વિધવા હીરલી - 17 ભૂપેન પટેલ અજ્ઞાત દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિધવા હીરલી - 17

(ભાગ ૧૭) મન મેળાપ
સમય દરેક માનવીની મનોસ્થિતિનો તાગ મેળવતો હોઈ છે.કેટલાક હારી ને કદી બેઠા થતાં નથી તો કેટલાક હામ સાથે ઉભા રહે છે.અડચણોની સામે બાથ જે ભરે તે સમયને સાચવી લે છે. હીરલી પણ વિકટ પરિસ્થિતિની વચ્ચે હિંમતભેર માર્ગ બનાવવો જાણતી હતી.

પોતાનું નુકસાન કરીને પણ ગામની સ્ત્રીઓની મહેનત એરે ન જાય તે માટે દાગીના વેચી દીધા, એમ કરવું સામાન્ય નથી. એના માટે હૈયું મોટું જોઈએ.આ વાતથી રાધાને હીરલી પ્રત્યે વધુ માયા બંધાણી.તે હીરલીને આદર્શ માનવા લાગી.

સવાર થવાની સાથે જ મહેનતાણું મળવાની ખુશીમાં સર્વ સ્ત્રીઓ હીરલી ઘરે ઉમટી પડી.દરેક સ્ત્રીને પોતાનો હિસ્સો મળી રહ્યો હતો ત્યારે રાધાએ હીરલીને ધીરેથી કહ્યું,
" હીરલીભાભી, મને મારો ભાગ ન જોઈએ."
" તારા હકનું સ તો લેવું પડ." હીરલી હાથ આગળ ધરતાં કહ્યું.
"મારા હકનું હોત તો લઈ લેતી પણ આતો તમારી ઈમાનદારી સ, એટલ મારાથી ન લેવાઈ."
" ઈ' તો મારા ભરોહે અન જવાબદારીમાં હતું, એટલ જ મારી જવાબદારી બન સ ક કોઈની મે'નત એરે ન જાય." હીરલી પોતાની વાત મનાવીને રાધાના હાથમાં પૈસા મૂકે છે.

પૈસા મળવાની ખુશીથી બધી જ સ્ત્રીઓ ઉત્સાહભેર કામમાં જોતરાય ગઈ. પણ રાધાની નજર બારણાં પર ટિંગાઈ રહી હતી.હાથ કામ કરી રહ્યા હતા અને દિલ રાહ જોઈ રહ્યું હતું. આમ, દિલ અને હાથની વચ્ચે અસંગતતા સર્જાવાથી આંગળીમાં સોઈ લાગી જાય છે.
" અરે! બાપરે..." બૂમ પાડી દે છે.જેથી બધી સ્ત્રીઓનું ધ્યાન તે તરફ ગયું.
" હું થયું રાધા?" હીરલીએ પૂછ્યું.
" કશું નહિ થયું. સોઈ વાગી ગઈ તેેમો."
હરવેક થી હીરલી બોલી," ધ્યોન શો સ તારું?"
રાધા શરમાતાં બોલી, "કોમમાં જ ધ્યોન સ."
હીરલીને વાત વધુ ખેંચવી યોગ્ય ન લાગી તેમાં ત્યાં જ ચૂપ રહી જાય છે, પણ અંતરથી તો જાણતી જ હતી.

થોડો સમય એમને એમ વીતતા જ બારણે રઘુ આવીને ઉભો રહ્યો. રઘુના મુખ પર પણ રાધાને જોવાની આતુરતા સાફ સાફ દેખાય રહી હતી.રઘુ આખા ઘરમાં ચારેકોર નજર ફેરવી નાખે છે અને ખૂણામાં બેસેલી રાધા પર જઈને અટકાવી દે છે.રાધા અને રઘુની નજર એક થતાં જ પ્રેમ પ્રસરાય જાય છે.
" બેટા, હું કામ હતું" સવલી બોલી.
" માં, મુ તન મદદ કરાવવા માટ આવ્યો સુ."
હીરલી મોકાનો લાભ લઈને બોલી પડી, " રઘુભાઈ, તમે આયા તો હારું થયું. ઓમ પણ એક આદમીની જરૂર હતી.( હાથમાં સામાન આપતા) લ્યો, આ સામાન પેલા ખૂણે મૂકી આવો અન જેન જરૂર પડ એન આપજો."
રઘુને જોઈતુ મળી ગયું.રઘુ અંદરથી ખુશી વ્યક્ત કરવા લાગ્યો.ખૂણામાં બેસેલી રાધાના મુખ પર તેજ વર્તાવા લાગ્યું.થોડી થોડી વારે નજર એક થઈ રહી હતી, શરમાઈ રહી હતી અને પ્રેમમાં ડૂબી રહી હતી.

" મન દોરો આપજો." રાધાએ રઘુને સાદ પાડ્યો.
" એ, લાવ્યો ...." કહીને રઘુ રાધા પાસે ગયો.

રઘુના હાથમાંથી દોરો લેતા વખતે સ્પર્શ થતાં જ રાધાની ઉર્મિઓ સાતે તાલે ગાવા લાગી.એ માત્ર સ્પર્શ ન્હોતો પણ જીવનની મંજિલ તરફનો રસ્તો હતો. રઘુ રાધાની સામે જોતો જ રહ્યો. એની આંખોમાં નિર્દોષ પ્રેમ સ્પષ્ટ રીતે દેખાય રહ્યો હતો.રાધા અને રઘુનુ પ્રેમભર્યું દશ્ય મોરને વર્ષાના આગમનમાં ઘેલો થઈને નૃત્ય કરતો હોઈ એમ યુવાન હૈયામાં પ્રેમ હચમચી રહ્યો હતો.રાધા અને રઘુની એક ઘડીની મુલાકાત વર્ષો સુધી પ્રેમાતુર બની રહેવાની શરત હતી.

આમને આમ રોજ એકબીજા સાથે નજર અથડાતી, સ્પર્શ થતો અને પ્રેમની ક્રીડા રચાતી. રાધાથી રહેવાયું નહિ એટલે હીરલી આગળ પોતાના મનની વાત મૂકે છે.
" હીરલીભાભી, મારાથી પાપ થઈ રહ્યું સ."
"હું પાપ થઈ રહ્યું સ? હમજાય એમ કેહ" હીરલી રાધાના પેટની વાત જાણવા માટે બોલી.
"ભાભી, આ કાળી હાડીમાં લાલ દાગ લગાવવાની હૈયું ભૂલ કરી રહ્યું સ. રઘુ હારે સપના સેવી રહ્યું સ.મારું અંતર મન કોરી ખાય રહ્યું સ ક, મુ જે કરી રહી સુ તે યોગ્ય સ ક નહિ?" રાધાએ હીરલી સામે પોતાનું દિલ ખોલ્યું.

"રાધા તું તારી જાત ન દોષ ન આપ.હજુ તારી હામે આખું આયખું પડ્યું સ. તું શો હુધી આમને આમ ભીસમાં જીવીશ."

" પણ ભાભી, બીજો લગન કરવો પાપ સ.અન મારાથી આ પાપ શમનું થાય?"

" કુણ કે સ ક બીજો લગન કરવો પાપ સ? આ તો માનવીએ ઉભી કરેલી અંધશ્રદ્ધા સ.રાધા તારી પાહે સમય સ હજુ અન આ સમય ન હાસવી લે."

" પણ ભાભી, સમાજ લગન કરવા દેહે."
" સમાજના આવા રિવાજ હાસવવા માટ આપડું જીવતર રોળવાનું ક? આપડી જ આહુતિ આપવાની? પુરુષ રોડ તો બીજા લગન કર અન સ્ત્રી રોડ તો જીવતર નર્ક બનાવી દેવાનું? કૂણાં ઘરનો ન્યાય સ આવો."

" પણ....." વાક્ય બોલે તે પેહલા જ હીરલી, " રાધા તું કશું જ પાપ નથી કરતી.મારા પર છોડ બધું."

હીરલી રાધાને આશ્વાસન અને મનની મૂંઝવણ દૂર કરે છે.સમાજના જે રીતરીવાજથી સ્ત્રીઓનું જીવતર ઝેર બની રહ્યું હતું એની સામે હીરલી ઢાળ થઈને ઉભી રહેવાની તૈયારી બતાવી.વિધવા સ્ત્રીઓનું માત્ર રિવાજ થકી જ નહિ પણ પર પુરુષોનું પણ શોષણ સહન કરવું પડતું હતું.

બીજા દિવસે સાંજનો સમય થયો એટલે બધી સ્ત્રીઓ પોતાનું કામ પરવાળીને ઘર તરફ હાલતી થઈ. હીરલી પણ ઇંધણા લેવા માટે વગડે ગઈ.રાધા અને રઘુ ઘરમાં એકલા હતા. તે બંને પ્રેમમાં ડૂબેલા હતા એટલે આસપાસની કોઈપણ જાણ ન્હોતી વર્તાતી. પ્રેમઘેલાં બનેલા બંનેની વાતો સવલી સાંભળી જાય છે. સવલી પોતાના દીકરા રઘુને લઈને ત્યાંથી ચાલી જાય છે.તે સમયે સવલી કશું જ બોલતી નથી પણ એના ચહેરા પર ગુસ્સો ફેલાયેલો જોવા મળે છે. રાધાના હૈયામાં ફાડ પડે છે. તે ડરી જાય છે. હીરલીને આવતા જ બધી જ વાત કહી દે છે.
" તુ સિંતા ન કર.હું બેઠી સું." કહીને રાધાને પોતાની છાતીએ વર્ગાડી લે છે.

બે દિવસ થયા , ત્રણ દિવસ થયા એમને એમ અઠવાડિયું વીતવા લાગ્યું પણ રઘુ ત્યાં આવ્યો નહિ.રાધાનું હૈયું જોરજોરથી આક્રંદ કરી રહ્યું હતુ પણ તે વેદના ભીતરથી દબાવીને રાખી હતી , ચહેરા પર સેજ પણ ભાવ ન્હોતો આવવા દીધો. હીરલીનું મન પણ ડગવા લાગ્યું, કેમ કે આટલા દી વિતી ગયા, સવલી કશું બોલતી પણ નથી અને રઘુ આવતો પણ નથી.હવે હીરલીથી ન રહેવાયું એટલે બધી સ્ત્રીઓના ગયા પછી સવલીને રોકી.
" સવલીકાકી, રઘુ ન હું થ્યુ સ ક ઘણા દી' થી આવતો નથી."
" કશું નહિ થયું, પણ હવ તે નહિ આવ."

હીરલી ગોળગોળ વાત કરવાને બદલે સીધું જ કહ્યું, " કાકી, છોકરાઓ સ. નજર શાણ એક થઈ જાય તે ખબર જ ન પડ."

" છોકરાઓ તો સ, પણ મર્યાદા ન ભૂલાય. વિધવા હારે ક્યારેય લગન તો હું પ્રેમ પણ ન થાય? પાપ કેવાય પાપ....."

" કાકી, એમાં કશું ખોટું નહિ. સમાજે ઊભું કરેલું સ, પાપ અન પુણ્ય."

" હીરલી, એ શક્ય જ નહીં. સમાજમાં આબરૂના ધજાગરા ઉડી જાય. રાધા ન કહી દેજે કે લાલ પોનેતર ઓઢવાના સપના ન જુવે."

" કાકી તમે એક વાતનો વિસાર કરજો ક આપડા જેવી વિધવા સ્ત્રીઓ માટ કેટલી તકલીફો, પીડા અને દર્દ સહન કરવું પડ સ. હજુ તો રાધા યુવાનીના ઉંબરે જ ઉભી સ. એ બિચારી નો શું દોષ ક એન સજા વિધવા હોવાથી મળશે.તેને નિર્દોષ પ્રેમ કર્યો સ રઘુ ન.રઘુ અન રાધાનું જીવતર સુધારવું તમારા હાથમાં સ. સમાજના બીકે પોતાના સંતાનોની બલી ન ચડાવાય."
હીરલીના શબ્દો સવલીના કાનમાં ઘા સમાં પડ્યા. તે એ જ વિચારતી વિચારતી ઘર તરફ આગળ વધી રહી હતી. તેણે હીરલીની વાત સમજાતી હતી પણ સમાજના રિવાજો આડા આવી રહ્યા હતા.સમાજના રિવાજો પણ કેવા હતા ! વિધવા હોવું પાપ ગણાવી રહ્યા હતા.સવલી દુવિધાઓની વચ્ચે સારા ખોટાંનો ભેદ પારખી ન્હોતી શકતી.કોઈ ખમીરવંતી વ્યક્તિ પણ ઘરમાં ન્હોતું કે સાચી સલાહ આપી શકે.

સવાર થયાની સાથે જ હીરલીના ઘરમાં સ્ત્રીઓ ભીડ જામવા લાગી પણ સવલી જોવા ન મળી. એટલે હીરલીનું મન પણ મૂંઝવણમાં મુકાય ગયું. જે ઈરાદો કરી રાખ્યો હતો તે અસ્ત થવાના નકાર અને ખરાબ વિચારો આવવા લાગ્યા.પણ સામેથી સવલી આવતી દેખાણી એટલે મન શાંત થયું. સવલીના ચહેરા પર મૂંઝવણ વર્તાય રહી હતી. હીરલી મનથી નક્કી કરે છે કે સવલીને લગન માટે મનાવી લેવી.

ક્રમશ:...........