જાણે-અજાણે (75) Bhoomi Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જાણે-અજાણે (75)

એક સમય એવો હતો કે રેવા કૌશલને હેરાન કરી તેની મજા લેતી હતી અને આજે એક સમય એ પણ છે જ્યારે કૌશલ રેવાની આદતો અપનાવી તેની જ મજા લેવાં લાગ્યો. પણ નિયતિ તેની બધી વાતો થી માત્ર ગુસ્સે જ થઈ રહી હતી. જેટલું તે કૌશલથી દૂર રહેવા માંગતી હતી એટલો જ કૌશલ તેનાં જીવનમાં આવી રહ્યો હતો. આ વાતથી નિયતિ કોઈકને કોઈક ખૂણે ડરી રહી હતી. તેને ડર હતો કે જો કૌશલ તેની નજરો સામેં આમ ને આમ જ રહેશે તો કદાચ તે પોતાની જીવાબદારીઓને મહત્વ નહીં આપે અને કૌશલ તરફ પગલાં ભરવાં લાગશે. અને તે કોઈપણ વાતમાં પોતાની એવી ઈચ્છાઓને મહત્વ નહતી આપવાં માંગતી જે તેને પોતાનાં પરિવાર ને ભારે પડે. વંદિતાની જવાબદારી જે દિવસે નિયતિએ ઉઠાવી હતી એ દિવસથી તેણે પોતાની બધી ખુશી અને ઈચ્છાઓથી છેડો છોડી લીધો હતો. અને કૌશલનું આમ અચાનક તેની સામેં આવવું અને તેનાં જીવનમાં આટલું ભળવું તેની કમજોરીનું કારણ બની રહ્યું હતું. કૌશલનો ચહેરો નિયતિને ડગમગાવી દેતો હતો. તેને કૌશલ પર આધાર રાખવા ઈચ્છી રહ્યો હતો. પણ એવું કરવું શક્ય નહતું. અને નિયતિએ તેનાથી દૂર રહેવામાં જ ભલાઈ સમજી હતી. પણ કૌશલ નિયતિનાં દરેક વાતથી, તેનાં દરેક ભાવને જાણતો હતો. તે નિયતિની આંખોમાં જોઈ ને જાણી જતો હતો કે તેનો મૂડ કેવો છે. કેટલીય વાતો મૌનમાં પણ બૂમો પાડી પાડી ને થઈ જતી હતી. પણ છતાં કૌશલ તે નરમ બનતી નિયતિની કમજોરી નહીં પણ તાકાત બની રહેવાં માંગતો હતો. તે ચાહતો હતો કે નિયતિ તેને ખુલ્લાસથી પોતાની મુશ્કેલીઓ કહે , તેની પર ભરોસો કરે અને બસ જે દિવસ એ થઈ જાય ભલે જે પણ કરવું પડે કૌશલ તેની બધી રીતે મદદ કરી બસ ખુશીઓ ચોરી લાવે.

શબ્દ નાનો હતો પણ તેને ટીવી, ફોન બધાંમાં વધારે રસ પડતો. જાત-જાતનાં મૂવીઝ, સિરીયલ અને કાર્ટૂન જોઈ જોઈ તેની વિચાર શક્તિ ઘણી વિકસેલી હતી. અને કૌશલ અને નિયતિનાં આ ખાટાંમીઠાં સંવાદ તેને કોઈ મનોરંજનથી ઓછો નહતો લાગી રહ્યો. તે કૌશલ અને નિયતિની વાતોને ઘણું ધ્યાનથી અને મજાથી સાંભળવાં લાગ્યો. પોતાનામાં જ ફસાયેલાં નિયતિ અને કૌશલને તેની પર ધ્યાન જ નહતું ગયું. એટલીવારમાં અમી ત્યાં આવી પહોંચી. નિયતિની મદદ કરવી તે અમીની રોજીંદી જિદગીની આદત હતી. કદાચ એટલે તે આજે પોતાને રોકી ના શકી. પણ ત્યાં પહોંચી કૌશલને અને નિયતિને ઝઘડતાં જોઈ તેને આશ્ચર્ય થયું. અને ધીમેથી તે શબ્દ પાસે ઉભી રહી પુછવાં લાગી " આ બધું શું છે?.. " શબ્દએ પોતાનાં હાથથી પોતાનું હસવું રોકતાં કહ્યું " કૌશલ અંકલ મમ્માંને ક્યારનાં હેરાન કરે છે... " અને અમી પણ આશ્ચર્યમાં તેમને જોવાં લાગી. તેનાં મનમાં પહેલેથી જ નિયતિ અને કૌશલને એક કરવાની