Corona kathao - 7 books and stories free download online pdf in Gujarati

કોરોના કથાઓ - 7

એક ભુખ્યો તરસ્યો પોપટ

25મીમાર્ચ. 25 એન્ડ માર્ચ અહેડ. લાઈફ ટુ ગો ઓન. મહિનો માર્ચનો અને મારી ઉંમરનું 25મું વર્ષ આજે બેઠું. હું પથારીમાંથી ઉભો થયો. સામે ભીંત પર મેં ચોંટાડેલ શિવજીની પ્રભાવશાળી છબીને વંદન કર્યાં, બ્રશ કરતાં ચા મૂકી.

બે દિવસથી ઓફિસમાં સતત સખત કામ રહેતું હતું. રવિવારે ફ્રેન્ડ્સ સાથે આઉટીંગમાં જઈ મોડો આવેલો. બે દિવસ સખત કામમાં મોડું થતાં મારા પૂરતી ગ્રોસરી પણ લીધેલી નહીં. બસ, બે દિવસમાં સેલરી ક્રેડિટ થવો જોઈએ. તે પછી લઈશ બધું. ખાંડનું સાવ તળિયું હતું. ચા હતી થોડી ઘણી.

મેં ચા ઉકાળવા મૂકી અને મમ્મી-પપ્પાને જન્મદિવાસનું પગે લાગવા ફોન લગાવ્યો. રાત્રે 12 વાગે મિત્રો ફોન કરે એમ કરી વયસ્ક પેરન્ટ્સને માંડ આંખ મળી હોય ત્યાં જગાડવાં ઉચિત ન હતું. હિન્દૂ દિવસ સૂર્યોદયથી જ થાય. એટલે હવે જ હું જન્મ્યો.

"હેલો પપ્પા, જન્મદિવસનું પગે લાગું. મમ્મી શું કરે છે? ચા બા પીવાઈ ગયાં?" મેં સામેથી ફોન ઉપડતાં જ પૂછ્યું.

"તને ખબર નથી બેટા, અત્યારે મોદીજીની નવ વાગે સ્પીચ છે. દેશ માટે અગત્યનો સંદેશ છે." પપ્પાએ કહ્યું.

"બેટા, જન્મદિવસના આશીર્વાદ. આ કે આવતે વર્ષે એકનો બે થા એવી શુભાશિષ. અને કોરોનામાં ધ્યાન રાખજે હોં" મમ્મીએ કહ્યું.

એક બાજુ 'એક ના બે' એટલે પરણાવવાની વાત કરે છે ને બીજી બાજુ નાનો હોઉં એમ સલાહ. મમ્મીઓને માટે કોઈ ક્યારેય મોટું થતું જ નથી.

"ભલે મમ્મી. એકાદ મહિનાથી કોરોનાના જીવલેણ રોગચાળાને કારણે ઓફિસો વહેલી બંધ થઈ જતી. અમારે તો ડેડલાઈન હતી. ઊલટું વધુ મોડું થતું. હું ધ્યાન રાખીશ. લે, આ ચા ઉકળી. પી ને ઓફિસ જવા તૈયાર થાઉં." મેં કહ્યું.

"બાકી કેમ છે તું?" મમ્મીએ પૂછ્યું.

"પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી.." મેં કહ્યું.

"મને લાગે છે કે જા એ પહેલાં મોદીજીની સૂચનાઓ સાંભળી લે. અને બને તો જેટલા પણ પૈસા થાય, ફ્લાઇટ પકડી ઘેર આવી જા." પપ્પાએ કહ્યું.

"ભલે. સાંભળી લઉં. આમ તો ઓફિસ જવા ઉતાવળ છે. અને ઘેર આવવું અત્યારે રહેવા દઉં. અત્યારે દરેક જણ ઘેર જવા દોડે છે. ફ્લાઇટોમાં ચારથી પાંચ ગણાં ભાડાં છે. પછી આવીશ. ભલે ત્યારે. જયશ્રી કૃષ્ણ." મેં ફોન મુક્યો અને ટીવી ચાલુ કર્યું.

