Featured Books
શ્રેણી
શેયર કરો

કોરોના કથાઓ - 13 - પાસપાસે તોયે કેટલા જોજન

પાસપાસે તોયે કેટલાં જોજન

"પાસપાસે તોયે કેટલાં જોજન દૂરનો આપણે વાસ !

જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ…..

પડખે સૂતાં હોય ને લાગે શમણાનો સહવાસ !

જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ."


મેં અરીસા સામે ઉભી ગાઈને કરેલું રિહર્સલ પૂરું કર્યું. તેણે કામ વચ્ચેથી તાળી પાડી મને વધાવી.

"તું ડ્રેસ રિહર્સલમાં ખૂબ જ જામે છે. લોકો તને સાંભળવા કરતાં જોયા જ કરશે." કહેતાં તે પાસે આવ્યા અને મને કમરેથી પકડી વહાલ કર્યું. મેં શરમાઈને યોગ્ય પ્રતિભાવ આપ્યો. એનો અર્થ અમારી છ મહિનાથી પરણેલાંની જેસ્ચર્સની ભાષામાં 'થેન્ક યુ' થાય.

"બેગ તૈયાર છે ને! હું મુકવા આવું છું." તેણે કહ્યું.

"ત્રણ દિવસના છ ટંક ચાલે એટલાં થેપલાં છે… કામવાળી વોશિંગ મશીનમાં કપડાં નાખી જશે. તમે સુકવી દેજો, ઉકાળો પીવાનું ને માસ્ક વિના ન નીકળવાનું યાદ રાખજો." મેં પરણ્યાને છ મહિના હોય કે સાઠ વર્ષ થયાં હોય, પત્નીસિદ્ધ સલાહો આપી. તેમણે બાઇક કાઢી અને હું કોરોના મહામારીના શરૂ થતાં ભય વચ્ચે મારો પ્રોગ્રામ આપવા અને એક સીરિયલમાં મારો પાર્ટ શૂટ કરવા નીકળી. મને બાઈક ફાવે છે. 'રબને બના દી જોડી' માં આવે છે તેમ ચલાવી જાણી છે. અત્યારે તો સ્ટેશન તેઓ મૂકી ગયા. એક સાથી કલાકાર આગળથી ચડવાની હતી.

હું સંસ્કારનગરી પહોંચી. રસ્તાઓ ખાલીખમ ભાસતા હતા. જ્યાં ત્યાં ગેમેક્સિન પાઉડર જેવો સફેદ પદાર્થ છાંટેલો હતો. અમુક દુકાનો બંધ જ હતી. હજી સાંજે ચાર વાગેલા પણ કરફ્યુ જેવું હતું. બધું બંધ ન હતું. જાણીતાં, માત્ર આમંત્રિત મહાનુભવોથી પણ ચિક્કાર ભરેલાં બંધ ઓડિટોરિયમમાં મારો પ્રોગ્રામ થયો અને વન્સમોરથી મારી આઇટેમોને વધાવી લેવાઈ. બીજે દિવસે અમારી સિરિયલનું શૂટિંગ હતું. બપોર પછી.

હું હોટેલ ઉપર ગઈ અને સવારે હોટેલની અગાશીમાં કોમળ સૂર્યપ્રકાશમાં બ્રેકફાસ્ટ કરી મારા ડાયલોગ તૈયાર કરવા બેઠી. દસ વાગે તો શૂટિંગ માટેની જગ્યાએ પહોંચી પણ ગઈ.

11 વાગતાં હજી યુનિટ તૈયારી કરી રહ્યું હતું ત્યાં મોદીજીનું પ્રવચન આવ્યું - આખા દેશમાં આજે રાત થી લોકડાઉન. અનિશ્ચિત સમય માટે. મને પેટમાં ફાળ પડી.

અમે ફટાફટ બે એપિસોડનું શૂટિંગ પતાવ્યું. મારી ટ્રેઇન તો બંધ થઈ ગઈ. દેશની લાઈફલાઈન કહેવાય એવી ટ્રેઇનોનાં પૈડાં થંભી ગયાં. હું 1600 કી.મી. દૂરથી આવતી હતી. ફ્લાઇટ માટે પૂછ્યું. સામાન્ય રીતે યુકે પહોંચી જવાય તેટલું ભાડું અઢી કલાકની ડોમેસ્ટિક ફ્લાઇટનું હતું. મેં એમને પૂછ્યું કે શું કરું? સીરિયલના કાંઈ એટલા ન મળે કે ચાર ગણાં ભાડાં પોસાય. તેમણે કહ્યું કે હજી ફ્લાઇટ બંધ થવાના સમાચાર નથી.

હું હોટેલ પહોંચી ત્યાં ખબર પડી કે ફ્લાઇટ પણ બંધ છે. પ્રોડ્યુસરને ફોન કર્યો. ડાયરેક્ટર વળી કહે મારે ઘેર ઉતરો. મેં એની સામે વેધક નજરે જોયું. એ સમજી ગયો.

હોટેલ પણ કાલથી બંધ થવાની હતી. જાઉં તો ક્યાં જાઉં! આવી સ્ક્રિપ્ટ કોઈએ લખી નથી, ભગવાને પણ નહીં. મારે હવેનાં અસ જીવન નાટકમાં કયો પાર્ટ ભજવવાનો છે અને કેટલો લાંબો તેની મને ખબર ન હતી. આખા ભારતમાં કોઈને ન હતી. લોકો ફસાઈ પડેલા તો કોઈને કોઈ સગાને ઘેર હશે.

મને મારી એક હોસ્ટેલાઈટ ફ્રેન્ડ યાદ આવી. તે તો આ ગુજરાત રાજ્યમાં જ હતી. સાવ લટકી પડાય તે પહેલાં બસસ્ટોપ પર પારાવાર અંધાધૂંધી વચ્ચે બસ પકડવા નીકળી ગયેલી. એસટીમાં તો મારે તેની તલવાર જેવું હતું. પ્રાઇવેટ ટ્રાવેલ્સ અને ટેક્ષીવાળાઓ પ્લેટફોર્મ પર આંટા મારતા હતા તેમની પાસે નક્કી કરી ત્રણ ગણાં ભાડે તે તો બસમાં ચડી ઘર ભણી રવાના થઈ ચુકેલી.

આખરે આગળથી સાથે થયેલી તે કલાકારે તેની કોઈ પેઇંગ ગેસ્ટમાં રહેતી ફ્રેન્ડ સાથે રહેવાનું ગોઠવ્યું. મને બીજી સાવ અજાણી છોકરીનું એડ્રેસ આપ્યું. તેને ફોન કરું ત્યાં વળી ભલું થાજો શો ઓર્ગેનાઇઝરનું, તેણે પોતાનાં માસી, માસા એકલાં રહેતાં હતાં તેમની સાથે એડજસ્ટ થવા વાત કરી છે તેમ કહ્યું અને મારે રિક્ષાઓ બંધ થઈ જાય તે પહેલાં તાત્કાલિક પહોંચી જવું તેમ કહ્યું.

રિક્ષાઓ રસ્તે ભાગ્યે જ દેખાતી હતી અને બધી જ ભરેલી. એક રીક્ષા ઘણાં વધુ ભાડે મળી. એ મારે જવાનું હતું તેના દોઢેક કિલોમીટર દૂર ઉતારે એમ હતી તો પણ હું ચડી બેઠી. ઉતરીને ગૂગલ મેપની મદદથી એ સોસાયટી પાસે તો પહોંચી ગઈ. પૂછતી પૂછતી એ ઘેર પહોંચી ગઈ. એ એક મોટું રો હાઉસ કહેવાય તેવો બંગલો હતો. મને અલગ જ રૂમ આપી દીધો. કોઈ પેઇંગ ગેસ્ટ થોડા સમય અગાઉ રહેતો જ હતો.

તો કોઈ અજાણ્યાનાં ઘરમાં મારી લોકડાઉન સમયની કેદ શરૂ થઈ.

એ માસા માસીની એકની એક પુત્રી હતી, જે અન્ય ધર્મમાં પરણીને જતી રહેલી. લવ જેહાડનો ભોગ હોય કે યુવાન વયનું આકર્ષણ. પહેલાં આ દંપત્તિએ તેનો બહિષ્કાર કરેલો પછી એકાદ વાર આવેલી. જમાઈ સાથે. તેમણે માફ કરી દીધેલી પછી તેના કોઈ જ ખબર નહોતા. કહે છે જમાઈ દુબઇ તરફ નોકરી લઈ તેની સાથે ચાલ્યા ગયેલા. પછી ન હતો કોઈ ફોન કે ન કોઈ ખબર. તેમને તો જાણે પુત્રી પાછી મળી. માસીએ હું જાણતી ન હતી તેવી રસોઈની વાનગીઓ બતાવી, મેં મારા અભિનય માટે જરૂરી નૃત્ય શીખેલી તેના ભાગ રૂપ શારીરિક ફિટનેસની ક્રિયાઓ.

અહીં અજાણ્યા ઘરમાં હું કેદ અને દુર એ શહેરમાં મારા પતિ. 'કેટલા જોજન તોયે પાસપાસે'. રોજ રાત્રે વાત કરતાં. તેઓ તો પ્રાઇવેટ બેંકમાં ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગમાં હતા એટલે જોખમ લઈને પણ રોજ જવું પડતું. આખરે તેમને પણ વર્ક ફ્રોમ હોમ થયું. હા, રોટેશનમાં કોઈ ઓપરેશનલ ઓફિસર ઘેર રહે ત્યારે કોઈ પણ બ્રાન્ચ તેમને જવું પડતું. એમને મારી અને મને એમની સતત ચિંતા રહેતી. એમનું ગાડું ખાવા પીવામાં જેમતેમ ગબડી જતું. મેગી કે ફ્રૂટ અને વાસી ન હોય તો બ્રેડ પર. ઝોમેટો, સ્વિગી ને એવી ઓનલાઈન ડિલિવરી તો ક્યારની બંધ થઈ ગયેલી. મારે પણ શું કરવું એ પ્રશ્ન થાત પણ આ માસા માસીએ પેઇંગ ગેસ્ટને દીકરી જ બનાવી દીધેલી. હું માસ્ક પહેરી તેમનાં રસોડામાં પણ જતી.

એમને એમ, અમને હતું કે લોકડાઉન 14 દિવસે ઉઠશે, 21.. મહિનો.. સવા મહિનો.. દિવસો જવા માંડ્યા. લોકડાઉન ઉઠવાનાં કોઈ લક્ષણ નહીં. ઉપરથી રોજેરોજ કેટલા નવા કેસ થયા ને કેટલા મર્યા તેના જ સમાચારો. વચ્ચેવચ્ચે શ્રમિકો પોટલાં ઉપાડી વતન ભણી જાય છે તેના દ્રશ્યો આવ્યા કર્યાં. ત્યાં એ અને અહીં હું.

"પડખે સૂતાં હોય ને લાગે શમણાનો સહવાસ !

જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ."

મને શમણાંમાં પણ પડખે એ સુતા હોય એવું લાગતું પછી એ પણ બંધ થઈ ગયું. વિશાળ ગગન અડોઅડ હોય તો પણ ધરતી કૂદકો મારી તેને થોડી અડી શકે છે!

શ્રમજીવીઓ માટે સ્પેશિયલ ટ્રેઇનો શરૂ થઈ. મેં થોડો વખત રાહ જોઈ. કદાચ અમારી જેવા ફસાયેલાઓ માટે કાંઈક તો થાય! અમારે પણ અમારે વતન એટલે ઘેર જવું છે. નીકળ્યાં ત્યારે થોડો ખ્યાલ હતો કે દુનિયાનાં પૈડાં થંભી જશે!

ફ્લાઇટો શરૂ થવાનાં કોઈ એંધાણ ન હતાં. આમ અજાણી જગ્યાએ હું અને તેઓ ત્યાં એકલા- એ પણ લગ્નના છ મહિના પછી. ક્યાં સુધી રાહ જોવી?

મેં ટીવી પર જાહેરાતો જોઈ. વિવિધ આંતર રાજ્ય ટ્રેઈનો શરૂ થાય છે. તે માટે કલેક્ટર કચેરીએ મળી આ ને ઓલું ને પેલું લઈને મળવું. અમુક નંબર પર ફોન કરવો. બીજે દિવસે તો આજે બે હજાર મોકલ્યા ને આજે ચાર હજાર વગેરે શરૂ. પાણીની બોટલ પીતા બારી પાસે બેઠેલ યાત્રી, ટ્રેનનાં પૈડાંને પગે લાગતો વૃદ્ધ ને એવું. બતાવવા કે 'કોણે કર્યું? અમે..' કલેક્ટર કચેરીનો ફોન 9 થી 6 કર્યા જ કર્યો. વ્યસ્ત જ આવે. પછી તો કંટાળી. માસા, માસી અને હું વારાફરતી મચી પડ્યાં. 9 વાગ્યાથી 2 વાગ્યા સુધી. એંગેજ જ આવે. જરૂર એટલું બધું કામ હશે કે ફોન બાજુમાં મૂકી દીધો હશે.

એમણે ત્યાં બેઠાં ચિંતા હોય એટલે ના પાડી. અજાણ્યાં માસા માસીએ પણ રોકી. છતાં હું જાતે ઘરની બહાર માસાનું એક્ટિવા લઈને નીકળી. પોલીસે રોકી જ. હું મારા શહેરનું કાર્ડ અને ટીવી કલાકાર છું તે ફોટા સાથે તેમના સાહેબને બતાવી કલેક્ટર ઓફિસ, ત્યાંથી મામલતદાર ઓફિસ, ત્યાંથી કલેક્ટરની કોઈ બ્રાન્ચ ગઈ. કોઈને લશ્કરે પહેલાં તો લડવાનું છે કે કેમ ને લડવાનું તો ક્યાં લડાય છે તે ખબર ન હતી. પણ લોકો એક્સટ્રા પોલાઈટ.મોટે ભાગે મારા જેવી યુવાન કન્યા જ બેઠી હોય અને તેના કરતાં તો ઇ કોપી છાપું વાંચનારને વધુ ખબર હોય. અત્યારે પોલાઈટનેસના પૈસા ક્યાં આવે! હું ઘેર જતા પહેલાં રેલવે સ્ટેશન જ ગઈ. આખરે કહેવાયું કે મારે દક્ષિણનાં રાજ્યમાં જવું હતું. ત્યાંની કોઈ ટ્રેઇન મુકાવાની જ નથી.

ખૂબ નિરાશ થઈ હું ઘેર આવી. માસાએ વળી કોઈ વોટ્સએપ મેસેજ બતાવ્યો. શ્રમજીવી કે કોઈ પણ સ્ટ્રેન્ડેડ (ફસાયેલી) વ્યક્તિએ અમુક આઈએએસ ઓફિસરનો સંપર્ક કરવો. હું તે ઓફિસે ફોન કરવાનું સાહસ કરવાને બદલે જાતે જ ગઈ. મારૂં આધાર કાર્ડ સદ્ભાગ્યે લગ્ન કરી ગયેલી એ શહેરનું હતું. અહીં આવવાનો લેટર અને સ્ટેજશો ના ફોટા પણ હતા. ત્યાં તો ખૂબ લાંબી લાઈન અને સોશિઅલ ડિસ્ટન્સ વળી કઈ બલાનું નામ છે! અહીં તો જાણે કીડીયારું ભરાયેલું અને ધક્કામુક્કી. એમાં પણ માસ્કો બાંધી હાથ સેનેટાઇઝ કર્યા કરતા એજન્ટો ફરતા હતા. પૈસા લઈ તમારું નામ લિસ્ટમાં લેવરાવી દે. આખરે બંધ થવાના સમયે જેમતેમ કરી હું કોઈ યોગ્ય ટેબલે પહોંચી તો ખરી. મને કહ્યું કે આ વ્યવસ્થા માત્ર શ્રમજીવીઓ માટે જ છે. ટ્રેઇન નથી ત્યાં તેમને બસથી પહોંચાડશે. પણ ટીવી કે સ્ટેજ કલાકાર તેમની વ્યાખ્યામાં શ્રમજીવી ન કહેવાય. એ તો અભણ, અસ્તવ્યસ્ત , ગરીબ લાગતા લોકો જ હોય. એમ તે ટેબલે બેઠેલ રૂઆબદાર મેડમનું માનવું હતું.

હું વળી ઘોર નિરાશામાં 'ભારે પગી' થઈને આવી. અરે ભારેપગી એટલે સામાન્ય અર્થમાં કહેવાય તે નહીં. પગ ઉપાડતા જ ન હતા. હતાશાથી ભારે થઈ ગયેલા.

એમણે વળી રાત્રે ફોન કર્યો કે કોઈ 1077 નંબરની લાઈન સ્ટ્રેન્ડેડ લોકો માટે છે. મેં ફોન કર્યે રાખ્યા. રીંગો વાગે રાખે. પછી જવાબ આવે કે નંબર અસ્તિત્વમાં નથી. સરકારે બાળક જન્મ્યા પહેલાં નામ પાડી દીધેલું. હેલ્પલાઈન શરૂ થાય એ પહેલાં નંબર ટીવી પર ને બધે મૂકી દીધેલો. મારા સિરિયલ પ્રોડ્યુસરને કોઈ ઓળખીતા રાજકીય વગદાર વ્યક્તિની ઓળખાણ કાઢી જાણ્યું કે ચારપાંચ દીવસમાં હેલ્પલાઇન શરૂ થશે. શ્રમજીવીઓ અને તેમના 'હિતેચ્છુઓ' નું દબાણ એટલું બધું હતું કે પહેલાં અમે કઈંક કરીએ છીએ એ બતાવવા હેલ્પલાઇન જાહેર કરી દીધેલી.

ઓકે. શ્રમજીવી એટલે કેવા હોય? નાટકની, ટીવીની કલાકારને શીખવવાનું હોય? મારાં જૂનામાં જુનાં જીન્સ વગેરેને બદલે માસીએ કસમવાળી માટે કાઢી રાખેલ વસ્ત્રો પહેર્યાં. એવાં જ અસ્તવ્યસ્ત ખાસ અરીસા સામે ઉભી બનાવ્યાં. માસી ના પાડતાં રહ્યાં કેમ કે સંક્રમણનો સહુથી વધુ ભય, પણ તેમની લોકડાઉન પહેલાં કચરા પોતાં કરવા આવતી બાઈ નાં સ્લીપર પહેરી જૂનો પીળો બાંધણી દુપટ્ટો મારવાડી સ્ત્રીઓ લાજ કાઢે એમ રાખી લાઈનમાં ધક્કા ખાતી, જરૂર પડ્યે મારતી ઉભી. મેડમ પાસે પહોચી. હાથે બલોયાં નથી એ ન જુએ તો સારું. ઉતાવળમાં ત્યાં બેઠેલા ક્લાર્ક અને પટાવાળાએ ફોર્મ ભરાવ્યું તે ગરબડીયા અક્ષરોમાં ભર્યું. મારૂં નામ સાચું લખ્યું. એ કલાર્કથી પણ વધુ ઉતાવળે મેડમે ફોર્મ જોયું અને મારું નામ નોટ કરી લીધું. બસો ઉપડે તેમાં વારો આવે એટલે 'જલ્દી' કહેશે તેમ કહી સ્લીપ આપી ઘેર મોકલી.

ત્યાંથી એમણે જ કહ્યું કે બસ ચાલુ થાય તો પણ છત્રીસેક કલાકની જર્ની થાય. એ પણ સંક્રમણની સહુથી વધુ સંભાવના વાળા લોકો વચ્ચે. એ કરતાં પેઇંગ ગેસ્ટ તો એમ, સચવાઈ ગઈ છું તો ખેંચી કાઢું. પણ ક્યાં સુધી? એક એક દિવસ મને અનંત કાળ જેવો લાગતો હતો.

સરકારનું 'જલ્દી' આવે ત્યાં માસીને તાવ આવ્યો. માસા અને હું ગભરાઈ ગયાં. માસી માટે ગરમ પાણી અને દવા વગેરે મેં કર્યે રાખ્યું. આવામાં આશ્રય આપેલો તે ઓછો ઉપકાર હતો! માસીનો ટેસ્ટ ઓણ કરાવ્યો. ઘેર આવીને. 'તમારી દીકરી છે તો વાંધો નથી. તેને કહો કે તમને આઇસોલેશનમાં રાખે, આમ કરે ને તેમેવી સલાહો આપી જે સાચી હતી. સરકાર પ્રત્યે નિરાશાને લઈ જે રીસ ચડેલી તે આ વૉરીયર કન્યાને જોઈ ઉતરી ગઈ.

મારામાં 'કેટલા જોજન' એ માપવાની તાકાત પણ ન હતી. હું રોજ રાત્રે માંડ ઊંઘ આવે પણ તે પહેલાં 'શંભુ તારો છે આધાર' બોલતી. ઊંઘ ઊડી જાય તો પાઠ કરવા લાગતી. જ્યાં સમજના સીમાડા પુરા થાય ત્યાં શ્રદ્ધાની સરહદ શરૂ થાય છે' સુવાક્ય યાદ આવ્યું.

ત્યાં તો અનલોક 1 આવ્યું. ફ્લાઇટો શરૂ થવાનું જાહેર થયું. બુક કરવા જઈએ ને આવે કે 'નો ફ્લાઇટ ઓન ગીવન ડે.' અમે બેમાંથી જે ફ્રી હોઈએ તે બુક કરવા બેસી જતાં. એમાં એક દિવસની બુક થઈ એ સમાચાર એમણે આપ્યા. હું સાંભળીને રીતસર કૂદી અને પછી એ અજાણ્યાં માસીને વળગીને છૂટથી રડી પડી.

વળી નવી ફતવો. જાણે બીજાં રાષ્ટ્રો હોય એમ દરેક રાજ્ય બીજાં રાજ્યમાંથી આવવાની નાકાબંધી કરવા લાગ્યા. ફ્લાઈટના પૈસા જશે કે શું તેમ લાગ્યું. વળી કેન્દ્ર સરકારે એટલીસ્ટ અમુક પરમીટ હોય તો એ રાજ્યમાં એન્ટ્રી મળે. એ માટે વળી સરકારી કચેરીના ધક્કા. એ વખતે પ્રોડ્યુસરના રાજકારણી મિત્રે મદદ કરી. પરમીટ માટે અરજી લેવરાવવાની.

બહાર નીકળીએ તો પકડે પણ ફ્લાઇટ ટિકિટ મોબાઈલમાં બતાવી હું એરપોર્ટ જાવા નીકળી ત્યાં તો રેલવે માટેનું સરકારી 'જલ્દી' પૂરું થયું અને એ જ દિવસે રાતની ટ્રેઇનમાં મારે જવા માટે ટિકિટ કલેક્ટ કરવાનું આવ્યું. પણ 'એર' તો શું, જો 'એર' એટલે હવા મને ઉડાડતી લઈ જાય તો પણ હું દોડી જવા તૈયાર હતી. પણ પરમીટનું શું? એ વગર મને ફ્લાઈટમાં જ બેસવા ન દે.

ફ્લાઈટને ચાર કલાક બાકી. નીકળવું કે શું? મેં વિચાર્યું. માસીએ દીકરીને વાળાવતાં હોય તેમ ભાવવિભોર થઈ મને વિદાય આપી. માસા ડ્રાઈવ કરતા ન હતા પણ હું તો કરી શકતી હતી. અજાણી કાર ડ્રાઇવ કરી 'નીકળું તો છું' એમને મેસેજ કરી આ સરિતા તેના સાગરને મળવા નીકળી પડી.

એરપોર્ટ પહોંચવા જ આવેલાં ત્યાં મેસેજ ફ્લેશ થયો- મારી મારા રાજ્યમાં એન્ટ્રીની પરમીટ. મેં કાર ધીમી કરી ઊંડો શ્વાસ લઈને મુક્યો અને આકાશ સામે હાથ જોડ્યા.

સ્ત્રી ગમે તેટલી આધુનિક અને શિક્ષિત હોય, લાગણીશીલ હોય છે. હું એક સ્ત્રી હતી. છ મહિનાનાં લગ્નજીવન બાદ વિના કારણ ત્રણ મહિના વિરહ વેઠેલી.

મેં માસ્ક બાંધેલો હતો. મારું ટેમ્પરેચર ચેક થયું. હમણાં જ મળેલી પરમીટ જોઈ અને બોર્ડિંગ પાસ પર સિક્કો વાગ્યો. હું દોડી. હું મનોમન સાતમા આસમાને ઊડતી હતી.

ફ્લાઇટ ઉતરી. એ લેવા આવેલા. મજાલ છે કે બાઇક બીજું કોઈ ચલાવે? આજે એ મારા ખભે હાથ રાખી બેઠા અને બાઇક ઉદાડતી હું પહોંચી ફરજીયાત એક વીક ક્વોરન્ટાઈન માટેની હોટલે.

એ બે વખત રિસેપ્શનમાં રિકવેસ્ટ કરી મને મળી ગયા. તેઓને અમારા પ્રત્યે હમદર્દી હતી. એ સાત દિવસ પણ પુરા અને..

હું અને એ.. એ અને હું.. 'બસ એક હમ હો દુજી હવા હો'.

બહાર લોકડાઉન ચાલવું હોય એટલું ચાલે.

"આસુંનેયે દઇ દીધો છે ભવનો કારાવાસ…

પડખે સૂતાં હોય ને લાગે શમણાનો સહવાસ !

જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.

પાસપાસે તોયે કેટલાં જોજન દૂરનો આપણે વાસ !"

એ જોજનોની કોરોના સર્જિત દુરી મટી જઈ અમે પાસપાસે, શરીરથી તેમ જ મનથી હતાં.

-સુનીલ અંજારીયા

કાવ્ય: શ્રી માધવ રામાનુજ.

સંપૂર્ણ સત્ય ઘટનાનું વાર્તાકરણ.