તરકીબો ચાલ્યા કરતી હતી પણ આજે તે વાત આપોઆપ થતાં જોઈ તે પણ ખુશ બની બસ બંનેની મજા લેવાં લાગી. નિયતિની નજર થોડીવાર પછી અમી પર પડી એટલે તેણે વાત બદલતાં કહ્યું " અરે અમી... તું ક્યારે આવી?.." અમીએ જવાબ આપ્યો " બસ જ્યારે કૅફે યુધ્ધનું મેદાન બન્યું હતું ત્યારે જ... " અને નિયતિ શાંત પડી ગઈ. કૌશલે અમીને જોતાં કહ્યું " અરે સરસ સરસ અમી.. આવ... તારી જ રાહ જોવાતી હતી!.. " " અચ્છા?... મને તો ના લાગ્યુ એવું!.. ઉપરથી મારું નામ તો દૂર દૂર સુધી ના સંભળાયું!.. " અમીએ હસતાં કહ્યું. " અરે... તો કાંઈ તારું નામ લઉં તો જ તને યાદ કરૂં કંઈ!.. " કૌશલે વાત બદલી દીધી. કૌશલને આટલો ખુશ અમીએ નહતો જોયો અને તેનાં માટે ખુશ બનેલી અમીએ પુછ્યું " હાં.. સમજી ગઈ હોં... પણ એ તો કહો કે તમેં આટલી સવારે અહીંયાં કેમનાં?.. કોની યાદ આવતી હતી?.. " અમીનો ઈશારો નિયતિ તરફ હતો અને કૌશલ એ વાત જાણતો હતો. એ વાત પર હસતાં અને થોડું મસ્તી ભર્યા કટાક્ષમાં તેણે કહ્યું " હવે યાદ કરવા માટે તો ઘણું છે આ તો મોંઢાનાં દર્શન થાય ત્યાં મજા આવે ને.... પછી ભલે ચઢેલાં જ મોંઢાં કેમ ના હોય!.. " એ વાત પર નિયતિ એટલી અકળાય કે તે કૌશલ તરફ નજર ઝીણી કરીને જોવાં લાગી. " એ પહેલાં કે નિયતિ તૂટી પડે મારી પર એ પહેલાં કૌશલ બેટાં નિકળો અહીંયાથી... " પણ અમી અને શબ્દ જેવાં ચોકીદાર હોય ત્યાં કેવી રીતે છટકી શકાય!. શબ્દની ઘણી સારી ઓળખાણ કૌશલ સાથે થવાં લાગી હતી જેથી તે કૌશલને છોડી જ નહતો રહ્યો. કૌશલને પણ શબ્દ સાથે રમવું , હસવું-બોલવું બહું ગમવાં લાગ્યું હતું. આખો દિવસ તેણે શબ્દ સાથે વિતાવ્યા પછી તો જાણે તેમને અલગ કરવાં નિયતિ માટે મુશ્કેલ બનતું જતું હતું. અને શબ્દ કૌશલને પોતાના ઘેર રહેવા જીદ્દ કરવાં લાગ્યો પણ નિયતિએ તેને સમજાવી પોતાનાં ઘર તરફ ચાલવાં લાગી. પણ ઘેર જઈ ને પણ શબ્દ શાંત બેસે તેમ નહતો તેને તો કૌશલ જોઈએ ની જ જીદ્દ પકડી રાખી. શેરસિંહજીને એ વાતથી કોઈ પ્રોબ્લેમ નહતો અને તેમણે પણ હા માં હા ભરી નિયતિને પુછ્યા વગર જ તેને પોતાનાં જ ઘેર રહેવાં ફોન કરી દીધો. કૌશલને તો એક મોકો જોઈતો હતો નિયતિ પાસેથી તેનાં પ્રશ્નોના જવાબ મેળવવાં અને શેરસિંહજીને કારણે તે મોકો કૌશલને મળી ગયો. પણ નિયતિ એ વાતથી ખુશ નહતી. છતાં તે કશું બોલી ના શકી. એકતરફ અમી એ ઘેરથી ચાલી ગઈ હતી તો બીજી તરફ કૌશલ ત્યાં રહેવાં આવી ગયો હતો. પણ નિયતિને પોતાની મુશ્કેલી વધતી જ દેખાય રહી હતી. એકતરફ વંદિતા હજું ગુસ્સામાં અને બધાથી નારાજ હતી તો બીજી તરફ કૌશલ હજું વંદિતા કે જયંતિભાઈને મળ્યો નહતો. પણ હવે જ્યારે કૌશલ નિયતિનાં ઘેર જ રહેવાનો હતો તો તેની સામેં આ વાત ખુલશે એ વિચારીને જ નિયતિનાં હાથ-પગ ઠંડા પડી રહ્યા હતાં.

