લાગણીનું અમીઝરણું Dhaval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીનું અમીઝરણું

કેમ છે...
અમને તો એમ કે સઘળું હેમ-ખેમ છે,
પણ એતો અમારો ક્યાંક વ્હેમ છે!

ચારે બાજુથી અજવાળું ભાસે છે,
પછી ભીતરમાં આ અંધારું કેમ છે!

ચેહરા પર સ્મિત તો આવે ને જાય,
પણ આ અંતર ઉદાસ તારું કેમ છે!

જીવનનો સરવાળો ખોટો પણ થાય,
એમાં એક એજ ભૂલ તારી કેમ છે!

હાથની રેખાનું ચાલે નહીં જોર અહીં,
ઝબકીને જો આ આયનામાં કોણ છે!
..........................................................
કેવો સંબંધ હશે...
નાની કાંકરી નાખી અને ડૂબી ગઈ જળમાં,
એનો કેવો સંબંધ હશે આ લાકડાની સાથે!

ભરતી ને ઓટ તો દરિયામાં આવે ને જાય,
એનો કેવો સંબંધ હશે આ ચાંદાની સાથે!

ગહેકી જાય મોરલો વન-વગડામાં નાચીને,
એનો કેવો સંબંધ હશે આ વર્ષાની સાથે!

સંધ્યાએ તારલાઓ ટમકી જાય આભમાં,
એનો કેવો સંબંધ હશે આ રોશનીને સાથે!

તું ઓળખી તો બતાવ આ આંખ્યુંના બિંદુને,
એનો કેવો સંબંધ હશે આ લાગણીને સાથે!
..........................................................
ક્યારેક...
મૌન-સંવાદ સમજવા માટે તર્ક-વિતર્કની શું જરૂર?
ધ્યાનથી વાંચી તો જુઓ ક્યારેક ચેહરાની રેખાઓ!

આભને આંબી જવા માટે ઉપર જવાની શું જરૂર?
પાંખો લગાડી તો જુઓ ક્યારેક કલ્પનાના તરંગોને!

તનને સુવાસિત કરવા માટે પેલા અત્તરની શું જરૂર?
મહેકી તો જુઓ અહીં ક્યારેક ફૂલો માફક પીસાઈને!

સૌંદર્યતા પામવા માટે દેહને સુંદર હોવાની શું જરૂર?
જાતને નિખારી તો જુઓ ક્યારેક ખુદના ભીતરથી!
..........................................................
જાણું છું...
કરુણાની જ્યોતને ભીતરમાં જગાવી જાણું છું,
મળે જો સથવારો તો ભવ સાગર તરી જાણું છું!

કેટ-કેટલા શમણાંઓને હસીને ત્યાગી જાણું છું,
જીવન કેરા રંગને હું નૂતન ભાત આપી જાણું છું!

રસવંતી આ પુણ્ય ધરા પર ખુદને જીવી જાણું છું,
પંથ કાપતા નિત્ય નિરંતર રસ્તાઓ શોધી જાણું છું!

શબ્દને આંખોથી સ્પર્શી મનમાં વસાવી જાણું છું,
હૃદયની એ તિરાડોમાંથી કલમને લખી જાણું છું!
..........................................................
વાત ન કર...
ઝખ્મોને રૂઝવવાની હવે વાત ન કર તું,
ઘાવ લાગ્યાની એ હદ પુરી થઈ છે હવે!

કારણ વિનાનું મનાવવાની વાત ન કર તું,
દેખાવના ઉપકારની હદ પુરી થઈ છે હવે!

ધૈર્યને ટકાવી રાખવાની હવે વાત ન કર તું,
સમયના એ પતનની હદ પુરી થઈ છે હવે!

હજુ પણ ચૂપ રહેવાની હવે વાત ન કર તું,
વ્યર્થ બોલનારાની એ હદ પુરી થઈ છે હવે!

દેખાવ પૂરતી એ કદરની હવે વાત ન કર તું,
મનની એ કુરુપતાની હદ પુરી થઈ છે હવે!
..........................................................
મૌનમાં...
મૌનમાં શબ્દોના જ્યારે શ્વાસ ઘૂંટાય છે,
પરસ્પરના સંબધો ત્યારે વધુ પરખાય છે!

ઓચિંતા કોઈ જ્યારે અલવિદા થાય છે,
અશ્રુના બિંદુ ત્યારે ધોમ વરસી જાય છે!

સંધ્યા વિતીને જયારે અજવાળું થાય છે,
આથમતો સુરજ ત્યારે ફરી ઉદય થાય છે!

જાત ઘસીને જ્યારે હીરો ચળકી જાય છે,
પથ્થર મટીને ત્યારે જાત કિંમતી થાય છે!
..........................................................
તો શું થયું?...
અલગ હોય શકે વિચારો સ્વભાવે-સ્વભાવે,.
ભલે પરિસ્થિતિ એક સરખી હોય તો શું થયું?

અલગ હોય શકે મોજા દરિયાના પવને-પવને,
ભલે એ કિનારા એક સરખા હોય તો શું થયું?

અલગ હોય શકે લાગણીઓ સંબંધે-સંબંધે,
ભલે બધા હૃદય એક સરખા હોય તો શું થયું?

અલગ હોય શકે બધા દિવસો સમયે-સમયે,
ભલે એ કેલેન્ડરો એક સરખા હોય તો શું થયું?

અલગ હોય શકે દ્રષ્ટિ લોકોની નજરે-નજરે,
ભલે આંખો એક જ સરખી હોય તો શું થયું?

અલગ હોય શકે આ જીવન માણસે-માણસે,
ભલે જન્મ-મરણ એક સરખા હોય તો શું થયું?
..........................................................
ઝંખીને...
લાગ્યા કરે છે મને એવું કે ભીતરથી,
જોઈ છે વાટ તારી યુગોથી ઝંખીને!

અંધારા આભમાં ખરતા તારલીયાથી,
માંગી છે ચાંદની મેં સુધાકરથી ઝંખીને!

ક્ષણના પ્રતિબિંબને જોઈને અંતરથી,
વીત્યા છે દિન મારા રજનીથી ઝંખીને!

જાવું છે પાર કરી દરિયાને બેડલીથી,
પહોંચું હું તારા એ કિનારાથી ઝંખીને!

શબ્દોના સથવારે લાગણીના બિન્દુથી,
લખવી છે યાદ તારી કલમથી ઝંખીને!
..........................................................
સર્જ્યું છે સ્વપ્ન...
સર્જ્યું છે સ્વપ્ન હૃદયના એ ખૂણે ધબકારમાં,
જાણે કે કાળઝાળ ગરમીમાં મેઘ વરસી જાય!

દિન વીત્યા, રાત વીતી અને વીત્યા વર્ષો આમ,
જાણે સદીઓથી વાટ જોતી શબરી વિણે બોર!

તરવાને જાવું મારે એ તારી લાગણીના દરિયામાં,
જાણે પેલા સ્વાતિના મોતીને શોધે મરજીવીયા!

શબ્દોએ હવે મનમાં ધારણ કર્યું છે ક્યાંક મૌન,
જાણે ફરે પાનું ધૂળખાતી એ કિતાબનું વર્ષોથી!

સર્જ્યું છે સ્વપ્ન હૃદયના એ ખૂણે ધબકારમાં,
જાણે કે કાળઝાળ ગરમીમાં મેઘ વરસી જાય!
..........................................................
અમસ્તા જ...
અમસ્તા જ તમે આવ્યા ના કરો કાયમ મનમાં,
જીવનમાં ક્યારેક વસંત બની આવી તો જુઓ!

કેમ છો? આમ પૂછ્યા ના કરો લોકોની ભીડમાં,
નિકટ આવી ક્યારેક વ્યથા અનુભવી તો જુઓ!

વાંચ્યા ના કરો આમ પાના પુરા કરવા ચોપડીમાં,
હૃદય રેડી ક્યારેક અંદર ઉતરી સમજી તો જુઓ!

હસ્યા ના કરો આમ સામે અશ્રુઓને સંતાડવામાં,
લાગણીઓે ક્યારેક ધોધમાર વહાવી તો જુઓ!

અમસ્તા જ તમે આવ્યા ના કરો કાયમ મનમાં,
જીવનમાં ક્યારેક વસંત બની આવી તો જુઓ!
..........................................................
શરૂઆત કરીએ...
ચાલને ફરીથી આપણે એક નવી જ શરૂઆત કરીએ,
રુઠેલાને મનાવી લઈએ ને રડેલાને ફરી હસાવી દઈએ!

કોને ખબર કાલે શું થશે? આજનેે સાથે જીવી લઇએ,
એકમેકને સહભાગી થઈએ ને અહંને ઓગાળી દઈએ!

આથમતી સૂર્ય જેવી આશાને આજે ફરી ઉગતી કરીએ,
અણગમતાને ફરી આજે પાછું ચાલને મનગમતું કરીએ!

ઠોકરો તો વાગશે રસ્તે, ઉભા થઈને ફરી ચાલતા થઈએ,
એકબીજાને સમજતા થઈએ હારીને બધું જીતી લઈએ!

ભેદભાવને ત્યજી દઈને ચાલને આપણે માણસ થઈએ,
હૃદયના એ દીપમાં આજે ચાલને થોડુંક ઉંજણ પુરીએ!
..........................................................
રાત વીતી ગઈ...
વાતો વાતોમાં જ આખી રાત વીતી ગઈ,
સપના વિનાની ફરી આજ રાત વીતી ગઈ!

તારલાઓ ને ગણતા આખી રાત વીતી ગઈ,
તારાએ સ્પંદનોમાં ફરી આજ રાત વીતી ગઈ!

હસતા હસાવતા જ આખી રાત વીતી ગઈ,
પૂનમની ચાંદનીમાં ફરી આજ રાત વીતી ગઈ!

લાગણીના એ અમી ઝરણામાં રાત વીતી ગઈ,
નીંદર વિનાની આંખે ફરી આજ રાત વીતી ગઈ!
..........................................................
ધબકતું ગુજરાત...
મારા હૃદયમાં તું હંમેશા ધબકતું ગુજરાત છે,
મારા સ્વપ્નોની ઊંચી ઉડાન તું ગુજરાત છે!

મેળાઓ, તહેવારો અને ઉત્સવોમાં તું ઝૂમે છે,
નવલી નવરાત્રીમાં તું સૌની સાથે સાથે ઘૂમે છે!

વિકાસમાં અવ્વલ તું, આ દુનિયાને ખોળે છે,
સહાયમાં તત્પર તું, સૌને એક સંગ જોડે છે!

નદીઓના નીર થકી, આ ધરા ને શણગારે છે,
ભીતરમાં સૌના તું, અનોખી ચેતના જગાવે છે!

પુસ્તકોના પાને તું, રૂડી યશગાથા સંભળાવે છે,
આ સાહસી પ્રજાને તું, ખમીરપણું શીખવાડે છે!
..........................................................

- ઢોડિયા ધવલ