लग जा गले - 16 books and stories free download online pdf in Gujarati

લગ જા ગલે - 16

સવાર પડી નિયતિ ની આ ઘરમાં છેલ્લી સવાર હતી. આજે બંને જણ વહેલા ઉઠી ગયા છે. એમનું બધું કામ આજે જ પુરૂં કરવાનું હતું. નિયતિ ની મળસ્કે ચાર વાગ્યા ની ટ્રેન હતી.

બંને ઉઠીને જ કામે લાગ્યા છે. ઘર નું વાતાવરણ થોડું બદલાયેલુ લાગે છે. આજે વિવેક એ પહેલાં જમી લીધું. તન્મય અને નિયતિ પછી થી જમવા બેઠા. જમીને તન્મય બહાર ગયો. નિયતિ મન ભરીને આખા ઘરને જોઇ રહી હતી અને એક એક પળને યાદ કરી રહી હતી.

સાંજ પડતા તન્મય માસ્ક અને ગ્લોવ્ઝ લઇને આવ્યો. બંને નું હજુ પણ કામ બાકી જ હતું. નિયતિ એ સાંજે ચા બનાવી. ત્રણેય સાથે ચા પીવા બેઠાં.

વિવેક એ પૂછ્યું, "કેટલા વાગે નિકળશે?"

નિયતિ એ કહયું, "રાતે ત્રણ વાગે."

વિવેક એ કહ્યુ,"તો મને ઉઠાડી જજે."

નિયતિ એ કહયું, "ના, હું તમારી ઉંઘ બગાડવા નથી માંગતી."

વિવેક એ કહ્યુ, "એમાં શું ઉંઘ બગાડવાની, તને બાય તો કહેવું પડે ને."

વિવેક થોડો લાગણીશીલ વ્યક્તિ હતો. નિયતિ ને ખબર હતી કે જો એ ઉઠશે તો આવજો ની સાથે સાથે ઇમોશનલ વાત પણ કરશે અને નિયતિ બંને ની સામે ઇમોશનલ થવા નહોતી માંગતી.

નિયતિ ફરી કામ પર લાગી જાય છે. આજે તન્મય રસોઇ બનાવે છે. આજે તન્મય પણ દરરોજ કરતા શાંત લાગી રહયો છે. રાતનાં નવ વાગે છે. નિયતિ રૂમમાંથી રસોડામાં આવે છે. તન્મય રસોડામાં જ બેઠો હોય છે.

નિયતિ તન્મય ને પૂછે છે,"આપણે જમી લઇએ?"

તન્મય હા પાડે છે.

વિવેક ને ભૂખ નહોતી લાગી. તેથી તન્મય અને નિયતિ સાથે જમવા બેસે છે. નિયતિ કુકર ખોલે છે અને જોઇ ને ચોંકી જાય છે. તન્મય ને કહે છે, "આ શું બનાવ્યું?"

તન્મય એ કહ્યુ, "ખીચડી.. "

નિયતિ હસવા લાગે છે અને કહે છે, "આ વળી કેવી ખીચડી??? આમા તો ચોખા અને દાળ સિવાય બીજું કઇ જ નથી."

નિયતિ ચમચી થી ચાખે છે અને કહે છે,"એતો છોડો મીઠું પણ નથી. તમે આટલા સમયથી રસોઇ બનાવતા તો હતા. આજે શું થઇ ગયું?"

તન્મય ધીમાં અવાજે બોલે છે, "ખબર નહી... ધ્યાન બીજે હતું તો..."

નિયતિ પણ અહીંથી જવાને લઇને દુખી હતી પણ એ બતાવવા નહોતી માંગતી, "વાંધો નહીં, હું બધું નાખીને ગરમ કરી દઉ છું." એમ કહી એ ફરી ગેસ સળગાવે છે.

બંને એક ડીશમાં જમવા બેસે છે. તન્મય થોડું ખાઇને ઉઠી જાય છે.

નિયતિ તન્મય ને કહે છે, "કેમ આટલું જ?"

તન્મય એ કહ્યુ, "વધારે ભૂખ નથી. તું બધો સામાન બરાબર જોઈ લેજે. કઇ રહી તો નથી જતું ને. તારું જે કામ બાકી છે એ પતાવીને folder લેપટોપ માં નાખી દેજે. માસ્ક અને ટીકીટ બરાબર મૂકી દેજે રહી ન જાય. ગમે ત્યાં બેસતી નહી. સેનિટાઇઝર સાથે રાખજે."

નિયતિ નીચે મોહ કરી જમતા જમતા શાંતિ થી સાંભળી રહી હતી. એની હાલત બોલવા જેવી રહી ન હતી.

