Featured Books
શ્રેણી
શેયર કરો

કોરોના કથાઓ - 12 - કોરોના ડોક્ટરની કહાણી

કોરોના ડોક્ટરની કહાણી

હજુ રિઝલ્ટ આવ્યું. હું ફાઇનલ M.B.B.S.માં પાસ થયો હતો.હાઈસ્કૂલમાં આવ્યો ત્યારથી મારૂં અને ઘરનાં સહુનું સ્વપ્ન હતું કે કુટુંબમાં એક ડોક્ટર હોય. સફેદ એપ્રન અને સ્ટેથોસ્કોપનો માભો સમાજમાં હજુ અલગ જ પડે છે. તે મેળવવા મહેનત સારી એવી કરવી પડે છે પરંતુ મોટાભાગના ડોક્ટરો અમુક સમય જતાં આર્થિક રીતે સક્ષમ થઈ જાય છે અને તેમની જીવનશૈલી પણ ઊંચી હોય છે. એ સાથે માનવીનું જીવન બચાવવા, કમ સે કમ તેની પીડા દૂર કરવાનું કામ ભલે પૈસા લઈને પણ એક સેવા જ છે અને આ જન્મમાં મને તેની તક મળી. હું અને ઘરનાં સહુ અનહદ ખુશ હતાં.

ત્યાં નવા ડોક્ટરોની ભરતી માટે સરકારી જાહેરાત આવી. ટ્રસ્ટનાં ક્લિનિક કરતાં સરકારમાં પગારધોરણ અને સેવાની શરતો વધુ સારી હોય છે તેથી મેં અરજી કરી. કોરોના દરમ્યાનનું લોકડાઉન ચાલતું હોઈ ઓનલાઈન. ઇન્ટરવ્યુનો એક રાઉન્ડ પણ ઓનલાઈન થયો. બીજા રાઉન્ડ માટે મારે જાણીતી હોસ્પિટલમાં જવાનું હતું.

હું સર્ટિફિકેટોની બેગ લઈ, માસ્ક અને ગ્લોવ્ઝ પહેરી, નાની સેનિટાઈઝરની બોટલ પોલીથીનની કોથળીમાં મૂકી ત્યાં હાજર થયો. ઘણા સિનિયર ડોક્ટરો સિલેક્શન કમિટીમાં હતા. પહેલાં તો તેમણે માસ્ક વગરના અને એન્ટ્રી નજીક સેનિટાઈઝર રાખેલું તો પણ હાથ સાફ કર્યા વગર પ્રવેશતા ઉમેદવારોને ત્યાં ને ત્યાં રિજેક્ટ કર્યા. 'તમારા લોકોમાં બેઝિક કોમનસેન્સનો અભાવ છે. કઈ પરિસ્થિતિમાં કેમ વર્તવું તે મેડીકલની બુકમાં ન હોય.' કહી રવાના કર્યા. સદ્ભાગ્યે મને, મેં કહ્યું તેમ માસ્ક સાથે અને સેનિટાઈઝ હાથે જતો જોઈ મારી જેવા ઉમેદવારો સાથે અંદર લીધો. ક્યાં? સીધા કોરોના વૉર્ડમાં!

અમને કાંઈ પણ પૂછ્યા વગર પેશન્ટસને તપાસવાના રાઉન્ડ લેવાનું સોંપ્યું. પેડ અને પેન આપ્યાં. મેં મારી પેન સેનિટાઈઝ કરી લીધી તે ડોક્ટરે નોંધ્યું અને ડોકું નોડ કર્યું. અમે શું તપાસીએ છીએ, શું પૂછીએ છીએ, શું લાઈન ઓફ ટ્રીટમેન્ટ લખીએ છીએ તે બધું ઇન્ટરવ્યુઅર્સ નિરીક્ષણ કર્યે જતા અને ક્યારેક તેમનાં પેડમાં લખતા જતા હતા.

