અધ્યાય ૧૭
પહેલીવાર સિગારેટ પીવાનો મને કોઈ અફસોસ નહોતો. સિગારેટે એનુ કામ પણ પૂરી નિષ્ઠાપૂર્વક કર્યુ.અનિદ્રાભરી રાતની એ ક્ષણો મને વરસો સમાન ભાસતી હતી. તમાકુભરેલા કાગળના ઠૂંઠાઓએ ધુમાડામાં પરિવર્તિત થઈ એ ક્ષણો રાહત સાથે પસાર કરાવી આપી. વહેલી પરોઢે આંખો મીંચી હું જાગ્રત અવસ્થામાં જ ખાટલામાં સહેજ વાર માટે આડો પડ્યો અને મારી આંખ સહેજ વાર માટે મળી ગઈ.
રવિવારનો એટલે રજાનો દિવસ હતો. નોકરી ન જવાનુ હોવાથી આજે હું રોજ કરતા જરા મોડો ઉઠ્યો હતો. દાતણ કરી બહાર આંગણામાં આવ્યો તો મિનુડીને એના ઘરના ઓટલા પર ભોંખડિયે ચાલતી અને રમતી જોઈ. ઈશ્ચરભાઈ બાજુમાં બેસી એને રમાડતા હતા.
એ વખતે મિનલ સાવ જ બે વરસની હશે. મને મિનલ પ્રત્યે જાણે કોઈ અલૌકિક માયા બંધાણી હતી. અને મિનુડી હતી પણ એવી વ્હાલી કે એક વાર તમે એની સાથે હળ્યા મળ્યા તો પછી એ તમને કદી ન છોડે અને તમને પણ એની સાથે જ રમ્યા કરો એવુ થયા કરે. હું ઈશ્ચરભાઈ પાસેથી એને મારા ઘરે રમાડવા લઈ આવ્યો. આમ પણ દિવસનો મોટો ભાગ એ મારા ઘરે જ રમતી. અમારા ઘરે ઘોડીયુ હજુ બંધાણુ નહોતુ, એટલે મારા પત્ની ને પણ મિનલ પ્રત્યે ખૂબ જ વહાલ હતુ.
હું મિનલને રમાડતો હતો. એની કાલી-કાલી ભાષા સાંભળી અને ચેન-ચાળા જોઈ હું ખુશ થતો હતો. ભોંખડિયે ચાલતી મિનલ પાછી મને દોડાવતી.
"કહુ છુ, સાંભળો છો?"
મારી પત્નીએ મને સ્ટવ પરથી ગરમ પાણીનુ તપેલુ ઉતારી આપવા રસોડામાંથી સાદ દીધો.
"એ, આવ્યો."
ભોંખડિયા ભરતા ભરતા મિનલ કયાંંક રસ્તા પર ન ચાલી જાય એ માટે એની ચારે તરફ ગાદલાની ગાદી બનાવી હું પત્નીને મદદ કરવા રસોડામાં ગયો. બે જ મિનિટમાં હું તપેલુ ડોલમાં ખાલી કરી પાછો બહાર આવી ગયો હતો.
આવીને હું પાછો મિનલ પાસે બેઠો અને એને રમાડવા લાગ્યો. મિનલ ગાદીની સહેજ જ બહાર આવી હતી એ વાતની મને રાહત હતી. એને સરખી રીતે બેસાડતો હતો ત્યાંજ મારૂ ધ્યાન એના હાથ તરફ ગયુ. ડાબા હાથની મૂઠી એણે કચકચાવીને બંધ કરી દીધી હતી.
એની મૂઠ્ઠી ખોલતા જ એના કૂમળા હાથમાંથી લોહી ની ધાર વહી. ન જાણે ક્યાંથી એના હાથમાં દાઢી કરવા માટેના અસ્ત્રાની બ્લેડ આવી ગઈ હતી જે એણે હાથમાં દબાવી દીધી હતી.
હું એનુ લોહી જોઈને કમકમી ઉઠ્યો. જ્યારે એની મૂઠી પરાણે ખોલાવી અને એમાંથી બ્લેડ હટાવી ત્યારે મિનલને દુખ્યુ હશે અને એ જોરજોરથી રડવા લાગી. એની સાથે મારી આંખો પણ વહેવા લાગી. રડતા રડતા જ એના હાથમાં મલમ લગાવી મે પટ્ટી બાંધી. ઈશ્વરભાઈને જઈ બધી જ ઈતિથી અતિ સુધીની વાત કરી માફી પણ માંગી.
મેં બાંધી આપેલી એ મલમપટ્ટી એના હાથમાં ચારેક દિવસ જેટલું રહી ને પછી એને બિલકુલ મટી ગયુ. ચાર દિવસ પછી એ ફરીથી અમારા ઘરે રમવા આવવા લાગી.
પાસેના મંદિરમાં થતી ઝાલર આરતીના ઘંટ અને ખંજરીના અવાજે મને ભૂતકાળના એ પ્રસંગમાંથી સાચા સમયમાં ફરી પાછો લાવી મૂક્યો.
અત્યારે પણ જ્યારે મિનલનો જીવ જોખમમાં છે ત્યારે પણ મારે એને બચાવવા મારાથી બનતુ બધુ જ કરી છુટવુ જોઈએ એમ વિચારી હું ફટાફટ બાથરૂમમાં જઈ ખંખોળીયુ ખાઈ તૈયાર થઈ ગયો. તિવારી સાહેબે ગોઠવેલા પોલીસના માણસોને ભેગા કરી એમને ચા-નાસ્તો કરાવ્યા.
એમાના એક માણસ પાસેથી બધી વાત કઢાવી અને અંતે સરનામું લઈ હું સીધો તિવારી સાહેબના ઘરે પંહોચ્યો. સવારના છ વાગ્યામાં તિવારી સાહેબના ઘરની ડોરબેલ મેં પાંચ-છ વાર વગાડી દીધી.