rahasymay tapu upar vasavat.. - 25 - last part books and stories free download online pdf in Gujarati

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 25 (સમાપ્ત)

કેપ્ટ્ન ક્લિન્ટન ફર્નાન્ડેનું જીવન વૃતાંત સમાપ્ત..


_______________________________________


માર્ટ અને એના સાથીદારો સળગતા ટાપુને આખરી સલામ કરીને કાર્બ્યુ ભાષાવાળા વનવાસીઓને પોતાની સાથે હોડીમાં લઈને આર્જેન્ટિના જહાજ તરફ પાછા વળ્યાં.


********************


મેં જહાજના તૂતક ઉપર ઉભા-ઉભા દૂરથી માર્ટને પોતાના સાથીદારો સાથે અમારી તરફ આવતો જોયા. જયારે ત્રણેય હોડીઓ જહાજ પાસે આવી ત્યારે એની સાથે હોડીમાં જંગલી જેવા લાગતા વનવાસીઓ પણ હતા. માર્ટ આ લોકોને પોતાની સાથે કેમ લઈ આવ્યો હશે એ જોઈને મને અચરજ થયું. જેવો માર્ટ જહાજ પાસે આવ્યો કે તૂતક ઉપર રહેલા નાવિકોએ હોડીમાં સીડી લંબાવી અને માર્ટ ઉપર આવી ગયો.


"માર્ટ આ જંગલી જેવા લાગતા લોકો કોણ છે..? માર્ટ જેવો જહાજના તૂતક ઉપર આવ્યો એવો મેં તરત જ એને સવાલ કર્યો.


"કેપ્ટ્ન એ આ સળગતા ટાપુ ઉપર રહેનારા વનવાસીઓ છે..' માર્ટ મારી સામે જોઈને વિનમ્ર અવાજે બોલ્યો.


'હમ્મ.. પણ તમે આ લોકોને હોડીમાં સાથે કેમ લઈ આવ્યા..? થોડોક ઉભો રહીને મેં માર્ટ તરફ જોઈને ફરીથી પ્રશ્ન કર્યો.


પછી માર્ટે મને એની સાથે સળગતા ટાપુ ઉપર બનેલી તેઓ છેક ટાપુ ઉપર ઉતર્યા ત્યાંથી માંડીને હેન્રી શિકાર પાછળ ભાગ્યો , પછી ત્યાં અજગરનો ભેટો થયો , ટાપુ ઉપરના જંગલમાં લાગેલી આગ અને આ વનવાસીઓની વિચિત્ર દશા , ટાપુ ઉપરના પર્વતોના શિખરો ફાડીને ફાટી નીકળેલો ભયાનક જ્વાળામુખી , અને આ વનવાસીઓની વિચિત્ર ભાષા કાર્બ્યુ સુધીની તમામ ઘટનાઓ કહી સંભળાવી.


વનવાસીઓ કપરી પરિસ્થિતિમાં મુકાયા અને માર્ટ ખરી સહાનુભૂતિ દાખવીને એમને સળગતા ટાપુ ઉપરથી ઉગારીને જહાજ ઉપર લઈ આવ્યો એટલે મને માર્ટ માટે માન ઉપજ્યું.


"માર્ટ તે ખરેખર માનવતાભર્યું કામ કર્યું છે.. જા હવે આ વનવાસીઓને જહાજ ઉપર લાવી દે.. હું આર્જેન્ટિના જહાજનો કેપ્ટ્ન ક્લિન્ટન ફર્નાન્ડે એ વનવાસીઓને આ જહાજ ઉપર રહેવાની પરવાનગી આપું છું..' મેં માર્ટની આંખોમાં જોઈને ઊંચા અવાજે કહ્યું.


માર્ટ એકદમ મને ભેટી પડ્યો. આજુબાજુ ઉભેલા નાવિકોએ મારા શબ્દો સાંભળીને પ્રેમભરી નજરે મારી સામે તાકી રહ્યા.


પછી માર્ટે બધા વનવાસીઓને હોડીમાંથી જહાજ ઉપર ચડાવી દીધા. જહાજનો એક વિશાળ ખંડ આ વનવાસીઓને રહેવા માટે આપવામાં આવ્યો.


એ દિવસે મેં જહાજના લંગર છોડવાનો આદેશ આપ્યો.અને આ ટાપુ ઉપર છેલ્લી નજર નાખીને હું મારા જહાજ સાથે પૂર્વ દિશામાં રવાના થયો. હું અને માર્ટ જેકોર્બને સાથે લઈને દરરોજ આ વનવાસીઓ સ્પેનિસ ભાષા શીખવતા. ધીમે ધીમે આ લોકો સ્પેનિસ શીખવા માંડ્યા હતા. શરૂઆતમાં અમને એવું લાગ્યું કે આ કાર્બ્યુ ભાષાવાળા જંગલીઓ સ્પેનીશ ભાષા નહીં શીખી શકે પણ માર્ટ અને જેકોર્બની મહેનત રંગ લાવી. ધીમે ધીમે આ જંગલીઓ સ્પેનીશ બોલતા થયા. આ સમયગાળા દરમિયાન અમે અનેક ટાપુઓની મુલાકાતો લીધી અનેક નવા પ્રદેશો જોયા. અમારો આ કાફલો સેવિલે બંદરથી ઉપડ્યાને લગભગ ચારમાસ જેટલો સમય વીતી ગયો હતો. એટલાન્ટિક અને પેસેફિક મહાસાગરની આજુબાજુના મોટા ભાગના ટાપુઓ ઉપર અમે ફરી વળ્યાં હતા.


મારો એક પુત્ર આર્થર મારા વતનમાં જ મારા પિતાજી પાસે રહી ગયો હતો. મારી પત્ની મેગી ગર્ભવતી હતી. એ બીજીવાર મા બનવાની હતી.


હું અને મેગી એક દિવસ વહેલી સવારે અમારી કેબિનમાં નાસ્તો કરી રહ્યા હતા ત્યાં ચર્ચિલ દોડતો દોડતો આવ્યો.


"કેપ્ટ્ન ઉત્તર દિશામાં ભયાનક તોફાન ફાટી નીકળ્યું છે.. મોટા મોટા મોજાઓ ઉછળી રહ્યા છે..'ચર્ચિલ એકદમ ડરેલા અવાજે બોલ્યો.


મેં નાસ્તાને ત્યાંજ પડ્તો મુક્યો અને ચર્ચિલ સાથે ઝડપથી તૂતક તરફ દોડ્યો. તૂતક ઉપર આવીને જોયું તો નાવિકો રાડારાડ કરતા હતા. ઉત્તર તરફ ભયકંર મોજા ઉછળતા હતા. આજે ભયકંર તોફાન પેસેફિક સમુદ્રમાં ફાટી નીકળ્યું હતું.


થોડીક વારમાં તો એ તોફાને અમારા જ્હાજને ઘેરી લીધું. તોફાની પવનના કારણે સઢ વચ્ચેથી ફાટી ગયો અને અમારું જહાજ આ ભયકંર તોફાનને તાબે થઈ દક્ષિણ તરફ ઘસડાવા લાગ્યું. આખોદિવસ જહાજ આવી રીતે ભયકંર તોફાનોમાં અથડાતું પછડાતું રહ્યું. સાંજે થોડુંક તોફાન શમ્યું.એટલે જહાજ ઉપરના સૌ પ્રવાસીઓએ અને મેં રાહતનો શ્વાસ લીધો. તોફાન શમ્યા બાદ અમે અમારી મુસાફરી ચાલુ રાખી અમને ખબર નહોંતો કે આ તોફાને અમને પેસેફિક મહાસાગર ના કયા છેડે લાવીને મૂકી દીધા.


પેસેફિક મહાસાગરમાં દિશા સૂઝ ના પડવાથી અમારું જહાજ મેં દક્ષિણમાં જ ચલાવવાનો આદેશ આપ્યો. લગભગ રાતે નવેક વાગે એક ખડકાળ ટાપુના કિનારે અમારું જહાજ આવીને અટક્યું. ફટોફટ લંગર નખાઈ ગયું. ટાપુના જમીન પ્રદેશ દરિયા કરતા પચાસેક મીટર જેટલો ઊંડો હતો. ટાપુના કિનારે પણ દરિયાનું પાણી પાંચસો મીટર જેટલું ઊંડું હતું. એટલે જહાજને ટાપુ કિનારે જ લાંગરવામાં આવ્યું. ટાપુ ખુબ જ રળિયામણો હતો એટલે બધા પ્રવાસીઓ જહાજ ઉપરથી ટાપુ ઉપર ઉતર્યા. આ ટાપુ ઉપર બીજી કોઈ માનવ વસવાટો ક્યાંય નામો નિશાન નહોતું. એટલે અમારા જહાજ ઉપરના બધા જ લોકોએ ટાપુના કિનારે પોતાનો પડાવ નાખ્યો. શિકારી હેન્રી તો એની સાથે એના બે ત્રણ સાથીદારોને લઈને શિકારની શોધમાં નીકળી પડ્યો.


રાતે થોડીક ઠંડી હોવાના કારણે તાપણું સળગાવવામાં આવ્યું. બધા જહાજની મુસાફરીના કારણે થાકી ગયા હતા એટલે ઘસઘસાટ ઊંઘી ગયા હતા. અડધી રાતે મોજાઓનાં ભયકંર અવાજે બધાને જગાડી નાખ્યા. ફરીથી દરિયામાં તોફાન ફાટી નીકળ્યું હતું ભયકંર મોજાઓનું પાણી કિનારા ઉપર ફેંકાઈ રહ્યું હતું. ત્યાંતો જહાજનું લંગર તૂટ્યું અને જહાજ થોડુંક દરિયામાં ધકેલાયું. અને જેવી ભયકંર મોજાઓની જહાજને થપાટો પડી કે જહાજ ભયકંર અવાજ સાથે ટાપુના ખડકાળ કિનારા સાથે અથડાયું. જહાજ અથડાવાના ભયકંર ધડાકાના કારણે ટાપુની આજુબાજુનું વાતાવરણ ગુંજી ઉઠ્યું.


ચાર પાંચ નાવિકો સિવાય બીજા બધા આ ટાપુના કિનારા પાસે પડાવ નાખીને સૂતા હતા. બધા લોકો અધ્ધર શ્વાસે ટાપુના ખડકાળ કિનારા સાથે અથડાયેલા જહાજ તરફ તાકી રહ્યા. થોડીક વારમાં એક નાવિક તૂતક ઉપર દેખાયો.


"કેપ્ટ્ન જહાજની નીચે મોટુ ગાબડું પડ્યું છે પાણી ભંડાકિયામાં ઘૂસી રહ્યું છે..' તૂતક ઉપર ગભરાઈને ઉભેલા નાવિકે મારી તરફ જોઈને બુમ પાડી.


પેલા નાવિકના શબ્દો સાંભળીને મારા મનમાં ફાળ પડી.


"કેપ્ટ્ન જો જહાજમાં ગાબડું પડ્યું હશે તો આપણે જલ્દી જહાજની અંદરનો સામાન બહાર કાઢવો પડશે. નહીંતર વધારે વજનના કારણ આખું જહાજ ડૂબી જશે..' માર્ટ મારી પાસે આવીને ચિંતાભર્યા અવાજે બોલ્યો.


"હા માર્ટ.. કોઈ પણ ભોગે જહાજને ડુબતું બચાવવું પડશે. નહીં નહિતર આપણે આપણી જીંદગી આ જ ટાપુ ઉપર ગુજારવી પડશે..' હું માર્ટ સામે જોઈને ગંભીર અવાજે બોલ્યો.


પછી માર્ટે પોતાની ટોળીના બધા જ યુવાન સાથીદારોને ભેગા કર્યા. અને જહાજ ઉપરથી લાંબી સીડી કિનારા પાસેથી એક ભેખડ તરફ લંબાવવામાં આવી. પછી માર્ટ અને એના સાથીદારો બધો સામાન જહાજની બહાર લાવવા લાગ્યા. દરિયાનું તોફાન હજુ પણ ચાલુ હતું અને પાણી છેક જહાજના ભંડાકિયા સુધી ઘૂસી આવ્યું હતું. દોઢેક કલાકની જહમહેનતને બાદ મોટાભાગનો સામાન બહાર આવી ગયો.


જહાજ હવે ધીમે ધીમે પાણીમાં બેસતું જતું હતું. જહાજમાં હતી એટલી બધી જ બચાવ હોડીઓને એક મજબૂત દોરડા વડે બાંધીને દરિયા કિનારા પાસેની એક વિશાળ શીલા સાથે એ દોરડું બાંધી દેવામાં આવ્યું. પછી એ હોડીઓને ખેંચીને ટાપુના કિનારા ઉપર લઈ લેવાઈ. ફરીથી તોફાન વધ્યું. ડૂબી રહેલું જહાજ ફરીથી મોજાઓની વિશાળ વમળોમાં ફસાયું અને ફરીથી જોરદાર ધડાકા સાથે ટાપુના ખડકાળ કિનારા સાથે અથડાયું.


આ વખતે જોરદાર ધડાકો થયો એક નાવિક દરિયાના પાણી માં ઉથલી પડ્યો અને ઉછળી રહેલા ભયકંર મોજાઓએ એના શરીરને ટાપુના કિનારા ઉપર ફંગોળી દીધું. થોડાંક લોકો એને બચાવવાં માટે એના શરીરમાં ઘૂસેલું પાણી કાઢવા લાગ્યા. આ વખતે જહાજ જોરદાર ધડાકા સાથે અથડાયું હતું એટલે વચ્ચો વચ્ચથી ચિરાઈ ગયું બધા ફાટી આંખે જહાજની આવી અવદશા જોઈ રહ્યા.


જહાજ તૂટી જવાથી અનેક મુસાફરો રડવા લાગ્યા. કારણ કે હવે બીજું જહાજ આવે નહી ત્યાં સુધી પાછા જવાનો કોઈ જ ઉપાય નહોંતો. ફક્ત બે જ ઉપાય હતા વતનમાં પાછા જવા માટે પહેલો ઉપાય એ હતો કે જહાજ નવું બનાવવું અને બીજો ઉપાય હતો કોઈ બીજું જહાજ આ ટાપુ પાસે આવી ચડે તો પાછા જઈ શકાય.


લગભગ બે દિવસ સુધી બધા કિનારા પાસે સૂનમૂન બેસી રહ્યા. પછી આખરે કંટાળીને બધાએ આ ટાપુ ઉપર ફરવા માંડ્યું. પછી કિનારાથી અંદરની તરફ થોડેક દૂર ધીમે ધીમે રહેઠાણો બનાવવા લાગ્યા. હું પુરી લગનથી કામ કરવાં લાગ્યો પથ્થરો લાવી લાવીને અમે મકાનો નિર્માણ કરવા લાગ્યા લગભગ છ મહિનામાં તો આ ટાપુ ઉપર કોઈ નગર વસતું હોય એવા નગરનું નિર્માણ કરી નાખ્યું. માર્ટ પેલા સળગતા ટાપુ ઉપરથી જે જંગલી વનવાસીઓને પકડીને લઈ આવ્યો હતો તેઓ બધા હવે સારી રીતે સ્પેનિશ ભાષા શીખી ગયા હતા. મેં એ લોકોને નગરની રક્ષા કરવાનું કામ સોંપ્યું. કારણ કે આ ટાપુ ઉપર વસ્યાને અમને છ મહિના જ થયા હતા અને આ ટાપુથી અમે પુરી રીતે વાકેફ નહોતા. જો કોઈ અન્ય માનવ વસાહત આ ટાપુના કોઈક ખૂણે વસતી હોય અને અચાનક આક્રમણ કરી દે તો આ બાબત ધ્યાનમાં રાખીને મેં વનવાસીઓને અમારા આ નગરની રક્ષાનું કામ સોંપ્યું.


અહીંયા અમને વસ્યાને માંડ છ મહિના જ થયા હતા. એવામાં મારી પત્ની મેગીએ એક પુત્રને જન્મ આપ્યો પુત્ર પ્રાપ્ત થવાથી મેગી બહુજ ખુશ હતી. મેગીની ઈચ્છા પ્રમાણે અમે એ પુત્રનું નામ વિલિયમ રાખ્યું.


ધીમે ધીમે આ ટાપુ ઉપર અમારા દિવસો વીતવા લાગ્યા. હું ઘણી ધગસથી લોકોને કામો અને નવી આવડતો શીખવવા લાગ્યો. લોકો મને એમનો રાજા હોઉં એવું માન આપવા લાગ્યા. બધા લોકોએ ભેગા થઈને મને આ ટાપુ ઉપર અમારા આ નાના નગરનો રાજા બનાવી દીધો. મને ચિત્રકામ કરવાનો બહુજ શોખ હતો એટલે હું મારા આ નગરના એક વિશાળ ઓરડામાં જ્યાં અમારા જહાજની બધી વસ્તુઓ સાચવીને મુકવામાં આવી હતી ત્યાં ચિત્રકામમાં મારી પત્ની મેગી અને પુત્ર વિલીયમ સાથે કલાકો ગાળ્યા કરતો. મને મારા વતનમાં રહેલા મારા માતા પિતા અને મારા મોટા પુત્ર આર્થરની બહુજ યાદ આવતી ત્યારે હું ગમગીન બની જતો. મેગી તો આર્થરને યાદ કરીને આંસુઓ સાર્યા કરતી.


ધીમે ધીમે આ ટાપુ ઉપર અમને છ વર્ષ વીતી ગયા. અમારો પુત્ર વિલીયમ પણ હવે સાડા પાંચ વર્ષનો થઈ ગયો હતો. મેગી વિલિયમને સેવિલેમાં રહેલા આર્થરની વાતો કર્યા કરતી ના સમજુ નાનકડો વિલિયમ ટગર ટગર આંખે એની માની વાતો સાંભળ્યા કરતો.


એ પછી મેં બે ત્રણ પ્લેટો બે રાજ્યશાસ્ત્ર લખ્યા. જેમાં અમૂક ભવિષ્યવાણી પણ મેં કરી હતી જેથી ભવિષ્યમાં યુરોપના કોઈ માણસો આ ટાપુ ઉપર આ લોકો પાસે આવી ચડે તો એમને આ લોકો ક્યાંના છે અને કેવીરીતે આ ટાપુ ઉપર આવી ચડ્યા એ બધી ખબર પડી જાય. એ પ્લેટોમાં મેં આ ટાપુ ઉપર આવેલા અલ્સ પહાડ અને ઝોમ્બો નદી વિશે પણ લખ્યું.


અમે દિવસમાં એકવાર તો ટાપુના દરિયા કિનારે આવીને દરિયાને જોઈ રહેતા કે કદાચ અહીંયા કોઈ જહાજ આવી ચડે તો અમારો ઉગારો થઈ શકે. પણ અમારા દિવસો નિરાશામાં વીતવા લાગ્યા કારણ આ ટાપુ પેસેફિક મહાસાગરના એકાંત ખૂણામાં હતો એટલે આ ટાપુ તરફ કોઈ જ જહાજોની અવર જવર નહોતી. અમારા નગરમાં હવે લોકોની સંખ્યા વધવા લાગી હતી કારણ કે ટાપુ ઉપર આવ્યાને છ વર્ષ થઈ ગયા હતા એ દરમિયાન ચારસો કુટુંબો માંથી લગભગ ત્રણસો કુટુંબોના ઘરમાં બાળકો જન્મી ચુક્યા હતા.


એક દિવસ હું ટાપુના કિનારા પાસે બેઠો હતો. મેગી પણ મારા ખભા ઉપર માથું નાખીને એકીટસે દરિયાને જોઈ રહી હતી વિલિયમ થોડેક દૂર રમી રહ્યો હતો. ત્યાં અચાનક મારા મનમાં એક વિચાર ઉદભવ્યો કે જો કોઈક જહાજ બનાવી દઈએ તો..?


મેં માર્ટ અને બીજા વીસેક જેટલાં સમજુ યુવાનો આગળ જહાજ બનાવવાનો પ્રસ્તાવ મુક્યો. આર્જેન્ટિના જહાજ તૂટ્યા બાદ અમારી પાસે જહાજ બનાવવા માટે પૂરતા સાધનો તો હતા જ એટલે જહાજનું નિર્માણ તો કરી શકાય પણ હા આ જહાજ બનાવવા માટે વર્ષો નીકળી જાય એ વાત પણ સાચી હતી છતાં મેં માર્ટ અને બીજા વીસ જેટલા યુવાનો સાથે મળીને જહાજ બનાવવાનો નિર્ણય કર્યો. પણ જહાજ બનાવવા માટે કોઈક સારા સુરક્ષિત કિનારાના સ્થળની જરૂર હતી.


થોડાંક દિવસોમાં મેં માર્ટ અને બીજા થોડાંક સાથીદારો સાથે મળીને એક સુરક્ષિત સ્થળ શોધી કાઢ્યું. અને ત્યાં જહાજ બનાવવાનું કામ ચાલુ કર્યું. એ સ્થળ એવી જગ્યાએ હતું કે આ કામમાં મારી સાથે ઉપયોગી થનાર વીસ માણસો અને માર્ટને જ ખબર હતી. બીજા કોઈને આ સ્થળની બાબતમાં મેં જણાવ્યું નહોતું.


આ જહાજ બનાવતા બનાવતા લગભગ અમને ત્રીસ વર્ષ લાગી ગયા. વિલિયમ હવે ત્રીસ વર્ષનો યુવાન થઈ ગયો હતો એટલે મેં નગરનું બધું કામકાજ તેને સોંપ્યું. અને વિલીયમથી ત્રણ વર્ષ નાની એક યુવતી સાથે વિલીયમના લગ્ન કરાવી આપ્યા.


અમારા વીસ જણા સિવાય અ જહાજની કોઈનેય ખબર નહોતી. અને હું બીજા કોઈને આ વિશે કહેવા પણ નહોંતો માંગતો કારણ કે કોઈને જહાજ કેવીરીતે ચલાવવું એ અંગેની કોઈ જ માહિતી નહોતી અને જહાજની બહારની તરફની બાંધણી પણ હજુ તૈયાર કરવાની બાકી હતી. એવામાં મને ભયકંર રોગ લાગુ પડ્યો. મેં માર્ટને આ જહાજ સંપૂર્ણ રીતે બનાવવાની જવાબદારી સોંપી. અને માર્ટ પાસેથી એક વચન પણ માંગી લીધું કે આ જહાજ અંગે એ આ નગરવાસીઓને બતાવશે નહી. કારણ કે આ લોકો ઉતાવળમાં આવીને આ જહાજને નુકશાન પહોંચાડી દે તો.. એટલે મેં મારું જીવન વૃતાંત લખ્યું છે અને મારી છબીની પાછળ એક ચામડા ઉપર જહાજ કયા સ્થળે બનાવ્યું એનો સંપૂર્ણ નકશો છે જેથી ભવિષ્યમાં યુરોપના કોઈ પણ લોકો આ ટાપુ ઉપર આવી ચડે તો એ આ નકશાના આધારે આ જહાજ સુધી જઈ શકે અને પેસેફિક મહાસાગરના એકાંત ખૂણામાં આવેલો આ ટાપુ દુનિયા સાથે પોતાનો વ્યવહાર સ્થાપિત કરી શકે.. અને સેવિલે નગરમાં જઈને મારા પુત્ર આર્થરના વંશજોને પણ આ ટાપુ ઉપર રહેલા મારા પુત્ર વિલિયમના વંશજો મળી શકે.


હવે હું થોડોક જ દિવસોનો મહેમાન છું આ ટાપુ ઉપર એ પહેલા હું મારું જીવન વૃતાંત લખી જાઉં છું..


જો કોઈ યુરોપિયન મારું આ જીવન વૃતાંત વાંચે તો એક ઉપકાર કરીને આ ટાપુ વાસીઓને બહારની દુનિયા સાથે સંપર્ક કરાવી આપજો કારણ કે બહારની દુનિયા કેવી છે એ આ ટાપુવાસીઓને ખબર નથી.


અને જો જરૂર પડે તો નકશાનો ઉપયોગ કરીને જહાજનું થોડુંક સમાર કામ કરીને જહાજને પણ ઉપયોગીમાં લઈ લેજો..


અહીંયા હું મારા જીવનની સંઘર્ષભરી વાતો પુરી કરું છું.


- લિ.. કેપ્ટ્ન ક્લિન્ટન ફર્નાન્ડે


*********************************


પ્રોફેસરે કેપ્ટ્ન ક્લિન્ટન ફર્નાન્ડેનું જીવન વૃતાંત વાંચી સંભળાવ્યું. બધા સ્તબ્ધ બનીને આ મહાન પુરુષનું સંઘર્ષભર્યું જીવન વૃતાંત સાંભળી રહ્યા.


"હું કેપ્ટ્ન આર્થર ફર્નાન્ડેનો પુત્ર છું..' કેપ્ટ્ન હેરી ગળગળા સાદે બોલ્યા.


ક્લિન્ટન ફર્નાન્ડેનો જે પુત્ર સેવિલે નગરમાં રહી ગયો હતો. કેપ્ટ્ન હેરી એ આર્થરના વંશજ હતા.


રાજા માર્જીયશ ઉભા થયા અને કેપ્ટ્ન હેરીને ભેંટી પડ્યા.


પછી ક્રેટી અંદર જઈને ક્લિન્ટન ફર્નાન્ડેની તસ્વીર પાછળથી ચામડાની થેલીમાં રાખેલો નકશો લઈ આવી.


કેપ્ટ્ન હેરીએ એ નકશો પોતાની પાસે જ રાખી લીધો એ પછી બીજા જ દિવસથી નગરવાસીઓને અલ્સ પહાડની આગળ આવેલા મેદાનોમાં બનાવવામાં આવેલા નવા નગરમાં લઈ જવામાં આવ્યા એકાદ મહિનામાં બધા નવા નગરમાં સારી રીતે સ્થાઈ થઈ ગયા.


પછી જ્યોર્જ અને ક્રેટી તથા એન્જેલા અને પીટરના લગ્ન યોજવામાં આવ્યા. બધા જ નગરવાસીઓની હાજરીમાં ધામધૂમથી એમના લગ્ન કરવામાં આવ્યા. કેપ્ટ્ન હેરી , પ્રોફેસર , રાજા માર્જીયશ તથા રાજ્યયોગી વિલ્સને આ નવ યુગલોને આશીર્વાદ આપ્યા. રોકી , જોન્સન , ફિડલ અને નગરના અન્ય લોકોએ આ નવ યુગલોને અભિનંદન પાઠવ્યા.


અલ્સ પહાડ અને ઝોમ્બો નદીનું અદ્ભૂત પ્રાકૃતિક સૌંદર્યના કારણે નગરના તમામ લોકો ખુબ જ ખુશ હતા. એન્જેલા અને ક્રેટી તો સૌથી વધારે ખુશ હતી કારણ કે એમને એમના પ્રેમીઓ હવે પતિ સ્વરૂપે મળી ગયા હતા.


બસ હવે એક જ કામ બાકી હતું.. કેપ્ટ્ન ક્લીન્ટન ફર્નાન્ડેએ બનાવેલા જહાજની શોધ કરવાનું..


(રહસ્યમય ટાપુ ઉપર વસવાટ... સમાપ્ત)


આ નવલકથાના અંત સુધીમાં જોડાઈ રહેવા બદલ વાંચક મિત્રો અને સ્નેહી જનોનો ખુબ ખુબ આભાર..


હવે આ નવલકથાનો બીજો ખંડ એટલે કે "કેપ્ટ્ન હેરી સાથીદારો સાથે જહાજની શોધમાં" નવલકથા સ્વરૂપે ટૂંક જ સમયમાં શરૂ થશે..


આપના અમૂલ્ય પ્રતિભાવો તથા સલાહ સૂચનો અવશ્ય આપજો..અને આ નવલકથાને જેટલો પ્રેમ આપ્યો છે એવો જ પ્રેમ આગળ આવનારી નવલકથાને પણ આપજો એવી આશા સહ.. આભાર..




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED