rahasymay tapu upar vasavat.. - 4 books and stories free download online pdf in Gujarati

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 4

જ્યોર્જ અને આદિવાસીઓનું નગર..


__________________________________


[આગળના ભાગમાં આપણે જોયું કે પીટરને આદિવાસીઓ પકડી લે છે.જ્યોર્જ છુપાયેલો હોય છે જેના કારણે બચી જાય છે.. અને પીટર પોતાને બચાવવા માટે ઘણી બૂમો પાડે છે. છતાં તે પીટરને બચાવવા જતો નથી. કારણ કે જો તે પીટરને બચાવવા માટે જાય તો તે પણ પકડાઈ જાય. એટલે જ્યોર્જ પીટર બચાવવા માટે કંઈક યુક્તિ વિચારે છે.]
પીટર પકડાઈ જાય છે. આદિવાસીઓ તેને ઢસડતા લઈ જાય છે. અસહાય પીટર મદદ માટે ઘણી બૂમો પાડે છે પણ જ્યોર્જ તેને બચાવવા માટે આવતો નથી.


સૂર્ય પશ્ચિમ દિશા તરફ ઢળી રહ્યો હતો. આકાશ આછા વાદળાઓથી ઘેરાયેલું હતું. આગળ પીટરને પેલા આદિવાસીઓ લઈ જતાં હોય છે. જ્યોર્જ તેમનાથી થોડુંક અંતર રાખીને તેમનો પીછો કરતો-કરતો પાછળ જાય છે. ત્યાં જંગલ પ્રદેશ પૂરો થાય છે. નદી કિનારાના પ્રદેશની શરૂઆત થાય છે. પેલા આદિવાસીઓ નદીના કિનારે ચાલતા ચાલતા આગળ વધે છે.. જ્યોર્જ એક ઊંચા વૃક્ષ ઉપર ચડી એ લોકોનું નિરીક્ષણ કરે છે કે એ લોકો પીટરને કઈ બાજુ લઈ જાય છે..


આદિવાસીઓ થોડા આગળ વધી પછી કિનારે જ અટકી જાય છે.. અને તેમાંથી એક જણ કમરથી લાલ કપડું કાઢીને સામેના કિનારા તરફ હવામાં ઉપરની તરફ ઊંચું કરી તીણી સિસોટી જેવો વિચિત્ર અવાજ કરે છે. એ અવાજ એટલો જોરદાર અને ભયાનક હોય છે કે એને સાંભળીને સામેના કિનારે આદિવાસીઓનું ટોળું એકઠું થવા માંડે છે..


એક આદિવાસી મજબૂત તરાપાને સામેના કિનારેથી આ બાજુના કિનારા તરફ લઈ આવે છે.. પછી પીટરને એ તરાપા ઉપર બેસાડવામાં છે.. પીટરના હાથ અને પગ મજબૂત રીતે બાંધેલા હોવાથી બિચારો પીટર હલન-ચલન પણ કરી શકતો નથી. પછી બે મજબૂત આદિવાસીઓ હલેસા મારીને તરાપાને સામેની બાજુ ધકેલે છે.. ધીમે-ધીમે આદિવાસીઓ પીટરને લઈને સામેના કિનારે પહોંચે છે.. ત્યાં ઉભેલા આદિવાસી સ્ત્રી-પુરુષો પીટરની આજુબાજુ વીંટળાઈ વળે છે. અને તેમની કિકિયારીથી આખું વાતાવરણ ગુંજી ઉઠે છે.


પછી આદિવાસીઓ પીટરને લઈને તેમના ઝુંપડાઓ તરફ જવા લાગે છે..


સાંજ પડી ચુકી છે. સૂર્ય પશ્ચિમમાં ડૂબી ગયો છે.પક્ષીઓ પોતાના માળામાં પાછા ફરી પોતાના બચ્ચાંઓને વહાલ કરી રહ્યા છે. આછા અંધારામાં દૂર રહેલા પહાડોના શિખરો ભયકંર ભાસી રહ્યા હતાં. થોડીક દૂર નદી નાગિનની માફક પોતાનું ઝડબુ ફાડીને શાંત રીતે વહી રહી હતી. જ્યોર્જ આજે સાવ એકલો પડી ગયો હતો. એનો વહાલો દોસ્ત પીટર પણ આદિવાસીઓના સંકજામાં હતો.


રાત ધીમે-ધીમે વહી રહી છે.. લગભગ રાતના બાર વાગ્યાંની આસપાસ જ્યોર્જ ઉઠ્યો. સાવચેતીથી નદી તરફ ચાલવા લાગ્યો. નદી પાસે પહોંચ્યો ત્યાં પાણીનો બુડબુડ અવાજ આવ્યો.. જ્યોર્જે અવાજની દિશામાં જોયું તો કોઈ પ્રાણી પાણી પી રહ્યું હતું.. જ્યોર્જે એક પથ્થર ઉઠાવ્યો અને પેલું પ્રાણી જે દિશામાં પાણી પી રહ્યું હતું એ બાજુ ફેંક્યો. પેલું પ્રાણી ઝડપથી જંગલ બાજુ ભાગી ગયું..


હવે જ્યોર્જને પીટરને બચાવવા માટે નદી પાર કરીને સામેના કિનારે પહોંચવાનું હતું. જ્યોર્જ એક સારો તરવૈયો હતો. તેણે એક તૂટેલા પોલા વૃક્ષનું લાકડું ઉઠાવ્યું અને નદીમાં મૂક્યું..જોકે નદીનો પ્રવાહ ધીમો હતો જેથી એને તરવામાં સરળતા રહી. નદી પાર કરીને એ કિનારે આવ્યો..અને દૂર નજર કરી.. તો લગભગ એકાદ માઈલ દૂર એને અગ્નિ સળગી રહ્યો હોય એવો પ્રકાશ દેખાયો. જ્યોર્જે નક્કી કર્યું કે ત્યાં જ આદિવાસીઓનો વસવાટ હોવો જોઈએ.અને પીટરને પણ એ વિસ્તારની આસપાસ જ એ લોકોએ કેદ કર્યો હોવો જોઈએ.


જ્યોર્જે પોતાના કપડાં નીચોવી નાખ્યા.. કપડાંમાંથી પાણી દૂર થતાં થોડુંક વજન ઓછું થયું.. એ અગ્નિનો પ્રકાશ જે દિશામાંથી આવતો હતો એ દિશા તરફ જ્યોર્જ આગળ વધવા લાગ્યો.. આકાશ કાળા ડિબાંગ વાદળાંઓથી ઘેરાયેલું હતું એટલે ચન્દ્રનો પ્રકાશ પણ ધરતી પર પડતો નહોતો. ચારેય બાજુ અંધારું છવાયેલું હતું..


જ્યોર્જ પેલા અગ્નિના પ્રકાશ તરફ આગળ વધ્યો. જમીન વિસ્તાર એકદમ સપાટ હતો. થોડોક વધારે ચાલ્યો ત્યાં નાના ઘાસનો વિસ્તાર શરૂ થયો.. વચ્ચે ચલાવાનો નાનકડો રસ્તો હતો એ રસ્તા ઉપર જ્યોર્જ ચાલ્યો જતો હતો. જેમ-જેમ તે આગળ વધતો હતો તેમ-તેમ એ પ્રકાશ નજીક આવતો હતો. બે-ત્રણ માઈલનું અંતર કાપ્યા પછી તે એ પ્રકાશ વાળી જગ્યાએ આવી પહોંચ્યો.


એ પ્રકાશ હતો સળગતી મશાલોનો.. મોટા વૃક્ષના થડ સાથે બાંધેલી ચાર-પાંચ મશાલો સળગી રહી હતી.. ર્જ્યોર્જે ત્યાં જોયું તો બે ત્રણ કાળા હબસીઓ ત્યાં મોટા પથ્થરોનો ટેકો લઈને ઊંઘી રહ્યા હતાં. એમનો દેખાવ સૈનિક જેવો હતો.. પણ પીટરને પકડીને લઈ ગયા એ આદિવાસીઓનો દેખાવ આમના કરતા તદ્દન અલગ જ હતો. ત્યાં જ્યોર્જની નજર એમનાથી આગળ મોટા પથ્થરમાંથી બાકુરુ પાડીને બનાવેલા દરવાજા ઉપર ગઈ. અંદર જવા માટે જગ્યા એકદમ ખુલ્લી હતી. જ્યોર્જ આ લોકો સાંભળી ના જાય એવી રીતે ચુપચાપ અંદર દાખલ થયો.


અંદર ગુફા જેવું હતું.. જ્યોર્જ ગુફામાં સાવચેતી પૂર્વક આગળ વધવા લાગ્યો. બહાર રહેલી મશાલોનો ઝાંખો-ઝાંખો પ્રકાશ અંદર આવી રહ્યો હતો. એના આધારે જ્યોર્જ આગળ વધી રહ્યો હતો. અવાજ ના થાય એની પણ એને તકેદારી રાખવાની હતી નહિતર પેલા કાળા હબસીઓ જાગી જાય તો એને પકડી પાડે. થોડોક ચાલ્યો હશે ત્યાં સામેની દિશામાં આછો પ્રકાશ દેખાયો. હવે જ્યોર્જને સાવચેતી પૂર્વક આગળ વધવાનું હતું.. કારણ કે સામેના છેડે કોણ હશે એ બાબતથી તે સાવ અજાણ્યો હતો.


જ્યોર્જ ધીમા પગલે આગળ વધ્યો અને ગુફાની સામેની બાજુ સાવચેતીથી ડોકું બહાર કાઢ્યું. ત્યાં પણ બહારની બાજુ મશાલો સળગતી હતી. ધીમે રહીને જ્યોર્જ ગુફાની બહાર આવ્યો. અહીંયા પણ સૈનિકો ઊંઘમાં હતા. ત્યાં કોઈક છૂપી વાતચીતનો અવાજ સાંભળીને જ્યોર્જ ચોંક્યો. જ્યોર્જે એ અવાજની દિશામાં જોયું તો એક કાળો હબસી સૈનિક અને ગોરવર્ણી સ્ત્રી પ્રેમક્રીડામાં મગ્ન બનીને એકબીજાના ગાઢ આલિંગનમાં ડૂબી રહ્યા હતાં. બીજી બાજુ જ્યોર્જે ઊંઘી રહેલા સૈનિકો તરફ નજર કરી તો એમાં એક સૈનિક સાંજે જે આદિવાસીઓ પીટરને પકડીને લઈ ગયા તેમના જેવો હતો. બાકીના એકદમ કાળા હબસીઓ હતાં.


થોડીવાર જ્યોર્જ છુપાઈને પેલા બંનેને જોતો રહ્યો. ત્યારબાદ પેલી ગોરવર્ણી સ્ત્રી ઉભી થઈ અને ધીમેથી પેલા હબસી સૈનિક સામે જોઈને કંઈક બોલી. અને એક સુંદર સ્માઈલ આપીને એ સામેની બાજુએ ચાલવા લાગી. પેલો સૈનિક પણ તેનાથી વિરુદ્ધ દિશામાં ચાલ્યો ગયો. પછી જ્યોર્જ પણ પેલી સ્ત્રી જે દિશામાં જતી હતી એ દિશામાં આગળ વધ્યો. પેલી સ્ત્રી ઝડપથી જઈ રહી હતી.. ક્યારેક આજુબાજુ પણ નજર કરી લેતી હતી. આ સ્ત્રીના આ વર્તન ઉપરથી જ્યોર્જને ખ્યાલ આવ્યો કે પેલો સૈનિક જરૂર આ સ્ત્રીનો પ્રેમી હોવો જોઈએ.


રાત્રીના લગભગ ત્રણ વાગ્યાં હશે. આકાશમાં વાદળાઓ દૂર થતાં ચંદ્રની ઝાંખી-ઝાંખી રોશની હવે આ ટાપુ ઉપર પથરાઈ રહી હતી. જ્યોર્જ હજુ પણ પેલી સ્ત્રીનો પીછો કરી રહ્યો હતો. હવે ધીમે-ધીમે રહેણાંક વિસ્તાર શરૂ થતો હતો. ચંદ્રની ઝાંખી રોશનીમાં આદિવાસીઓના ઝુંપડાઓ દેખાઈ રહ્યા હતા. જ્યોર્જ સાવચેતીથી આગળ વધી રહ્યો હતો.


ધીમે-ધીમે ઝુંપડાઓનો વિસ્તાર પૂર્ણ થયો અને પથ્થરમાંથી બનાવેલા મકાનોનો વિસ્તાર શરૂ થયો. હજુ પણ પેલી સ્ત્રી જ્યોર્જની આગળ જ જઈ રહી હતી. જ્યોર્જ દબાતા પગલે પીછો કરી રહ્યો હતો. અચાનક એ સ્ત્રી ડાબી તરફ બંને બાજુ પથ્થરોની દીવાલ હતી એ તરફ ચાલવા લાગી જ્યોર્જ પણ એની પાછળ થોડુંક અંતર રાખીને ચાલવા લાગ્યો. ત્યાં પેલી સ્ત્રી દીવાલ નજીક જઈને એકદમ થંભી ગઈ. અને હળવેકથી દીવાલ પાસે આવેલો દરવાજો ખોલ્યો. ચંદ્રના ઝાંખા અજવાળામાં જ્યોર્જ નક્કી ના કરી શક્યો કે એ દરવાજો શાનો બનેલો હશે.


દરવાજો ખોલીને પેલી સ્ત્રીએ આજુબાજુ નજર કરી. અને અચાનક તેની નજર જ્યોર્જ ઉપર પડી. પોતાની પાછળ કોઈ અજનબી માણસ જોયો એટલે એ સ્ત્રીના મુખમાંથી ભયની ચીસ નીકળી ગઈ. જ્યોર્જ એની ચીસ સાંભળીને ભાગ્યો આવ્યો હતો એ જ દિશામાં.થોડી વાર એ ભાગતો રહ્યો ઝુપડપટ્ટી વાળો વિસ્તાર એણે વટાવી દીધો. પછી સામે જ મોટા ઝાડી-ઝાંખરા તેમજ મોટા વૃક્ષોની હારમાળાઓ હતી એ તરફ ભાગ્યો. ઝાડી ઝાંખરા વટાવ્યા બાદ પર્વતીય વિસ્તાર શરૂ થયો. ત્યાં એક ભેખડની બખોલમાં એણે આશ્રય લીધો.


રાત વીતી ગઈ સૂર્ય નારાયણ ફરીથી પોતાની રોશની લઈને આકાશમાં પધાર્યા. રાત્રીની રઝળપાટ કર્યા પછી જ્યોર્જ થાકી ગયો હતો. લગભગ સૂર્ય માથા ઉપર આવ્યો હશે ત્યારે એની ઊંઘ ઉડી. એ બખોલમાંથી બહાર આવ્યો. રાત્રે એ આદિવાસીઓની બીકથી આ પહાડ ઉપર ચડ્યો હતો. સામે જોયું તો તે જ્યાં હતો ત્યાંથી આદિવાસીઓનું નગર નજરે પડતું હતું. પહેલા ઝુંપડપટ્ટીઓ દેખાતી હતી ત્યારબાદ અંદર પથ્થરમાંથી બનાવેલા મકાનો નજરે પડતા હતા. વૃક્ષોની સુંદર હારમાળાઓ આટલા દૂરથી પણ સ્પષ્ટ પણે જ્યોર્જ જોઈ શકતો હતો. આવા નિર્જન ટાપુ ઉપર આવી અદ્ભૂત નગરરચના જોઈને જ્યોર્જ નવાઈમાં ડૂબી ગયો.


જ્યોર્જનું ગળુ સુકાઈ ગયું હતું. પેટને ખોરાકની પણ જરૂર હતી એટલે જ્યોર્જ સાવચેતી પૂર્વક પહાડનો ઢોળાવ ઉતરવા લાગ્યો. ત્યાં નીચે એને ઝરણા જેવું કંઈક દેખાયું. જ્યોર્જ ઝરણા તરફ ગયો. ત્યાં તેણે બે આદિવાસી સ્ત્રીઓને વાત કરતી સાંભળી.


એક સ્ત્રી બીજીને કહી રહી હતી "અલી કાલે જે પુરુષ પકડાયો છે એના લક્ષણો આપણા ઉદ્ધારક દેવ ક્લિન્ટનને મળતા આવે છે. એવું રાજયોગીએ કહ્યું છે.


જ્યોર્જ આ સ્ત્રીની વાત સાંભળીને ચોંક્યો. કારણ કે આ સ્ત્રી જે ભાષા બોલી રહી હતી એ જૂની સ્પેનીશ ભાષા હતી અને તેમાં અમૂક શબ્દો લેટિન ભાષાના પણ હતા.


ત્યાં બીજી સ્ત્રી બોલી "હા સાંભળ્યું તો છે.. અને આપણા રાજ્યશાસ્ત્રમાં એવી ભવિષ્યવાણી પણ કરેલી છે કે ભવિષ્યમાં આપણે ત્યાં ક્લિન્ટન દેવતાના અંશ ધરાવતો પુરુષ આવશે અને તેનાથી આપણુ નગર વિકસિત થશે.


આ બંને સ્ત્રીની વાતોએ જ્યોર્જને અચંબામાં મૂકી દીધો. ખરેખર આ નગરનું રાજ શું હશે ?? એ જ્યોર્જ વિચારવા લાગ્યો. ત્યાં તો એને પણ પાછળથી કોઈકે પકડ્યો જોયું તો એની પાછળ બે આદિવાસીઓ ઉભા હતા.


****************************************


પ્રોફેસર મળ્યા


-------------


વનમાનવોની મસ્તી જોઈને કેપ્ટ્ન તેમજ તેમના સાથીદારો પ્રોફેસરને બીજા દિવસે શોધવાનું નક્કી કર્યું. પણ હવે ભોજન માટે કોઈ વસ્તુ તો એમની પાસે હતી નહીં એટલે પેટનો જઠરાગ્નિ ઠારવા માટે કંઈક તો ખાવુ જ પડે. ત્યાં ફિડલે એક પથ્થર ઉઠાવ્યો અને તીવ્ર ગતિથી સામે રહેલા એક મોટા વૃક્ષ તરફ ફેંક્યો. તરત એક રંગબેરંગી પક્ષી પથ્થરનું શિકાર બનીને નીચે જમીને પર પડ્યું. અંધારામાં પણ ફિડલની શિકાર કરવાની ચપળતા જોઈને સૌ મિત્રો ખુશ થઈ ગયા.


જમીન પર પડેલા પક્ષીને ઉઠાવીને ફિડલ બોલ્યો "દોસ્તો આ 'ચાત' પક્ષી છે બહુ ભોળું તેમજ એકલું રહેતું પક્ષી અમૂક ટાપુઓ ઉપર જોવા મળે છે આ પક્ષી.. નર અને માદા બન્ને અલગ-અલગ રહે છે. આ ખાસિયત છે આ પક્ષીની.


"પણ ફિડલ હવે આને ખાઈશું કઈ રીતે ?? કેપ્ટ્ન બોલ્યા."શેકીને ખાઈશું..' ફિડલ ત્યાં જ જમીન પર બેસતા બોલ્યો.


"પણ શેકવા માટે અગ્નિ તો જોઈએ.અને અગ્નિ પેટાવવા માટેનું આપણી પાસે કોઈ સાધન નથી..' કેપ્ટ્ને ફિડલની બાજુમાં બેસતા કહ્યું.


"અરે રોકી તારા ખિસ્સા તપાસ એકાદ માચીસ બોક્સ જરૂર હશે તું સિગારેટો બહુ પીવે છે એટલે..' ફિડલે બાજુમાં ઉભેલા રોકીને કહ્યું.


રોકીએ એના ખિસ્સા તપાસ્યા તો સાચેજ એકદમ દબાઈ ગયેલું માચીસનું બોક્સ ઘૂંટણ પાસેના ખિસ્સામાંથી મળી આવ્યું. માચીસનું બોક્સ જોતાં જ બધા આનંદિત થઈ ગયા.


ત્યારબાદ જોન્સને લાકડાઓ એકઠા કર્યા.. માચીસમાં છ-સાત જ દીવાસળીઓ હતી એટલે એનો ઉપયોગ બહુજ સમજી વિચારીને કરવાનો હતો.


ત્યારબાદ બે દીવાસળી નિષ્ફ્ળ ગઈ અને ત્રીજી દિવાસળીએ માંડ-માંડ રોકીએ અગ્નિ સળગાવ્યો. ત્યારબાદ બધાએ પેલા પક્ષીને શેકીને ભોજન કર્યું. પક્ષી એક મીટર જેટલી લંબાઈનું હતું એટલે બધાની ભૂખ સારી રીતે સંતોષાઈ.


ત્યારબાદ ફિડલ જાગતો રહ્યો. અને બાકીના બધા સૂઈ ગયા. બે કલાક પછી ફિડલે રોકીને ચોકી પહેરો રાખવા જગાડ્યો. કારણ કે અજાણી ધરતી હતી એટલે સાવચેતી રાખવી બહુજ જરૂરી હતી. ત્યારબાદ જોન્સન અને છેલ્લે કેપ્ટ્નનો વારો આવ્યો.


આખી રાત નિર્વિઘ્ને પસાર થઈ ગઈ. સવારમાં બધા ઉઠ્યા. ત્યારબાદ બધાએ પ્રોફેસરની શોધમાં જવાનુ હતું એટલે બધા ઝરણા પાસે આવ્યા. અને એક ઊંચા વૃક્ષ ઉપર ચડી ગયા.


ધીમે-ધીમે વનમાનવો આ બાજુ આવવા લાગ્યા અને ઝરણાનું પાણી પી ને ખોરાકની શોધમાં જવા લાગ્યા. બધા વનમાનવો ગયા પછી કેપ્ટ્ન અને તેમના સાથીદારો વૃક્ષ ઉપરથી નીચે ઉતર્યા.


"જુઓ મિત્રો વનમાનવો શાકાહારી હોય છે એટલે પ્રોફેસર એકદમ સુરક્ષિત જ હશે. ફક્ત આપણે એમને શોધવાના છે.આ કામ આપણે જલ્દી પુરુ કરવું પડશે.. નહિતર...' આટલું બોલીને કેપ્ટ્ન અટક્યા.


"નહિતર..શું..?? ' ફિડલ , રોકી અને જોન્સન ત્રણેય એકસાથે બોલી ઉઠ્યા.


"નહિતર બપોર સુધીમાં વનમાનવો પોતાનો ખોરાક કરીને પાછા આવી જશે એટલે પછી આપણુ કામ અઘરું બનશે..' કેપ્ટ્ન બોલ્યા.


"તો ચાલો જલ્દી હવે ટાઈમ ના વેડફવો જોઈએ...' જોન્સને બધા સામે જોઈને કહ્યું.


"હા અને સાવચેતી રાખજો.. નહિતર વનમાનવનો એક જ પંજો કાફી છે આપણા મોત માટે ખુબ જ સંભાળીને કામ કરવાનું છે...' કેપ્ટ્ને ઝરણા તરફ આગળ વધતા કહ્યું.


ત્યારબાદ બધા ઝરણામાં ઉતર્યા.અને ઝરણું પાર કરીને વનમાનવોના વસવાટ તરફ આગળ વધ્યા.


સામે રહેલા પહાડના કોતરોમાં વનમાનવોનો વસવાટ હતો.


બધા જ કોતરોમાં ફરી વળ્યાં પછી પ્રોફેસર ના મળ્યા. ત્યારબાદ બધા નિરાશ થઈને આરામ કરવા બેઠા.


ત્યાં રોકીએ બધાને ઇસારો કરીને એની પાસે બોલાવ્યા.


"શું થયું રોકી..?? કેપ્ટ્ન ધીમેથી બોલ્યા.


"અરે આ શીલા પાછળથી કોઈકનો કણસવાનો અવાજ આવી રહ્યો છે...' રોકીએ એક મોટી શીલા તરફ આંગળી કરીને કહ્યું.


કેપ્ટ્નને પથ્થરની શીલા પાસે જઈને જોયું તો અંદરથી કંઈક અવાજ આવી રહ્યો હતો.નક્કી જે હતું એ શીલા પાછળના કોતરમાં હતું. પછી કોતરનો આગળનો ભાગ શીલા વડે બંધ હતો.. એટલે શીલા હટાવવી જરૂરી હતી.


કેપ્ટ્ને બધાને બોલાવીને શીલા ખસેડવાનું કહ્યું. બધાએ એકસાથે તાકાત કરી ત્યારે પચીસેક મણ વજન ધરાવતી શીલા ગબડી નીચે.

બધાએ કોતરમાં જોયું તો એમના મોંઢામાંથી શબ્દો નીકળી પડ્યા. પ્રોફેસર સાબ..''

ઝડપથી પ્રોફેસરને એ કોતરમાંથી બહાર કાઢવામાં આવ્યા.
કેપ્ટ્ન અને તેમના સાથીદારો વનમાનવની બુદ્ધિ જોઈને ચકિત થઈ ગયા. વનમાનવોએ કેવી રીતે છુપાવ્યા હતા પ્રોફેસરને..

ત્યારબાદ પ્રોફેસરને ઝરણા પાસે લઈ ગયા. તેમના મોંઢા ઉપર પાણી છાંટવામાં આવ્યું.. થોડીવાર પછી પ્રોફેસરને ભાન આવ્યું અને તેમણે આંખો ખોલી.. પોતાની સામે પોતાના મિત્રો ઉભેલા જોઈને પ્રોફેસરે હળવી સ્માઈલ કરી.

કેપ્ટ્ન તો પોતાના વહાલા મિત્રને ભાનમાં આવેલો જોઈને ભેંટી જ પડ્યા.

વનમાનવોનો આવવાનો સમય થઈ ગયો હતો એટલે સુરક્ષિત સ્થળે જવું જરૂરી હતું. રોકી અને જોન્સને પ્રોફેસરને ઊંચક્યા અને ઝરણું પાર કરી સામેના છેડે આવ્યા.

અને તેમનું જહાજ જે તરફ તૂટ્યું હતું એ બાજુ ચાલવા લાગ્યા. છેક સાંજ ઢળી ત્યારે તેઓ જહાજ તૂટ્યું એ જગ્યાએ આવ્યા.

*****************************************

પીટરનું શું થયું હશે ??

આદિવાસીઓ જ્યોર્જને પકડીને ક્યાં લઈ ગયા હશે ??

આદિવાસીઓનું નગર કેવું હશે ?? આદિવાસીઓના દેવતા ક્લિન્ટન અને આ નગરનું રાજ્યશાસ્ત્ર શું છે ??

તૂટેલા જહાજ પાસે આવ્યા પછી કેપ્ટ્નને બીજા કોઈ સાથીદારો મળશે કે નહીં ??

કેપ્ટ્ન અને તેમના સાથીદારો વનમાનવ વાળા ટાપુ ઉપર વસવાટ કરશે કે અન્ય બીજા ટાપુ ઉપર ??

આ બધા પ્રશ્નોના જવાબ આગળના ભાગમાં મળશે..

આપનો કિંમતી પ્રતિભાવ અવશ્ય આપજો..

****************************************


બીજા રસપ્રદ વિકલ્પો