Pratiksha - 54 books and stories free download online pdf in Gujarati

પ્રતિક્ષા - ૫૪

“તેના કોન્ટેક્ટ વધી રહ્યા હતા. અને એ કોન્ટેક્ટમાંથી જ તેના હાથે નેલ્સનની સ્ટોરી ચડી. તે એની જડ સુધી જવા માંગતી હતી. તેને ખબર હતી કે આ સ્ટોરી પુરા મુંબઈમાં સનસની મચાવશે. અને એ જ સ્ટોરીની લ્હાયમાં તે મારી જાણ બહાર કુમુદની અડફેટે ચડી ગઈ...” રઘુના ચેહરા પર પરસેવો વળી રહ્યો. તેણે હાથમાં રાખેલા રૂમાલથી પરસેવો લૂછ્યો.
“હું ચા મુકું...” રઘુને થોડો સ્વસ્થ થવાનો બ્રેક મળી રહે તે માટે ઉર્વા ઉભી થઇ કિચનમાં ચાલી ગઈ. રચિત પણ તેની પાછળ દોરવાયો
ઉર્વાને આગળ વાત જાણવાની ઉત્કંઠા તો હતી પણ તે જાણતી હતી કે રઘુ સ્વસ્થતાથી વાત નહિ કહે તો વાતનો કોઈ અર્થ નહિ નીકળે.

“યુ ઓકે?” પાણીની બોટલ ઉર્વા સામે ધરતા રચિતે પૂછ્યું. ઉર્વા ફક્ત હકારમાં માથું હલાવી રહી.
“થોડીક જ કલાકમાં બહુ બધી ઇન્ફર્મેશન થઇ ગઈ ને!” રચિત હસીને બોલ્યો.
“હા.. બટ હવે બધું સંકેલીને મુંબઈ જવું છે મારે જલ્દીથી જલ્દી... સો બીજો કોઈ ઓપ્શન પણ નથી યાર...!” ઉર્વા તેની નજીક આવતા બોલી.
“અચ્છા એ તો કહે, મુંબઈ જઈને શું કરીશ?” રચિતે હાથથી ઉર્વાનું માથું પકડી પોતાના ખભે ઢાળી દીધું.
“ખબર નથી યાર. નવી ઘોડી નવો દાવ કરીશું...” ઉર્વા હસીને રચિતથી અલગ પડતા બોલી, રચિત પણ સામે હસી રહ્યો.
“અચ્છા આ રઘુની ફિયાન્સકંઇક વિચિત્ર ના લાગી તને!” રચિત તેના મનમાં જે ઘોળાઈ રહ્યું હતું તે પૂછી રહ્યો.
“તું એક્સ્પેકટ પણ શું કરી શકે?” ઉર્વા બંદિશ બોડીલેંગ્વેજના જજમેન્ટ પરથી બોલી પણ તેને આવું વિચારવા માટે વળતી જ પળે અફસોસ થયો.
“એમ નહિ યાર! સમથીંગ ઈઝ ફીશી... એના ચેહરા પર ડર છે, એક અજીબ ડર છે... રઘુ જે કંઈપણ બોલે છે એની સાથે એના હાવભાવમાં ફરક આવે છે, પણ તે હાથે કરીને છુપાવી દે છે. પોતાનો થવા વાળો વર, પોતાનું આખું ભૂતકાળ કહેતો હોય, એની પ્રણયગાથા સંભળાવતો હોય ને સ્ત્રી આટલી શાંત બેઠી રહે! ગળે ઉતરવું બહુ અઘરું છે યાર!” રચિત કહી રહ્યો.
“બહુ નીરખીને જોઈ તે તો...” ઉર્વા રચિતને હેરાન કરતા બોલી
“હા, એમ તો નીરખવા જેવી ખરી હો!” રચિતે થોડુંપણ મગજમાં લીધા વિના સામે મસ્તી કરી.
“ચલ ચલ હવે...” ઉર્વા છણકો કરતા બોલી ને રચિત હસી રહ્યો.
“હા, ચાલો આમેય ચા બની ગઈ છે.” રચિત ચા માટે કપ રકાબી કાઢી રહ્યો અને ઉર્વા ચા કપમાં ભરી હોલ તરફ આવી રહી.

