ન્યાય કે પ્રતિશોધ Dhaval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ન્યાય કે પ્રતિશોધ


મૈત્રી ચોવીસ વર્ષની એક સ્વરૂપવાન યુવતી છે. ઘરમાં તે સૌની ખુબ માનીતી. તેઓ ત્રણ ભાઈ-બહેન. પોતાનાથી મોટી બહેન વિશ્વા. તેના લગ્ન એક વર્ષ પહેલા જ થઈ ગયા. ભાઈ હજુ નાનો છે. તેનું નામ વરૂણ. કૉલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. માતા આશાબેન ગૃહિણી છે. ઘરનું બધું કામકાજ કરે અને તેના પિતા અજીતભાઈ ખેતીકામ કરે છે. ઘરની પરિસ્થિતિ આર્થિક રીતે સારી ન હોવાના કારણે મૈત્રી બારમા ધોરણ પછી પોતાનો અભ્યાસ છોડી દે છે અને સીવણના ક્લાસમાં જઈને સીવણકામ શીખી લે છે. પછી ઘરે જ સીવણકામ શરૂ કરીને માતાપિતાને ઘર ચલાવવામાં મદદરૂપ થાય છે.
દિકરી મોટી થઈ ગઈ છે એટલે આશાબેન અને અજીતભાઈને તેના લગ્નની ચિંતા થવા લાગે છે. મૈત્રી ખુબ જ દેખાવડી હતી એટલે તેના માટે લગ્નના માંગા પણ ઘણા આવતા હતા. ઘરના તમામ કાર્યોમાં મૈત્રી તેના મમ્મીને મદદ કરતી. કપડાં ધોવા, વાસણ માંજવા, પાણી ભરવા જવું, ઘરમાં સાફ સફાઈ રાખવી વગેરે કામ મૈત્રી હોંશે હોંશે કરતી. આળસ તેનામાં જરાય ન હતી. સીવણકામ કરીને કમાય પણ ઘણું લેતી. પોતે એક દિકરી હોવા છતાં ઘરના દિકરાની જેમ ઘરને ચલાવતી. મૈત્રીનો સ્વભાવ પણ એકદમ ભોળો. નાનાભાઈને ચોપડાથી માંડી કપડાંનો બધો જ ખર્ચો મૈત્રી જ ઉઠાવે.
એક સમયની વાત છે. જયારે મૈત્રીને છોકરાવાળા જોવા માટે આવ્યા હોય છે. છોકરાનું નામ કિરણ. મૈત્રીને જોતા જ કિરણ અને ઘરનાને ગમી જાય છે. મૈત્રીના ઘરવાળા અને મૈત્રીને પણ કિરણ પસંદ આવી જાય છે. કિરણ વાપીમાં એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો. વીસ હજાર જેટલો પગાર. કિરણને તેનાથી મોટો ભાઈ આશિષ તે પણ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે. તેના લગ્ન થઈ ગયેલા. તેમનો આખો પરિવાર વાપીમાં સ્થાયી થયેલો. મકાન પણ પોતાનું જ અને આર્થિક સ્થિતિ પણ સારી. મૈત્રી લગ્ન માટે હા પાડે છે. બંને પરિવારના સભ્યો લગ્ન નક્કી થવાથી ખૂબ ખુશ હતા.
દિવસો વિતતા વાર નથી લાગતી. થોડા જ સમયમાં તેમની સગાઈ અને ચાંદલો થઈ જાય છે. લગ્નની તારીખ પણ નક્કી થઈ જાય છે. અજિતભાઈ અને આશાબેન બંને જણા લગ્નની તૈયારીમાં લાગી જાય છે. કંકોત્રી છપાવવી, લગ્નમાં કેટલા જણા આવશે, જમવાનું કેટલું બનાવવું, મંડપની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, કપડાંની ખરીદી વગેરેની તૈયારી કઈ રીતે કરવી તેની ચર્ચા બંને પતિ-પત્ની વચ્ચે થઈ રહી છે. આશાબેન કહે છે, તમે ચિંતા ન કરો બધી વ્યવસ્થા સમયસર થઇ જશે. લગ્નના દિવસો નિકટ આવી રહ્યા હોય છે. ઘણા કુટુંબીજનોએ આર્થિક રીતે મદદ કરશું કહી અજિતભાઈને ચિંતા ન કરવા જણાવ્યું. મૈત્રીને પણ લગ્ન માટે ખૂબ જ ઉત્સુકતા છે. દરરોજ સાંજે ગામની સ્ત્રીઓ લગ્નગીત ગાવા માટે આશાબેનના ઘરે આવે છે. સાંજે મોડે સુધી તેઓ લગ્નના ગીતો ગાય છે. ઘરનું વાતાવરણ લગ્ન-પ્રસંગને કારણે મહેકી ઉઠતું હોય તેવી અનુભૂતિ બધાને થાય છે.
છેવટે લગ્નનો દિવસ આવી જાય છે. લગ્નની બધી વિધિઓ સારી રીતે થતી હોય છે. નિમંત્રીત બધા જ મહેમાનો લગ્નમાં હાજર હોય છે. ગામના વડીલો અને ભાઈઓ હોંશે-હોંશે બધા કાર્યોમાં મદદ કરે છે. જાન આવી પહોંચે છે. મૈત્રી અને કિરણના લગ્ન ધામધૂમથી કરવામાં આવે છે. મૈત્રીને કરિયાવરમાં ઘણો બધો ઘરવખરીનો સમાન અને બક્ષિસ આપવામાં આવે છે. લગ્નની વિધિ પૂર્ણ થયા બાદ દીકરી ત્યાંથી વિદાય લે છે. પોતાના મમ્મી-પપ્પાને ભેટીને તે ધ્રુસકે-ધ્રુસકે રડે છે. મૈત્રી વિના ઘર સુનું થવાનું હતું. તેથી તેના મમ્મી-પપ્પા અને ભાઈને દુઃખ થાય છે. માતા-પિતા અને સૌ વડીલોના આશીર્વાદ લીધા બાદ જાન રવાના થાય છે.
મૈત્રી સાસરિયે આવી ગઈ છે. તેને બધું અજાણ્યું લાગે છે. પોતાના સાસુ-સસરા અને ઘરના તમામ સભ્યો સાથે મૈત્રી હળીમળીને રહે છે. તેમનું વૈવાહિક જીવન એક દમ સુખી હતું. સમય વીતતો જાય છે. મૈત્રી બધા સાથે ભળી ગઈ છે. ઘરની યાદ આવે તો ક્યારેક ફોન કરીને મમ્મી-પપ્પા સાથે પણ વાત કરતી. સમય જતાં મૈત્રી એક સરસ મજાની દીકરીને જન્મ આપે છે. તેના સાસુ-સસરા અને કિરણ તેનાથી ખુશ ન હતા. કારણ કે તેમને દીકરો જોઈતો હતો. તેમની માનસિકતા હજુ પણ પહેલા જેવી હીન હતી. મૈત્રીને તેની સાસુ પુત્ર માટે જીદ કરતી અને ખીજવાતી પણ. મૈત્રી પણ તેમને સામો જવાબ આપી દેતી. મારી દિકરીમાં તમને વાંધો શું છે? અને ઘણી વાર દલીલ પણ કરતી. મૈત્રીના જેઠ-જેઠાણી પણ હવે મૈત્રીને તિરસ્કારની નજરથી જોતા. તેની સાસુ પણ વાતવાતમાં ઝગડી પડે. ઘરનું બધું જ કામ મૈત્રી પાસે કરાવે. મૈત્રીએ ઘણી વખત કિરણને આ વાત કરેલી પણ કિરણ મૈત્રીને જ ખીજવાતો. આવી વાત બીજી વાર ન કરવા જણાવતો.
ક્યારેક-ક્યારેક કિરણ પણ ઉગ્ર સ્વરૂપ લઈને મૈત્રી સાથે ઝઘડો કરતો. ઘરના બધા એક તરફ હોય અને બીજી તરફ એકલી મૈત્રી. મૈત્રીને હવે અહીં રહેવું મુશ્કેલ લાગવા માંડ્યું હતું. આખો દિવસ સાસુનો ત્રાસ અને સાંજે નોકરી પરથી આવેલા કિરણનો ત્રાસ. ક્યારેક ઝગડો એટલો ઉગ્ર બની જતો કે વાત મારપીટ પર ઉતરી આવતી. મૈત્રી બિચારી આ બધું સહન કર્યે રાખતી. હવે તો એ ઘરમાં કોઈ સાથે વાત પણ ન કરતી. પિયરમાં ફોન કરીને બધા કારનામા કહેતી તો તેના મમ્મી-પપ્પા મૈત્રીને સમજાવતા કે વૈવાહિક જીવનમાં આ બધું તો ચાલતું જ હોય. આપણે જ બેટા સંભાળીને રહેવું પડે. પણ મૈત્રીને આ વાત માન્ય ન હતી. કરણ કે હવે પરિસ્થિતિ હદ પાર કરી ચુકી હતી. ઘરનાનો અત્યાચાર ખૂબ જ વધતો જતો હતો. મૈત્રી એકદમ કંટાળી ગઈ હતી.
એક દિવસ સાંજને સમયે નોકરીએથી છૂટી કિરણ બાઇક પર ઘરે આવતો હોય છે. એ સમયે કિરણની બાઇક એક ટ્રકની અડફેટે આવી જાય છે. ભયંકર અકસ્માત થાય છે. કિરણના બંને પગ પરથી ટ્રકનું ટાયર ફરી જાય છે અને માથાના ભાગમાં ગંભીર ઇજા થાય છે. ત્યાં નજીકમાં રહેલા લોકોએ તરત જ 108 એમ્બ્યુલન્સને કોલ કર્યો અને થોડી જ વારમાં એમ્બ્યુલન્સ આવીને કિરણને હોસ્પિટલમાં લઇ જાય છે. કિરણના ઘરવાળાને પણ ફોન કરીને જાણ કરવામાં આવે છે કે કિરણનું એક્સિડન્ટ થયું છે અને તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘરના બધા સભ્યો ઝડપથી હોસ્પિટલમાં આવી જાય છે. કિરણને આઈ.સી.યુ. માં દાખલ કર્યો હોય છે. તેની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. મૈત્રી ઇશ્વરને પ્રાર્થના કરે છે કે, તે જેવો હોય તેવો પણ મારો પતિ છે. તેને વહેલી તકે સાજો કરજો ભગવાન. ઘરના તમામ સભ્યો ખૂબ જ ચિંતીત થઈને બહાર ઉભા છે. થોડીવાર બાદ ડૉક્ટર આઈ.સી.યુ. માંથી બહાર આવે છે. બધા સભ્યો ડૉક્ટર પાસે દોડી જાય છે. મૈત્રી પણ પાછળથી જાય છે. મૈત્રીના સસરા પૂછે છે, હવે કિરણને કેવું છે ડૉક્ટર સાહેબ? ડૉક્ટર નરમાશથી શાંતસ્વરે જવાબ આપે છે. આઇ એમ સોરી હવે તમારો કિરણ નથી રહ્યો. આટલું સાંભળતા કિરણના મમ્મી પોક મૂકીને રડવા માંડે છે. મૈત્રીને આનો ખૂબ જ આઘાત લાગે છે. તે બેભાન થઈને ત્યાં જ ઢળી પડે છે. થોડીવાર પછી મૈત્રી ભાનમાં આવે છે. તે રડવા માંગે છે પરંતુ રડી પણ નથી શકતી. એટલો બધો આઘાત તેને લાગ્યો હોય છે. પોતાનું ભાન ભૂલી ગઇ છે. પોતાની નાની દીકરી રીનું રડી રહી છે. તેનું પણ મૈત્રીને ભાન નથી રહ્યું. પછી બધા ઘરે જાય છે. સગા-સંબંધીઓને જાણ કરવામાં આવે છે. પછી કિરણના અગ્નિ સંસ્કારની વિધિ પતાવવામાં આવે છે. આવેલા બધા લોકો પોતપોતાના ઘરે પ્રયાણ કરી રહ્યા છે. મૈત્રીના મમ્મી-પપ્પા પણ આવ્યા છે તેઓ પણ વિદાય લે છે.
મૈત્રીના જીવનમાં પહેલેથી જ સંઘર્ષ તો હતો જ પણ આવી પરિસ્થિતિ જન્મ લેશે તેની મૈત્રીએ કલ્પના પણ ન્હોતી કરી. પતિ વગરનું જીવન મૈત્રીને અઘરું લાગવા માંડ્યું. પોતાની દીકરી રીનું દોઢ વર્ષની થઈ હતી. બાકી રહેલું જીવન મૈત્રી તેને જ સમર્પિત કરવાનું વિચારી રહી છે. મૈત્રીને એમ હતું કે, હવે ઘરનાનો ત્રાસ ઓછો થઈ જશે. પણ તેનાથી ઉલટું જ થયું. પહેલા કરતા પણ હવે કનડગત વધી ગઈ હતી. કિરણના મૃત્યુનું કારણ પણ મૈત્રીને જ ઠેરવવામાં આવતી. રસોઈ બરાબર બની હોય તો પણ વાંક કાઢવામાં આવતો. બધા જ કામને લઈને તેની સાસુ હેરાન કરતી. ક્યારેક લાકડી લઈને મારતી પણ. ઘરના બધા સભ્યો તે જોઈ રહેતા પરંતુ એક પણ જણ મૈત્રીને સાથ ન આપતા.
એકવાર મૈત્રી શાકભાજી અને કરિયાણું લેવા બજારમાં જાય છે. રીનુંને રૂમમાં જ સુવડાવી દે છે. સમાન થોડું વધારે લેવાનું હતું એટલે તેની સાસુને રીનુંનું ધ્યાન રાખવાનું કહી જાય છે. તેની જેઠાણી પિયરમાં ગઈ હતી. ઉનાળાનો સમય હતો એટલે ગરમી અતિશય પડતી હતી. મૈત્રીને ખરીદી કરતાં ઘણું મોડું થઈ ગયું હતું. એટલે તે ઘરે મોડી પહોંચે છે. ઘરે જઈને જુએ છે તો બહારથી તાળું લાગ્યું હતું. મૈત્રીને થયું બહાર ક્યાંક આટો મારવા ગયા હશે. પોતાની પાસે બીજી ચાવી હતી તેનાથી તાળું ખોલ્યું. અંદર જઈને જોયું તો મૈત્રીના પગ નીચેથી જમીન સરખી જાય એવું દ્રશ્ય હતું. પોતાની દીકરી બેડ પરથી નીચે પડી ગઈ છે. માથામાંથી લોહી નીકળી રહ્યું છે. તે દોડતી-દોડતી રીનું પાસે જાય છે. તેને ઉંચકી લે છે. તરસને કારણે રીનુનું મોઢું સુકાય ગયું છે. ધીમે ધીમે રડી રહી છે મોઢું સુકાય જવાથી રડવાનો અવાજ પણ નથી નીકળી રહ્યો. મૈત્રી જલ્દીથી તેને પાણી પીવડાવે છે. પછી માથામાં વાગ્યું છે ત્યાં બરફ ઘસે છે અને દવા લગાવે છે. મૈત્રીને પોતાની સાસુ પર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો છે.
મૈત્રીના મનમાં પ્રતિશોધની ભાવના જન્મ લે છે. ગુસ્સાથી તેની આંખ લાલચોલ થઈ ગઈ છે. આજે મૈત્રી પોતાના ગુસ્સાને કંટ્રોલ કરી શકે તેમ ન હતું. અડધા કલાક પછી તેની સાસુ ઘરે આવે છે. મૈત્રીના માથે એટલો ગુસ્સો ચડી ગયો હતો કે, તે લાકડી લઈને સાસુને મારવા જ મંડી પડે છે. દરવાજો અંદરથી બંધ કરી દે છે. જેઠાણી પિયરમાં ગઈ હોવાથી સાસુને બચાવવા વાળું કોઈ ન હતું. લાકડીના ઘા ઝીંકી-ઝીંકીને સાસુની હાલત ખરાબ કરી મૂકે છે. તે બેભાન થઈ જાય છે પણ મૈત્રીનો ગુસ્સો એટલો હતો કે તે મારવાનું બંધ નથી કરતી. એટલામાં કોઈ બારણું ખખડાવે છે. બારણું ખોલ્યું તો મૈત્રીના સસરા ઉભા હતા. મૈત્રીનું રણચંડી જેવું રૂપ જોઈને તેઓ પણ ઘભરાઈ જાય છે. તેઓ થોડાક મોડા આવ્યા હોત તો સાસુનું પ્રાણ-પંખેરુ ઉડી ગયું હોત. સસરા 108 ને ફોન કરે છે. પછી એમ્બ્યુલન્સ આવી સાસુને હોસ્પિટલમાં ખસેડી દે છે.
મૈત્રી પર સાસુને ઢોરમાર મારવાના આરોપમાં પોલીસ કેસ થાય છે. પોલીસ આવીને મૈત્રીને પકડી જાય છે અને જેલમાં પુરી દે છે. પોતાના પપ્પાને ફોન કરીને રીનુંને પોતાના પિયરમાં મોકલી દે છે. કારણ કે સાસરિયાં પક્ષમાં કોઈ પાસે તેને વિશ્વાસ રહ્યો ન હતો. એક તરફ હોસ્પિટલમાં સાસુનો ઈલાજ થઈ રહ્યો છે. એક માં ની વેદના ધારે તો સમસ્ત જગત સાથે લડવાની ક્ષમતા ધરાવે છે. થોડા દિવસ બાદ સાસુ સારા થઈ જાય છે. પછી કોર્ટમાં સાસુ અને વહુનો કેસ ચાલી રહ્યો છે. એક તરફ પ્રતિશોધ તો બીજી તરફ સાચો ન્યાય આ બંને વચ્ચે મૈત્રી ઝઝૂમતી રહી. કોર્ટમાં મૈત્રીની બધી વાતો સાંભળવામાં આવે છે. પણ સાસુને મારવાના આરોપમાં તેને એક મહિનાની જેલની સજા મંજુર કરવામાં આવે છે. હવે પછી સાસરિયાંમાં કોઈ મૈત્રીને કનડગત કરશે તો પોલીસ કડક પગલાં ભરશે એવી સૂચના પણ આપવામાં આવે છે. સાસરી પક્ષના બધા સભ્યોને પોતે કરેલા કર્મોથી ખૂબ જ દુઃખ થાય છે. સાસુ મૈત્રીને પગે લાગીને માફી માંગે છે અને તે જે કહે તે પ્રમાણે પ્રાયશ્ચિત કરવા પણ તૈયાર થાય છે. બધામાં આવેલું પરિવર્તન જોઈને મૈત્રીની આંખમાં આંસુ આવી જાય છે. જેલથી છૂટ્યા બાદ સારો મુરતિયો જોઈને મૈત્રીના લગ્ન ધૂમધામથી કરવાનું વચન સાસુ-સસરા બંને આપે છે. બધાના મનમાં રહેલી કડવાશ દૂર થઈ જતાં મૈત્રીના મનમાં એક આશાનું નવું જ કિરણ પ્રગટ થાય છે.
જ્યારે કોઈ વ્યક્તિને કોઈ ઘટનામાં કોઈ અન્યાયનો અનુભવ થાય છે. ત્યારે એ ઘટના તેના અંતરને કોરી ખાય છે. સમસ્ત જગત તેને પોતાનું શત્રુ પ્રતીત થાય છે. અન્યાય લાગવા વાળી ઘટના જેટલી મોટી હોય છે. મનુષ્યનું હૃદય પણ એટલું જ વધારે વિરોધ કરે છે. એ ઘટનાના ઉત્તરમાં તે ન્યાય માંગે છે અને આ યોગ્ય પણ છે. હકીકતમાં તો સમાજમાં કોઈ પણ પ્રકારનો અન્યાય વ્યક્તિની આસ્થા અને વિશ્વાસનો નાશ કરે છે.
પરંતુ આ ન્યાય શું છે? ન્યાયનો અર્થ શું છે? કદાચ જવાબ એ હોઈ શકે, અન્યાય કરવા વાળાને પોતાના કાર્ય પર પશ્ચાતાપ હોય. તેમજ અન્યાય ભોગવવા વાળાના મનમાં વિશ્વાસ જાગે સમાજ પ્રત્યે. આટલો જ અર્થ છે ન્યાયનો. પરંતુ જેના હૃદયમાં ધર્મ નથી હોતો તે ન્યાયને છોડીને વેર અને પ્રતિશોધને અપનાવે છે. હિંસાને બદલે પ્રતિહિંસાની ભાવનાને લઈને ચાલે છે. પોતે ભોગવેલી પીડાથી પણ વધારે પીડા આપવાનો પ્રયત્ન કરે છે. આ માર્ગ પર ચાલતા અન્યાય ભોગવવા વાળા પોતે અન્યાય કરવા લાગે છે. સમય જતાં તે અપરાધી બની જાય છે. ન્યાય અને પ્રતિશોધ વચ્ચે ખૂબ જ ઓછું અંતર હોય છે. પરંતુ શાંત ચિત્તથી વિચાર કરવામાં આવે તો જણાશે કે અન્યાય થતો હોય ત્યારે જ તેનો વિરોધ કરી નિવારણ કરવું જોઈએ. જો એમ કરવામાં ન આવે તો તે ઉગ્ર સ્વરૂપ પકડી લે છે અને તેનું પરિણામ એટલું જ ગંભીર આવી શકે છે. અન્યાય કરવા વાળાની મર્યાદાને જાળવી રાખવા આપણે ચૂપ રહીએ છે પણ એ મર્યાદા આપણને જ નડતી હોય છે. વ્યક્તિ ત્યારે જ સ્વતંત્ર કહી શકાશે જ્યારે તે પોતાના નિર્ણય પોતે જ યોગ્ય દિશામાં લઇ શકશે.

- ઢોડિયા ધવલ