જમીને ફરી એ કામ કરવા લાગે છે. આજે ગમે તે રીતે એણે પતાવવાનુ જ હતું. નિયતિ ને ડિસ્ટર્બ ના થાય એટલા માટે તન્મય લિવિંગ રૂમમાં જ રહે છે. નિયતિ બેડરૂમમાં બેસી કામ કરે છે. બાર વાગ્યા છતા પણ નિયતિ નું કામ ચાલુ જ હતું. કામ પુરું કરતા એને રાત ના એક વાગી ગયો. એ રૂમમાંથી બહાર આવે છે તો તન્મય નીચે ગાદલુ નાખીને સૂતો હોય છે. નિયતિ તન્મય ને જગાડતા કહે છે,"ચાલો, અંદર સૂઇ જાઓ. મારૂ કામ પુરું થઇ ગયું."

પણ તન્મય ઉઠતો જ નથી. નિયતિ એની બાજુ માં જ પલાઠી વાળીને થોડી વાર સુધી એમ જ બેસી રહે છે અને તન્મય ને છેલ્લી વાર મન ભરીને જોઈ રહી છે.

એ મનમાં જ વિચારે છે ,"કેમ આવુ કરો છો? આજે છેલ્લી રાત છે જયારે હું તમારી બાજુ માં સૂતી હોઇશ પછી ખબર નહી આવી પળ મળે ના મળે. પ્લીઝ ઉઠી જાઓ." ખબર નહી કેમ, આટલા સારા મિત્રો બનાવ્યા બાદ પણ એ તન્મય જેવો પ્રેમ બીજા ને ના જ કરી શકી.

હવે, સૂવાનો કોઈ મતલબ ન હતો. તેથી એ નાહી ને તૈયાર થઇ જાય છે. આવીને ફરી તન્મય ને ઉઠાડે છે. તન્મય રૂમમાં આવી સૂઇ જાય છે. તન્મય નિયતિ ને સૂવાની ના પાડે છે. નહી તો ફરી ઉઠાશે નહી. તેથી નિયતિ જાગતી જ હોય છે. તન્મય લાઇટ બંધ કરે છે. બંને નું માથું એકબીજાને અડીને હોય છે. તન્મય પોતાનો જમણો હાથ માથા તરફ કરે છે જે સીધો નિયતિ ના કપાળ ની વચ્ચે જ અડકે છે.

નિયતિ મનોમન કહે છે,"હા, આ એ જ જગ્યા છે જ્યાં સ્ત્રીઓ સિંદૂર ભરે છે. અહી હાથ તો તમે મૂકયો, પણ ખાલી જ."

થોડી વારમાં ત્રણ વાગી ગયા. એલાર્મ વાગે છે. તન્મય ઉઠી જાય છે. એક બેગ નિયતિ લે છે અને બીજો બેગ તન્મય લે છે. જતાં જતાં તન્મય નિયતિ ને ગ્લોવ્ઝ પહેરવા આપે છે અને સેનિટાઇસ માટે સ્પ્રે આપે છે.

તન્મય નિયતિ ને કહે છે, "તું અમદાવાદ થી જઇ રહી છે. થોડું રિસ્ક વધારે છે. કયાય પણ બેસે , કયાય પણ અડકે પહેલાં સ્પ્રે કરી પછી જ અડકજે. ગ્લવઝ ઘર આવે ત્યાં સુધી કાઢતી નહી, હજુ જોઇએ તો બીજા લઇ લે."

નિયતિ એ કહયું ,"ના ચાલશે."

નિયતિ ઘરનો દરવાજો બંધ કરે છે ત્યારે એને પહેલો દિવસ યાદ આવે છે જયારે એ અહીં આવી હતી. ઘરને પ્રેમ થી જોઇ રહી છે અને દરવાજો ધીરે ધીરે પૂરો બંધ થઇ જાય છે.

બંને નીચે જાય છે. કારમાં બેસે છે. તન્મય કાર ચાલુ કરે છે. તન્મય પુછે છે,"કેવું લાગે છે તને?"

નિયતિ કહે છે, "ઘણો જ અલગ અનુભવ લઇને જાવ છું. અલગ તો લાગે છે પણ..." ત્યા એ અટકી જાય છે.

તન્મય કહે છે, "હા, અલગ તો લાગશે જ, થોડા દિવસ મને પણ અલગ લાગશે. પણ તારા અહીં રહેવાથી અમને ઘણું જ સારું રહયું. નહી તો અમે આખું લોકડાઉન એ જ અડધી કાચી રોટલી અને સ્વાદ વગરની ચા પર જીવતા હોત. You are really a good girl. Thank you." નિયતિ કઇ જ નથી બોલતી. કારમાં FM વાગી રહયું હોય છે એમાં અચાનક એ જ ગીત વાગે છે.."લગ જા ગલે.. કે ફિર યે હસીં રાત હો ના હો.... શાયદ ફિર ઇસ જનમ મેં મુલાકાત હો ના હો... " નિયતિ પોતાના આંસુ ને રોકવાનો પૂરેપૂરો પ્રયત્ન કરી રહી છે. તન્મય ને છેલ્લી વાર ગળે મળવાનું ઘણું જ મન થઇ રહયું હોય છે.

