબડી.

“હું નાં પાડીશ....! તો તું મને કારમાંથી ઉતારી દઈશ....!? એમ...!?” લાવણ્યાએ આઈબ્રો ઉંચી કરીને પૂછ્યું.

“એવું થોડી હોય .....! મારે કંઈ તમારી ઉપર જોરજોરાઈ થોડી કરવી છે....!” એ ફરીવાર બાળકની જેમ મોઢું ઢીલું કરીને બોલ્યો “તમે ના પાડશો....! તો નઈ....! બીજું શું....!”

તે જાણે નારાજ થતો હોય એમ મોઢું મચકોડ્યું અને કારને ગીયરમાં નાંખીને એક્સીલેટરને રેસ આપી.

“હજી આપડે કોફી પીવાં જેટલાં ક્લોઝ નથી થયાં.....!” લાવણ્યા સહેજ ઘમંડથી કહ્યું “હું તો તારું નામ પણ નથી જાણતી....!”

તે યુવાને પાછું લાવણ્યા સામે જોયું અને મોઢાં ઉપર એવુંજ ભોળું સ્મિત લાવીને કહ્યું

“આરવ....!”
********

Instagram: @jignesh_sid19


નોંધ: વાર્તામાં ઉપયોગમાં લીધેલ સોન્ગ્સના લીરીક્સ ઉપર લેખકનો કોઈ હકદાવો નથી.

This PDF is not for commercial use. Readers are requested not to forward/sell this pdf to anyone.

-J I G N E S H