રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 22 જીગર _અનામી રાઇટર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 22

કેપ્ટ્ન ક્લિન્ટન ફર્નાન્ડેનું જીવન વૃતાંત..
______________________________________

રાજા માર્જીયશ થોડાંક આગળ વધ્યા. અને ઓરડીના ખૂણામાં પડેલી મજબૂત ધાતુની પેટી ખોલી. અને પેટી ખોલીને પેટીમાંથી એક જાડા પુસ્તકની બનાવટ જેવી વસ્તુ બહાર કાઢી. અને એ વસ્તુ પ્રોફેસરના હાથમાં આપી. પ્રોફેસરે એ વસ્તુ ઉપર બાંધેલી દોરી છોડી નાખી અને પછી એ કોઈક મજબૂત ઝાડની છાલમાંથી બનાવેલા પુસ્તકને હતું. પ્રોફેસરે એ પુસ્તક ખોલ્યું.

પુસ્તકના પ્રથમ પાના ઉપર પ્રાચીન રોમન લિપિમાં સ્પેનિસ ભાષાના "કેપ્ટ્ન ક્લિન્ટન ફર્નાન્ડેનું જીવન વૃતાંત" શબ્દો અંકિત હતા.

પ્રોફેસર કેપ્ટ્ન ક્લિન્ટન ફર્નાન્ડેનું જીવન વૃતાંત લઈને બધા સામે ફર્યા.

"શું છે પ્રોફેસર આ..? અલગ બનાવટની પુસ્તક જેવી જ રચના ધરાવતું આ પુસ્તક જોઈને કેપ્ટ્ન હેરીએ જિજ્ઞાસાવશ પ્રોફેસરને પૂછ્યું.

"આ વનસ્પતિઓની છાલમાંથી બનાવેલા પાનાઓવાળું પુસ્તક છે જેમાં કેપ્ટ્ન ક્લિન્ટન ફર્નાન્ડેનું જીવન વૃતાંત આલેખાયેલું છે..' પ્રોફેસર એ અદ્ભૂત પુસ્તકનું એક પાનું ફેરવતા બોલ્યા.

"ઓહહ.. તો પછી લાવો મને આપો આ પુસ્તક.. મારે ક્લિન્ટન ફર્નાન્ડેનું જીવન વૃતાંત જાણવું છે..' કેપ્ટ્ન હેરી અધિરાઈ પૂર્વક બોલ્યા.

"આવી રીતે સરળતાથી તમે એમનું જીવન વૃતાંત નહીં જાણી શકો..' પ્રોફેસર કેપ્ટ્ન સામે જોઈ હસીને બોલ્યા.

"કેમ સરળતાથી ના જાણી શકું.? મતલબ.?? કેપ્ટ્ન હેરીએ પ્રશ્ન કર્યો.

"કારણ કે આ પુસ્તકની ભાષા પ્રાચીન સ્પેનીશ છે અને એમાં પણ અમૂક શબ્દો રોમલ લિપિના છે એટલે બધાને મારે જ વાંચીને સંભળાવવું પડશે..' પ્રોફેસર બધા સામે જોઈને બોલ્યા.

"તો ચાલો બહારના વિશાળ ઓરડામાં બધા બેસીએ પછી તમે અમને બધાને કેપ્ટ્ન ક્લિન્ટન ફર્નાન્ડેનું જીવન વૃતાંત સંભળાવો..' રાજા માર્જીયશ પ્રોફેસર સામેં જોઈને બોલ્યા.

"હા ચાલો બહાર બધા.. ત્યાં બેસીને પ્રોફેસર બધાને વાંચી સંભળાવે..' ક્રેટી બધા સામે જોઈને બોલી.

બધા ક્લિન્ટને ફર્નાન્ડેની ઓરડીમાંથી બહાર આવ્યા.પછી બહારના વિશાળ ઓરડામાં બેઠા. પ્રોફેસર બધાની સામેં બેઠા રાજા માર્જીયશ અને કેપ્ટ્ન હીરી પણ સામે જ બેઠા.

"હવે સંભળાવો પ્રોફેસર..' કેપ્ટ્ન હેરી પ્રોફેસરની સામે જોતાં બોલ્યા.

"હા..' પ્રોફેસરે ખોંખારો ખાધો અને પછી બોલ્યા.

