Featured Books
શ્રેણી
શેયર કરો

બા, હું રેલમંત્રી બનીશ - અધ્યાય ૧૪

અધ્યાય ૧૪

ત્રણથી સવારના છ સુધી હું માત્ર પડખાં ઘસતો રહ્યો. નિંદ્રા આવે તો પણ ક્યાંથી આવે, ચિંતાએ મગજ પર કબજો કરી લીધો હતો.

બે થી ત્રણ વાર બહાર આંટા મારી આવ્યો, પણ મનમાં મચેલુ વિચારોનુ ધમાસાણ ઓછુ ન થયુ તે ન જ થયુ. આખરે હું મારી રોજીંદી ક્રિયાઓ પતાવી, નાહી-ધોઈ બેઠકરૂમમાં આવ્યો.

મિનલ અને અર્જુન તૈયાર થઈ ચૂક્યા હતા. મિનલે સાદી એક નેતાને શોભે તેવી સાડી પહેરી હતી, જ્યારે અજ્જુએ સાદો ઝભ્ભો-લેંગો પહેર્યા હતા. મિનલ અત્યારે પણ બિલકુલ સ્વસ્થ જણાતી હતી.

મિનલ નાની હતી ત્યારે પણ બિલકુલ જીદ્દી હતી. કોઈ વસ્તુ માટે એ ઈશ્વરભાઈ કે મારી પાસે હઠ કરતી, તો એ લાવે જ છુટકો. આજે પણ જાણે એણે એવી જ બાળહઠ પકડી હતી. કદાચ એના લક્ષ્ય સુધી એને હવે કંઈ પણ થાય બસ પંહોચી જવુ હતુ.

હું કંઈ બોલવા જ જતો હતો કે મારા હાથમાં ચાનો કપ પકડાવીને એ બોલી,"કાકા, આ લો ચા અને નાસ્તો આપી દઉ છુ. અને તમે પણ આવજો હોં સાથે. તમને અને અજ્જુને સાથે રાખીશ તો સમજીશ કે તમારી સાથે બાપુજી અને દાદી પણ ત્યાં હાજર જ છે, અને મારા મનને ખૂબ જ સારૂ લાગશે."

"જરૂર આવીશ, બેટા. તુ મારી દિકરી જ છે અને તને રેલમંત્રી બનતી, તારૂ સપનુ પુરૂ કરતુ જોઈશ તો મારા જીવને ખૂબ જ શાંતિ મળશે. અને આ દેશની કેટલીય સ્ત્રીઓ તારી જીવનકથામાંથી પ્રેરણા મેળવી કેટલાય શિખરો સર કરશે. તુ દેશની પહેલી મહિલા રેલમંત્રી બનવાની છે. કાલે તો ઈતિહાસ રચાવાનો છે ઈતિહાસ બેટા. હું જરૂર આવીશ." મારી આંખમાં આંસુ ઝળહળ્યા.

"બેટા, પણ તુ હિરલને સાથે ન લેતી. ત્યાં ભીડમાં એ ગભરાઈ જશે."

"હા, કાકા હિરૂને તો સવારે જ શર્માજી એમને ઘરે લઈ ગયા. હજુ સૂતી જ છે. જો જાગી પણ જશે તો શર્માજી સાથે એને સારી એવી માયા છે. રહેશે એમની પાસે"

પંદરેક મિનિટ પછી અમે ત્રણે ઘરના આંગણામાં હર્ષોર્મિ અને ચિંતાના મિશ્રિત ભાવ સાથે ઉભા હતા. પાર્ટીના કાર્યકર્તાઓએ મિનલને હારતોરા કર્યા અને શાલ પહેરાવી સન્માન કર્યુ અને નાનકડુ ઝૂલુસ કાઢવાની ઈચ્છા વ્યક્ત કરી, પણ ત્યાં હાજર દેસાઈ સાહેબે વચ્ચે પડી પરિસ્થિતિ વિશે સમજાવતા બધા માની ગયા અને થોડીવાર માટે ઢોલ વગાડીને અને "મિનલબેન ઝિંદાબાદ"ના સૂત્રોચ્ચાર કરીને જ પતાવ્યું.

મિનલની ના હોવા છતાં ઈન્સપેક્ટર દેસાઈએ રેલવે સ્ટેશન સુધી પોલીસ જીપની વ્યવસ્થા કરી દીધી હતી. આગળની જીપમાં દેસાઈ સાહેબ અને બે હવાલદાર, બીજા નંબરની જીપમાં મિનલ, અજ્જુ અને હું ડ્રાઈવર સાથે ગોઠવાયા. અમારી પાછળ ચાર પોલીસવાળાને લઈ બીજી એક જીપ દોડતી થઈ. અને સૌથી પાછળ પાર્ટીના કાર્યકર્તાઓ પોતપોતાની રીતે નીકળ્યા. આમ આખો કાફલો નીકળ્યો.

મને દેસાઈ સાહેબની વ્યવસ્થા ગમી. કેમકે મિનલ તો રોજની જેમ રિક્ષામાં જ જવા માંગતી હતી અને એ અમારૂ કોઈનુ તો માનવાની નહોતી.

ટ્રેન આવી ત્યાં સુધી દેસાઈ સાહેબ અને બીજા પોલીસવાળા સાથે જ રહયા. જ્યારે ટ્રેન આવી ત્યારે સીટ નંબર મુજબ બધા અંદર ગોઠવાઈ ગયા પછી દેસાઈ સાહેબે કહયુ, "મિનલબેન, મારી દિલ્લી પોલીસ સાથે વાત થઈ ગઈ છે, ત્યાં બધી જ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આ બે કોન્સ્ટેબલ તમારી સાથે જ આવશે દિલ્હી સુધી. ફરીથી એટલુ જ કહીશ તમારા જેવા નેતાઓની ખૂબ જરૂર છે આ દેશને."

"કાંઈ નહી થાય, દેસાઈ સાહેબ. એ તો પ્રારબ્ધનો ચોપડો એ જ બોલે જે લખ્યું હોય, તમે નાહક હેરાન થાવ છો." મિનલે વાતને હસી કાઢી.

"અર્જુનભાઈ, વાત ગંભીર છે. પેલો હરપાલસિંહ મુંબઈમાં પકડાઈ ગયો છે, પણ પોલીસ પૂછપરછમાં પણ એ યોજના વિશે ખાસ કાંઈ બોલ્યો નથી. માત્ર એટલુ જ જાણી શકાયુ છે કે હુમલો શપથવિધિ દરમિયાન જ થશે, એ પહેલાં નહી. હું સતત દિલ્હી પોલીસ સાથે વાતચીત ચાલુ રાખીશ. મિનલબેન તો સાંભળતા નથી કાંઈ, પણ તમે અને જગાકાકા બને એટલી સાવચેતી રાખજો. બાકી આ હવાલદારોને બધુ સમજાવેલુ છે. ચાલો ત્યારે." મને અને અર્જુનને પાસે બોલાવી દેસાઈએ કહયું.

"જરૂર, ધ્યાન રાખીશ સાહેબ. તમારી મદદ બદલ ખૂબ ખૂબ આભાર. આવીને મળીએ." અર્જુને દેસાઈ સાહેબ સાથે હાથ મિલાવ્યા.

ટ્રેનની સીટી વાગી અને એન્જીન ધુમાડા કાઢતુ શરૂ થયું. દેસાઈ સાહેબે હાથ હલાવી મૂક વિદાય આપી. પાર્ટીના કાર્યકર્તાઓ અને મિનલની પરોપકારી કોર્ટના એકઠા થયેલા માણસોએ મિનલના નામના જયજયકાર કરી પ્લેટફોર્મ ગજવી મૂક્યુ ને આગગાડી છુક છુક છુક છુક કરતી પ્લેટફોર્મ ને ત્યાં જ એકલુ છોડી દિલ્હી તરફ ચાલી પડી.