અનોખું ચિંતન Dhaval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનોખું ચિંતન

મારા સર્વ વાચક મિત્રોને મારા જય જય ગરવી ગુજરાત. મારે આજે તમને વાત કરવી છે જીવનની એક અનોખી વિચારધારાની. માણસ જે વિચારે તે મુજબ તેનો દ્રષ્ટિકોણ બનતો હોય છે. પોતાના મનની ઈચ્છાઓ મુજબ માણસ અલગ-અલગ કલ્પનાઓ કરે છે, તેના જ સ્વપ્નો સેવે છે, અને તે પ્રાપ્ત કરવા કાર્યરત બને છે. તેમાં આવતા વિઘ્નોથી ક્યારેક એમ પણ બને કે પોતાના કાર્યને અધૂરું છોડી દે છે. માણસ જીવનમાં હારશે કે જીતશે તે તેનું મન જ નક્કી કરે છે.

આપણાં જીવનનું કઈ પણ લક્ષ્ય હોય, પરંતુ જીવનનો મુખ્ય ઉદ્દેશ છે: વાતાવરણ સાથે અનુકૂલન સાંધી સૌ સાથે હળીમળીને આનંદિત જીવન પસાર કરવું. ક્યારેક-ક્યારેક મનુષ્યના જીવનમાં એવી ઘટના બને છે કે તે પોતાના જીવનની ગતિને જ રોકી લે છે અને આ માનસિક સ્થિતિને કારણે ઈશ્વરે આપેલા અમૂલ્ય જીવનને તે નિરર્થકતા તરફ દોરી જાય છે. પરંતુ મારો એક પ્રશ્ન છે. શું મનુષ્યનું જીવન તેની ભવિષ્યની યોજનાઓને આધારે નિર્મિત થાય છે? અમુક અંશે આનો જવાબ ‘હા’ પણ હોય શકે અને અમુક અંશે ‘ના’ પણ હોય શકે.

કોઈ સૌથી ઊંચા પર્વત પર ચઢવા વાળા એ પર્વતની તળેટીમાં બેસીને યોજના બનાવે છે, આખો નકશો કાગળ ઉપર તૈયાર કરી ઉપર કઈ રીતે ચઢવું તે નક્કી કરે છે. શું આ યોજના તેને પર્વતની ટોચ સુધી લઈ જશે? આનો જવાબ પણ અમુક અંશે ‘હા’અથવા તો ‘ના’ હશે. પરંતુ તે જેમ-જેમ પર્વતની ઉપર ચઢે છે તેમ-તેમ પ્રત્યેક પથ પર તેને નવી-નવી ચુનોતી, નવી-નવી વિડંબણા અને નવા-નવા અવરોધ આવતા હોય છે. પ્રત્યેક પથ પર તેને નવા જ સંઘર્ષનો સામનો કરવો પડતો હોય છે, પ્રત્યેક પથ પર તેને પોતાની યોજના બદલવી પડે છે. પહેલા બનાવેલી કાગળ પરની યોજનાને આધારે જ જો ઉપર ચઢવાની કોશિશ કરે તો એમ બની શકે કે તે ખાઈમાં પડી જાય. પર્વતને આપણે પોતાના યોગ્ય નથી બનાવી શકતા, પરંતુ પોતે તો પર્વતને યોગ્ય બની જ શકીએ છીએ.

શું આપણાં જીવનની સાથે પણ આવુ જ નથી? ભવિષ્યની યોજનાઓ બનાવીએ છીએ, ભવિષ્યમાં ઇચ્છા પૂર્ણ થશે તેવી કામનાઓ કરીએ છીએ. પરંતુ એ નક્કી નથી કે એ જ યોજનાઓને આધારે આપણને સફળતા મળે. જીવનમાં કયારેક આપણે યોજનાઓને બદલવી પણ પડે છે, તેમાં પરીવર્તન પણ લાવવું પડે છે. તો જ આપણે આગળ વધી શકીશું. પરંતુ આપણે જો આપણી પહેલાની યોજનાને વળગી રહીએ તો આપણું ધ્યેય પણ ત્યાનું ત્યાં જ અટકી રહે છે. પરંતુ આપણે એક વાત યાદ રાખવી પડે સાહેબ, કે આપણે ધ્યેયને નિશ્ચિત રાખવાનું છે તેના આયોજનને નહીં. સમય સંજોગે આયોજનમાં પરીવર્તન પણ લાવવું પડે છે. એટલે જ કોઈએ સરસ કહ્યું છે: માણસને બદામ ખાવાથી નહીં પણ ઠોકર ખાવાથી અકલ આવે છે. માણસના અનુભવો તેને ઘડે છે, તેનો વિકાસ કરે છે અને જીવનમાં આગળ વધવામાં તેને મદદરૂપ થાય છે.

જીવનમાં આવતા સંઘર્ષો મનુષ્યને વધુને વધુ મજબૂત બનાવે છે. આ સંઘર્ષોથી ભાગવાને બદલે જો માણસ યુક્તિ પૂર્વક તેનો ઉકેલ શોધે તો જીવન ઘણું જ સરળ બની રહે છે. જેમ-જેમ પથ પર આપણે આગળ વધીએ છે તેમ-તેમ નવા ને નવા સંઘર્ષો અને સમસ્યાઓ આવતા જતા હોય છે પરંતુ તેની સાથે જ તેના ઉકેલો પણ ખુલતા જતા હોય છે. આપણા વિચારો મજબૂત હશે તો આ સંઘર્ષોને આપણે સરળતાથી નિવારણ કરી શકીશું. આપણા વિચારો ત્યારે મજબૂત બનશે જ્યારે આપણો આત્મ-વિશ્વાસ અડગ હશે. આત્મવિશ્વાસ આપણને કોઈ પણ નાના કે મોટા કાર્ય કરવા માટે હિંમત આપે છે. વ્યક્તિમાં કાર્ય કરવાનો જે ભય હોય છે તેને દૂર કરવામાં આત્મ-વિશ્વાસ સહાયભૂત થાય છે. ધૈર્યને ટકાવી રાખી યોગ્ય દિશામાં ચિંતન કરવામાં આવે તો કોઈ પણ સમસ્યાનો ઉકેલ આપણે લાવી શકીએ છે. અંતે હું એટલું જ કહીશ કે, જીવનને પોતાના યોગ્ય બનાવવા કરતાં, આપણે પોતે જ જીવનને યોગ્ય બનીએ તો જીવન જીવવું સુખદાયી બની રહેશે. જય હિન્દ, જય ભારત.

- ધવલ ઢોડિયા