કૌશલ પોતાનો સામાન લઈ ને નિયતિનાં ઘેર પહોંચી ગયો. રાત થઈ ગઈ હતી અને નિયતિ રસોઈમાં હતી અને કૌશલની સામેં પણ નહતી જવાં માંગતી એટલે તેણે પોતાને કામમાં પરોવી રાખી. બીજી તરફ શબ્દ અને શેરસિંહ તેનાં સ્વાગતમાં હાજર હતાં. જેવો જ કૌશલ અંદર આવી બેઠો કે થોડીવારમાં જયંતિભાઈ રૂમમાંથી બહાર આવ્યા. શબ્દ સાથે રમતાં હતાં પણ બીલકુલ એક નાનાં છોકરાંની જેમ કૌશલને આ જોઈ આશ્ચર્ય થઈ ગયું. તેમની હાલત થોડી ખરાબ હતી જ્યારે છેલ્લે મળ્યાં હતાં પણ અત્યારે તો સાવ જૂદી જ પરિસ્થિતિ દેખાય રહી હતી. તેમને જોઈ કૌશલ એકદમ ઉભો થઈ ગયો અને બસ એકીટશે તેમને જોતો જ રહ્યો. તેણે સપને પણ આવું ધ્રશ્ય વિચાર્યું નહતું. પણ જયંતિભાઈની નજર હજું કૌશલ પર પડી નહતી અને તે દોડતાં દોડતાં રસોડામાં ચાલી ગયાં. નિયતિને કશુંક કહેવાં લાગ્યા. કૌશલ એકદમ ખાલી મગજે તેમની પાછળ પાછળ ચાલવાં લાગ્યો. નિયતિને તેનાં પિતા સાથે એકદમ શાંતિથી અને હસતાં હસતાં વાત કરતાં જોઈ તેનું આશ્ચર્ય વધતું જ જવાં લાગ્યું. નિયતિનાં ચહેરે કોઈ દુઃખ નહતું . તેનાં ચહેરે માત્ર પ્રેમ જ દેખાતો હતો, એ પ્રેમ જે શબ્દ સાથે વાત કરતાં હોય. એટલામાં નિયતિએ કૌશલને જોયો એટલે તેણે જયંતિભાઈને કહ્યું " પપ્પા... જોવો કોણ આવ્યું છે!.. ઓળખો છો ને એને?.. " અને જયંતિભાઈ પાછળ ફર્યાં. કૌશલને જોઈ તરત ખુશીથી કૂદતાં કહ્યું " હાં... ઓળખું છું... કૌશલ છે!.... " અને તેને ગળે વળગી પડ્યાં. કૌશલની આંખોમાં પાણી આવી ગયું. " કેમ છો તમેં?.. " કૌશલે પુછ્યું. જયંતિભાઈ એ હસતાં કહ્યું " મને શું થવાનું?.. જો મસ્ત છું!.. નિયતિ જો આ કૌશલ કેવાં પ્રશ્નો પુછે છે!.. કહે ને એને કે મને કંઈ કશું થાય?.. " અને બરાબર જોરથી હસવાં લાગ્યાં . નિયતિએ કહ્યું " શૂશૂશૂશશશશશ... આમ હસવાનું હોય?!... ચલો બહાર જાઓ શબ્દ સાથે રમો હાં... જમવાનું થાય એટલે બોલાવું!.. " અને જયંતિભાઈ ચાલ્યા ગયાં. પણ કૌશલ હજું સુન્ન બની ત્યાં જ ઉભો નિયતિને જોતો રહ્યો. નિયતિએ ઈશારાથી પુછ્યું " શું થયું?.. " કૌશલનું ધ્યાન તૂટ્યું અને તેણે બોલવાનું શરૂ કર્યું " ન...નિયતિ... આ બધું...?... " નિયતિ સમજી ગઈ શું પુછવાં માંગે છે એટલે તેણે કહ્યું " હાં... ઘણાં સમયથી તેમની હાલત આમ જ છે. ઘણાં ડોક્ટર ને બતાવ્યું પણ કોઈની દવાં કે ઈલાજ કામ ના લગ્યો. પણ અત્યારે જૉય તેનો ડોક્ટર છે ... જે સવારે હતો ને કૅફેમાં.. એ જ... અને ધીમે ધીમે તેમની હાલત સુધરવાં લાગી છે. પણ તેનું કહેવું છે કે પુરેપુરું સરખું નહીં થાય કેમકે તેમની ઉંમર વધારે છે. પણ જે પણ હોય.. થોડો ફર્ક તો પડ્યો જ છે. " નિયતિએ બધી વાત જણાવી. કૌશલે એ સાંભળી કહ્યું " પણ તેં એકલાં હાથે કેવી રીતે બધું સાચવ્યું?.. હું તો વિચારી પણ નથી શકતો!.. " જવાબમાં નિયતિ તરફથી એક સ્માઈલ જ મળી. થોડું વધારે જ સારી રીતે વાત થઈ ગઈ અને કૌશલે ફરી કહ્યું " તું તો જગત માતા કહેવાય ને.. એટલે સમજી શકાય કે તું બધું કરી શકે. " કૌશલ હસતો હસતો જતો રહ્યો. "હેં ભગવાન... આટલી મુસીબત ઓછી પડી કે હવે આની વાતો પણ સાંભળવાની?!... હું જ કેમ?.. " નિયતિ ગુસ્સામાં ઉપર માથું કરી બોલવાં લાગી.

