કોરોના કથાઓ - 14. કાંટાળો તાજ SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોરોના કથાઓ - 14. કાંટાળો તાજ

કાંટાળો તાજ

હું રાજ્યના ઇન્ફર્મેશન ટેક્નોલોજી વિભાગમાં ઉચ્ચ અધિકારી છું. હું મારા કામમાં વ્યસ્ત હતો. ક્યાં કયું સર્વર કનેક્ટ કરવું, કયો ડેટા કોને કેટલો જોવા આપવો, સર્ચ એન્જીન વધુમાં વધુ માહિતી કેવી રીતે જોઈએ તેને ઉપલબ્ધ કરાવે વગેરે કામમાં ગળાડૂબ હતો. એમાંયે હાલ કોરોના કાળમાં સાંજે ન્યૂઝમાં લોકોને સાચા આંકડાઓ પહોંચે તે માટે જિલ્લાઓમાંથી આવતા આંકડાઓની હોસ્પિટલોમાં થતાં રજિસ્ટ્રેશન, ડિસ્ચાર્જ અને મૃત્યુના રિપોર્ટ સાથે ઓનલાઈન સરખામણી કરી ઓનલાઈન જ ચકાસણી કરી ડેટા મુકાય તે પ્રોજેકટ ચાલી રહ્યો હતો. ઉપરાંત સરકારી હોસ્પિટલોમાં કોરોનાની દવાઓનો સ્ટોક તેઓ કહે તેમ નહીં પણ કઈ તારીખે કેટલો સપ્લાય થયો, એકએક કરી કેટલો વપરાયો અને કેટલો છે તેની ઓનલાઈન માહિતી તાત્કાલિક કંપાઈલ થતી રહે અને સ્ટોક દસ ટકા રહે એટલે આપોઆપ ઓર્ડર મુકવા જિલ્લાના આરોગ્યધિકારી પાસે ડિમાન્ડ જનરેટ થઈ જાય તેવા અમારી ટીમે જ લખેલા પ્રોગ્રામનું ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું.

આ કામ ઘેરથી ન થાય. ઘણાંખરાં કામ માટે સર્વરને એપ્રોચ કરવાનો પાસવર્ડ અમારા અમુક પાસે હતો પણ આખી પ્રોગ્રામ સ્ક્રિપ્ટ તપાસી ફટાફટ સુધારવા અને એમાં ડેટા લાઈવ ફીડ કરવા તો ત્યાં જ બેસવું પડે.

હું ડોકું ઢાળી ચશ્મા સ્હેજ નાક ઉપર ખેંચી સ્ક્રીનમાં એક એક લાઈન જોતો હતો. ત્યાં બાજુમાં ફેક્સની રિંગ વાગી. હું ધ્યાનભંગ થયો. ફેક્સ હતો કે મારે જિલ્લાના કોરોના ફાઇટિંગ ટાસ્કફોર્સના ચીફ ઓફિસર તરીકે 'વિથ ઇમીજીએટ ઇફેક્ટ' ચાર્જ લેવાનો છે.

મેં મારા નેક્સટ સાહેબને બોલાવ્યા. તેઓ નિવૃત્તિને આરે હતા. માસ્કમાંથી તેમને બોલવું ફાવતું ન હતું અને બોલે તે સમજવું બીજાને ફાવતું ન હતું પણ તેમને ચાલુ 'એપ' ના આ પ્રોગ્રામના આ મોડ્યુલની સ્ક્રિપ્ટમાં જે લાઈને હું અટકેલો તે બતાવી. અહીંના સેન્ટરની જવાબદારીઓથી તેઓ વાકેફ હતા જ. જિલ્લાઓ અને સરકારી એજન્સીઓ સાથે પનારો પાડવા સોરી, મારાથી એમ ન કહેવાય. ડીલ કરવા સૂચનાઓ આપી હું જિલ્લાની કલેક્ટર ઓફિસ સાથે સંલગ્ન નવી ઓફિસનો ચાર્જ લેવા નીકળી ગયો અને રસ્તામાં જ ઘેર જાણ કરી દીધી.

કાલે તો મારી 24મી મેરેજ એનિવર્સરી હતી. સામાન્ય સંજોગોમાં તો હું આજે સાંજે 'એને' સાથે લઈ ગિફ્ટ લેવા નીકળવાનો હોઉં. આજે કાંઈ કહેવાય નહીં. એ જાણતી હતી કે ઉચ્ચ સરકારી અધિકારીની જિંદગી કેવી હોય. પણ હવેની જિંદગીનું ન એ જાણતી હતી ન હું.


હું એ ઓફિસ પર ગયો અને તરત જ મને અંદર કોન્ફરન્સ રૂમમાં જવાનું કહેવાયું. ત્યાં એ કોરોના ટાસ્કફોર્સના પ્રભારી અધિકારીની સામે ખૂબ મોટા રાજકારણી, અહીં નામ કહેવાય એમ નથી, તે બેઠેલા. એ બે જ. રાજકારણી સાહેબ ખૂબ ગુસ્સામાં પેલા અધિકારીને કહેતા હતા કે તેઓ સાવ નિષ્ફળ ગયા છે અને તુરત રાજીનામુ જ આપી દે, એથી ઓછું કાંઈ જ નહીં. અધિકારી પોતાનો બચાવ કરતા હતા કે આટલા સાજા થયા ને આ જગ્યાએ આ એક્શન લીધાં. સાહેબે ટેબલ પર હાથ પછાડી કહ્યું કે તેમને કાંઈ સાંભળવું નથી. 'બહુ સારાં એક્શન લીધાં. અમને મોં બતાવવું ભારે પડે છે. તમે એક્શન લીધા કરો - ઘેર બેસી માળા ફેરવો.' તેમણે વળી હાથ પછાડ્યો. એ ખૂબ સિનિયર ને બાહોશ તરીકે જાણીતા અધિકારી નીચે મોંએ, રડમસ ચહેરે બહાર નીકળી ગયા.

"આવો … સાહેબ. તમે આ ઘડીએ ચાર્જ લઈ લો. કોરોના બેકાબુ છે. તમે જે કરવું હોય તે કરો પણ બ્રિન્ગ રિઝલ્ટ. નહીંતો જુઓ, કોરોના દર્દીઓના ઘણા બેડ છે એમાંથી એકમાં સુઈ જાઓ ને વિદાય થાઓ.' સાહેબને શું બોલવું તેનું ભાન ન હતું. હું તેમની સામે આંખમાં આંખ મેળવી શાંતિથી જોઈ રહ્યો. તેમણે પાણી ગટગટાવ્યું અને મારી ફર્મ દ્રષ્ટિ જોઈ ટોન ધીમો કર્યો. મને કહે તમે કોઈ શોધ કરો. સાયન્સમાં ગોલ્ડમેડલિસ્ટ સનદી અધિકારી છો.

મેં કહ્યું "સર, એક માણસે પૈડું શોધ્યું પછી બીજાએ નવા આકારનું પૈડું શોધવાનું ન હોય, એ પૈડું અટકતું હોય ત્યાં રસ્તો કરવાનો હોય. એ હું કરીશ. જો કોઈ ટ્રેક્ટર બદ્રીનાથના પગથિયાં ચડાવી શકતું હોય તો હું કોરોનાનો પહાડ ચડી શકીશ ને તેને તળેટીમાં ધરબી શકીશ."

"વાતો તો બહુ મોટી કરી. તમે એ કઈ રીતે કરશો?" તેમણે પૂછ્યું.

મેં કહ્યું કે એ માટે મારે તમારી અને જે તે જિલ્લાના કલેક્ટર પાસેથી અમુક માહિતી જોશે. થોડું તેમને સમજાવી થોડું સમજી હું એ ઓફિસની કેન્ટીનમાં ગયો. ત્યાં જ ચા પીને ઉપર તરત જ જમવા જેવો નાસ્તો કરી રવાના થયો એ ચાર્જની ઓફિસે. ત્યારે અંધારાં ઉતરી ચૂક્યાં હતાં.

મેં તરત અધિકારીઓને બોલાવી કહ્યું કે આપણી સામેનો પ્રોબ્લેમ જરૂર મોટો છે. પુરી સિસ્ટીમ બેકાબુ છે. એક સાથે કાંઈ ન થાય પણ હું તો કોમ્પ્યુટર પ્રોગ્રામર. મોટું પ્રૉબ્લેમ નાનાં પ્રોબ્લેમ્સમાં વહેંચી દરેકને અલગ સોલ્વ કરું. આપણે આખા રાજ્યની સ્થિતિને જિલ્લાના ટુકડાઓમાં વહેંચીએ. જિલ્લાને તાલુકામાં..

કોઈ અધિકારી બોલ્યા- "તો તાલુકાને ગામડાંઓમાં અને ગામડાઓને ઘરોમાં વહેંચવાનાં છે?"

મેં ગુસ્સે થયા વગર કહ્યું કે તમે વચ્ચે ગામડાઓની શેરીઓ ભૂલ્યા. સારું સુઝાડયું. પહેલાં તાલુકો આપણા એટેક માટે બેઇઝ છે. પછી એમાં ક્યાં ગામમાં શું છે તે જોઈને પછી એ તમે કહ્યું તે યુનિટ. તમે અમુક ઘર, એકાદ હજાર, જશો ને? હું પણ જઈશ.

મેં જે તાલુકામાં છેલ્લા ચાર દિવસમાં કેસ વધેલા તે એક બાજુ તારવ્યા. તેમાંથી અગાઉના વીકમાં સાજા કેટલા થયા તે આ વીકના ગણી એ તાલુકા બાજુએ રાખ્યા. છેલ્લે પાંચ તાલુકા અને ત્રણ મુખ્ય શહેર રહ્યાં. એ પાંચમા જે ગામમાં ગ્રાફ ઊંચો હતો ત્યાં જવા આજે જ રવાના થવા ટુકડીઓ પાડી. પોલીસ કમિશ્નરને આજની રાત શહેરમાં લોકડાઉન ભંગ વધુ થતો હોય ત્યાં ઘેરો રાખવા કહ્યું.

નીકળતાં પત્નીને ફોન કરી દીધો કે હું આખી રાત મુસાફરીમાં હોઈશ અને હવે ક્યારે ઘેર આવું એ નક્કી નથી. સમય મળ્યે વાત કરી લઈશ.

મારી 24મી લગ્નતિથીને દિવસે હું પેલાં ગામોમાં ઘેરઘેર કોરોનાનાં લક્ષણો વાળાઓ વચ્ચે ફરતો હતો અને કોરોના અહીં વધુ હોવાનાં કારણો શોધતો હતો. અમુક લોકો ખેતરોમાં મજૂરોને નજીકનજીક રાખી કામ કરાવતા હતા, પાનબીડીની અને એ જ્યાં ત્યાં થુકવાની છૂટ હતી ને લોકો શાક, અનાજ વેંચવા ટેમ્પાઓમાં ઠુંસાઈને શહેરમાં જતા હતા. કોરોના લાગે તો નજીક ડોક્ટર ક્યાં હતા જ! શરદી તાવ ગણી ઉકાળા પીધા કરે. એ તો ન થાય એ માટે હોય. થાય એટલે દાખલ થવું પડે, બીજાથી દૂર રહેવું પડે. અહીં કોઈ એ કરતું ન હોઈ ચેપ ફેલાતો ગયેલો.

મેં એ ગામોને સવાર પડતાંજ તાત્કાલિક સેનિટાઈઝ કરાવ્યાં. હું એક ગામમાં જાતે માથે ઉભો. જેનેજેને તાવ કે શ્વાસની તકલીફ હતી તેમને ઉપાડીને વાનમાં શહેર ખસેડયા. ગામમાં રાડ મચી ગઇ, લોકો જીપની આડે ફર્યા પણ અમે અમારું કામ કર્યું. ચાર જ દિવસમાં નવા કેઇસ અર્ધા થયા. એ પણ પેલા સંક્રમિતોના સંપર્કમાં રહેલા. બીજું કહેતા પહેલાં કહું, એ પાંચમાંથી ચાર ગામ નવા કેઇસ વગરનાં થઈ ગયેલાં. દસ દિવસમાં જ.

એક શહેરમાં તો નાકાબંધી કરેલી. તો પણ કેઇસ ઘટવાનું નામ નહોતા લેતા. મેં એના પ્રભારી સાથે વાત કરી. એમનાં એક્શન ફુલપ્રુફ હતાં. ઠીક, આ પ્રોગ્રામ બગ છે. આખી સ્ક્રિપ્ટ રી રન કરી બગ ફિક્સ કરવો પડે. મેં હાઇવે ટોલબુથનો ડેટા લીધો. માત્ર જરૂરી વાહનો. શહેરમાં શાક, દૂધ આવવાના રસ્તાઓ પર પણ બરાબર લોકડાઉન. તો ક્યાં ખામી હતી?

જે રસ્તાઓ શહેરમાં જતા હતા એની ઉપર ચોથા દિવસે જ જાહેર કર્યા વગર નાકાબંધી કરી. એસેન્સિઅલ ચીજોનાં વાહનો પણ નહીં. તો પણ દૂધ ને શાક તો આવ્યું. બઝારમાં ટેમ્પાઓ પણ દેખાયા. ક્યાંથી આવ્યા? અમે એ રાત્રે જોયું તો છક્ક થઈ ગયા. રસ્તાનાં નાનાં ગામોમાંથી કેડી જેવા કાચા રસ્તે બધા ઘૂસતા હતા. તેમને પકડી ટેસ્ટ કર્યા- મોટા ભાગના પોઝિટિવ. તે જેમને આપતા હતા તેઓ અને તેમની પાસેથી લેનારા પણ. એ બધાને સીધા હોસ્પિટલમાં મોકલ્યા જ્યાં જગ્યા ફૂલ થઈ ગઈ એટલે તાત્કાલિક જેમને માઈલ્ડ લક્ષણો હતાં તેમને આઇસોલેશન વૉર્ડ બનાવી ખસેડયા. એ કેડીઓથી માંડી હાઇવે સિવાયના બધા જ રસ્તાઓ સીલ કરી દીધા. બગ દૂર! એમાં પોલીસ કે સરકારી વાહનનું ખોટું લેબલ મારી એ રસ્તે બીજા રાજ્યમાં કે પોતાને ગામડે જતા લોકો સાગમટે પકડાયા.

એ ગામડામાં તો કેઇસ ઘટયા જ, શહેરના એ વિસ્તારમાં પણ.

ટીપેટીપે સરોવર ભરાય. એક એક કરતાં તેઓ સાજા થયા અને નવા કેઇસ થવા ન દીધા. પંદર જ દિવસમાં કેઇસ વધતા અટકી ગયા. બીજા પંદર દિવસમાં ખૂબ ઘટી જશે. એની અસર તાલુકા ઉપર ને એની આખાં રાજ્ય પર થઈ. છાપાં નીકળતાં ન હતાં પણ ચેનલોએ નોંધ લીધી.


તરત બીજું સળગતું પ્રોબ્લેમ હતું પુરવઠાનું. એને માટે લોકોની જરૂરિયાત સામાન્ય રીતે કેટલી હોય તે એસેસ કરી રાત્રે અગિયાર વાગે ગ્રેઇન મર્ચન્ટ અને અમુક દવાવાળાઓને બોલાવ્યા. જરૂરી જથ્થો ક્યાં કેટલો જોઈએ તેના આંકડાઓ આવતા ગયા એમ હું આ વ્યસ્તતા વચ્ચે મેં તાત્કાલિક બનાવેલ પ્રોગ્રામમાં ભરતો અને ચેક કરાવતો ગયો. કુલ દરેક વિસ્તારનો જથ્થો ક્યાં ખૂટે છે તે કહી કદાચ ક્યાંક સરપ્લસ હોય તે ખૂટે છે ત્યાં વાળ્યો.

મેં પેલા રાજકારણીને પૈડાંનો દાખલો આપેલો જ. એમ એક કેરાલાનાં કાસરગોડ જિલ્લાનું મોડેલ અપનાવ્યું. જ્યાં વધુ કેઇસ હોય તે શેરી આખી ક્વોરંટાઇન કરી. તેમાં જેની જેટલી જરૂરિયાત હોય તે અમુક નંબરે વોટ્સએપ કરે, ત્યાં એ શેરીના એક પ્રતિનિધિ ડિલિવરી લઈ લે અને સાથે પુરવઠા ખાતાની એક વ્યક્તિ જાય એટલે ક્યાંય ઓવરસ્ટોકિંગ ન થાય. પુરવઠો મળતો નથી એવી વિરોધ પક્ષોએ ચગાવેલી બુમો શમી ગઈ.

અમુક નામચીન લઘુમતી (સરકારમાં નામ બોલવાની મનાઈ હોય.) વિસ્તારો કોઈને ગાંઠતા નહોતા. ધરાર બહારથી આવતા ફેરિયાઓને પોષતા, શેરી આડે લોકડાઉનની બેરીકેડો મૂકી હોય તો નીચા વળી નીકળી જતા, મકાનની પાઇપો પરથી ઉતરીને એરીયા બહાર જતા. ત્યાં તો ઘણાને (ચોક્કસ આંકડો કોઈ લેવા દે તો ને!) કોરોના લક્ષણ સાથે કે વગર થયેલો. તેઓ બીજા કહેવાતા નોન લઘુમતી પણ વસ્તીમાં હવે લઘુમતીઓને જાણીજોઈ કોરોના થાય તેમ કરતા એવી ફરિયાદ મળી.

પોલીસ તો ઘણીખરી કોરોના લોકડાઉનનું પાલન કરાવવામાં જ લાગેલી. મેં મોડીરાત્રે એ વિસ્તારમાં જઈ બહાર સુતેલાઓ સાથે ચૂપચાપ સવારે લઈ જવાની લારીઓ ગોઠવી પડેલાઓને પકડી અવાજ વગર વાનમાં લેવા માંડ્યા. રાત્રે જ ઘમસાણ મચી ગયું. લાકડી, પથ્થરો ઉડયાં. ઝાઝો ફોર્સ ન હોઈ જેટલા પકડ્યા તેનાથી સંતોષ માન્યો અને માઇક પર ચેતવણી આપી ત્યાં એમના માઇકોમાં મારો અને પોલીસનો અવાજ દબાવવા સમયથી વહેલા ધાર્મિક અવાજો પુરા વોલ્યુમથી વહેતા કરી દીધા.

હું બે રાતથી સૂતો ન હતો. આખરે ઓફિસમાં ટેબલ પર લંબાવ્યું ત્યાં પૂર્વાકાશ લાલ થઈ ચુકેલું.

સવારે અગિયાર આસપાસ પૂરતી કુમક લઈ રીતસર રેડ પાડી. દુકાનો ખુલ્લી અને કોઈને કોઈ રીતે લોકો બહાર નીકળવાની કોશીશમાં. અમે હાલ પૂરતા એમને પડતા મૂકી એ વિસ્તારમાં અને બાજુનામાં ઘેરઘેર આરોગ્ય વિભાગની ટીમ મોકલી સેમ્પલ લેવા માંડ્યાં. 'આ અધિકારી મનસ્વી છે, આપખુદ છે' મારે માટે નારા લાગ્યા અને ચેનલોમાં પટ્ટી મુકાઈ. ખાસ તો એક તરફના લોકોએ મને લઘુમતી તરફી, આવતી ચૂંટણીમાં લોકનેતા બનવું છે કહી લોકડાઉનમાં પણ મારી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા ને ઘેરો ઘાલવા કોશિશ કરી તો બીજે હું લઘુમતી વિરોધી છું, ભાજપનો માણસ છું કહી પથ્થરબાજી થઈ. કારણ એટલું જ કે ત્યાં ઘણાખરાને લક્ષણો હતાં પણ હોસ્પિટલ કે આઇસોલેશન સેન્ટર એટલે જેલ એવું તેઓ માનતા હતા. પથ્થરબાજી સાથે બાટલીઓ પણ ફેંકાઈ. મારી આડે આઇપીએસ મેડમ નેતરની જાળી લઈ ઊભાં રહ્યાં. તેમનો મારી આગળ મને અડકીને ઉભેલો ફોટો વાયરલ કરવામાં આવ્યો. પત્નીએ એ જોયો અને મને ફોન લગાવ્યો જ્યારે હું એ બધું શાંત કરાવવામાં હોઈ ઉપાડ્યો નહીં.

એમાં પણ લોકોને પકડી, આઇસોલેશનમાં મોકલી અમે પરત ફરવા ગયાં ત્યાં કોઈએ અણીદાર કાચની ચીજ અમારી પર ફેંકી જે મારી આગળ રહેલાં પોલીસ અધિકારી મેડમને વાગીને લોહી દદડવા લાગ્યું. મેં તત્કાલિક મારો રૂમાલ ત્યાં સળગાવેલું તેમાં અડાડી, જાણે કે બોળી એ મેડમના ઘા પર લગાવ્યો. મારો તેને પાટો બાંધતો વીડિયો તો જબ્બર વાયરલ થયો. મારે એ મેડમને આરોગ્ય ટીમને ભેળવી તરત પત્નીને ખુલાસો કરવો પડ્યો કે તારો સુહાગ આ પોલીસ મેડમે બચાવ્યો છે. પોલીસને જાતિ કે નાતજાત ન હોય. થોડું શંકાથી વાત કરી તે સમજી ગઈ. શિક્ષિત અને સનદી અધિકારીનું પડખું સેવેલું. કહે છે એ મેડમને એના પતિને સમજાવતાં નાકે દમ આવી ગયેલો. તેનાં સંતાનો પણ પહેલાં નારાજ હતાં પણ પછી 'તારો ઓફિશિયલ લવર, બોયફ્રેન્ડ અંકલ છે?', ' મમ્મી ભાગી ન જતી હોં' એમ મઝાક કરવા લાગેલાં. જ્યારે સ્થિતિ જાણી કે તેમની મા કેવાં સમરાંગણમાં લડેલી, તેઓને મા પર ગર્વ થયેલો.

હોસ્પિટલો એક તબક્કે આવા પકડીને સુવાડી દીધેલા તેમ જ સંક્રમિત થયેલાઓથી એટલી ઉભરાઈ ગઈ કે ક્યાંય નવા દર્દીને જગ્યા ન મળે. અમુક હોટલોએ ક્વોરંટાઈનનાં આઇસોલેશન માટે પોતાની રૂમો ઓફર કરી, અમુક મારાં સુચનથી કલેક્ટરે લીધી. એ હોટલોમાં શું સગવડો ને ચોખ્ખાઈ છે તે હું જોવા ગયો. મેં પણ મારી આટલી જિંદગીમાં ન જોઈ હોય તેવી ભવ્ય રૂમો હતી. એકાદ દિવસ હું એવી હોટેલમાં જ ઉપરને માળ સૂતો. થવા કાળ તે પેલાં આઇપીએસ અધિકારીએ મારી સાથે રૂમ શેર કરવાનો આવ્યો. અમે રાત્રે બે વાગે સુવા ભેગાં થયાં પણ ત્યારે પણ અમે અમારા સ્પાઉઝને જગાડી જાણ કરી દીધી. બે સેપરેટ બેડ વચ્ચે અંતર છે તે પણ બતાવ્યું અને આડાં પડ્યાં, માત્ર સવારે છ સુધી. ઊંઘવાનું નસીબમાં ક્યાંથી હોય? એ મેડમ તો આગલી રાતે એક સેન્ડવિચ ખાધા સિવાય ભૂખ્યાં પણ હતાં. 24 કલાકની ભૂખ પોલીસ માટે સામાન્ય કહેવાય, તેમણે કહ્યું.

હું પણ દાઢી કર્યા વગરનો, ઉજાગરાથી લાલ આંખોવાળો થઈ ગયેલો. એક દિવસ તો મને તાવ ચડ્યો પણ સદ્ભાગ્યે તે થાકનો તાવ હતો. દવા લઈ ચાલુ તાવે હું શહેરના કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં ફરી લોકોની તપાસ કરતો હતો, સાજાને અલગ અને કોરોનાગ્રસ્તને ક્યારેક તો ટીંગાટોળી કરી એમ્બ્યુલન્સમાં લેવરાવતો હતો.

હોટેલમાં તો આઇસોલેશન વાળા હોય. સંક્રમિતો માટે સારી હોટલોમાં જ ચાર જ દિવસમાં કુલ હજાર બેડ સેટઅપ કરી ત્યાં ડોક્ટરોની ટીમ પણ મૂકી. સાધનો પણ મુકાવ્યાં.

ડોક્ટરો અંગ્રેજી મિશ્રિત ભાષા જ બોલતા અને પોલીસો ગાળ મિશ્રિત 'ધારદાર' ભાષા જ બોલતા. એમાં પેલાં મેડમ પણ આવી જાય. એક સિનિયર ડોક્ટરે કહ્યું "ધોઝ વિથ પ્રાયમરી સિમ્પટમ્સ બી હોમ ક્વોરનટાઈન્ડ. વે ડુ નોટ હેવ સ્પેસ ફોર ઓલ."

કેદી પેરોલ પર પોલીસ સ્ટેશને જાય, અહીં તો અમારા વર્કર્સ સામેથી પેશન્ટને ઘેર રોજ જાય ને તપાસ કરે. પણ એ કીમિયો કામયાબ રહ્યો.

એમાં વળી માઇગ્રન્ટ વર્કર્સ. તેમને કલેકટરના માણસો જ્યારે તેઓ કહે ત્યારે જવા ન દે, પોલીસ અટકાવે અને બધા આવે ચેક કરાવવા કે સારવાર માટે અમારી પાસે. કાંઈ ને કાંઈ લક્ષણ નીકળે એટલે 'સુવાડી જ દો'. એમાં હું અતિ આપખુદ, 'ક્રૂર રાક્ષસ' કહેવાઈ ગયો. હિતેચ્છુ ચેનલવાળાઓ દ્વારા મારી વિરુદ્ધ દેખાવો પણ થયા. હવે હું 'એસી કેબિનમાં બેસતો શ્રમિક વિરોધી' થઈ ગયો. શ્રમજીવીઓની વ્યથા મને ક્યાંથી ખબર હોય! ભલા, ખબર હતી એટલે તો ટેસ્ટ કરાવી સાજાને જવા દીધા, બાકીનાને રોક્યા. નહીંતો અહીંનો ચેપ ત્યાં જાય. જે કહેવું હોય તે કહો.

હવે પત્નીને તો આ બધું જોઈ મઝા આવવા લાગી. કહે તમે હ્યુમરસ નાટક કે ફિલ્મમાં લઈ ગયા હોત તો પણ આવી મઝા ન આવત. તેને સતત મારી ચિંતા રહેતી.


મને મારી ટીમે સૂચવ્યું કે અમુક વિસ્તાર અને ત્યાંથી પસાર થતા બધા રસ્તા, ત્યાંનાં બધાં મકાનોને રેડ ઝોન ગણી સીલ જ મારી દો. મેં કહ્યું મોંઘી હાફૂસ કેરીમાં એક ડાઘ દેખાય તો એ ડાઘને કાપીને ફેંકી દઈએ છીએ કે કેરી તો ઠીક, આખો ટોપલો? જ્યાં કેઇસ વધે છે ત્યાં કલેકટરશ્રીને કહી માઈક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરો પણ બધે પાડાને વાંકે પખાલીને ડામ ન દેવો જોઈએ.

તેઓ સમજ્યા અને એટલે એ વસ્તીઓ વાળા સમજ્યા અને કેઇસો ઘટયા એટલે એ રાજકારણી સાહેબ સમજ્યા.

આખરે એમાંના કેટલાકે આશીર્વાદ પણ આપ્યા હશે, મારા ઘણા સાથીઓને કોરોના માઈલ્ડ કે સીવીયર થઈ ગયેલો જ્યારે હું હેમખેમ બહાર નીકળ્યો. ત્રણ મહિનાને અંતે મને ફરી એ 'સાહેબે' બોલાવ્યો, આજે તો મારો આભાર માન્યો. કાસરગોડ કે ધારાવી નહીં, મારૂં આગવું મોડેલ કોરોના સામે ફાઈટ માટે મેં વિકસાવ્યું તેમ કહ્યું. એવું કશું જ મોડેલ નહોતું. હું તો કોમ્પ્યુટર સાથે કુસ્તી કરનારો. પ્રોગ્રામની એક એક.લાઈન જોઈને જ કંપાઈલ કરનારો ને રનટાઈમ એરર આવવા જેવું લાગે કે તરત એબોર્ટ કરી રી રાઈટ કરનારો. નાના પ્રોગ્રામથી ક્લસ્ટર ને એવાં કલસ્ટર્સ થી આખું પેકેજ રન થાય ને જરૂર મુજબ એનાં પણ વર્ઝન નીકળ્યા કરે. એન્ડ રિઝલ્ટ ધ્યાનમાં લઈ શરૂ કરનારો. એટલે જ જિલ્લાઓને તાલુકા, તેને ગામ અને પ્રોબ્લેમ્સને ટુકડા કરી સોલ્વ કરનારો.

જ્ઞાન સાદ્ય કોમનસેન્સ બધે કામ આવે.


ત્યાં આવ્યું સીબીએસઇનું રિઝલ્ટ. મારા પુત્રને 92 ટકા આવ્યા. એ પણ તેણે મેં ત્રીજી વખત કોલ ન ઉપાડતાં વોટ્સએપ મેસેજ કર્યો જે મેં છેક રાત્રે બાર પછી જોયો. મેં કોંગ્રેચ્યુલેશન આપતાં પૂછ્યું કે તેને કઈ લાઈન લેવી છે? તેણે વિના વિલંબે જવાબ આપ્યો કે એન્જીનિયરિંગની કોઈ પણ લાઈન, પણ આખરે મારી જેમ સનદી અધિકારી. મેં કહ્યું કે મારા હમણાંના દિવસો જોયા ને! બહુ ટફ જિંદગી છે. તો તે કહે 'આઈ એમ પ્રાઉડ ઓફ માય રફ એન્ડ ટફ ડેડ. આઈ વિલ સ્ટેપ ઇન ટુ યોર શૂઝ.'

મારૂં બાપ તરીકે અને સનદી અધિકારી તરીકે જીવન સાર્થક લાગ્યું.

ફરી હું મારાં કોમ્પ્યુટર સેન્ટરમાં ગયો અને ડોકી ઢાળી કામમાં એકધ્યાન થઈ ગયો. પત્નીનો ફોન આવ્યો કે આજે તો ઘેર અવશો ને? મેં હા કહીને જે કામ શરૂ કર્યું.. વહેલી પડે મોડી રાત.

-સુનીલ અંજારીયા