***

ઉર્વાની વાતો સાંભળ્યા પછી ઉર્વિલની હાલત કફોડી થઇ રહી હતી. પોતાના ઘરે તેને જવું નહોતું, બીજે ક્યાંય તે જઈ શકતો નહોતો.જેટલી ઝડપથી તેના મનમાં વિચારો ચાલી રહ્યા હતા તેટલી જ ઝડપથી તે અમદાવાદના સુમસાન રસ્તાઓ કાર ચલાવી રહ્યો હતો. રાત આખી તે કાર લઈને બસ ભટકી રહ્યો હતો. કોઈ જ દિશા વગર, કોઈ જ જગ્યાએ પહોંચવાની ઈચ્છા વગર બસ ડ્રાઈવ કર્યે જતો હતો.
અમદાવાદના ઓલમોસ્ટ ખાલી રસ્તા પર રસ્તો જેમ લઇ જઈ રહ્યો હતો તેમ તે જઈ રહ્યો હતો. સૂર્યોદયનું અજવાળું જયારે બારીમાંથી ડોકાવા લાગ્યું ત્યારે તેને સમયનું ભાન થયું.
દુર ક્ષિતીજરેખાથી બહાર આવી રહેલો સુરજ જોઈ તેને રેવા સાથેનો સંવાદ યાદ આવી ગયો.
આમજ બારી પાસે અઢેલીને રાખેલા પલંગ પર રેવા વેલની માફક ઉર્વિલને વીંટળાઈને સુતી હતી ને ઉર્વિલે પૂછ્યું હતું,
“તારું અલ્ટીમેટ ડ્રીમ શું છે?”
“મારું? રોજ સવારે આપણા ઘરમાં તને આવી જ રીતે વીંટળાઈને સૂર્યોદય થતા જોઉં છું એ જ...” રેવા તેની વધુ નજીક આવતા બોલી હતી.
“આઈ વિશ...” ઉર્વિલ આગળ કહેવા જતો હતો પણ રેવાએ તેને રોકી દીધો.
“એ સપનું પૂરું થઇ ગયું છે ઉર્વિલ. તું જેટલા પણ કલાકો કે જેટલા દિવસો મારી સાથે વિતાવે છે એ પૂરતા છે મારા માટે. મને રંજ નથી તારી સાથે રોજ ના હોઈ શકવાનો પણ હા, તારી સાથે ક્યારેય આમ ઉગતો સુરજ જોઈ શકું છું, જે મારું અલ્ટીમેટ ડ્રીમ હતું તે જીવી શકું છું, એની ખુશી બહુ છે!”

ઉર્વિલ ફરી આંખો બંધ કરી રેવાના ચેહરાને પોતાની સામે જોઈ રહ્યો. શું અદ્ભુત સ્ત્રી હતી એ યાર! અને મેં રોજ બેવકૂફી કરી કરીને એને ખોઈ દીધી.
“શું બીજી એક અદ્ભુત સ્ત્રીને પણ આમ બેવકૂફી કરીને તું ખોઈ રહ્યો?” ઉર્વિલની અંદરથી અવાજ આવ્યો. તેની બંધ આંખોમાં ધીમે ધીમે રેવાના ચેહરાનું સ્થાન મનસ્વીએ લીધું. ઉર્વિલે તરત જ આંખો ખોલી.

બાજુમાં પડેલી પાણીની બોટલ હાથમાં લઇ કારનો દરવાજો ખોલી મોઢું ધોયું, પાણી પીધું અને કાર ચુડા તરફ હંકારી મૂકી.

***

ચા પીધા પછી થોડીવાર એમજ સન્નાટો છવાયેલો રહ્યો. અંતે ઉર્વાએ જ ફરી વાતની શરૂઆત કરી,
“રઘુભાઈ શું થયું પછી આગળ? કુમુદના હાથે સ્વાતિમોમ કઈ રીતે ચડ્યા? પ્લીઝ આઈ નીડ ટુ નો.”
“લાગે છે તું પૂરી વાત સાંભળ્યા વગર મારો કેડો મુકીશ નહિ!” રઘુએ હળવાશથી કહ્યું.
“બિલકુલ નહિ.” ઉર્વાએ પણ હસીને કહ્યું. બંદિશથી અજાણતા જ મોઢું મચકોડાઈ ગયું.
“સારું તો તને ખબર જ છે સ્વાતિ જીદ્દી હતી. ક્યારેય કોઈનું સાંભળતા નહોતી શીખી. એના વરનું ય ક્યારેય નહોતી જ સાંભળતી. તે જે સ્ટોરી હાથમાં લેતી તેની જડ સુધી તે પહોંચીને જ રહેતી. તેણે નેલ્સનની સ્ટોરીમાં હાથ નાંખ્યો છે તે મને બહુ સમય પછી ખબર પડી.
હું તાઈ સાથે કોઈ વાત કરતો બેઠો હતો ત્યારે જ અમારો એક છોકરો તાઈને ફોટા આપવા આવ્યો હતો.
“આ જોવો એક છોકરું ને વર છે એને. આ ૧૫ – ૨૦ ફોટા મળ્યા છે, તમે કહો એ કરીએ આનું...”
“કરવાનું શું હોય? મોકલ એના ઓફિસે કુરિયર... સાલી બે ટકાની એ મજુમદાર રિપોર્ટર સીધી રીતે સમજતી જ નથી કોઈ વાતે... ને આપણે એક જ તો નહિ હોઈએ જેને એ સળી કરતી હશે! બધી ગેંગમાં ખબર પહોંચાડો. બધાય પોતપોતાની રીતે સમી લેશે. ઘણો ટાઈમ થયો સારું રમકડું નથી મળ્યું રમવા માટે.” કુમુદ વિચિત્ર રીતે હસતા બોલી હતી.
સામાન્ય રીતે તો મારું ધ્યાન ના જાત કારણકે આવું બધું તાઈ કરતી રહેતી હોય, એને ડરાવી ધમકાવીને કોઈને તાબે કરવામાં ખુબ મજા પડતી એ હું જાણતો હતો. પણ ત્યારે મજુમદાર અટક સાથે રિપોર્ટર સાંભળી મને જરા ઉત્સુકતા થઇ.
“કોણ છે તાઈ શું થયું છે?” મેં સહજ થતા પૂછ્યું.
“અરે ઓલા મરી ગયા નેલ્સનની સ્ટોરીમાં એક ચિબાવલીને બહુ રસ પડ્યો છે. આપણા અંદરના એક છોકરાને ફોડીને બેઠી તી. તો હવે વારો તો લેવો પડે ને એનો. બીજી વખત ખો ભૂલી જાય.” તાઈ કડકાઈથી બોલી હતી.
“લાવો તો જરા ફોટા...”
“એનો વર ને છોકરું છે જો.”
ફોટા જોઇને હું બે મિનીટ શોક થઇ ગયો હતો, પણ તાઈ સામે કોઈ રીતે હું નહોતો કહી શકું એમ કે આ રિપોર્ટર મારી દોસ્ત છે.
ત્યારે થોડીવાર આડી અવળી વાતો કરી હું સીધો રેવાના ઘરે જ ગયો હતો અને મારા નસીબ કે સ્વાતિ મને ઘરે જ મળી ગઈ. રેવા ત્યારે સુતી હતી.
“સ્વાતિ જે સ્ટોરી ઉપાડી છે એ મહેરબાની કરીને મૂકી દે...” મેં રીતસર વિનતી કરી હતી.
“રઘુ કેવી વાત કરે છે! ધીઝ સ્ટોરી ઈઝ બીગ સ્કૂપ, જો કે મારી પાસે બધી જાણકારી નથી આવી પણ તું જ વિચાર એ માણસનું ફક્ત ૧૫ દિવસની માંદગીમાં મૃત્યુ થયું હતું અને એના પછી ૬ મહિનામાં જ તું એની જગ્યાએ બેઠો હતો. એના ભાઈ, ભત્રીજાઓ હોવા છતાં તેની જગ્યા તને મળી હતી... ફીશી નથી આ!” સ્વાતિ મારી જ વાર્તા મારી સામે બોલી રહી હતી. ખોટું નહિ કહું ત્યારે મને એટલો ગુસ્સો આવ્યો હતો કે એને કંઇક કહી દઉં.
“સ્વાતિ પરોક્ષ રીતે તું મારી જ વાર્તા કવર કરી રહી છે. તું પ્લીઝ રહેવા દે. બાકી આગળ જે કંઈપણ થશે એ સીરીયસલી તું નથી જાણવા કે અનુભવવા ઈચ્છતી.”
“ધમકાવે છે મને?”
“સમજાવું છું.” મેં સ્વાતિને સમજાવવાની બહુ કોશિશ કરી ત્યારે પણ તેણે મારી વાત કાન પર ધરી જ નહિ. અને બીજા દિવસે તે જેવી ઓફિસ ગઈ, તેના પર એક પછી એક કુરિયરના ઢગલા આવવા લાગ્યા. નતનવા ધમકીભર્યા લેટર તેને મળી રહ્યા હતા. તેને ફોન આવી રહ્યા હતા. દિવસના અંત સુધીમાં તો અલગ અલગ ગેંગના લીડરો મરજી પડે એમ ધમકાવી ચુક્યા હતા સ્વાતિને. તેના ઓફિસમાં નાનીએવી તોડફોડ પણ થઇ હતી.
સ્વાતિને પોતાની નહોતી પડી પણ દેવ કે કહાન પર તેના કામનો પડછાયો પણ પડે એવું તે નહોતી ઈચ્છતી. સાંજે તેણે મને બહાર મળવા બોલાવ્યો અને મારી મદદ માંગી.
તેણે મને બાહેંધરી આપી કે તે નેલ્સનની સ્ટોરી છોડી દેશે, મેં તેનું ઘરનું સરનામું કોઈ જ ગેંગના હાથે ના લાગે તેની તકેદારી પહેલેથી જ રાખી હતી. આખરે એ જ ફ્લેટમાં મારી રેવા રહેતી હતી એટલે હું જોખમ ના લઇ શકું.
સ્વાતિને મેં જ સમજાવ્યું કે આ બધું ઠંડુ પડી જાય ત્યાં સુધી તે કહાન અને દેવને મુકીને બીજે ક્યાંક રહેવા લાગે અને કોઇપણના ફોન કે લેટરનો કોઈ જવાબ ના આપે.
સ્વાતિએ દેવનું ઘર છોડી દીધું. મેં બહુ સાવચેતીથી એ વાત ફેલાવી દીધી કે સ્વાતિ તેના વર કે છોકરા સાથે નથી રહેતી. ૬ – ૮ મહિના લાગ્યા બધું ઠંડુ પડતા પણ ત્યાં સુધીમાં સ્વાતિ સમજી ગઈ હતી કે દેવ અને કહાનથી દુર રહીને જ તે એમને સુરક્ષિત રાખી શકશે. તે જાણતી હતી કે તેનું નામ હીટ લીસ્ટમાં આવી ગયું હતું... આ જ કારણ હતું કે સ્વાતિએ ઘર છોડ્યું અને તેના ફેમિલીને હાથે કરીને પોતાની આંખોની સામેથી દુર રહેવા મોકલ્યા.” રઘુએ પૂરી વાત નાટકીય ઢબે સમજાવી અને ફરી એકવાર પુરા રૂમમાં સન્નાટો છવાઈ ગયો.

“આઈ એમ સોરી મને કોઈ ફોર્માલીટી કરતા નથી આવડતું. આ બધી જ માહિતી જે મને અત્યારે મળી એ માહિતીઓ હજારો યાદો સાથે જોડાયેલી છે! મને આ બધું જ... ડાયજેસ્ટ કરવા માટે થોડો સમય જોઈએ છે!” ઉર્વા ધીમા અવાજે બોલી.
“ઉર્વા તારે જરાપણ કંઈ મગજમાં લેવાની જરૂર નથી બેટા! હું સમજી છું કે તું અત્યારે શું અનુભવી રહી હોઈશ...!” રઘુ સાંત્વના આપતા બોલ્યો.
“અચ્છા ચાલો છોડો એ બધું કાલે તમારા લગ્ન છે, તો બધી તૈયારી થઇ ગઈ! ક્યાંય હું મદદમાં આવી શકું તો પ્લીઝ કહો. પુજારી, ઘરચોળું, સજાવટ કોઇપણ કામ હોય તો...” રચિત વાત ફેરવવાની કોશિશ કરી રહ્યો.
“ના આમ તો મોટાભાગની બધી તૈયારીઓ થઇ જ ગઈ છે. અને બહુ ઓછા લોકો જ બોલાવ્યા છે, તમે બન્ને, મારા અહિયાં એક ડોક્ટર મિત્ર બન્યા એ અને એક દર્શનભાઈ મિત્ર બન્યા એ. બસ, આટલા જ. એટલે તૈયારીમાં તો કંઈ ખાસ નથી.” રઘુએ જાણકારી આપી.
“બંદિશ તમારા તરફથી કંઈ લેવાનું કે કંઈ હોય તો લેટ મી નો...” ઉર્વા પહેલી વખત બંદિશ સાથે વાત કરી રહી હતી. તેની કોઈ શ્રુંગાર કે મહેંદી વિનાની કાયા જોઈ તેના માટે માનવું અઘરું થઇ રહ્યું હતું કે આવતી કાલે આ સ્ત્રી દુલ્હન બનવાની છે.
“ના મારે પણ બધું લેવાઈ જ ગયું છે.” બંદિશ લગભગ પરાણે જ બોલી.
“બંદિશ એક વાત કહું? લગ્ન લાઈફમાં મોટાભાગે એક જ વખત થતા હોય, દુલ્હન બનવાનો મોકો પણ એક જ વાર મળતો હોય. આ દિવસને જીવી લેવાનો. પોતાની રૂપસજ્જા મન ભરીને કરી લેવાની. મહેંદી, પીઠી, શૃંગાર આ બધો તો દુલ્હનનો હક કહેવાય!” ઉર્વાને પોતે પણ નહોતી ખબર કે પોતે આ શું કામ બોલી.
“વાત તો જરાય ખોટી નથી તારી ઉર્વા. હું ય વિચારતો હતો કે સાદગીથી જ લગ્ન કરવા છે તો કેટલા તૈયાર થયા છીએ એનાથી ફર્ક ના પડે...” પછી બંદિશ સામે જોઇને ઉમેર્યું,”ચાલો મેડમ તમને ક્યાંક લઇ જવાના છે!”
“ક્યાં અત્યારે!” બંદિશ બોલી પડી.
“રઘુભાઈ આપણી વાત...” ઉર્વાને હજુ ઘણી જાણકારી લેવાની બાકી હતી. તેને પોતાના પર જ ગુસ્સો ચડ્યો કે ક્યા આ વાત કાઢી.
“અરે વધી ને એક-બે કલાકમાં આવી જઈશું. પછી બધી વાત કરીએ...” રઘુ બોલ્યો ને પછી ધીમેથી ઉમેર્યું, “તને અનુકુળ હોય તો...”
“શ્યોર તમે જઈ આવો, હું સાંજના ડીનરની તૈયારી કરું!” ઉર્વાએ ચાલાકીથી કહ્યું ને રઘુ સ્મિત આપી દરવાજા તરફ ચાલવા લાગ્યો.

***

રઘુ અને બંદિશના ઘરેથી જતા જ ઉર્વા સોફા પર લાંબી થઇ બેકરેસ્ટ પર માથું ઢાળી આંખો મીંચી પડી રહી.
“કેમ આટલો લોડ લે છે?” રચિત તેની બાજુમાં બેસતા પૂછી રહ્યો.
“મેં કહાન અને દેવને વર્ષો સુધી નફરતની આગમાં સળગતા જોયા છે... મને એક તરફ રઘુભાઈ પર દયા આવે છે ને બીજી તરફ ગુસ્સો... જો એ લાઈફમાં ના આવ્યા હોત તો અત્યારે સ્વાતિમોમ જીવતા હોત, કહાન અને દેવની સાથે રહેતા હોત! શું ખબર રેવા પણ કદાચ જીવતી હોત... આ માણસે એક હસતા રમતા ઘરને ઉજાડીને રાખી દીધું યાર...
આઈ સીરીયસલી વોન્ટ ટુ કોલ કહાન... મારે કહેવું છે એને બધું જ આ...” ઉર્વા આંખો ખોલ્યા વિના જ બોલી.
“ઉજાડ્યું કે બચાવ્યું તે તો જ્યાં સુધી પૂરી વાત ખબર ના પડે ત્યાં સુધી કેમ કહી શકાય? બીજા એન્ગલથી વિચાર તો રઘુભાઈએ કહાન અને દેવને બચાવ્યા પણ તો છે! શું ખબર કોઈ ગેંગ લીડરે સ્વાતિનો ગુસ્સો વર્ષો પહેલા એની ફેમિલી પર કાઢી નાંખ્યો હોત...!” રચિત પોતાનો પોઈન્ટ ઓફ વ્યુ બતાવી રહ્યો. ઉર્વા સામે કંઈજ ના બોલી.
“યાર તું બોલીવુડમાં ટ્રાય કર હો સાચે!” રચિત ફરી તેની મસ્તી કરતા બોલ્યો.
“કેમ?” ઉર્વા આંખો ખોલી તેની સામે ફરી.
“દિલમાં ભારોભાર નફરત છે તો ય મોઢેથી તો ફૂલડાં જ ઝરે છે. બંદિશ સામે ય કેવી ડાહી થતી તી” રચિત હસ્યો.
“યાર આઈ પીટી હર. દરેક સ્ત્રીના પોતાના લગ્નને લઈને અરમાન હોય, હું તો જસ્ટ સ્ત્રીસહજ લાગણીથી બોલી.”
“ચાલ હવે ઉભી થા, સાંજે શું બનાવવાનું છે એ નક્કી કર. હું દેવઅંકલ સાથે બધી વાત કરી લઉં.” રચિત સોફા પરથી ઉભો થતા બોલ્યો.
ઉર્વા પણ પોતાનું માથું હલાવી ઉભી થઇ રસોડામાં ગઈ, ભૂતકાળના પાનાઓમાં હજુ કેટલું કેદ હશે તેની અટકળો લગાવી રહી.

***

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED