ગામડાની પ્રેમકહાની
સુમન તેનાં પરિવાર સાથે જીગ્નેશના લગ્નમાં ગઈ હતી. મનન પોતાનાં મમ્મી-પપ્પાની ચિંતાના લીધે ચિંતિત હતો.
ભાગ-૧૬
ધનજીભાઈ ઘરે આવીને આરામ કરવા સોફા પર બેઠાં. તેમની સાથે બીજાં બધાં પણ હોલમાં જ બેસી ગયાં. સુશિલાબેન તો આવતાવેંત જ કામમાં લાગી ગયાં. જાણે એ કોઈનાં આવવાની રાહમાં કામ પૂરાં કરવાની ઉતાવળ દર્શાવતાં હોય, એમ ઘરની સાફસફાઈ કરવાં લાગ્યાં.
ધનજીભાઈ સહિત બધાં સુશિલાબેનને આ રીતે જોઈને હેરાન હતાં. સુમન તો આવતાંની સાથે જ હોસ્પિટલ જતી રહી હતી. હજું સાંજ પડવાને ઘણી વાર હતી. પહેલાં સાપુતારા ને પછી જીગ્નેશના લગ્નને લઈને સુમનને હોસ્પિટલ જવાનો મોકો જ નહોતો મળ્યો.
આરવ પોતાનાં રૂમમાં જઈને પોતાનાં કામમાં લાગી ગયો. આરવ ઘણાં દિવસોથી રાણપુર હતો. અમદાવાદમાં તેનો બિઝનેસ નિલેશ એકલો સંભાળતો હતો. જેનાં લીધે આરવ તેને અહીંથી જ બને એટલી મદદ પૂરી પાડતો.
સુશિલાબેને કામ કરતાં કરતાં એક નજર હોલમાં દિવાલ પર લગાવેલી ઘડિયાળ તરફ કરી. ઘડિયાળમાં સાંજનાં છ વાગી ગયાં હતાં. સુશિલાબેને હાથ થોડાં ઝડપથી ચલાવવાની કોશિશ કરી. થોડીવાર થતાં જ તેમનાં ઘરનાં દરવાજે ટકોરા પડ્યાં. સુશિલાબેન દોડતાં દોડતાં દરવાજો ખોલવા ગયાં.
"આવો, બસ હું તમારાં આવવાની રાહમાં જ બેઠી હતી." સુશિલાબેન જાણે કોઈની વર્ષોથી રાહ જોઈ રહ્યાં હોય, એમ બોલ્યાં.
સુશિલાબેન કોઈને ઘરની અંદર આવકારી રહ્યાં હતાં. એ વાત જાણીને ધનજીભાઈએ દરવાજા તરફ એક નજર કરી. સામેથી નિશાંતનાં મમ્મી-પપ્પા ઘરની અંદર આવી રહ્યાં હતાં. સુશિલાબેન તેમની રમત રમી ચૂક્યાં હતાં. હવે આગળની બાજી આરવે સંભાળવાની હતી. પણ, આરવ તો ઉપર પોતાનાં રૂમમાં હતો.
નિશાંતના મમ્મી-પપ્પા બધાંને પ્રણામ કરીને, સોફા પર બેઠાં. સુશિલાબેન તેમનાં માટે ચા-નાશ્તો લઈને આવ્યાં.
"કાલે અમારે અમદાવાદ જતું રહેવાનું છે. તો મને થયું, કે આજ જ બધી વાત થઈ જાય. તો સારું રહે." નિશાંતના મમ્મી પ્રેમિલાબેને ધનજીભાઈ તરફ એક નજર કરીને કહ્યું.
પ્રેમિલાબેન શું કહી રહ્યાં હતાં. એ વાત ધનજીભાઈની સમજમાં નાં આવી. પણ, મનિષાબેન બધું સમજી ગયાં હતાં. તેમણે તરત જ દેવરાજભાઈને ઈશારો કરી દીધો. દેવરાજભાઈએ મનિષાબેનનો ઈશારો મળતાં જ આરવને મેસેજ કરી નીચે બોલાવી લીધો.
