rahasymay tapu upar vasavat.. - 7 books and stories free download online pdf in Gujarati

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 7

નગર નિર્માણની યોજના..
_______________________


"આ છે અલ્સ પહાડ.. મેદાનને બે ભાગમાં પરિવર્તિત કરીને વચ્ચે વહી રહી છે એ છે ઝોમ્બો નદી..' કેપ્ટ્ને એમના સાથીદારોને માહિતી આપતા કહ્યું.


આગળના દિવસે જ્યોર્જ અને પીટરને મળ્યા બાદ બીજા દિવસની વહેલી કેપ્ટ્ન હેરી , પ્રોફેસર અલ્બુકર્ક , જોન્સન , ફિડલ અને રોકી અલ્સ પહાડની તળેટી પાસે આવી ગયા.


અલ્સ પહાડની ઉપર તરફ વચ્ચેથી નીકળતો પાણીનો ધોધ નીચે આવેલી શીલા સાથે અથડાઈને ઝોમ્બો નદીમાં ભળી જતો હતો. અલ્સ પહાડ અને તેની આસપાસ આવેલી ટેકરીઓ સવારનો પહોર હોવાથી ધુમ્મસથી ઘેરાયેલી હતી.


અલ્સ પહાડને ઘેરીને નીકળેલી ઝોમ્બો નદી અલ્સ પહાડના આગળના ભાગે આવેલા મેદાનને બે ભાગમાં વહેંચીને જંગલમાં પ્રવેશતી હતી.


કેપ્ટ્ન તો આગળના દિવસે પણ ત્યાં આવી ગયા હતા. એમના સાથીદારો માટે આ જગ્યા નવી હતી. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય જોઈને બધા મુગ્ધ બની ગયા.


"ખુબ સુંદર જગ્યા છે.. વાતાવરણ પણ આહલાદ્ક..! ' સવારની હવાની મીઠી ખુશ્બૂનો આનંદ માણતા પ્રોફેસર બોલી ઉઠ્યા.


"પેલો ધોધ જુઓ કેવો જબરજસ્ત પડી રહ્યો છે..' ફિડલે ધોધ સામે હાથ લાંબો કરીને કહ્યું.


બધા અહીંના પ્રાકૃતિક સૌંદર્યના ખુલ્લા મને વખાણ કરી રહ્યા હતા. ઊંડા વિચારોમાં ખોવાયેલા કેપ્ટ્ન હેરી એક પથ્થરની શીલા પર બેસીને મેદાનને બે ભાગમાં વહેંચતી ઝોમ્બો નદીને એક જ નજરે તાકી રહ્યા હતા. પ્રોફેસરનું ધ્યાન કેપ્ટ્ન તરફ ગયું. કેપ્ટ્નને ઊંડા વિચારોમાં ડૂબેલા જોઈને પ્રોફેસર કેપ્ટ્ન પાસે આવ્યા. અને પાછળથી એમણે કેપ્ટ્નના ખભા ઉપર હાથ મુક્યો. પ્રોફેસરે સ્પર્શ કર્યો છતાં હજુ પણ કેપ્ટ્ન વિચારોની તંદ્રામાંથી જાગ્યા નહોતા.


"શું થયું કેપ્ટ્ન આજે બહુ ઊંડા વિચારોમાં ડૂબ્યા છો..' પ્રોફેસરે બાજુમાં પડેલી પથ્થરની શીલા પર બેઠક જમાવતા કહ્યું.


"કેટલું અદ્ભૂત દ્રશ્ય છે પ્રોફેસર.. અહીંની પ્રકૃતિ તો જુઓ કેટલી શુદ્ધ અને નિર્મળ છે..' કેપ્ટ્ન વિચારમાંથી બહાર આવતા બોલ્યા.


"હા કેપ્ટ્ન ખુબ સુંદર અને રમણીય જગ્યા છે.. અહીંના શુદ્ધ વાતાવરણમાં આદિવાસીઓનું નગર બને તો આદિવાસીઓ માટે એ સદ્દભાગ્યની વાત કહેવાય..' પ્રોફેસર બોલ્યા.


"હા..પણ આ ઝોમ્બો નદી આ મેદાનના બે ભાગ કરી નાખે છે તો બે ભાગમાં કેવીરીતે નગર તૈયાર કરવું..?' કેપ્ટ્ને મેદાનની વચ્ચે વહી રહેલી ઝોમ્બો નદીનું નિરીક્ષણ કરીને પ્રોફેસરને કહ્યું.


"હા..એ મોટી સમસ્યા છે આનો હલ ક્યાંથી લાવીશું..? પ્રોફેસરે પ્રશ્નાર્થ નજરે કેપ્ટ્ન સામે જોયું.


"આપણે આપણા સાથીદાર જ્યોર્જ અને રાજકુમારી ક્રેટીને એક કરવા માટે ગમે તે કરવું પડશે પ્રોફેસર..' કેપ્ટ્ને પ્રોફેસરની આંખમાં જોઈને કહ્યું.


પ્રોફેસરે કેપ્ટ્નની આંખોમાં જોયું તો એમની આંખોમાં પોતાના સાથીઓ માટે ગમે તે કરવાની ચમક દેખાતી હતી. કારણ કે કેપ્ટ્ને પોતાનું વહાલું 'કોર્નિયા' જહાજ ગુમાવ્યા પછી જે સાથીદારો બચ્યા હતા એમના માટે તેઓ જે કરવું પડે એ કરવા માટે તૈયાર હતા.


"આપણે જરૂરકામ પાર પાડીશું કેપ્ટ્ન.. આપણા મિત્ર માટે આપણે કોઈ પણ ભોગે આ કામ પાર પાડીશું..' પ્રોફેસરે કેપ્ટ્નના ખભે હાથ મૂકીને હિંમત આપી.


"પ્રોફેસર આપણે નદીના આ કિનારે આંટો મારી લઈએ ત્યાં સુધી જ્યોર્જ અને પીટર પણ આવી જશે પછી નગરની રચના કેવીરીતે કરવી એ ચર્ચા કરીશું..' શીલા ઉપરથી ઉભા થતાં કેપ્ટ્ન હેરી બોલ્યા. પ્રોફેસર પણ ઉભા થયા અને ચાલ્યા કેપ્ટ્નની સાથે.


ફિડલ , રોકી અને જોન્સન તો પેલા ધોધ પાસે પહોંચી ત્યાં આનંદથી નાહી રહ્યા હતા. થોડીવાર નાહ્યા પછી ત્રણેય ધોધ નીચેથી બહાર આવ્યા અને ત્યાં પડેલા એક મોટા પથ્થર ઉપર ત્રણેય જણાએ બેઠક જમાવી.


"કેટલી સુંદર જગ્યા છે.. આ પહાડ કેટલો અદ્ભૂત છે એની વચ્ચેથી જ ભેખડમાંથી ધોધ પડી રહ્યો છે..' ફિડલ ઉપર જ્યાંથી ધોધ પડી રહ્યો હતો એ તરફ જોઈને બોલ્યો.


"અદ્ભૂત છે આ જગ્યા.. ઉપરથી ધોધ નીચે તરફ પડે છે અને શીલા શીલા સાથે અથડાઈને નદીમાં ભળી જાય છે..' રોકીએ પણ વખાણ કરતા કહ્યું.


"રોકી..ફિડલ.. જોન્સન..' પાછળથી અવાજ આવ્યો. ત્રણેય પાછળ ફર્યા તો થોડેક દૂર જ્યોર્જ , ક્રેટી , એન્જેલા અને પીટર ઉભા હતા. જ્યોર્જ એમને બોલાવી રહ્યો હતો.


આગળના દિવસે ક્રેટી અને એન્જેલાને એમણે જોઈ હતી એના કરતા આજે અદ્ભૂત અને ખુબ જ સુંદર લાગી રહી હતી. કારણ કે આગળના દિવસે ક્રેટી નદીમાં તણાઈ હતી અને એન્જેલા પણ દોડી હતી એટલે એમની સુંદરતા સહેજ ઝાંખી થઈ ગઈ હતી. આજે બન્ને સુંદરીઓ સૌંદર્યની દેવી સામાન લાગી રહી હતી.


ફિડલ , રોકી અને જોન્સન ત્રણેય જ્યોર્જ પાસે પહોંચ્યા.


બધાએ એકબીજા સામે જોઈને હળવું સ્મિત કર્યું. પીટર અને જ્યોર્જ એમના સાથીદારોને ભેટ્યા.


"અરે રોકી.. કેપ્ટ્ન અને પ્રોફેસર ક્યાં છે દેખાતા નથી..' જ્યોર્જે આજુબાજુ જોયું અને પ્રોફેસર અને કેપ્ટ્ન ન દેખાતા રોકીને પૂછ્યું.


"એ બંને જણ નદીના કિનારે આંટો મારવા ગયા છે ચાલો આપણે એ તરફ જઈએ..' રોકીએ જ્યોર્જને કહ્યું.


"ખરેખર મને તમારા બધાનો જ્યોર્જ અને પીટર પ્રત્યેનો સ્નેહ જોઈને બહુ ખુશી થઈ..' ક્રેટીએ ફિડલ , જોન્સન અને રોકી સામે જોઈને આભારવશ અવાજે કહ્યું.


"અરે.. ભાભી અમે અમારા વ્હાલા દોસ્તો માટે તો પથ્થરમાંથી પણ પાણી કાઢી દઈએ..' રોકીએ ક્રેટી સામે જોઈને હસતા કહ્યું..


રોકીની વાત સાંભળીને બધા હસી પડ્યા. ક્રેટી તો બિચારી રોકીના મોઢેથી ભાભી શબ્દ સાંભળીને શરમથી જ્યોર્જની પીઠ પાછળ એનું રૂપાળું મુખ સંતાડી દીધું.


"અમે બહુ સદ્દભાગી છીએ.અમને એકસાથે બે ભાભી મળી..' ફિડલે પણ મજાક કરી.


ફિડલની વાત સાંભળીને બધા ફરીથી હસી પડ્યા. એન્જેલા ના ગાલ શરમથી લાલ થઈ ગયા.


"ભાભી.. ભાભી કરો છો પણ તમારા બન્ને મિત્રોને જે કામ સોંપવામાં આવ્યું છે એ પૂર્ણ કરશો તો જ અમે તમારી ભાભી બની શકીશું..' ક્રેટી મજાકના સૂરમાં બોલી.


પ્રોફેસર અને કેપ્ટ્ન નદીનો કિનારો જોઈને પાછા ફર્યા હતા. આવતાની સાથે તેમને ક્રેટીના શબ્દો કાને પડ્યા એટલે તેઓ બોલી ઉઠ્યા.


"અમે અમારા બંને સાથીદારો માટે આટલું તો જરૂર કરી શકીશું રાજકુમારી..' કેપ્ટ્નનો અવાજ સાંભળીને બધા પાછળની તરફ ફર્યા.


બધા સાથીઓ જ્યોર્જ અને પીટરની ઉંમરને સમકક્ષ હતાં. ફક્ત પ્રોફેસર અને કેપ્ટ્ન એમનાથી ઉંમરમાં મોટા હતા. અન્ય સાથીઓને બાદ કરતા પ્રોફેસર અને કેપ્ટ્નના લગ્ન પણ થઈ ચુક્યા હતા. પ્રોફેસરના લગ્નને તો ફક્ત છ-સાત મહિના જ થયા હતા અને તેઓ પોતાની વહાલી પત્નીને વતનમાં મૂકીને કેપ્ટ્ન હેરી સાથે આ સફરમાં જોડાયા હતા.


"મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમે અમને એક કરવા માટે ગમે તે કરી છૂટશો. આ માટે અમે ચારેય તમારા સદાય આભારી રહીશુ..' ક્રેટીએ કેપ્ટ્ન અને પ્રોફેસર સામે જોઈને આભારથી ગદ્દગદિત અવાજે કહ્યુ.


જ્યોર્જ અને પીટર તો દોડીને ભેંટી જ પડ્યા. કેપ્ટ્ને વહાલથી બન્નેની પીઠ ઉપર હાથ ફેરવ્યો. એમના સાથીદારોની આટલી બધી લાગણીઓ જોઈને જ્યોર્જ અને પીટરની આંખોમાંથી હર્ષના આંસુઓનો પ્રવાહ વહી રહ્યો હતો. પીટર અને જ્યોર્જને આવી રીતે પ્રેમથી ભેંટતા જોઈને બધાની આંખમાં આંસુ આવી ગયા. આ અદ્ભૂત અને રમણીય પ્રકૃતિથી ભરપૂર સ્થળે આજે બધાની લાગણીઓ ખીલી ઉઠી હતી.


"બેટી ક્રેટી.. અને એન્જેલા હું જ્યોર્જ અને પીટરને મારા પુત્ર સામાન ગણું છું. એક પિતાની જેમ હું આ કાર્યને પાર પાડીશ અને તમને ચારેયને એક કરીશ..' કેપ્ટ્ને વારાફરતી ક્રેટી અને એન્જેલા સામે જોઈને વહાલભર્યા અવાજે કહ્યું.


કેપ્ટ્નના મુખેથી બેટી શબ્દ સાંભળીને એન્જેલા અને ક્રેટી દોડીને કેપ્ટ્નને ભેંટી પડી. કેપ્ટ્ને બન્ને પર વાત્સલ્યથી હાથ ફેરવ્યો.


આ અંજાન લોકોએ ક્રેટી અને એન્જેલાના મન ઉપર આજે ઊંડી છાપ પાડી દીધી હતી. જ્યોર્જ અને પીટર સાથેની થોડાક દિવસની ઓળખાણ એમને અલગ જ રીતે અભિભૂત કરી દીધી હતી. આ બન્ને પરદેશીઓ તરફ બન્ને સુંદરીઓનું હૈયું પ્રબળતાથી ખેંચાઈ રહ્યું હતું. એમને લાગી રહ્યું હતું કે આ બન્ને સાથે તેઓ ક્યાંક જોડાયેલી છે. ખરેખર આ શું થઈ રહ્યું છે એ એમને સમજાતું નહોતું.. પ્રેમ કે સ્ત્રી અને પુરુષ વચ્ચેનું આકર્ષણ ??


"રોકી તું અને જોન્સન જાઓ પેલા ઘટાદાર વૃક્ષ નીચે થોડીક સફાઈ કરીને બેસવાની વ્યવસ્થા કરો..' કેપ્ટ્ને એક મોટા વૃક્ષ સામે આંગળી ચીંધીને જોન્સન અને રોકીને કહ્યું.


"હા.. અમે કરી નાખીએ થોડીક વારમાં..' રોકી કેપ્ટ્ન સામે જોઈને કહ્યું.. "ચાલ જોન્સન..' જોન્સન સામે જોઈને ફરીથી બોલ્યો.


રોકી અને જોન્સન બેસવા માટેની જગ્યા તૈયાર કરવા માટે ચાલ્યા ગયા.


"હું જમવાની વ્યવસ્થા કરી દઉં બધા માટે..' ફિડલે બધા સામે જોઈને હસીને કહ્યું.


"હા.. તમારા બહુ વખાણ સાંભળ્યા છે જ્યોર્જ પાસેથી. તમે જમવાનું બહુ સારું બનાવી શકો છો..' ક્રેટી હસીને ફિડલ સામે જોતા બોલી.


"શિકારી પણ સારા છો.. અને તમારું નિશાન અચૂક હોય છે એવું પીટર કહેતા હતા..' એન્જેલાએ પણ ફિડલની પ્રશંસા કરી.


"આજે તમને બધાને સુંદર અને સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ ચખાડીશ..' બન્ને સુંદરીઓના મોઢેથી પોતાના વખાણ સાંભળીને ફિડલે ફુલાઈ જતાં કહ્યું.


ફિડલ પણ ચાલ્યો ગયો. આજે એના દિલમાં બધાને સુંદર ભોજન જમાડવાની ઈચ્છા હતી એટલે એ શિકારની શોધમાં બાજુના જંગલમાં ગયો.


સૂર્ય હવે આકાશમાં આગળ વધી રહ્યો હતો. આજે આકાશમાં છુટા-છવાયા વાદળાઓ છવાયેલા હતા એટલે સૂર્ય એમની સાથે સંતાકૂકડી રમતો આગળ વધી રહ્યો હતો. અલ્સ પર્વતની આજુબાજુ છવાયેલું ધુમ્મસ પણ સૂર્યની રોશનીનું આગમન થતાં ગાયબ થઈ ગયું હતું. સૂર્યના કિરણો વહેતી નદીમાંથી પરાવર્તિત થઈને એમની આંખો સુધી આવી રહ્યા હતા. ક્યાંક ઉગેલા છુટા-છવાયા ઘાસ ઉપર જામેલા ઝાકળબિંદુઓ સૂર્યપ્રકાશમાં ચમકીને ધીમે-ધીમે અદ્રશ્ય બનતા હતા.


"જ્યોર્જ આ જગ્યા અદ્ભૂત અને રમણીય છે. ક્લિન્ટન દેવતાએ એમના લોકો માટે અદ્ભૂત જગ્યા પસંદ કરી છે..' કેપ્ટ્નની વાત સાંભળીને બધા વિચારોમાંથી બહાર આવ્યા.


"અમારો ઇતિહાસ કોઈક બીજી જગ્યા સાથે જોડાયેલો છે. ક્લિન્ટન દેવ અમારા પૂર્વજ હતા તેઓ લગભગ ચારસો કુટુંબો સાથે પાંચસો વર્ષ પહેલા દરિયાઈ સફર માટે જઈ રહ્યા હતા અને દરિયાઈ તોફાનોના કારણે એમનું જહાજ આ ટાપુના કિનારે નષ્ટ પામ્યું. જેમાંથી મોટાભાગના લોકો બચી ગયા અને આ ટાપુ ઉપર વસવાટ કર્યો. પછી અહીંયા અમારી વસ્તી વધતી ગઈ. ક્લિન્ટનને બધા લોકો બહુ મહાન માનતા હતા. એમણે બે રાજ્યશાસ્ત્ર લખ્યા છે એમાંથી પહેલા રાજ્યશાસ્ત્રમાં અમારા આખા ઇતિહાસનો ઉલ્લેખ છે. મેં આ ટાપુ સિવાય બીજી કોઈ જગ્યા જોઈ નથી.. પણ એટલો ખબર મને કે બીજી પણ અન્ય કોઈ જગ્યા છે જ્યાં અમારા પૂર્વજોનું જન્મસ્થાન હતું..' ક્રેટીએ કહી સંભળાવ્યું.


"મને તમારી ભાષા ઉપરથી ખબર પડી ગઈ હતી કે કંઈક તો ગરબડ જરૂર છે..' ક્રેટીની વાત સાંભળ્યા પછી પ્રોફેસર બોલ્યા.


"એની ચર્ચા આપણે પછી કરીશું પહેલા નગર રચના વિશે ચર્ચા કરી લઈએ..' કેપ્ટ્ને પ્રોફેસર અને ક્રેટી સામે જોતાં કહ્યું.


"હા.. નગર રચના કેવીરીતે તૈયાર કરવી એ પહેલા વિચારવું જોઈએ..' એન્જેલા કેપ્ટ્ન સાથે સહમત થતાં બોલી.


"પણ પહેલા ત્યાં રોકી અને જોન્સને બેસવા માટે જગ્યા તૈયાર કરી રાખી છે ત્યાં ચાલો.. બધીજ ચર્ચા ત્યાં જઈને કરીએ..' જ્યોર્જની વાત સાંભળીને બધા ઉભા થયા.


બધા ઉભા થયા અને રોકી અને જોન્સને પાસે આવ્યા. ખુબ સુંદર અને ઘટાદાર વૃક્ષ નીચે રોકી અને જોન્સને સાફ સફાઈ કરીને બેસવા માટે સુંદર જગ્યા તૈયાર કરી હતી. બધા બેઠા પછી કેપ્ટ્ન બોલ્યા.


"જુઓ મિત્રો.. ઝોમ્બો નદી મેદાનને બે ભાગમાં વહેંચે છે. અને બન્ને ભાગ ઉપર નગર તૈયાર કરીએ તો વચ્ચે નદી છે એને કેવીરીતે ઓળંગવી..??


"હા એ બહુ મોટી સમસ્યા છે..' જ્યોર્જ માથું ખંજવાળતા બોલ્યો.


"પણ.. એ સમસ્યાનો ઉકેલ આપણા પ્રોફેસરે લાવી દીધો છે..' કેપ્ટ્ને પ્રોફેસર સામે જોઈને હર્ષથી કહ્યું.


"નદી ઓળંગાશે એ કેવી રીતે..? ક્રેટી અને એન્જેલા એકસાથે બોલી..


"જુઓ જ્યારે નદી મેદાનના અંત ભાગમાં પહોંચે છે અને જંગલમાં પ્રવેશે છે ત્યાં જંગલ પ્રદેશનો વિસ્તાર મેદાનના વિસ્તાર કરતા નીચો છે એટલે જ્યારે નદીનું પાણી જંગલ પ્રદેશમાં પ્રવેશે છે ત્યારે નદીનું વહેણ એકદમ સાંકડું થઈ જાય છે..' કેપ્ટ્ન બધાની સામે જોઈને બોલ્યા.


"પણ ત્યાં તો નદીનું વહેણ સાંકડું હશે તો નદીનો પ્રવાહ ઝડપી બની જશે. તો પછી નદી કેવી રીતે પાર કરી શકીશું..? ચૂપ બેઠેલા પીટરે પ્રશ્ન કર્યો.


"એ સાંકડા ભાગ ઉપર આપણે પુલ બનાવીશું..' કેપ્ટ્ન બધાની સામે જોઈને બોલ્યા.


બધાએ કેપ્ટ્નની વાતને વધાવી લીધી. આ સમસ્યાનું સમાધાન પ્રોફેસરની બુદ્ધિ વડે આવ્યું હતું એટલે બધાએ પ્રોફેસરની બુદ્ધિને પણ દાદ આપી.


"હવે જુઓ નગરની રચના કેવી હશે એ..' કેપ્ટ્ન બોલ્યા અને બધાએ એમની વાત સંભાળવા માટે કાન સરવા કર્યા.


"મજબૂત પથ્થરોના મકાનો બાંધવામાં આવશે.. બન્ને મેદાનોમાં રાજ્યાશન બનાવવામાં આવશે. દરેક મકાનની આગળ એક વૃક્ષ , રસ્તાઓ એકદમ સ્વચ્છ , ટાપુ ઉપરથી અમૂક પ્રાણીઓને પકડવામાં આવશે અને તેમને પાલતુ પ્રાણી બનાવી ઉપયોગમાં લેવામાં આવશે. ગાડીઓ બનાવીને અમૂક પ્રાણીઓને એ ગાડી ખેંચવા માટેની તાલીમ આપવામાં આવશે જેનાથી એકથી બીજી જગ્યાએ સરળતાથી જઈ શકાય. મેદાનના બાકી વધેલા ભાગ ઉપર ખેતી વિકસાવવામાં આવશે. આના પછી પણ અનેક નાના મોટા કામો વિકસાવવામાં આવશે જેથી સંપૂર્ણ સમૃદ્ધિ જળવાઈ રહે..' કેપ્ટ્ને બધા આગળ નગર રચનાની રૂપરેખા રજુ કરી.


"પણ બન્ને મેદાનો ઉપર રાજ્યાશન શા માટે ? એન્જેલાએ પ્રશ્ન કર્યો.


"કોઈ પણ પ્રદેશનો રાજા એ એની પ્રજાનું એક અભિન્ન અંગ છે. એટલે એ બન્ને જગ્યાએ રહીને પોતાની પ્રજાનું પાલન કરી શકે એટલે બે રાજ્યાશન..' કેપ્ટ્ન એન્જેલાને સમજાવતા બોલ્યા.


"હવે ચાલો જમવા માટે.. પછી બીજી ચર્ચા કરજો..' ફિડલે એમની પાસે આવીને કહ્યું.


બધા વાતો કરતા હતા ત્યાં સુધીમાં ફિડલે જમવાનું તૈયાર કરી નાખ્યું. આજે પણ ફિડલ નવા પ્રાણીનો શિકાર કરી લાવ્યો હતો. અને એમાં અલગ અલગ વનસ્પતિઓના પાંદડા નાખીને સુંદર વાનગી તૈયાર કરી હતી. થોડાક ફળો તેમજ કંદમૂળ પણ લઈ આવ્યો હતો. જમતા-જમતા બધાએ ફિડલના ખુબ જ વખાણ કર્યા.


"જુઓ રાજકુમારી હવે કાલે સવારે તમારા માણસોને સાથે લેતા આવજો એટલે આપણે કામ ચાલુ કરી દઈએ..' જમ્યા પછી કેપ્ટ્ને રાજકુમારી ક્રેટીને કહ્યું.


"હા.. જરૂર કાલે એ લોકોને બોલાવી લઈશું એટલે આગળની કામગીરી ઝડપથી થાય..' ક્રેટીએ જવાબ આપ્યો.


"ચાલો એકવાર નદી કિનારે આંટો મારી આવીએ..' એન્જેલા બોલી.


"ચાલો..' બધા એન્જેલાની વાતને માન આપતા બોલ્યા.


બધા કિનારા તરફ ચાલ્યા. હજુ થોડેક જ ગયા હશે ત્યાં એન્જેલાએ જોરથી ચીસ પાડી. એકદમ બધાએ પાછળ જોયું તો એન્જેલા ત્યાં ઢગલો થઈને પડી ગઈ. એના મોંઢા ઉપર પરસેવો જામી ગયો હતો. થોડીક વાર પહેલા હસતું-ખીલતું એન્જેલાનું મુખ એકદમ કરમાઈ ગયું હતું.


પીટર ઝડપીથી દોડ્યો અને એન્જેલાને ઉઠાવી લીધી. કેપ્ટ્ન અને બીજા બધા પણ જલ્દી દોડી આવ્યા.


"અરે.. એને કંઈક કરડ્યું છે..' ક્રેટી એન્જેલાના પગે ઉપસેલું નિશાન જોઈને બોલી.


પ્રોફેસરે જોયું તો એમને લાગ્યું કે જરૂર કોઈ સાપ કરડ્યો હોવો જોઈએ.


કેપ્ટ્ને ઝડપથી એન્જેલાનો પગ પકડીને પોતાના મોઢેથી અંદરથી ઝેર ચૂસીને બહાર થૂંકવા લાગ્યા. પછી એન્જેલાને નદી કિનારે લઈ ગયા. કેપ્ટ્ને પણ ત્યાં જઈને એમનું મોઢું સારી રીતે ધોયું. એન્જેલાના મોંઢા ઉપર પાણી છાંટવામાં આવ્યું. થોડીક વાર પછી એન્જેલાને ભાન આવ્યું. એણે આજુબાજુ જોયું તો બધા એને જોઈ રહ્યા હતા. એન્જેલા પીટરને ભેંટી પડી.


કેપ્ટ્ને કાલે ક્રેટીને બચાવી હતી નદીમાં ડૂબતા અને આજે એન્જેલાને.. પીટર અને જ્યોર્જ તો કેપ્ટ્નનો આભાર માનતા રડી ઉઠ્યા.


આખો દિવસ બધાએ નદી કિનારા અને મેદાનનું સારી રીતે નિરીક્ષણ કર્યું. સાંજે જ્યોર્જ , પીટર , ક્રેટી અને એન્જેલાએ બીજા દિવસે આવવાનું કહીને વિદાય લીધી.


*******************************


નગરનું નિર્માણ કેવીરીતે થશે ?


નગર બનાવતી વખતે બીજી સમસ્યાઓ આવશે કે નહીં ?


ઝોમ્બો નદી ઉપર પુલ કેવીરીતે તૈયાર થશે ?


(ક્રમશ)


આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપજો..


***********************************


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED