સવારના સાત વાગ્યા હતા. કોઇ દરવાજો જોરથી ઠોકી રહયું હતું. નિયતિ દરવાજો ખોલવા માટે જાય છે. બહાર કચરા લેવા વાળો છોકરો ઉભો હોય છે. એ નિયતિ ને પૂછે છે,"સાહેબ છે?"
નિયતિ એ કહયું, "એ હજુ સૂતા છે, શું કામ હતું?"
છોકરો કહે છે, "એમણે જ બોલાવ્યા હતા. વાંધો નહી હું ફોન કરી લઇશ." આમ કહી એ ચાલ્યો જાય છે.
થોડી વાર પછી તન્મય ના ફોન માં રીંગ વાગે છે. તન્મય વાત કરતો ઉભો થાય છે. કપડાં બદલી નીચે જાય છે. થોડી વાર પછી ફરી આવીને સૂઇ જાય છે.
વિવેક અને નિયતિ ચા નાસ્તો કરી રહયા હોય છે. વિવેક અને નિયતિ પણ હવે સારા મિત્ર બની ગયા હોય છે. નિયતિ નાહીને જમવાનું બનાવવાનું શરૂ કરી દે છે. છતાં પણ તન્મય સૂતો જ રહે છે. બપોરના બાર વાગવા આવે છે. તો પણ એ પથારીમાંથી ઉઠતો જ નથી.
નિયતિ રોટલી બનાવી રૂમમાં આવે છે. તન્મય ના મુખ તરફ તાપ આવી રહયો હોય છે. તેથી એ બારીનો પડદો સરખો કરે છે. ત્યાં જ તન્મય જાગી જાય છે અને નિયતિ ને થોડી વાર પછી ઉઠાડજે એમ કહી ફરી સૂઇ જાય છે.
નિયતિ તન્મય ને થોડી વાર પછી જગાડે છે અને પાછી રસોઇ બનાવવા ચાલી જાય છે. તન્મય ફ્રેશ થઇ લિવિંગ રૂમમાં આવે છે. નિયતિ તન્મય માટે ચા લઈને આવે છે એને હાથ માં ચા આપતા પૂછે છે,"આજે ઘણા મોડે સુધી સૂતા રહયા?" તન્મય એ કહ્યુ, "હા...સવાર સવારમાં બે વાર ઉઠયો તો ઉંઘ પૂરી નહોતી થઇ."
નિયતિ ને રાત ની વાત યાદ આવી જાય છે. એ રસોડામાં ચાલી જાય છે, હજુ પણ જાણે તન્મય ની મહેક એના શરીર પર હોય એમ લાગતું હતું. આજે તો નિયતિ નો ખુશી નો કોઈ પાર નથી. એને લાગી રહ્યું છે જાણે કુદરત એના જ પક્ષમાં છે. એ જે ઇચ્છે એ જ થઇ રહયું હોય એમ લાગે છે.
તન્મય રૂમમાં આવે છે અને ફટાફટ નાહીને તૈયાર થઇ જાય છે. નિયતિ તન્મય ને પૂછે છે, "બહાર જાઓ છો?" તન્મય એ કહ્યુ, "હા, કંઇ કામ હતું?" નિયતિ એ કહયું, "હા, કામ તો હતું... " પછી આગળ કઇ બોલી નહી. તન્મય એ ફરી પૂછ્યું. નિયતિ થોડી ખચકાઇ ને બોલે છે, "વિસ્પર લાવવાનું હતું." તન્મય એ કહ્યુ, " અરે, એમાં શું છે? લાવી દઇશ. તું ટેન્શન શું કામ લે છે?" આ સાંભળી નિયતિ ને હાશ થઇ. તન્મય નું હંમેશા મદદ માટે તૈયાર રહેવું એ જ નિયતિ ને વધારે એની તરફ આકર્ષિત કરતું હતું.
ત્યારબાદ તન્મય બહાર જાય છે. નિયતિ તન્મય ને દરવાજા સુધી મૂકવા આવે છે. નિયતિ દરવાજો બંધ કરતા પૂછે છે, "પાછા કેટલા વાગે આવશો?" તન્મય એ કહ્યુ, "પાંચ વાગે" સંભાળીને જજો એમ કહી દરવાજો બંધ કરી પોતાનું પ્રોજેક્ટ નું કામ કરવા લાગે છે.
સાંજ પડતા જ તન્મય આવે છે. નિયતિ કચરા પોતું કરી રહી હોય છે, તન્મય પોતાના રૂમમાં ચાલ્યો જાય છે. ત્યાં થી જ નિયતિ ને બૂમ મારે છે. "નિયતિ...." નિયતિ જવાબ આપે છે, "શું છે???" તન્મય કહે છે, "ફ્રીઝમાં વોડકા મૂકી છે, તારે પીવી હોય તો." નિયતિ જવાબ આપે છે, "હું પીતી નથી, પણ મારી ઇચ્છા તો છે, એક દિવસ પી ને સાન ભાન ભૂલીને પોતાના દરેક દુખ ને ભૂલી બસ પડી રહું." તન્મય એ કહ્યુ, "હા, તો બસ પી લે, એમ પણ આ ઘણું સ્ટ્રોંગ છે, જલદી નશો ચઢી જશે." નિયતિ એ કહયું, "આમ કંઈ પીવાતું હશે? પીતી વખતે જોવું તો પડે ને કે સામે વ્યક્તિ કોણ છે? પહેલી વાર પીઉં છું અને કઇ થઈ ગયું તો ?" તન્મય એ કહ્યુ, "કઇ ખાસ નહી થાય, બસ જે સાચું હશે એ બધું બહાર નીકળી જશે." નિયતિ એ કહયું, "તો પછી નહી પીવું, તમે જ પી લો."
તન્મય એ કહ્યુ, "હું તો નથી પીતો, આ તો વિવેક નું છે અને તું ઘરનાં કામ કરવાનું બંધ કર. હું તને project ના કામ માટે અહીં લાવ્યો છું. ઘરના કામ કરવા માટે નહીં. વિવેક ને પણ મેં કહી દીધું છે કે તારી પાસે ઘરનું કામ ના કરાવે." નિયતિ એ કહયું, "વાંધો નહી, હું મારા ઘરે હોત તો મારે જ કરવું પડતું એવું માની ને કરી દઉ છું અને ફ્રી સમયમાં જ તો કરૂં છું." પછી સફાઇ કરીને રૂમમાં આવી જાય છે.
સાંજે બંને બેડ પર બેઠા હતા. ત્યાં જ તન્મયના કોઈ સોસાયટી ના મિત્ર નો ફોન આવે છે. એનો દોસ્ત કહે છે કે એની છોકરી ની તબિયત થોડી ખરાબ લાગે છે, પલક ને બોલાવે તો સારું. તન્મય પલક ને બે ત્રણ વાર ફોન કરે છે પણ એ ઉપાડતી નથી. તન્મય થી રહેવાતું નથી. એ કપડાં બદલી દોસ્ત ના ઘરે જવા નિકળે છે. દોસ્ત નું ઘર સોસાયટીમાં જ હોય છે. એ નિયતિ ને પણ સાથે આવવાનું કહે છે. નિયતિ પણ તૈયાર થઈ જાય છે. બંને દોસ્ત ના ઘરે પહોંચે છે. ત્યાં સુધીમાં ડોક્ટર આવી ગયા હોય છે. તન્મય નિયતિ ની ઓળખાણ પોતાના મિત્ર સાથે પોતાની બહેન કહી ને કરાવે છે. આ સાંભળી નિયતિ ખૂબ જ ચોંકી જાય છે, એ અસ્વસ્થ થઇ જાય છે. છતા પણ મનને શાંત કરી ઉભી રહે છે.
બંને ફરી રૂમ પર આવી જાય છે. નિયતિ લિવિંગ રૂમમાં બેઠી હોય છે. હજુ પણ નિયતિ ના મગજમાં બહેન વાળી જ વાત ચાલ્યા કરતી હોય છે. એની આંખો આંસુ ને બહાર આવતા વારંવાર રોકી રહી છે.
તન્મય પર એના કામ ને લઇને ઘણા ફોન આવી રહયા હોય છે તો એ એમાં જ વ્યસ્ત હોય છે. તન્મય વાત કરીને ફોન મૂકે છે અને ફરી બીજો ફોન આવે છે. તન્મય ફોન પર વાત કરતો ઉભો થતો હોય છે. ત્યાં જ નિયતિ તન્મય ને જમવા માટે કહે છે. તન્મય મોટા અવાજે નિયતિ ને બોલે છે, "અરે બેન, પણ શાંતિ રાખને હું ફોન પર વાત કરું છું."
તન્મય નું આ રીતે મોટા અવાજે બોલવાથી હમણાં સુધી પકડી ને રાખેલા આંસુ જાણે એકસાથે છૂટી જાય છે. નિયતિ રડવા લાગી. એ પોતાના આંસુ ને રોકવાની કોશિશ કરી રહી હતી. પણ એ તો વહી જ રહયા હતા. તન્મય ની નજર નિયતિ પર પડે એ પહેલાં એ ફટાફટ બાથરૂમમાં ગઇ અને મોઢું ધોઇ નાખે છે. તન્મય ફોન મૂકી નિયતિ ને બૂમ મારવા લાગ્યો. એ દરવાજો ખોલી બહાર આવી. તન્મય એ કહ્યુ, "તું રડે છે?"નિયતિ એ કહ્યુ ," નહી તો , બસ મોઢું ધોવા ગઇ હતી." તન્મય એ કહ્યુ, "ના, તું રડે જ છે..." નિયતિ એ મોઢું સાફ કરતાં કહ્યું, "તમે આ રીતે ઉંચા અવાજે મારી સાથે વાત કરો તો રડું તો આવવાનું જ ને." તન્મય એ કહ્યુ, " અરે, હું ઉંચા અવાજે નથી બોલ્યો, પણ તને એવું લાગતું હોય તો હું સોરી કહું છું. હવે તો રડવાનું બંધ કર. હજુ ઘણો સમય આપણે સાથે જ રહેવાનું છે. તું આ રીતે કરશે તો કઇ રીતે ચાલશે?"
ખરેખર તો નિયતિ નું રડવાનું કારણ તો બીજું જ હતું. પણ એ કારણ કહેવામાં એ વિવશ હતી.
નિયતિ ને કઇ રીતે મનાવવું એ તન્મય ને સમજાતું નથી અને નિયતિ ના આંસુ બંધ થવાનું નામ નથી લેતા. તન્મય ફરી નિયતિ ને કહે છે, "બસ, હવે મને સાચે બિલકુલ મનાવતા નથી આવડતું તો તું ચૂંપ થઇ જા. આટલી વાત માટે શું રડવાનું હોય?" નિયતિ કહે છે, "હા, હું માની ગઇ પણ આંસુ નિકળ્યા જ કરે છે તો હું શું કરું??" તન્મય હસવા લાગે છે અને એને કહે છે, "તારી સાસુ પણ ઉંચા અવાજ વાળી નીકળી તો શું કરશે?" નિયતિ એ કહયું,"હું લગ્ન પહેલાં જ પૂછી લઇશ." નિયતિ પણ આંસુ લૂછતાં હસવા લાગે છે.
ત્રણેય જમવા બેસે છે. વિવેક જમવાની સાથે જ વોડકા નો ગ્લાસ લઇને બેસે છે. નિયતિને તન્મય ની બહેન વાળી વાત ઘણી સતાવી રહી હતી, તેથી એ વિવેકને કહે છે, "મારે પણ પીવું છે. " વિવેક ના પાડે છે. તન્મય કહે છે, "થોડી તો આપ હજુ બીજા માં પણ છે ને." વિવેક એનો ગ્લાસ નિયતિ ને આપી દે છે. આજે એમ પણ નિયતિ નું મન ઘણું જ ભારે હતું.
નિયતિ ને પણ સમજાયું કે જયારે કોઈ છોકરો ભાઇ બનવા માગતો ના હોય તો પણ એને ભાઇ બનાવી લઇએ ત્યારે એને કેવું લાગતું હશે. જેવું હમણાં નિયતિ ને દિલ માં લાગી રહ્યું હતું.
એ કયારેય પીતી ન હતી પણ આજે નિયતિ વોડકા પી ને બધું ભૂલી જવા માંગતી હતી. છતાં પણ ખબર નહી કેમ? મોટો ગ્લાસ અડધો ભરેલો હતો. એ પીવા થી નિયતિ ને તો કઇ જ અસર ના થઈ. એને ડર હતો કે નશો ચઢવા લાગે અને વાત બહાર આવી ગઇ તો? તેથી એણે સુઇ જવાનું જ બરાબર સમજયુ. એ રૂમમાં આવી સીધી સૂઇ જ ગઇ. થોડી વાર પછી તન્મય પણ ફોન પર વાત કરતો બેડ પર સૂતો. વાત કરતા કરતા એણે બાજુ માં હાથ ફેલાવ્યો, તો નિયતિ એ ઉંઘ માં જ એના હાથને ઓશિકું સમજી માથું મૂકી દીધું. તન્મય એ ધીરે થી હાથ સરકાવ્યો અને નિયતિ નું માથું સરખું કર્યું. ત્યાં જ નિયતિ એ ફરી તન્મય નો હાથ પકડી લીધો અને ગળે લગાડી સૂઇ ગઇ. તન્મય નિયતિ ને જગાડવા માંગતો ન હતો તેથી એ પણ એ જ રીતે હાથ રાખી સૂઇ ગયો.
તન્મય નું આ રીતે નિયતિ ને બહેન બનાવવું એ શું નિયતિ સહન કરી શક્શે? તન્મય એને એક બહેન ની નજરે જોય છે એ જાણ્યા બાદ , હવે પછી ના દિવસો એ કેવી રીતે કાઢશે? લોકડાઉન વધારે સખત બની ગયું છે. ફરી પોતાના રૂમ પર જઇ ના શકાય. હવે નિયતિ શું કરે છે એ પછીના ભાગમાં જોઇશું.
આ ભાગ માં સૌથી સારું શું ગમ્યું એ કહેવાનું ભૂલતા નહીં. તમે કહેશો તો મને ગમશે.
આભાર.