રાત ઘણી થઈ હતી અને બધાં જમી ને પણ પોતાનાં રૂમમાં જતાં રહ્યા હતાં છતાં વંદિતા આજે ઘેર નહતી આવી. તેની ચિંતામાં નિયતિ રાહ જોઈ ઘરમાં આમતેફ ફરવાં લાગી. " વંદિતાનો ફોન પણ નથી લાગતો!.. શું કરું?.. આજે તો આ છોકરીએ બહું મોડું કરી દીધું. પપ્પાને ખબર પડશે તો બહું વઢ પડશે તેને..... ક્યાં છે વંદિતા... જલદી આવ... " અને એટલીવારમાં તેને નિરાંતે ઉંઘતો કૌશલ દેખાયો. એટલી ગાઢ નિંદરમાં હતો કે જોઈ ને નિયતિ વિચારવા લાગી " જો આને... કંઈ ચિંતા છે?... કેટલી નિરાંતની ઉંઘ લે છે... આખો દિવસ મારાં માથે નાચ્યો છે અને અત્યારે શાંતિની ઉંઘ ખેંચે છે. મન તો થાય છે કે તેની પર આખી ડોલ ભરી પાણી ઉંઘું વાળી દઉં.. હુંહ... " પણ તે ત્યાંથી આગળ ચાલવાં લાગી અને અચાનક રોકાય ગઈ. પાછું વળીને જોઈ ફરી વિચાર્યું " હું પાણી નથી નાખી શકતી પણ હું તેની ઉંઘ તો બગાડી શકું છું ને...!... એટલો હેરાન કરીશ કે તે ઘર છોડી ને જાતે જ જતો રહે... " નિયતિના મનમાં બદલાની ભાવના જાગી ગઈ.
થોડી કટાક્ષ ભરેલી સ્માઈલ સાથે નિયતિ ધીમાં પગલે , વગર કોઈ અવાજ કરે તેની પાસે ગઈ. કૌશલનાં કાનમાં ધીમેથી એક પીછીથી હલચલ કરી નીચી છુપાઈ ગઈ. કૌશલનો ચહેરો થોડો હલ્યો પણ તેની ઉંઘ ના ખુલી. નિયતિએ બીજી તરકીબ કાઢી અને તેની ઓઢેલી ચાદરને છેડે એક દોરી બાંધી દૂર ઉભી રહી થોડી થોડી ખેંચવાં લાગી. ચાદરના ઘસારાં સાથે કૌશલનું ધ્યાન તે તરફ જતુ હતું પણ તે એટલી ઉંઘમાં હતો કે તેણે નિકળી ગયેલી ચાદર ફરી ઓઢી સૂઈ ગયો. નિયતિએ હસતાં હસતાં ફરી ખેંચી. કૌશલ થોડો અકળાયેલો ઉંચો થઈ જોવાં લાગ્યો પણ કોઈ દેખાયુું નહીં એટલે ધ્યાન આપ્યા વગર ફરી સૂઈ ગયો. થોડીવારમાં નિયતિ એ છોડી રસોડામાંથી ઠંડા પાણીની એક નાની શીશી ભરી લાવી જેમાંથી એક-બે ટીંપાં પાણી ધીમેથી પડે અને ફરીથી કૌશલનાં ચહેરાં નજીક જઈ નીચે બેસી ગઈ. ધીમેથી અને ધ્યાનથી બે-ચાર ટીપાં તેનાં કપાળે પાળ્યા અને છૂપાઈ ગઈ. કૌશલનો હાથ કપાળે ફર્યો ત્યાં તો તેને ભીનું લાગ્યું અને તે આજુબાજું જોવાં લાગ્યો કે આખરે પાણી પડે ક્યાંથી છે.. પણ ફરીથી તેને કોઈ ના દેખાયું. ફરીથી ઉંઘવાની કોશિશ કરતાં ફરી પાણીનાં ટીપાં પડ્યા અને આ વખતે તે ઝબકી ગયો. તેને ધીમે ધીમે બીક લાગવાં લાગી " યાર... આટલી રાત્રે વગર ચોમાસા માં પાણી ક્યાંથી પડે છે?.. કોઈ દેખાતું પણ નથી. !.. " એક તો ઉંઘ એટલી હતી કે તેની આંખો પણ ખુલ્લી નહતી રહેતી અને નિયતિ તેને ઘડી ઘડી હેરાંન કરી ઉઠાડી રહી હતી સાથે સાથે મજા પણ લઈ રહી હતી. પણ તેની મજામાં ભંગ ત્યારે પડ્યો જ્યારે કૌશલે કોઈ હરકત વગર ફરીથી ઉંઘવાની કોશિશ કરી. નિયતિ મનમાં બોલવાં લાગી " હુંહ.. કેટલો આળસુ માણસ છે !!.. ઉભો થઈ ને જોવાની તસ્દી પણ નથી ઉઠાવતો!.. પણ હું પણ નિયતિ છું... તને એટલી નિરાંતની ઉંઘ તો નહીં જ આવવાં દઉં!.. " અને તેણે છેલ્લે કૌશલને એક જોરથી લાફો મારી ભાગી ગઈ.... કૌશલને ઉંઘમાં એટલો જોરથી લાફો પડ્યો કે તે કશું વિચારવાં યોગ્ય જ ના રહ્યો. અને પટ પટ પટ... પગલાંનાં અવાજ સંભળાવાં લાગ્યા. કૌશલની બીક વધવાં લાગી પણ સાથે સાથે જોવાનું પણ હતું કે કોણ છે એટલે તે ધીમેથી ડરતો ડરતો બહાર નિકળ્યો. ઘરમાં અંધારું હતું બધાં પોતાની જગ્યા ઉંઘતાં હતાં અને પગલાનાં અવાજ ધીમે ધીમે નજીક આવી રહ્યા હતાં. કૌશલ ધીમે ધીમે નજર ફેરવતો, બધાથી બચતો તે અવાજ તરફ જતો હતો અને અચાનક તેણે સામેં વંદિતાને જોઈ લીધી અને જોરથી બૂમ પાડી.... વંદિતાએ કૌશલની બૂમ સાંભળી સામેં વંંદિતા એ જોરથી બૂમ પાડી અને ઘરમાં બધાં જાગી ગયાં. પોતાનાં રૂમમાં જતી રહેલી નિયતિએ વિચાર્યું " ઓહો... આ છોકરો આટલું બધું ગભરાય ગયો કે બૂમાબૂમ કરે છે?!.. " અને મંદ મંદ હસતી બહાર આવી. લાઈટ ચાલું કરી એટલે વંદિતા કૌશલ એ એકબીજાને જોયાં અને થોડો જીવમાં જીવ આવ્યા. " કૌશલભાઈ તમેં??... અહીંયાં?.. મતલબ કેમનું?.. આટલાં વર્ષ પછી?.. " વંદિતાને નહતી ખબર કે કૌશલ કેટલાય દિવસથી તેમની આસપાસ જ હતો તે આજે તેને મળી રહી હતી એટલે તેનો આશ્ચર્ય પણ એટલો જ મોટો હતો. બીજી તરફ કૌશલ પણ ઓછો આશ્ચર્યચકિત નહતો. વંદિતાને જોઈ, ઉપરથી રાતનો સમય અને તેનો તદ્દન બદલાયેલું રૂપ. કૌશલ તો તેને જોતો જ રહી ગયો. અને થોડું વિચારતાં બોલ્યો " હાં... હું તો કેટલાય દિવસથી અહીંયા છું!.. પણ તું ક્યાં હતી?... અને આ શું?.. આટલો પરિવર્તન?... શહેરની હવાં લાગી છે કે નવી સંગતની રંગત છે?..." વંદિતા કશું બોલ્યા વગર નીચી નજરે ઉભી રહી. એ પહેલાં કે કૌશલ કશું વધારે બોલે નિયતિએ વાત બદલતાં કહ્યું " અરે એ બધું છોડો... આ તમેં બંનેએ બૂમ કેમ પાડી?.. " " અરે આ વંદિતાનાં લીધે!.. " કૌશલે બીતાં કહ્યું. " મારાં લીધે?...મેં તો તમને જોઈને ચીસ પાડી. એકદમથી સામેં આવી ગયાં તો શું થાય!... પણ તમેં આટલી રાત્રે આમ ઘરમાં ચોરીછૂપી કેમ ફરતાં હતાં?.. " વંદિતાએ ફટાક કરતો જવાબ આપ્યો. અને કૌશલને કશું સમજાતું નહતું શું બોલે એટલે બસ વિચાર કરતાં બોલ્યો " ખબર નહીં શું થાય છે!.. કોઈક વાર મારી ચાદર ખેંચાય છે તો કોઈક વાર મારાં મોઢેં પાણી પડે છે!.. " પણ સરખું કોઈને સમજાયું નહીં અને ફરી પુછવાં પર કૌશલે ના કહેતાં માથું ધૂણાવ્યું. નિયતિને ખબર હતી તે શું બોલે છે પણ કૌશલનું આમ હાલત જોઈ તેને ઘણી મજા આવી રહી હતી. તે ચુપચાપ ઉભી બસ મનમાં ને મનમાં હસતી જ જતી હતી. કૌશલે નિયતિ તરફ નજર ફેરવી અને એ વાત જોઈ લીધી. તે થોડું થોડું સમજવાં લાગ્યો કે કોણ હોઈ શકે આ બધાં પાછળ પણ તે કશું બોલ્યો નહીં અને બધાં ફરીથી ઉંઘવાં જતાં રહ્યા.

બીજે દિવસે નિયતિની આદત પ્રમાણે તે જલદી ઉઠી ગઈ અને ઉઠતાં જ પહેલો વિચાર તેને કૌશલનો જ આવ્યો " કાલે રાત્રે તો ઘણો ખોવાયેલો ને ડરેલો લાગતો હતો. જોઈએ હવે આજે શું મોઢું લઈ ને આવશે બહાર!.. " અને હસતાં કૂદતાં નિયતિની સવાર તો થઈ ગઈ. થોડીવાર પછી રોજની માફક ધીમે ધીમે બધાં પોતાની રીતે બહાર આવી ચા નાસ્તો કરવાં લાગ્યાં. પણ કૌશલ નહતો દેખાતો એટલે નિયતિ એ વાતમાં પણ ખુશ થતી હતી. " કૌશલ ઉઠ્યો નથી હજું?.. " શેરસિંહ એ પુછ્યું. નિયતિનાં મનમાં તો ચાલી રહ્યું હતું " ઉંઘ્યો હશે તો ઉઠશે ને!.. એટલો મુંજવાયેલો હતો કે તેને ઉંઘ જ નહીં આવી હોય!.. " પણ શેરસિંહજીને ખબર ના પડે તેમ તેણે કહ્યું " ખબર નથી પપ્પા. આવશે હમણાં. " ત્યાં તો કૌશલ દેખાયો. હસતો, ફરતો તંદૂરસ્ત કૌશલને જોઈ નિયતિને હેરાની થઈ કે આ શું વિચાર્યું હતું ને શું દેખાય છે!... પણ કૌશલ તો એકદમ બિંદાસ બની ચા નાસ્તો પણ કરવાં લાગ્યો. નિયતિએ વિચાર્યું " આ ટ્રીક પણ કામ નથી કરી લાગે છે.. કંઈક બીજું વિચારવું પડશે. " અને તે પોતાનાં કામ માટે નિકળવાં લાગી એટલે કૌશલ તેની બાઈક પાછળ બેસી બોલ્યો " ચાલો જઈએ... " " ઓ હેલૉ... ચાલો જઈએ એટલે શું હેં?... તું ક્યાં ચઢવાં લાગ્યો!.. " નિયતિએ ગુસ્સામાં પુછ્યું. કૌશલે જવાબ આપ્યો " હું પણ આવું છું તારી સાથે!.. હવે શું છે ને કાલે રાત્રે મને એક એવો અનુંભવ થયો કે એ પછી હું ઘરમાં નથી બેસવાં માંગતો એટલે મેં વિચાર્યું કે હું આખો દિવસ તારી સાથે જ રહીશ!.. " નિયતિ અકળાવા લાગી હતી અને ચિડાયને ધીમેથી બોલી " હે ભગવાન.... આ તો મારાં જ માથે પડી ગયો!.. " " તેં કંઈ કહ્યું?.. " કૌશલે સાંભળ્યાં છતાં ના સાંભળ્યું એમ કરતાં પુછ્યું. પણ નિયતિએ મોઢું ફૂલાવતાં , હેલ્મેટ પહેરતાં ,પરાણે હસતાં કહ્યું " ના...ના.. હું ક્યાં કશું કહી શકું!... " અને બાઈક ચાલું કરી તે નિકળી પડ્યાં. કૌશલ પાછળ બેઠો વિચારવાં લાગ્યો " કાલે મારી ઉંઘ બગાડી હતી ને તેં!.. હવે જો તારો આખો દિવસ ના બગાડું તો કહેજે!.. " .
