બ્રેકઅપ Atul Gala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બ્રેકઅપ

આજે સોસાયટી માં વીક એન્ડ ની સુસ્તી ભર્યા વાતાવરણ માં હલચલ મચી ગઈ હતી, કારણ હતું ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી નવી ભાડૂઆત મેનકા.
કારમાંથી ઊતરી સામાન નો ટેમ્પો આવે એની રાહ જોતી ઊભી હતી.
પચ્ચીશ વર્ષ ની આસપાસ ની ઉંમર ની મેનકા પોતાના નામને સાર્થક કરતી હતી. ભરાવદાર કાયા, સ્કીન ટાઇટ જીન્સ, જુવાનીને ઊભાર આપતો લો કટ ટોપ એની શ્યામ કલર ની ત્વચા ની ખામી ને ખુબી માં બદલી નાખતો હતો.
કોઇની પણ નજર જાય તો બે ધડી ત્યાંથી હટે નહીં એવું એક સંમોહન એના વ્યક્તિત્વ માં હતું.
કુંવારાઓ એને જોઈ વિચારતા કાશ આપણું સેટિંગ થઈ જાય, અને પરણેલા એને જોઈ વિચારતા પરણવા માં ખોટી ઘાઈ કરી નાખી.
ટેમ્પો આવતા મજૂરોને સૂચના આપી મેનકા ફ્લેટ માં પ્રવેશ કર્યો એ સાથે જ તક જોઈ બધા ના મનમાં સ્ત્રી દાક્ષિણ્ય બતાડવા હોડ લાગી, વારાફરતી કાંઈ હેલ્પ જોઈતી હોય તો કહેજો કહી એની નજર માં આવવાની કોશિશ કરવા લાગ્યા.
સૌથી પહેલો નંબર લાગ્યો રવી નો, ટીવી કેબલ ની સર્વિસ આપતા રવી ને કેબલ લાઈન ફીટ કરી આપવા રીક્વેસ્ટ આવી, રવી તો ગાંડો થઈ ગયો અને જે કનેક્શન આપવા માટે આજે ટાઈમ નથી, પછી ફોન કરજો ની દાદાગીરી ને બદલે તાબડતોબ એક કલાક માં કેબલ કનેક્શન થઈ ગયું એ પણ સારા એવા ડિસ્કાઉન્ટ સાથે.
આવી રીતે મેનકા ને બધી સગવડો મળતી ગઈ અને શનિ રવી બે દિવસ માં બધું સેટઅપ થઈ ગયું.
સોમવારે સવારે મેનકા ઓફિસ જવા સોસાયટી ગેટ પાસે ઓટો રીક્ષા ની રાહ જોતી ઊભી હતી.
લગભગ અડધો કલાક થવા આવ્યો પણ રીક્ષા મળતી ન હતી. મેનકા ઉચાટ ભરી નજરે આમતેમ જોતી હતી એવામાં સોસાયટી માંથી તેજસ બાઇક લઈ ને નીકળ્યો, મેનકા એ આશાભરી નજર થી જોઈ લીફ્ટ નો ઈશારો કર્યો અને બોલી મને ઓફીસ જવા મોડું થઈ રહ્યુ છે, ઓટો મળતી નથી મને આગળ ચાર રસ્તા સુધી છોડી દ્યો ત્યાંથી ઓટો મળી જશે.
તેજસ બોલ્યો નો પ્રોબ્લેમ બેસી જાવ, મેનકા બાઇકની પાછળ બેસી ગઈ, નાકાપર બેસેલા નવરાઓ જે ક્યારનાં બેઠા બેઠા મેનકા ને જોઈ લાળ ટપકાવતા હતા એ બધા તેજસ ને મળેલ ચાન્સ જોઈ બળીને ખાખ થઈ ગયા અને મનોમન વિચારવા લાગ્યા કાશ આપણી પાસે પણ બાઇક હોત.
તેજસે પુછ્યું તમને કઈ તરફ જવું છે ? મેનકા બોલી શેરબજાર માં ઓફિસ છે ત્યાં જોબ કરું છું, સાંભળી તેજસ બોલ્યો હું પણ શેરબજાર ના બાજુ ની બિલ્ડીંગ માં જોબ કરું છું તમે કહો ત્યાં ડ્રોપ કરી દઈશ અને સાંજે છ વાગે હું ઓફિસ થી પાછો ઘરે નીકળું છું જો તમને ટાઈમ એડજસ્ટ થતો હોય તો વળતા પાછો પીકઅપ કરી લઈશ, મેનકા બોલી મારી ઓફિસ પણ છ વાગે જ બંધ થાય છે અને બન્નેએ મોબાઈલ નંબર ની આપલે કરી છુટા પડી પોતપોતાની ઓફિસ તરફ ગયા.
સાંજે મેનકા ને પીકઅપ કરી તેજસ પાછો ઘરે આવ્યો ત્યારે સેકન્ડ ફ્લોર થી હીરલ ની નજર પડી એક નિસાસો નખાઈ ગયો અને એ ભૂતકાળ માં સરકી પડી.
કોલેજ ના એ દિવસો, તેજસ અને રાહુલ બે મિત્ર નું હીરલ ની પાછળ પડવું, બન્ને ની હરીફાઇ માં તેજસ આગળ નીકળી ગયો રાહુલે ખેલદિલી દેખાડી મેદાન છોડી દીધું, પરિવાર નો ડર અને થોડી આનાકાની પછી હીરલ નું માની જવું. પછી તો ફિલ્મો માં દેખાડે છે તેમ કોલેજ બંક કરી મુવી, રેસ્ટોરન્ટ, ગાર્ડન અને આંખોમા ભવિષ્ય ના રંગીન સપના સાથે દિવસો વિતવા લાગ્યા.
હીરલ સ્વભાવે ડાહી અને લેટ ગો કરવા વાળી સામે તેજસ પણ દરેક રીતે હીરલ ને સંભાળી લે તેવો પણ દરેક દિવસો એકસરખા નથી જતા એ ઉક્તિ સાચી પડતી હોય એમ એક દિવસ નાની સરખી વાત માં બન્ને વચ્ચે અંટસ પડી અને વાત વધી ગઈ અને પોતપોતાના સ્વભાવ વિરુદ્ધ જઈ બન્ને જીદ પર ચડી ગયા અને મારે શું કામ નમતું જોખવું વિચારી વાત અબોલા સુધી પહોંચી ગઈ અને એમની લવ એક્સપ્રેસ બે વર્ષ ની પ્રણય યાત્રા બાદ બ્રેકઅપ નામના સ્ટેશને પહોંચી ગઈ.
ભીની આંખે હીરલ બાલ્કની માંથી અંદર ચાલી ગઈ, તેજસ મેનકા ને ઘરે છોડી થર્ડ ફલોર પર પોતાના ઘરે આવ્યો.
હવે રોજ મેનકા અને તેજસ સાથે જતા આવતા અને એના પરિણામે એમની નજદીકતા વધતી ગઈ એના ફળ સ્વરૂપ એક નવી લવ એક્સ્પ્રેસ ને ગ્રીન સિગ્નલ મળ્યુ.
એક દિવસ બાઇક પર જતા વચ્ચે ખાડો આવ્યો અને બેધ્યાન તેજસ ની બાઇક જમ્પ થઈ, તેજસે સમયસૂચકતા બતાડતા બાઇક કંટ્રોલ કરી લીધી પણ પાછળ થી મેનકા ગુસ્સા થી બોલી પડી શું આંધળો થઈ ને બાઇક ચલાવે છે જરા ધ્યાન રાખને. તેજસ ગમ ખાઈ ગયો અને નજર સમક્ષ એ ઘટના તરવરી ગઈ આવીજ રીતે એક વખત હીરલ ને લઈ જતો હતો બાઇક સ્લીપ થઈ બન્ને નીચે પડ્યા સારું એવું લાગ્યુ પણ હીરલ જરાપણ ગુસ્સે ન થઈ ઊપરથી બોલી તેજસ તને વાગ્યું તો નથી ને ? અને પરિસ્થિતિ સાચવી લીધી.
એક વખત ઓફિસ થી વહેલી છુટ્ટી મળતા મેનકા અને તેજસ ચોપાટી ગયા, હાથમાં હાથ નાખી બેઠા હતા એવામાં ગળે ટોકરી લટકાવી ચોપાટી ની ચટપટી ભેળપુરી ની બૂમ પાડતો એક ફેરીયો આવ્યો, તેજસે દસ ની નોટ કાઢી એક પડીકી લીધી જોતાં જ મેનકા એ નાકનું ટીચકું ચડાવી બોલી આવું અન હાઈજેનીક ખવાતું હશે અને પડીકી ને ધા કરી દૂર ફેંકી દીધી.
તેજસ ભૂતકાળ માં સરી પડ્યો હીરલ સાથે આજ જગ્યા પર બેઠો હતો કંઈપણ ખાવાની ઈચ્છા ન્હોતી ને આ જ ફેરીયો ભેળપુરી લઈ ને આવ્યો તેજસે ના પાડી પણ હીરલ બોલી મહેનત કરી ને કમાય છે દસ રૂપિયા ની પડીકી લઈ લો આગળ કોઈ ગરીબ છોકરા ને આપી દઈશું આને કમાઈ થશે ને ભૂખ્યા નો પેટ ભરાશે. સાંભળી તેજસ ને હીરલ ના આવા વિચાર થી એના માટે અહોભાવ થઈ આવ્યો.
તેજસ ની આંખ ભીની થઈ ગઈ અને મેનકા ને ઊભી કરી ઘર તરફ રવાના થયો.
આમ રોજ કોઈ ન કોઈ વાતે મેનકા તેજસ ને ઊતારી પાડતી અને દરવખતે તેજસ ને હીરલ યાદ આવી જતી, હવે તેજસ ને હીરલ ની ખોટ વર્તાતી હતી અને પસ્તાવો થતો હતો પણ એની પાસે કયા મોંઢે જાય એ વીચારી ચૂપ રહી જતો.
આમજ ચારેક મહિના નીકળ્યા હશે અને એક રવિવારે હીરલ નીચે ઊતરી સામેથી મેનકા હાથમાં દૂધની થેલી લઈને આવતી હતી, અચાનક હીરલ નો પગ મચકોડાઇ ગયો અને મેનકા ને ધક્કો લાગ્યો દૂધની થેલી નીચે પડી ફાટી ગઈ. હીરલ સોરી બોલી ઊભી થવા ગઈ પણ અસહ્ય દુખાવાના લીધે પાછી બેસી ગઈ. જોઈ મેનકા તો રાતીપીળી થઈ ગઈ ન બોલવાનું બોલવા લાગી, હીરલ પોતાની સફાઈ આપી રહી હતી પણ મેનકા સાંભળવા તૈયાર ન્હોતી. બુમાબુમ સાંભળી તેજસ નીચે આવ્યો અને પરિસ્થિતિ સંભાળવાની કોશિશ કરવા લાગ્યો પણ મેનકા ચૂપ રહેવા તૈયાર ન્હોતી અને તેજસ ને સંભળાવવા લાગી ખબર છે તારી એક્સ ગર્લફ્રેન્ડ છે એટલે તું એની તરફેણ કરે છે, સાંભળી તેજસ નો મહામહેનતે અટકાવેલો ગુસ્સા નો બંધ તુટ્યો અને મેનકા ના ગાલે એક જોરદાર તમાચો જડી દીધો અને હીરલ ને ટેકો આપી ઊભી કરવાની કોશિશ કરવા લાગ્યો પણ હીરલ એ માટે અસમર્થ હતી, ઘડીનો વિલંબ કર્યા વગર તેજસે હીરલ ને બન્ને હાથમાં ઊપાડી ઓટો કરી દવાખાને લઈ ગયો.
મોડી સાંજે પાટો બંધાવી તેજસ હીરલ ને લઈ ઘરે આવ્યો ત્યારે ખબર પડી મેનકા ફ્લેટ ખાલી કરી અહિંયા થી ચાલી ગઈ છે.
હીરલ તેજસ ની માફી માંગે છે, તેજસ પણ માફી માંગી હવે ફરી ક્યારેય આવી ભૂલ નહીં કરે ની ખાતરી આપી પોતાની લવ એક્સપ્રેસ ને લગ્ન રૂપી સ્ટેશન તરફ ભગાડી મુકી.
આ તરફ રાહુલ શહેર ની મધ્ય માં આવેલ "લવ પેચઅપ" નામની એક સોશિયલ સર્વિસ આપતી એજન્સી ની ઓફિસ માં બેઠો હતો. દીવાલ પર પોસ્ટર લાગેલું હતું એના પર લખેલુ હતુ ગમે તેવા બ્રેકઅપ નું પેચઅપ કરી આપશું.
ઓફિસ ની ચેર પર મેનકા બેઠી હતી રાહુલ ને જોઈ બોલી તમારું આપેલુ કામ આજે સફળતાપૂર્વક પાર પડ્યુ છે, હવે તેજસ અને હીરલ ને કોઈ છૂટા નહીં પાડી શકે.
રાહુલે ચાર મહિના નું ફ્લેટ નું ભાડૂ અને બીજા બધા ખર્ચા રૂપે એક લાખ રૂપિયા આપી મેનકા નો આભાર માન્યો.
મેનકા હસતા હસતા બોલી બાકી બધુ તો ઠીક પણ છુટા પડતા પહેલા પડેલા તેજસ ની હાથનો મેથીપાક મને મોંઘો પડ્યો પણ એના અલગ થી ચાર્જ નથી લગાડતી પણ એના બદલામાં તમે તેજસ અને હીરલ ના શું થાવ અને આ શું કામ કર્યુ એનો જવાબ આપવો પડશે.
રાહુલ ની આંખ ભીની થઈ ગઈ છતાં હસતા હસતા બોલ્યો તમે કોઈ ને ન કહેવાનું વચન આપો તો કહું.
મેનકા બોલી આમતો અમને આ બધુ પૂછવાનો કોઈ હક્ક નથી પણ કુતુહલવસ રહી નથી શકતી એટલે પૂછ્યુ અને હું તમને વચન આપું છું આ વાત આપણાં બન્ને વચ્ચે રહેશે.
રાહુલ બોલ્યો હું હીરલ ને દિલ થી પ્રેમ કરું છું, જ્યારે મને ખબર પડી આ બન્નેની લાઇફ માં પ્રોબ્લેમ આવ્યો છે અને એમનું બ્રેકઅપ થઈ ગયું છે તો હું બહુ ખુશ થયો કે હવે હીરલ ને હું આસાનીથી મનાવી મારી તરફ ખેંચી લઈશ અને એના માટે પ્રયત્ન ચાલુ કરવાનો હતો પણ મારા અંતરાત્મા માંથી કંઈક અલગ સૂર નીકળતા હતા ઘણી ધમાસણ ને અંતે દિલ અને અંતરાત્મા ની લડાઈ માં દિલ બીજીવાર હારી ગયો અને અંતરાત્મા જીતી ગઈ અને એ બન્ને ને ફરી એક કરવા માટે પ્રયત્ન કરતા કરતા તમારો રેફરન્સ મળ્યો અને નેટ પર સર્ચ કરતા તમારું રેટિંગ બધી એજન્સીઓ કરતા વધુ હતું અને મેં તમારો કોન્ટેક્ટ કર્યો.
હીરલ ભલે મને લાઇક ન્હોતી કરતી પણ હું તો હીરલ ને દિલ થી પ્યાર કરતો હતો ને તો એની ખુશી માટે હું કોઈપણ હદ સુધી જઈ શકું.
તો ચાલો ત્યારે જય શ્રીકૃષ્ણ કહી મનમાં એક સંતોષ સાથે રાહુલ પોતાના ઘર તરફ રવાના થયો.
મેનકા આજના જમાના માં પણ આવા જીંદાદિલ માણસ રહે છે એ વિચારી મનોમન રાહુલ ને સલામ કરી રહી.

~ અતુલ ગાલા (AT) કાંદીવલી, મુંબઈ.