આકાશ અને સૌરભ બંને પાક્કા ભાઈબંધ હતા. બંને નાનપણથી સાથે જ ભણતા. ક્યાંય પણ બહારગામ જવાનું થાય તો સાથે જ જાય. સૌરભને આકાશ વગર ન ચાલે અને આકાશને સૌરભ વગર ન ચાલે. તેમની દોસ્તી અતૂટ હતી. હાલમાં જ તેમને કોલેજમાં B.comના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો છે. બંનેના વિચારો પણ એકબીજાને મળતા આવે એવા જ અને સ્વભાવ પણ સરખા જ હતા. મળતાવળા સ્વભાવને કારણે ઘરમાં સૌના માનીતા પણ ખરાં. બધા સંબંધોમાં મિત્રતાનો સંબંધ કદાચ એટલા માટે જ ઉચ્ચ સ્થાને રહ્યો હશે, કરણ કે તેમાં નથી કોઈ અપેક્ષા, નથી ઈર્ષા, કે નથી કંઈ પણ મેળવવાની વૃત્તિ. છે તો ફક્ત મિત્રને મળવાનો આનંદ. જેવી રીતે ડૉક્ટરને મળવાથી દર્દીની અડધી બીમારી સારી થઈ જાય છે તેવી જ રીતે મિત્રને મળવાથી અડધું નઈ પણ પૂરેપૂરું દુઃખ દૂર થઇ જાય છે. અપેક્ષા વિનાના આ સંબંધમાં વ્યક્તિ હંમેશા સામે વાળા માણસને ખુશ રાખવાનો પ્રયાસ કરે છે. આનાથી મધુર સબંધ બીજો કયો હોઈ શકે. એક મિત્ર ખોટું કરે અને બીજો તેને જોઈ રહે અને ઉશ્કેરણી કરે તે સાચો મિત્ર ન કહેવાય. ખોટું કાર્ય કરતા મિત્રને ઠપકો આપવો તેને સમજાવવું તે જ સાચા મિત્રની ઓળખ છે. આકાશ અને સૌરભ પણ આવા જ સાચા મિત્રો હતા.
એક સમયની વાત છે. જ્યારે આકાશને પોતાના કોઈ દૂરના સબંધીને ત્યાં ઘરના તમામ સભ્યો સાથે લગ્ન પ્રસંગમાં જવાનું થયું. આકાશે સૌરભને પણ સાથે આવવા માટે કહ્યું. પણ સૌરભના પપ્પાની તબિયત સારી ન હતી. એટલા માટે સાથે આવવાની ના કહે છે. આકાશને સૌરભ વગર જવું ગમતું નથી પણ જવા વગર છૂટકો પણ નથી. એટલે આકાશ પરિવારસહ લગ્ન પ્રસંગમાં જાય છે. ત્યાં કુટુંબના બધા સભ્યો મળે છે. પણ આકાશને સૌરભ વિના મજા નથી આવતી. આકાશની ઉંમરના ઘણા છોકરાઓ પણ લગ્ન પ્રસંગમાં આવ્યા હતાં. પરંતુ બધા પોતપોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા. ટેક્નોલોજીની આ દુનિયામાં વાસ્તવિક સંબંધ ક્યાં ભુલાતો જાય છે તેનું માણસને ભાન પણ નથી રહેતું. આકાશના પપ્પા આકાશને બધા સગા-સંબંધીઓ સાથે મળાવે છે. જમવાની વ્યવસ્થા પણ હતી એક તરફ લેડીસને જમવાનું કાઉન્ટર હતું બીજી બાજુ જેન્ટ્સનું. એટલે આકાશ ડીશ લઈને જેન્ટ્સની લાંબી કતારમાં ઉભો રહે છે. કાઉન્ટર આવતા અડધો કલાક જેટલો સમય થઈ જાય છે. ડીશમાં જમવાનું લઈ લીધું પછી આકાશ આમતેમ નજર કરે છે. ટેબલ ખુરશીની વ્યવસ્થા હતી ત્યાં વડીલો અને વૃદ્ધો બેસીને જમતા હતા. થોડાક લોકો ઉભા રહીને હાથમાં ડીશ લઈને જમી રહ્યા હતા. તો કેટલાંક નીચે બેસીને જમતા હતા. આકાશ પણ એક સારી જગ્યા જોઈને નીચે બેસી જાય છે અને જમવાનું શરૂ કરે છે. એકલા એકલા જમવાની તેને મજા નથી આવતી પણ જમી લે છે. જમ્યા બાદ આકાશ લગ્નના મંડપમાં જાય છે. ત્યાં ઘણા બધા વડીલો અને યુવાનો ખુરશીમાં ગોઠવાઈને બેઠા હતા.
મંડપમાં પાછળ રહેલી થોડી ખુરશીઓ ખાલી હતી. ત્યાં એક કાકાની બાજુમાં ખુરશી પર બેસે છે. થોડાક વડીલો ધીમે-ધીમે વાતચીત કરી રહ્યા હતા. તો મોટાભાગના વડીલો સૂનમૂન થઈને બેઠા હતા. કેટલાક લોકોની નજર મોબાઈલમાં હતી. આકાશને મનમાં જ પ્રશ્ન થયો, હું લગ્ન પ્રસંગમાં જ આવ્યો છું ને? કારણ કે તેને કોઈના બેસણામાં આવ્યા હોય તેવી અનુભૂતિ થતી હતી. કોઈના ચેહરા પર ખુશીનો ભાવ જોવા મળતો ન હતો. આવી પરિસ્થિતિ જોઈને આકાશને થોડું અજુગતું લાગતું હતું.
આકાશને વાત કરવી હતી પણ કોની સાથે વાત કરે? બધાના ગંભીર ચેહરા જોઈને આકાશ વાત કરવામાં પણ અચકાતો હતો. મોટાભાગના ચેહરા એવા હતા જેને આકાશ ઓળખતો પણ ન હતો. આકાશને થયું અહીં કદાચ આવી જ પરંપરા હશે કે લગ્ન પ્રસંગમાં પણ સૂનમૂન થઈને બેસી રહેવું. પછી આકાશે બાજુમાં બેસેલા કાકા સાથે વાત કરું એમ વિચાર્યું. અને પૂછ્યું, તમે કેમ છો કાકા? કાકાએ સામું પણ ન જોયું અને માથું હલાવ્યું. પાછું પૂછ્યું, કાકા તમારું ગામ? કાકા ભળકયા અને બોલ્યા, મૂંગો બેસને હવે, તારે જાણીને શું કરવું છે? શાંતિથી મને બેસવા દે. આકાશ તો ઘભરાઈ ગયો. થોડી વાર ચૂપચાપ બેસી રહ્યો. પછી થોડે આગળ બે ખુરશી ખાલી હતી. ત્યાં જઈને બેઠો. બાજુમાં બે-ત્રણ યુવાનો પણ બેઠા હતા. આકાશે બાજુમાં હતો તેને પૂછ્યું કેમ છે મિત્ર? સારું ને? તો તેણે ઠાઉકાઈથી જવાબ આપ્યો, મને શું વાંધો હોવાનો! પાછું પૂછ્યું, તમારું નામ શું છે? હું હાર્દિક, અને તારું? આકાશ. કેમનું ચાલે છે ભણવાનું? શેનો અભ્યાસ કરે છે? હાર્દિક કહે, b.comના બીજા વર્ષમાં. આકાશ બોલી ઉઠ્યો, ઓહ ગ્રેટ. હું પણ પહેલા વર્ષમાં છું. પછી હાર્દિક બોલ્યો, જો આકાશ સાંભળ મારે પહેલા વર્ષમાં 65% આવ્યા હતા. આમ તો બધું મને આવડે જ છે. પણ પરીક્ષામાં લખવાનું રહી જાય એટલે ઓછા ટકા આવે. મારા મિત્રો પણ અઘરા દાખલા મારી પાસે જ સોલ્વ કરાવા આવે. એક કામ કર તું મારો નંબર સેવ કરી લે. કંઈ ન સમજ પડે તો મારો કોન્ટેક્ટ કરજે. આપણને કંઈ ન આવડે એવું બને જ નહીં. હું તો આમ કરી શકું ને તેમ કરી શકું. એમ હાર્દિક અડધા કલાક સુધી પોતાના વખાણ કરતો જ રહ્યો. આકાશ તેને શાંતિથી સાંભળતો રહ્યો.
આકાશે પહેલા ક્યારેય કોઈમાં આટલી હદે આત્મશ્લાઘા જોઈ ન હતી, જે હાર્દિકમાં હતી. આકાશ હાર્દિકની વાત સાંભળી-સાંભળીને કંટાળી ગયો. ખુરશીમાંથી આકાશ ઉભો થયો અને કહ્યું, સારું ચાલ હાર્દિક આપણે પછી મળીએ. હાર્દિક કહે, મારો નંબર તારા ફોનમાં સેવ કરીલે. પછી આકાશ પોતાના મોબાઈલમાં હાર્દિકનો નંબર સેવ કરે છે. આકાશના પપ્પા કોઈ સાથે ઉભા રહીને વાત કરી રહ્યા હોય છે ત્યાં તે જાય છે. આકાશના પપ્પા તે વડીલ સાથે આકાશની ઓળખાણ કરાવે છે. થોડી વાર તેઓ વાતો કરે છે. પછી તેઓ ત્રણેય જણા ખુરશીમાં બેસે છે. મંડપમાં લગ્નની વિધિ થઈ રહી છે. ગોર મહારાજ લગ્ન વિધિના મંત્રો બોલી રહ્યા છે. આકાશ તે ધ્યાનથી સાંભળી રહ્યો છે. એક તરફ વિડીયો શૂટિંગ થઈ રહ્યું છે તો બીજી તરફ ફોટો ગ્રાફર ફોટા લઇ રહ્યો છે. ફોટો ગ્રાફર સાથે બીજો એક વ્યક્તિ હતો. જે મંડપમાં વર અને વધુ સાથે ફોટો પડાવવા આવે તેને કઇ રીતે ઉભા રહેવું, કઇ સાઈડમાં ઉભા રહેવું, ડુપ્લીકેટ સ્માઈલ કેવી રીતે કરવી વગેરે સમજાવી રહ્યો છે. અમુક તો ફોટો પડાવીને સીધા ઘરે જતાં રહે છે તો અમુક જમીને. આકાશ આ બધું જોઈ રહ્યો છે. કેટલીક લગ્નની વિધિ ખબર ન હોય તો પેલા ફોટોગ્રાફર સાથે રહેલો માણસ બધું સમજાવી દે. કારણ કે તેણે ઘણા લગ્નમાં વિધિ જોઈ છે એટલે. જાણે એમ જ લાગે કે ગૃહસ્તી વસાવવા નહીં પણ ફોટા પડાવવા માટે જ લગ્નની વિધિ થઈ રહી હોય. મોટા ભાગના જુવાનિયાઓ પોતાનો ફોન કાઢીને ઝૂમ કરી કરીને ફોટા પાડી રહ્યા છે અને અમુક તો વિડીઓ ઉતારી રહ્યા છે. જે જોવાનું છે તે વાસ્તવિકતા અત્યારે જ છે ફોનમાં સંગ્રહ કરીને મેમરી શા માટે ફૂલ કરવી. અત્યારે એન્જોય નથી કરતા તો પછી શું ફોનમાં વિડીઓ કે ફોટા જોઈને એન્જોય કરશે ખરા? આકાશ આ બધું જોઈને ખૂબ જ હેરાન હતો. તેને નવાઈ લાગે છે કે આવું પણ હોઈ શકે ખરું? વાસ્તવિક જગતની ખુશી તો જાણે પ્રાચીનકાળના ડાઈનોસોરની માફક લુપ્ત થઈ જતી હોય તેવો આભાસ આકાશને થઈ રહ્યો છે.
સંબંધોમાં હવે ક્યાં પહેલા જેવી મધુરતા રહી છે. લોકો પોતાના માનસપટ પર પોતાની અલગ જ દુનિયા બનાવીને બેઠા છે. ભવિષ્યની ચિંતામાં પોતાના વર્તમાનને ગુમાવી રહ્યા છે. વાતવાતમાં મગજનો પારો ચઢી જતો હોય તેમની સાથે કેમ કરીને વાતો કરવી? તે અભ્યાસક્રમમાં આવતું જ નથી. પોતાની મોટાઈ બતાવવા બીજાને નાના સાબિત કરવા તેમાં શેની મોટાઈ? આકાશને આ બધા પ્રશ્નો મનમાં એક પછી એક ઉદ્દભવે છે. શું દરેક જણા સાથે મિત્રતાનો સંબંધ સંભવ નથી? કે જેની સાથે દિલ ખોલીને વાત કરી શકાય. જેમાં ખોટું લાગવાનો ભય ન હોય. સામે વાળા શું વિચારશે તેની પરવા કર્યા વગર બધું કહી શકાય એવો સંબંધ ન હોય શકે? આવા ઘણા પ્રશ્નો આકાશને ઘેરી વળે છે. તે પોતાના પરમ મિત્ર સૌરભને યાદ કરે છે. તેમની મિત્રતા આકાશના પ્રશ્નોના ઉત્તરો આપતી હોય એવી અનુભૂતિ આકાશને થાય છે.
બે વ્યક્તિ જ્યારે નજીક આવે છે ત્યારે એક બીજા માટે સીમાઓ અને મર્યાદાઓ નિર્મિત કરવાનો પ્રયત્ન અવશ્ય કરે છે. આપણે જો બધા જ સંબંધો પર વિચાર કરશું તો જોશું કે બધા જ સંબંધનો આધાર આ જ સીમાઓ છે. જે આપણે બીજાઓ માટે નિર્મિત કરીએ છે. અને જો અન્ય વ્યક્તિ આ સીમાઓને તોડે તો એજ ક્ષણે આપણું હૃદય ક્રોધથી ભરાય જાય છે. આ સીમાઓનું વાસ્તવિક રૂપ શું છે? વિચાર કરશું તો ખ્યાલ આવશે કે, સીમાઓ દ્વારા આપણે અન્ય વ્યક્તિઓને નિર્ણય કરવાની અનુમતિ નથી આપતા. પોતાનો નિર્ણય એ વ્યક્તિ ઉપર થોપી દઈએ છે. એટલે કે કોઈની સ્વતંત્રતાનો અસ્વીકાર કરીએ છે. ત્યારે તેમનું હૃદય દુઃખથી ભરાય જાય છે. અને જ્યારે તે વ્યક્તિ સીમાઓને તોડે છે ત્યારે આપણું હૃદય ક્રોધથી ભરાય જાય છે. સાચી વાત કે વસ્તુ હોય તો આપણે આપણા મનની તરફેણ જરૂર કરવી જોઈએ અને ખોટાનો વિરોધ કરવો જોઈએ. પરંતુ બધા જ એમ વિચારે કે મારે સારા બનવું છે. મારાથી ખોટું કાર્ય ભૂલમાં પણ નહીં થાય એની તકેદારી રાખીશ. અને એક બીજાની સ્વતંત્રતાનું સન્માન કરવામાં આવે તેમની વાતો માનવામાં આવે ત્યારે કોઈપણ મર્યાદા કે સીમાની આવશ્યકતા જ ન રહે. મનમાં ઉઠતાં પ્રશ્નોનું સમાધાન મનોમંથન કરવાથી જરૂર મળી જાય છે. પણ બધા જ પ્રશ્નોના જવાબ નથી મળતા અન્યને પૂછવું પણ પડે. વ્યક્તિ ધારે એટલું જીવન અઘરું છે અને ધારે એટલું સહેલું પણ છે. પણ જીવનને જોવાનો દ્રષ્ટિકોણ બધાનો અલગ-અલગ હોય છે. વ્યક્તિમાં રહેલો વધુ પડતો અહમ, ઘૃણા, ઈર્ષા કે પછી અપેક્ષા વગેરેનો અતિરેક સંબંધોમાં ખારાશ લાવે છે. તેના પર જો નિયંત્રણ લાવવામાં આવે એકબીજા માટે હૃદયમાં લાગણી અને સન્માનની ભાવના જન્મે ત્યારે સંબંધો વધુ મીઠા-મધુર બની રહે છે.
- ઢોડિયા ધવલ