A friend of the book books and stories free download online pdf in Gujarati

પુસ્તક એક મિત્ર

મારા સર્વ વાચક મિત્રોને મારા જય જય ગરવી ગુજરાત. આજે મારે વાત કરવી છે પુસ્તક એક મિત્રવિશે. પુસ્તકો આપણને માર્ગદર્શન કરવાનું અને નવી-નવી માહિતીથી અવગત કરવાનું કાર્ય કરે છે. પરંતુ તે માટે પુસ્તક સામે ચાલીને આપણી પાસે નથી આવતું, આપણે જ પુસ્તક પાસે જવું પડે છે. આપણા મનમાં ઉઠતાં પ્રશ્નોનાં ઉત્તરો આપણને પુસ્તકો પાસેથી મળી રહે છે. પુસ્તકો આપણામાં રહેલી અજ્ઞાનતાને દૂર કરે છે અને જ્ઞાનનો પ્રકાશ પાથરે છે. આપણા વિચારોને ગતિમાન બનાવવાનું ભગીરથ કાર્ય પુસ્તકો કરે છે.
જેવી રીતે સારો ખોરાક આપણા શરીરને અને મનને સ્વસ્થ રાખે છે તેવી જ રીતે સારા પુસ્તકો આપણા આત્માના ચેતસિક તત્વને શુદ્ધ અને સાત્વિક રાખે છે. પરંતુ એ માટે આપણે પુસ્તકોનું વાંચન કરવું આવશ્યક છે. સાંપ્રત સમયમાં પુસ્તકોનું વાંચન ફક્ત પરીક્ષાની તૈયારી પૂરતું જ સીમિત બની ગયું જોવા મળે છે. શાળાથી લઈને સમાજ સુધી અને સમાજથી લઈને રાષ્ટ્ર સુધી વાંચનની આ પ્રણાલી આપણે આજે પણ જોઈ શકીએ છે. તેથી જ પુસ્તકો આપણા મિત્રો મટીને ફક્ત પરીક્ષા પાસ કરવાનું સાધન માત્ર બની રહ્યા છે. વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ પણ આજ થઈ ગઈ છે. પરીક્ષા નજીક આવે ત્યારે વાંચનની શરૂઆત કરે અને તે ફરજિયાત વાંચવાનું જ છે એટલે તે વાંચનમાં ક્યારેક કંટાળો પણ આવે. આમ ભાર પૂર્વક વાંચેલું હોવાથી વિષયવસ્તુને યાદ રાખવાની શક્યતાઓ ઘણીબધી ઓછી થઈ જાય છે. પરંતુ જો વિદ્યાર્થી સ્વ-પ્રેરિત થઈને વાંચન કરે તો તેને વાંચનમાં રસ લાગે છે અને યાદ રાખવામા પણ તકલીફ પડતી નથી, તે આપોઆપ યાદ રહી જતું હોય છે. પરંતુ એકાગ્રતા ન હોય તો એકની એક વસ્તુ સો વાર ગોખીએ તો પણ યાદ રાખવામા મુશ્કેલી પડતી હોય છે. પ્રશ્ન એ થાય કે એકાગ્રતા એટલે શું? આપણે જ્યારે એક જ વસ્તુ પર લાંબા સમય સુધી મનને સ્થિર રાખીએ તેને એકાગ્રતા કહેવાય. જેવી રીતે કોઈ પણ કાર્યમાં એકાગ્રતા લાવવાથી તે રસપ્રદ બને છે તેવી રીતે વાંચનમાં પણ એકાગ્રતા લાવવાથી તે રસપ્રદ બનતું હોય છે.
આપણી પ્રાચીન ગુરુકુળ શિક્ષણ પ્રણાલીમાં શિષ્ય પોતાના ગુરુને પ્રશ્ન પૂછતા અને જ્ઞાન મેળવતા. શિષ્યને જ્ઞાન મેળવવાની તીવ્ર જિજ્ઞાસા રહેતી. ગુરુ જે કંઠસ્થ જ્ઞાન આપતા તે શિષ્યો ગ્રહણ કરી લેતા. જ્યારે આજનો સમય કેવો છે? શિક્ષક વર્ગમાં ભણાવે ત્યારે અમુક વિદ્યાર્થીઓનું જ ભણવામાં ધ્યાન હોય, બીજા વિદ્યાર્થીઓનું મન પોતાની અલગ જ દુનિયામાં વિચરણ કરતું હોય. પ્રયત્ન બંને પક્ષે હોય તો શિક્ષણકાર્ય રસપ્રદ બને છે. આપણા શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે सा विद्या या विमुक्तये અર્થાત જે મુક્તિ આપાવે તે વિદ્યા. પરંતુ શું ખરેખર અત્યારની શિક્ષણ પધ્ધતિ મુક્તિ અપાવે છે? વિદ્યાર્થીઓને હોમવર્ક બંધનરૂપ લાગતું હોય, પરીક્ષા બંધનરૂપ લાગતી હોય, અને તાસ ભરવા પણ બંધનરૂપ લાગતાં હોય તેમજ રજાની આતુરતા પૂર્વક રાહ જોઈને બેઠા હોય એમાં મુક્તિની વાત ક્યાં કરવી! જ્યાં સુધી આપણે જ્ઞાનનો મહિમા ન સમજશુ ત્યાં સુધી આ મુક્તિ પણ સંભવ નથી.
આપણા ધર્મમાં ચાર આશ્રમોનો નિર્દેશ કરાયો છે. જેમાંબ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને છેલ્લેસન્યાસઆશ્રમ જેમાં લોક માન્યતા એવી છે કે સન્યાસઆશ્રમમાં વ્યક્તિ આધ્યાત્મિક જીવન તરફ પ્રયાણ કરે છે અને આધ્યાત્મિકપુસ્તકોનું વાંચન કરે છે. આ વસ્તુતઃ સારી બાબત છે. પરંતુ મને પ્રશ્ન થાય છે કે, જે સાત્વિક જીવન જીવવાની રીતો આપણાં ગ્રંથોમાં લખી છે. તેને જીવન જીવી લીધા બાદ વાંચવાથી શો ફાયદો? જેને વાંચવાની જરૂર જીવનના પ્રારંભમાં એટલે કે બ્રહ્મચર્યાશ્રમમાં છે તેને આપણે જીવનના અંતિમ તબક્કામાં વાચીએ તો એ શું કામનું?કોર્ટમાં આપણે ગીતા પર હાથ રાખીને કસમ ખાઈએ છે, પણ ગીતામાં શું છે તે જાણવાની કોશિશ પણ કરતાં નથી. આપણાં પુસ્તકો અને ધર્મગ્રંથો ફક્ત પૂંજા કરવા પૂરતા સીમિત નથી. તેને આપણે વાંચવાના છે અને જીવનમાં ઉતારવાના છે. ત્યારે આ પુસ્તકોનો અને આપણાં જીવનનો હેતુ સ્પષ્ટ થશે.
આપણી માનસિકતા એવી બંધાઈ ગઈ છે કે પરીક્ષા પૂરતું જ વાંચવું. પરીક્ષા પૂરી એટલે વાંચવાનું પણ બંધ. આવી પરિસ્થિતિમાં આપણે પુસ્તકોને મિત્ર બનાવવાના છે. જ્યાં સુધી આપણને જાણવાની જિજ્ઞાસા ન થાય ત્યાં સુધી આપણને વાંચનમાં રુચિ લાગશે નહીં. પુસ્તકો આપણને જીવનમાં એક પથદર્શક બને છે. વ્યક્તિ જેવુ વાંચન કરે તેવા જ તેને વિચારો આવતા હોય છે, અનેજેવા વિચારો આવે તેવી જ તેની કર્મોની ગતિ ચાલતી હોય છે. માટે આપણે સારા પુસ્તકો વાંચવા જોઈએ. પુસ્તકોના વાંચનથી માનસિક રોગો દૂર થાય છે. આપણી આ જગતને જોવાની દ્રષ્ટિમાં હકારાત્મકતા આવે છે. કોઈ પણ પુસ્તક તેના વાચકને જેવો હોય તેવો વાંચન બાદ રહેવા દેતો નથી. પુસ્તકો આપણી વિચારસરણીમાં આમૂલ પરીવર્તન લાવે છે. ગાંધીજીએ પણ કહ્યું છે કે જ્યારે-જ્યારે મને હતાશાનો અનુભવ થાય છે, ત્યારે હું શ્રીમદ ભગવદ ગીતાનું વાંચન કરું છું. પુસ્તકો આપના જીવનમાં એક ટોર્ચનું કામ કરે છે. જેમ જેમ જીવનમાં આપણે આગળ જઈએ તેમ તેમ આગળ આવતા અંધકારમાં પ્રકાશ પાથરતા જાય છે. આપણા મગજમાં પુસ્તકો ઉર્જાનો સંચાર કરે છે. માટે આપણે પણ સારા પુસ્તકોને મિત્ર બનાવીએ અને એક ઉત્કૃષ્ટ જીવન જીવીએ. જય હિન્દ, જય ભારત.

- ધવલ ઢોડિયા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED