રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 3 જીગર _અનામી રાઇટર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 3

પીટર ફસાયો આદિવાસીઓના સંકજામાં...


|||||||||||||||||||||||||||||||||||||||||| |||||||||||||||||||||||||_______________________________________




જ્યોર્જની આંખો ખુલી. તે આળસ મરડીને બેઠો થયો. લગભગ સાંજના સાત વાગી ચુક્યા હતા. તેઓ જે ટાપુ ઉપર હતા ત્યાં ધીમે-ધીમે અંધારું છવાઈ રહ્યું હતું. જ્યોર્જે બાજુમાં સુતેલા પીટર ઉપર નજર કરી. પીટર હજુ પણ ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. આખી રાત દરિયાના તોફાનોમાં ઝઝૂમ્યા બાદ બંને અત્યંત થાકી ગયા હતાં.પછી આ ટાપુ ઉપર તરીને આવ્યા બાદ બંને આખો દિવસ સુતા રહ્યા.


જ્યોર્જ હજુ બેઠો જ થયો કે સામેના ઝાડી-ઝાંખરામાં સળવળાટ થયો. જ્યોર્જ શારીરિક રીતે થાકેલો હતો પરંતુ મનથી એકદમ સાબદો હતો. અને જેવું એણે એ તરફ જોયું તો ત્રણ-ચાર આકૃતિઓને બહાર નીકળી આવી. અંધારું જામી ચૂક્યું હતું. જ્યોર્જ નક્કી ના કરી શક્યો કે એ માનવ આકૃતિ હશે કે ચાર પગવાળા કોઈ પ્રાણી. બાજુમાં સૂતેલા પીટરને એણે જોરથી ઢંઢોળ્યો. પણ પીટર ઉઠ્યો નહીં.. એણે ફરી વાર પીટરને ઉઠાડવાની કોશિશ કરી પણ પીટર કંઈક બબડીને પાછો પડખું ફેરવીને સૂઈ ગયો.


આકાશમાં ચંદ્રમાનું આગમન હજુ થયું નહોતું. એટલે અંધારામાં એ આકૃતિઓને દૂરથી ઓળખવી જ્યોર્જ માટે મુશ્કેલ બની રહ્યું હતું. ત્યાં તો આકૃતિઓ એની તરફ આવતી હોય એવું એને લાગ્યું. જ્યોર્જ આવી રહેલ આ આફતથી ડઘાઈ ગયો. કારણ કે આ ટાપુ એના માટે તદ્દન નવો હતો. ટાપુ ઉપર કેવા પ્રાણીઓ હશે અને કેવા પ્રકારની માનવ વસાહતો હશે એ બાબતથી તે તદ્દન અજાણ હતો. અને અધૂરામાં પુરુ કોઈ હથિયાર પણ નહોતું સામનો કરવા માટે. એટલે આવી પરિસ્થિતિમાં સ્વાભાવિક છે માણસ ભય પામી જાય.


પણ એ એક સાહસિક નાવિક હતો. અને તે અનેક ટાપુઓ ઉપર ફર્યો હતો. અને આવી અનેક મુસીબતોનો સામનો એણે કર્યો હતો. તેની અંદરનું નાવિકપણું જાગી ગયું તેણે ભયને ખંખેરી નાખ્યો અને એકદમ ઉભો થઇ ગયો.


પહેલા જ્યોર્જે આજુબાજુ નજર દોડાવી પણ સામનો કરી શકાય એવી કોઈ પણ વસ્તુ એની નજરે ચડી નહિ. ત્યાં એનું ધ્યાન આજુબાજુ વેરાયેલા અર્ધસૂકા નાળિયેરો ઉપર પડી. અને તરત જ એના માઈન્ડમા ઝબકારો થયો. તરત આજુબાજુ પડેલા નાળિયેરો ભેગા કરી નાખ્યા.


પેલી આકૃતિઓ ધીમે પગલે આગળ વધી રહી હતી. જેમ-જેમ એ આકૃતિઓ તેની નજીક આવી રહી હતી તેમ-તેમ તેના હ્રદયના સ્પંદનો વધી રહ્યા હતા. ચાર-પાંચ મિનિટ જેટલો સમય પસાર થઇ ગયો અને જ્યોર્જથી લગભગ પચાસેક મીટરની દૂરી પર એ આકૃતિઓ થંભી ગઈ.