કાલુપુર આવવામાં પાંચ જ મિનિટ ની વાર છે. બંને શાંત બેઠા છે. ત્યાં જ તન્મય નિયતિ ને પૂછે છે,"મને કેમ એવું લાગે છે કે તું ઘણા સમયથી મને કઇંક કહેવા માંગી રહી છે પણ, કહી નથી શકતી."

આ જ છેલ્લો સમય છે એની પાસે જયારે એ પોતાની મનની વાત તન્મય ને જણાવે. જો હમણાં નહી કહે તો આગળ ઘણી તકલીફ પડી શકે છે.

નિયતિ મૌન તોડે છે અને કહે છે,"હા, કહેવું તો મારે ઘણું બધું છે. પરંતુ કેવી રીતે કહું?"

તન્મય કહે છે,"તું સસ્પેન્સ કેમ બનાવે છે? તારે જે કહેવું હોય એ કહી દે."

નિયતિ ના દિલના ધબકારા વધી રહ્યા છે. પરંતુ આજે ગમે તે થાય કહેવું તો પડશે જ.

નિયતિ કહે છે, "મારે તમને એ કહેવું હતું કે...." આમ કહી ફરી અટકી જાય છે.

તન્મય ફરી બોલે છે,"હું તને એક સસ્પેન્સ કહું?"

નિયતિ એ કહયું, "હા.."

તન્મય એ કહ્યુ,"કાલુપુર આવવામાં એક કિમી બાકી છે. તારો એવો ઇરાદો નથી ને કે સ્ટેશન આવે ત્યારે જ કહીશ એટલે કહીને ફટાફટ ભાગી જ જવાનું." આમ કહી હસવા લાગે છે, નિયતિ પણ ધીમી સ્માઇલ આપે છે.

તન્મય ફરી બોલે છે,"હવે કહેશે... શું વાત છે??"

નિયતિ એ કહયું,"હા.... વાત એમ છે કે, કેટલીક એવી વાતો છે કે એવી વસ્તુ છે જે હું કંટ્રોલ કરવાની કોશિશ કરી રહી છું. મારા મનને બીજી જગ્યાએ વાળવાની કોશિશ કરી રહી છું. પરંતુ મહિનાઓ થઇ ગયા હું મારા મનને મનાવવામાં અસમર્થ રહી છું."

ત્યાં જ કાલુપુર સ્ટેશન આવી જાય છે. બંને કાર માંથી નીચે ઉતરે છે. તન્મય ડીકી ખોલી બેગ બહાર કાઢે છે. પછી બંને સામસામે ઉભા રહે છે અને તન્મય નિયતિ ને કહે છે,"તું એવું તો નથી કહેવા માંગતી ને કે હજું પણ તને મારા માટે લાગણી છે જેને તું ભુલાવી નથી શકતી???"

નિયતિ થોડી અચકાતી બોલે છે,"હા... કઇક એવું જ છે."

તન્મય એ પૂછ્યું,"કઇક એવું જ છે નહીં મને બરાબર જવાબ જોઇએ હા.... કે ના..."

નિયતિ એ કહયું, "હા.."

તન્મય એક પળ થંભી જાય છે.

રાતના સમયે બંને સ્ટેશનની બહાર એકલા ઉભા છે.

થોડી વાર પછી તન્મય કહે છે,"આગળ પણ મે તને આ સવાલ નો જવાબ આપ્યો છે. ફરી કહું છું. આ શક્ય નથી."

નિયતિ એ પૂછયું"પણ કેમ???"

તન્મય એ કહ્યુ,"કારણ કે હું તને એ નજરે નથી જોતો જે તે વિવેક માટે કહયું એ જ હું તને કહું છું. આગળ પણ મે તને આ જ જવાબ આપ્યો હતો. જે વ્યક્તિ સાથે હું કામ કરું છું એની સાથે હું લગ્ન નહી કરૂ."

નિયતિ એ કહયું,"કેમ નહી કરો?? શું થશે???"

તન્મય એ કહ્યુ,"કામ પર એની ખૂબ જ અસર થશે."

નિયતિ એ કહયું,"એવું બિલકુલ નહી થાય. કામ પર એની કોઇ ખરાબ અસર નહી થશે."

તન્મય એ કહ્યુ,"થશે.... મને ખબર છે. મને અનુભવ છે અને બીજી વસ્તુ તને મારૂં અને પલકનું ખબર તો પડી જ હશે ને?"

નિયતિ આ વાત સાંભળી વધારે જ શોકમાં આવી જાય છે. સળગતી આગમાં જાણે બીજું ઘી હોમાયું.

