વિધવા હીરલી - 12 ભૂપેન પટેલ અજ્ઞાત દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિધવા હીરલી - 12

હીરલી મેળામાં પોતાના હાથે ગૂંથેલા સર્વ વસ્ત્રો અને સુશોભનની વસ્તુ વેચાય ગઈ, તે બદલ ખુશીનો અહેસાસ કરી રહી હતી.જાણે કોઈ ગઢ જીતી લીધો હોઈ.સામાન્ય માનવી નાની નાની ખુશીઓમાં ખુશીને શોધતો હોઈ છે અને તે ખુશીઓથી જીવવાનો નવો જ અનુભવ થતો હોઈ છે. હીરલી પોતાના કાનુડા માટે પાવો અને બીજા કેટલાક રમકડાં લઈને ઘરે ગઈ.બાપ વિનાના સંતાનને કોઈ ખોટની ઉણપ ન રહે તે માટે હીરલી પોતાની સર્વ ખુશી કાનુડાના હાથમાં ધરવા તૈયાર રહેતી હતી.કાનુડો આંગણામાં રમી રહ્યો હતો. માં ને જોતાજ જાણે વર્ષોથી વિખૂટો પડ્યો હોઈ એમ માંની ગોદમાં ભરાય જાય છે.

" માં, મેળામાંથી મારા માટ હું લાવી?"
કાનુડાના હાથમાં રમકડાં આપતા," જો તારા માટ તારી માં હું- હું લાવી સ!" પ્રેમથી માથા પર હાથ ફેરવે છે.કાનુડો રમકડાં જોતા જ જાણે સર્વ સુખ મળી ગયું એમ ખુશ થઈ ને રમવા લાગે છે.પાવો વગાડીને જાણે ગોકુળનો કાનુડો ન હોઈ એમ હરખાવા લાગે છે. માં કાનુડાનું મુખ જોઈને મલ મલ મલકાય છે.મલકાય જ કે, માં માટે પોતાનું સંતાન કાનુડાથી ઓછુ થોડું આંકે!

બીજી તરફ દર્દ હતો વરસાદ લંબાવાનો.જેથી અનાજની નીપજ થઈ શકે એના કોઈ એંધાણ જ ન વર્તાતા હતા. એટલે કોઠારમાં રહેલું ધાન પણ ક્યાં સુધી ચાલે. રોટલા માટે શરીરને ઘસવું પડે , એટલે એને ભરત અને બિડવર્ક કરવાનું નક્કી કરે છે. પણ આ કામ એકલા હાથે કરતા બહુ જ સમય લાગી જાય છે અને સામગ્રી પણ હવે ખૂટવા આવી હતી.વિચારે છે કે આ સામાનમાંથી જેટલું પણ બની શકે તે બનાવી ને શહેરમાં વેચીને બીજો સામાન ખરીદી લાવશે.

ગામના સર્વ જનના હાલ એવા જ હતા.રોટલો ક્યાંથી મળે! એ જ તરફ પોતાના પગ લાંબો કરતા હતા.શહેર તરફનો ઘસારો વધવા લાગ્યો.બસ, ત્યાં જ કઈ કામ મળી રહે એમ હતું.પણ વિધવા બાઈ માણસ એકલી હોઈ તે ક્યાં જાય? પોતાના પેટને કેવી રીતે ભરે? આવી ગામમાં પાંચ કે છ બાઈ હતી.જેના છોકરા નાના હોવાથી ઘરની સંપૂર્ણ જવાબદારી ખુદ પર આવી ગઈ હતી.પેટ માટે કઈક ના કઈક વેઠ કરવી જ પડે.થોડું ઘણું કામ મળી રહે એટલે એનાથી પેટ ભરાઈ જાય એમ હતું.પણ તે કામ વધુ ચાલે એમ ન્હોતું.કેમ કે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી એટલે બધે જ તંગી હતી.આ તંગીનો સામનો કરવા માટે તે બાઈઓમાં હિંમત ખૂટેલી હતી.પણ સમય બધું જ શીખવી દે છે.

સવાર પડે એટલે હીરલી પોતાના હાથ ભરત કામમાં લગાવી લેતી. ભરત ગૂંથણ જેમ વિવિધ રંગોથી સજેલું હોઈ છે એમ જ મનુષ્ય જીવનમાં પણ નીતનવીન સ્વરૂપમાં જીવન ઢળતુ હોઈ છે.આજ તો ખાસિયત છે જીવનની.

હીરલીએ બાંધણી, કેડિયું અને ઘર સજાવટની કેટલીક સામગ્રી તૈયાર કરી લીધી.પણ શહેરથી તો અણજાણ હતી.ક્યાં જઈશ? કોને વેચીશ? જેવા સવાલ મનમાં ઉમટેલા હતા.
" પરિસ્થિતિએ જીવતા શીખવ્યું સ તો હવે આ પણ થઈ જસે..."મનને મક્કમ કરે છે.

પરોઢિયમાં પંખી જ્યારે લાંબી ઊંડાણ આકાશમાં માંડતા હોઈ છે ત્યારે મનના તરંગોમાં પણ આશાની જ્યોત જલે છે. સવાર એટલે માત્ર સૂર્ય પોતાના કિરણને પાથરે એ જ નહિ. પણ નિષ્ફળતાઓ પછી પણ સફર થવાની લહેર હોઈ છે. આજ આશા સાથે હીરલી કાનુડાને પોતાની બેનપણી શારદાને ત્યાં મુકીને શહેરનો રસ્તો ભણી.આ રસ્તો આશાનો હતો, નવી જિંદગીનો હતો અને નવ સાહસનો હતો.

હીરલી શહેરમાં પહોંચી જાય છે.શહેર એટલે ભૌતિક સુખસગવડો થકી બોખલાહત ભર્યા સબંધોમાં સજીવન થતી લાગણીઓની વચ્ચે, રસ્તાની ભાગદોડમાં અવ્વલ આવવાની હોડમાં જિંદગીને ખર્ચવી. આવા શહેરમાં હીરલીના હાથ વણાટથી બનેલા વસ્ત્રો નોખા અને અલગ તરી આવતા હતા. શહેરના લોકો પણ આવી જ વસ્તુની હોડમાં હોઈ છે. જે અલગ હોઈ તે પામવાની ઈચ્છા જાગ્રત થતી હોઈ છે.

હીરલીની હાટડી આગળ લોકોની ભીડ જામી જાય છે.હાથ વણાટનું મહત્વ હજુ પણ આપણા દેશમાં જીવંત છે. જે યંત્રો કરતા પણ સવાયું અંકાય છે. એવી જ રીતે હીરલીના વસ્ત્રો અને સુશોભનની સામગ્રી લોકોને પસંદ આવે છે અને ખરીદી પણ કરે છે. હીરલી જે શેરીમાં પોતાની હાટડી ખોલીને બેસી હતી. તેની સામેનું ઘર સાવિત્રીબેનનું હોઈ છે.ઘર બહાર ચહલ પહલ સાંભળતા જ તે ઘરની બહાર નજર નાખતા જ હીરલી પર પડે છે. સવિત્રીબેનનું અંતર ખુશ થાય છે.હાથમાં પાણીનો લોટો ભરીને આવે છે.

" આવો, બેન. તમને જોઈને બહુજ ખુશી થઈ." લોટો હીરલીની સામે ધરે છે.
અણજાણ શહેરમાં જેનું કોઈ જ ઓળખીતું ન હોઈ અને પોતીકું સમજીને આવકાર આપે ત્યારે દિલને પોતાના હોવાનો એહસાસ કરાવે છે.
" બેન, તમારો આભાર."

" હવે તો મને બાંધણી મળશેને?"
" હા,બેન.જરૂરથી મલ્હે.આજ તો તમારા માટ સ જ. જે ગમ એ લઈ લો."
સાવિત્રીબેન એક બાંધણી પસંદ કરે છે.તેમને બાંધણી કરતા હીરલીના ચહેરા પર જે તેજ જોવાય રહ્યું હતું એનાથી વધુ ખુશી થતી હતી.જે કષ્ઠ વેઠીને પણ પોતાના પગ પર ઉભી રહીને જિંદગીના સંઘર્ષોનો સામનો કરનાર હીરલી હાર માને એવી નથી. સાહસી, મેહનતું અને સ્પષ્ટ ભાષા ધરાવનારી છે.
સાવિત્રીબેન મેળાની જે બાબત હેરાન કરતી હતી હવે તે બાબતને હીરલી અને ગામની બીજી સ્ત્રીઓના આત્મસન્માનની લડતમાં સહાય કરવાની તક મળી.
" હીરલી, તને વેચતા ન ફાવે એમ લાગે છે."
" હા, બેન. કેમ ક કદીએ આવું કોમ નથી કર્યું. પણ શીખી લેવાશે."
હવે, સાવિત્રીબેન પોતાના મનની વાત સીધી સીધી કહે છે.
" હીરલી, તુ તો સારું ભરત ગૂંથે છે. તો ત્યાં તારા જેવી બીજી સ્ત્રીઓને શીખવ અને એમને પણ પગ ઉપર ઊભા રહેતા શીખવ.જરૂર પડશે તો હું મદદ કરવા તૈયાર છું."
આ વાત હીરલીને જામી જાય છે. એમ પણ હમણાં બધી સ્ત્રીઓ દુકાળના લીધે લાચાર બની ગઈ છે તો આ કામ થી ઘર તો ચલાવી શકશે.

હીરલી આજ વિચારો સાથે ઘર તરફ જવા માટે નીકળી જાય છે. હીરલી દ્વારા વેચાયેલી બાંધણી હાથમાં લઈને બે સ્ત્રીઓને જતાં ભાણભા જુવે છે. જેવી નજર બાંધણી પર પડે છે કે ભરત ગૂંથણને ઓળખી જાય છે. ભાણભાનો જીવ રઘવાયો બને છે. હીરલીને શોધવા રસ્તામાં દોટ લગાવે છે.


ક્રમશ : ......