કેપ્ટ્ન અને સાથીદારોનો સફેદ રીંછ સાથે સાથે જંગ..
_________________________________________
"અરે કેપ્ટ્ન ઉઠો જલ્દી.." અડધી રાતે રોકીએ કેપ્ટ્નને ઢંઢોળ્યા.
"શું થયું રોકી..' કેપ્ટ્ન ઊંઘમાંથી જાગીને બોલ્યા.
"આપણા સાથીદારો અહીંયા નથી અડધી રાતે ક્યાં ગયા હશે ?? રોકીએ ચિંતાતુર અવાજે કહ્યું.
કેપ્ટ્ને જોયું તો સાચેજ પ્રોફેસર , ફિડલ અને જોન્સન ગાયબ હતા. એમને થયું કે આ ત્રણેય આમ કહ્યા વગર ક્યાં ચાલ્યા ગયા હશે. તેઓ જે વૃક્ષ નીચે સૂતા હતા એની આજુ બાજુની જમીન પર પણ એમના ગયાના કોઈ નિશાન નહોતા.
થોડેક દૂર એમણે અગ્નિ સળગાવ્યો હતો સૂતી વખતે એ હજુ પણ સળગી રહ્યો હતો એના અજવાળમાં રોકીને મોટા પગલાંના નિશાન દેખાયા.
"કેપ્ટ્ન.. અહીંયા જુઓ.. કોઈક મોટા પગની છાપ પડી છે..' રોકીએ કેપ્ટ્નને પાસે બોલાવ્યા.
"ઓહહ.. આ વળી કોણ હશે ? આટલા મોટા પગ વાળું..'
સળગી રહેલા અગ્નિના અજવાળામાં દેખાતા મોટા પગના નિશાન જોઈને કેપ્ટ્ન મનોમન બબડયા.
"આ કોઈ પ્રાણીના પગલાંના નિશાન છે કે પછી અન્ય કોઈ..' રોકી ધ્યાનથી જોતાં બોલ્યો.
કેપ્ટ્ને અગ્નિ સળગતો હતો એમાંથી એક સળગતું લાકડું ઉઠાવ્યું. પછી એ પગલાં જે બાજુ ગયા હતા એ તરફ જવા લાગ્યા. રાત્રીના લગભગ ચાર વાગ્યાં હશે એટલે ચંદ્ર પણ આથમી ગયો હતો. સમગ્ર ટાપુ ઉપર ઘોર અંધારું છવાયેલું હતું. કેપ્ટ્ન અને રોકી સળગતા લાકડાના પ્રકાશ વડે પેલા પગલાં જે બાજુ ગયા હતા એ તરફ જવા લાગ્યા. હજુ થોડેક જ દૂર ગયા ત્યાં તો પવનનો જોરદાર સપાટો આવ્યો અને સપાટા ભેગું સળગતું લાકડું ઓલવાઈ ગયું.
પ્રકાશ વગર આગળ વધવું મુશ્કેલ હતું. કેપ્ટ્ન અને રોકી નિરાશ થઈને પાછા ફર્યા. સવાર પડી ત્યાં સુધી બન્નેએ બેઠા- બેઠા રાત પસાર કરી. સવાર પડી.અજવાળું થવા લાગ્યું. કેપ્ટ્ન અને રોકી ફરીથી એ પગલા જે બાજુ ગયા હતા એ તરફ ચાલવા લાગ્યા. હવે ઘાસનો વિસ્તાર શરૂ થયો ત્યાં પગલાંના નિશાન અમૂક જગ્યાએ જ જોઈ શકાતા હતા. કારણ કે ક્યાંક-ક્યાંક પેલા મોટા પગલાંઓ નીચે છૂંદાયેલું ઘાસ સવારની તાજગીમાં ફરીથી ઉભું થઈ ગયું હતું. એટલે નિશાન અસ્પષ્ટ બની ગયા હતા. પણ કેપ્ટ્ન પોતાની આગવી કોઠાસૂઝથી એ નિશાનો શોધી લેતા હતા.
કેપ્ટ્ન અને રોકી પગલાઓનો પીછો કરતા-કરતા અલ્સ પહાડની સૌથી ઉંચી ટેકરીની તળેટીમાં પહોંચી ગયા.
"કેપ્ટ્ન અહીંયા જુઓ આ પગલાંઓ આ બાજુ ગયા છે..' રોકીએ કેપ્ટ્નને ટેકરી ઉપર જતો કેડી જેવો માર્ગ બતાવતા કહ્યું.
રોકીએ બતાવ્યું એ તરફ કેપ્ટ્ને જોયું તો એક નાનકડો કેડી જેવો રસ્તો અલ્સ પહાડની આ ટેકરીની ઉપરની તરફ જતો હતો.
અલ્સ પહાડની આ ટેકરીનો ઢોળાવ સીધો નહોતો. એટલે કેપ્ટ્ન અને રોકીને ઉપર ચડવામાં સરળતા પડી રહી હતી. આ ટેકરી લગભગ બે માઈલનું અંતર થાય એટલી ઊંચી હતી. એટલે એના ઉપર ચડતા વધારે સમય લાગે તેમ હતું. નીચેથી બે સીધી ડાળીઓ તોડી લીધી અને તેની લાકડીઓ બનાવી લીધી. જેથી આગળ જતા ટેકરીનો ઢોળાવ સીધો આવે તો લાકડીની મદદથી ઉપર ચડવામાં સરળતા રહે.
આકાશમાં સૂર્યદેવતાનું આગમન થઈ ચૂક્યું હતું પરંતુ સૂર્ય અલ્સની ટેકરીઓની પાછળ હોવાથી તેમને દેખાઈ રહ્યો નહોતો. વાતાવરણ હજુ ઠંડુ અને આહલાદ્ક હતું. જુલાઈ માસ પૂરો થઈને ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ચુકી હતી. શિયાળો ના હોવા છતાં આ ટાપું ઉપર ઠંડીનું પ્રમાણ 20 c°ની આસપાસ હતું. રોકી અને કેપ્ટ્ન લગભગ એક કલાક જેટલા સમયથી ઉપર ચડી રહ્યા હતા છતાં એમણે ફક્ત અડધા માઈલ જેટલું જ ટેકરી ઉપર ચડી શક્યા હતા. જેમ-જેમ તેઓ આગળ વધી રહ્યા હતા એમ-એમ ઢોળાવ સીધો બનતો જતો હતો અને ચઢાણ મુશ્કેલ બની રહ્યું હતું.
"કેપ્ટ્ન ઉપર તો જુઓ.. ટેકરી સફેદ કેમ દેખાઈ રહી છે..? રોકીએ ટેકરીની ઉપરની તરફ આંગળી કરી.
કેપ્ટ્ને ઉપરની તરફ જોયું તો અલ્સ પહાડની ટેકરીનો સૌથી ઊંચો ભાગ સફેદ અને ભૂખરા રંગ જેવો દેખાઈ રહ્યો હતો. સૂર્ય હવે તેમને સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. સૂર્યના કિરણોથી ટેકરીનો ટોચનો ભાગ ચમકી રહ્યો હતો.
"ઓહહ..! બરફ..' કેપ્ટ્નના મુખમાંથી શબ્દો સરી પડ્યા.
"શું કહ્યું તમે..?? બરફ.. પણ ટોચના ભાગે બરફ કેવીરીતે હોઈ શકે કેપ્ટ્ન..?? રોકીએ અચરજ સાથે કેપ્ટ્ને પૂછ્યું.
"ત્યાં બરફ કેવીરીતે જમા થયો હશે એની મને ખબર નથી.. પણ સૂર્ય પ્રકાશમાં ટેકરીનો ટોચનો ભાગ ચમકી રહ્યો છે એટલે નક્કી ત્યાં બરફ જ હોવો જોઈએ..' કેપ્ટ્ન અનુમાનિત અવાજે બોલ્યા.
"હા એ વાત સાચી છે.. પરંતુ..' રોકી ઉપરની તરફ જોઈને માથું ખંજવાળતા બોલ્યો.
"પરંતુ.. શું રોકી..?? રોકીના મુખ પર અંકિત થયેલી શંકાઓની રેખા જોઈને કેપ્ટ્ન બોલ્યા.
"ત્યાં કોઈ કારણસર બરફ જમા થયો હશે એ તો માની લઈએ પણ.. એ બરફ પીગળતો પણ હશે તો એનું પાણી આ બાજુ તો નથી આવતું તો કઈ બાજુ જતું હશે..? રોકીએ એના મનમાં ઉદ્દભવેલી શંકા કેપ્ટ્ન સમક્ષ રજુ કરી.
"હા.. એ વાત સાચી છે.. એના માટે ટેકરીની આજુબાજુ પરિક્રમા કરવી પડે..તો એની ખબર પડે.. હમણાં ચાલ આપણે આપણા સાથીદારોને શોધીએ..' કેપ્ટ્ન નિરાશ વદને આગળ વધતા બોલ્યા.
"હા.. ચાલો..' રોકીના અવાજમાં પણ નિરાશા ઉમેરાઈ.
પોતાના સાથીદારો આમ અજીબ રહસ્ય સાથે ગુમ થઈ ગયા હોવાથી કેપ્ટ્ન અને રોકી એકદમ નિરાશ થઈ ગયા હતા. પણ દ્રઢ મનોબળ ધરાવતો કેપ્ટ્ન હેરી કોઈપણ ભોગે પોતાના સાથીદારોને શોધી કાઢવા માટે મથી રહ્યો હતો. કેપ્ટ્નની હિમ્મત જોઈને રોકીનું પણ મનોબળ વધ્યું હતું. તેઓ સતત ત્રણ કલાકથી ભૂખ-તરસની પરવા કર્યા વગર આ ટેકરી ઉપર ચડી રહ્યા હતા. શરીર સતત થાકી ગયું હતું છતાં તેમના સાથીદારોની દોસ્તી તેમના પગમાં નવું જોમ ઉત્પન્ન કરી તેમને આગળ વધારી રહી હતી.
આખરે રોકી અને કેપ્ટ્ન ટેકરીના ટોચના ભાગ પાસે આવી ગયા. કેપ્ટ્નનું અનુમાન સાચું હતું. ટેકરીની ટોચ ઉપર બરફ જામેલો હતો. અને પીગળી રહેલા બરફનું પાણી થોડુંક નીચે વહીને ટેકરીની ભેખડોમાં આવેલા મોટા છિદ્રોમાં જઈ રહ્યું હતું. ઉપરની તરફ આવેલી ભેખડોના પથ્થરો ઉપર ઘણી જગ્યાએ લીલ જામી ગઈ હતી. અમૂક પથ્થરો તો સાવ લીસ્સા દેખાઈ રહ્યા હતા. ટાપુના જમીન વિસ્તારથી લગભગ ત્રણેક માઈલ ઊંચે આવેલી અલ્સ પહાડની આ ટેકરીનું દ્રશ્ય અદ્ભૂત અને અવર્ણનીય હતું.
"કેપ્ટ્ન...નનનન..' કેપ્ટ્ન અને રોકીના કાને ઉતાવળો અવાજ પડ્યો.
કેપ્ટ્ન અને રોકી રોકી આ અવાજ સાંભળીને ચોંકી ગયા. કારણ કે આ અવાજ ફિડલનો હતો. કેપ્ટ્ન અને રોકી બેબાકળા બનીને આજુબાજુ જોવા લાગ્યા પણ ફિડલ ક્યાંય દેખાયો નહીં.
"રોકી.. આ અવાજ ફિડલનો હતો.. જલ્દી આ બાજુ જા હું આ તરફ જાઉં છું.. જલ્દી..' રોકીને આટલું કહીને કેપ્ટ્ન ઝડપથી જમણી તરફ આગળ વધ્યા અને રોકી ડાબી તરફ જવા લાગ્યો.
કેપ્ટ્ન હજુ થોડાક જ આગળ ગયા હશે ત્યાં તો સામેનું દ્રશ્ય જોઈને એમના હાજા ગગડી ગયા. સામે જ ફિડલ એક પથ્થરની શીલાને પકડીને લટકી રહ્યો હતો. અને એની સામે સફેદ રીંછ ઘુરકિયાં કરી રહ્યું હતું. ફિડલ જે શીલા સાથે ચોંટીને લટકી રહ્યો હતો એનાથી નીચેની તરફ ઊંડી ખીણ હતી. જો એ પથ્થરની શીલા છોડે તો ઊંડી ખીણમાં પટકાય અને શીલા સાથે ચોંટી રહે તો સામે જ વિશાળ મુખ ફાડીને રીંછ ઉભું હતું. બન્ને બાજુ મોત હતું. બસ કેવીરીતે મરવું એ નક્કી કરવાનું હતું.
પોતાના સાથીદારને આવી હાલતમાં જોઈને કેપ્ટ્નનું હૈયું દ્રવી ઉઠ્યું.
"ફિડલ...' કેપ્ટ્ને જોરથી ફિડલને બુમ પાડી.
ફિડલનું મુખ કેપ્ટ્ન તરફ હતું. અને સફેદ રીંછની પીઠ કેપ્ટ્ન તરફ હતી. સફેદ રીંછથી કેપ્ટ્ન લગભગ બસો મીટર જેટલા દૂર હતા. જયારે ફિડલથી તેમનું અંતર અઢીસો મીટર જેટલું હશે. એક બાજુ કેપ્ટ્ન હતા અને એક બાજુ ફિડલ. બન્નેની વચ્ચે સફેદ રીંછ કાળ બનીને ઉભું હતું.
કેપ્ટ્નનો અવાજ સાંભળીને ફિડલમાં થોડીક હિંમત આવી. પરંતુ પાછળથી આવેલો અવાજ સાંભળીને રીંછ ચોંકી ગયું. એ પાછળની બાજુ કેપ્ટ્ન તરફ ફર્યું. પોતાના શિકાર વચ્ચે કોઈ બીજું આવી જવાથી રીંછ ખુબ ગુસ્સે ભરાયું. ફિડલને છોડીને એ કેપ્ટ્નની તરફ આવવા લાગ્યું.
રીંછને પોતાની તરફ આવતું જોઈને કેપ્ટ્નના શરીરમાંથી ભયની ધ્રુજારીઓ પસાર થઈ ગઈ.. કેપ્ટ્નના પગ ધીમે-ધીમે પાછળની તરફ હટવા લાગ્યા. ફિડલ જે શીલા સાથે લટકી રહ્યો હતો થોડીક મહેનત કરીને એ પણ શીલા ઉપર આવી ગયો. રીંછ કેપ્ટ્નથી બસ દસ મીટર જેટલું જ દૂર રહ્યું હશે ત્યાં તો ઉપરની તરફથી એક મોટો પથ્થર એની પીઠ ઉપર પડ્યો અને એ લોહીલુહાણ થઈ ગયું.
કેપ્ટ્ને પથ્થર જ્યાંથી આવ્યો હતો એ તરફ ઉપરની બાજુ જોયું. ઉપરની તરફ પ્રોફેસર અને જોન્સન પરસેવાથી રેબઝેબ હાલતમાં એક ભેખડ ઉપર ઉભા હતા. જેવું રીંછ કેપ્ટ્નની નજીક જવા લાગ્યું કે તરત જ પ્રોફેસર અને જોન્સને કેપ્ટ્નને બચાવવા એક મોટો પથ્થર રીંછ ઉપર પડે એવી રીતે નીચેની તરફ ગબડાવ્યો હતો પણ કમનસીબે પથ્થર રીંછની ઉપર પડવાને બદલે રીંછની પીઠ સાથે ઘસાયો અને રીંછની પીઠ લોહીલુહાણ થઈ ગઈ.
આવી રીતે રીતે ઓચિંતો હુમલો થવાથી રીંછ ખૂંખાર બની ગયું. કોઈ પણ શત્રુ હોય ઘાયલ થયા પછી તે ખૂંખાર બની જાય છે. રીંછ ઉભું થયું અને ઝડપથી કેપ્ટ્ન તરફ દોડ્યું.
હવે કેપ્ટ્નનું આવી બન્યું કારણ કે બધી જગ્યાએ પથ્થરો એવી રીતે પડ્યા હતા કે દોડવું એમના માટે મુશ્કેલ બની રહ્યું હતું. છતાં જેમ-તેમ કરીને કેપ્ટ્ન દોડવા લાગ્યા. ત્યાં તો એક લીલ જામેલા મોટા પથ્થર ઉપર કેપ્ટ્નનો પગ પડ્યો અને કેપ્ટ્ન લપસીને દૂર જઈ પડ્યા. રીંછ પણ બમણાં વેગથી કેપ્ટ્ન પાછળ દોડ્યું આવતું હતું.. જેવો રીંછનો પગ એ પથ્થર ઉપર પડ્યો કે એનું ભારેખમ શરીર ફંગોળાયું અને દૂર એક મોટા પથ્થર સાથે અથડાયું.
છતાં રીંછ હાર માને એમ નહોતું. એની આંખોમાં અંગારા વરસી રહ્યા હતા. ફરીથી એ જેવું ઉભું થયા ગયું કે ચપળ રોકી ત્યાં જ ઉભો હતો એણે સમયસૂચકતા વાપરીને એના હાથમાં રહેલી અણીદાર લાકડી પુરા જોરથી રીંછની પીઠમાં ઘુસાડી દીધી અને રીંછ ત્યાંજ ઢળી પડ્યું. થોડીવારમાં તેનું શરીર નિષ્પ્રાણ થઈ ગયું.
રીંછ સાથેની આ ઝપાઝપીમાં કેપ્ટ્નને થોડીક ઇજા થઈ હતી. રોકીએ ટેકો આપીને કેપ્ટ્નને બેઠા કર્યા.
"અરે.. રોકી પહેલા જાઓ.. ફિડલને બચાવો ત્યાં લટકી રહ્યો હશે.. મારી પછી વાત જાઓ જલ્દી..' કેપ્ટ્ન દર્દભર્યા અવાજે બોલ્યા.
"ફિડલ સલામત છે કેપ્ટ્ન..' પ્રોફેસરનો અવાજ સંભળાયો. કેપ્ટ્ને સામે જોયું તો પ્રોફેસર , ફિડલ અને જોન્સન ઉભા હતા.
કેપ્ટ્ન સહીત ચારેયની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. બધા વારાફરતી કેપ્ટ્નને ભેટયા.
"કેપ્ટ્ન આપણને આ જગ્યાએ કોણ લઈ આવ્યું..? ચારેય બાજુ પથ્થરો જ છે અને ઉપરની તરફ બરફ છવાયેલો છે..' પ્રોફેસરે પ્રશ્ન કર્યો.
"આપણને મતલબ..? હું અને રોકી તો તમને ત્રણેયને શોધતા -શોધતા અહીં સુધી આવી ચડ્યા છીએ..' કેપ્ટ્ન બોલ્યા.
"તો..પછી અમે ત્રણેય અહીંયા કેવીરીતે આવ્યા..? પ્રોફેસર અચંબિત થતાં બોલી ઉઠ્યા.
"અરે.. પ્રોફેસર સાબ તમે પણ કેવી પાગલ જેવી વાતો કરો છો. તમને ત્રણેયને અહીં સુધી કોણ ઉઠાવી લાવ્યું એ પણ ખબર નથી તમને..' કેપ્ટ્ને અચરજ સાથે હોઠ મરડીને કહ્યું.
"તો.. પછી તમને જરાય ખબર નથી કે તમને કોણ અહીંયા સુધી લાવ્યું..? મને પણ નવાઈ લાગે છે કે ટાપુના જમીને પ્રદેશથી છેક ત્રણ માઈલ જેટલી ઊંચાઈ સુધી તમને કોઈક લઈ આવ્યું અને તમને ખબર પણ ના પડી..' રોકીએ નવાઈ પામતા કહ્યું.
"ઓહહ.. જમીનથી ત્રણ માઈલની ઉંચાઈ ઉપર છીએ આપણે..' રોકીની વાત સાંભળીને જોન્સન બોલી ઉઠ્યો.
"કેપ્ટ્ન.. જરૂર કંઈક તો ભેદ છે આ ટાપુ ઉપર.. નહિતર આટલી ઉંચાઈ સુધી અમને કોઈક ઉઠાવી લાવ્યું અને ખબર પણ ના પડવા દીધી..' પ્રોફેસરે ઉંડો વિચાર કરીને કેપ્ટ્નને કહ્યું.
"અરે.. જે હોય તે હમણાં ચાલો અહીંયાથી અહીં સફેદ રીંછનો ભય પણ છે અને ત્યાં નીચે જ્યોર્જ અને પીટર આવ્યા હશે તો આપણી ચિંતા કરતા હશે ચાલો જલ્દી..' કેપ્ટ્ને બધા તરફ જોઈને કહ્યું.
"હા.. ચાલો બાકીની વાત રાતે કરીશું..' પ્રોફેસરે કેપ્ટ્નની વાતમાં સંમત થતાં કહ્યું.
અલ્સ પહાડની આ સૌથી ઊંચી ટેકરી હતી.. અહીંયાથી નીચેની તરફનો અદ્ભૂત નઝારો જોઈ શકાતો હતો. દૂર ઘૂઘવતો સમુદ્ર જાણે જમીન પર વાદળી ચાદર પાથરી હોય એવો લાગી રહ્યો હતો. બે મેદાનો વચ્ચે વહેતી ઝોમ્બો નદી ફક્ત એક નાનકડા વાદળી લિસોટા જેવી દેખાઈ રહી હતી. અલ્સ પર્વતની આજુબાજુ વૃક્ષોની વનરાજી અને ઘાસના મેદાનના કારણે લીલી ચાદર પાથરી હોય એવું લાગી રહ્યું હતું.
આટલી ઊંચાઈથી ટાપુનું નીચેનુ દ્રશ્ય અદ્ભૂત લાગી રહ્યું હતું.
કેપ્ટ્ન અને એમના સાથીદારો સાવચેતી પૂર્વક ટેકરીનો ઢોળાવ ઉતરી રહ્યા હતા. સૂર્ય હવે માથા ઉપર આવી ગયો હતો. ટાપુનું વાતાવરણ ઠંડુ હોવાથી સૂર્યનો તાપ વધારે લાગી રહ્યો નહોતો. કેપ્ટ્ન અને રોકીને સવારે ચડતી વખતે ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હતો પણ તેઓ ફક્ત એક કલાકમાં ટેકરીના તળેટીના ભાગમાં પહોંચી ગયા. બધાના કપડાં ઘણી જગ્યાએથી ફાટી ગયા હતા. તેઓ ઉતરીને અલ્સ પહાડની આગળ આવેલા મેદાનમાં પહોંચ્યા. ત્યાં જ્યોર્જ , પીટર , ક્રેટી અને એન્જેલા કેટલાક માણસો જોડે મેદાનની સફાઈ કરાવી રહ્યા હતા. અડધું મેદાન એકદમ સાફ થઈ ગયું હતું અને બાકીનામાં સફાઈનું કામ ચાલી રહ્યું હતું.
દૂરથી જ્યોર્જ અને પીટરે કેપ્ટ્ન અને એમના સાથીદારોને જોયા. ઝડપથી જ્યોર્જ , પીટર , ક્રેટી અને એન્જેલા એમની પાસે આવ્યા.
"અરે.. કેપ્ટ્ન તમારી આ હાલત.. શું થયું..? બાપરે તમને વાગ્યું પણ છે.. ક્યાં હતા તમે..? અમે તો આજુબાજુ બધે તમને શોધવા ફરી વળ્યાં પણ ક્યાંય તમારો પત્તો જ ના મળ્યો..' કેપ્ટ્ન અને સાથીદારોની આવી હાલત જોઈને જ્યોર્જે એકસામટા સવાલો પૂછી નાખ્યા.
"અરે.. દોસ્ત કંઈ નહીં એક નાનકડી આફત આવી પડી હતી. હવે વધુ બરોબર થઈ ગયું..' કેપ્ટ્ન જ્યોર્જ સામે જોઈને હળવું હસતા બોલ્યા.
"અરે.. પણ કહો તો ખરા.. શું આફત આવી પડી હતી..? તમારાં કપડાં પણ ફાટી ગયા છે..' ક્રેટી ચિંતિત અવાજે બોલી
બધા બેઠા અને કેપ્ટ્ને રાતથી માંડીને રીંછ સાથેના યુદ્ધ સુધીની વાત કહી સંભળાવી.
પણ બધાના મનમાં એક જ પ્રશ્ન હતો કે પ્રોફેસર , ફિડલ અને જોન્સનને આટ્લી ઉંચાઈ ઉપર કોણ લઈ ગયું હશે..?
આ પ્રશ્ન બધા માટે કોયડા સમાન અને ભેંદી હતો.. કારણ કે કેપ્ટ્ન અને રોકીએ રાતે જે પગલાં જોયા હતા એ રીંછ અને ગોરીલા કે વનમાનવના પગલાંઓ કરતા પણ મોટા હતા.
બધાએ એ પ્રશ્ન મનમાં રાખીને બાકી વધેલા દિવસમાં મેદાનની સફાઈ સારી રીતે કરી.. અને એક ઊંચા ઝાડ ઉપર કેપ્ટ્ન અને એમના સાથીદારો માટે માંચડો બાંધવામાં આવ્યો જેથી તેઓ રાત સરળતાથી ગુજારી શકે.
બીજા દિવસે આગળનું કામ કરવાનું હતું. સાંજ પડી એટલે ક્રેટી , જ્યોર્જ , પીટર અને એન્જેલાએ વિદાય લીધી.
(ક્રમશ..)
*********************************
ભેંદી પગલાંનું રહસ્ય શું હશે..?
નગરનિર્માણનું કાર્ય આગળ કેવીરીતે વધશે..?
ઉપરના પ્રશ્નોનો જવાબ આગળના ભાગમાં જાણવા મળશે.
તમારા અમૂલ્ય પ્રતિભાવો જરૂર આપજો..
************************************