રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 5 જીગર _અનામી રાઇટર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 5

આદિવાસી રાજકુમારી ક્રેટી..

આદિવાસીઓના રાજા માર્જીયશ..

આદિવાસીઓના રાજ્યયોગી વિલ્સન..

રાજ્યયોગી વિલ્સનની પુત્રી એન્જેલા..


---------------------------------------------------------------


જ્યોર્જ છુપાઈને આદિવાસી સ્ત્રીઓની વાતો સાંભળતો હોય છે. ત્યારે પાછળથી બે-ત્રણ આદિવાસીઓ આવીને તેને પકડી લે છે. જ્યોર્જ ચપળ હતો તે સરળતાથી એ આદિવાસીઓને થાપ આપીને ભાગી છૂટે એમ હતો. પરંતુ તેણે પેલી બે સ્ત્રીઓની વાતો સાંભળ્યા બાદ આદિવાસીઓ ના દેવતા ક્લિન્ટન અને એમનું રાજ્યશાસ્ત્ર જાણવાની બહુજ ઉત્સુકતા હતી. એટલે જ્યોર્જે વધારે ઉથલ-પાથલ ના કરી.


ત્યારબાદ આદિવાસીઓ જ્યોર્જને પકડીને નગર તરફ ચાલ્યા. આજે ફરીથી નવો માણસ પકડાયો હોવાથી સમગ્ર નગરમાં ખળભળાટ મચી ગયો. જ્યોર્જના હાથ પાછળ બાંધવામાં આવ્યા હતા. બે મજબૂત આદિવાસીઓ જ્યોર્જને બાવડેથી પકડીને ચાલી રહ્યા હતા. એક આદિવાસી યોદ્ધો ભાલા જેવું હથિયાર લઈને આગળ ચાલી રહ્યો હતો. આદિવાસીઓના નાના બાળકો જ્યોર્જ અને તેનો વિચિત્ર દેખાવ જોઈને જોરથી હસતા હતા. ઝુંપડાઓ માંથી બહાર નીકળી આદિવાસી સ્ત્રીઓ તથા પુરુષો કિકિયારી કરી રહ્યા હતા.


અમૂક ઝુંપડામાં એકદમ કાળા હબસી (આફ્રિકન આદિવાસી જેવો દેખાવ ધરાવતા) સ્ત્રી પુરુષો હતા. જ્યારે અમૂક ઝુંપડાઓમાં ગોરો દેખાવ ધરાવતા આદિવાસીઓ હતા. જ્યોર્જ એક જ નગરમાં બે પ્રકારની તદ્દન ભિન્ન માનવ પ્રજાતિઓ જોઈને અચંબા મુકાઈ ગયો.


"મને કહી શકશો કે તમે મને ક્યાં લઈ જઈ રહ્યા છો ?? જ્યોર્જે આગળ ચાલી રહેલા આદિવાસી યોદ્ધાને સ્પેનિસ ભાષામાં પૂછ્યું.


જ્યોર્જ પણ સ્પેન દેશનો વતની હતો. પેલો યોદ્ધો જ્યોર્જના શબ્દો સાંભળીને ચોંકી ગયો કારણ કે જ્યોર્જની ભાષા એમની ભાષાને મળતી આવતી હતી.


"રાજ્યાશનમાં જઈને તમે બધું પૂછી શકશો.. પેલા યોદ્ધાએ વિનમ્રતાથી જવાબ આપ્યો.


રાજ્યાશન વળી શુ હશે. જ્યોર્જ વિચારમાં પડ્યો. આ યોદ્ધો સ્પેનિસ ભાષામાં બોલી રહ્યો હતો. એમાં ક્યારેક લેટિન ભાષાના શબ્દો પણ આવી જતાં હતાં. જે હશે એ રાજ્યાશનમાં જઈને ખબર પડી જશે એમ વિચારીને જ્યોર્જ ચૂપ રહ્યો.


તેઓ ઝુંપડાઓ વટાવીને આગળ વધ્યા. હવે પથ્થરમાંથી બનાવેલા મકાનોનો વિસ્તાર શરૂ થયો. અહીંયા જે આદિવાસીઓ નજરે ચડી રહ્યા હતા એ ગોરા હતા. એકેય મકાનમાં કાળા હબસીઓ જ્યોર્જને દેખાયા નહીં. વચ્ચેથી આખો સૈનિકોનો સમૂહ જોડાયો હતો. તેઓ જ્યોર્જની બન્ને બાજુ બોર્ડર બનાવીને ચાલી રહ્યા હતાં. જ્યોર્જનો દેખાવ પણ વિચિત્ર થઈ ગયો હતો. તેના ખભા સુધી લંબાયેલા વાળમાં ગૂંચળાઓ પડી ગયા હતા. કપડા અમૂક જગ્યાએથી ગંદા થઈ ગયા હતા. આદિવાસીઓ મકાનની બહાર આવીને તેને કુતુહલતાથી જોઈ રહ્યા હતા.


નગર રચના અદ્ભૂત અને સભ્ય સમાજને શોભે એવી હતી. બધીજ જગ્યાએ હારબંધ ચાર મકાનો પછી વૃક્ષો ઉગાડેલા હતા. નાના છોડવાઓ વાવેલા હતા. ગંદકીનું ક્યાંય નામો-નિશાન નહોતું. દરેક મકાનો બહારથી સુંદર અને મજબૂત રીતે બાંધેલા હોય એવું દેખાઈ રહ્યું હતું. મકાનનો અંદરનો દેખાવ કેવો હશે એનો અંદાજો જ્યોર્જ લગાવી શક્યો નહીં.


જ્યોર્જને લઈને આદિવાસી સૈનિકો મોટા વિશાળ મકાનમાં પ્રવેશ્યા. મકાનનું અંદરનું સૌંદર્ય જોઈને જ્યોર્જ પણ મોંમાં આંગળા નાખી ગયો. મકાન અંદરથી બહુ વિશાળ હતું. પથ્થરમાંથી ઉભી કરેલી દીવાલમાં કલાત્મક કોતરણીઓ અને આદિવાસી સ્ત્રી પુરુષોની સુંદર ચિત્રો દોરેલા હતા. અમૂક જગ્યાએ ચિત્ર-વિચિત્ર પ્રાણીઓના ચિત્રો પણ હતા. આ ચિત્રોમાં વપરાયેલ રંગ વનસ્પતિઓનો ઉપયોગ કરીને બનાવ્યો હશે એવું અનુમાન જ્યોર્જે લગાવ્યું. થોડાક આગળ વધ્યા ત્યાં એક સુંદર આદિવાસી યુવતી તેની બહેનપણીઓ સાથે સામે મળી. સૈનિકો સાથે નવો અજનબી જોઈને એ એમના તરફ આવી. એ સુંદરીના આવતાની સાથે જ સૈનિકો માથું નમાવીને ઉભા રહ્યા.


જ્યોર્જે એ સુંદરી સામે જોયું તો તે આવા નિર્જન ટાપુ ઉપર આવું અદ્ભૂત સૌંદર્ય જોઈને જ્યોર્જ એ યુવતી ઉપર મુગ્ધ થઈ ગયો. કારણ કે યુરોપના અનેક દેશોમાં ફર્યો હતો. પરંતુ આવું અદ્ભૂત લાવણ્ય કોઈ પણ સુંદરી તેને ક્યાંય જોવા મળ્યું નહોતું. સુંદર અને લંબગોળ ચહેરો , અણીદાર આંખો , લાબું કપાળ , મધ્યમ લંબાયેલું નાક , પાતળી કાયા , કાનમાં વિચિત્ર ધાતુમાંથી બનેલી લીલા રંગની એકદમ પાતળી રિંગો , નાકમાં નાનકડી ટપકા જેવડી ચમકતી નથ , સંપૂર્ણ રીતે અંગોને ઢાંકતા કપડા એની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા.


"આજે પકડાયેલો અજનબી આ છે..' જ્યોર્જને સંપૂર્ણ રીતે નીરખીને એણે આદિવાસી યોદ્ધાને પૂછ્યું.


"હા.. રાજકુમારી..' પેલા આદિવાસી યોદ્ધાએ વિવેકથી જવાબ આપ્યો.


પેલા યોદ્ધાનો જવાબ સાંભળીને જ્યોર્જને ખ્યાલ આવ્યો કે આ સુંદરી આ નગરના આદિવાસી રાજાની પુત્રી હશે. એટલે આ લોકો એને રાજકુમારી કહીને સંબોધિત કરતા હશે.


"કાલે જે પકડાયો એને ક્યાં રાખ્યો છે..' રાજકુમારીએ આદિવાસી યોદ્ધા સામે ફરીને પૂછ્યું.


"એને રાજ્યાશનના અતિથિગૃહમાં રાખ્યો છે..' યોદ્ધાએ જવાબ આપ્યો.


"ઠીક છે.. આને પણ ત્યાં લઈ જાઓ. પિતાજી અને રાજ્યયોગી ત્યાં આવશે એને મળવા માટે.' રાજકુમારીએ પેલા યોદ્ધાને આજ્ઞા કરી.


"જી..રાજકુમારી..' આદિવાસી યોદ્ધાએ આજ્ઞા સ્વીકારી માથું નમાવ્યું.


પછી રાજકુમારીએ જ્યોર્જ સામે જોઈને મોં મચકોડ્યું. જ્યોર્જે એની સામે જોઈને હળવી સ્માઈલ કરી.આ જોઈને રાજકુમારી સાથે આવેલી એની સખીઓ હસી પડી. ત્યારબાદ રાજકુમારી તેની સખીઓ સાથે ત્યાંથી ચાલી ગઈ. પણ જ્યોર્જના દિલમાં એના પ્રત્યે અદ્ભૂત આકર્ષણ જગાવતી ગઈ.


જ્યોર્જને લઈને સૈનિકો આગળ વધ્યા. થોડાક ચાલ્યા બાદ રાજ્યાશનના સુંદર અને વિશાળ હવેલી જેવા મકાન પાસે આવી પહોંચ્યા. ફક્ત એક આદિવાસી યોદ્ધો અને બે સૈનિકો રાજ્યાશનમાં પ્રવેશ્યા બાકીના સૈનિકો ત્યાંથી પાછા વળી ગયા.


રાજ્યાશનનું પ્રાંગણ વિશાળ હતું. દીવાલો સુંદર તેમજ કલાત્મક ચિત્રો દ્વારા સુશોભિત હતી. રાજ્યાશનના બે ભાગ હતા. એક બાજુ હારબંધ ઓરડાઓ હતા. જયારે સામેની બાજુ એક વિશાળ મકાન હતું. ત્યાં અહીંનો આદિવાસી રાજાનો પરિવાર રહેતો હશે એવું અનુમાન જ્યોર્જે બાંધ્યું.


પછી આદિવાસી યોદ્ધો જ્યોર્જને લઈને એક વિશાળ ઓરડા પાસે આવ્યો. ત્યાં દરવાજા પાસે ઉભેલા સૈનિકોએ માથું નમાવીને તેનું અભિવાદન કર્યું. પછી તેઓ જ્યોર્જને લઈને એ ઓરડામાં પ્રવેશ્યા. જ્યોર્જ જેવો અંદર પ્રવેશ્યો ત્યાં એની નજર સામે આરામથી ભોજન કરી રહેલા પીટર ઉપર પડી. પીટરને જોતાં જ જ્યોર્જ આનંદિત થઈ ગયો. દોડીને એ પીટરને ભેંટી પડ્યો. તેમને ત્યાંજ છોડીને આદિવાસી યોદ્ધો અને તેના સૈનિકો ઓરડાની બહાર નીકળી ગયા.


"પીટર તને કંઈ કર્યું તો નથીને આ લોકોએ..' જ્યોર્જ આંખમાં આવી ગયેલા હર્ષના આંસુઓ લૂછતાં બોલ્યો.


"અરે.. દોસ્ત મને તો આ લોકોએ મહેમાનની જેમ રાખ્યો છે. જરાય અગવડ પડવા દીધી નથી..' પીટર ખુશ થતાં બોલ્યો.


"વાહ..! તો.. તો બહુ સારું કહેવાય..' જ્યોર્જ આનંદિત થતાં બોલ્યો.


"પણ.. જ્યોર્જ એમની ભાષા આપણી ભાષા જેવી જ છે. આ કેવી રીતે ?? પીટરે જ્યોર્જને પ્રશ્ન કર્યો.


"હા.. યાર મને પણ નથી સમજાતું.. અને એમના કંઈક દેવતા છે ક્લિન્ટન અને રાજ્યશાસ્ત્ર.. એવું પણ સાંભળ્યું છે..' જ્યોર્જ બોલ્યો.


તેઓ વાત કરતા હતા ત્યાં તો ત્રણ પુરુષો અંદર પ્રવેશ્યા. એકનો દેખાવ યોદ્ધા જેવો હતો. બીજો પુરુષ મોંઢા ઉપરથી તેજસ્વી લાગી રહ્યો હતો. શાયદ એ રાજ્યયોગી હશે એવું અનુમાન જ્યોર્જ લગાવ્યું. ત્રીજો પુરુષ રાજા જેવો લાગી રહ્યો હતો.


યોગી જેવો લાગતો પુરુષ આગળ આવ્યો અને બોલ્યો. "માફ કરશો તમને અમારા તરફથી કંઈ તકલીફ પડી હોય તો... હું આ નગરનો રાજ્યયોગી છું.. મારું નામ વિલ્સન છે. અને આ છે અમારા નગરના અધિપતિ માર્જીયશ. રાજા જેવા લાગતા પુરુષ તરફ હાથ કરીને રાજ્યયોગીએ કહ્યું.


"મહાશય તમે બન્ને નાહી ધોઈને તૈયાર થઈ જાઓ.. પછી તમને અમારો સેનાપતિ હર્બટ ક્લિન્ટન દેવતાના દેવળે રાજકુમારી ક્રેટી દ્વાર પૂજા રાખવામાં આવેલી છે ત્યાં લઈ જવા માટે આવશે..' રાજા માર્જીયશે જ્યોર્જ અને પીટરને આદરથી કહ્યું.


"પણ ત્યાં પૂજામાં અમારું શું કામ છે.." પીટરે શંકા વ્યક્ત કરી.


"અરે.. તમે ચિંતા ના કરો.. તમે અમારા દેવતા ક્લિન્ટન સમાન છો.. અમારા રાજ્યશાસ્ત્રમાં જે દિવ્ય પુરુષોનું વર્ણન છે એ તમને બન્નેને મળતું આવે છે. એટલે તમને ત્યાં લઈ જઈ રાજ્યશાસ્ત્રના બીજા ભાગને તમારા દ્વારા ખોલવાનો છે. કારણ કે રાજ્યશાસ્ત્રના પહેલા ભાગમાં ભવિષ્યમાં આવનાર બે પુરુષો દ્વારા તેને ખોલવાનું સૂચિત કરવામાં આવ્યું છે.અને એ બન્ને દિવ્ય પુરુષો તમે છો.. એટલે તમારે બન્નેએ પધારવું પડશે..' રાજ્યયોગી વિનમ્રતા પૂર્વક કહ્યું.


"અમે જરૂર આવીશું..' જ્યોર્જે આદર પૂર્વક કહ્યું.


પછી રાજા , રાજ્યયોગી અને તેમનો સેનાપતિ હર્બટ ચાલ્યા ગયા.


"જ્યોર્જ મને ભય લાગે છે.. આ લોકો ત્યાં આપણી સાથે દગો તો નહીં કરેને..' પીટર ચિંતાથી દબાયેલા અવાજે બોલ્યો.


"રાજ્યયોગીની આંખમાં મને સચ્ચાઈ દેખાઈ રહી હતી તું નિશ્ચિત રહેજે. ચાલ જલ્દી નાહી લે આ સામેના કુંડમાં પાણી પણ છે અને વસ્ત્રો પણ હાજર છે..' જ્યોર્જે પીટરને ધરપત આપતા કહ્યું.


પછી પીટર અને જ્યોર્જ સારી રીતે નાહ્યા. ત્યાં વસ્ત્રો હતાં એ પહેરી લીધા.અને સારી રીતે તૈયાર થઈને બેઠા. સાંજે તેમને સેનાપતિ હર્બટ લેવા માટે આવ્યો. બન્ને એમની સાથે ચાલ્યા. લગભગ એકાદ કલાક ચાલ્યા હશે ત્યારે તેઓ નગરની ઉત્તર દિશામાં આવેલા ક્લિન્ટન દેવના દેવળે આવી પહોંચ્યા.


બે સુંદર પહાડોની વચ્ચે જે ઢોળાવ હતો ત્યાં ક્લિન્ટન દેવનું દેવળ હતું. દેવળની પાસે એક જર્જરિત મકાન ઉભું હતું. સામે થોડોક સપાટ વિસ્તાર હતો ત્યાં નગરના આગેવાન આદિવાસી સ્ત્રી-પુરુષો બેઠા હતા. જ્યોર્જ અને પીટર ત્યાં આવ્યા ત્યારે આદિવાસીઓમાં એમના વિશે ગુપસુપ વાતો થવા લાગી.


ત્યારબાદ રાજા માર્જીયશ અને તેમની પત્ની મહારાણી એલિસ તથા રાજકુમારી ક્રેટીનું આગમન થયું. રાજકુમારી ક્રેટી પહેલા કરતા પણ અત્યારે ખુબ જ સુંદર લાગી રહી હતી. જ્યોર્જ તો ક્રેટીને જોવામાં જ ખોવાઈ ગયો. ત્યારબાદ રાજ્યયોગી પધાર્યા. એમની સાથે એમની પુત્રી એન્જેલા પણ હતી. એન્જેલા પણ ક્રેટી જેટલી જ સુંદર હતી. સૌ લોકોએ રાજ્યયોગીને નમસ્કાર કર્યા.


ત્યારબાદ ક્લિન્ટન દેવની મૂર્તિની પૂજાનો આરંભ થયો. લગભગ અડધો કલાક જેટલી પૂજા ચાલી. ત્યાં વાતાવરણમાં અચાનક ફેરફાર થયો. આકાશમાં કાળા ડિબાંગ વાદળાઓ ઘસી આવ્યા. પવન તીવ્ર ગતિએ ફૂંકાવા લાગ્યો. ક્લિન્ટન દેવના દેવળની સામે ઉભેલું જર્જરિત મકાન તીવ્ર પવનના કારણે એકદમ આજુબાજુથી સ્વચ્છ થઈ ગયું.


વાતાવરણ એકદમ બિહામણું થઈ ગયું હતું. ત્યાં અચાનક


સામેના પહાડની ટોચ પાસે વીજળીનો જોરદાર કડાકા સાથે ગર્જના થઈ. રાજ્યયોગીની પુત્રી એન્જેલા પૂજા સમયે પીટરની બાજુમાં જ ઉભી હતી. જેવી વીજળી ગર્જી કે તરત એન્જેલાએ ડરથી પીટરને બાથ ભરી લીધી. ડર દૂર થતાં એને ભાન થયું કે તે કોને ભેંટી પડી છે. પીટર પણ એન્જેલાએ એકદમ બાથ ભરી લીધી એટલે હેતબાઈ ગયો અને જ્યોર્જ સામે જોયું. જ્યોર્જે તેની સામે જોઈને ભેંદી રીતે સ્માઈલ કરી.


ત્યારબાદ આદિવાસી સેવકો દ્વારા જર્જરિત મકાનનને ખોલવામાં આવ્યું. એમાં રહેલા જાળાઓ થતા ઉગી નીકળેલા છોડવાઓને દૂર કરવામાં આવ્યા. મકાનની એક બાજુ પથ્થરના એક આસન ઉપર ધાતુની પ્લેટ ધરાવતું રાજ્યશાસ્ત્ર પડ્યું હતું. રાજ્યયોગી વિલ્સને વિનમ્રતાથી જ્યોર્જ અને પીટરને રાજ્યશાસ્ત્ર ખોલવા કહ્યું.


જ્યોર્જ અને પીટરે ઉપર બાંધેલો ધાતુનો તાર દૂર કર્યો અને રાજ્યશાસ્ત્રની એક પ્લેટ ફેરવી.. તેમાં કોઈક ધાતુ દ્વારા સુંદર અક્ષરે સ્પેનિશ ભાષામાં ક્લિન્ટનનું રાજ્યશાસ્ત્ર-2 લખેલુ હતું.


બીજી પ્લેટ ફેરવતાની સાથે જ જ્યોર્જના ચહેરો પર આનંદની રેખાઓ અંકિત થઈ ગઈ.


***********************************


નવા ટાપુ ઉપર કેપ્ટ્ન અને એમના સાથીદારો..


કેપ્ટ્ન અને તેમના સાથીદારોએ વનમાનવનો ટાપુ છોડ્યો.


---------------------------------------------------


વનમાનવોના સંકજામાંથી પ્રોફેસરને બચાવ્યા બાદ કેપ્ટ્ન અને તેમના સાથીદારો જ્યાં તેમનું જહાજ તૂટ્યું હતું. ત્યાં આવી પહોંચ્યા. ત્યાં તેમને દરિયા કિનારે પાંચ ખલાસીઓના મૃતદેહ મળ્યા. પોતાના પ્રાણપ્રિય સાથીઓના મૃતદેહ જોઈને કેપ્ટ્ન અને એમના સાથીદારો શોકમગ્ન બની ગયા. દરિયાથી થોડે દૂર તેમની કબર ખોદવામાં આવી અને તેમને ખિસ્તી ધર્મની વિધિઓ અનુસાર દફનાવવામાં આવ્યા. તેમની કબર પાસે ખિસ્તી ધર્મના ધર્મ પ્રતિક લાકડાના ક્રોસ બનાવી પાંચેય કબર પાસે ઉભા કરવામાં આવ્યા.


પ્રોફેસરની તબિયત બરોબર નહોતી એટલે એમને પૌષ્ટિક આહારની જરૂર હતી. જોન્સન અને ફિડલ જંગલમાં ગયા. આજે પણ ફિડલે ચતુરાઈથી એક નાના પ્રાણીનો શિકાર કર્યો. જોન્સન થોડાક ફળો શોધી લાવ્યો. પછી બન્ને પોતાના સાથીદારો પાસે પરત ફર્યા.


રોકીના ખિસ્સામાંથી મળેલી દીવાસળીઓ માંથી ત્રણ દીવાસળી તો આગળની રાતે વપરાઈ ગઈ હતી. હવે ફક્ત ચાર જ દીવાસળીઓ બચી હતી. રોકી જઈને થોડાંક લાકડાઓ તેમજ સૂકું ઘાસ લઈ આવ્યો. ત્યારબાદ એમણે ભોજન તૈયાર કર્યું અને બધાએ શાંતિથી જમી લીધું.


જમી લીધા બાદ કેપ્ટ્ને બધાને સંબોધીને કહ્યું.. "મિત્રો


આપણે બધા આજે ભયકંર પરિસ્થિતિઓમાં જીવી રહ્યા છીએ. બહુ જ જોખમી અનુભવો થઈ રહ્યા છે. આપણે આપણા ઘણા બધા સાથીદારોને ગુમાવી ચુક્યા છીએ. પણ હવે જો આપણા પાંચ માંથી કોઈને કંઈ થઈ ગયું તો મારાથી સહન નહીં થાય..' આટલું બોલતા-બોલતા કેપ્ટ્ન એકદમ ગળગળા થઈ ગયા.


"જુઓ મિત્રો આ ટાપુ ઉપર વનમાનવનો બહુ જ ખતરો છે એટલે આ ટાપુ ઉપર આપણુ અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ છે..' પ્રોફેસરે બધા સામે જોઈને કહ્યું.


"તો પછી આપણે આપણું જીવન બચાવવા શું કરીએ ?? રોકીએ પ્રશ્ન કર્યો.


"એકઉપાય છે..' પ્રોફેસરે દરિયા તરફ જોઈને કહ્યું.


"શું ઉપાય છે પ્રોફેસર ?? કેપ્ટ્ને પ્રશ્ન કર્યો. જવાબ સાંભળવા બધા પ્રોફેસરના મોંઢા સામે તાકી રહ્યા.


"અહીંયાથી ક્યાંક બીજા ટાપુ ઉપર ચાલ્યા જઈએ તો આપણું જીવન બચાવી શકાય..' પ્રોફેસરે બધા સામે જોઈને કહ્યું.


"પણ પ્રોફેસર સાબ.. બીજા ટાપુ ઉપર જવુ કઈ રીતે ?? જોન્સને ચિંતા વ્યક્ત કરી.


"હા.. યાર બીજા ટાપુ ઉપર જઈશું કેવીરીતે ?? કેપ્ટ્ને પણ પ્રશ્ન કર્યો.


"જુઓ આપણા જહાજનો અમૂક કાટમાળ દરિયાના મોજાઓએ બહાર ફેંકી દીધો છે એને એકઠો કરો. પછી જંગલમાંથી મજબૂત લાકડાઓ લાવો અને મજબૂત તરાપો તૈયાર કરો..' પ્રોફેસરે ઉપાય બતાવતા કહ્યું.


"પણ પ્રોફેસર બીજો ટાપુ અહીંયાથી કેટલો દૂર હશે એ આપણને ખબર પણ નથી.. અને વચ્ચે તરાપો તૂટી જાય તો..' ફિડલે ચિંતા વ્યક્ત કરી.


"જુઓ મિત્રો અહીંયાથી વનમાનવ આપણને એક-એકને ઉઠાવીને મારે એના કરતા દરિયામાં ડૂબી મરવું સારું.. જો બીજા ટાપુ સુધી પહોંચી શક્યા તો બરોબર છે.. નહિતર બધા સાથે મરી તો શકીશું..' પ્રોફેસર વ્યથિત થતાં બોલ્યા.


"જુઓ મિત્રો.. પ્રોફેસર સાહેબની વાત સાચી છે..આપણે એક સાહસ કરી લઈએ. બધા સાથે મળીને ઝઝુમીશું આફતો સામે.. તૈયાર થઈ જાઓ..' કેપ્ટ્ને બધાનો ઉત્સાહ વધારતા કહ્યું.


બધા તૈયાર થઈ ગયા. ફિડલ અને જોન્સન જંગલમાંથી મજબૂત લાકડાઓ લાવવા લાગ્યા. રોકી કિનારે વેરાયેલી વસ્તુઓ એકઠી કરવા લાગ્યો. પ્રોફેસર પણ ધીમે-ધીમે ઉઠીને કામમાં મદદ કરવા લાગ્યા. થોડીક મજબૂત રસ્સીઓ જહાજ નાશ પામ્યું હતું ત્યા કિનારા પરથી મળી આવી. મજબૂત વેલાઓ અને રસ્સીઓની મદદથી કેપ્ટ્ન અને પ્રોફેસર તરાપો તૈયાર કરવા લાગ્યા. લગભગ દિવસના અંત સુધીમાં બધાની મહેનત રંગ લાવી અને એક મજબૂત અને સુંદર તરાપો તૈયાર થઈ ગયો.


પછી સાંજે બધાએ જંગલમાં જઈને કંદમૂળ તથા ખાવાલાયક ફળો મોટા પ્રમાણમાં એકઠા કર્યા. ઘણા બધા નાળિયેર પણ એકઠા કરવામાં આવ્યા જેથી મુસાફરીમાં કોઈ અગવડત ના પડે.


સૂર્ય આથમી ગયો હતો. એટલે બધાએ જમવાનું તૈયાર કરીને જમી લીધું.. ત્યારબાદ અગ્નિને સળગતો જ રાખવામાં આવ્યો અને એક જણ જાગતો રહ્યો. બાકીના ઊંઘી ગયા. આમ વારા ફરથી જાગીને બધાએ રાત કરી. સવારે બધા ઉઠ્યા અને જ્યાં એમના પાંચ સાથીદારોને દફનાવવામાં આવ્યા હતા એ કબર પર જઈને ફૂલ ચડાવ્યા.


ત્યારબાદ તરાપા ઉપર બધી વસ્તુઓ ગોઠવીને તરાપાને દરિયામાં તરતો મુક્યો. આ વનમાનવ વાળો ટાપુ છોડતી વખતે બધાની આંખમાં આંસુ હતા. કારણ કે એમના સાથીદારો અને એમનું જહાજ આ કિનારે નાશ પામ્યું હતું.


આખો દિવસ તરાપો આગળ વધતો ગયો. કઈ પણ અગવડ ના પડી. રાત પડી તો પણ તરાપો તરતો રહ્યો. બધા એકદમ હેમખેમ હતા. અચાનક સવારે પાંચ વાગે તરાપો તરતો અટકી ગયો. ત્યારે ફક્ત રોકી અને ફિડલ જ જાગતા હતાબાકીના ઊંઘી રહ્યા હતા. ફિડલે સામે જોયું તો કિનારો એના હર્ષનો પાર ના રહ્યો.



ત્યારબાદ અન્ય સાથીદારોને પણ ઉઠાડયા. હજુ અંધારું હતું એટલે કેપ્ટ્ને અજાણી ધરતી ઉપર ઉતરવું યોગ્ય ના માન્યું. કલાક પછી અજવાળું થવા માંડ્યું ત્યારે તરાપા ઉપરની બધી વસ્તુઓને કિનારા ઉપર ઉતારવામાં આવી.


આ ટાપુ ઉપર પણ પેલા ટાપુની જેમાં નાળિયેરી ના ઘણા બધા વૃક્ષો હતા. હજુ ઉતર્યા જ હતા. ત્યાં તો ફિડલને એ કિનારા પરથી એક કપડાંનો લાંબો ટુકડો મળ્યો. એણે કેપ્ટ્ને બતાવ્યો.


કપડાનો ટુકડો જોઈને કેપ્ટ્ન બોલ્યા.. "આ કાપડનો ટુકડો તો આપણા કોઈક સાથીદારનો છે પણ એ અહીં કેવીરીતે ??



બધા વિચારમાં પડી ગયા.

********************************

બીજી પ્લેટમાં શું લખાયેલું હતું જેના કારણે જ્યોર્જ આનંદિત થઈ ઉઠ્યો ??

રાજકુમારી ક્રેટી પ્રત્યે સાચેજ જ્યોર્જને પ્રેમ થઈ હતો ??

જ્યોર્જ અને ક્રેટી વચ્ચે પ્રેમપ્રકરણ આગળના ભાગમાં જોવા મળશે..

કેપ્ટ્ન અને એમના સાથીદારોને મળેલો કપડાનો ટુકડો જહાજના જ કોઈ સાથીદાર હતો ??

જો કપડાનો ટુકડો એમના કોઈ સાથીદારનો હોય તો આ અજાણ્યા ટાપુ પર કેવી રીતે આવ્યો ??

શું એમના કોઈ અન્ય સાથીદારો પણ હતાં આ ટાપુ ઉપર ??

આ બધા સવાલોના જવાબ આગળના ભાગમાં મળી રહેશે..

આપના અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપજો..

**********************************