"અમારાં તરફથી બધું નક્કી જ છે. બસ એકવાર સુમન આવી જાય. પછી આપણે તેની મરજી પણ જાણી લઈએ." સુશિલાબેને એકદમ શાંતિથી કહ્યું.
સુશિલાબેન માટે કોઈ પણ વાતે સુમનની મંજૂરી જાણવી જરૂરી નહોતી. છતાંય બધાંની નજરમાં મહાન બનવાનો એ એક મોકો નાં છોડતાં.
"સુમન ક્યારે આવશે??" પ્રેમિલાબેને ઘડિયાળ તરફ એક નજર કરીને પૂછ્યું.
"બસ, આવતી જ હશે. તેનો આવવાનો સમય થઈ જ ગયો છે." સુશિલાબેને વિનમ્રતાથી કહ્યું.
આરવ દેવરાજભાઈનો મેસેજ મળતાં જ નીચે હોલમાં આવ્યો. આરવ કાંઈ સમજે, ને કહે એ પહેલાં જ સુમન પણ હોસ્પિટલેથી આવી ગઈ.
"અરે બેટા, આ જો તને કોણ મળવાં આવ્યું છે!!?" સુશિલાબેન ઉભાં થઈને, સુમનને ઘરનાં દરવાજા સુધી લેવાં ગયાં.
સુમન પણ સુશિલાબેનની કોઈ વાત સમજી નાં શકી. સુશિલાબેને સુમનને પ્રેમિલાબેન પાસે બેસવા ઈશારો કર્યો. સુમન આવીને પોતાની મમ્મીના કહેવાથી સોફા પર પ્રેમિલાબેન પાસે બેસી ગઈ.
"બેટા, તારો શું વિચાર છે?? તને નિશાંત પસંદ છે??" પ્રેમિલાબેને સુમનને પૂછ્યું.
સુમન પરિસ્થિતિનો તાગ નાં મેળવી શકી. સુમન કાંઈ સમજે એ પહેલાં જ પ્રેમિલાબેને સુમન ઉપર મોટો બોમ્બ ફોડી દીધો. સુમન તો શું બોલવું, શું કરવું, શું સમજવું, એવી કાંઈ હાલતમાં જ નાં રહી.
"નિશાંત જેવો છોકરો કોને નાં ગમે?? સુમનની તો હાં જ હશે." સુશિલાબેન તરત જ બોલ્યાં.
સુમન કાંઈ બોલે એ પહેલાં જ બધાં નિર્ણયો સુશિલાબેન લેવાં લાગ્યાં હતાં. બધાં ચૂપ બેઠાં હતાં. ધનજીભાઈ પણ નિશાંતના મમ્મી-પપ્પા સામે કોઈ તમાશો કરવાં ઈચ્છતાં નહોતાં. જેનાં લીધે એ પણ ચૂપ જ રહ્યાં.
"આન્ટી, આપણે સુમન અને નિશાંતને વિચારવા માટે થોડો સમય આપીએ. પછી કોઈ વાત કરીશું." આરવે પ્રેમિલાબેનને કહ્યું.
"નિશાંતને તો સુમન પસંદ છે. કાલે સુશિલાબેને વાત કરી, પછી અમે નિશાંતને પૂછ્યું. તેણે હાં પાડી, એટલે જ અમે અહીં આવ્યાં. કાલે અમારે અમદાવાદ જવાનુ છે. તો કીધું આજે સુમન સાથે પણ વાત કરતાં જઈએ." નિશાંતના પપ્પા પ્રેમજીભાઈએ કહ્યું.
પ્રેમજીભાઈની વાત સાંભળી વાતાવરણ થોડું વધારે પડતું જ ગંભીર થઈ ગયું. સુશિલાબેન આવી કોઈ વાતથી ખુશ હતાં. એ વાતની અત્યારે છેક બધાંને જાણ થઈ.
"અંકલ, એ વાત તો બરાબર...પણ, સુમનને તો વિચારવા માટે એક મોકો આપવો જ જોઈએ." આરવે થોડી જીદ્દ કરતાં કહ્યું.
"ઠીક છે, તો અમારે કોઈ ઉતાવળ નથી. નિશાંત તો અહીં જ છે. બંને એકબીજા સાથે વાત કરી લે. પછી આગળ જોયું જાશે." પ્રેમજીભાઈએ પોતાનો જવાબ આપી દીધો.
આરવે હાલ પૂરતી તો સુમનને બચાવી લીધી. પ્રેમજીભાઈ અને પ્રેમિલાબેન સુશિલાબેનની રજા લઈને જતાં રહ્યાં. ધનજીભાઈ કાંઈ પણ બોલ્યાં વગર પોતાનાં રૂમમાં ચાલ્યાં ગયાં. તેમનાં મનમાં તો કંઈક અલગ જ વિચારો ચાલી રહ્યાં હતાં. દેવરાજભાઈ મનિષાબેન સાથે પોતાનાં રૂમમાં જતાં રહ્યાં. સુમનની તો કાંઈ બોલવાની હાલત જ નહોતી.
આરવ સોફા પર બેસીને કંઈક વિચારવા લાગ્યો. સુશિલાબેને જે કર્યું હતું. એ વાતને મોટી કર્યા વગર થાળે પાડવાની હતી. જેની યોજના આરવ અત્યારથી જ ઘડવા લાગ્યો. આરવ નિશાંતને એક મેસેજ કરીને ફરી કંઈક વિચારવા લાગયો. આરવે આખી રાત હોલમાં સોફા પર જ વિતાવી દીધી. સવાર પડતાં જ તે પોતાનાં રૂમમાં જઈને, તૈયાર થઈને નિશાંતને મળવાં નીકળી ગયો.
નિશાંતના મમ્મી-પપ્પા હતાં. ત્યાં સુધી નિશાંત સાથે વાત કરવી અઘરી હતી. સવાર પડતાં જ તે લોકો અમદાવાદ જવાં રવાનાં થયાં, ને આરવ નિશાંત પાસે આવી પહોંચ્યો.
નિશાંત વિકાસની સાથે ચાની લારી પર બેઠો હતો. વિકાસને જોઈને થોડીવાર માટે તો આરવને ગુસ્સો આવ્યો. આરવે નિશાંતને એકલાં આવવાં કહ્યું હતું. છતાંય નિશાંત વિકાસને સાથે લઈને આવ્યો હતો. છતાંય આરવે નિશાંત સાથે જે વાત કરવાની હતી. એ વાત જરૂરી હતી. જેનાં લીધે આરવ વિકાસને અવગણીને નિશાંત પાસે જઈને બેઠો.
"તું સુમનને કેટલાં સમયથી પસંદ કરે છે??" આરવે નિશાંતને સીધો જ સવાલ પૂછ્યો.
"છેલ્લાં બે વર્ષથી હું તેને મારાં દિલની વાત કહેવા માંગતો હતો. પણ, આજ સુધી કહી નાં શક્યો. આજે જ્યારે મને સામે ચાલીને મોકો મળ્યો. તો મેં એ મોકો તરત જ ઝડપી લીધો." નિશાંતે બધી હકીકત આરવને કહી દીધી.
"એલા ટણપા, આ વાત તારે પહેલાં મને કહેવી જોઈતી હતી. અમદાવાદી લોકો આવું નાં કરે. તને તો સમજ જ નથી પડતી." આરવે નિશાંતના માથામાં એક ટપલી મારીને કહ્યું.
"અમદાવાદી આવું નાં કરે. એનાંથી તમારો મતલબ શું છે?? કોઈ છોકરીને પસંદ કરવી, એ કામ અમદાવાદી લોકો નાં કરી શકે એમ??" વિકાસે આરવને પૂછ્યું.
"એલા એમ નહીં હવે!! અમદાવાદી લોકો બહું પાક્કા હોય. કોઈ વાતની પૂરી જાણકારી મેળવ્યા વગર આગળ નાં વધે. એમાં આ ઠોલિયા જેવાં એ છોકરીનું મન જાણ્યાં વગર જ બે વર્ષ સુધી એને પ્રેમ કર્યો, ને વળી પાછી પહેલાં છોકરીને કહ્યાં વગર જ વાતને સીધી તેનાં ઘર સુધી પહોંચાડી દીધી. હવે બોલ, અમદાવાદી લોકો આવું કરે ખરાં!?" આરવે વિકાસને સમજાવતાં કહ્યું.
"તો શું સુમનને હું પસંદ નથી??" નિશાંતે સીધો જ પોતાને સતાવી રહેલો સવાલ પૂછી લીધો.
"સુમન તને પસંદ કરે, એવો તે એને એક પણ મોકો આપ્યો?? સુમન તને પસંદ કરે છે, એવું તને ક્યારેય લાગ્યું?? નહીં ને!! તો તને આટલો મોટો વ્હેમ કેવી રીતે થઈ ગયો??" આરવે નિશાંતને બધી વાત સમજાવી.
નિશાંત માટે આ સમજણ એક મોટાં ઝટકા સમાન સાબિત થઈ હતી. નિશાંત તો સુમનને પસંદ કરતો. પણ, સુમન નિશાંતને પસંદ કરે છે, કે નહીં. એ વાત નિશાંતે ક્યારેય જાણવાની કોશિશ જ નાં કરી. પોતાની પસંદના આધારે જ સુશિલાબેનના કહેવાથી વાત સીધી સુમનના ઘર સુધી પહોંચાડી દીધી.
આરવે જ્યારે નિશાંતને બધી વાત પોતાની અલગ ભાષામાં સમજાવી. ત્યારે નિશાંતને આખી વાત સમજાણી. નિશાંત જ્યારે કોઈ પણ વાત નાં સમજી શકતો. ત્યારે આરવ બધી વાતો તેને આ રીતે જ સમજાવતો.
"ભાઈ, બહું મોટી ભૂલ થઈ ગઈ. હવે આને મારે જ સુધારવી પડશે." નિશાંતે ઉભાં થઈને કહ્યું.
"નિશાંત, કોઈ ભૂલ નથી થઈ. વાત સુમન સુધી પહોંચી જ ગઈ છે. તો તેને પોતાનો જવાબ આપવાનો મોકો પણ આપવો જોઈએ. કદાચ એ તને પસંદ કરતી હોય, એવું પણ બની શકે." વિકાસે નિશાંતને ફરી ટેબલ પર બેસાડીને કહ્યું.
"આવાં લુખ્ખા સાથે રખડીને જ તું લુખ્ખાગીરી કરતાં શીખ્યો છે. તને સીધી અને સરળ વાત સમજાતી કેમ નથી!? સુમન નિશાંતને પસંદ નથી કરતી. જો એ નિશાંતને પસંદ કરે છે, એવું કંઈ હોત, તો જેમ નિશાતે તરત હાં પાડી. એમ સુમન પણ કાલે જ હાં પાડી દેત." આરવે થોડો ગુસ્સો કરતાં કહ્યું.
"તને કેમ ખબર, કે સુમન નિશાંતને પસંદ નથી જ કરતી??" વિકાસે આરવને પૂછ્યું.
વિકાસનાં એ સવાલ સાથે નિશાંતે પણ એક સવાલભરી વેધક નજરથી આરવ સામે જોયું. આરવ બંનેની સામે જોઈને થોડીવાર ચૂપ જ રહ્યો. વાતને અહીં જ ખતમ કરવી જરૂરી હતી. પણ, વિકાસ એવું થવા દે. એવું આરવને લાગતું નહોતું.
"સુમન નિશાંતને પસંદ નથી કરતી. કેમ કે, સુમન મને પસંદ કરે છે. ધનજીકાકાએ અમારાં સંબંધને મંજૂરી પણ આપી દીધી છે." આરવ કાંઈ કહે, એ પહેલાં જ મનને આવીને કહ્યું.
વિકાસ મનનને જોઇને થોડો ગુસ્સે થયો. આરવ અને નિશાંત સાથે વિકાસને જોઈને મનનને પણ થોડી નવાઈ લાગી. બધાં વચ્ચે થોડીવાર પૂરતું મૌન છવાઈ ગયું.
(ક્રમશઃ)