જ્યોર્જે ધ્યાનથી જોવાનો પ્રયત્ન કર્યો પણ તે એ આકૃતિઓને ઓળખી શક્યો નહીં કારણ કે અંધકાર પહેલા કરતાં વધારે ગાઢ બન્યો હતો. ત્યાં તો એક આકૃતિ હલી અને જ્યોર્જ તરફ આવવા લાગી.. જ્યોર્જ સાવધાન થઇ ગયો આકૃતિ તેનાથી થોડીક જ દૂર રહી હશે ત્યાં તેને એ આકૃતિની ચમકતી ભૂરી આંખો દેખાઈ.. અને તરત જ જ્યોર્જે ભેગા કરેલા નાળિયેરના ઝડપથી એક પછી એક ઘા કરવા માંડ્યા. અચાનક આવી રીતે હુમલો થતાં એ આકૃતિ ઝડપથી જ્યાંથી આવી હતી એ દિશામાં ભાગી... અને બીજી આકૃતિઓ પણ એની પાછળ ભાગી લગભગ એક બે મિનિટમાં તો એ સામેની ઝાડીમાં અદ્રશ્ય બની ગયા. પેલી આકૃતિઓના દોડવાની રીત પરથી જ્યોર્જે ધારી લીધું કે તે અવશ્ય કોઈ પ્રાણી હોવા જોઈએ.


પણ એક વાત જ્યોર્જને સમજાઈ નહિ.. આ પ્રાણીઓ સામે હુમલો કરવાની બદલે ભાગી ગયા કેમ ??


ત્યાં આ બધી ધમધમાટી સાંભળીને પીટરની પણ ઊંઘ ઉડી. એ સફાળો બેઠો થઇ ગયો. આંખો ચોળી આજુબાજુ જોયું તો જ્યોર્જ એક નાળિયેર હાથમાં લઈને સામેની ઝાડી બાજુ તાકી રહ્યો હતો. પીટરે જોરથી એક બગાસું ખાધું. બગાસું ખાવાનો અવાજ જ્યોર્જના કાને અથડાતા જ્યોર્જ પાછળ પીટર તરફ ફર્યો.


પીટરને ઉઠેલો જોઈ જ્યોર્જ બોલ્યો.. "ઉઠ્યા મહાશય.. કેટલો ઊંઘણશી છે તું યાર.. જો હું જાગેલો ના હોત જંગલી પ્રાણીઓ આપણી ચટણી બનાવી દેત.. કેટલો ઢંઢોળ્યો તને ઉઠ્યો નહીં તુ..


પીટર ગુનેગારની માફક નીચું જોઈને બેસી રહ્યો.


"જો મિત્ર પીટર આપણે હમણાં જે ટાપુ ઉપર છીએ. તેનાથી આપણે સાવ અજાણ્યા છીએ.. અહીંયા કેવા પ્રાણીઓ છે.. અહીં કેવી માનવ વસાહતો છે જેનાથી આપણે તદ્દન અજાણ્યા છીએ.. તેથી આપણે કોઈ ઉતાવળું પગલું ભર્યું અથવા જરા પણ ગફલતમાં રહ્યા તો આપણા મોતનું કારણ બની શકે છે.. જ્યોર્જે નાળિયેર બાજુમાં મૂકી પીટર પાસે બેસતા કહ્યું.


"ઓકે સર હવેથી બધી બાબતોનું ધ્યાન રાખીશ..'


પીટરે સંમતિસૂચક મસ્તક હલાવતા કહ્યું..


જ્યારે જહાજ ઉપર હતા ત્યારે જ્યોર્જ જહાજનો મુખ્ય નાવિક હતો..અને પીટર એના હાથ નીચે કામ કરતો હતો. તેથી પીટર જહાજ ફાટ્યા બાદ પણ જ્યોર્જને સર કહીને જ સંબોધિત કરતો હતો.


"અરે યાર હવેથી આ સર કહેવાનું બંધ... જહાજ ગયું.. આપણા પ્રાણ પ્રિય દોસ્તો પણ ગયા.. ખબર નહીં કેટલા બચ્યા હશે ? કહેતા-કહેતા જ્યોર્જનું ગળું ભરાઈ આવ્યું. ઘણી રોકવાની કોશિશ કરી છતાં આંખમાં પાણી ઘસી આવ્યા.


"હા યાર.. ખબર નહીં પ્રોફેસર અને કેપ્ટ્નનું શું થયું હશે. અને આપણું શું થશે આ નિર્જન ટાપુ ઉપર..' પીટરે દુઃખ સાથે કહ્યું.


"જો પીટર મારી ગણતરી સાચી હોય તો કદાચ આપણું જહાજ આજુબાજુના જ કોઈ ટાપુના ખડક સાથે અથડાયું હશે..' જ્યોર્જે અનુમાન લગાવતા કહ્યું.


"તમને કેવી રીતે ખબર પડી કે આપણું જહાજ નજીકનાં જ કોઈ ટાપુ સાથે અથડાયું હશે..?? પીટરે પ્રશ્ન કર્યો.


"આપણે જયારે જહાજમાંથી દરિયામાં ફેંકાયા ત્યારે મે એકવાર આજુબાજુ જોઈ લીધું હતું અને જે ટાપુના જમીન વિસ્તાર સાથે આપણું જહાજ અથડાયું તેના ઉપર મોટા વૃક્ષો અને નાના-નાના ખડકો મને દેખાયા પણ અંધકાર વધારે હોવાથી મને બધું ઝાંખું-ઝાંખું જ દેખાયું.. પછી લાકડું હાથમાં પડતા હું એને ચોંટી પડ્યો..અને ત્યાં અચાનક તું પણ ચોંટી પડ્યો લાકડા સાથે...' જ્યોર્જ એકીશ્વાસે બોલી ગયો.


"એમ હોય તો આપણે આજુબાજુના ટાપુ ઉપર શોધખોળ કરવી જોઈએ.. પીટરે આશા વ્યક્ત કરતા કહ્યું.


"પણ એ માટે આપણી પાસે કોઈ મજબુત હોડી કે કોઈ મજબૂત તરાપો જોઈએ ને... જે આપણી પાસે છે જ નહીં..' જ્યોર્જે નિરાશ થતાં કહ્યું.


"હા.. ભલે આપણી પાસે હોડી નથી પણ આપણે નાનકડો તરાપો તો બનાવી શકીએને..લાકડા તો આપણને આ ટાપુ ઉપરથી મળી જ રહેશે..' પીટરે નવી આશા જગાવતા કહ્યું.


"હા.. પણ હોડી કે તરાપો બનાવવા કોઈક સાધન તો જોઈએ જે તો આપણી પાસે છે નહિ.. વૃક્ષો કાપવા કુહાડી તો જોઈએ એનું શું કરીશું.." જ્યોર્જ ફરીથી નિરાશ થતો બોલ્યો.


"પરંતુ જો આપણને સૂકા વ્યવસ્થિત લાકડાઓ મળી જાય તો તરાપો સરળતાથી બનાવી શકાય.અને કદાચ આ ટાપુ ઉપરથી સૂકા તૂટેલા વૃક્ષોના લાકડાઓ જરૂર મળી રહેશે..' પીટરે ફરી કહ્યું..


"હા હવે એ બાબતે કાલે સવારે વિચારીશુ અત્યારે કંઈક ખાઈને સૂઈ જઈએ.. જો આ નાળિયેર તો ઘણાય પડ્યા છે પણ એમને છોલવા કઈ રીતે..' જ્યોર્જે નજીક પડેલા બે-ત્રણ નાળિયેર એકઠા કરતાં કહ્યું.


ત્યાં પીટરે ઢીંચણ પાસે આવેલા પેન્ટના ખિસ્સામાંથી એક નાનકડા છરા જેવી વસ્તુ કાઢી.. અને જ્યોર્જને આપી.


છરો જોતાંની સાથે જ્યોર્જ બોલી ઉઠ્યો "શાબાશ દોસ્ત ખરા ટાઈમે ઉપયોગી થાય એવી વસ્તુ સાચવીને રાખી છે..'


જ્યોર્જને ખુશ થયેલો જોઈને પીટર બોલ્યો.. "આ છરો હંમેશા મારા પેન્ટના ખિસ્સામાં રહે છે.. દરરોજ વજન લાગતું હતું મને આનું.. પણ આજે અચાનક જ કામમાં આવી ગયો. '


પછી એ છરા વડે જ્યોર્જે ફટાફટ નારિયેળ છોલી કાઢ્યા ત્યારબાદ બંને જણાએ એમાંનું પાણી પીધું.. પછી અંદરની છાલ ખાઈને પેટ ભર્યું..


ચંદ્રમાં ધીમે-ધીમે આકાશમાં વિહરી રહ્યો હતો. અંધારાથી ઘેરાયેલા ટાપુ ઉપર અજવાસ પડતા ટાપુ ઉપર આવેલી કુદરતી સંપત્તિઓ પ્રદર્શિત થવા લાગી.


ચંદ્રના અજવાળામાં ટાપુ ખુબ જ રમણીય લાગી રહ્યો હતો.. દૂર દેખાઈ રહેલા ઘટાદાર વૃક્ષો ટાપુની સુંદરતામાં વધારો કરી રહ્યા હતાં.. ચાર પાંચ માઈલ દૂર પર્વતોની હારમાળા દેખાઈ રહી હતી. ચંદ્રનું અજવાળું હોવા છતાં પર્વતની તળેટીમાં આવેલા વૃક્ષો પર્વતના પડછાયાના કારણે બિહામણા લાગી રહ્યા હતા.


ટાપુને ચંદ્રના અજવાળામાં શોભતો જોઈ પીટર આનંદ મિશ્રિત અવાજે બોલી ઉઠ્યો. "કેટલો સુંદર ટાપુ છે અદ્ભૂત..!!


"જેટલી જગ્યા સુંદર એટલી આફતો ભયાનક..' જ્યોર્જ ધીમું હસતા બોલ્યો.


"હા.. એ વાત પણ સાચી છે..' પીટરે સંમતિ સૂચક મસ્તક હલાવતા કહ્યું.


"જો પીટર હવે આપણી ભૂખ તો સંતોષાઈ ગઈ છે..એટલે અડધી રાત સુધી તું આરામ કરી લે પછી હું સૂઈશ.. કારણ કે આ ટાપુ આપણા માટે સાવ અજાણ્યો છે.. એટલે એકસાથે સૂવું હિતાવહ નથી.. ' જ્યોર્જે બોલ્યો.


"ઠીક છે.. કાલે સવારે આપણે ટાપુનું સારી રીતે નિરીક્ષણ કરીશુ..કારણ કે રાત્રે અપરિચિત જગ્યા પર ફરવું જોખમ રૂપ છે..' પીટરે દૂર દેખાઈ રહેલા પર્વતો તરફ જોતાં કહ્યું..


"સાચી વાત છે.. અને કઈ તરફ આગળ વધવું એ પણ કાલે નક્કી કરીશું..' જ્યોર્જે પીટરને ખભે હાથ મૂકીને કહ્યું.


જેમ-તેમ કરીને તેમણે આ ટાપુ ઉપરની પ્રથમ રાત પસાર કરી. રાત કોઈ પણ જોખમ વગર પસાર થઇ ગઈ. સવાર પડી સૂર્યનો પ્રકાશ પથરાયો ટાપુ ઉપર.. નાળિયેર પાણીનો નાસ્તો કર્યા બાદ બંનેએ આજુબાજુથી થોડાંક વેલાઓ લાવી તેની ઝોળી બનાવી અને તેમાં થોડાંક નાળિયેર ભર્યા.. જ્યોર્જે બે સૂકી ડાળીઓને તોડીને બે લાકડીઓ બનાવી..


અહીંથી તેમનો આ ટાપુ ઉપરનો પ્રવાસ શરૂ થયો.


સૂર્ય ખુલ્લા આકાશમાં ધીમી ગતિએ આગળ વધી રહ્યો હતો. લગભગ બપોરે તેઓ ઝાડી ઝાંખરા વટાવી પર્વતની તળેટી પાસે આવી પહોંચ્યા.


"પીટર કંઈ સંભળાય છે તને..' જ્યોર્જે ડાબી તરફ પોતાનો કાન માંડીને કહ્યું.


"હા... દબાયેલા અવાજો આવી રહ્યા છે આ બાજુથી..' પીટરે ડાબી બાજુ આંગળી કરતાં કહ્યું.


"ચાલ તપાસ કરીએ છે શું..' જ્યોર્જે પીટરને એ બાજુ આગળ વધવા કહ્યું.


બંને એ બાજુ આગળ વધવા લાગ્યા. પંદર વીસ મિનિટ જેટલું ચાલ્યા હશે. ત્યાં સામે એક નાનકડી નદી વહી રહી હતી.અને નદીને પેલે પાર અમૂક માણસો પણ આમથી તેમ ફરી રહ્યા હતાં... તેઓ આદિવાસી જેવા લાગતા હતા.. ખાલી શરીર નાનકડું કપડું વીંટાળેલું લાગતું હતું..


"જ્યોર્જ જો.... પેલા આવ્યા...' પીટરે ભયથી ચીસ પાડી


જ્યોર્જે જમણી બાજુ જોયું તો ચાર પાંચ આદિવાસી જેવા લાગતા માણસો એમની તરફ દોડતા આવી રહ્યા હતા.. તેમના હાથમાં કંઈક અણીદાર હથિયાર હતું.. જ્યોર્જ સામેની બાજુ જોવામાં ખોવાયેલો હતો અને આ બાજુ જ જોખમ એમની તરફ આગળ વધી રહ્યું હતું..


"પીટર.. ભાગ.. જલ્દી..' કહીને જ્યોર્જ પેલાઓથી વિરુદ્ધ દિશાએ દોડવા લાગ્યો.


પીટર પણ નારિયેળની ઝોળી ત્યાંજ પડતી મૂકીને જ્યોર્જની પાછળ ભાગ્યો..


થોડી જ વારમાં તે બંને સામે આવેલી ઝાડીમાં અદ્રશ્ય થઇ ગયા. પણ પેલા આદિવાસીઓ પણ પીછો મૂકે એવા નહોતા. તેઓ પણ તેમની પાછળ ભાગ્યા. ત્યાં પીટર ઠોકર વાગતા નીચે ગબડી પડ્યો.. અને જ્યોર્જ એક મોટા વૃક્ષ પાછળ સંતાઈ ગયો. પેલા આદિવાસીઓ આવી ગયા અને પીટરને પકડી લીધો.. પીટરે છૂટવા માટે ફાંફા માર્યા પણ પેલાઓએ એના હાથ પાછળ બાંધી દીધા.


પીટરે બચાવ માટે જ્યોર્જને બુમો પાડી..પણ જ્યોર્જ બહાર આવ્યો નહીં.


જ્યોર્જને શોધ્યો પણ જ્યોર્જ મળ્યો નહીં.. એટલે પેલાઓ પીટર લઈને ચાલવા લાગ્યા. પીટરે ઘણા ધમપછાડા કર્યા પણ એ ફાવ્યો નહીં.. જ્યોર્જ લાચાર બની એક વૃક્ષની પાછળ પોતાના વહાલા મિત્રને કરગરતો જોઈ રહ્યો હતો. પણ બચાવી શક્યો નહીં..


*******************************************


••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••


*******************************************


વનમાનવ પ્રોફેસરને ઉપાડી ગયો.


||||||||||||||||||||||||||||||||||||||||||||||||


___________________________


ફિડલની ચીસ સંભાળીને કેપ્ટ્ન અને તેના સાથીદારો એ પાછળ જોયું. પાછળ જોતાં જ એમના શરીર ધ્રુજી ઉઠ્યા. બે મોટા કદના વનમાનવ પોતાની વિકરાળ આંખો ફાડીને પ્રોફેસરની પાસે ઉભા હતા. દેખાવ માણસ જેવો જ હતો પણ આખા શરીરે રીંછ જેવી મોટી ભૂખરી રુવાંટીઓ હતી.એમના ઝડબા ગોરીલા કરતા પણ વિકરાળ લાગી રહ્યા હતા..


ફિડલ થોડે દૂર ઉભો હતો.. બીકથી એનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. કેપ્ટ્ન , રોકી અને જોન્સન પણ ત્યાં જ પૂતળું બનીને ઉભા રહી ગયા. શું કરવું એ તેમને સમજાયું નહીં.


ત્યાં તો એક વનમાનવે પોતાના હાથથી પ્રોફેસરને ઉંચક્યા.. પ્રોફેસર ભયના માર્યા ચીસ પાડી ઉઠ્યા. ફિડલ તો ત્યાં જ બેભાન થઈને ઢળી પડ્યો. કેપ્ટ્નને શું કરવું એ કંઈ સમજણ ના પડી. એક વનમાનવે પ્રોફેસરને ઉંચકીને ચાલવા માંડ્યું. પ્રોફેસરની દર્દભરીચીસોથી આખો ટાપુ વિસ્તાર ધ્રુજી ઉઠ્યો.


બીજા હિમ માનવે બેભાન પડેલા ફિડલને ઉચક્યો અને એ પણ ચાલવા લાગ્યો.. કેપ્ટ્ન અને તેના સાથીદારોએ હાકોટા કરવા માંડ્યા.. પાછળ પથ્થરો પણ ફેંક્યા પણ એની કોઈ અસર થઇ નહીં..


કેપ્ટ્ન પોતાના સાથીઓની આ દશા જોઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. પણ તરત જ સ્વસ્થ થઇ ગયા.. કારણ કે એમને ખબર હતી કે એ પોતે આમ ભાન ગુમાવશે.. તો બચેલા સાથીદારો પણ ભાંગી પડશે.


" ચલો મિત્રો આપણે જલ્દી આ વનમાનવો પાછળ જઈએ.. કદાચ ક્યાંક નીચે મૂકે આપણા બંને સાથીદારોને તો એમને બચાવી શકાય..' કેપ્ટ્ન આંસુઓ લૂછી ઝડપથી ચાલતા કહ્યું..


બાકીના સાથીદારો પણ કેપ્ટ્નની પાછળ ઝડપથી ચાલ્યા.. જોન્સને વચ્ચે આવેલા વૃક્ષની બે ત્રણ ડાળીઓ તોડી લાકડી બનાવી.. કારણ કે બીજું કોઈ હથિયાર તો એમની પાસે હતું નહીં. એટલે જરૂર પડ્યે આ જ હથિયાર કામ આવવાનું હતું.


જે તરફ વનમાનવો પ્રોફેસર અને ફિડલને ઉપાડીને ગયા હતા. એ તરફ વનમાનવોના પગલાંના નિશાન જોઈને બધા ઝડપથી આગળ વધતા હતાં. પણ હવે રેતાળ વિસ્તાર પૂરો થઇ ગયો. અને ઘટાદાર વૃક્ષો તથા નાના ઘાસનો વિસ્તાર આવ્યો.


વનમાનવોનું શરીર ભારે હોવાથી ઘાસ પર સ્પષ્ટ રીતે તેમના પગલાંના નિશાન જોઈ શકાતા હતાં. આજુબાજુના વૃક્ષો ઉપર પક્ષીઓ ધીમો કલબલાટ કરી રહ્યા હતાં. સૂરજ માથા ઉપર આવી ગયો હતો. લગભગ બપોરનો સમય થઇ ગયો હતો. વનમાનવો ક્યાંય દેખાતા નહોતા ફક્ત એમના પગલાંના નિશાન દેખાઈ રહ્યા હતાં. એના આધારે કેપ્ટ્ન અને તેમના સાથીદારો આગળ વધી રહ્યા હતાં.. સૌના મનમાં ભય વ્યાપી ગયો હતો કે વનમાનવ એમના સાથીદારોને મારી ના નાખે..


ત્યાં પાછો ખડકાળ વિસ્તાર શરૂ થયો.. જોકે આવા ખડકાળ વિસ્તારમાં પગલાં નિશાન ઓળખવા બહુ મુશ્કેલ હતાં છતાં વનમાનવ પગના આગળના નહોર ખડકાળ જમીનમાં પણ ખૂંપી જવાના કારણે પગલાંની આછી છાપ પડી જતી હતી. કેપ્ટ્નની અનુભવી આંખો આ ઓળખી જતી હતી.. વળી કલાક જેટલું ચાલ્યા હશે ત્યાં ફરીથી નાના ઘાસ અને ઝાડવાઓનો વિસ્તાર શરૂ થયો.


થોડાક ચાલ્યા હશે એ વિસ્તારમાં ત્યાં અચાનક કેપ્ટ્ને બધાને થંભી જવાનો ઇસારો કર્યો. બધા હતાં ત્યાંજ ઉભા રહી ગયા. કેપ્ટ્ને આગળની દિશામાં કાન માંડીને સાંભળવાનો પ્રયત્ન કર્યો.. તેમને આગળ કોઈ પાણી પીતું હોય એવો ડબુક ડબુક અવાજ કાને પડ્યો.. કેપ્ટ્ને ધીમેથી એ તરફ આગળ વધવાનો ઇસારો કર્યો.


બધા અવાજની દિશામાં આગળ વધવા લાગ્યા. ઘટાદાર વૃક્ષોનો પ્રદેશ વટાવી થોડાક જ આગળ ગયા ત્યાં તેમને નાના ઝરણું હોય તેવું દેખાયું. બધા એ તરફ આગળ વધ્યા ત્યાં જોન્સને બધાને એકદમ રોકવાનો ઇસારો કર્યો. કેપ્ટ્ન નજીક જઈને જોન્સને ઝરણાની જમણી તરફ આંગળી ચીંધી. કેપ્ટ્ને જોયું તો એક વનમાનવ મોઢું નીચું કરીને ઝરણાનું પાણી પી રહ્યો હતો.. અને તેનાથી થોડેક દૂર ફિડલ બેભાન અવસ્થામાં પડ્યો હતો.. ત્યાં રોકીએ કેપ્ટ્ન અને જોન્સનને હચમચાવીને અવાજ ના થાય એ રીતે સામેની દિશામાં ઇસારો કર્યો.


કેપ્ટ્ન અને જોન્સને સામેની દિશામાં જોયું તો એક વનમાનવ પ્રોફેસરને ઉપાડીને જઈ રહ્યો હતો. પણ પહેલા તેમણે ફિડલને બચાવવાંનો નિર્ણય કર્યો.


ગરમી વધારે હોવાથી ઝરણાના આ કિનારે રહેલા વનમાનવે મસ્ત બનીને ઝરણામાં નાહવા માંડ્યું..


કેપ્ટ્ને રોકીને નજીક બોલાવી કાનમાં કહ્યું "રોકી જલ્દી આજુબાજુથી મજબૂત વેલાઓ તોડી લાવ. જલ્દી કરજે'


રોકી વેલા તોડવા ચાલ્યો ગયો..અને કેપ્ટ્ન તથા જોન્સન નજીકથી પથ્થરો એકઠા કરવા લાગ્યા.


વેલા લાવ્યા પછી કેપ્ટ્નને એમાંથી જલ્દી એક ગાળિયો બનાવ્યો. તેનો એક છેડો વૃક્ષના થડ સાથે બાંધ્યો. આ કામ કરતાં તેમને લગભગ પંદર થી વીસ મિનિટ થઇ હશે છતાં પેલો વનમાનવ તો હજુ પણ નહાવામાં વ્યસ્ત હતો.. નહાવામાં એ એટલો બધો તલ્લીન બની ગયો હતો કે એને જરાય ગંધ પણ ના આવી કે એની આસપાસ શું થઇ રહ્યું છે.


પછી વનમાનવની પીઠ જેવી એમની બાજુ થઇ કે તરત જ કેપ્ટ્ન પાણીમાં કૂદી પડ્યા અને ઝડપથી વનમાનવની ડોકમાં એ ગાળિયો નાખી દીધો.અને બીજા જ હાથે એને ગાળામાં ટાઈટ કરી દીધો. આ બધું એટલી ઝડપથી બની ગયું કે વનમાનવ ખુદ ગભરાઈ ગયો. ગળામાં ગાળીઓ નાખી કેપ્ટ્ન ઝડપથી બહાર નીકળી ગયા.. વનમાનવે પોતાના ગળાને ગાળિયાથી મુક્ત કરાવવા ધમપછાડા કરવા માંડ્યા પણ ગાળિયાની ભીંસ વધતી ગઈ અને તે ત્યાંજ પાણીમાં ઢળી પડ્યો. એને પાણી જલ્દી એના નાકમાં ઘુસી ગયું થોડોક શ્વાસ લેવાતો હતો એ પણ હવે બંધ થયો.. અને થોડી જ વારમાં એ ત્યાંજ તરફડીને મૃત્યુ પામ્યો.



કેપ્ટ્ન અને તેના સાથીદારો જલ્દી ફિડલને વૃક્ષોની પાછળ ખેંચી ગયા. જોન્સન બેચાર મોટા પાંદડાઓઓને વાટકી જેવું બનાવીને તેમાં પાણી લઈ આવ્યો.. પછી તેના મોંઢા ઉપર પાણી છાંટ્યું.. અને થોડુંક પાણી મોઢું ખુલ્લું કરીને તેમાં રેડ્યું.
પાણીનો સ્પર્શ થતાં થોડીક વાર પછી ફીડલે આંખો ખોલી. એ જોઈને બધા ખુશ થયા.. પછી રોકીએ બની ગયેલી ઘટના ફિડલને કહી સંભળાવી.. ફિડલની આંખમાં આંસુ આવી ગયા અને તે બધાને ભેંટી પડ્યો..

સાંજ પડી ચુકી હતી. તરત કેપ્ટ્ન અને તેના સાથીદારો આજુબાજુ યોગ્ય આશ્રયસ્થાન શોધવા લાગ્યા જેથી રાત સારી રીતે પસાર કરી શકાય.

બધા સાથીદારોને સંબોધીને કેપ્ટ્ન બોલ્યા "મિત્રો આપણે આ ઝરણાથી થોડેક દૂર રાત્રી પસાર કરીશું.. કારણ કે અહીંયા વનમાનવનો ભય વધારે છે..'

" કેપ્ટ્ન પ્રોફેસર સાહેબને શોધવા નથી જવું આજે..? ફિડલે પ્રશ્ન કર્યો

"ના આજે નહીં કાલે સવારથી પ્રોફેસરને શોધવા જઈશું આ વિસ્તારમાં વનમાનવની વસ્તી મને વધારે લાગે છે એટલે જવું યોગ્ય નથી..' કેપ્ટ્ન ઢીલા અવાજે બોલ્યા. કારણ કે એ એમના પ્રાણ પ્રિય દોસ્તને ખોવા નહોતા માંગતા અને બચી ગયેલા સાથીદારોને જોખમમાં મુકતા પણ એમનો જીવ અચકાતો હતો.

ત્યાં દૂર ના સમજાય એવી ભાષામાં ચીસો સંભળાઈ.. કેપ્ટ્ને વૃક્ષની પાછળ રહીને ઝરણા સામે કિનારે નજર કરી તો ત્યાં બે વનમાનવો લડી રહ્યા હતા.. એકબીજાને હાથના પંજા મારી રહ્યા હતા.. પંજા મારવાના અવાજો અહીંયા સુધી સ્પષ્ટ સંભળાતા હતા.. ત્યાં તો એક વનમાનવે બીજા વનમાનવને જોરથી જમીન ઉપર પછાડ્યો.અને એની ઉપર બેસી ગયો..ત્યારબાદ ઉભા થઈને જીત મેળવ્યાની મોટી ગર્જના કરી.. અને પછી નીચે પડેલા વનમાનવને ઉભો કર્યો અને બંને ભેંટી પડ્યા.. ત્યારબાદ બંને ઝરણામાં નહાવા લાગ્યા.. કેપ્ટ્ન અને તેના સાથીદારો આ દ્રશ્ય જોઈને અચંબિત થયા કારણ કે તેમને સમજાયું નહીં કે આ વનમાનવોની લડાઈ હતી કે રમત..

અંધારું ધીમે-ધીમે ટાપુની ધરતી ઉપર પથરાઈ રહ્યું હતું.. કેપ્ટ્ન અને તેના સાથીદારો સુરક્ષિત આશ્રયસ્થાનની શોધમાં
ઉપડી ગયા.

***************************************
••••••••••••••••••••••••••••••••••••••••••••••••••

આદિવાસીઓએ પીટરને પકડ્યો ત્યારે જ્યોર્જે પીટરને બચાવવાનો ટ્રાય શા માટે ના કર્યો ??

આદિવાસીઓ પીટરને ક્યાં લઈ ગયા હશે ??

વનમાનવો પ્રોફેસર જીવતા રાખશે કે નહીં ??

પ્રોફેસરને બચાવવા માટે કેપ્ટ્નની યોજના શું હશે ??

👆👆આ બધા પ્રશ્નોનો જવાબ આગળના ભાગમાં મળશે..

તમારા અમૂલ્ય પ્રતિભાવ અને સલાહ સૂચનો અવશ્ય આપજો..

**************************************
•••••••••••••••••••••••••••••••••••••••••••••••••