"જુઓ.. કેપ્ટ્ન ક્લિન્ટન ફર્નાન્ડેનું આખું જીવન વૃતાંત ક્લિન્ટન ફર્નાન્ડે પોતે જ અહીં લખ્યું છે જોકે ભાષા થોડીક રોમન લીપીમાં છે.. છતાં હું તમને સમજાવી દઈશ.."થોડીક વાર ઉભા રહીને બધાની ઉપર સ્થિર નજરે જોતાં પ્રોફેસર અલ્બુકર્ક બોલ્યા.

"હા.. હવે તમે જલ્દી ચાલુ કરો.. અમારાથી વાટ નથી જોવાતી..' ક્રેટી જિજ્ઞાસાવશ અવાજે બોલી.

"હા..' પ્રોફેસર હસ્યાં અને એમણે ક્લિન્ટન ફર્નાન્ડેનું જીવન વૃતાંત સંભળાવવાની શરૂઆત કરી.

=========================
કેપ્ટ્ન ક્લિન્ટન ફર્નાન્ડેનું જીવન વૃતાંત..|
=========================
*********
પ્રસ્તાવના *
*********

હું ક્લિન્ટન ફર્નાન્ડે વ્યવસાયે એક ખલાસી છું. મૂળ સ્પેનના સેવિલે નગરનો વતની અને રહેવાસી છું. તોફાનોના કારણે રસ્તો ભટકેલું મારું જહાજ "આર્જેન્ટિના" અકસ્માતવત આ અજાણ્યા ટાપુ પાસે આવી પહોંચ્યું. જોકે મારી આવડત અને મારી રહેલા ચારસો કુટુંબોના લોકોના સાથ સહકારના કારણે મેં આ ટાપુ ઉપર એક નવું નગર ઉભું કર્યું. હું મારું જીવન વૃતાંત એટલા માટે લખી રહ્યો છું કારણ કે હવે પછી મારી અહીંની જે આગામી પેઢીઓ થશે એમને એમના મૂળ વતનનો ખબર નહીં હોય એટલે જયારે સ્પેન કે યુરોપના અન્ય દેશના કોઈપણ માણસો અહીં આવી ચડે તો આ પુસ્તક વાંચીને એ મારા આ ટાપુ ઉપરના ટાપુવાસીઓને બહારની દુનિયાની માહિતી આપી એમને એમના મૂળ વતનથી માહિતગાર કરીને બહારની દુનિયા સાથેનો સંપર્ક આ લોકો સાથે સ્થાપિત કરી શકે.

હું મારા દેશ સ્પેનને ખુબ પ્રેમ કરું છું. મારી માતૃભૂમિ મારી જન્મભૂમિ મને મારા પ્રાણ કરતા પણ વધારે વ્હાલી છે પણ હું મારી જન્મભૂમિ અને માતૃભૂમિથી એટલો દૂર છું કે મને ખુદને પણ ખબર નથી કે મારા અને મારી માતૃભૂમિ વચ્ચે કેટલું અંતર હશે. ખબર નહીં આ ટાપુ દુનિયાની કઈ દિશામાં છે એ મને ખબર નથી.. જો હું એકલો હોત તો ગમેતેમ કરીને હું મારા વતનમાં પાછો ફરી શક્યો હોત.. પણ અફસોસ મારી સાથે બીજા ચારસો કુંટુંબોનો કાફલો છે.. એમને એકલા મૂકીને હું કંઈ પગલું ભરું તો આ લોકો સાવ દિશાવિહીન થઈ જાય.

મને ખબર છે મારી યુરોપિયન પ્રજાની એક દિવસ એ લોકો જરૂર આ ટાપુ ઉપર આવી ચડશે અને આ ટાપુ પરના લોકોને યોગ્ય રીતે માર્ગદર્શિત કરશે..

- આર્જેન્ટિના જહાજનો કેપ્ટ્ન ક્લિન્ટન ફર્નાન્ડે

*********************************
- સેવિલે બંદરેથી પ્રવાસે નીકળેલું આર્જેન્ટિના જહાજ..
-----------------------------------------------------

સેવિલે શહેર અને સ્પેન દેશનું એક બંદર છે. અમારું જહાજ આર્જેન્ટિના ઈ.સ 1327ના જુલાઈ માસની 13 તારીખની મધ્યરાત્રીએ લગભગ ચારસો કુટુંબોના કાફલા સાથે પેસેફિક અને એટલાન્ટિક સમુદ્રના સામુદ્રિક ટાપુઓના પ્રવાસે નીકળ્યું.

જહાજનો કેપ્ટ્ન હું (ક્લિન્ટન ફર્નાન્ડે) હતો. બધા જ પ્રવાસીઓ ખુશ મિજાજી અને સરળ સ્વભાવના હતા એટલે કોઈ પણ તકલીફ વગર હું આટલા બધા પ્રવાસીઓને સારી રીતે સાચવી શકતો હતો. મારા જહાજના તમામ ખલાસીઓ અને અધિકારીઓ પણ સારા સ્વભાવના હતા એટલે મને જહાજનું સંચાલન કરવામાં જરાય તકલીફ પડતી નહોતી.

આમ દિવસ રાત પ્રવાસ કરતું કરતું અમારું જહાજ આગળ વધતું જતું હતું. વચ્ચે આવતા બધા ટાપુઓ અને નાના મોટા બંદરોએ અમારું જહાજ એક બે દિવસ રોકાતું અને પછી આગળ વધતું. આમ કરતા કરતા અમે એટલાન્ટિક સામુદ્રિક ટાપુઓનો પ્રવાસ પૂર્ણ કરીને પેસિફિક સમુદ્રમાં પ્રવેશ્યા.

પેસિફિક સમુદ્રમાં અમે આવી રીતે મુસાફરી કરતા હતા. અને એવી જ રાતે હું અને મારી પત્ની અમારી કેબીનમાં સુવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યાં મારી કેબીનના દરવાજે જોરથી ટકોરા પડ્યા.

મેં મારી કેબિનનો દરવાજો ખોલ્યો. ત્યાં દરવાજા ઉપર જહાજનો મુખ્ય નિરીક્ષણ ખલાસી રિચર્ડ ઉભો હતો. એના ચહેરા ઉપર ભય મિશ્રિત ચિંતાના ભાવો અંકિત થયેલા હતા.
એના ચહેરાના ભાવો જોઈને મારા મનમાં કંઈક અમંગળ થવાની આશંકાઓ થવા લાગી.

"શું થયું રિચર્ડ.. આમ ચિંતામાં કેમ છે ? મેં પણ ચિંતિત અવાજે પ્રશ્ન કર્યો.

"કેપ્ટ્ન આપણે જે ટાપુ તરફ જઈ રહ્યા છીએ એ ટાપુ લગભગ હવે દસ પંદર માઈલદૂર રહ્યો છે..' રિચર્ડે થોડાક ચિંતિત અવાજે ઉત્તર આપ્યો.

"તો એ તો ખુશીની વાત છે એમાં આટલા દુઃખી થવાની શું વાત છે..? એના ચહેરા ઉપર યથાવત રહેલી ચિંતાની રેખાઓ જોઈને મેં ફરીથી પ્રશ્ન કર્યો.

"કેપ્ટ્ન પણ એ ટાપુ ઉપર અગ્નિ સળગી રહ્યો હોય એવું દેખાઈ રહ્યું છે..' રિચર્ડ બોલ્યો.

"શું ટાપુ ઉપર અગ્નિ સળગી રહ્યો છે ..? અને એ દસ પંદર માઈલ દૂરથી પણ દેખાઈ રહ્યો છે..? મેં રિચર્ડ સામે જોઈને પ્રશ્ન કર્યો.

"હા.. તમે ખુદ આવીને જોઈ લો. મને એ તો એ તરફ જવામાં પણ સંકટ દેખાઈ રહ્યું છે..' રિચર્ડ ફરીથી ચિંતિત અવાજે બોલ્યો.

અમારી બંનેની વાત સાંભળીને મારી પત્ની મેગી અમારી પાસે આવીને ઉભી રહી.

"શું વાત છે આટલા બધા કેમ ચિંતિત થઈ ગયા..? મારા ચહેરા ઉપર ઘેરાયેલા ચિંતાના વાદળો જોઈને મેગી બોલી.

"કંઈ નહીં તું આરામ કર.. હું તૂતક ઉપર જઈ આવુ..' મેં મેગીના ગાલ ઉપર ચુંબન કરીને મેગી સામે વહાલભરી નજરે જોઈને કહ્યું.

મેગી મારી સામે જોઈને મીઠું હસી અને પછી મને જવા માટે ઇસારો કર્યો. મેગીએ અંદરથી કેબિનનો દરવાજો બંધ કર્યો ત્યારે મેં રિચર્ડ સાથે તૂતક ઉપર જવા માટે પગ ઉપાડ્યા.

હું તૂતક ઉપર આવ્યો.ત્યારે ઘણા બધા ખલાસીઓ તૂતક ઉપર જમા થઈને પશ્ચિમ દિશામાં જોઈ રહ્યા હતા. મને આવેલો જોઈને બધા મારી સામે ફરીને ઉભા રહ્યા. મેં પશ્ચિમ દિશામાં જોયું તો દૂર ઘણી જગ્યાએ આગ સળગતી હોય એવું લાગી રહ્યું હતું.

"જ્વાળામુખી..' મારા મોઢામાંથી શબ્દો સરી પડ્યા.

"જ્વાળામુખી..' મારી પાછળ બીજાને પણ ઘણાબધા ખલાસીઓ બોલી ઉઠ્યા.

"હા.. મને એ ટાપુ ઉપર જ્વાળામુખી હોય એવું લાગી રહ્યું છે. જ્વાળામુખીના કારણે એ ટાપુ ઉપરના વિશાળ જંગલ સમૂહ પર પણ આગ લાગી હશે..' મેં બધા તરફ ફરીને કહ્યું.

"મને તો એ જ્વાળામુખીવાળો ટાપુ લાગે છે..' એક વૃદ્વ ખલાસી આગળ આવતા બોલ્યો.

"તો તો.. આપણે અહીંથી જ પાછા વળી જવું જોઈએ..' એક બીજો ખલાસી આગળ આવીને બોલ્યો.

બીજા ખલાસીની વાત સાંભળી બધા ખલાસીઓ બોલવા લાગ્યા કે આપણે પાછા ફરી જવુ જોઈએ. પણ મારું મન એ ટાપુ તરફ એક અલગ જ લાગણીથી ખેંચાઈ રહ્યું હતું. ખલાસીઓ બધા જહાજ પાછુ વાળવા માટે મને વિનંતી કરવા લાગ્યા. પણ મારું દિલ અને મન એ ટાપુ તરફ એવી રીતે ખેંચાઈ રહ્યું હતું કે મને પાછા ફરવાની જરાય ચિંતા થતી નહોતી.

"બધા શાંત થઈને એકવાર મારી વાત તો સાંભળો..' મેં બધા તરફ ફરીને કહ્યું.

મારી વાત સાંભળીને અંદરો-અંદર ગુપસુપ કરતા ખલાસીઓ શાંત થઈને મારી તરફ ધ્યાન આપ્યું.

"જુઓ.. હવે ટાપુથી લગભગ દસ માઈલ જેટલા જ દૂર રહ્યા છીએ.. આપણે આ જ ટાપુ તરફ આગળ વધીશું.. પણ..' આમ કહીને મેં ઊંડો શ્વાસ લીધો અને બધા ખલાસીઓ ઉપર નજર ફેરવી.

"પણ શું..કેપ્ટ્ન..? એક નવયુવાન ખલાસીએ પ્રશ્ન કર્યો.

"પણ જેવા આપણે એ ટાપુથી એક માઈલ જેટલા દૂર રહીશું ત્યારે જહાજ રોકીને લંગર નાખી દઈશું.. પછી જહાજમાંથી બે ત્રણ હોડીઓ નીચે ઉતારીને એ ટાપુ સુધી ચક્કર મારી આવીશું..' મેં આગળની યોજના રજુ કરતા કહ્યું. પછી બધા ખલાસીઓના મોંઢા તરફ જોયું.

બધાના મોંઢા ઉપર મારી યોજનાની સારી અસર જોઈને હું બધાનો ઉત્સાહ વધારવા આગળ બોલ્યો "જુઓ તમે તો બધા દરિયાખેડૂ છો.. અને દરિયાખેડૂ આવા હિંમત હારેલા અને ડરેલા ના હોવા જોઈએ..'

"અરે.. આવી તો અનેક મુશ્કેલીઓ આપણને દેખા દેશે. આપણે બધા ભેગા થઈને સામનો કરીશું..' છેલ્લે બેસીને મારી વાત સાંભળી રહેલો માર્ટ નામનો એક નવયુવાન ખલાસી બોલી ઉઠ્યો.

"માર્ટ તું અહીંયા આવ..' મેં માર્ટને આગળ બોલાવ્યો.

માર્ટ ઉભો થઈને આગળ આવ્યો. વીસ વર્ષના આ નવયુવાન ખલાસીનો ચહેરો ગજબ ચમક અને અદ્ભૂત આત્મવિશ્વાસ થી ચમકી રહ્યો હતો. એના મોંઢા ઉપર કંઈક નવુ જ સાહસ કરવાની ઝલક હતી.

"જી કેપ્ટ્ન..' માર્ટ મારી સામે આવીને ઉભો રહેતો બોલ્યો.

"માર્ટ.. જયારે આપણે આ ટાપુની નજીક પહોંચી જઈશું ત્યારે જહાજને તો આપણે એક માઈલ જેટલું દૂર ઉભું રાખીશું અને જહાજમાંથી હોડીઓ નીચે ઉતારીને આપણે એ ટાપુ સુધી પહોંચવાનું છે.. તું ટાપુ તરફ જવાના એ મિશનનો વડો હોઇશ.. તારી સાથે બીજા દસ માણસો ચાર હોડીમાં આવશે. તું આમાંથી દસ માણસોને પસંદ કરી લે..' હું માર્ટ સામે જોઈને બોલ્યો.

મારી વાત સાંભળીને બધા ખલાસીઓ માર્ટના મુખ સામે જોવા લાગ્યા. બધાને એ જાણવાની ઉતાવળ હતી કે માર્ટ આ યોજના માટે કોને કોને પસંદ કરશે. થોડીક વાર માર્ટ વિચારમાં ડૂબેલો રહ્યો પછી એણે એક નજર બધા ખલાસીઓ ઉપર ફેરવી.

"સુકાની કોર્નબટ , જહાજનો મુખ્ય અધિકારી સેલ્વીર , એન્જીનની દેખરેખ રાખનાર હાર્ડિંગ , મુખ્ય નાવિક રેવિલ , શિકારી હેન્રી , નાવિક સુલ્બર , કેપ્ટ્નના મિત્ર અને ખાસ સલાહકાર રેમન્ડો , આખા જહાજની જીણામાં જીણી વિગતોનું ધ્યાન રાખનાર વુલ્ટ્ન , તોપચી મિલ્ટન અને દારૂખાનું સંભાળનાર જેકોર્બ મારી સાથે આવશે..' માર્ટે મિશન માટે પોતાની પસંદગીના માણસોના નામ બોલ્યા.

"વાહ..!!! માર્ટ આ બધા પણ તારી જેમનવયુવાન છે. આ વખતે જોઈએ તમે કેવું સાહસ કરી બતાવો છો એ..' મેં માર્ટની પીઠ થપથપાવતા કહ્યું.

"હા હું જાનના જોખમે પણ એ ટાપુની નજીક જઈને એની પરિસ્થિતિ ચકાસવાનો પ્રયત્ન કરીશ.' માર્ટ આત્મવિશ્વાસ સાથે બોલી ઉઠ્યો.

જહાજ જેમ જેમ આગળ વધી રહ્યું હતું એમ એમ ટાપુ તરફ થતી આગ મોટી દેખાઈ રહી હતી. હું એ ટાપુ તરફ જોઈને કુદરતના વિનાશક રૂપને જોઈ રહ્યો હતો. માર્ટ એના મિશનમાં લઈ જવા માટે તૈયાર કરેલા દસ સાથીઓને પોતાની યોજના સમજાવી રહ્યો હતો. બાકી વધેલા નાવિકો પોત પોતાની કેબીન તરફ જવા લાગ્યા. જેઓ રાત દરમિયાન જહાજની કામગીરી સંભાળતા હતા એજ ખલાસીઓ જહાજના તૂતક ઉપર અવર જવર કરી રહ્યા હતા. હું અને રિચર્ડ એકી નજરે ટાપુ તરફ તાકી રહ્યા હતા.

"રિચર્ડ હું નીચે જઈને આવુ.. મેગી ચિંતા કરતી હશે.. જયારે જહાજ ટાપુથી એક માઈલ જેટલું દૂર રહે એટલે એન્જીન બંધ કરીને જહાજને ઉભું રાખી અને લંગર નાખી દેજો..' મેં રિચર્ડ સામે જોઈને કહ્યું.

"જી કેપ્ટ્ન..' કહી મારી તરફ ફરીને રિચર્ડ માથું ધુણાવ્યું.

પછી હું માર્ટ જે તરફ એના દસ સાથીમિત્રોને આગળના મિશન વિશેની યોજના સમજાવી રહ્યો હતો એ તરફ ચાલ્યો.

"મારી સાથે હોડીમાં ફક્ત બે જ જણ રહેશે..' માર્ટથી હું થોડોક દૂર રહ્યો ત્યાં મને માર્ટનો અવાજ સંભળાયો.

"કોણ કોણ રહેશે માર્ટ તારી સાથે..? સુકાની કોર્નબટ માર્ટ સામે જોઈને બોલ્યો.

"મારી સાથે કોર્નબટ તું અને આપણો તોપચી મિલ્ટન રહેશે..' માર્ટ તોપચી મિલ્ટન સામે જોતાં બોલ્યો.

"પછી બાકીના અમે બધા..?? નાવિક સુલ્બરે પ્રશ્ન કર્યો.

"સુલ્બર તું , સલાહકાર રેમન્ડો , મુખ્ય અધિકારી સેલ્વીર અને વુલ્ટન બીજી હોડીમાં..' માર્ટ એ ચારેય તરફ જોઈને બોલ્યો.

"શિકારી હેન્રી , હાર્ડિગ , મુખ્ય નાવિક રેવિલ અને સુલ્બર ત્રીજી હોડીમાં રહેશે..' હેન્રી , હાર્ડિગ , રેવિલ અને સુલ્બર તરફ જોઈએ માર્ટ આગળ બોલ્યો.

"હા.. ત્રણ હોડી બરોબર છે..' સુકાની કોર્નબટ સંમતિ સૂચક અવાજે બોલ્યો.

"હા... અને એ ટાપુ આપણા માટે સાવ અજાણ્યો છે એટલા માટે આપણે આપણી સુરક્ષા માટે થોડાંક હથિયારો પણ સાથે લેવા પડશે.. હાર્ડિગ તું અને હેન્રી જાઓ અને સારા મજબૂત ધારદાર હથિયારોની વ્યવસ્થા કરી લો..' માર્ટ હાર્ડિગ અને હેન્રી તરફ જોઈને બોલ્યો.

માર્ટના કહ્યા પછી હાર્ડિગ અને હેન્રી નીચે હાથિયારોની વ્યવસ્થા કરવા માટે ચાલ્યા ગયા.

"પછી બીજી શું વ્યવસ્થા કરવાની છે માર્ટ..? કોર્નબટ માર્ટ સામે જોતાં બોલ્યો.

"બાકીના બધા જલ્દી જાઓ જહાજના ભંડાકિયામાં ત્યાં બધી હોડીઓ પડી છે સારી અને મજબૂત હોડી ચકાસીને પસંદ કરો હું આવુ છું..' માર્ટ બાકી વધેલા બધા સામે જોતાં બોલ્યો.

"હા ચાલો..' કોર્નબટ બધા સામે જોઈને બોલ્યો અને પછી એ બધા તૂતક ઉપરથી નીચેની તરફ ભંડાકિયામાં ચાલ્યા ગયા.

માર્ટ બધાને પોતાની યોજના સંભળાવીને મારી તરફ ફર્યો.

"કેપ્ટ્ન બરોબર જ છે ને મારી યોજના..? માર્ટ થોડીવાર મારી સામેં જોઈ રહ્યો અને પછી બોલ્યો.

"બરોબર નહીં.. જોરદાર યોજના બનાવી છે તે માર્ટ..' આમ કહીને મેં ખુશ થતાં માર્ટની પીઠ થાબડી.

"કેપ્ટ્ન..' પાછળથી રિચર્ડનો અવાજ સંભળાયો. રિચર્ડનો અવાજ સાંભળીને હું પાછળ ફર્યો.

"હા રિચર્ડ..' મારાથી આટલું જ બોલી શકાયું.

પાછળ જોયું તો ટાપુથી ફક્ત એક માઈલ જેટલા અંતરે જ અમે રહ્યા હતા. ટાપુ ઉપર આવેલા વિશાળ પર્વતની ટોચ ઉપરથી અગનજ્વાળાઓ નીકળીને આકાશ તરફ જઈ રહી હતી. નીચાણવાળા ભાગમાં આવેલો જંગલ પ્રદેશ અગ્નિથી સળગી રહ્યો હતો. વિકરાળ દાવાનળ પોતાના વિકરાળ અગન જડબાઓમાં ટાપુના જંગલી પ્રદેશને ભરખી રહ્યો હતો.

"રિચર્ડ જલ્દી જા એન્જીન બંધ કરો..' મેં રિચર્ડ તરફ જોઈને બુમ પાડી.

રિચર્ડ નીચે ગયો અને એણે એન્જીન બંધ કર્યું. માર્ટ પોતાના સાથીઓ સાથે હોડીઓ અને હથિયાર લઈને તૈયાર જ ઉભો હતો.. એણે જહાજમાંથી હોડીઓ નીચે ઉતારી અને એના દસ સાહસિક મિત્રો સાથે સળગી રહેલા ટાપુ તરફ પ્રયાણ કર્યું.

(ક્રમશ)