એક પેશન્ટનો શ્વાસ લેવાતો ન હોય તેવું લાગ્યું. તેનું મોં પહોળું થઈ ગયેલું, મુખરેખાઓ ખેંચાઈ ગયેલી, આંખો પહોળી થવા લાગેલી. હું તાત્કાલિક તેને સ્પર્શ કર્યા વગર વૉર્ડની એન્ટ્રી પર જઈ ઇન્ફ્રારેડ થર્મોમીટર લઈ આવ્યો અને તેનું ટેમ્પરેચર લીધું. ઘણું વધુ હતું. મેં ગ્લોવ્ઝ સહેજ ઉતારી તેને કપાળે અને પેટે હાથ ફેરવી તપાસ્યો, આશ્વાસન આપતો હોઉં એમ હળવેથી હાથ ફેરવ્યો અને નજીક રહેલા, મને ઓબ્ઝર્વ કરતા ડોક્ટરને કહ્યું, "હી નીડઝ ઓક્સિજન."

તેમણે પૂછ્યું કે હું ઓક્સિજન લેવલ કેવી રીતે માપીશ. મેં સાધનનું માત્ર સાંભળેલું નામ કહ્યું. તેમણે મારો ખભો થાબડતા હોય તેમ હાથ નજીક લીધો પછી ખુશ થઈ થંબ ઊંચો કર્યો. દર્દીની નજીક વેન્ટિલેટર લઈ જઈ સ્ટાર્ટ કરતા પહેલાં ઓક્સિજન લેવલ એ ડોક્ટરે માપ્યું અને 'હજી વેન્ટીલેટરની જરૂર નથી, આ ટેબ્લેટ આપશું અને શ્વાસ લેવરાવશું' કહી તેને મારી પાસે ટેબ્લેટ અપાવી. મેં તેને માથે હાથ ફેરવી કહ્યું, " જુઓ, સાહેબ પણ કહે છે તમને ખાસ ગંભીર કાંઈ નથી. ઊંડા શ્વાસ લો. પ્રયત્ન કરો. આ દવાથી તરત ફેર પડશે." મેં તેને પેટ દબાવી, ફેફસાં પાસે ખાસ રીતે મસાજ કરી શ્વાસ લેવરાવ્યો.

તરત અમને ચાર પાંચ ઉમેદવારોને જ ચીફ સુપરિટેન્ડન્ટની કેબિનમાં એક સાથે બોલાવ્યા. હવે માત્ર ફોર્માલિટી જ હતી. માર્કશીટ જોઈ અને અમને હાથ મિલાવ્યા વગર અભિનંદન આપ્યાં. એ રાઉન્ડ અમારો ઇન્ટરવ્યૂ હતો અને અમે પાંચ ઉમેદવારો પસંદ થઈ ગયેલા. કલાક બેસાડી અમને ઓફિસમાંથી એપોઇન્ટમેન્ટ લેટર્સ પણ લઈ આવવા કહ્યું. આજનું કામ પૂરું. કાલથી ત્યાં જ હાજર થવાનું હતું. આજે અમે અમારા બેસ્ટ શર્ટ-પેન્ટમાં હતા, કાલથી અમને PPE કિટ પણ આપવામાં આવનારી હતી.

મેં ત્યાં ને ત્યાં સેનિટાઈઝર મારાં વસ્ત્રો પર છાંટયું, હાથ ધોયા. ઘેર જઈને ઉકાળો પીધો. ગરમ પાણીએ નહાઈ પણ લીધું.

બીજો દિવસ. નોકરી કે ડોક્ટર તરીકેની કારકિર્દીનો પ્રથમ દિવસ. ઘરનાંને આવજો કહી હું હોસ્પિટલ ગયો. સવારે બરાબર આઠ વાગે રાઉન્ડ, ઓપીડી બધું શરૂ. મારે ત્યાં જ રહેવાનું હતું. બીજા ચાર જેમાં બે તો લેડી હતી અને એક સૌરાષ્ટ્રનાં એક ગામડેથી તો બીજી ભૂકંપ અને હવે જેઠાલાલ ફેઈમ ભચાઉથી આવતી હતી. બધાંએ લંચટાઈમ આસપાસ ઘેર સલામત છીએનો ફોન કરી દીધો. રાત્રે 8 વાગે નવરાં થયાં. અમારી એક રૂમમાં બે ડોક્ટરો રહે તેમ હોસ્ટેલ જેવું હતું. હોસ્પિટલના જ અલગ ફ્લોર ઉપર. દર્દીઓ ખાય તે જ ખાવાનું હતું. રાત્રે અમને પણ લોકો સાથે હળદરવાળું દૂધ અપાયું. અમને ખોરાક પણ ફ્રૂટ્સ સાથે અને હળવો અપાતો.

સવાર પડે એટલે અથવા રાતના આઠ વાગે એટલે- રોટેશનમાં અમારે બાર કલાકની નોકરી રહેતી. સવારે ફટાફટ ગરમ પાણીએ નહાઈ વૉર્ડમાં. તુરત બાજુમાં ડ્રેસિંગ માટે નાનું પાર્ટીશન રાખેલું ત્યાં જઈ PPE કીટ પહેરી લેવાની. નીચેથી ઉપર તરફ. કાઢતી વખતે ઉપરથી નીચે. એમાં મોં આગળ મોટું પ્લાસ્ટિકનું આવરણ. આંખો પર પણ ગોગલ્સ કે નંબર વગરનાં ચશ્માં રહે તો સારું તેવી સલાહ અપાયેલી. પગમાં પોલીથીન નું પ્લાસ્ટિકનું આવરણ અને પછી જ અમારા ખાસ શૂઝ.

વૉર્ડ ખૂબ જ સ્વચ્છ રહેતો. ટોઇલેટ્સ પણ. એવાં તો થિયેટર કે કોરપોરેટ ઓફિસનાં પણ જોયાં ન હતાં. ઉપરની હળવી લાઈટોનું પણ પ્રતિબિંબ એવું તો દેખાતું કે પેલી પાંડવોના મહેલવાળી વાત યાદ આવી જાય. નીચે જમીનમાં લાઈટો છે અથવા આ માયા છે, સ્ટ્રેચરો, દવાની ટ્રોલી બધું ઊંધું તેમ જ ચત્તુ છે ને તમે હવામાં તરો છો તેવું લાગે.

વૉર્ડમાં દાખલ થવાનો એક ગેઇટ અને બહાર જવા બીજો. જાઓ એટલે હવાચુસ્ત બંધ થઈ જાય. બહાર એક નર્સ ડિજિટલ બેલ વાગે એટલે જાણે છલાંગ લગાવતી એ બેડ પાર પહોંચવા તૈયાર. એલ્યુમિનિયમની ફ્રેમ વાળી કાચની બારીઓમાંથી પૂરતો પ્રકાશ આવે. મારે તો કોરોના પોઝિટિવ દર્દીઓ વચ્ચે ડ્યુટી હતી. જેમના ટેસ્ટ થયા હોય ને રિઝલ્ટ બાકી હોય તેવા આઇસોલેશન વાળા દર્દીઓને તો નવ વાગે બહાર લોબીમાં તડકામાં ખાસી પંદર મિનિટ રખાતા.

અમારું રક્ષણ કરતી PPE કીટ કેવી હતી? માથાથી પગ સુધી સંપૂર્ણ શરીર ઢંકાયેલું. હુડી જેવું હેડ ગીયર અને કાન સુધી ઢાંકતાં ચશ્માં બધું ટાઈટ સીલ એટલે શ્વાસ લેવામાં તકલીફ પડે, અમને સહુને ગૂંગળામણ થયા કરે અને અંદરથી પરસેવે રેબઝેબ. એમાં પણ N95 માસ્ક સાથે દર્દીને તકલીફ થાય એ ભેગા દોડતા રહેવાનું. 12 માંથી સાતેક કલાક તો આવી દોડાદોડી રહે.

અમારી કીટ ની અંદર કોઈ જ્વેલરી નહીં પહેરવાની. પહેરાય એવી જગ્યા જ ન હોય. મોબાઈલ ફોન પણ સેનિટાઈઝ કરેલો અને માત્ર ઘરની વ્યક્તિઓ અને ટીમમેમ્બરો ના જ નંબરો એમાં સેવ.

પરસેવાનાં બુંદો આંખ પાસે જામે અને દ્રષ્ટિ પણ પેશન્ટ સામે ન માંડી શકાય. સતત મોજાં પહેરી રાખવાથી ટેરવાં સ્પર્શહીન લાગણી અનુભવે. ટેરવાં પર ખાલી ચડી જાય. પગ પર પણ ચાલતાં લાપસી પડાશેએવું લાગે. ખૂબ તકલીફ ભર્યું પણ છુટકો જ ન હતો એ સતત પહેર્યા વગર.

એ હાલતમાં બાર કલાક પસાર કરી રૂમમાં જઈ નહાઓ પછી ઘેર સલામતીના ખબર આપવા સિવાય કોઈ તાકાત ન બચી હોય.

એમાં એકવાર આંખ મળી ન મળી ત્યાં વળી કોલ આવ્યો ને દોડવું પડ્યું. કોઈ પેશન્ટના અંતિમ શ્વાસ ચાલતા હતા. આંખો ભયભીત છત સામે, શરીર ખેંચાઈ તરફડીયાં મારતું. મોં પર વેન્ટીલેટરનો કપ પણ ધ્રૂજે.હું દર્દી પાસે જઈ તેને પંપાળવા લાગ્યો. વેન્ટીલેટરની સ્પીડ વધારી. તેણે મારો હાથ કચકચાવીને પકડ્યો. 'તમે ઘણું કર્યું સાહેબ. આવજો.. મારે ઘેર..' માંડ કહેતાં તેણે મારા હાથમાં ડોકું ઢાળી દીધું. એ ક્ષણ હું જિંદગીભર નહીં ભૂલું. મારો આત્મા જાણે ચૂર ચૂર થઈ ગયો, હૃદયની જગ્યાએ મોટો ખાડો હોય એવું મને લાગ્યું. ગભરામણ સાથે મને પીપીઈકીટમાં ઉલટી થશે તેવું લાગ્યું. હું એક ક્ષણ બહાર દોડી ગયો અને બે ચાર ઊંડા શ્વાસ હાંફતા હાંફતા લીધા. તરત પાછો.

એનું 'બોડી' પ્લાસ્ટિકની બેગમાં સેનિતાઈઝ કરી વીંટવામાં આવ્યું. એ ચાલીસ પિસ્તાલીસ વર્ષનો બેંક કર્મચારી હતો. પબ્લિક સાથે ડીલ કરવી જ.પડતી હોય તેવા લોકોને કોરોના સાવચેતીઓ રાખવા છતાં લાગી જતો જોયો છે. મને ઇઊંઘ આવે તેમ ન હતી. એની પત્ની અને બે આઠ દસ વર્ષનાં બાળકો આવ્યાં. પત્ની જે પછડાટો ખાતી રડે! એની મોટી, દર્દનાક પોકનો અવાજ મારા કાનમાં અને મનમાં કદાચ જિંદગીભર ગુંજયા કરશે. એને કે સંતાનોને શરીરને અડવા પણ મળ્યું નહીં. ઘેર લઈ જવા પણ નહીં. ગાઈડલાઈન મૂજબ મને ખ્યાલ છે ત્યાં સુધી એક અલગ ભઠ્ઠીમાં તેનાં બોડીને બાળી નાખવામાં આવ્યું. અંતિમ સંસ્કાર પણ ન પામ્યું!

એક આશરે 70થી 75 વર્ષના વૃદ્ધને કોરોના પોઝિટિવ હતો. તેઓ આખો દિવસ ઘરમાં રહેતા પણ ગમે તેમ કરી સવારે ને સાંજે ફરવા નીકળી પડતા. એ પણ માસ્ક વગર. એ હોય કે નજીકની લારીનું ફ્રૂટ હોય, તેમને ઉધરસ કે તાવ જેવાં કોઈ જ લક્ષણો વગર સીધી શ્વાસની તકલીફ અને કોરોના થયો. વડીલ બધી રીતે મસ્ત હતા. એમાં ભચાઉ વાળી ક્લીગે ફરિયાદ કરી કે તે સ્વેબનું સેમ્પલ લેવા ગઈ તો જાણી જોઈ વડીલ ઊંચા થયા સને અણછાજતો સ્પર્શ કરી લીધો. સવારે ચા કે ઉકાળો આપવા જતી બાઈ અને સ્વીપરે એ વાતને પુષ્ટિ આપી કે વડીલ આવું વર્તન કરે છે. અન્ય એક વૉર્ડમાં સિનિયર, પઠ્ઠા ડોક્ટર તેને તપાસવા ખાસ આવવા લાગ્યા. એમાં એ વડીલને સખત તાવ ચડ્યો અને શ્વાસની તકલીફ થઈ. ભચાઉ વાળી ડોક્ટર જ બીજું વેન્ટીલેટર ન મળતાં ધમણ સ્ટોરમાંથી દોડતી લઈ આવી. એ કામ તો કરતું હતું. વેન્ટીલેટરનું કામ જ હવાને ફેંકવાનું અને ખેંચવાનું. ધમણમાં એ બહુ જાળવીને કરવાનું હતું. પેલા સિનિયર ડૉક્ટરથી ફ્લો વધી ગયો. વડીલના ધબકારા એકદમ વધી ગયા. એ નાજુકડી ડોક્ટર છોકરીએ તરત રેગ્યુલેટ કર્યું. વડીલને આરામ થવા લાગ્યો. બીજે દિવસે એ રાઉન્ડમાં આવી ત્યારે વડીલે બે હાથ જોડ્યા. પણ એવી રંગીલી હાલતમાં, કદાચ ભજનને બદલે દક્ષિણની ફિલ્મનું સેક્સી દ્રશ્ય જોતાં વડીલને ખૂબ ઉધરસ ઉપડી. છોકરી ડોક્ટર અને બચાવ એક્સપર્ટ થવા માંડેલો હું દોડી ગયાં. વડીલનો માસ્ક એક ક્ષણ ઉતાર્યા. તેમણે પેટના છેક અંદરના ભાગેથી ધડાકાભેર ઉલટી કરી. એ લેડી ડૉક્ટરના માસ્ક પર છાંટા ઉડયા. તે લૂંછી શકે તેમ પણ ન હતી. મેં કેઇસ હાથમાં લઈ તેને જલ્દી સીંકમાં જવા કહ્યું અને સિનિયર ડોક્ટરને બોલાવ્યા. મસાજ ચાલતો હતો ને વળી એક હીચકી સાથે વડીલે હાથપગ જોશભેર ઊંચાનીચા કરતાં ડોકું ઢાળી દીધું જે મારી હથેળીના ખોબામાં પડ્યું. તેમની છત તરફ ખુલ્લી આંખો પહોળી થતી અને ભાવહીન થતી જોઈ. તેમનું અંતિમ ડચકું મારી નજર સામે જોયું. એ રાત્રે ત્રણ વાગે બન્યું. બાકીના કલાક હું ખૂબ અપસેટ રહ્યો. પપ્પાને સવારે ચાર વાગે જગાડી આ વાત કરી. મનમાં ઘોળ્યે રાખું તો મને અસર થઈ જાય. તેમણે મને સાંત્વન આપ્યું. હું અને એ છોકરી ડોક્ટર છુટા મને રૂમમાં જઈ રોઈ પડ્યાં. તેને તો વડીલ પ્રત્યે દ્વેષ હોવો જોઈએ. પણ સ્ટ્રેસ એટલો બધો હતો કે અમે રડીને કાઢ્યો.

એ ડૉક્ટરના પિતા સરકારી ખાતાંમાં હતા. તેણીને ઘેરથી ફોન આવ્યો કે પપ્પાને કોરોનાનાં લક્ષણો હોય તેવું લાગે છે અને ભુજ લઈ જાય છે. તે આમેય શારીરિક રીતે નાજુક હતી. પણ મનની ખૂબ મક્કમ નીકળી. કહે અહીં ડ્યુટી પહેલી. તેણે એની મમ્મીને હિંમત આપી અને ભગવાનને પ્રાર્થના કરવા કહ્યું. આમેય ભુજની હોસ્પિટલમાં તે જઈ કે કાંઈ કરી શકે તેમ ન હતી. તે પેશન્ટસને ટ્રીટ કરતાં આકાશમાં જોઈ કઈંક બબડયા કરતી હતી. મેં અને અન્ય સાથી સ્ત્રી ડોક્ટરે તેને હિંમત આપી. બે દિવસ પછી તેને ઘેરથી ફોન આવ્યો કે તેના પપ્પાનો રિપોર્ટ નેગેટિવ હતો. એ દરમ્યાન સિનિયર ડોક્ટરે કહ્યું કે અમારું ટેમ્પરેચર, બીપી વગેરે મપાતું તેમાં તેણીનું બીપી 160 ઉપર આવેલું જે ડોક્ટરે તેને કહેલું નહીં. ડોક્ટરની જિંદગીમાં આગળ ઘણું આવું આવશે, તેમાં મન કઠણ કરીને અને પેશન્ટસ સાથે ક્યારેક જાડી ચામડીના બનીને રહેવું પડશે તેમ સલાહ આપી. મેં મારા લેપટોપમાં તે રાત્રે દિલ એક મંદિર ફિલ્મ મુકી આપી. તેમાં ડોકટરના બલિદાનની વાત હતી. તે થોડી રિલેક્સ થઈ. અમે મિત્રો બની ગયાં. પણ રાતના બે ચાર કલાક સિવાય અમને સામે પણ જોવાનો ટાઈમ ન હતો. હું ગમે તેમ, ગમે તેટલા વાગ્યા હોય, મમ્મી સાથે ત્રણચાર મિનિટ વાત કરી મારી સલામતીની ખાત્રી કરાવી દેતો હતો. તે સહુ મારી ડ્યુટીને કારણે સતત સ્ટ્રેસમાં હતાં. શું થાય?

બીજી ડૉક્ટરનાં તો છ મહિના પહેલાં જ લગ્ન થયેલાં. વરને નાનો બિઝનેસ હતો ને હાલ બેકારી જેવી સ્થિતિ હતી. પઠ્ઠા ડોક્ટરને બે વર્ષની બાળકી ને વયસ્ક માબાપ હતાં. પત્ની ખૂબ સમજું હતી. ઘેર આવે અને કોઈને ચેપ લાગે તે કરતાં હોસ્પિટલમાં રહે ને પોતાને સાચવે તેમ તે કહેતી.

એક માજીને લોહી લેવા કે દવા ચડાવવા સોય ખોસીએ એટલે રાડારાડ કરી મૂકે. તેઓ એને ઘેર પણ સહુને સાચવવા ને પોતાની પાછળ અમુક તમુક કરવા કહેતાં. તેઓની.ઇમ્યુનિટી તો વીક હશે જ એટલે કોરોના લાગી ગયો, માનસિક રીતે પણ બી ગયેલાં. મેં તેને અહીં આવે તેમાં મરે તેના કરતાં જીવતા જાય એવા વધારે છે તે કહ્યું. તેને સોય ભોંકતાં હું હાથ પસવારતો અને પસાર થાઉં એટલી વાર 'બા, જમ્યાં? બારીમાંથી શું જુઓ છો? અમારા કાકા શું કરે છે?' જેવું પૂછ્યા કરતો. હાઇડ્રોક્લોરોક્વિન એ બા ને આપવી પડી. બીજાં એક.ઇન્જેક્શન બાદનાં આવતાં રીએક્શનને મેં સંભાળી.લીધું. બા હવે નિરાંતે ઘોરવા લાગ્યાં. એમાં એની બાજુના જ બેડ- જે અહીં છ ફૂટ દૂર હતા, તેની ઉપરનો પેશન્ટ એક બપોરે ગળાંમાંથી ઘરેરાટી બોલાવવા લાગ્યો. અંતિમ સમયની નિશાની હતી. એને સંભાળુંત્યાં બા ભાંગી પડ્યાં. પેલો પેશન્ટ જેમતેમ કરી અમારી ચારેક કલાકની મહેનત પછી બચ્યો. બાએ નિરાંતનો શ્વાસ લીધો. બા ને ડિસ્ચાર્જ કરવાનો સમય આવ્યો ત્યારે તેમણે મને બેડ પર બેસાડાય તો નહીં, હાથ ખેંચી મારૂં માથું કીટ સાથે ચુમવાનું કર્યું ને ઓવારણાં લીધાં. જતી વખતે મને અને ભચાઉ વાળી છોકરીને ધરાર જોરથી ભેટીને રડ્યાં.

મારા ત્રણ મહિના પુરા થવા આવ્યા. હવે ઘેર જવાનો સમય આવ્યો. અંદરથી હાશકારો અનુભવાતો હતો. ત્યાં એક કદાચ કોલેજ કન્યા હોય તેવી છોકરી રૂગ્ણ અવસ્થામાં અતિ કષ્ટ સાથે કરાંજતી દાખલ થઈ. દેખીતી રીતે જ તેને કોરોના સીધો એડવાન્સ સ્ટેજમાં હતો. નાજુક, સપ્રમાણ કાયા અને નમણો ચહેરો. હોઠ લાલઘુમ, મૂળથી જ મોટી આંખો તાવથી પહોળી. તે ખાંસતી હતી. બેવડ વળીને. પહેલાં કોઈને ફોન કરીએ તો જેવો અવાજ શરૂમાં આવતો તે ઓછો પડે તેવું. એની બેડ મારી અંડરમાં આવતી હતી. તેનું નામ જોયું. મારી જ્ઞાતિની હતી. મમ્મીને વાત કરી. તેઓ તેનાં ઘરને ઓળખતાં હતાં. તેની મમ્મી બીજી હોસ્પિટલમાં હતી. ઘરમાં કામવાળી ફરી આવતી થયેલી જે લક્ષણો સિવાય પોઝિટિવ હતી તેથી રહીરહીને આ બે ને ચેપ લાગેલો. તેને તાત્કાલિક ડ્રિપ ચડાવી જેમાં તાવની દવા ઉપરાંત એ મોંઘું ઇન્જેક્શન પણ ભેળવ્યું. તેની કિંમત સારી એવી હતી જે તાત્કાલિક કોઈ થોડી જાણીતી વ્યક્તિ હોઈ મેં જ પૈસા કાઢ્યા, ઓનલાઈન પેમેન્ટ કરીને. તે બેહોશ થવા પર હતી. મેં તેને ગ્લોવ્ઝ સાથે સહારો આપી બેઠી કરી એટેન્ડન્ટ લાવેલી એ ખોરાક ખાવામાં મદદ કરી. તે ઘેનમાં સરી પડી. બે નાજુક હાથ બે બાજુ લબડી પડ્યા હતા. મેં પકડીને બેડ પર સરખા મુક્યા. તેના હાથ અને કમરને મારો સ્પર્શ થયો. મને ગ્લોવ્ઝમાંથી અને સુન્ન પડેલી આંગળીઓએ એ સ્પર્શનું કોઈ જ સંવેદન થતું ન હતું. તે યુવાન છે, જલ્દી સાજી થઈ જશે તેમ હિંમત આપી. એકાદ વાર પથારીમાં જ તેને પેશાબ થઈ ગયો હોય તેવું લાગ્યું. તરત જ મેં બહારથી એટેન્ડન્ટને બોલાવી તેનું શરીર પકડીને ફેરવ્યું અને બરડે હાથ ફેરવ્યો. નર્સે તેને દવા આપી.

રાત્રે હું ફરી ડ્યુટી પર આવ્યો ત્યારે કહેવાયું કે તે જમી શકી નથી. તેને પણ શ્વાસમાં તકલીફ શરૂ થયેલી. તાવ હજી ઉતર્યો ન હતો. મેં તેની શ્વાસની ઝડપ જોઈ. સુપિરિયરને કહી તરત વેન્ટિલેટર મંગાવ્યું. આ વખતે પણ ધમણ. ડૉક્ટરોમાં અને લોકોમાં અણમાનીતું. બધાં વેન્ટીલેટરોનું આગળ કહ્યું તેમ કાર્ય એક જ હોય છે પણ આને અમુક ક્રિટિકલ ફંક્શનસ મેન્યુઅલી કરવાં પડે. ખાસ તો ઓક્સિજનનો ફ્લો એડજસ્ટ કરવાનું. મને એ ફાવી ગયેલું. મેં તેને વેન્ટિલેટર પર લીધી. થોડી વાર તેને રાહત થઈ હોય એવું લાગ્યું. તેણે મહા મહેનતે હાથ હલાવ્યો. મેં ધ્યાનથી જોયું તો તે હથેળી ઉપર ઉઠાવતી લાગી. મેં સ્પીડ વધારી. તે પથારીમાં કૂદવા જેવી થઈ. તરફડતી હોય તેમ લાગ્યું. તે સાથે તેણે હાથ તેની તાકાત મુજબ જોરથી નીચે કર્યો. મેં ફ્લો ઘટાડયો અને ફેન એડજસ્ટ કર્યો. થોડું હાંફીને તે શાંત થઈ ગઈ. તેનું પેટ ઊંચું નીચું થવા લાગ્યું. ડાએફ્રામ નીચે શ્વાસ પહોંચતો હતો. તે સુઈ ગઈ. સવારે તો તેનું ટેમ્પરેચર પણ નીચું આવી ગાયેલું. હું બીજે દિવસે સવારના રાઉન્ડમાં નીકળ્યો અને હાથથી 'બરાબર ને?' સાઇન કરી. તેણે મોં નમાવવા પ્રયત્ન કરી સ્મિત આપ્યું. નવજીવન પામેલા પેશન્ટનું સ્મિત સાચે જ મીઠું હોય છે.

મારા ત્રણ મહિના પુરા થયા અને હું ઘેર જવા નીકળ્યો તે જ સમયે તેને પણ રજા અપાઈ. તેના પપ્પાએ મારો ખૂબ આભાર માન્યો.

ઘેર પહોંચ્યો ત્યાં સોસાયટીના રહીશોએ મારૂં આરતી અને પુષ્પહારથી સ્વાગત કર્યું.

ઘેર હું ખૂબ જરૂરી આરામ લેતો પડેલો ત્યાં મમ્મીએ કહ્યું કે 'તારી પેશન્ટ' ઓનલાઈન છે. તેનાં મમ્મીએ ઘેર આવતાં ક્વોરનટાઈન દરમ્યાન જ મારી મમ્મી પાસે વાત મૂકી.

સાજી થયેલી અને અત્યારે તૈયાર થયેલી તે ખૂબ સુંદર લાગતી હતી. તે મને પસંદ કરી ચુકેલી. ડોક્ટરની જિંદગી કેવી હોય તે તેણે નજરે જોયેલું અને એ રોલમાં મને પણ. 'તમારા જેવા કેરીંગ લોકો ક્યાંય પણ રેર હોય છે.' તેણે કહ્યું. મેં પૂછ્યું કે 'મને જરૂર હોય ત્યારે મારી કેર લઇશ ને!' તે શરમાઈને નીચું જોઈ ગઈ અને વળી નાજુક ડોક નીચે નમી.

બસ, એ ડોકમાં હાર પહેરાવું એટલી જ વાર.

ડોક્ટરની જિંદગી કોરોનાએ બરાબર શરૂ કરાવી.

**

- સુનીલ અંજારીયા