yoga and life books and stories free download online pdf in Gujarati

યોગ અને જીવન


મારા સર્વ વાચક મિત્રોને મારા જય જય ગરવી ગુજરાત. આજે મારે તમને વાત કરવી છે યોગ અને આપણા જીવન વિશે. મિત્રો આપણે યોગ શબ્દ સાંભળીએ એટલે તરત જ મનમાં થાય કે શરીરની અલગ-અલગ કસરત, પ્રાણાયામ ઈત્યાદી!પરંતુ યોગ શું આટલા માટે જ સીમિત રહે છે? મારો જવાબ છે ના. મારા અનુભવ અને વાંચન ને આધારે યોગનું આપણા જીવનમાં વિશેષ મહત્વ રહેલું છે. જે હું આજે તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું.
યોગની વ્યાખ્યા અલગ-અલગ વિદ્વાનોએ અલગ-અલગ આપી છે. ભગવાન શ્રીકૃષ્ણએ પણ શ્રીમદ ભગવદગીતામાં યોગની વ્યાખ્યા આપી છે योगः कर्मसु कौशलम અર્થાત કાર્યમાં કુશળતા એટલે યોગ. મારે આ જ વિષય પર વાત કરવી છે. યોગ એ કોઈ પણ એક જાતિ, ધર્મ, સંપ્રદાય કે સમુદાય પૂરતો સીમિત નથી, પરંતુ સમસ્ત જગત સાથે યોગ સંકળાયેલો છે. યોગથી પરમાનંદની પ્રાપ્તિ થાય છે. એમ કહીએ તો ચાલે કે આખી સૃષ્ટિ યોગ દ્વારા ચાલે છે.
અલગ-અલગ આસનો, પ્રાણાયામો વગેરે યોગને પામવાની એક પ્રક્રિયા છે. આપણા શરીરને આપણા મગજને જેટલું કષ્ટ આપીએ એટલું જ એ વધારે મજબૂત બનતું જાય છે. અમુક લોકો શરીરને વધારે મજબૂત બનાવવા માટે જીમ પણ જાય છે. જોઆપણું તન અને મન બંને સ્વસ્થ હશે તો આપણે કોઈ પણ કાર્યને આસાનીથી કરી શકીશું. આપણે આપણા દૈનિક જીવનમાંઘણાબધા કર્યો કરતાં હોઈએ છે. જેમાં અમુક કાર્યોમાં આપણને કંટાળો આવે છે અને અમુક કાર્યોમાં ખુબ મજા આવતી હોય છે. કાર્યમાં મજા એટલા માટે આવે છે કારણ કે તે કાર્ય યોગ દ્વારા કરીએ છે. જ્યારે આપણે આપણા કોઈ પણ કાર્યને એકાગ્રતાથી અને ઉત્સાહથી કરીએ છે ત્યારે તે કાર્યમાં યોગ સંધાય છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ એ સમજાવ્યું છે, કે કોઈ પણ કાર્યને આનંદથી અને ઉત્સાહથી કરવું, તેમાં ચોકસાઇ રાખવી. સફળતા કે નિષ્ફળતા આપણા હાથમાં નથી પરંતુ કાર્યને કઈ રીતે ન્યાય આપવો એ આપણા હાથમાં છે.
જ્યારે યોગ દ્વારા કોઈ પણ કાર્ય કરવામાં આવે છે ત્યારે તેમાં થાકનો અનુભવ થતો નથી. પરંતુ આ વસ્તુ ત્યારે જ શક્ય બને જ્યારે આપણે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોઈએ. આપણે તન અને મનને સ્વસ્થ રાખવા માટે પોષ્ટિક આહાર લેવો,નિયમિત યોગ્ય માત્રામાં ઊંઘ લેવી, તેમજ કસરત વ્યાયામ વગેરે નિયમિત કરવું. જેનાથી આપણું શરીર અને મન એટલું મજબૂત બનશે કે આપણે દરેક કાર્યને વ્યવસ્થિત કરી શકીશું, જેમાં આપણને કંટાળાનો અનુભવ પણ નહીં થાય. આપણા મન અને શરીરને આપણે ધારીએ એ પ્રમાણે કેળવી શકીએ છે. આપણે આપણી શક્તિને કેળવીશું નહીં, જાગૃત કરી કામે નહીં લગાડીશું તો ઈશ્વરે આપેલા આ અમૂલ્ય જીવનને ન્યાય મળ્યો ન કહેવાય.
આપણે આપણા કાર્યને વ્યવસ્થિત રીતે કરવા માટે પહેલા તો મનને કેળવવું પડશે. આપણે આપણા કાર્યમાં ધ્યાન કઈ રીતે નથી આપતા એના વિશે થોડી વાત કરીએ. જ્યારે આપણે જમતા હોઈએ ત્યારે ઘણા બધા વિચારો આપણે મનમાં કરીએ છે,જેથી જમવાની સાચી મજા આપણે લઈ શકતા નથી, જ્યારે કઈક વાંચતાં હોય ત્યારે મન પર બીજા જ વિચારોનું ચિત્રણ થતું હોય.જેને કારણે વાંચવામાં મજા નથી રહેતી અને વાચેલું કઈ યાદ નથીરહેતું. આવા તો કેટલાય ઉદાહરણો આપણને મળી જાય. આપણે જે કાર્ય કરીએ તેમાં જ મનને પરોવીએ અને અન્ય વિચારોને તે કામમાં અડચણરૂપ ન થવા દઈએ તો તે કાર્યમાં આનંદ આવવા લાગશે. આપણે પૂરેપુરી શક્તિ જે કાર્ય કરીએ છે તેમાં જ લગાવીએ. પછી ભલે તે કાર્ય એકદમ નાનું કેમ ન હોય. પરંતુ તે કાર્યમાં તો જ આપણને આનંદની અનુભૂતિ થશે. યોગ દ્વારા જે દિવ્યાનંદની પ્રાપ્તિ થાય છે તે અવર્ણનીય છે.
આપણા દેશમાં જે મહાન વિભૂતિઓ થઈ ગઈ છે તેમનું જીવન જ્યારે વાંચશુ અને સમજશુ ત્યારે ખબર પડશે કે તેમણે કઈ રીતે સફળતા મેળવી. કઈ રીતે પોતાના કાર્યોથી લોકોને પ્રભાવિત કર્યા. તેના મૂળ પાયામાં યોગ જ છે. તેમણે પોતાના કાર્યમાં પૂરેપુરું ધ્યાન આપ્યું અને ઉત્સાહને જાળવી રાખ્યો. તેમજ અથાક પરિશ્રમ કરી સફળતાના શિખરો સર કર્યા. સંશોધકો જે નવી નવી શોધ કરે છે તેના પાયામાં પણ યોગ જ છે તો રસોઈ કરનાર જે રસોઈ બનાવે છે તેના પાયામાં પણ યોગ જ છે. બધા જ કાર્યની અંદર આપણે યોગનો ઉપયોગ કરી શકીએ છે. બસ જરૂર છે આપણા મનનેજાગૃત કરવાની અને આપણી ચેતનાને ટકાવી રાખવાની. યોગ આપણને આપણા વર્તમાન સાથે જોડી રાખવાનું કાર્ય કરે છે. સાચું સુખ પણ આપણને વર્તમાનમાંથી જ મળે છે. તો આપણે પણ આપણા વર્તમાનને આપણા કર્મો દ્વારા ઉજ્જવળ બનાવીએ.
યોગ ખૂબ જ ગહન વિષય છે. આપણે જેટલા ઊંડા ઊતરીએ એટલું વધારે જાણવા મળે. શ્રીમદ ભગવદગીતાના પ્રત્યેક અધ્યાય પાછળ યોગ શબ્દ લગાડવામાં આવેલ છે. જો આ યોગ દ્વારા આપણે ઈશ્વરપ્રાપ્તિ માટે પ્રવૃત્ત થઈએ તો તે ભક્તિયોગ છે,આપણા કર્મ માટે પ્રવૃત્ત થઈએ તો તે કર્મયોગ છે. ભગવાન કૃષ્ણએ કેટલું અદભૂત યોગનું વિજ્ઞાન આ સંસાર સમક્ષ રજૂ કર્યું છે. તેને સમજીને જીવનમાં ઉતારીએ અને આ અમૂલ્ય જીવનને સાર્થક બનાવીએ. જય હિન્દ, જય ભારત.
- ધવલ ઢોડિયા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED