દુવા Manisha Hathi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દુવા

🙌 " દુવા " 🙌

મુંબઈ એટલે મહાનગરી , ચોમાસાની સિઝન એટલે બરખા રાનીએ પુરા જોશમાં પોતાનો અડ્ડો જમાવ્યો હતો .
પુરી બમ્બઈ નગરીમાં કાળા વાદળોનો કહર જામ્યો હતો વીજળીના કડાકા અને ગાજવીજ સાથે વરસાદે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું હતું , રસ્તે ચાલતા રાહગીરોની પોતપોતાના સ્થાને પહોંચવાની હોડ રસ્તા પર નજર આવી રહી હતી .

એ જ સમયે ઘરેથી પોતાના પિતાનો ફોન આવતા જ ઓફિસનું કામ ફટાફટ સમેટીને શ્રીકાંત હોસ્પિટલ તરફ
જવા નીકળ્યો .
......
શ્રીકાંત એના માતા-પિતાનું એકનું એક સંતાન હતો . શહેરની મોટી કંપનીનો માલિક , જીવનમાં દરેક રસ્તે ઈમાનદારી અને નીતિનિયમોથી ચાલવાવાળો માણસ ,
પોતાના સ્ટાફની એક એક વ્યક્તિની કોઈપણ મુસીબતમાં ખડે પગે રહેનારો હતો . શ્રીકાંત માતા-પિતાએ આપેલા સંસ્કારોથી પરિપૂર્ણ હતો .

એની પત્ની રેણુને નવમો મહિનો બેસી ગયો હતો . ફોનમાં પિતાના કહેવા મુજબ રેણુને લેબર પેઈન થતા જ હોસ્પિટલ લઈ જવામાં આવી . શરૂઆતથી તો બધા જ રિપોર્ટ્સ નોર્મલ હતા .

' પણ અચાનક શુ થયું કે શ્રીકાંત હજુ રસ્તામાં જ હતો ત્યાં જ મમ્મીનો ફોન આવ્યો .
' દીકરા બને એટલું જલ્દી પહોંચજે . રેણુની તબિયત નાજુક છે , .ડો.ના કહેવા મુજબ ... અને ....
શ્રીકાંતની માઁ આગળ કંઈ બોલી ન શકી . બસ એના રડવાની અવાજ શ્રીકાંતના કાનમાં પડી .
હોસ્પિટલ આવતા જ શ્રીકાંત કારનો દરવાજો ખોલી હડબડીમાં નીચે ઉતર્યો ચાવી ખિસ્સામાં મુકતી વખતે ખિસ્સામાં રહેલું વોલેટ અને હાથમાં રહેલી ત્રણ/ચાર થેલીઓમાંથી એક થેલી કારના દરવાજાની બહાર પડી ગઈ, એ થેલીમાં શ્રીકાંતે બારોબાર ડિનર પેક કરાવ્યું હતું .
અંદર પહોંચતા જ જોયું તો માઁ નો ચહેરો ગંભીર હતો . એ જ સમયે ડો . આવ્યા અને બોલ્યા ' ગર્ભમાં છોકરું સાવ ઊંધું થઈ ગયું હતું , એ ચક્કરમાં માઁ-દીકરા બંનેની તબિયત સાવ લથડી ગઈ છે . સિઝેરિયન કરીને બાળકને બહાર તો કાઢ્યું છે . પરંતુ માઁ-દીકરા બંનેની હાલત ખૂબ ગંભીર છે . આપણી પાસે ફક્ત ચોવીસ કલાક છે .... ' પરંતુ સાચું કહું તો મને નથી લાગતું કે સ્થિતિ સુધરે ... બસ ઈશ્વરને પ્રાર્થના કરો કે સઘળું પાર પડે .

✨✨✨✨✨

કારમાંથી ઉતરતા પડી ગયેલા સામાન તરફ રઘુનું ધ્યાન ગયું હોસ્પિટલની બહાર રહેલ બસ સ્ટેન્ડના બાંકડે બેઠેલા રઘુ ચોધાર આસુંએ રડી રહ્યો હતો . પાકીટ અને સામાનની થેલી જોતા જ રઘુની આંખો ચમકી . પોતાની માઁ બિમાર હતી . થોડાઘણા જે પૈસા હતા એમાંથી ચાર દિવસ પૂરતી દવા લીધી પરંતુ આ દવા માઁ ને બે મહિના સુધી લેવાની હતી . અને એ પણ કાંઈ ખાઈને લેવાની હતી , ઘરમાં અન્નનો દાણો પણ ન્હોતો .
રઘુ ઘણો નીતિ વાળો માણસ હતો . પરંતુ એક બાજુ એની નજર સામે ખાટલામાં સુતેલી એની બીમાર માઁ નો ચહેરો સળવળી ગયો .
રઘુએ હિંમત કરીને એ બધુ લઈ લીધું . પાકિટમાં પૈસાનો ઢગલો જોતા જ એની આંખો ફાટી ગઈ . તે દોડાદોડ મેડિકલ સ્ટોરમાં ગયો માઁ ની બાકીની દવા લીધી . અને વરસતા વરસાદે ઘેર પહોંચ્યો . ઘેર પહોંચતા જ થેલીમાં રહેલું ભોજન કાઢ્યું અને માં ને આપ્યું . માઁ ની બોલવાની તાકાત નહોતી એટલે ઇશારાથી પૂછ્યું ' ક્યાંથી લાવ્યો ?
રઘુએ ઇશારાથી ચૂપ રહેવા કહ્યું અને માથે હાથ ફેરવતા બોલ્યો ' શાંતિથી ખાઈ લે પછી દવા લેવાની છે . જમવાનું બધું ફોઈલ પેપરમાં હોવાથી ગરમાગરમ હતું .
માઁ ના પેટની અગ્નિ શાંત થઈ , અને મનમાંથી ઉદગારો સરી પડ્યા ' હે પ્રભુ મારા દીકરાને જેણે અટલી મદદ કરી એનો ભવોભવ સુધારજો , એમના ઘરનો વંશ-વારસો હંમેશા સલામત રહે પ્રભુ ....
ખોરાક પેટમાં જવાથી માઁ ના ચહેરા પર ચમક આવેલી જોઈ રઘુના મનને અપાર શાંતિ થઈ . બાકીનું ખાવાનું અને પાકિટમાં રહેલ પૈસા લઈને ફરી એ હોસ્પિટલ તરફ રવાના થયો . કારમાંથી ઉતરેલા એ ભાઈનો ચહેરો પૂરેપૂરો યાદ હતો . પણ અટલી મોટી હોસ્પિટલમાં શોધું કઈ રીતે એ પ્રશ્ન હતો . ચારે તરફ આંટા મારતો રહ્યો . એક જગ્યાએ જોયુંતો આઠ-દસ સગાંવહાલાંની ભીડ હતી . ભીડમાં એ ભાઈના કપડાં ઉપરથી રઘુને લાગ્યું ' આ છે તો એ જ ભાઈ...
' ધીરે ધીરે એ તરફ ગયો શ્રીકાંત માથું નીચું નાખી રડી રહ્યો હતો .
શ્રીકાંતના પગ પકડી રઘુ રડવા લાગ્યો . ' મને માફ કરી દયો શેઠ , મેં જ તમારો સામાન ચોરી કર્યો હતો . રઘુએ રડતા રડતા પોતાની કથની સંભળાવી .
'તમારી અટલી બધી રકમ અને ખાવાનું ચોરનાર હું પોતે જ છું .
મેં બહુ ખોટું કામ કર્યું છે . પણ શું કરું ? ' ભૂખ અને ગરીબીને કારણે મારી માઁ નો ઈલાજ પણ સરખી રીતે કરી શકતો નહોતો .
' આ મારી માઁ ની દવાનું બિલ છે . આટલા પૈસાની જરૂર હતી . બાકીના પૈસા ઘણી લેજો સાહેબ . હું ધીરે ધીરે તમારી બાકીની રકમ ચૂકવી દઈશ . પણ મેં આવી રીતે ચોરી કરી છે એટલે મને માફ કરજો .બાકી એક થેલીમાં તમારું જમવાનું હતું . આમાંથી થોડું મેં મારી માઁ ને આપ્યું હતું . કેટલા સમય પછી માઁ ના પેટમાં આટલો સારો ખોરાક ગયો છે . સાહેબ મારી માઁ ના પેટને ખૂબ ટાઢક વળી છે .અને એવું લાગે છે હવે તો દવાઓ આવી ગઈ એટલે બીમારીમાંથી પણ જલ્દી ઉભી થઇ જશે .
શ્રીકાંત પોતાની આંખોમાં આસું સાથે પોતાનું દુઃખ ભૂલી અને રઘુની ઈમાનદારીથી બોલાતા શબ્દોને અને એના ચહેરાને ધ્યાનથી જોઈ રહ્યો .
એ જ સમયે શ્રીકાંતના ખભે ડો . એ હાથ મુકતા એ ગભરાઈને ઉભો થઇ ગયો .
ડો. બોલ્યા ' રિલેક્સ મિ. શ્રીકાંત , તમને સમાચાર આપતા મને પણ અચંભીત જ લાગે છે . પરંતુ સત્ય છે કે , માઁ અને નવજાત શિશુના નવા અવતાર માટે તો કોઈની " દુવા " જ કામ કરી ગઈ હોય એવુ લાગે છે . થોડીવાર રહીને તમે બંનેને મળી શકો છો .
શ્રીકાંત પણ એક આશ્ચર્યજનક સ્થિતિ સાથે ડો.ના ચહેરાને જોઈ રહ્યો . ડો.ની આંખમાં પણ આસું હતા . શ્રીકાંત પાછળ વળીને જોવા ગયો ત્યાં પેલો છોકરો ક્યાંય નજર ના આવ્યો . શ્રીકાંત બહાર સુધી દોડીને આવ્યો . વીજળીનો ચમકારો જેમ પલક જબકતા જ છું થઈ જાય એમ વરસતા વરસાદના પાણીથી ચમકત્તા રસ્તાઓ પર એ ચમકારો ક્યાંય અલોપ થઈ ગયો ? જેની માઁ ની " "દુવા" થી એક નહિ પરંતુ બબ્બે જીવ બચ્યા છે .

જિંદગીમાં કૈક આવું અણધાર્યું જ બને છે .પરંતુ જેના થકી બને છે એ એક ચમત્કાર બની જીવનમાંથી અલોપ થઈ જાય છે . જે ઈશ્વરના આશીર્વાદ બનીને જ અવતરે છે .