અધ્યાય ૧૯
હું પણ મિનલની સાથે મંચની નજીક પંહોચી ગયો. એને રેલમંત્રી બનતી જોવાનો લ્હાવો હું લેવા માંગતો હતો. નરેન્દ્રભાઈ પણ પધારી ચૂક્યા હતા. મિનલને મળી આશીર્વાદ આપ્યા બાદ જ્યારે એ મારી પાસે આવ્યા ત્યારે હું એમને પરિસ્થિતિથી પૂર્ણપણે વાકેફ કરી ચૂક્યો હતો.
શપથવિધિ સમારોહ શરૂ થઈ ચૂક્યો હતો. મહાનુભાવોના સ્વાગત, હાર-તોરા જેવી ઔપચારિક વિધિઓ પછી સમૂહ રાષ્ટ્રગાન ગાવામાં આવ્યુ. અલગ અલગ નેતાઓ કેબિનેટ મંત્રી તરીકે માનનીય રાષ્ટ્રપતિશ્રી અને પ્રધાનમંત્રીશ્રીના અધ્યક્ષપદે શપથ લેવા લાગ્યા.
એકવાર હુમલાનો પ્રયાસ થયો હોવાથી પોલીસતંત્ર પહેલા કરતા વધુ સતર્ક હતુ. તિવારી સાહેબે બધી જ માહિતી ત્યાં હાજર રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓને પણ આપી હતી. મિનલ સાથે સાથે સ્થળ પર રાષ્ટ્રપતિશ્રી અને પ્રધાનમંત્રીશ્રી સહિત અન્ય દિગ્ગજ નેતાઓ પણ હાજર હોવાથી આ દેશની સુરક્ષાનો મામલો બની ગયો હતો.
આખરે મંચ પરથી નવા બનનારા રેલમંત્રી તરીકે મિનલનુ નામ જાહેર કરવામાં આવ્યું. તાળીઓના ગડગડાટથી મેદાન ગાજી ઉઠ્યુ. મિનલને શપથ લેવા માટે અને અન્ય ઔપચારિકતા પૂરી કરવા માટે મંચ પર બોલાવવામાં આવી.
જ્યારે મિનલે મંચ તરફ પગલા માંડ્યા ત્યારે એક તરફ તો ગર્વથી મારી છાતી ફૂલી ગઈ હતી, પણ હુમલો થવાની કુશંકાએ હ્ર્દયના પાટિયા બેસાડી દીધા હતા.
મિનલ કોઈપણ આંચ વગર મંચ પર પંહોચી ગઈ એ જોઈ સહુ ખુશ હતા. મિનલ તૈયાર ના હોય તો પણ શપથવિધિ પૂરી થાય એટલે મિનલને તરત જ પોલીસ બંદોબસ્ત સાથે વડોદરા પંહોચાડવાની બધી તૈયારી તિવારી સાહેબે મારા કહેવાથી કરી દીધી હતી.
મંચ પર પાર્ટીના અધ્યક્ષશ્રીએ મિનલને ફૂલોનો હાર અને શાલ પહેરાવી સન્માન કર્યુ અને મિનલના કાર્યો વિશે માઈક પર જણાવ્યું.
મિનલે મંત્રી તરીકેના પરિપત્રો અને જવાબદારી સ્વીકારતા અન્ય દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા.
માનનીય રાષ્ટ્રપતિશ્રી સાથે એ શપથ લેવા માટે નકકી કરેલા સ્થાન પર ઉભી રહી. સૌપ્રથમ એણેમંચ પર હાજર દરેક મહાનુભાવોને નમન કર્યા અને પછી નીચે પ્રેક્ષકોમાં બેઠેલા લોકો સમક્ષ એક નજર ફેરવી પ્રણામ કરી સૌનુ અભિવાદન કર્યુ.
ધ્વનિયંત્ર પોતાની તરફ ફેરવી એણે સંબોધન કર્યુ.
"ભાઈઓ અને બહેનો."
ને એણે રેલમંત્રી તરીકેની પ્રતિજ્ઞા લીધી.
"હું, મિનલ, ભગવાનની સાક્ષીએ પ્રતિજ્ઞા લઉ છુ કે હું દ્દઢ વિશ્ચાસ સાથે આપણા ભારત દેશના સંવિધાનના દરેક કાનૂનનુ પાલન કરીશ. હું આ દેશની એકતા અને અખંડિતતા બની રહે એ માટે સતત કાર્યરત રહીશ. હું પૂરી નિષ્ઠા અને મહેનતથી મને સોંપવામાં આવેલા રેલમંત્રી તરીકેના કાર્યક્ષેત્રની ફરજ બજાવીશ અને એ કાર્ય કરતા દરેક નાગરિક સાથે સમાન રીતે વર્તી શકુ એવો મારો પ્રયત્ન રહેશે. મારા કાર્યકાળ દરમિયાન કોઈને અન્યાય ન થાય અને કોઈને પક્ષપાત ન થાય એનુ સતત ધ્યાન રાખવુ એ પણ હવે મારો ધર્મ છે."
મિનલનુ લક્ષ્ય પૂરૂ થયુ હતુ. એના ચહેરા પર એની ખુશી ઝગારા મારી રહી હતી. એ મંચ પરથી નીચે ઉતરે તો એની ખુશી જોઈ શકુ એ માટે હું અજજુ સાથે પગથિયાં પાસે જઈ ઉભો રહ્યો. તિવારી સાહેબની ઓળખાણ આવી રીતે રાષ્ટ્રપતિ ભવનમાં ફરવામાં કામ લાગી.
મિનલે ફરીથી સહુનુ અભિવાદન કર્યુ. એ અમને પગથિયાં પાસે ઉભા જોઈ અમારી તરફ આવવા આગળ વધી. હજુ એણે એક જ ડગલું ભર્યુ હશે ત્યાં જ જમણી તરફથી સનનન કરતી છૂટેલી ઐક ગોળીએ મિનલની છાતી વીંધી નાખી. કોઈ કંઈ વિચારી શકે એ પહેલા ભીડમાંથી કોઈએ મિનલ પર બીજી ગોળી ચલાવી દીધી.
ચોતરફ નાસભાગ મચી ગઈ. હું અને અર્જુન કોઈની પણ પરવા કર્યા વગર દોડીને મંચ પર બેશુદ્ધ પડેલી મિનલ પાસે પંહોચ્યા. અર્જુને મિનલનુ માથુ ખોળામાં લીધુ અને એના માથે હાથ ફેરવવા લાગ્યો. એની આંખોમાંથી આંસૂ પૂરપાટ વહી રહયા હતા.
મિનલની આ હાલત મારાથી જોવાતી નહોતી્ બે ઘડી પહેલા લક્ષ્ય સુધી પંહોચવાથી ખુશખુશાલ મિનલને બીજી જ ક્ષણે આમ અંતિમ પળો વિતાવતી જોઈ હું દિગ્મૂઢ જેવો બની ગયો હતો.
પણ બીજી જ ક્ષણે લોહીના ભરાઈ રહેલા ખાબોચિયા ધ્યાનમાં આવતા જ હું ચારે બાજુ જોઈ મદદ માટે જોરજોરથી બૂમો પાડવા લાગ્યો.
મિનલે હાથનો ઈશારો કરી મને પાસે બોલાવ્યો. હું એની બાજુમાં બેઠો. એનો દયામણો ચહેરો અને અર્જુનનો એ આંસુઓથી ભીનો થયેલો ચહેરો મને અંદરથી સાવ ભાંગી ચૂક્યા હતા. મિનલના બદલામાં મારો ઘરડો જીવ લઈ જવાનુ માને તો યમરાજ પાસે એ કરાર કરવા માટે પણ હું તૈયાર હતો.
મિનલે એના લોહીથી ખરડાયેલા હાથે મારો હાથ પક્ડયો, અને અજ્જુના માથે મૂકી ટૂટક અવાજે ક્હયુ.
"મારા આ.... હોંશિયાર ...અને હિ...હિરલનુ ધ્યાન રાખજો."
હું કંઈ બોલી ન શક્યો. મેં ફક્ત હકારમાં ડોકુ ધુણાવ્યું.
મિનલે અમારા બંને તરફ એક નાનકડુ સ્મિત આપ્યુ. અર્જુને એના કપાળ પર ચુંબન કર્યુ.
હું અને અર્જુન કોઈ મદદ લાવી શકીએ એ પહેલા મિનલે દેહ છોડી દીધો.
માણસરૂપે લોકોના અંધકારભર્યા જીવનમાં ઉજાસ પાથરતો એક દિવડો બૂઝાઈ ગયો.
આકાશ તરફ જોઈ મિનલ આખરી ક્ષણોમાં લવતી હતી.
"બા, હું રેલમંત્રી બની ગઈ."
"બા, હું રેલમંત્રી બની ગઈ."
"બા, હું રેલમંત્રી બની ગઈ."
બનુ દિવડો,
બનુ દિવડો,
ભલે સાવ જ,
નાનકડો,
ભલે જીવન અધ્યાય,
બે પળનો,
રસ્તો ભાળે મુસાફર,
ક્યાંકનો,
ઉજાશ એવો પાથરી શકુ,
ક્ષણભરનો,
જીજીવિષા નો પ્રકાશ એવો,
ઉરમાં પાથરતો,
કે,
બનુ દિવડો,
બનુ દિવડો...
-શૂન્યમનષ્ક