કોરોના કથાઓ - 4 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોરોના કથાઓ - 4

કોરોના કથા 4
યશોદા, કાનુડો 2020
આ કોરોના કથા સંપૂર્ણ સત્ય છે. આગલા ભાગ કાલ્પનિક હતા.
મારો પુત્ર મસ્કત રહે છે. ત્યાં પણ લોકડાઉન છે. વર્ક ફ્રોમ હોમ ઘણા વખતથી છે. તે આખો દિવસ, જમવા ઉઠવા સિવાય કામમાં હોય અને તેનો ત્રણ વર્ષનો પુત્ર રમતો હોય. તેઓ ફ્લેટમાં છઠે માળ રહે છે. ઘરની બહાર   ઊંચું મેઈન ડોર જે હોટેલની જેમ લેચ કી થી બંધ થાય. તે ખોલી મોટી લોબી જેમાં થઈ લિફ્ટ તરફ જવાય. એ સિવાય ઘરના બેય રૂમ પાછળ બારીઓ. દરેક રૂમનું બારણું અંદર તેમ જ બહારથી  લોકમાં કી ગોળ ફેરવતાં  બંધ થઈ શકે. અહીં હોય છે તેવો આગળીઓ નહીં.  હોટેલની જેમ જ ઠેસી ફેરવી બંધ થાય અને એક વાર લોક થઈ જાય પછી ચાવી સિવાય ખુલે જ નહીં.
હવે, સાંજના પાંચેક વાગ્યા હશે. ત્યાં તો બાળકને ફ્લેટમાં નીચે લઈ જવાની પણ મનાઈ અને લોકડાઉનનું ખૂબ ચુસ્ત પાલન. મારો પુત્ર તેના ખૂબ કંટાળેલા પુત્રને પાંચેક મિનિટ રમાડવા અને ચા પીવા ઉભો થયો. બન્ને થોડી વાર પ્લાસ્ટિકના બોલથી રમ્યા. મારો પુત્ર  દડો બહાર બે રૂમ વચ્ચેના પેસેજમાં દૂર જતાં લેવા ગયો. નાનો 3 વર્ષનો બાબો તેની પાછળ દોડવા ગયો અને તેનાથી અંદર રૂમમાં જ રહયે રૂમનું બારણું  ધડામ કરતું બંધ થઈ ગયું. હવે ચાવી અંદર. બારણું અંદરથી લોક અને બાબો અંદર પુરાયેલો. 
શું થઈ રહ્યું છે એનો બાબાને પહેલાં ખ્યાલ ન આવ્યો. તેને એમ થયું કે એના પપ્પાએ એને રમતમાં પુરી દીધો છે. તેણે 'એ.. આવ્યો' કરતાં લેચ કી અને ઠેસી પણ ફેરવી નાખી. ડોર ચાવી  ફેરવી બહારથી ખોલવાનો માર્ગ પણ બંધ.  હવે માત્ર અંદરથી જ ડોર ખુલે. બહારથી કાંઈ જ ન થઈ શકે. બાબાએ બારણું ધમધમાવ્યું. આ રમત નથી તે ખ્યાલ આવતાં રડવું શરૂ કર્યું. મારો પુત્ર કોઈ રીતે બહારથી એ કાણાંમાં સળિયો નાખીને કે એમ ખુલે એનો વિચાર કરવા લાગ્યો પણ કશું જ શક્ય ન હતું. વિદેશમાં  ઘરોનાં અંદર તેમ જ બહારનાં બારણાં ખોલવા બંધ થવાની રીત આપણા કરતાં અલગ હોય છે. એ ડોર પણ આપણે ખભેથી ધક્કો મારી ખોલી શકીએ એ વાતમાં માલ નહીં. આગળીઓ થોડો છે કે ખસીને ખુલી જાય?
સમય વીતતો જતો હતો. તેણે ફ્લેટનું મેઇન્ટનન્સ એટલે નાનાં મોટાં કામ માટે જેને બોલાવવાનો હોય તેને ફોન કર્યો.  તેણે આવીને જોયું અને કહ્યું કે આમાં તો સુથાર, કારપેન્ટર રૂબરૂ બોલાવવો પડે. એ ઓમાની હતો અને કારપેન્ટર પણ ઓમાની. તેણે અરેબિકમાં કારપેન્ટરને સમજાવ્યું.
સદભાગ્યે અહીંની જેમ તે કારીગરો  બધા દેશની અંદર પોતાના માદરે વતન જતા રહે તેવું નહોતું બન્યું. તેને નવ દસ કિલોમીટર દૂરથી લાવવો પડે તેમ હતું. 
બાબો ખૂબ રડીને થાકી ગયેલો અને ગભરાઈ પણ ગયેલો. સમય બગાડ્યા વગર પોતાની કાર કાઢી પુત્ર નીકળ્યો. પોલીસ દરેક જગ્યાએ રોકે તો તેમને હિન્દી કે અંગ્રેજીમાં સમજાવવાનું.
બાબાની મા ની કોમ્યુનિકેશન સ્કિલ સારી હતી. સંકટ સમયે ગભરાયા વગર માએ પુત્રનો કહો કે રિમોટ કંટ્રોલથી કબજો લીધો.
'બેટા, પપ્પા અંકલને લેવા ગયા છે. એ આવે એટલે ખોલે. તું રડવાનું બંધ કર અને બાજુમાં પાણી રાખ્યું છે એ પી લે જોઉં!' તેણે 3 વર્ષીય બાળકને કહ્યું.
'પાણી ક્યાં છે મમ્મી?' બાળકે અંદરથી હવે રડવાનું બંધ કરીને  તેના નાનકડા સ્પષ્ટ અવાજે પૂછ્યું.
'જો, પપ્પાના ટેબલ  પર કોમ્પ્યુટર છે. તેની બાજુમાં સ્ટુલ છે. તું રાતે ચડીને કુદકા મારે છે એ સ્ટુલ. તું એને … કહે છે ને! એ.' મમ્મીએ કહ્યું. સ્ટુલનું કોઈ ફની નામ બાળકે પાડેલું. બાળક તે સ્ટુલ પાસે પહોંચ્યો.
'હવે એની ઉપર બોટલ છે. પીંક પીંક પ્લાસ્ટિકની. એ જોઈ?'
થોડી વાર પછી બાળક ત્યાં પહોંચ્યો. પ્લાસ્ટિક એટલે શું એ બાબતમાં તે કન્ફ્યુઝ હતો પણ બોટલ જોઈ. પીંક. તેનો 'જોઈ મમ્મી' અંદર  દૂરથી અવાજ આવ્યો. તે નાનો છે પણ બોલતાં શીખ્યો ત્યારથી તોતડું કે કાલું બોલતો નથી.
'હવે એનું ઢાંકણું ખોલ. ઉપર રાઉન્ડ અને બ્લેક  છે એ. એને જોરથી ગોળ ફેરવ.'
બાળકનો વ્યર્થ પ્રયત્ન અને ફરી મૂંઝાઈને રડવું.
'બેટા રડ નહીં. નો ક્રાઈંગ. બોટલ પકડ અને લેફ્ટ હેન્ડથી પકડી પેટ સાથે દબાવ. રાઈટ હેન્ડથી એ બ્લેક સર્કલ ફેરવ. તારા લેફટ હેન્ડથી બોટલ પકડી છે ને? એ લેફટ બાજુ.'(બાળકને વિદેશની ઇન્ડિયન સ્કૂલમાં નર્સરીમાં મુકવાનું હોઈ અંગ્રેજી શબ્દો તેની સાથે જરૂર પૂરતા વપરાતા. ગુજરાતી તો તે સહુ વિદેશ હોવા છતાં પરફેકટ બોલે છે જે આ બાળક પણ બોલતો.)
બાબાનો હુરર.. અવાજ આવ્યો. 'મમ્મી, પાણી બહાર પડ્યું.'
'વેલ ડન.  ગુડ બોય. બોટલ.ખોલી ને? હવે એ  બોટલ ખુલી ત્યાંથી માઉથમાં મુક. ડ્રીંક.'
ઉધરસનો નાનકડો અવાજ. બાબો પાણી પી શકેલો.
'હવે ડોર પાસે આવ. ડોંટ ક્રાય. આવ્યો ને? જો, ડોરની બાજુમાં કી પડી છે. એ હોલમાં નખ. કાણાંમાં.'
બાળકને કી તો મળી. કાણામાં નાખતાં ન ફાવ્યું. તેણે બારણાં પર ટચૂકડી મુઠ્ઠીઓ મારી.
'બેટા, એમ તને વાગશે. ડોંટ.  કી ફેરવ. હોલમાં નાખ અને ફેરવ.'
3 વર્ષના બાળક માટે આ અશક્ય હતું.
 
થોડો વિચાર કરી એક્સ પ્રોફેસર મમ્મીએ ટ્રીક વાપરી. તેણે કાગળ પર હોલ અને કી નું ડ્રોઈંગ દોર્યું અને  બીજા ડ્રોઈંગમાં એમાં કી કઈ રીતે નાખવી એ દોર્યું.  ત્રીજા ડ્રોઈંગમાં પોતાનો હાથ કઈ તરફ ફેરવતાં એ ખુલે એનું બાબાની આંગળી દોરી ખુલતું બતાવ્યું. વારાફરતી એ ડ્રોઈંગ બારણાં નીચેથી સરકાવ્યાં. બાબો ડ્રોઈંગ સમજ્યો. નવું લાગે છે પણ ડ્રોઈંગ જોઈને સમજ્યો!
બાબો કી અંદર નાખી શક્યો પણ ખોલવાને બદલે બંધ થઈ ગયું. ફરી બાબો મુંજાયો. હવે મા પણ. સામે રહેતી બીજી ઇન્ડિયન સ્ત્રી ને પૂછ્યું. કોઈ ઉપાય ન હતો. તેઓ છઠે માળે રહે છે અને પાઇપો બારીથી ખાસ્સી દૂર છે એટલે નીચેથી પાઇપ વાટે કોઈને અંદર મોકલી શકાય એમ ન હતું. બીજા રૂમની બારીમાંથી પણ એ રૂમમાં જવા અંતર ઘણું હતું.
મા હિમ્મત હારી નહીં. ફરીથી ચાવી એ હોલમાં નાખવા કહ્યું. આ વખતે બાબાએ થોડી વાર પહેલાનું યાદ રાખી  કી બરાબર નાખી. મમ્મીએ કી કઈ બાજુ ફરતાં ખુલશે એ મનોમન વિચાર કરી કહ્યું કે પોતે બહારથી ડોરને મારે તે બાજુ કી ફેરવે. એ ફેરવવાનું અલગ કલરમાં ડ્રોઈંગ મોકલ્યું. બાબો એ બાજુ થોડા પ્રયત્ને કી ફેરવી શક્યો. કટ્ટ અવાજ આવ્યો. મા એ હવે પેલી નાની ઠેસી ફેરવવા કહ્યું. 'તારા ફિંગર જેવી દેખાતી. સ્ટીલની.' બાબો સ્ટીલ શું તે સમજતો હતો. કી ખસી અને.. ડોર ઢીલું થયું. યશોદા 2020 એ કાનુડા 2020 ને ડોર ખોલી બહાર લીધો ત્યારે  આ ઘટના શરૂ થયાને દોઢેક કલાક વીતી ચુકેલો.
તેણે તાત્કાલિક આ શુભ સમાચાર બાબાના પપ્પાને આપવા ફોન લગાડ્યો.  બ્લ્યુટૂથ થી એટેચ ફોન ચાલુ કારે લાગ્યો. કારપેન્ટર ઘેર ન હતો પણ પેલા ઓમાંનીએ બીજા ઇન્ડિયન કારપેન્ટરનું એડ્રેસ આપ્યું તેને ઘેર પહોંચવામાં જ હતો. તે માની શક્યો નહીં કે ડ્રોઈંગ જોઈ 3 વર્ષીય પુત્રે લેચ કી થી બંધ ડોર ખોલ્યું. તે કાર પાછી વાળી ઘેર આવ્યો.
બાબો એના પપ્પાને વળગી પડ્યો અને બોલ્યો, 'મેં તમને ને મમ્મીને કેવાં પુરી દીધેલાં?'
-સુનીલ અંજારીયા