નિયતિ અને કૌશલ પોતાની ધૂનમાં નિકળી પડ્યા હતાં પણ તેમને એ નહતી ખબર કે તે પોતાની સાથે શું તોફાન લઈ ને જાય છે. સવારથી જ પ્રકૃતિનો મિજાજ બદલાય રહ્યો હતો. વાતે વાતે રંગ બદલતા પવનો કંઈક કહી રહ્યા હતાં . પણ કૌશલ અને નિયતિ તેમનાં જ ઝઘડામાં એટલા પરોવાયેલા હતાં કે તેમને આસપાસનું ભાન જ નહતું. કૌશલનું ધ્યાન માત્ર નિયતિ સાથે બદલો લેવાનું હતું અને નિયતિનું ધ્યાન તેનાથી બચવામાં હતું. દિવસ શરૂં થતાની સાથે તે નિયતિને માથે ભમવા લાગ્યો, તેની પાછળ પાછળ ફરી તેને હેંરાન કરતાં મજા લેવાં લાગ્યો. સવારથી બપોર પડી ગઈ પણ કૌશલ થાકી જ નહતો રહ્યો. નિયતિનું માથું દુખી જાય એટલી હેંરાન-પરેશાન કરી નાખી. પણ બહારનું વાતાવરણ તેમના ધ્યાનમાં ના આવ્યું. ધીમે ધીમે કૅફેની બધી પબ્લિક ઓછી થઈ ને નહીવત થઈ ગઈ. નિયતિએ બહાર નજર ફેરવી તો ધોળા દિવસે અંધારું દેખાય આવ્યું. પવનનાં ઝપાટાથી આમતેમ ઝાડ ઝૂમી રહ્યા હતાં અને રોડ-રસ્તા ખાલી બની ગયા હતાં. " કૌશલ...કૌશલ જલદી આવ... " નિયતિનો અવાજ ડરની સાથે નિકળ્યો. તેનો અવાજ સાંભળી કૌશલ દોડી આવ્યો " શું થયું?.. ભૂત જોઈ લીધું?.. " અજાણતામાં તેણે પુછ્યું. નિયતિએ થોડાં ગભરાતાં કહ્યુ " અરે ભૂત નહીં... આ બહાર જો. ઘેર કેવી રીતે જઈશું?... " કૌશલે બહાર નજર કરી અને એ તોફાનનો નજારો જોયો. તેને પણ ચિંતા થવાં લાગી. ફટાફટ ઘેર ફોન કર્યૉ " હેલૉ.... બધાં ઘેર જ છે ને?... ઠીક છે ને?.. " " હાં બેટા.. અહીંયા તો બધાં ઘેર જ છે પણ નિયતિ અને તું કેવી રીતે આવશો?.. " શેરસિંહજીએ પુછ્યું. કૌશલે થોડું વિચારીને કહ્યું " વાંધો નહીં કોઈકને કોઈક રીતે આવી જઈશું બસ તમેં ઘરમાં બધાનું ધ્યાન રાખજો અને કોઈને બહાર નિકળવા ના દેતાં. " શેરસિંહજીએ કહ્યું " ના..ના... એટલું સાહસ કરવાની જરૂર નથી. આજે એક કામ કરો ત્યાં જ રોકાય જાઓ. સવારે આવી જજો. " "અરે ના... ના... અમેં આવવાની કોશિશ કરીએ છીએ... " કૌશલે તરત કહ્યું. પણ શેરસિંહજી માન્યા નહીં અને ત્યાંથી બહાર ના નિકળવાની સલાહ આપી. કૌશલે ફોન તો મુકી દીધો પણ નિયતિને શું કહે તે સમજાયું નહીં. " શું કહ્યું પપ્પાએ?.. " નિયતિએ પુછ્યું. કૌશલ ધીમેથી બોલ્યો " બાકી બધા તો ઘેર જ છે પણ આપણને અહીંયાથી નિકળવાની ના પાડી છે. વાતાવતણ ખરાબ બનતું જાય છે એટલે ના નિકળવામાં જ ભલાઈ છે. " નિયતિ આ સાંભળી નિરાશ બની એક તરફ બેસી ગઈ. થોડીવાર સન્નાટો ફેલાય ગયો અને ચિંતાનું વાતાવરણ છવાય ગયું. દરવાજો કાચનો હતો એટલે નિયતિ અંદર ઉભી એકીટશે બહાર જોતી રહી. તેનાં ચહેરાં પણ ચિંતા ઘણી હતી પણ તેનાં પરિવાર માટે. પોતે ક્યાં ફસાઈ છે તેનાથી તેને કોઈ મતલબ નહતો. કૌશલ એ વાત સમજતો હતો. તેણે નિયતિને અંદર આવી બેસવા કહ્યું. પણ નિયતિએ તે સાંભળીને પણ નાસાંભળ્યું કરી નાખ્યું અને કહ્યું " વગર ઋતુનું તોફાન આવે છે તને બીક નથી લાગતી?.. " કૌશલ થોડો દૂર બેઠો બોલ્યો " બીક શેની?.. વાતાવરણ પણ કોઈકવાર તેનો મૂડ બતાવી શકે છે ને.... અને એમ પણ જ્યાં ડગલે ને પગલે આનાથી કેટલાય મોટાં તોફાનો જોયાં હોય ત્યાં બીક બચે ખરી?" નિયતિએ હકારમાં માથું ફેરવી વાતને બંધ કરી.

"ન...નિય..નિયતિ..... એક વાત પુછું?.. " કૌશલે અચકાતા કહ્યું. નિયતિ પાછળ વળી કૌશલ તરફ જોતાં બોલી " હાં.. પુછ. " કૌશલ એ કહ્યું " ના જવાં દે... કાંઈ નહીં" " અરે પુછ ને... તુ ક્યારથી આટલું વિચારતો થયો?.. " નિયતિએ હસતાં કહ્યું. કૌશલે થોડું વિચારીને , હિંમત કરી પુછ્યું " શબ્દનાં પિતા કોણ છે?.. " ધ્યાનથી સાંભળી રહેલી નિયતિ એકદમ ઝબકી અને ગુસ્સામાં બોલી " જે વાતનો મતલબ નથી એ વાત પુછવાનો પણ કોઈ મતલબ નથી... " " પણ કેમ?.. કેમ તું નામ નથી કહેતી તેનું?... શબ્દ ને હક્ક છે જાણવાનો કે તેનાં પિતા કોણ છે!.. અને મને?.. મને પણ પુછવાનો હક્ક તો છે ને?.. " કૌશલે અકળાયને કહ્યું. નિયતિનો જવાબ મળ્યો " શબ્દ માટે હું પુરતી છું. એ થી વધારે તેને અથવાં તને કશું જાણવાની જરૂર નથી!.. " કૌશલ ચુપ થઈ ગયો.

થોડીવાર ફરીથી મૌન બન્યા અને ફરીથી કૌશલે વાત શરું કરી " સારું... પણ મને એ પુછવાનો હક્ક તો છે ને કે તું મને છોડીને કેમ ચાલી ગઈ હતી?.. એ તો મારો હક્ક છે જાણવાનો.. આખરે એક રાતમાં એવું તો શુ થઈ ગયું હતું કે તારે આમ ચોરીછૂપીથી જવું પડ્યું?..... મેં તને કહ્યું હતું કે મારી પર ભરોસો કર... મારાંથી કોઈ વાત ના છુપાવીશ... હું તારી મદદ કરીશ.. હું તારો બધી પરિસ્થિતિમાં સાથ આપીશ, તારી સાથે રહીશ... છતાં તને મારી પર એટલો પણ ભરોસો ના રહ્યો કે તેં મને એક ઝટકામાં છોડી દીધો?... આજસુધી મેં તને કશું નથી કહ્યું પણ મારું પણ મન કચવાતું હોય.. મને પણ દુઃખ થતું હોય નિયતિ.... પણ બહું થયું મને આજે જાણવું છે શું છે તારાં મનમાં... મને જાણવું છે એ દરેક વાતનું કારણ જેનાં દીધે તેં અને મેં વગર એક આહ કરે બધાં દુઃખ સહી લીધાં.. " કૌશલની આંખો આંસુઓથી ભરાય આવી. નિયતિ પણ તેની સામેં ઉભી બસ નીચી નજરે રડવાં લાગી. તે ઈચ્છીને પણ કશું બોલી નહતી શકતી. તેનું મૌન કૌશલને વધારે ખુંચવાં લાગ્યું.... " રહેવા દે... તું આજે પણ કાંઈ નહીં બોલે... અરે જ્યારે હું તારાં જીવનમાં કોઈક હદ્દ સુધી મહત્વ રાખતો હતો ત્યારે કશું કહેવું યોગ્ય ના લાગ્યું તો આજે તો હું તારાં જીવનમાં કોઈ મહત્વ જ નથી ધરાવતો ને.. તો આજે શું કહેવાની તું!.." આટલું સાંભળતાં જ નિયતિનું મન ચિરાય ગયું અને એક ક્ષણમાં જાણે બધું કહી દેવું હોય તેમ તે કૌશલને વળગી પડી. એટલી જોરથી કૌશલને પકડી રાખ્યો કે આટલાં વર્ષોની નારાજગી જાણે એક ક્ષણમાં બેઅસર બનવાં લાગી.... નિયતિને પણ નારાજગી અને ગુસ્સો હતો પણ એ છતાં તેને કૌશલની નારાજગી ભારે લાગવાં લાગી....



ક્રમશઃ