"આજ સે પૂ..રે દેશ મેં લોકડાઉન. ઓફીસેં બંદ, ફેક્ટરી બંદ, દુસરે શહર મેં આના જાના બંદ. સબ ઘરમેં રહેં, સુરક્ષિત રહેં.." સમગ્ર દેશમાં લોકડાઉનનું એલાન.

પુરપાટ દોડતી બુલેટ ટ્રેઇનને જાણે ઇમરજન્સી બ્રેક લાગી.

હું શું કરીશ? એકલો અટૂલો, મા-બાપથી બે હજાર કિલોમીટર દૂર, હજી થોડા મહિના પહેલાં જ ઘર છોડેલું. મને ચા સિવાય કાંઈ બનાવતાં પણ આવડતું નથી ને ટાઈમ પણ નથી. સાલું ગ્રોસરી પણ ખલાસ થવા ઉપર છે. ઠીક. જોઉં. પડશે એવા દેવાશે. મેં વિચાર્યું.

ફોન રણક્યો. બોસ. આજથી ઓફિસ બંધ. પછી લિંક મોકલશે અને જરૂરી સોફ્ટવેર નાખી વર્ક ફ્રોમ હોમ.

હું રહેતો તે સોસાયટીનો વોટ્સએપ મેસેજ. આજથી સોસાયટીમાં કામવાળા, રસોઈયા બધાની એન્ટ્રી બંધ. માર્યા. મારી આજની રોટલીનું શું?

હું જે પહેરેલાં એ જ ટીશર્ટ ચડ્ડીમાં નીચે દોડ્યો. કોઈ ફેરિયો રસ્તે ન મળે! કોઈ કહે પોલીસ ઉઠાડી ગઈ. એક પરોઠાહાઉસવાળો બંધ દુકાનની પાછળ ડુંગળી છીણતો હશે તેની 'સુવાસ' આવી. મેં તરત ત્યાં જઈ એક કોથળીમાં સાંબાર અને તાત્કાલિક ગરમ કરાવી ત્રણ પરોઠા લઈ લીધા. એક ફ્રુટવાળો શટર બંધ કરતો હતો તેની પાસેથી ડઝન અતિ પાકી ગયેલાં કેળાં અને થોડું ફ્રૂટ લઈ લીધું. તેણે મને જલ્દી જવા કહ્યું કારણકે પોલીસ બધું બંધ કરાવતી હતી.

ઘરમાં આવી મેં મિત્રોને વોટ્સએપ પર મેસેજ મુક્યો કે આવું સંપૂર્ણ બંધ ક્યાં સુધી રહેશે? એક જવાબ આવ્યો કે 21 દિવસ.14 મે સુધી. બીજો કહે ભગવાન ઈચ્છે ત્યાં સુધી. ક્યારે કે ક્યારેય પણ ખુલે તે નક્કી નથી.

ખોરાકને હું એકલો શી રીતે સાફ કરું? મેં ગરમ પાણી પાકાં કેળાં પર પણ રેડયું! શું થયું હશે એ યમે કલ્પના કરો. આખરે તો બધું પેટમાં જ નાખવાનું છે ને?

હવે હું મારા ફ્લેટમાં એકલો પડ્યો. દીવાલો જાણે આગળ ધસી મને ભીંસતી હોય એવું લાગ્યા કર્યું. મને સમય જ ન રહેતો હોઈ મેં ચેનલ પણ નહોતી લીધી.

આજુબાજુ કોઈને ઘેર છાપું કે કાંઈ લેવા જવાય એવા અહીં આ શહેરની આ પોશ વસાહતમાં સંબંધ ન હતા. મેં જેમતેમ ઈયરફોન ચડાવી જાહેરાતો વચ્ચે એકાદ ગીત અને ફૂંકો મારતો હોય એવી સ્ટાઈલથી બોલતા રેડિયો જોકીને સાંભળ્યા કર્યાં.

આમ ને આમ દિવસ પૂરો. કાંઈ કર્યું ન હોય એટલે મગજ થાકયું ન હોય. રાત્રે ઊંઘ પણ શેની આવે?

બીજે દિવસે ઓફિસે તો વર્ક ફ્રોમ હોમ નો સોફ્ટવેર ડાઉનલોડ કરવા કહી દીધું. કામ શરૂ. ઊલટું વધારે.

પેલા ત્રણ પરોઠા એટલે મારો એક ટંકનો ખોરાક. એને બદલે સાવ થોડું ખાઈ એને ગરમ કર્યા કરી મેં ત્રણ ટંક તો.ખેંચ્યા. કેળાં પાકી ગયેલાં હોય તો પણ બીજા બે દિવસ. સદ્ભાગ્યે દૂધ આવતું હતું. બે દિવસ પછી એ પણ ફ્લેટના ડોર સુધી આવતું બંધ થયું. માંડ રાત્રે આંખ મળી હોય ત્યાં સવારે સાડાછ વાગ્યે ઉઠી સોશિઅલ ડિસ્ટન્સનું પાલન કરતાં લાઈનમાં ઉભવાનું.

પાંચેક દિવસ ગયા. હવે ખરી કસોટી શરૂ થઈ. ન મળે ફ્રૂટ, ન પરોઠા કે એવું કાંઈ. હું બિસ્કિટ ઉપર સવાર સાંજ કાઢવા લાગ્યો.

દૂધ લેવા ગયો ત્યારે ખાખરા માટે પૂછી જોયું. જથ્થાબંધ દુકાનો પણ બંધ હતી ત્યાં ગલીના નાકે રહેલી દુકાને ક્યાંથી કાંઈ આવે?

હું કામ કરવા લાગ્યો પણ રહીરહીને ભૂખ ધ્યાન ખેંચ્યા કરતી. એક જૂનું એક્સપાયરી ડેઈટ જતી રહેલી તેવું મેગીનું પેકેટ ગરમ પાણીમાં નાખી વગર મસાલે, માત્ર મીઠું નાખી ખાવી પડી. ચાલો, એક ટેંક તો નીકળ્યો?

એમાં વળી નેટ બંધ થયું. ટોલ ફ્રી નંબર પર ફોન કર્યો તો એ ઓફિસ પણ બંધ. મારે આખો દિવસ તો ઓફિસ હોય. રાત્રે રિવાઇન્ડ થવા ને પપ્પા-મમ્મી સાથે વાત કરવા તો નેટ વાપરતો હોઉં. પછી 3G કે 4Gની જરૂર ક્યાં પડે? ડોંગલ લેવા જાઉં તો એ દૂકાનો પણ બંધ.

વિશ્વનાં પૈડાં થંભી ગયેલાં છતાં હેઇસો.. કરી અમુક ગતિ તો કરવાની હતી.

ભૂખ, એકલતા, કામ ન પતવાનું ટેંશન- એ બધી મિશ્ર લાગણીઓ સાથે હું શૂન્યમનસ્ક બની બારીએ ઉભો રહ્યો. સામે દેખાતા રસ્તે નિરવ એકાંત. ક્યારેક પોલીસની વાન એકાદ રાઉન્ડ લઈ જાય.

ન મળે ફ્રૂટ, ન આવડે રોટલી, ન ઘરમાં લોટ, ન મળે બહારથી કાંઈ.. બિસ્કિટ પણ ખલાસ થવા આવેલાં. મેગીનું એક માત્ર પેકેટ ખલાસ.

ભર બપોર. એ પણ મે મહિનાની. બળબળતા તાપ વચ્ચે હું બહાર નીકળ્યો. સામે રસ્તો ક્રોસ કરી નજીકનાં એટીએમમાંથી પૈસા ઉપાડી રાખું. લો, એમાં પણ કેશ ન હતી! મેં બેલેન્સ ચેક કર્યું. સેલરી આવી ગઈ હતી. પણ ખાતામાં પડેલ પૈસાએ મારૂં પેટ થોડું ભરાશે?

સેલરી જે બેંકમાં થતી હતી તે થોડી દૂર હતી. મેં મારી ચેકબુક કાઢી, બેંકે જવા નીકળ્યો. શાબાશ બેંકર્સ! કોરોનાના કોળિયો કરી જવા મોં ફાડી ઉભેલા રાક્ષસની નજર સામે તમે કામ કરો છો. મેં પૈસા ઉપાડ્યા. કેશિયરે બે બે હજારની નોટો આપી. કહે હમણાં કોઈ ભરવા આવે તો નાની નોટ હોય ને?

હું મોદીને બિસ્કિટના પેકેટ સામે કે મળે તો ખાખરા સામે બે હજારની નોટ આપીશ તો એ લેશે ખરો? હા. એ પે ટીએમ કે ગૂગલ પે થી લેશે.

હું બેંકથી ઘેર આવવા નીકળ્યો. રસ્તે પોલીસે ઉભો રાખ્યો. મેં જણાવ્યું કે પૈસા ઉપાડવા ગયેલો. ઘર પાસેના એટીએમમાં પૈસા ન હતા. તેને મેં ચેકબુક બતાવી. તેણે મને જવા દીધો.

ત્યાં મેં રસ્તે લોકોની પડાપડી જોઈ. બધા અત્યંત ગરીબ જેવા. શું હશે? ઓહ, ફૂડ પેકેટ આપતી વાન. ગાયને ઘાસ જોઈ મોંમાંથી લાળ ઝરવા માંડે તેમ મારા પેટે પોકાર પાડ્યો.

હું ઠીકઠીક સારી નોકરી કરતો, ઓફિસ અમુક ભાડું આપે છે તો મારું ઉમેરીને સારા ફ્લેટમાં રહેતો, સારા ઘરનો શિક્ષિત યુવાન. મારાથી આમની સાથે ઉભાય કે એમને આપવા? ના. જા આગળ! જો સીધું! જા. મારા મને મને ચાબુક મારી.

ચાર દિવસોનું, આમ તો લોકડાઉન જાહેર થયું ત્યારનું ભૂખ્યું પેટ અને નબળાઈ આવેલું શરીર પોકારી ઉઠ્યું, 'એ ફૂડપેકેટ ભૂખ મિટાવવા છે. ભૂખ પાસે કોઈ ઉચ્ચ નથી, કોઈ નીચ નથી. જા. ઉભ એ લોકો સાથે.'

વળી મને જોરથી ચાબુક લગાવી - 'શરમ નથી આવતી આ લોકો વચ્ચે ઉભતાં! ચાલ. ભૂખ્યો રહે પણ ભીખ ન માગ. ભાગ. કહું છું, ભાગ.'

'અરે મન, સમજ તો ખરું? આ ભીખ નથી. જેનું કોઈ નથી તેની આ સરકાર કે સેવા સંસ્થા છે. એને પછી દાન કરી શકે છે. અત્યારે આ વાન આપે છે એ લઈ લે. જા. જલ્દી લાઈનમાં ઉભ. જલ્દી. પછી ખલાસ થઈ જશે.'

મન અને પેટ એકબીજા સાથે દલીલબાજી કરતાં રહ્યાં. મને તો એટલી નબળાઈ આવી ગયેલી કે તેમનો ઝગડો સાંભળવાની પણ તાકાત ન હતી.

આખરે હું ઉભો. શરમ મૂકીને લાઈનમાં ઉભો. વચ્ચે લાઈન તૂટી, ધક્કામુકકી પણ થઈ. આખરે વારો આવતાં મેં ભાત ભરેલ પૂંઠાની ફોઈલમાં પેક બોક્સ ઉપાડી અને ત્યાં જ કોળિયો ભર્યો. બે ચાર કોળિયામાં પડીયો ખાલી !

પાછો ફરું ત્યાં 'સાહેબ, તમે?' કહેતો મારી શેરીના નાકે બેસતો મોચી. એનો ધંધો બંધ હતો. મને ધરતી માર્ગ આપે તો સમાઈ જવાનું મન થયું.

મેં તેને કહ્યું કે હું એકલો છું અને બિસ્કિટ પણ નથી મળતાં એવી દશામાં છું.

મેં નેટ માટે કંઈક કરવા મારા સાહેબને ફોન કર્યો. નેટ તો હમણાં બંધ જ રહેવાનું હતું. સાહેબ કહે હમણાં એવું હોય તો મને ઓફિસ પાસ મેઈલ કરે એ બતાવી ઓફિસે આવી કામ કરવું. પણ મેઈલ ખુલે કેવી રીતે જો નેટ જ ન હોય તો? અને એ પાસ પ્રિન્ટ ક્યાં કરાવું?

આખરે બીજા બે દિવસ પણ હું એ સમયે લાઈનમાં ઉભી ફૂડપેકેટ જેમતેમ લઈ આવ્યો.

નહોતો ઓળખતો છતાં મેં સામેના ફ્લેટની બેલ મારી. મારી સ્થિતિ જણાવી કે છતે પૈસે હું ભિખારી થઈ ગયો છું. નેટ નથી એટલે ઓફિસનું કામ થતું નથી, ત્રણેક દિવસ એકલું દૂધ પી ચલાવ્યું છે. ભૂખને લીધે જ મને તાવ પણ ચડતો લાગે છે.

તાવનું નામ સાંભળી તેઓ ભડકયાં. મને કહે અમે આજે તમારા ઘરની બહાર રોટલી શાક મૂકી જશું. ખાઈ લેજો.

તેઓ તરત જ નહાયાં. બહાર ટુવાલો સુકાતા જોઈ મને ખબર પડી.

મારે તો હવે વોટ્સએપ હતું નહીં. સોસાયટીમાં ઊંઘી વાત ફેલાઈ કે મને તાવ છે એટલે હું કદાચ પોઝિટિવ છું. કોઈએ 104ને ફોન પણ કરી દીધો. એ લોકોને એટલા તો કોલ હતા કે તે દિવસે આવ્યા નહીં.

મેં મરણીયો નિર્ણય કર્યો. માથે રાત લઈ ભાગવું. હું વહેલી સાંજે મારા બાઇકની ટાંકી ફૂલ કરાવી આવ્યો. રાત્રે 3 વાગ્યે બાઇક કાઢી જે ભગાવી છે?

કોઈ પોલીસવાન મને મળી નહીં. સવારે સાત જેવા થયા હશે. હું નોકરી કરતો હતો એ રાજ્યની બોર્ડર ક્રોસ કરી ગયો.

આગળનાં રાજ્યમાં પ્રવેશતાં એક નાનું ગામ આવ્યું. રસ્તા ઉપર જ બે ઈંટ વચ્ચે સાંઠીકડાં સળગાવી એક ગ્રામ્ય બાઈ રોટલો ટીપતી હતી. એની ભાષા તો મને ક્યાંથી આવડે? મેં ઇશારાથી કહ્યું કે મને ખુબ ભૂખ લાગી છે. તે રોટલો ટીપી આપે તો હું પૈસા આપીશ. મેં પાકિટમાંથી છેલ્લી પચાસની નોટ કાઢી. હવે બધી 2000 ની જ હતી. તે હસી. મોં ધુણાવી પૈસાની ના કહી. અર્ધો રોટલો મને આપી અર્ધો તેની નજીક બેઠેલાં નાનાં છોકરાંને આપ્યો.

હૃદયદ્રાવક. હું સદાવ્રતની જેમ વેંચાતું ફૂડ પેકેટ તો ખાઈ આવ્યો, એક નાના બાળકના ભાગમાંથી અર્ધો રોટલો પડાવતાં મને શરમ ન આવી?

એ ગામમાં લોકડાઉન હોવા છતાં અમુક વ્યવહાર અંદરની તરફ ચાલતો લાગ્યો. બે ચાર ખેડૂત ખેતર તરફ જતા જોયા. મેં કોઈને ઉભાડી હિન્દીમાં વાત કરી. એ સમજ્યો નહીં પણ મને કોઈ ભણેલા માણસ પાસે લઈ ગયો.

એ માંડ થોડું હિન્દી સમજ્યો અને આ દક્ષિણનું રાજ્ય હોઈ મને એ બાજુની એકસેન્ટમાં અંગ્રેજીમાં જવાબ આપ્યો! એ તરફ કોઈ હિન્દી સમજતું નથી. એ ત્યાંની પ્રાથમિક શાળામાં શિક્ષક હતો. મેં હવે અંગ્રેજીમાં જ સમજાવ્યું કે હું ભૂખનો માર્યો અને છતે કામે કામ વગરનો થઈ ઘેર જવા નીકળ્યો છું.

એણે કહ્યુ કે મેં મોટું જોખમ લીધું હતું. આંતરરાજ્ય સરહદો સીલ છે. પકડાય તો સીધી જેલ અને વાહન જપ્ત. એણે મને પોતાનાં નાનાં એવાં ઘરમાં એક બાજુ વાડામાં એક શેડ નીચે ક્વોરનટાઈન હોઉં તેમ રાખ્યો. એનું દક્ષિણી ખાવાનું આપ્યું. એના મોબાઈલથી જ મેં હું સલામત છું એવો ટૂંકો પપ્પામમ્મીને મેસેજ કરી દીધો.

તેણે સૂચવ્યું કે રાત્રે આજ રીતે હાઇવે પર આગળ વધી શકાય, જો કે એ પૂરતું જોખમ ભર્યું છે. પણ આમ કોઈ ભાષા સમજે નહીં તેવાં ગામડામાં ક્યાં સુધી પડ્યા રહેવું?

રાતના અગિયાર જેવા થયા. તે શિક્ષકનો આભાર માની મેં વળી બાઇક ભગાવી. જોતજોતામાં બીજા બસો ત્રણસો કિલોમીટર કાપી નાખ્યા. જો હજી બે કલાક જાઉં તો હિન્દી બોલતું સમજતું મહારાષ્ટ્ર આવી જાય. મેં એક્સેલરેટર પર હાથ દબાવ્યો.

એક હાઇવે પેટ્રોલપંપ ચોવીસ કલાક ખુલ્લો હશે. ત્યાં પેટ્રોલ ભરાવું ત્યાં પગપાળા સંઘની જેમ માથે પોટલાં મૂકી નીકળેલી શ્રમિકોની વણઝાર જોઈ. કોઈ તેની પત્ની સાથે પમ્પના પ્લાન્ટસને પાણી પાવાના નળે પાણી ભરવા આવ્યો. મેં તેને હિન્દીમાં કહ્યું કે મારે મહારાષ્ટ્ર પહોંચવું છે. તેણે કહ્યું કે તેને અંતરિયાળ રસ્તાઓ ખબર છે. તે આ બાજુનાં કાપડના માલની અવરજવર કરતી કંપનીમાં મજૂર છે. અત્યારે કામ બંધ હોઈ તે જોખમ લઈ મારાથી પણ બીજા પંદરસો કિલોમીટર આગળ જઈ રહ્યો છે. એની પત્ની અને નાના બાળકને બાઇક પર લઉં તો મને રસ્તો બતાવશે. છૂટકો ન હતો. અમે ટ્રિપલ સવારીમાં, ભર લોકડાઉને, અંધારી રાત્રે, કાચા અને ઉબડખાબડ રસ્તાઓ પરથી બાઇક લેતા મહારાષ્ટ્રમાં દાખલ થઈ ગયા.

હવે મારે જાણીતો રાષ્ટ્રીય ધોરી માર્ગ પકડવો જ પડે. દિવસ ચડી ગયેલો. અમે ગોવા-મહારાષ્ટ્ર વચ્ચેનાં ગામડાંઓ વીંધતા જઈ રહ્યા હતા. એક બીજો સંઘ મળ્યો. એમાં એના રાજ્યનો કોઈ કહે તેઓ આગલા સ્ટેશને માલગાડી ઉભે એટલે એમાં ચડાય તો ચડી જવાના હતા. શ્રમિક સ્પેશિયલ હજુ શરૂ થઈ ન હતી.

હું બાઇક સાથે કેવી રીતે વેગનમાં ચડું? તેમને એ સંઘ સાથે જવા એ રેલ્વે સ્ટેશન પાસે ઉતાર્યાં. હું હવે તો અર્ધો રસ્તો જોખમ લઈ કાપી ચુકેલો. થવું હોય તે થાય.

નજીકમાં એક ખેતરમાં મકાઈના ડોડા હજુ કાપ્યા વગરના હતા. આમ તો અત્યારે લળણી થઈ ચુકી હોય. મેં એક ડોડો ખાધો. ઉપર પાણી ક્યાંથી કાઢવું? સહેજ આગળ જતાં એ ખેતરમાં પાણી પાવા ક્યારાઓમાં વહેતું જોયું. હાથનો ખોબો ભરી એ પીધું.


મારા ગુજરાત રાજ્યની નંબરપ્લેટ જોઈ એક ટ્રકવાળાને હાથ કરી ઉભાડયો. મારી આપવીતી કહી. એ કહે જોખમ તો છે. મને પાછો થોડો તાવ હતો. મેં સમજાવ્યું કે ભૂખ, તડકો અને થાકને લઈને મને તાવ છે. મને શ્વાસની કોઈ તકલીફ નથી અને કોરોના હોવાની કોઈ શકયતા નથી. હું અગિયારસો બારસો કિલોમીટર કાપીને આવ્યો છું.

એણે મારી બાઇક એના સામાન નીચે, કેટલીક ગુણીઓ સાથે ખ્યાલ ન આવે તેમ તાડપત્રી ઢાંકીને મૂકી. મને તેની કેબિનમાં લીધો.

મારૂં ગુજરાત આવી ચૂક્યું. પણ હવે જ ખરેખરું ચેકીંગ શરૂ થયું. દરેક પોઈન્ટ પર બેરીકેડ અને અંદર નજર નાખતા પોલીસો. હવે હાઇવે સિવાય જઈ શકાય એમ ન હતું.

મેં કોઈ ગામમાં એન્ટ્રી લઈને મોબાઈલ ચાર્જ કરવા અને કોઈ રીતે થાય તો ડેટા પેકેટ લઈ ગૂગલ મેપને આધારે જવા વિચાર્યું. પણ પછી વિચાર આવ્યો કે એ તો હાઇવેનો જ રસ્તો બતાવશે.

ટ્રક કોઈ જગ્યાએ ઉભી. તે બીડી પીવા કે ટોયલેટ જવા ઉતર્યો. મેં નજીક ટ્રેઇનની વ્હીસલ સાંભળી. નજીકથી ટ્રેઇન પસાર થઈ અને.. લો, સામે સાવ નજીક રેલ્વેનું ગુડ્ઝ યાર્ડ હતું.

મેં હવે જે વિચાર્યું એ સંપૂર્ણ ગેરકાયદે છે. જો પકડાઉં તો 'આસમાન સે ગીરા, ખજૂરી પે અટકા' જેવો ઘાટ થાય. છતાં મેં યાર્ડમાસ્ટરને મળી કહ્યું કે ભૂખ, નેટ વગર, કામ વગર, તાવ- આ બધાંને લઈને મેં આ જોખમ ખેડયું છે. તેઓ અચંબો પામી ગયા. પછી કહે આમેય ગુડ્ઝ ટ્રેઇન માલ મૂકી આવી ખાલી જાય છે. હું રીતસર રિસીટ ફાડી બાઇક ચડાવું છું. ડ્રાઈવરને કહી તમને લેવરાવી લઉં છું. હું બાઇક ચડાવી એન્જીન બાજુના વેગનમાં બેઠો.

મારા અમદાવાદની ભાગોળે સિગ્નલ પર ગુડ્ઝ ટ્રેઇન ઉભી. જો શહેર વચ્ચે આવેલ કાલુપુર સ્ટેશને ઉતરું તો વળી શહેર ચીરી મારે ઘેર જવા અનેક પોલીસ બેરીકેડ પસાર કરવી પડે. હું અહીં જ ઉતરી ગયો. દિવસનો ભાગ હતો. વહેલી સવાર.

મેં બાઇક ઉતારી રેલ્વેનો અને ડ્રાઇવરનો આભાર માન્યો. બાઇક એક બે નાળાં, એક નર્મદા કેનાલ અને બેચાર કાચા રસ્તાઓ પસાર કરી મારા શહેરમાં દાખલ થઈ ચૂકી.

પોલીસની વાન પહેરો ભરતી નીકળી પણ મને કોઈએ કશું પૂછ્યું નહીં. છેક ઘરની નજીક રોક્યો. મેં કામે જાઉં છું તેમ કહ્યું. મારી દક્ષીણનાં શહેરની આઈડી પ્રુફ કાઢવા કર્યું. સદ્ભાગ્યે તેણે હાથમાં લઈને જોઈ નહીં.

મારી શેરીમાં. પપ્પા દૂધ લેવા સોશિઅલ ડિસ્ટન્સ જાળવી લાઈનમાં ઉભેલા. મેં હોર્ન માર્યું. તેઓ માની ન શક્યા કે હું છું. કહે રાત્રે તેમને હું સપનામાં આવેલો. હું ભૂખ્યો છું ને મુશ્કેલીમાં છું તેમ કહેલું. પણ અત્યારે તેઓ સપનું જુએ છે કે સાચું એ નક્કી કરી શક્યા નહીં. તો ભૂખ, થાક, ટેંશનના માર્યા મેં 'ઓ બાપ રે..' મનોમન બુમ પાડી એ બાપે સાંભળેલી. માબાપ આખરે માબાપ છે.

મેં તેમને ઘેર જવા કહ્યું. દૂધ હું લઈને આવ્યો. કહ્યા કરતાં બે કોથળી વધુ. એક તો મમ્મીએ ગરમ કરી ત્યાં જ ગટગટાવી ગયો.

ઘેરથી જ નેટ ચાલુ કરી સાહેબને ફોન કર્યો. તેઓ ચિંતામાં હતા કે ચારપાંચ દિવસથી મારા કોઈ ખબર કેમ નથી. ઉપરથી મારી ત્યાંની સોસાયટીએ મને વગર ટેસ્ટ લીધે પોઝિટિવ જાહેર કરી મુકેલો. સાહેબ અને સાથીઓ તો ભગવાનને મારા જીવવા માટે પ્રાર્થના કરતા હતા!

પૂરતું પેટ ભરી ચારેક કલાક સુઈ જ રહી મેં લોગીન કર્યું અને ઓફિસનો મેસેજ ફ્લેશ થયો - '.. કંપની વેલકમ્સ યુ. સ્ટે હોમ સ્ટે સેઈફ.'


**

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED