આઇસીયુ નો અનુભવ SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આઇસીયુ નો અનુભવ

ઘડિયાળનો કાંટો સરકતો હતો. ઘડિયાળની ટીક ટીક સાથે મારા હૃદયના ધબકારાની સ્પીડ પણ વધતી હતી. થોડી જ વારમાં મારી બાયપાસ સર્જરી હતી. મારું આખું શરીર શેવ કરવામાં આવ્યું હોઈ કોઈ શિલ્પ જેવું લાગતું હતું.મને અંદરથી ધ્રાસકો પડ્યો. રખે ને મારી અંતિમ ઘડીઓ હોય. તરસ લાગેલી પણ ગઈકાલ રાતથી ખાવા તેમ જ કાંઇ પણ પીવાનું બંધ કરવામાં આવેલું.


એક સ્ટ્રેચર આવ્યું. મને હોસ્પિટલનો ગાઉન પહેરાવવામાં આવ્યો. હવે તો મારો શ્વાસ પણ ઝડપથી ચાલવા માંડેલો. મારી પત્ની અને સંતાનો મારા સ્ટ્રેચર સાથે ચાલતાં હતાં. મને ખુબ જ ડર લાગતો હતો. ભગવાન નું નામ.. શક્ય જ ન હતું. એમ તો બી.પી. હજુ વધવા માંડે. મને ઓચિંતું ફિલ્મી ગીત સૂઝ્યું અને મેં જાત સાથે અંતાક્ષરી રમવા માંડી. ઓ.ટી.નું બારણું બંધ થયું. મને ઊંડા શ્વાસ લઇ શરીરને રિલેક્સ કરવાનું કહેવામાં આવ્યું. અંતાક્ષરી સાથે બસ, એટલી ખબર પડી કે નાકમાં બહારની બીજી હવા જઈ રહી હતી. મને ખ્યાલ ન રહ્યો કે હું ક્યારે બેભાન થઈ ગયો.


કુશળ હાથોએ એમનું કામ પૂરું કર્યું. મને ખુબ ઊંડે અવાજ સંભળાયો: "ટેઈક હિમ ટુ આઈ.સી.યુ." મેં અનુભવ્યું કે મને હળવેથી ઉપાડી સ્ટ્રેચરમાં રાખવામાં આવી રહ્યો છે. ખુબ ભારે આંખો વચ્ચે મેં પોપચાં ખોલવા પ્રયત્ન કર્યો. હું ફાસ્ટ જતી ટ્રોલી, આસપાસ ઊંચા થાંભલાઓ, પેસેજમાં ચારે તરફ અંધારું અને છત પર બ્લુ લાઈટ અર્ધી ખુલી આંખે જોઈ શક્યો. આઈસીયુ માં સ્ટ્રેચર દાખલ થયું. અહીં થોડો વધુ પ્રકાશ હતો.


ઓપરેશન થયેલા અન્ય દર્દીઓ સુતા હતા. મને એક બેડ સહેજ ઉપર કરી સુવરાવવામાં આવ્યો. મારો ભય અસ્થાને હતો. હું જીવતો હતો. ઓપરેશન સફળ રહ્યું હતું.


મારા આખા શરીરે નળીઓ, મોં પર ઓક્સિજનનો માસ્ક, બાજુમાં વેન્ટિલેટર, હાથ ને દરેક આંગળીઓ પર બીપી માપવાની ક્લિપો અને બેડ પર મોનીટરીંગ સ્ક્રીન.


મને સુવાડવાની પોઝિશન યોગ્ય નહીં હોઈ મને પીઠની વચ્ચે ખુબ દર્દ થવા લાગ્યું પણ હું બોલી શકતો ન હતો. સમય રાતનો હશે. અહીં તો સમય થંભી ગયેલો. બધેથી બંધ અને અંદર ઝગમગતી લાઈટો. મને લોકો નંગની વીંટીઓ પહેરે છે એની સાથે મોનિટર જોડે તો? એવો વિચાર આવ્યો. તુરત ફની બોન ચાલુ. મેં આસપાસ નજર દોડાવી. મનમાં દરેકનાં નામ પાડવાં શરુ કર્યાં. ઇન્ચાર્જ ડોકટર ને "ભીમસેન", એક નર્સ 'બિચારી દુઃખિયારી' એક 'ફુદકડી ', કોઈ પેશન્ટ નું પણ ફની લાગે એવાં નામ મનમાં પાડ્યાં. ભાનમાં આવ્યાના કલાકની અંદર.


શરીર દુઃખતું હતું. ખાસ તો યોગ્ય રીતે ન ગોઠવાયેલી પીઠ દુઃખતી હતી પણ મગજ સંપૂર્ણ તેજ ગતિએ દોડતું, વિચારતું હતું.


બહુ જ દબાઈ રહેવાથી આંગળીઓ પર લોહી જામી જાય એમ લાગ્યું. કોઈક રીતે મેં ક્લિપો હટાવી કે ઢીલી કરી. પીઠ દુખતી હોઈ ચક્રાસનની જેમ ઊંચા થવા કોશિશ કરી પણ પેટ પર વજનદાર કોથળીઓ ટાંગેલી. મારે સુઈ જવું પડ્યું.


હવે ઝગમગતી લાઈટોની જગ્યાએ ફક્ત ડીમ લાઈટ. ઠીક, રાત પડી. રાઉન્ડમાં આવેલા બે ડોક્ટરો થોભ્યા એક કહે "ઉપરનું બી.પી. 40 છે. એને કોફી પાઓ". ત્યાં એક નર્સ આવી અને મારી ક્લિપો ઠીક કરી. ધીમેથી બોલી "કલીપ હટાવવી નહિ, એ બીપી માપે છે."


કેટલાક ટ્રેઈની મેલ નર્સ મોટેથી મલયાલીમાં બૂમો પાડી હસતા, ઠઠા-મશ્કરીઓ કરતા હતા, મને એનો અવાજ ખટક્યો. બીજા પેશન્ટસને પણ ખટકતો હશે. હોળીની રાત હતી. હવે સોપો પડી ગયો. રાત જામી હશે. અહીં ઘડિયાળ નજીકમાં ન હતી. વાતાવરણ દિવસ-રાતનું સરખું જ! હું આખી રાત પીઠ દુખતી હોઈ અને કોઈ અજંપો હોઈ સુઈ નહીં શકેલો. કદાચ થોડું સુતો હોઉં તો મને ખબર નથી. મોઢે કૃત્રિમ શ્વાસ લેવા માસ્ક, ચારે બાજુ નળીઓ, હાથની આંગળીઓ પર બીપી માપવાની ને એવી કલીપો, પેટ પર તારથી બાંધેલી બે કોથળીઓ જેમાં હૃદય આડેના પડદાનો સ્ત્રાવ ઝીલાતો હોય, પેશાબ માટે પણ કોથળી. શરીરનો કયો ભાગ ખુલ્લો હશે? મેં વિચારવાનું છોડી આંખો બંધ કરી. ફરી કોઈ પણ અર્થહીન વિચારોનું ઘોડાપુર. આખરે મેં જાપ કરવા વ્યર્થ પ્રયત્ન કર્યો. પછી મેં મને પોતાને મનમાં યાદ કરીકરી જોક્સ કહેવા શરૂ કર્યા. આસપાસ સુઈ ગયેલા દર્દીઓ અને માત્ર એક ઇન્ચાર્જ ડોક્ટર. પેલા મેલ નર્સ લોકો ચાલ્યા ગયેલા. મન થોડું શાંત પડ્યું. હું એમ જ પડ્યો રહ્યો.


સવારના 8 વાગ્યા હશે. મને જગાડવાનો પ્રયત્ન થયો પણ હું રાતના ક્યાં સૂતો જ હતો? મને ચા, નાસ્તા સાથે દવાઓ અપાઈ. ધુળેટીની સવાર હોઈ નજીકમાં નર્સો એક-બીજીને તિલક કરતી હતી. એક નર્સે જોયું કે હું જાગું છું. એણે ઇશારાથી મને પૂછ્યું મેં હકારમાં માથું હલાવ્યું. માથાના એક માત્ર ઉઘાડા કપાળ પાસેના ભાગ પર એણે તિલક કર્યું, "હેપી હોળી" કહી તુરત લૂછી નાખ્યું અને મારી પર વત્સલ હાથ ફેરવ્યો. જાણે મારી મા ! મને એની લાગણી સ્પર્શી ગઈ.


સવારની નર્સો મારી પાસે લગાડેલા મોનિટર જોઈ કઈંક એડજસ્ટ કરે રાખતી હતી. મારા ફેમિલીને હું ભાન માં છું એ કહેવાયું નહીં હોઈ એ સહુ ખુબ ચિંતામાં હતાં. કોઈએ આખરે બપોરે એમને કહ્યું અને મારી પત્ની લીલા ઝબ્બામાં માસ્ક પહેરી મારી પાસે આવી. અરે, એ તો એમાં સુંદર, પ્રભાવશાળી દેખાતી હતી. ઘેર જઈ કહેવું પડશે. મારો પુત્ર પણ એમ જ આવી ગયો.


બીજી સવારે મને નાસ્તા સાથે જ્યુસ પણ અપાયો. સ્પંચ એટલે શરીર સાફ થયું. વત્સલ નર્સ આવી મારા ચહેરાપર હાથ ફેરવી ગઈ કેમ જાણે હું એનો પુત્ર હોઉં ! એણે કહ્યું કે મારી દાઢી વધી ગઈ છે અને હોસ્પિટલના રૂમમાં જતાં મારે શેવ કરાવવી.


'ભીમ ડોક્ટર' આવ્યા. એણે સ્ટેથોસ્કોપથી મારી છાતીની ને પેટની ચારે તરફ ધબકારા માપ્યા. મેં તેઓ ફરીથી આવ્યા ત્યારે એમને ગ્રીટ કરવા હાથ ઊંચો કર્યો. એમણે સામો કર્યો અને મારા બેડ પાસે સ્ટુલ મંગાવી બેઠા. ચાનો ટાઈમ હતો. એમણે પોતાની સાથે મારી પણ ચા મંગાવી. તેઓ કોઈ આસિસ્ટન્ટ સાથે કઈંક ચર્ચા કરતા હતા. મેં ગરમ ચા ખલાસ કરી નાખી. એમણૅ સ્મિત આપ્યું અને કહ્યું "ભાઈશ્રી, આપની બાયપાસ થઇ છે. તમે સૈનિક સેલ્યૂટ કરે એમ હાથ ઊંચો કર્યો અને ચા પણ મારા પહેલા પી ગયા. બાયપાસ તમારી થઇ છે અને ધીમો હું છું. હવે સ્લો ડાઉન. ઇન ઓલ યોર એકશન્સ." મેં એનો છ મહિના અમલ કર્યો પછી શેઠ ની શિખામણ ઝાંપા સુધી. જૂની જન્મજાત આદતો ક્યાં જાય?


મોડેથી એક નર્સ આવી. મારૂં ઓઢવાનું સરખું કરતાં મારે કપાળે હાથ મુકયો. તરત ટેમ્પરેચર માપ્યું. મને તાવ હતો. ઓપરેશન માટે અંદરનું શરીર ખુલ્લું કરવાથી ઘણાને તાવ આવી જાય છે. ન્યુમોનિયા પણ બહારનો સિલિન્ડરનો ઓક્સિજન લેવાથી થઈ જાય છે. તાવ કદાચ વધુ હતો. મેં માસ્કમાંથી કેટલો છે તે પૂછ્યું. તે સમજી નહીં કે જાણી જોઈ કહ્યો નહીં. ખાલી સરખું ઓઢાડી તાવની દવા આપી અને માથે હાથ ફેરવી "આરામ લો. અમે છીએ. બધું ઠીક થઈ જશે" કહી બીજા બેડ પર જતી રહી.


ત્રીજો દિવસ. હવે વેન્ટિલેટર કાઢવા નર્સો આવી. એમણે ઓક્સિજનનું મશીન ચાલુ કરી માસ્ક હટાવ્યો. મને લાગ્યું કે મારા હાર્ટ પર ખુબ પ્રેશર આવે છે, વધતું જ જાય છે. હાર્ટ ફાટી પાડવાની અણી પર છે. મેં જોરથી પગ પછાડ્યા. એ નર્સોએ જોયું પણ સમજી નહીં. મેં એક નર્સનો હાથ પકડી ખેચ્યો અને એની હથેળીમાં લખ્યું "હૅવીનેસ". એ સમજી નહીં, એક નર્સે મને કાગળ અને પેન આપ્યાં, મેં લખ્યું 'હૅવીનેસ. ઓક્સિજન ધીમો.' એમણે સ્પીડ ઘટાડી. મને ઓચિંતી રાહત થઇ. હવે માસ્ક અને વેન્ટિલેટર હટાવવામાં આવ્યાં.


બપોરે એક યુવાન ડોક્ટર અને ભીમ ડોક્ટર આવ્યા. મારા અંગ પરથી ટ્યુબો દૂર કરી. હવે મને વ્હીલચેરમાં બેસાડી સ્પેશિયલ રૂમમાં લઇ ગયા જ્યાં મારી પત્ની અને પુત્રએ સજળ નયને મને આવકાર્યો. અહીં હું ત્રણ દિવસે સરખો સૂતો. પરંતુ થોડી જ વારમાં મને મળ નિકાસ કરવા જવું પડ્યું. ટોયલેટમાં બે લટકતી બેગો સાથે બેસાડ્યો. એ હાર્ટને પ્રોટેક્ટ કરતા જળનું આવરણ હોય. એ હવે નીચે ઝરતું હોય, જે એ મારી ડુંટીની નજીક બે બાજુએ જાડા તારથી બાંધેલી બેગોમાં એકઠું થતું હોય. મળ કેમે કરી નીચે આવતો ન હતો. જોર કરવાની મનાઈ હતી તો પણ છૂટકો ન હતો. ત્યાં મારા એ ડોકટર જેણે આ સર્જરી રેકમેન્ડ કરેલી, તેઓ અને બાયપાસ કરનાર સર્જન રાઉન્ડમાં આવ્યા. મળવું કેમ? અર્ધો મળ પાછળ પૂંછડી થઇ લટકતો કેમેય પડે નહીં, અર્ધો હું પુશ કરતો હતો! એ મેં પાછળ હાથ લઈ જઈ ખેંચીને નીચે ફેંક્યો! જેમ તેમ કરી પાંચ દિવસનો કઠણ મળ ત્યાગ કર્યો. તમને જુગુપ્સા થશે પણ આ હકીકત હતી. એમ હું હાથ ધોઈ બહાર આવ્યો. તેમણે મને તપાસી, નાડી, છાતી, પેટ, પીઠ પાસેથી ધબકારો માપ્યા અને ઓપરેશન સફળ રહ્યા બદલ મને અભિનંદન પાઠવ્યાં.


રાત્રે અહીં પણ ઊંઘ આવતી ન હતી. શરીર આરામ પર હતું, મગજ તો આઈસીયુ માં આંખ ઉઘડી ત્યારથી ડબલ વેગે ભાગતું હતું. રાત્રે બાઈસ્કોપની ફિલ્મો જોતો. વચ્ચે ઈંગ્લીશ ફિલ્મ 'ફાઈન્ડીંગ નેમો' જોઈ. ખુબ ગમી.


બપોરે 11 વાગે જમવાનું આપતા એ પછી દોઢ બે કલાક સુઈ જતો એ જ મારી ઊંઘ. બાકીનો સમય દુનિયાભરના ને દુનિયા બહારના વિચારો.


એમાં પણ ઉધરસ આવવા લાગી. ત્યાંના જનરલ તબીબે મને નાસ લેવાનું મશીન મોકલ્યું. પછીથી ખબર પડી કે કૃત્રિમ શ્વાસ પર વેન્ટિલેટર પર રાખે ત્યારે ઘણાને આવું થાય છે. એ ઉધરસ ઘેર લઈ ગયા પછી પણ ચાલુ રહી ત્યારે નજીકના એમ.ડી. ડોકટરે કહ્યું કે ફેફસાંમાં કોઈ જગ્યાએ ઇન્ફેક્શન હતું. ન્યુમોનિયા જેવું. એ દવાથી ઠીક થયેલું.


પેલું કોથળીઓમાં ટપકતું પ્રવાહી બંધ થયું નહિ. 7 મો દિવસ. મને " ડિસ્ચાર્જડ અંડર સ્ટેબલ કન્ડિશન " લખી ઘેર મોકલ્યો, જાડા લોખંડના તારથી પેટ સાથે બાંધેલી પેલી બે કોથળીઓ દૂર કરી.


ઘેર દિવસો સુધી સહેજ ચાલતાં ડોકું એક સાઈડે ઢળી પડતું જે માટે કહેવાયું કે થોડી ક્ષણ ઉભી પછી ચાલવું.


બસ. મહિના પછી રોજ 40 મિનિટ ચાલવું અને અમુક લોહી પાતળું કરતી દવાઓ પીવી એ શરુ કરી હું મારે કામે ચડી ગયો.


છ વર્ષ થયાં. આજે પણ એ હોસ્પિટલ પાસેથી પસાર થાઉં છું ત્યારે સામે મંદિર ને અને એ હોસ્પિટલના 7મા માળને મસ્તક નમાવી નવી જિંદગી આપવા બદલ સલામ કરું છું.


આજે પણ એ આઈસીયુ અને આસપાસનાં ચિત્રો થ્રિ ડી ફિલ્મની પેઠે આંખો સમક્ષ જોઈ શકું છું, એ દરેક વખતના ધબકારા યાદ કરી શકું છું.


હા. એ પછી આજે હું યોગ કરૂં છું અને મિત્રોને આસનો બતાવું પણ છું. જિંદગી સામાન્ય છે. સંસ્મરણ આપ સહુ સમક્ષ શેર કરૂં છું. સહુનું હાર્ટ તંદુરસ્ત રહે તેવી શુભકામનાઓ પ્રાર્થું છું.


એ સમય હતો 6 માર્ચ 2015.

-સુનીલ અંજારીયા