નિયતિ એ કહયું,"મને કયાંથી ખબર હોવાની??? તમે મને કયારેય આ વાત કીધી છે??"

તન્મય એ કહ્યુ,"મને એમ કે તને આ વાત ની ખબર જ છે....મને પલક પ્રત્યે લાગણી હતી એટલે જ મેં તારી સાથે કયારેય એવો વ્યવહાર ના કરયો."

નિયતિ આગળ કઇ જ બોલી ના શકી. જેનો ડર નિયતિ ને વારંવાર સતાવતો હતો આખરે એ જ થયું. અંધારામાં બંને ના ચહેરા દેખાતા ન હતાં.

તન્મય એ પૂછ્યું,"તું રડી તો નથી રહી ને???"

નિયતિ એ કહયું,"ના, હવે હું તમારી સામે નહી રડું... હું જાવ છું મારો સમય થઇ ગયો છે." આમ કહી નિયતિ બેગ ઉઠાવે છે.

તન્મય નિયતિના હાથની છેલ્લી આંગળી પકડી લે છે અને કહે છે કે, "પહોચી ને મેસેજ કરી દેજે." નિયતિ ખાલી માથું જ હલાવે છે અને બંને એકબીજાની આંખો માં જુએ છે.

નિયતિ પોતાની આંગળી છોડાવી આગળ ચાલવા લાગે છે. તન્મય કારમાં બેસી કાર જવા દે છે. નિયતિ પ્લેટફોર્મ તરફ ચાલતા ચાલતા કાનમાં ઇઅરફોન નાંખે છે આખુ પ્લેટફોર્મ ખાલી હોય છે અને એ ગીત ચાલુ કરે છે.. એમાં જ પરમાણુ ફિલ્મ નું ગીત વાગે છે

"આંખે.. અભી ખુલી નહી... કયું સવેરા હો ગયા..

અભી શૂરૂ હુઆ નહી... કયું ખતમ યે હો ગયા..

સપના જો થા મેરા, ખો હી ગયા..."

આ સાથે હમણાં સુધી રોકી રાખેલા આંસુ બહાર આવી પૂરા પ્લેટફોર્મ ને ભીંજવતા જાય છે. એ પોતાની જાત ને સંભાળતાં થાકી ગઇ હતી. નિયતિ ખૂબ જ ભાંગી પડે છે.

એક તરફ આપણે એમ કહી શકીએ કે નિયતિ ને પોતાનો પ્રેમ ના મળ્યો, પણ..

બીજી તરફ નિયતિ ને એ વાત ની ખુશી પણ હતી કે એણે તન્મય સાથે એ દરેક પળ વિતાવી જે એક પતિ પત્ની વિતાવતા હોય. લોકો કહે છે ને કે જોડી તો ઉપરથી બની ને જ આવે છે. ભગવાને નિયતિ સાથે બીજા કોઈ ની જોડી નકકી કરી હશે. પણ નિયતિ નો પ્રેમ જોઇ ભગવાન ને પણ થયું હશે કે એમણે ભલે બીજા સાથે જોડી બનાવી પણ એક નાનું જીવન બીજું આપી દઉ જેમાં બંને એક જોડી ની જેમ સાથે રહે. એ જ ભગવાન રામે એમના જન્મ દિવસે કર્યુ. ભલે કઇ ના થયું પણ નિયતિ એ તન્મય સાથે જોયેલા સપના પૂરા તો થયા.

અહીં મારી વાર્તા નો અંત થાય છે. ખરેખર, આપણી દરેક નાં જીવનમાં આવું જ થયું હોય છે. પોતાને ગમતું પાત્ર મળતું નથી , પણ પ્રેમ તમે પ્રિય પાત્ર સાથે હોય તો જ સાચો એવું જરૂરી નથી . એ તો દુર રહીને પણ પ્રેમ કરી શકાય. મહત્વનું એ છે કે માણસ પ્રેમ માં પડે એટલે એની અંદર ના દરેક ભાવ નિર્માણ થઈ જાય. તે માણસ ને અંદર થી સુંદર બનાવે છે. હું જાણું છું કે તમને નિયતી અને તન્મય સાથે થઈ જાય એવું ઇચ્છતા હતા. પણ આ શક્ય ન હતું. તમે આ સફરમાં જોડાયા અને મારી આ વાર્તા ને ખુબ સારો પ્રતિસાદ આપવા બદલ તમારો આભાર. આગળ પણ તમારા માટે આવી વાર્તા હું લાવતો રહીશ. મને અનુસરવાનું ન ભુલતા. જો આ વાર્તા માંથી થોડું પણ શીખવા મળ્યું હોય તો આ વાર્તાને દરેક લોકો સુધી પહોંચાડજો. આભાર.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED