Baavare nain books and stories free download online pdf in Gujarati

બાંવરે નૈન

★ બાવરે નૈન ★
    ?????
    ◆■◆■◆■◆■◆

   વ્હેલી સવારનો સુરજ ઉગતા જ કાંતિભાઈ પથારીમાં બેઠા થઈને જોયું . મધુ આજે વ્હેલી ઉઠી ગઈ લાગે છે  . એમ તો  બંને જણા લગભગ  સાથે જ ઉઠી જતા .
રુમની બહાર નીકળતા જ કાંતિભાઈ બોલ્યા ...' કેમ મધુ આજ મારા કરતા વેલી ઉઠી ગઈ કે શું ?
કોઈ જવાબ ન મળતા વિચાર્યું કે બાથરૂમ માં હશે ..
દસ-પંદર  મિનિટથી ઉપર થઈ ગયુ  . બાથરુમ આગળ જઈને જોયું તો બાથરુમ નો દરવાજો તો ખુલ્લો હતો .
ક્યાં ગઈ હશે સવારના પહોરમાં ? બહાર ફળીયા સુધી જોઈ આવ્યા .
સવારના પહોરમાં તો ક્યાંય જાયતો  નહીં .
થોડી ધીરજ રાખી દસ-પંદર મિનિટ બેસી રહ્યા .
કાંતિભાઈ ને ચિંતા થવા લાગી .
મધુની તબિયત પણ હમણા થી સારી નહોતી રહેતી ..
થોડી થોડીવારે બધું ભૂલી જતી .
કાંઈ પણ કામ હોયતો બંને સાથે જ બહાર નીકળતા .

કાંતિભાઈ બહાર નીકળી ઘરથી થોડે દૂર સુધી જોઈને પાછા  આવ્યા  પણ મધુ ક્યાંય નજર ના આવી .  કાંતિભાઈનું મન બેચેન  બની ગયું .

કોને ફોન કરું ? શુ કરું ?
કોઈ નજીકના મંદિરમાં ગઈ હશે ?  પણ મને જાણ કર્યા વગર ક્યાંય જાય તો નહીં ...

કાંતિભાઈ ને એક દીકરો ને એક દીકરી હતા . દીકરી નું સાસરુ બીજા શહેરમાં હતું  અને દીકરો વિદેશ સેટલ થઈ ગયો હતો .

સવારનું રુટીન પતાવ્યા વગર કાંતિભાઈ ઘરની બહાર નીકળી ગયા....
    ગલીને નાકે વેલી સવારે ચા વાળાની  રેંકડી ખુલ્લી જતી ...

    ત્યાં જઈને પૂછું કે શું કરું ?
પણ.... પેલો ચા વાળો શુ વિચારશે... . 'કેવો માણસ છે ? પોતાની પત્નીનું ધ્યાન  ન રાખી સક્યો ?

લથડતા પગે ઘર તરફ પાછો ફર્યો . આકુળ-વ્યાકુળ મન અને મનમાં આવતા ખરાબ વિચારો ...

ઘેર આવતા જ દીકરી ને ફોન કર્યો  ...દીકરી એ જવાબ આપતા કહ્યું ..' અરે પપ્પા આસપાસ જ ક્યાંક ગઈ હશે જુવોને...અને હું અત્યારે તમારી સાથે લાંબી વાત નહીં કરી શકું ...હજુ છોકરાવ ને સ્કૂલ માટે તૈયાર કરું છું .
થોડી શાંતિ રાખો ...મમ્મી હમણાં આવતી જ હશે ...

છેલ્લા કલાક થી મધુની કોઈ ખબર નો ' તી ...
રઘવાયા થયેલા કાંતિભાઈ દીકરીના જવાબ થી મનોમન બબડયા... શાંતિ કેવી રીતે રાખું ?

મારા જીવનનું એક અભિન્ન અંગ , મારા જીવનમાં આવનાર દરેક સુખદુઃખની સાથી , મારા જીવનની ચડતી-પડતી દરેકમાં મારા ખભા થી ખભો મેળવનાર મારી જીવનસંગીની ની હું ચિંતા ના કરું ?

કોલેજ કાળનો એ અતૂટ પ્રેમ હતો ...કોલેજનો પ્રથમ દિવસ અને  મધુની કલાસરૂમ માં એન્ટ્રી થતાંજ પૂરો ક્લાસ સુગંધ-સુગંધ થઈ ગયો હતો . ગજબ સુંદરતા હતી ...ઈશ્વર જાણે કલાકોનો સમય લઈને એને ઘડવા બેઠો હશે . ગૌર વર્ણ , તીખું નાક , ગુલાબી ગાલ ...અને કપડાની સ્ટાઇલ તો લાજવાબ ...
પહેલી જ નજરમાં પ્રેમ થઈ જાય એવું વ્યક્તિત્વ હતું એનું ...
    હા...થોડી શર્મિલી જરુર હતી .
કલાસમેટ હોવાથી થોડીઘણી વાતો થઈ જતી .
ધીરે-ધીરે નોટબુકની આપ-લે થવા લાગી . એની વાતો કરવાની નજાકત મનને બૈચેન કરી નાખતી . પણ એકતરફા આકર્ષણનું શુ ?
મારો મિત્ર વર્ગ પણ બહોળો એવો પણ મધુ પ્રત્યે વધી રહેલુ  મારુ  આકર્ષણની હજુ કોઈને ભનક સુધ્ધા નહોતી ...એમ  પણ કોલેજમા મધુના દીવાના ઘણા હતા . ત્યાં મારા જેવા સીધા સાદા પર મધુની નજર ક્યાંથી પડે ...

એકવાર  ચાલુ લેકચરે
  અચાનક જ મારું ધ્યાન એની તરફ ગયું .
ચહેરો થોડો નીચેની તરફ અને મોઢામાં પેન દબાવતી એ મારી તરફ  જોઇ રહી હતી . એની આંખો કાંઈક અલગ જ નજર આવી .
મેં પણ આંખોથી જ સવાલ કર્યો
  ત્યાં તો જવાબમાં એક શર્મિલું સ્મિત અને ઢળેલી આંખો...
થોડી ક્ષણોમાં તો બંને વચ્ચે જાણે કેટલા સંદેશાની આપ-લે થઈ ગઈ ...
  બંનેનું દિલ હજારો ગુલાબી સપનાઓ જોવા લાગ્યું ..

ધીરે-ધીરે તો નોટબુકોની આપલે માં એકબીજા માટે લખાયેલી શાયરીઓ ...બંને જુવાન હૈયા વચ્ચે વધતો પ્રેમ ...
બંનેની જ્ઞાતિ અલગ ..પણ પ્રેમ તો પ્રેમ જ હતો .  પ્રેમને કોઈ જાતિ સાથે ક્યાં લેવાદેવા ..
બંનેના મિત્રવર્તુળ માં પણ હવેતો વાત વ્હેતી થઈ ગઈ .

કોલેજ નું વર્ષ પૃરું થવામાં હતું . એટલે એન્યુઅલ ફંકશન ની ફૂલ તૈયારી ચાલી રહી હતી .
કોલેજના પ્રિન્સીપાલની ઈચ્છા હતી કે આપણે એક શાનદાર નાટકની રજુઆત કરીયે . પ્રોગ્રામના ચીફ ગેસ્ટ તરીકે શહેરના મોટા -મોટા ઉદ્યોગપતિઓ આવે છે . તો પ્રોગ્રામમાં ચાર ચાંદ લાગી જાય એવા સુપર-ડુપર કાર્યક્રમની રજુઆત કરીયે .
કોલેજનો સ્ટાફ પણ ખૂબ સારો હતો .
  પ્રોગ્રામની સફળતા માટે બધા ખૂબ મહેનત કરવા લાગ્યા .

નાટક માટેના પાત્રોની શોધ કરતા કરતા બધાની નજર  કાંતિ અને મધુ તરફ ગઈ .
સર્વાનુમતે અને બધાના આગ્રહને વશ થઈ બંનેએ નાટકમાં ભાગ લેવાની હા પાડી ..
   નાટકનું ટાઇટલ હતું ..
     ' બાંવરે નૈન ' 
  બંનેનો અભિનય અફલાતૂન હતો . નાટક પૂરું થતાંજ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધું . પ્રોગ્રામ પૂરો થતાં પણ એ જ નાટક ની ચર્ચા .

નાટકની ચર્ચા સાથે બંનેના પ્રેમ પ્રકરણની ચર્ચાઓ બધે થવા લાગી ..ધીરેધીરે આ વાત બંનેના ઘર સુધી પહોંચી . બંનેની જ્ઞાતિ અલગ હોવાથી બન્નેની ફેમિલી આ સંબંધ સ્વીકારવા તૈયાર નહોતા .
એમ પણ પ્રેમ પ્રકરણમાં એક ભેદ રેખા હજુ હતી . જે હતી સ્ટેટ્સની . કાંતિનું ફેમિલી થોડું સાધારણ અને મધુની ફેમિલી એકદમ હાઇ-ફાઈ ત્રણ-ત્રણ ગાડીઓ , નૌકર-ચાકર ..પૈસો તો જાણે મબલખ ...

કોલેજના વર્ષો પુરા થતા જ કાંતિને નૌકરી લાગી ગઈ . પગાર ધોરણ સામાન્ય હતું . પણ મધુને  પૈસા કરતા કાંતિનો પ્રેમ પસંદ હતો .
મધુને  કાંતિની સાદગી , સરળ સ્વભાવ ખૂબ ગમતો .
' બાંવરે નૈન ' ના નાટક ની સફળતા પછી તો એ  કાંતિની પાછળ પાગલ થઈ ગઈ હતી . નાટક ના ડાયલોગ , કાંતિની  અદાએ મનને ઔર દિવાનું કરી દીધું હતું .
  બંનેનો પ્રેમ અતૂટ હતો . એકબીજા વગર જિંદગી જીવવાનું શક્ય જ નહોતું . બંનેના મિત્રવર્તુળ સાથે નક્કી કરી
બંને પ્રેમી પંખીડા એક દિવસ ઘરથી ભાગી નીકળ્યા . મધુ પણ પોતાનું વૈભવશાળી જીવન છોડી કાંતિ સાથે જીવનની અમૂલ્ય ક્ષણોને જીવવા એની સંગાથે નીકળી પડી .. મિત્રવર્તુળની મદદથી એક મંદિરમાં જઈ બંનેએ લગ્ન કરી લીધા .

શરુઆત  માં એક રુમ રસોડાનું ઘર ભાડે લઈ બંને રહેવા લાગ્યા .

  કાંતિ હંમેશા વિચારતો વિશાળ બંગલૉ , વૈભવશાળી જીવન જીવતી મધુ મારી સાથે રહીને કેટલું એડજેસ્ટ કરી રહી છે . મધુ પણ જાહોજલાલી માંથી આવી હોવા છતાં લેશ માત્ર ઘમંડ નહોતું . ઓછી આવક , આધુનિક સુખ સગવડો થી વંચિત છતાં કાંતિ સાથે પોતાનું જીવન ખૂબ સરળતાથી જીવી રહી હતી .

બંનેના પરિવાર વાળા પણ નારાજ હોવાથી કોઈની સાથે વ્યવહાર નો ' તો ...ઘરના ખર્ચમાં મદદરૂપ થવા મધુ એ પણ નૌકરી કરવાની ઈચ્છા વ્યક્ત કરી . કાંતિએ પણ હોંશભેર હા કહી ... ધીરેધીરે બંનેની સાદગીથી રહેવાની આવડતથી ઘર ખૂબ વ્યવસ્થિત રીતે ચાલવા લાગ્યું .
  ઓછી આવકમાં પણ ઘરની સુઘડતા અને સ્વચ્છતા ખરેખર લાજવાબ હતી . મધુ નૌકરી અને ઘરની જવાબદારી બંને બખૂબી નિભાવી રહી હતી . ઘરના અમુક કાર્યો માં કાંતિ પણ એટલીજ મદદ  કરતો .
ધીરે ધીરે બંનેની સાદગી ભરી વ્યવહાર કુશળતાને લીધે લોકો માટે એક ઉદાહરણ રુપ બની ગયા .
કાંતિ અને મધુ માટે હવે પોતાના પરિવારના રસ્તા પણ ખુલ્લા થઈ ગયા હતા . બંનેના પરિવારને પોતાની ભૂલ સમજાતા એક સરસ મજાની પાર્ટીનું આયોજન કર્યું .
મધુના પિતાએ મધુને ભેટ સ્વરુપે અમુક રકમ આપવાનું વિચાર્યું . પરંતુ મધુએ સાફ ઈન્કાર કરી દીધો . અને બોલી પપ્પા હું મારા જીવનમાં ખૂબ સુખી છુ અને ખુશ છું . કાંતિ મારુ ઘણુંજ ધ્યાન રાખે છે .
બંનેની જિંદગીમાં સુંદર મજાના બે બાળકોનું આગમન થયું .
બાળકોના આવવાથી બંનેના પરિવાર વચ્ચે પણ સંબંધો મજબૂત બન્યા .
બાળકોના જીવનનું ભણતર અને ઘડતર પાછળ પણ બંનેએ ખૂબ મહેનત કરી .
  દીકરો મોટો થતા જ આગળ ભણવા માટે વિદેશની વાટ પકડી . અને ત્યાંની જ કોઈ ગોરી મેમ સાથે લગ્ન કરી જીવન શરુ કરી દીધું .
માઁ-બાપે મન મનાવી લીધું . કારણ પોતે પણ પોતાના પરિવારથી વિરુદ્ધ લવમેરેજ કર્યા હતા .
સમય રહેતા દીકરીના  પણ લગ્ન  લેવાયા ..
પોતાના બંને બાળકો પોતાની જિંદગીમાં પોતાના  પરિવાર સાથે ખુશ છે બસ એથી વધારે શુ જોઈએ .
વિદેશ રહેતા દીકરાની વહુ ત્યાંની અંગ્રેજણ હતી . પણ એના સંસ્કારોમાં પણ શાલીનતા હતી . દર વર્ષે  એક મહિના સુધી મધુ અને કાંતિની સાથે રહેતી . અને આસપાસના નાના-મોટા સ્થળોએ ફરવા લઈ જતી . એક મહીનો રહેતી પણ ખૂબ એન્જોય કરતી .
પોતાની સાથે વિદેશ લઈ જવાનો ખૂબ આગ્રહ કરતી . પરંતું આ લોકોનું મનના માનતું .
મધુ અને કાંતિ બંનેનું ઇંગ્લિશ સારું હતું . એટલે વિદેશી વહુ સાથે વાર્તાલાપ માં વાંધો ન આવતો .
મધુ હમેશા પોતાની વહુને કહેતી અમારા નસીબ ખરેખર ખૂબ સારા છે કે તારા જેવી ગુણવાન વહુ અમને મળી છે . પરંતુ તું આટલું ધ્યાન રાખી દર વર્ષે આવે છે . એ પણ અમારા માટે સૌભાગ્યની વાત છે .
સમયના વ્હેણ ની સાથે મધુ અને કાંતિની ઉંમર પણ વધતી ચાલી .
ઉંમર વધતા પણ બંને વચ્ચેનો પ્રેમ હજુ પણ અકબંધ હતો .

અચાનક ફોનની રિંગ વાગતા જ કાંતિની યાદોમાં ખોવાયેલી સફરમાં બ્રેક આવ્યો .
ફોન ઉપાડતા જ સામે પોતાની દીકરી હતી . ' એ બોલી ' શુ થયું પપ્પા ? મમ્મી આવી ગઈને ?
કાંતિ એકદમ રડમસ અવાજે બોલ્યો ...' ના દીકરા ના તારી માઁ ના તો કોઈ વાવડ નથી . હવે વિચારું છું .પોલીસ કમ્પલેન કરું ...
ત્યાં જ વળી દીકરી પપ્પાને રોકતા બોલી ...' પપ્પા એક કામ કરો તમે બંને રોજ જે મંદિરમાં જાવ છો ત્યાં એકવાર તપાસ કરી લ્યો . કદાચ ત્યાં બેઠી હોય. ?

દીકરીની વાતને મહત્વ આપતા કાંતિ ફટાફટ નાહી વ્યવસ્થિત કપડાં પહેરીને મંદિર જવા નીકળી ગયો .
ત્યાંજ મંદિરમાં મધુની જગ્યાએ કાંતિના કોઈ જુના મિત્રનો ભેટો થયો .
કાંતિના ચહેરા પર મિત્રના મળ્યાનો આનંદ તો હતો પરંતુ અંદરથી એની આંખો મધુને શોધી રહી હતી . પોતાના મિત્રને ટૂંકમાં બધી વાત કરી .
ત્યાં એનો મિત્ર બોલ્યો ...' અરે ચિંતા શેની કરે છે ? ભાભી મળી જશે . એક કામ કરીએ મારે કોઈ ફેમિલી ફંકશન હોવાથી આ બાજુની રેસ્ટોરેન્ટ માં બુકિંગ કરાવવા જવાનું છે . તો વિચારું છું પેલા આપણે થોડો નાસ્તો કરી લઈએ .એમ પણ તે સવારથી કાંઈ ખાધું નહીં હોય .અને  પછી હું પણ તારી સાથે ભાભીને શોધવામાં તારી મદદ કરીશ  કાંતિ ની ના હોવા છતાં એનો મિત્ર પરાણે નાસ્તા માટે લઈ ગયો . ફર્સ્ટ ફ્લોર પર આવેલ રેસ્ટોરેન્ટ ના મેઈન હોલ સુધી લઈ ગયો .
  પણ હોલ બંધ હતો ...
અચાનક તાળીઓના ગડગડાટ અને ફૂલોની વરસા સાથે એનું સ્વાગત થયું .
મધુ દૂરથી દોડીને આવીને કાંતિને ભેટી પડી .
અને બધા એકસાથે ચીયરઅપ કરતા બોલ્યા .....
   હેપી મેરેજ એનીવર્સરી ...ટુ બોથ ઓફ યુ ....
કાંતિ તો બાઘો બની જોતો જ રહ્યો . દીકરી-જમાઈ અને દીકરો વહુ ફેમિલી સહિત અને પોતાની કોલેજનું મિત્રવર્તુળ....

પણ પછી એકદમથી મધુથી રિસાઈને આઘો ખસી ગયો ...
અને બોલ્યો ...' તને ખબર છે આજ સવારથી મારી શુ હાલત થઈ છે ?
   મધુ ફરી પાસે જતા બોલી ...
વરસો પેલા આપણે ભજવેલું નાટક યાદ છે તને ?  ..
' બાંવરે નૈન '
બસ મારી માટે આટલા વર્ષો પછી પણ મારા પાછળ મારા પાગલ પતિના  ' નૈન ' મને શોધવા કેવા ' બાંવરા ' બની જાય છે . એજ જોવું હતું .
અને આજનો દિવસ તો એમ પણ ખાસ છે . આ બધું પ્લાનિંગ આપણી  વહુ અને તમારી લાડલી દીકરીનું હતું . આજે લગ્નના પચાસ વર્ષ પુરા થશે . તમને યાદ છે ? ...
ત્યાં  કાંતિ ફટાક થી મધુને પોતાના આલિંગનમાં લેતા બોલ્યો ...
   ' મધુ માય ડીયર  આઈ લવ યુ  જિંદગીના આટલા વર્ષે પણ મારા  ' નૈન ' તને શોધવા ' બાંવરા ' જ બની જાય છે ...

મધુ એક કફન હશે જે આપણા શરીર પર પોતાના સમયે અલગ હશે . બાકી જિંદગીના આટલા વર્ષોમાં આપણો પ્રેમ નિરંતર સ્વચ્છ પાણીના ઝરણાની જેમ ખળ-ખળ વ્હેતો રહ્યો છે...
મસ્ત મજાના સુમધુર સંગીત સાથે અને સરસ મજાના પકવાનો સાથે પાર્ટી પુરી થાઈ છે....

  ★ લેખક મિત્રો વાર્તામાં મારી કોઈ ભૂલ હોયતો આપની સલાહ આવકાર્ય છે. So plz .મને પણ મારા લખાણમાં સુધારા કરવાની ખબર પડે ....
        :-મનિષા હાથી


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED