રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 24 જીગર _અનામી રાઇટર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 24

ટાપુ ઉપરના કાર્બ્યુ ભાષાવાળા વનવાસીઓ..

માર્ટ અને એના સાથીદારોનું વનવાસીઓ સાથે "આર્જેન્ટિના" જહાજ તરફ પ્રસ્થાન..
___________________________________________

દરિયા કિનારાથીથી ટાપુની અંદરની તરફ બે માઈલ જેટલાં અંતરે મોટી પર્વતમાળા આવેલી હતી. એ પર્વતમાળાના બધા જ પર્વતો જ્વાળામુખી પર્વત હતા. એકાએક સૌથી ઊંચા પર્વત શિખર ઉપર જ્વાળા મુખી ફાટ્યો. લાવારસના પ્રચંડ દબાણના કારણે પર્વતની ટોચના ફુરચે ફુરચા ઉડી ગયા. લાવારસના દબાણના કારણે પર્વત શિખરની ઉપરની ટોચના નાના મોટા પથ્થરો દૂર દૂર સુધી ફેંકાયા.

માર્ટ અને એના સાથીદારો જ્યાં ઉભા હતા ત્યાં પણ પથ્થરના નાના-નાના ટુકડાઓ આવીને પડ્યા. સુલ્બરની પીઠ ઉપર તો લાવરસના છાંટાઓ આવીને પડ્યા એટલે સુલ્બર તો એકદમ ચીસ પાડી ઉઠ્યો.

"ઓહ.! ભાગો યારલાવારસ તો ઉડીને છેક અહીંયા સુધી આવી રહ્યો છે..' સુલ્બર ચીસ જેવા અવાજે બોલ્યો.

"શું લાવારસ તારી ઉપર પડ્યો..? હેન્રી ચોંકેલા અવાજે બોલી ઉઠ્યો.

"હા.. ચાલો જલ્દી નહીંતર અહીંયા જ બરડા લાલ થઈ જશે..' સુલ્બર ગરમ લાવા કારણે ડાબા હાથ ઉપર ઉપસી આવેલું લાલ નિશાન બતાવતા બોલ્યો.

"ઓહહ.. આ તો સાચેજ લાવા અહીંયા સુધી આવે છે માર્ટ હવે શું કરીએ..? સુલ્બરના હાથ ઉપર ઉપસી આવેલું લાલ ચકામા જેવું નિશાન જોઈને હેન્રી માર્ટ સામે જોતાં બોલ્યો.

હેન્રી આટલું બોલ્યો ત્યાં તો પેલા જંગલી વનવાસીઓમાં રોકકળ મચી ગઈ. એક વનવાસી નીચે પડ્યો. હતો જ્યારે બાકીના બધા એની આજુબાજુ વીંટળાઈને રડી રહ્યા હતા.
માર્ટ બધા સાથીદારો સાથે એ વનવાસીઓ તરફ ચાલ્યો. માર્ટ અને એના સાથીદારો જેવા પેલા વનવાસીઓ પાસે પહોંચ્યા કે તરત જ પેલા વનવાસીઓ ડરથી ભયભીત ચહેરે અને કાંપતા શરીરે એકબીજાનો હાથ પકડીને સંકોચાઈને ઉભા રહ્યા. અને વિચિત્ર ભાષામાં એકબીજા સામે જોઈને ગણગણાટ કરવા લાગ્યા.

"અર્ધીતું કહુંબા..' એક વનવાસી કાંપતા અવાજે બોલ્યો.

પેલા વનવાસીના આ વિચિત્ર શબ્દો સાંભળીને હેન્રી તો હસી પડ્યો. પણ માર્ટે ગુસ્સાભરી નજરે એની સામે જોયું એટલે એ મોંઢા ઉપર હાથ ધરીને ચૂપચાપ ઉભો રહ્યો.

"સીવુંર્ધ અંચારું મેહુ સાબ્રા આશ્રકુવેના..' હેન્રીને હસતા જોઈને ફરીથી પેલો વનવાસી થોડાંક ગુસ્સે ભરાયેલા અવાજે બોલ્યો.

માર્ટ અને એના સાથીદારો આ વિચિત્ર ભાષા જરાય સમજમાં આવતી નહોતી. એટલે વનવાસીઓ માર્ટ અને એમના સાથીદારો ન અને માર્ટ તથા એના સાથીદારો વનવાસીઓને વિચિત્ર નજરે જોઈ રહ્યા હતા.

"હવે શું કરીએ..? આ લોકો બોલે છે એમાં તો જરાય ખબર પડતી નથી.. ખબર નહી શું કહેવા માંગે છે આ લોકો..' માર્ટ લમણે હાથ મૂકતા બોલ્યો.

"માર્ટ.. જેકોર્બને બહુ બધી ભાષાઓ આવડે છે..' અચાનક રેમન્ડોના મગજમાં ઝબકારો થયો હતો એટલે એ બોલી ઉઠ્યો.

"પણ જેકોર્બ તો હોડીમાં છે..' માર્ટ બોલ્યો.

"અરે.. હોડી આપણાથી ક્યાં વધારે દૂર છે.. હમણાં હું બોલાવી લાવું..' રેમન્ડો માર્ટ સામે જોતાં બોલ્યો અને પછી ટાપુના કિનારાની જમણી બાજુએ ઝડપથી ચાલ્યો ગયો. બાકીના ત્યાં જ ઉભા રહ્યા અને રેમન્ડોને આમ અચાનક જતો જોઈને એ જંગલી વનવાસીઓ એને જતો જોઈ રહ્યા.

ટાપુના કિનારા પાસે પાણી થોડુંક છીછરું હતું એટલે જેકોર્બ , વુંલ્ટન અને મિલ્ટન પોત પોતાની હોડી સાથે કિનારથી ત્રણસો ચારસો મીટરના અંતરે દરિયામાં ઉભા હતા.

"જેકોર્બ જલ્દી અહીંયા આવ..' રેમન્ડોએ જ્યાં જેકોર્બ , વુંલ્ટન અને મિલ્ટન હોડી લઈને ઉભા હતા એ તરફ જોઈને બુમ પાડી.

રેમન્ડોની બુમ સાંભળીને પેલા ત્રણેય પોત પોતાની હોડીને લઈને થોડાંક કિનારા તરફ આવ્યા.

"શું થયું રેમન્ડો બધું બરોબર તો છે ને ?? જેકોર્બે હોડીમાં ઉભા ઉભા જ પૂછ્યું.

"હાં બધું બરોબર છે પણ અહીંયા થોડાક અજીબ વનવાસીઓ સાથે પનારો પડ્યો છે.. બિચારા આ જંગલ સળગવાના કારણે બહુજ દાઝી ગયા છે.. અને એ લોકો અજીબ પ્રકારની ભાષા બોલે છે એમાં જરાય સમજ નથી પડતી.. તને બહુ બધી ભાષા આવડે છે એટલે કદાચ તું એમની ભાષા સમજી શકીશ..એટલે તું ચાલ મારી સાથે..' રેમન્ડો આખી વાત સમજાવતા જેકોર્બ સામે જોઈને બોલ્યો.

રેમન્ડોની વાત સાંભળીને જેકોર્બ હોડીમાંથી પાણીમાં કૂદી પડ્યો અને રેમન્ડો પાસે આવીને ઉભો રહ્યો.

"મિલ્ટન-વુલ્ટન તમે બંને અહીંયા જ રહો અમે જલ્દી પાછા આવીએ છીએ..' રેમન્ડો મિલ્ટન અને વુલ્ટન સામે હસીને બોલ્યો.

રેમન્ડોની વાત સાંભળીને વુલ્ટન અને મિલ્ટને હકારમાં માથું ધુણાવ્યું.

"એ વનવાસી બોલ્યો એમાંથી તને કંઈ યાદ છે..?? ચાલતા ચાલતા જેકોર્બે રેમન્ડો સામે જોઈને પ્રશ્ન કર્યો.

"હાં યાદ છે.. એ જે પ્રથમ બે ત્રણ શબ્દો બોલ્યો હતો એમાંથી કદાચ એકાદ શબ્દ "કહુંબા" એવો હતો..' રેમન્ડો યાદ કરીને જેકોર્બ સામે જોતાં બોલ્યો.

"કહુંબા..' જેકોર્બ બબડ્યો.

"હાં.. એ જ..' રેમન્ડો હકારમાં માથું ધુણાવતા બોલ્યો.

"આ શબ્દ કદાચ હિબ્રુ ભાષાનો હોવો જોઈએ.. એ લોકો કદાચ હિબ્રુભાષી હોઈ શકે..' થોડુંક વિચારીને જેકોર્બ બોલ્યો.

"જે હોય એ.. આટલા મોટા બહુભાષીને સાથે લઈને જઈ રહ્યો છું એટલે હમણાં ત્યાં જઈશું એટલે ખબર પડી જ જવાની છે..' રેમન્ડો જેકોર્બ સામે હસીને બોલ્યો.

"હા..' રેમન્ડોએ એને બહુ ભાષી કહ્યો એટલે જેકોર્બ મોટેથી હસી પડતા બોલ્યો.

થોડીવારમાં રેમન્ડો અને જેકોર્બ માર્ટ અને એમના સાથીદારો પાસે આવી ગયા. જેકોર્બે જયારે આગથી દાઝેલા દુબળા પાતળા વનવાસીઓને જોયા ત્યારે એને પણ એમના ઉપર દયા આવી ગઈ.

"જેકોર્બ અમને તો કંઈ સમજાતું નથી આ લોકો શું કહેવા માંગે છે એ.. તું કંઈક પૂછપરછ કરને..' માર્ટ જેકોર્બ સામે જોતાં બોલ્યો.

"હા.. હું પૂછું..' જેકોર્બ માર્ટ સામે જોઈને હકારમાં માથું ધુણાવતા બોલ્યો.

જેકોર્બે પહેલા તો એ વનવાસીઓના ચહેરા સારી રીતે જોયા. પછી એમાંથી જે બધાના સરદાર જેવો લાગતો હતો એ તરફ ફર્યો.

"કહુંબા.. જો અમ્બ રિતુર્ત તુહુવા..' જેકોર્બે સરદાર જેવા લાગતા માણસ તરફ જોઈને હિબ્રુ ભાષામાં વિનમ્ર અવાજે કહ્યું.

"સીવુંર્ધ અંચારું મેહુ સાબ્રા આશ્રકુવેના..' જેકોર્બની વાત સાંભળીને પેલો સરદાર જેવો માણસ બોલ્યો.

"અવ્રીવા કાર્બ્યુ ટૂંલા રેવસ્તારતું સુમ્બેહા..' જેકોર્બ હસીને પેલા વનવાસીઓના સરદાર તરફ જોતાં બોલ્યો.

"ભિંમ્ભ લિચુવા અવ્રીવા કાર્બ્યુ ટૂંલા સુતર્બજર્ત..' પેલો સરદાર પણ જેકોર્બ સામે હસતા બોલ્યો.

જેકોર્બ અને વનવાસી સરદારની વાત સાંભળીને આજુબાજુ ઉભેલા બીજા વનવાસીઓના મોંઢા ઉપર પણ ખુશી છવાવા લાગી. જયારે માર્ટ અને એના સાથીદારોનું મગજ આ વિચિત્ર ભાષામાં થતી વાતચીત સાંભળીને ચકરાવા લાગ્યું. થોડીવાર જેકોર્બ અને પેલો વનવાસી સરદાર આ વિચિત્ર ભાષામાં વાત કરતા રહ્યા. જેકોર્બ આ અજીબ ભાષામાં વનવાસી સરદારને કંઈક કંઈ રહ્યો હતો. અને વનવાસી સરદાર જેકોર્બની વાત ધ્યાનપૂર્વક સાંભળીને હકારમાં માથું ધુણાવી રહ્યો હતો. પછી વનવાસી સરદારે વિચિત્ર ભાષામાં થોડીકવાર સુધી બાકીના વનવાસીઓને કંઈક સમજાવ્યું. પછી બધા હારબંધ એકબાજુ ગોઠવાઈ ગયા. અને નીચા નમીને છાતી ઉપર હાથ રાખીને માર્ટનું અભિવાદન કર્યું.

આ જોઈને માર્ટ તો એકદમ નવાઈમાં ડૂબી ગયો. જેકોર્બે થોડીક વાત કરી ત્યાં તો આ બધા વનવાસીઓ માર્ટને કોઈ મોટો મુખીયો હોય એની માફક માન આપવા લાગ્યા. માર્ટ અને બાકીના સાથીદારોએ પણ સામે એવી જ રીતે વનવાસી ઓનું અભિવાદન કર્યું. આ જોઈને વનવાસીઓના મુખ એક નવી જ ખુશીથી ખીલી ઉઠ્યા.

"જેકોર્બ આ લોકો મને કેમ આટલું બધું માન આપે છે..? માર્ટે જેકોર્બ સામે જોઈને પ્રશ્ન કર્યો.

"માર્ટ મેં એ લોકોને સમજાવ્યું છે કે માર્ટ અમારા સૌનો વડો છે એટલે એ લોકો તારું અભિવાદન કરે છે..' જેકોર્બ હસીને બોલ્યો.

"ઓહહ..! એમ વાત છે. પછી તને આ વનવાસી શું કહેતો હતો..? માર્ટ હસીને વનવાસી તરફ પોતાનો હાથ કરતા બોલ્યો.

"એ બિચારો એમ પૂછતો હતો કે તમે અહીંયા ક્યાંથી અને શા માટે આવ્યા છો..' જેકોર્બ બોલ્યો.

"એ તો ઠીક છે પણ આ લોકો બોલે છે એ ભાષા કઈ છે ? માર્ટ અને જેકોર્બ વાત કરતા હતા ત્યાં કોર્નબટ વચ્ચે ટપકી પડ્યો.

"એ લોકો હબસી જાતિના વનવાસીઓ છે અને કાર્બ્યુ એમની ભાષા છે..' જેકોર્બ કોર્નબટ સામે જોતાં બોલ્યો.

"પણ તું તો મને કહેતો હતો કે આ વનવાસીઓ હિબ્રુભાષી હોવા જોઈએ.. અને હવે કહે છે કે આ લોકો કાર્બ્યુભાષી છે..' રેમન્ડો જેકોર્બ સામે જોઈને પ્રશ્નાર્થ નજરે બોલ્યો.

"હિબ્રુ અને કાર્બ્યુ ભાષા મહદઅંશે એકબીજાને મળતી આવે છે.. અમૂક હિબ્રુ ભાષાના અને કાર્બ્યુ ભાષાના શબ્દો એક જ જેવા હોય છે.. એટલે તે મને જયારે 'કુહૂંબા' શબ્દ કહ્યો ત્યારે મને એમ લાગ્યું કે કદાચ એ હિબ્રુ ભાષા હશે પણ 'કહુંબા' શબ્દ હિબ્રુ અને કાર્બ્યુ બન્નેમાં વપરાય છે.. અહીંયા આવ્યો તો આ લોકો કાર્બ્યુ ભાષી નીકળ્યા..' જેકોર્બ બધા સાથીદારો સામે જોઈને હસી પડતા બોલ્યો.

"પણ બહુભાષી તમે અમને કહુંબા શબ્દનો અર્થ શું થાય છે એ તો કહ્યું જ નહી..' હેન્રી જેકોર્બ સામે જોઈને અજીબ પ્રકારના ચેનચાળા કરતા બોલ્યો.

હેન્રીના આ અજીબ ચેનચાળા અને અને જેકોર્બ માટે બહુભાષીનું સંબોધન આ જોઈને બધા એકસાથે હસી પડ્યા.
પેલા વનવાસીઓ પણ આ લોકોને હસતા જોઈને વિચિત્ર રીતે હસી પડ્યા. આમાં એક જેકોર્બ જ એવો માણસ હતો કે જે બન્ને તરફના લોકોની વાતચીતને સમજી શકતો હતો. બાકીના બધા તો એકબીજાની વિચિત્ર ભાષા સાંભળીને જ હસી રહ્યા હતા.

"કહુંબા.. એટલે તમે કોણ એવો અર્થ થાય છે..' જેકોર્બ પોતાનું હસવું રોકતા બોલ્યો.

"તો હવે શું કરીએ.. માર્ટ..? આ વનવાસીઓને પણ જાણી લીધા.. અને ટાપુ ઉપર તો આગળ જવાય એમ નથી નહિતર લાવારસની ગરમીમાં જ પીગળી જઈશું..' કોર્નબટ માર્ટ સામે જોતાં બોલ્યો.

"હા.. આગળ તો જવાય એવું જ નથી.. પણ..' માર્ટ ટાપુ તરફ નજર નાખતા બોલ્યો.

"પણ શું માર્ટ..? હેન્રીએ પ્રશ્ન કર્યો.

"પણ મને આ વનવાસીઓ ઉપર બહુજ દયા આવે છે.. કારણ કે આ ટાપુ ઉપર ફાટેલા અગ્નિએ બધું બાળીને ખાખ કરી નાખ્યું છે.. આ બિચારા અહીંયા શું ખાશે અને એમનું જીવન કેવીરીતે વિતાવશે..' માર્ટ આદિવાસીઓ ઉપર એક નજર નાખીને લાગણીભર્યા અવાજે બોલ્યો.

"હા.. એમને બિચારાઓને ભૂખે મરવાનો દિવસ આવવાનો જ છે..' સેલ્વીરે ધીમા અવાજે કહ્યુ.

"એમને આ સમસ્યામાંથી બચાવવાનો કોઈઉપાય નથી..? રેમન્ડો બોલ્યો.

"મને તો કોઈ ઉપાય સૂઝી રહ્યો નથી.. તમને કોઈને આ સમસ્યાનો હલ સુઝે તો બતાવો આ બિચારાઓ ભૂખથી મરતા બચી જાય..' માર્ટ બધા સામે પ્રશ્નાર્થ નજરે જોતાં બોલ્યો.

"મને એક ઉપાય સૂઝી રહ્યો છે પણકદાચ તમને બધાને અને કેપ્ટ્નને પસંદ નહિ આવે..' જેકોર્બ થોડુંક વિચારીને બોલ્યો.

"અરે તું ઉપાય તો બતાવ જો આપણે આમને બચાવી શકીએ તો કેપ્ટ્નને તો હું મનાવી લઈશ..' માર્ટ બોલ્યો.

"જો માર્ટ આ આદિવાસીઓની સંખ્યા ત્રીસ જેટલી જ છે અને આપણું જહાજ ખુબ જ મોટુ છે.. આ લોકોને જો આપણે આપણી સાથે લઈ જઈએ તો.. કદાચ આમને બચાવી શકાય..' જેકોર્બે સમસ્યાનો હલ રજુ કર્યો.

"હા.. તારી વાત તો સાચી છે.. આપણે એમને આપણી સાથે જ લઈ જઈએ.. જહાજ ઉપર જઈને કેપ્ટ્નને હું કોઈ પણ ભોગે સમજાવી લઈશ..' માર્ટ મક્કમ અવાજે બોલ્યો.

"પણ.. આ લોકો આપણી સાથે આવશે..? ઘણા સમયથી ચૂપચાપ બધી વાતો સાંભળી રહેલો હાર્ડિગ બધા સામે જોઈને બોલ્યો.

"હા.. એ વાત પણ સાચી છે જો આ લોકો આપણી સાથે આવવા તૈયાર ના થયા તો તેઓ અહીંયા જ ભૂખથી પીડાઈને મરી જશે.. અને એમની એ મૂર્ખતા માટે એ ખુદજવાબદાર હશે.. પણ આપણે એકવાર એમને સમજાવી લઈએ જો માની જાય તો ઠીક છે.. નહિતર એ અને એમનું નસીબ..' માર્ટ બોલ્યો.

"એકવાર સમજાવવું એ આપણી ફરજ છે પછી ના આવે તો આપણે તો જઈએ..' કોર્નબટ એમનાથી થોડેક દૂર બેઠેલા વનવાસીઓ તરફ એક નજર નાખતા બોલ્યો.

"હા.. જેકોર્બ તું જા અને એકવાર એમને આ બાબતે સમજાવવાની કોશિશ કરી જો..' માર્ટે જેકોર્બ સામે જોતાં કહ્યું.

"હાં.. હું એકવાર સમજાવી જોઉં..' કહીને જેકોર્બ વનવાસીઓ પાસે ગયો.

ચંદ્રની ચાંદની હવે ધીમે ધીમે ઝાંખી થઈ રહી હતી. રાતરાણી પણ હવે ટાપુ ઉપરથી વિદાય લઈ રહી હતી.સવાર થવા આવી હતી. માર્ટ અને એના સાથીદારો લગભગ રાત્રે બાર વાગ્યે આ ટાપુ ઉપર આવ્યા હતા ત્યારથી માંડીને હવે સવાર થવા આવી હતી તો પણ ટાપુ ઉપરના જંગલમાં સળગી રહેલો અગ્નિ શાંત થઈ રહ્યો નહોંતો. સમગ્ર ટાપુ ઉપર ધુમાડાનું સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું. ટાપુ ઉપરના સમગ્ર જંગલને અગ્નિએ પોતાના કબજામાં લઈ લીધું હતું. આગના કારણે આ જંગલમાંના અસંખ્ય જીવો બળીને મૃત્યુ પામ્યા હતા.

જેકોર્બ વનવાસીઓના સરદારને પોતાની સાથે આવવા માટે સમજાવી રહ્યો હતો અને વનવાસીઓનો સરદાર જેકોર્બની વાત ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો. ક્યારેક જેકોર્બની વાત સાંભળીને એ વનવાસી સરદારનો ચહેરો ક્યારેક શંકાશીલ તો ક્યારેક ભયભીત થઈ જતો હતો પણ જેકોર્બની વાત એ અત્યંત ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો.

લગભગ એક કલાકના અંતે પેલા વનવાસી સરદારને જેકોર્બ ઉપર થોડોક વિશ્વાસ બેઠો હોય એવું બધાને લાગ્યું પછી પેલો વનવાસી સરદાર એકદમ જેકોર્બને ભેંટી પડ્યો. એની આંખમાં ભાવપૂર્ણ અશ્રુઓ છલકાઈ આવ્યા. પછી એ વનવાસી સરદારે પોતાના તમામ લોકોને પાસે બોલાવ્યા અને બધાને કંઈક સમજાવવા લાગ્યો. વનવાસીઓ પોતાના સરદારની વાત માની ગયા એટલે જેકોર્બ માર્ટ અને એના સાથીદારો પાસે આવ્યો.

"જેકોર્બ શું થયું...? એ લોકો માન્યા કે નહી ? જેવો જેકોર્બ પાસે આવ્યો કે માર્ટે પ્રશ્ન કર્યો.

"હાં બહુ રકઝક કરવી પડી પણ છેવટે એ લોકો માની ગયા એટલે મારી આટલી મહેનત બેકાર ના ગઈ..' જેકોર્બ સંતોષથી છલકાયેલા અવાજે બોલ્યો.

ધીમે-ધીમે અંધારાએ વિદાય લીધી અને સવાર પડી.

"માર્ટ જો.. ધુમાડામાં આપણું જહાજ દેખાઈ રહ્યું છે..' હેન્રીએ દરિયા ઉપર છવાયેલા ધુમાડાના આવરણની પેલે પાર દેખાઈ રહેલા પોતાના જહાજ તરફ હાથ કરીને હર્ષભરેલા અવાજે કહ્યું.

બધા સાથીદારોએ એ તરફ જોયું તો દરિયાની સપાટી ઉપર ટાપુના કિનારાથી એક દોઢ માઈલના અંતરે 'આર્જેન્ટિના' જહાજ સ્થિર બનીને ઉભું હતું.

"હું જઈને આપણી હોડીઓ અહીં લાવી દઉં..' ટાપુના જમણી બાજુના કિનારા તરફ વુલ્ટન અને મિલ્ટન હોડીઓ લઈને ઉભા હતા જેકોર્બે એ તરફ જતાં કહ્યું.

થોડીકવારમાં જેકોર્બ , મિલ્ટન અને વુલ્ટન હોડીઓ સાથે આવી પહોંચ્યા. હોડીઓ વિશાળ હતી એટલે બધાને એક સાથે જવામાં વાંધો નહોંતો. માર્ટ અને એમના સાથીદારોએ બધા જંગલીઓને હોડીમાં ચડાવ્યા. ટાપુ હજુ પણ સળગી રહ્યો હતો. વનવાસીઓનો સરદાર ટાપુની ધરતીને નમીને એની ઉપર સૂઈને એની માટી પોતાના ખોબામાં ભરી છાતીએ લગાવીને રડી પડ્યો. અને પછી એ પણ હોડીમાં ચડ્યો.

લાવારસ સામે દેખાઈ રહેલી પર્વતમાળાના શિખરોની ટોચ ઉપરથી નીકળીને પર્વતની ચારેય બાજુમાં ફેલાઈ જતો હતો.
માર્ટ અને એના સાથીદારોએ વેરાન થતાં ટાપુ ઉપર એક નજર નાખીને 'આર્જેન્ટિના' જહાજ તરફ પ્રસ્થાન કર્યું.

(ક્રમશ)