જાણે-અજાણે (76) Bhoomi Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જાણે-અજાણે (76)

છેલ્લાં ભાગમાં હતું...
કૌશલ અને નિયતિ તોફાની વાતાવરણને કારણે રાતના સમયે નિયતિના કૅફેમાં ફસાય જાય છે. શેરસિંહજીનાં કહેવાં પર તેઓ રાત ત્યાં જ રોકાવાની વાતને માની ગયાં. પણ જ્યારે એકાંત સમય નિયતિ અને કૌશલને મળ્યો તો તેમનાં મનની વાતો, ફરિયાદો અને ઘણો બધો ગુસ્સો નિકળવા લાગ્યો. આ ગુસ્સામાં ક્યારે તે એકબીજાને દુઃખી કરવાં લાગ્યાં તે તેમને ભાન નહતું પણ જ્યારે એકબીજાને દુઃખમાં તડપતા, રડતાં જોયાં તો પોતાનો બધો ગુસ્સો છોડી તેમને સાચવવામા લાગી ગયાં . ........
હવે...

કૌશલની નારાજગી અને ગુસ્સો નિયતિનાં પાસે આવવાં પર પીગળવા લાગ્યો અને તેનાં હાથ પણ ઉઠીને નિયતિને પકડી રહ્યાં. એક અદ્દભૂત ક્ષણ જેની રાહ મનમાં ને મનમાં , રાતનાં દરેક સ્વપ્નમાં અને દિવસનાં ઉજાસમાં રાહ જોવાતી હતી તે ક્ષણ માણવાની ખુશી કંઈક અલગ જ ઝળકી રહી હતી. કોઈ તોફાન, કોઈ વીજળી કે કોઈ પવનનાં ઝપાટા કશું જ તેની વચમાં નહતાં આવી શકતાં. તેમની આંખમાંથી નિકળતાં આંસું આજે સૌથી મીઠાં લાગી રહ્યા હતાં. જોતજોતામાં તે ક્યારે એકબીજાને માફ કરવાની રાહ પર ચાલવાં લાગ્યાં તે તેમને જ નહતી ખબર. પણ જે ધ્રશ્ય સર્જાય રહ્યું હતું તે જાણે પ્રકૃતિની કરામત જ જણાય રહી હતી. જ્યારે દુઃખ એક હદ્દથી વધી જાય તો તે એકદમ પુરુ થઈ જાય તે વાતનો અહેસાસ નિયતિ અને કૌશલ એકબીજાને વળગીને અનુભવી રહ્યા હતાં.

થોડીવાર પછી નિયતિને ભાન આવ્યું કે તે શું કરી રહી છે તો તે સ્વપ્ન માંથી અસલી દૂનિયામાં આવી ગઈ અને એકદમ કૌશલથી થોડી દૂર ખસી. જે વાતની નિયતિને બીક હતી તે જ થઈ રહી હતી. તે પોતાની જાત પર રોક નહતી રાખી શકતી તે કૌશલ પર આધાર રાખવાં ઈચ્છવાં લાગી હતી જે પોતાનું મન જ માનવાં તૈયાર નહતું. કૌશલે આ વાત તેનાં ચહેરે જોઈ લીધી એટલે દૂર જતી નિયતિને તેણે રોકી લીધી. બહું ધ્યાનથી અને પ્યારથી તેને કહ્યું " તું મારી પર આધાર રાખી શકે છે.... આજે , કાલે અને હંમેશા રાખી શકે છે. તારો હક્ક છે જ મારી પર એ મારે કેટલીવાર કહેવું પડે?... દરેક વખત બધી પરેશાની, બધી તકલીફ પોતે સહન કરવાની જરૂર નથી. બીજો કોઈ નહીં તો એટલો હક્ક તો આપ મને કે હું તારી તકલીફોમાં ભાગીદાર થઈ શકું. તેં પોતાનાં જીવનમાંથી તો ઘણાં લાંબાં સમય પહેલેથી જ મને કાઢી નાખ્યો છે પણ એકવાર.. માત્ર એકવાર ભરોસો કરીને તો જો.... !"

નિયતિ આ સાંભળી રડવાં લાગી. રોજ જે નિયતિ તાકાત અને હીંમતનું પ્રદર્શન કરતી હતી તે આજે કૌશલ સામેં એક નાની છોકરી બની જાણે ફરીયાદોનો ઢગલો કરી રડતી હોય તેમ જણાય રહ્યું. પણ કૌશલ કોઈ વાત માટે તેની વિચારસરણી નહતો બાંધી રહ્યો. તેને ખબર હતી નિયતિનું વર્તન તે થવાનું જ છે. નિયતિએ થોડો શ્વાસ ભરતાં કહ્યું " આ બધું તારાં લીધે જ થયું છે!.. " કૌશલને આ સાંભળી આશ્ચર્ય થયું અને તરત જવાબ આપ્યો" મારાં લીધે?... મને છોડી ને, વગર કોઈ ભરોસો કરીને કોણ રાતોરાત છોડી ને ગયું હતું?.. " " પણ જ્યારે કહ્યું તો કોણ આવ્યું નહતું?..." નિયતિ પાસે પણ જવાબ ખૂટ્યા નહતાં. કૌશલને એક પછી એક દરેક વાક્ય આશ્ચર્ય પમાડી રહ્યા હતા. તેણે કહ્યું " એક મીનીટ... તું શું બોલે છે મને કશું નથી સમજાતું!.. હું ક્યારે તારાં બોલાવા પર ના આવ્યો?... અને તેં ક્યારે કહ્યું મને કશું?.. " નિયતિએ પોતાના આંસુ લૂછતાં થોડો શ્વાસ ભરી શાંત થતાં કહ્યું " તને યાદ છે જે રાત્રે આપણે વંદિતા અને અમીને શોધી રહ્યા હતાં!.. અને એ પછી જે હાલતમાં તે બંને આપણને મળ્યા હતાં.?.. " " હાં.. યાદ છે તો? " કૌશલે ઉતાવળ કરતાં પુછ્યું. નિયતિએ વાત વધારતા કહ્યું " એ પછી જે વાત લોકોનાં કાનોકાન ફેલાય હતી , જેના લીધે વંદિતાની ઈજ્જત પર વાત આવી ગઈ હતી અને રોહન વિશેની વાત મેં તને નહતી કહી એ વાત પર આપણો ઝઘડો પણ થઈ ગયો હતો!... તે બધી વાતમાં આપણાં વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ હતી. હાં જાણું છું કે એક જ દિવસ માટે હતું પણ એ દિવસ મારાં માટે ઘણો મોટો હતો કૌશલ.... તે દિવસે વંદિતાની માં મારી પાસે આવ્યાં હતાં અને મારી સામેં બે વિકલ્પ મુક્યા હતાં. " નિયતિ બોલતાં બોલતાં ચુપ થઈ ગઈ. કૌશલ તેની વાત આંખ-કાન ખુલ્લા રાખી સાંભળી રહ્યો હતો અને દરેક વધતી વાત સાથે તે અધીરો બનતો જતો હતો. " શું વ..વિકલ્પ ?.. " કૌશલે ગભરાતા પુછ્યું. પણ નિયતિ થોડીવાર કશું બોલી ના શકી, નીચું માથું રાખી બેસી રહી. તેની આમ ચુપ્પી કૌશલને પરેશાન કરી રહી હતી તેણે ફરીથી પુછ્યું " નિયતિ જો મારી સામેં અને બોલ શું વિકલ્પ રાખ્યા હતાં?.. " કૌશલના ભાર દેવા પર નિયતિએ ફરી વાત ચાલું કરી " તે મારી પાસે આવ્યા હતાં અને કહ્યું કે હું વંદિતાને કોઈ એવી જગ્યા લઈ જઉં કે જ્યાં તેનું અતિત તેની સામેં ના આવે. તેની પર વિતેલી કોઈ વાત તેનાં જીવન કે તેના ચરિત્ર પર ડાઘ ના પાડી શકે. અને જો હું એવું ના કરી શકું તેમ હોય તો તે અને વંદિતા પોતાનો કોઈ બીજો રસ્તો કરી લેશે.. એટલે કે મોતને વળગી લેશે... "

કૌશલ આ સાંભળી વિશ્વાસ નહતો કરી શકતો કે તે શું સાંભળે છે!... " કોઈ માં આવું કેવી રીતે વિચારી શકે?.. તેમણે તો વંદિતાનો સહારો બનવો જોઈતો હતો અને તે જાતે જ તેને આ બધાથી ભાગતા શીખવાડી રહ્યાં હતાં!... અને તું?.. તને એકવાર પણ મને આ બધું જણાવવું જરૂરી ના લાગ્યું?... અરે એક વખત તો કહી જોતી મને !.!.." કૌશલ ગુસ્સામાં લાલ થતો જતો હતો. આ જોઈ નિયતિએ ધીમેથી કહ્યું " તેમણે મને એ પણ કહ્યું હતું કે હું કૌશલ અને અનંતને આ વાત ના જણાવું. નહીં તો તું વંદિતાને એ ગામ છોડી ક્યારેય ના જવાં દેતો. અને એ વાત તેમને ખબર હતી. હું મજબૂર હતી કૌશલ.... મારી સામેં મારાં બે વિકલ્પ હતાં... એક તો એ કે હું મારી ખુશીને પસંદ કરી તારી સાથે લગ્ન કરી એક નવી શરૂઆત કરું અને બીજો એ કે વંદિતાનાં જીવન માટે હું તને અને મારી બધી ખુશીઓને છોડી દઈ વંદિતાનાં નવાં જીવનની શરૂઆત કરું!... અને તું જ મને કહે !.. હું કેવી રીતે એટલી મતલબી બની શકતી હતી ?.. હું કેવી રીતે વંદિતાને છોડી પોતાનાં વિશે વિચારી શકતી હતી?.." નિયતિ બોલતાં બોલતાં ચુપ થઈ ગઈ. તેની ખામોશી કૌશલનો ગુસ્સો ઠંડો કરી ગઈ. નિયતિનો એક એક શબ્દ અને તે શબ્દો સાથે સંકળાયેલી ભાવના અને તે સમયની પરિસ્થિતિ અને પ્રાથમિકતા બધું જ કૌશલ સમજી રહ્યો હતો. નિયતિએ કહ્યું " પણ છતાં મેં તને કહેવાની, બધું જણાવવાની કોશિશ કરી હતી.... મેં તને પત્ર લખ્યો હતો. જેમાં મેં તને મારો નિકળવાનો સમય, કારણ અને બાકી બધું જ જણાવ્યું હતું. મેં તને કહ્યું પણ હતું કે તું આવી જજે. પણ તું ના આવ્યો કૌશલ... તું ના આવ્યો..!.. તેં મને સાવ એકલી કરી દીધી!... " નિયતિ બોલતા બોલતાં જ જમીન પર ઢળી પડી. કૌશલે તરત કહ્યું " પણ મને કોઈ ચિઠ્ઠી નહતી મળી!.. હું કેવી રીતે આવતો?... " નિયતિને સમજાય નહતું રહ્યું કે આ શું થઈ રહ્યું છે. તેણે કૌશલને પુછ્યું " શું કહે છે?.. " " હાં... મને કોઈ પત્ર નહતો મળ્યો. મને નથી ખબર કેવી રીતે આમ થઈ શકે પણ હું સાચ્ચું કહુ છું..... અને મળ્યો હોત તો શું હું ના આવતો કાંઈ?!.. તને એટલો પણ ભરોસો નથી?.. હું તને એકલી છોડવાનું તો સપને પણ નહતો વિચારી શકતો કે ના આજે પણ એમ કરી શકું છું!... તારામાં મારો જીવ ..... " કૌશલ બોલતાં બોલતાં અટકી ગયો. જમીન પર બેઠી નિયતિ જમીન તરફ મોઢું કરી માત્ર રડી જ રહી હતી. તેની પાસે પછતાવા સિવાય કશું નહતું કહેવા માટે... પોતાનો વિતેલો સમય તો પાછો નહતો આવી શકવાનો. પણ નિયતિ ઈચ્છી રહી હતી કે કાશ તે એ સમયમાં થયેલી બધી ભૂલોને સુધારી શકે. પણ એ શક્ય નહતું. કૌશલ વિચારી રહ્યો હતો કે કાશ તે સમજી શકતો કે નિયતિનાં મન પર એ સમયે શું વીતી રહી હશે જ્યારે તે મારી રાહ જોઈ બેઠી હતી પણ હું નહતો પહોચ્યો!.. સન્નાટો છવાય ગયો....

નિયતિ પાસે એટલી હિંમત નહતી કે તે કૌશલની આંખોમાં પણ જોઈ શકે. પણ કૌશલમાં હિંમત હતી કે તે નિયતિને સહારો આપી શકે. તે નિયતિ પાસે જઈ તેની પાસે નીચે બેસી ગયો અને તેનો ચહેરો ધીમેથી ઉંચો કરી પોતાની સામેં જોવડાવતાં તેનાં આંસું લૂછવાં લાગ્યો. એકપણ શબ્દ, એકપણ વાક્યની કોઈ જરૂર નહતી. તેમની લાગણીઓ બધી વાત કહી અને સમજી શકતાં હતાં. ભિંજાયેલી પાપણો બધાં દુઃખ ધોઈ રહ્યાં હતાં. નિયતિ કૌશલની આંખોમાં જોઈ રહી અને કૌશલે તેને પોતાનાં ગળે વળગાળી લીધી. નિયતિ કૌશલના ધબકાર સાંભળી શકતી હતી. કૌશલે નિયતિને વળગી ધીમેથી કહ્યું " શું તું પણ!.... બધી વાતમાં જગતમાતા બનવાની જરૂર ના હોય... તારો આજે પણ હક્ક છે મારી પર ... તુું ભલે બધાનો આધાર બનતી હોય પણ તું મારી પર આજે પણ આધાર રાખી શકે છે પાગલ... કે પછી એમ તો નથી ને કે તું મને એટલો લાયક પણ નથી સમજતી?.. " નિયતિએ તરત કહ્યું " ના.... તારાથી વધારે લાયક છોકરો કોઈ છોકરીને ના મળી શકે... અને હું તારી પર આધાર કેવી રીતે રાખી લેતી?.. તું શું વિચારે પછી કે મેં તને છોડી દીધો હતો અને પછી જ્યારે મળ્યો તો ફરીથી તારી પર મારી જવાબદારી નાખી દીધી!.." કૌશલે હસતાં કહ્યું " મારી પાગલ.... હું ક્યારેય એવું કશું ના વિચારતો!.. ઉપરથી મને ખુશી થતી જો તું મારી પાસે હક્કથી કશું માંગતી, કશું કહેતી કે કશુ કરાવતી!.. " નિયતિ કૌશલની પકડ થોડી મજબૂત કરતાં કહેવાં લાગી " કૌશલ... હજું... હજું એક વાત કહેવાની છે.... અને એ તારું જાણવું ઘણું જરૂરી છે... " કૌશલે કહ્યું " હા બોલ... " નિયતિએ ફટાફટ કહ્યું " શબ્દનાં પિતા..... શબ્દનાં પિતા એ... " " શું નિયતિ?... શું કહેવું છે?.. તું કશું પણ વિચાર્યા વગર કહી શકે છે.. બોલને.. " કૌશલે તેને હિંમત આપી અને નિયતિએ કહ્યું " શબ્દનાં પિતા બીજું કોઈ નહીં પણ તું જ છે... " આ સાંભળતાની સાથે જ કૌશલનાં હાથ નિયતિ પરથી છટકી ગયાં અને તેનાં શ્વાસ, રોકાવાં લાગ્યા. તેની આંખો પહોળી બની ગઈ અને તે સ્તબ્ધ બની ગયો. નિયતિએ આ જોઈ કહ્યું " કૌશલ... ઠીક છે તું?.. " પણ કૌશલ કશું સાંભળી નહતો રહ્યો . તેનાં મગજમાં તો નિયતિનું બસ એક જ વાક્ય ફરવાં લાગ્યું કે શબ્દનો પિતા કૌશલ છે.. નિયતિએ બે-ચાર વખત તેને અવાજ આપ્યો પણ તે સાંભળી જ નહતો રહ્યો. નિયતિએ હવે તેને બરાબર હલાવી દીધો અને કૌશલનું ધ્યાન તૂટ્યું અને તેણે કહ્યું " શ..શું.. બોલી તું?... શબ્દનાં પિતા..... " નિયતિએ હકારમાં માથું ધૂણાવ્યું. કૌશલે ફરી પુછ્યું " ક...કેવી.. રીતે?.. મતલબ ક્યારે ?.. મતલબ કે?... " " અરે બસ બસ... આટલા મતલબ સમજાવવાની જરૂર નથી... " નિયતિએ હસતાં-શરમાતાં કહ્યું. " કૌશલે ઉતાવળા થતાં પુછ્યું" તો બોલ ને જલદી!.. ક્યારની વાત છે?.. " તને યાદ છે આપણાં ઝઘડાં પછી જ્યારે તું મારી સાથે વાત નહતો કરતો?.. એ પછી મને મારી ભૂલનો અહેસાસ હતો અને હું તને મળવાં આવી હતી.. મને તારી સાથે વાત કરવી હતી , તારી માફી માંગવી હતી.. તને કહેવું હતું કે હું તારી પર કેટલો ભરોસો કરું છું!.. પણ તું એટલાં ગુસ્સામાં હતો કે તારે મારી કોઈ વાત નહતી સાંભળવી... હું પણ હું જ હતી... મારે તો માત્ર મારી વાત કહીને જ રહેવું હતું. મેં તને થોડું જબરદસ્તીથી વાત કહેવાની કોશિશ કરી અને ગુસ્સામાં મારો હાથ છટકારતાં તારો ધક્કો વાગ્યો અને હું જમીન પર પડી ગઈ!... થોડું વાગ્યું પણ હતું. પણ મને કોઈ અફસોસ નહતો એ વાતનો.. કેમ હોય?.. મને ખબર હતી કે તું કેટલું ચાહે છે મને... પણ તારાંથી સહન જ ના થયું કે તારાં હાથથી મને વાગી જાય.. તું મને વગાડી શકે.. !.. તારો પ્રેમ ઉભરાવો તો વ્યાજબી જ હતો ને... અને હું તો તને કહેવાં જ આવી હતી કે તારી પર તો જીવથી વધારે ભરોસો છે.. તો પછી તારાં પ્રેમ પર , તારી ઈચ્છાઓ પર ભરોસો કેવી રીતે ના કરતી?... જે બોલાયું નહતું એ સાબિત તો થઈ જ ગયું હતું ને.... " નિયતિની આંખોમાં શરમની ઝલક હતી. કૌશલનાં હોઠો પર નિયતિને પામવાની મુસ્કાન હતી... કૌશલે ધીમેથી કહ્યું " હમમમ.. યાદ તો હોય જ ને... એ પણ યાદ છે કે મેડમને અચકાટ કેમ નહતો એ દિવસે... લગ્નથી પહેલાં જ કેટલો ભરોસો બેસી ગયો હતો ને... થેન્ક્સ ટૂ નદી પરની મુલાકાતો... " અને કૌશલ ધીમું ધીમું હસવા લાગ્યો. " સારું હવે... વધારે મગજમારી ના કરીશ... " નિયતિ હસતી -શરમાતી ત્યાંથી ઉભી થઈ ગઈ. પણ કૌશલને એ વાતની અતિશય ખુશી થવાં લાગી કે શબ્દ તેનો જ દિકરો છે. આટલાં દિવસથી તે પોતાનાં પ્રતિબિંબને જ જોઈ રહ્યો હતો એ વિચારી વિચારીને જ તેનું મન ખુશીથી ઝૂમી ઉઠ્યું. કૌશલ એટલો ખુશ થઈ ગયો કે તે નાચતો-બૂમો પાડતો નિયતિને ઉઠાવીને ગોળ ગોળ ફરવાં લાગ્યો. નિયતિએ વિચાર્યું હતું તેનાંથી વધારે ઉત્સાહી બની રહેલાં કૌશલને જોઈ તેની પણ ખુશીનો પાર ના રહ્યો. કૌશલ આજે એક બાપ બની ગયો હતો. અને એક પિતાની ખુશી જ્યારે તેનાં છોકરાંને જોઈને હોય તે અકલ્પનિય બની જાય. પોતાનાં માથે નવી જવાબદારીઓ આવવાં છતાં એક પિતા તેનાં સંતાનને જોઈ જે અનુભવે તે જ અનુભવ કૌશલને શબ્દ વિશે જાણીને થઈ રહ્યો. " બસ...બસ.... શાંત થા.... ધીમે..રાતનો સમય છે..." નિયતિએ કૌશલને રોકતાં કહ્યું. કૌશલ તો બેફામ બની કહેવાં લાગ્યો " અરે કેવી રીતે શાંત થઉં?... આટલી મોટી ખુશી મળી છે... પણ એક મીનીટ... તેં મને આ વાત અત્યાર સુધી કેમ નહતી કહી?.. " કૌશલ મોઢું ફૂલાવી ઉભો રહ્યો. નિયતિએ હસતાં હસતાં કહ્યું " કેવી રીતે કહેતી?... જ્યારે કહેવાં માટે આવી હતી ત્યારે તો તને દાદીમાં ને મળવાનું હતું, ગામ પાછું જતું રહેવું હતું અને શું કહ્યું હતું?.. મને તારી લાઈફથી કોઈ મતલબ નથી હું તો દાદીમાંને મળવાં પાછો આવ્યો છું!... " કૌશલને પોતાની ભૂલનો અહેસાસ થવાં લાગ્યો અને તે નિયતિથી પોતાનું મોઢું છૂપાવવાં લાગ્યો. આ જોઈ નિયતિએ તેની મજા લેતાં કહ્યું " અરે અરે.. ક્યાં છૂપાવવું છે તારે હેં?.. પોતે તો ખુદને એટલો સમજું માને ને માણસ કે બસ બધું તેને જ ખબર હોય...!.. અને પછી શબ્દને મળીને દૂર રહેવાયું નહીં તો શુ કહેતો આવી ને?.. કે લોકોનાં ચઢેલાં મોઢાં જોવામાં મજા છે!.. હવે તો હું અહીંયા જ રહેવાનો!.. અને શું શું કહી હેરાન કરતો મને?.. " કૌશલે પોતાનો બચાવ કરતાં કહ્યું " હા તો?... તેં પણ ઓછો હેરાન નથી કર્યો મને!.. આખી રાત મને ઉંઘવાં ના દીધો!.. અને છેલ્લે તો કેટલું જોરથી ગાલ પર મારીને જતી રહી હતી!.. " હવે નિયતિ તેનું મોં છૂપાવવાં લાગી. આ જોઈ કૌશલે કહ્યું " ઓહોહૉ.. જોવો.. હવે કોણ સંતાય છે!... અને તને શું લાગ્યું કે મને ખબર નહીં પડે?.. " " પણ તને કેવી રીતે ખબર પડી?.. " નિયતિએ ધીમેથી પુછ્યું . કૌશલે તેને કહ્યું " તારો અહેસાસ હજું ઓળખી શકું છું હું... તારી સુગંધને પારખી શકું છું. ભલે હું ઉંધમાં હોવ કે બેહોશ હોવ, પણ તારો અહેસાસ મારાં મન-મગજ સુધી તને જોયાં વગર જ આવી જાય છે. " નિયતિ પાસે હવે કશું નહતું કહેવાં માટે. આ જોઈ કૌશલે અવસર છોડ્યો નહીં અને નિયતિની ખુણીથી તેનો હાથ પકડી તેને થોડી નજીક ખેંચી કહ્યું " અને હા.. જે છેલ્લે માર્યું હતું ને તેની ભરપાઇ કેવી રીતે કરીશ?.. " " બીજો એક લાફો ખાવો છે?.. " નિયતિએ કટાક્ષમાં કહ્યું. પણ કૌશલે ઘણું પ્રેમથી કહ્યું " નાં ... એ સિવાય બધું ખાય લઈશ.. શું આપીશ?.. " નિયતિ અને કૌશલ વચ્ચેનો પ્રેમ ફરીથી જીવવાં લાગ્યો .

દરેક વાત આયનાની માફક ચોખ્ખી થઈ ગઈ હતી. અને તેની સાથે સાથે કૌશલ અને નિયતિએ એકબીજાને એકવાર ફરીથી પામી લીધાં હતાં. જે દૂર રહીને પણ એકબીજા માટે જ જીવી રહ્યા હતાં. તે વાત જાણી દરેક મુશ્કેલીઓ, દરેક સંઘર્ષ તેમને નહીવત લાગવાં લાગ્યા. પોતે જે વ્યકિતનાં થઈ ને રહ્યાં હતાં , વગર વિચારે કે શું સામેંની વ્યકિત પણ તેની રાહ જોઈ બેઠી હશે કે કેમ!.. અને એ જ વ્યકિત પોતાનાં માટે જ જીવી રહી હતી એ જાણીને જે ખુશી ઉભરાય તે અવિસ્મરણીય થઈ જાય. કૌશલ અને નિયતિ સાથે પણ એ જ બની રહ્યું હતું. જાણે-અજાણે તેમણે પોતાનાં પ્રેમને સાબિત કરી બતાવ્યો હતો. એટલો ગાઢ સંબંધ સ્થપાયેલો હતો કે લાખો-કરોડો ક્ષણોની દૂરી પણ તેમને અલગ નહતી કરી શકી. હવે કોઈ બાધા તેમનાં મિલન વચ્ચે દેખાય નહતી રહી. પડતાં-ગબડતાં પણ એકબીજાને સાચવી લીધાં .

નિયતિએ થોડીવાર પછી ફરી કહ્યું " કૌશલ... મારે હજું એક વાત કહેવી છે.... " અને કૌશલે કહ્યું " હજું એક વાત?... કેટલાં ઝટકાં આપવાનાં બાકી છે હજું?.. " " અરે ઝટકો નહીં... બસ કંઈક બતાવવું છે... " નિયતિએ ગંભીર બની કહ્યું. આ સાંભળી કૌશલની ખુશો થોડીવાર થંભી ગઈ. તેનું હ્રદય જોર જોરથી ધબકવા લાગ્યું. સાથે સાથે એક બીક વધવા લાગી કે કદાચ તે નિયતિને પામીને પણ ગુમાવી ના દે. નિયતિએ પોતાની કુર્તી સહેજ ઉપર સરકાવી પોતાની કમર બતાવી. તે કમર પર એ જ કંદોરો પહેરેલો હતો જે કૌશલે તેને આપ્યો હતો. આ જોઈ કૌશલને વિશ્વાસ નહતો થઈ રહ્યો " આ... આ તો એ જ કંદોરો.. " " હાં.. આ એ જ કંદોરો છે જે તેં મને આપ્યો હતો. આટલાં વર્ષ તું મારી નજીક નહતો પણ તારાં અહેસાસને મેં આજ સુધી દૂર નથી કર્યો. હાં કેટલીય વખત આ તૂટી ગયો હતો પણ મેં તેને રીપેર કરાવી લીધો. આજે પણ આ ફરીથી થોડો તૂટવા આવી ગયો છે પણ હું ફરી તેને સરખો કરાવી લઈશ. બસ એટલું જ બતાવવાનું હતું. " નિયતિએ પોતાનું મન કૌશલ સામેં ખોલીને મુકી દીધું. કૌશલની પાપણ ભિંજાય ગઈ "નિયતિ... " " નિયતિ નહીં.. રેવા... તારી રેવા" નિયતિએ કૌશલને પોતાની રેવા પાછી સોંપી દીધી.

રેવાને પાછી મેળવી જે નિરાંતનો અનુભવ કૌશલને થઈ રહ્યો હતો તે કહી નહતો શકતો. પણ જાણે-અજાણે બંને એકબીજાની બધી વાતો સમજી રહ્યાં હતાં. અને એક નવી શરૂઆત તરફ પ્રયાણ કરી રહ્યા હતાં.

તોફાનની રમઝટ બહાર હતી અને પ્રેમની નદીઓ અંદર વહી રહી હતી. કૌશલનાં ખભાનાં સહારે રેવાને એ શાંતિ મળી રહી હતી જે આજસુધી તેણે અનુભવી નહતી. વર્ષોની રહી ગયેલી બધી વાતો આજે થઈ રહી હતી. રાત વીતી રહી હતી પણ કૌશલ અને રેવાનો સમય તો એકબીજામાં જ થંભી ગયો હતો. એકબીજાનાં જીવનનો એક એક ક્ષણ જેમાં તેમની હાજરી નહતી તે દરેક ક્ષણો તે બંને જીવી રહ્યા હતાં. વાત વાતમાં રેવાએ કૌશલનો હાથ પકડી કહ્યું " કૌશલ...હવે તું આવી ગયો છે ને તો મને ઘણી શાંતિ લાગે છે. મારી બધી ચિંતા ઉતરી ગઈ છે." " અરે હવે આપણે સાથે છે ને.. તો બસ.. સાથે મળી બધું સરખું કરી દઈશું. " કૌશલે કહ્યું. રેવાએ ફરી વાત વધારી " પણ જો મને ક્યાયેય કશું થઈ જાય ને તો મારી પાછળથી શબ્દ અને ઘરમાં બધાની સંભાળ રાખજે હાં?... " રેવાનાં આવી વાત સાંભળી કૌશલને દુઃખ થયું " તું કેમ આવું બોલે છે?.. હજું હમણાં જ તો તને પામી છે.. હવે દૂર જવાની વાત ના કર..." " અરે આ તો ખાલી કહ્યું. હવે જીવનમાં કોઈ વાતનો ભરોસો ના કરી શકાય. એ વાત આપણાં બે કરતાં વધારે કોને ખબર!.. " રેવાએ તેની વાત સમજાવી. પણ પછી કૌશલને વધારે દુઃખી થતાં જોયો એટલે તેણે એ વાત છોડી દીધી. અને કૌશલનાં ખભે માથું ટેકવી ઉંઘી ગઈ. કૌશલે પણ તેને પોતાનાં જીવથી વધારે સાચવી લીધી. અને તોફાની રાતમાં પણ નિરાંતની ઉંઘ માણી લીધી.

સવાર થતાં થતાં વાતાવરણ પણ શાંત પડી ગયું હતું. કૌશલની ઉંઘ ખુલી ગઈ પણ હજું રેવા તેની પર ઢળી એક નાનાં બાળકની જેમ વગર કોઈ ચિંતાએ સૂઈ રહી હતી. આ જોઈ કૌશલને તેને ઉઠાડવાની ઈચ્છા જ ના થઈ. તે માત્ર બેસી રહ્યો. જ્યાં સુધી રેવા જાગી નહીં ત્યાં સુધી બેઠો તેને જ જોતો રહ્યો. પોતાના સપના ખુલ્લી આંખે જોઈ રહ્યો હતો. પણ સાથે સાથે કોઈ વિચારમાં ડૂબેલો હતો. ના જાણે કયી વાત તેનાં મગજમાં ચાલી રહી હતી. એટલીવારમાં રેવા ઉઠી અને કૌશલને આમ જોઈ પુછ્યું " શું થયું?.." કૌશલે એક સુંદર મુસ્કાન સાથે કહ્યું " કશું નહીં... બસ પોતાની જીંદગીને પોતાનાં ખભે આરામ ફરમાવતા જોઉં છું. " રેવાએ ફરીથી પુછ્યું " તું મને એટલી બેવકૂફ સમજે છે?.. સીધું સીધું બોલ ને શું વિચારે છે?.. " કૌશલે જણાવ્યું " હું ગામ પાછો જઉં છું" આ સાંભળી રેવાનું મન ઉદાસ થઈ ગયું પણ કૌશલે વાત વધારી " અરે.. ચિંતા ના કર.. એક દિવસ માટે જ જવાનું છે. એક કામ અધુરું પુરું કરવાનું છે." રેવાએ હા કહી તેની વાતનું માન રાખી લીધું. " ઘેર જઈએ?. " કૌશલે કહ્યું. રેવાએ બાઈકની ચાવી કૌશલ તરફ લંબાવી. આ જોઈ કૌશલને આશ્ચર્ય થયો " પણ તું તો તારું બાઈક કોઈને અડવા પણ નથી દેતી ને?.. " " હાં.. પણ તું કોઈક નથી ને!... તને આપવામાં કોઈ વાંધો નથી. " અને રેવા પોતે કૌશલ પાછળ તેને પકડીને બેસી ગઈ. કૌશલ રેવાને મુકી પોતાનાં કામથી ચાલ્યો ગયો. " જલદી આવજે કૌશલ... ક્્યક વધારે મોડુું ના થઈ જાય.. " રેવાએ તેેેને જવાં દિધો પણ રેવાને કોઈ વાત ખટકી રહી હતી. તેને કૌશલથી એક ક્ષણ પણ દૂર રહેવું આજે સહન નહતું થઈ રહ્યું. તેનાં ચહેરે અજાણી ચિંતા દેખાય રહી હતી....



ક્રમશ: