ગામડાની પ્રેમ કહાની - ૧૮ Sujal B. Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગામડાની પ્રેમ કહાની - ૧૮

ગામડાની પ્રેમકહાની


વિકાસ એક કલાક સુધી ચાની લારી પર બેસીને, લારીવાળા ભાઈને પાંચસો રૂપિયા આપીને જતો રહ્યો. મનન ચાની લારીવાળા ભાઈ પાસે આવ્યો.


ભાગ-૧૮

ચાની લારીવાળો પાંચસોની નોટ પોતાની લારીના ખાનામાં મૂકીને, પોતાનું કામ કરવાં લાગ્યો. મનન હસતો હસતો પોતાનાં ઘરે આવી ગયો.

"મનન, તે જે વિચાર્યું છે, એ સફળ થાશે ખરાં!?" કાનજીભાઈએ મનનને પૂછ્યું.

"હાં, હવે તીર કમાનમાંથી છૂટી ગયું છે. આપણે કોઈ પણ કાળે‌ જીતવાનું જ છે." મનને કાનજીભાઈ પાસે બેસીને કહ્યું.

કાનજીભાઈ હજી પણ ચિંતામાં હતાં. કેટલાંય સંબંધો દાવ પર લાગ્યાં હતાં. કાનજીભાઈ કોઈ પણ વ્યક્તિને હેરાન કરીને, પોતાનું ઘર ખુશીઓથી ભરવાં નહોતાં માંગતા.

સુમનની ઘરે સુશિલાબેન કપડાં ને ઘરેણાં તૈયાર કરી રહ્યાં હતાં. રંગબેરંગી સાડી, ને જાતજાતના ઘરેણાંઓ તેમણે બેડ પર પાથરીને રાખ્યાં હતાં.

"આ તમે શું કરી રહ્યાં છો??" ધનજીભાઈએ સુશિલાબેનને પૂછ્યું.

"સુમનની સગાઈની તૈયારી કરી રહી છું." સુશિલાબેને ખુશ થઈને કહ્યું.

"તેણે સગાઈ માટે હાં પાડી દીધી??" ધનજીભાઈએ સુશિલાબેનને પૂછ્યું.

"નહીં, પણ એણે નાં પણ નથી પાડી." સુશિલાબેને ધનજીભાઈ તરફ જોઈને કહ્યું.

ધનજીભાઈ સુશિલાબેનને આગળ કાંઈ પણ પૂછ્યાં વગર બહાર નીકળી ગયાં. બહાર આવીને તેમણે ટીવી ચાલું કરીને, ટીવી જોવાનું શરૂ કર્યું. એ સમયે આરવ આવ્યો. આરવ ધનજીભાઈને આ રીતે જોઈને હેરાન રહી ગયો.

એક સમયે ધનજીભાઈ જ સુમનની મરજી વિરુદ્ધ સગાઈ કરવાની નાં પાડતાં હતાં. ને આજે ફરી સુમન સાથે એવું થઈ રહ્યું છે. તો ધનજીભાઈ જ સૌથી શાંત દેખાતાં હતાં.

"કાકા, આગળ શું વિચાર છે??" આરવે ધનજીભાઈને પૂછ્યું.

"કોઈ વિચાર નથી.‌ બધું ચાલે છે, એમ ચાલવા દેવાનું છે." ધનજીભાઈએ ચહેરા પર એક પણ ચિંતાની રેખા લાવ્યાં વગર કહ્યું.

ધનજીભાઈની વાત સાંભળી આરવ તો ડઘાઈ જ ગયો. એ સમયે જ મનન આવ્યો. આરવ મનનની પાસે ગયો.

"તું અત્યારે અહીં કેમ?? સુમનને કાંઈ થયું તો નથી ને??" આરવે થોડી ચિંતા સાથે પૂછ્યું.

"નહીં, હું તો આન્ટીને સુમનની સગાઈમાં મદદ કરાવવા આવ્યો છું." મનને ધનજીભાઈ સામે જોઈને કહ્યું.

"તું પાગલ થઈ ગયો છે?? સુમન-"

"અરે આન્ટી, તમે એકલાં બધું શાં માટે કરો છો?? હું તમને મદદ કરાવવાં જ આવ્યો છું." આરવ પોતાની વાત પૂરી કરે, એ પહેલાં જ મનન તેની વાત વચ્ચે જ કાપીને બોલ્યો.

મનને સુશિલાબેનના હાથમાંથી બધાં બોક્સ લઈને તેને ટેબલ પર મૂકી દીધાં. સુશિલાબેન બોક્સના વજનથી થાકી ગયાં હોય, એમ સીધાં સોફા પર બેસી ગયાં. મનને તેમને પાણીનો ગ્લાસ લઈને આપ્યો.

"તને સુમને મારી મદદ માટે મોકલ્યો છે?? સુમન સગાઈ માટે માની ગઈ??" સુશિલાબેને પાણીનાં ગ્લાસમાંથી એક ઘૂંટ પાણી પીને મનનને પૂછ્યું.

"હાં, સુમન સગાઈ માટે માની ગઈ છે. તમે નિશાંતના મમ્મી-પપ્પાને જાણ કરી દો." મનને પાણીનો ગ્લાસ સુશિલાબેનના હાથમાંથી લઈને કહ્યું.

સુશિલાબેન મનનની વાત સાંભળીને રાજીના રેડ થઈ ગયાં. તેમણે તરત જ નિશાંતના મમ્મી-પપ્પાને ફોન કરીને જાણ કરી દીધી.

આરવ મનનનુ આ રૂપ જોઈને અચરજ પામી ગયો. તેને તો શું થઈ રહ્યું હતું. એ કાંઈ સમજમાં જ નાં આવ્યું. આરવે મનન સાથે વાત કરવાની ઘણી કોશિશ કરી. પણ, મનન હંમેશાં તેની વાત ટાળીને બીજું કામ કરવાં લાગતો.

સુશિલાબેને બધાં મહેમાનોને આમંત્રણ આપી દીધાં. સુમન માટે કપડાં, ઘરેણાં, ને સગાઈની રિંગ બધું તૈયાર થઈ ગયું. ગોરબાપાને પણ આમંત્રણ અપાઈ ગયું. આરવની નજર સામે બધી તૈયારીઓ થઈ રહી હતી. છતાંય આરવ કાંઈ પણ કરવાં સક્ષમ નહોતો. કેમ કે, આ બધી તૈયારીઓ ખુદ મનન જ કરી રહ્યો હતો.

સાંજ પડતાં જ સુમનનો આવવાનો સમય થતાં, મનન પોતાની ઘરે જતો રહ્યો. તેણે પોતાનો મોબાઈલ પણ બંધ કરી દીધો. સુમન બધી તૈયારીઓ જોઈને, આરવની જેમ જ દંગ રહી ગઈ.

"મમ્મી, આ બધું શું ચાલી રહ્યું છે??" સુમને સુશિલાબેનને પૂછ્યું.

"હવે નાટક નાં કર. આ બધી તારી સગાઈની તૈયારીઓ ચાલી રહી છે. મને ખબર છે, કે તે સગાઈ માટે હાં પાડી દીધી છે. મને મનને ખુદ કહ્યું. તેણે તો સગાઈની તૈયારી કરવામાં મારી મદદ પણ કરી." સુશિલાબેને કહ્યું.

મનનનુ નામ સાંભળીને સુમને આરવ સામે જોયું. આરવે પાંપણો ઢાળીને, બધી વાત સાચી છે, એવું સુમનને સમજાવ્યું. સુમન પોતાનું પર્સ સોફા પર ઘા કરીને, પોતાનાં રૂમમાં જતી રહી. રૂમમાં આવીને તેણે મનનને ફોન કર્યો. મનનનો ફોન બંધ આવી રહ્યો હતો. સુમન નીચે ચાલતી તૈયારી, ને મનને કરેલ કાંડ વિશે વિચારીને રડવા લાગી.

આરવે આવીને તેને શાંત કરવાની કોશિશ કરી. ધનજીભાઈ આ બધું જોતાં હતાં. છતાંય તે શાંત હતાં. સુશિલાબેને આવીને સુમનને સગાઈમાં પહેરવાની સાડી, ને ઘરેણાં આપ્યાં. સુમને કાંઈ પણ બોલ્યાં વગર બધું પોતાનાં કબાટમાં મૂકી દીધું.

"હું મનન પાસે જાવ છું." આરવે ઉભાં થઈને કહ્યું.

"નહીં, જો એ જ મારી સગાઈ નિશાંત સાથે કરાવવાં માંગતો હોય, તો તારે એને કાંઈ કહેવાની જરૂર નથી." સુમને ગુસ્સે થઈને કહ્યું.

આરવ સુમન સામે કાંઈ નાં બોલ્યો. પણ, સુમનના જતાં જ તે મનનની ઘરે ગયો.

"કાકા, મનન ક્યાં??" આરવે કાનજીભાઈને પૂછ્યું.

"એ તો ઘરે નથી. કોઈકનો ફોન આવતાં જ એ કહ્યાં વગર ક્યાંક જતો રહ્યો." કાનજીભાઈએ કહ્યું.

આરવ પરેશાન થઈને ફરી ધનજીભાઈની ઘરે આવી ગયો. તેની પાસે મનનને શોધવાં સુમનની મદદ પણ લઈ શકાય એમ પણ નહોતી. સુમન તો ખુદ જ મનનથી ગુસ્સે થઈને, હાર માનીને બેસી ગઈ હતી.

નિશાંત પોતાનાં રૂમમાં વિચારતો બેડ પર સૂતો હતો. તેનાં કાનમાં સતત મનને કહેલા શબ્દો જ ગુંજતા હતાં. સુમન મનનને પસંદ કરતી હતી. એમાં વાંક ક્યાંક ને ક્યાંક નિશાંતનો પણ હતો. આરવના કહ્યાં મુજબ, નિશાંતે ક્યારેય સુમનનુ મન જાણવાની કોશિશ જ નહોતી કરી. જેનાં લીધે આ બધી સમસ્યા ઉભી થઈ હતી.

નિશાંત માટે હકીકત સ્વીકારવી મુશ્કેલ હતી. છતાંય તે પોતાની લાગણીઓ કાબૂ કરીને બેઠો હતો. બેડ પર આમથી તેમ પડખાં ફેરવવા છતાંય તેને ઉંઘ નાં આવી. આખરે કંટાળીને એ રાણપુરના પુલ પર આવી ગયો. કેટલીયે વાર સુધી નિશાંત ત્યાં એકલો જ બેઠો રહ્યો. છતાંય કોઈ આવ્યું નહીં. આવે પણ કેમ!? વિકાસ તો નિશાંતથી ગુસ્સે થઈને બેઠો હતો.

રાતનું કાળું અંધારું વધવા લાગ્યું. વાદળોએ આકાશ ઘેરી લીધું. થોડી જ વારમાં વરસાદ શરૂ થઈ ગયો. છતાંય નિશાંત પુલ પર જ બેઠો રહ્યો. વરસાદનાં પાણી સાથે તેણે જોયેલાં ભવિષ્યનાં સપનાંઓ પણ ભીંજાઈ ગયાં. તેને ફરી કોઈ જોડી શકે, એટલો અંશ પણ એમાં નાં રહ્યો.

રાતનો અંધકાર વધતાં જ વરસાદ પણ વધવા લાગ્યો. નિશાંતના બધાં સપનાઓ તૂટી ગયાં હતાં. છતાંય રસ્તા અને જીવન બંને નિશાંત પાસે હતાં. પણ, નિશાંતની આગળ વધવાની હિંમત કદાચ ખૂંટી ગઈ હતી.

નિશાંત પુલ પરથી ઉભો થયો. એ સાથે જ આખાં ગામની લાઈટ જતી રહી. ચારેકોર અંધકાર વ્યાપી ગયો. એ અંધકાર વચ્ચે એક ધડાકાનો અવાજ આવ્યો, ને એ અવાજ પછી વાતાવરણમાં સુનકાર છવાઈ ગયો. વીજળીનાં કડાકા સાથે જોરદાર વરસાદ વરસવા લાગ્યો. પવનનાં સુસવાટાએ વાતાવરણ વધું ભયંકર બનાવી દીધું.

નદીનો ધસમસતો પ્રવાહ જાણે બધું વહાવી ગયો. થોડીવારના અંતરે લાઈટ આવી. પણ, તેનાં પ્રકાશમાં પણ એક ઉંડો અંધકાર હતો. જે કોઈ જોઈ શકે એમ નહોતું.

(ક્રમશઃ)