કોરોના કથાઓ - 5 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોરોના કથાઓ - 5

કોરોનાએ કરાવ્યું
  સાવ સુમસામ સવાર. સવાર એટલે ઉગતો રવિ અને ફુલગુલાબી  લાલ આકાશમાં ઉડતાં પંખીઓ હોય એવી નહીં, સાડાનવ વાગ્યાની સોનેરી સવાર.  એપ્રિલની શરૂઆત. કલાકમાં તો કોઈ રાક્ષસી દીવાસળી પ્રગટીહોય એવો પીળો અને ધગધગતો દિવસ થઈ જશે.
  કોરોનાને કારણે લોકડાઉન હતું. બિનજરૂરી આવજા પર નિયંત્રણ હતું. દર ચાર રસ્તે પીળા કાળા પટ્ટાવાળી રેલિંગ અને વચ્ચેથી એક જ સ્કૂટર જઈ શકે એટલી જગ્યા. કાર હોય તો પોલીસ બેરીકેડ ખસેડે.
  મારે રખડવું નહોતું પણ થોડે દુર માસીને ઘેર ત્યાં એક દવા મળતી ન હતી જે મારા ઘર પાસે મળી એ લઈને હું આપવા જતો હતો.  બરાબર ભર લોકડાઉને  બાઇકમાં પેટ્રોલ પણ ઓછું હતું. બાકી સવારે સાડા આઠે કંપનીની બસમાં જઈ રાત્રે સાડાઆઠે ઉતરું ત્યાં મને 'આ લોકડાઉન હોલીડે લાગ્યો મને વહાલો, કહી દો કંપનીને કે ખોલે નહીં તાળો' ગાવાનું મન થતું હતું. હજી વર્ક ફ્રોમ હોમની સૂચના મળી ન હતી અને મારું કામ ઘેર બેસી થાય તેવું ન હતું.
  કોઈએ કહ્યું કે આગળ પોલીસ પકડે છે. પાછા વળો. એક આંટી વટથી આગળ ગયાં. તેમનાં એક્ટિવા ઉપર કાંદાબટેટાં અને શાકનો થેલો પગ પાસે ફાટફાટ થતો ભરાવેલો. આંટીની પીઠ પણ ગાંસડી બાંધી હોય એવી  દેખાતી હતી. મને વિચાર આવ્યો એ તરત જ અમલમાં મૂકી મેં થોડા પાછળ જઈ એક બંધ થઈ રહેલા ગલ્લા પરથી પાંચસો બટાકા લીધા, આગળ હુકમાં લટકાવ્યા અને હું ચાર રસ્તાની ઘણે નજીક પહોંચી ગયો. બેરીકેડ જોઈ મેં બાઇક ધીમી પાડી.
  એક છોકરી એનાં એક્ટિવાને કીક ઉપર કીક માર્યે જતી હતી. થોડીથોડી વારે  બેટરીની સ્વિચ દબાવી ઢુર ઢુર અવાજ કર્યે જતી હતી. તે થોડી ઝુકેલી તો હોય જ ને! તેની આકારબદ્ધ પાતળી પીઠ પરસેવાથી ભીની થઇ ચુકેલી. પાછળ એક સરખા કાપેલા વાળ ઝુલીને તેની પીઠ પર અસ્તવ્યસ્ત પથરાયેલા હતા. જસ્ટ લોકડાઉન બેસતા પહેલાં જ કપાવ્યા હશે.
દેખીતી જુવાન છોકરી, મુશ્કેલીમાં અને પાસેથી પસાર થતો હું જુવાન છોકરો! 
ઉભવું ન હોય તો પણ પગ ખોડાઈ જાય.
મેં સ્ત્રી દાક્ષીણ્ય દાખવી (!) બાઇક ઉભી રાખી. 
  તે  હાંફતી હતી. પાતળો દેહ, પરસેવે નીતરતો. સુંદરતાથી છલકતો. જાણે મીણની પૂતળી ઓગળી રહી હોય એવું લાગ્યું. વધુ વર્ણન જરૂરી નથી. હું મનોમન  વગર પરસેવે પલળી ગયો 
  તેણે મોંએ દુપટ્ટો વીંટેલો અને તેની નીચે પાછો માસ્ક. 'યે પરદા હટા દો જરા મુખડા દિખા દો' કહી શકાય એમ ન હતું.
'કેવી હશે ને કેવી નહીં'.. વાળી મને એક લોકગીતની પંક્તિ યાદ આવી.
મેં જેમ આવા સંજોગોમાં કોઈ પણ  યુવાન કરે તેમ  એનાં એક્ટિવાને સ્ટેન્ડ પર ચડાવી કીક મારી. બેટરી તો બરાબર હતી. મેં ડેકીનું ઢાંકણું ઊંચું કરી પેટ્રોલ જોયું. એ પણ બરાબર હતું.એક સુંદર નજરનો નઝારો લેવા, મેં પેટ્રોલની ટાંકીમાં ફૂંક મારી. એર આવી ગઈ હોય તો.
ન થયું. મારાથી પણ સ્ટાર્ટ ન થયું. હું મિકેનિક થોડો છું?
  મેં તે યુવતીને 'સોરી, મારાથી પણ ચાલુ ન થયું. વ્હોટ કેન આઈ હેલ્પ યુ?' પૂછ્યું.
અંતરની લાગણીઓને કોઈ ભાષા નથી હોતી પણ કોઈને ઈમ્પ્રેસ કરવા અંતરમન ઇચ્છતું હોય તો તે આપોઆપ અંગ્રેજી જ બોલી ઉઠે છે.
  હવે મારી સામે દુપટ્ટામાંથી બે અણિયાળી કથ્થાઈ આંખો ડોકાઈ. બદામ જેવી જ. કપાળની બરાબર વચ્ચે નાનું ટપકું કરેલું. લખાણનો પૂર્ણવિરામ જોઈલો. ગોરા ભાલના બેકગ્રાઉન્ડમાં એ કાળું ટપકું જ  મારી નજર લગાડવાનું નિમિત્ત બન્યું.
હવે અમારી દ્રષ્ટિ મળી. સાઈડમાંથી ગોરાગોરા અને કુણાકુણા  ગાલ પણ થોડા દેખાયા.
  'એક્ટિવા તો ચાલ્યું નહીં. તમે એ બાજુ જતા હો તો મને  થોડે આગળ ઉતારી દેશો? લોકડાઉનમાં રીક્ષા પણ નહીં મળે.'
'અરે તને તો ભવ પાર ઉતારવા તૈયાર છે બંદા.' મેં મનોમન કહ્યું. અલબત્ત, જો આ પંજાબી નીચે મંગળસૂત્ર ન હોય તો. આજકાલ નવપરિણિત યુવતીઓ સિંદૂરનું ટપકું પણ કરતી નથી.
'માય પ્લેઝર. એક્ટિવાનું  શું કરશો?' મેં પૂછ્યું.
'દોરીને સાઈડમાં પેલી દુકાનના ઓટલે મૂકી દઉં. ઓફિસનો ટાઈમ થઈ જશે.' તે ટહુકી. અવાજ ખરેખર શરીર જેવી જ પાતળો ને સુમધુર હતો.
  આ તક જવા દેવાય? મેં જ એક્ટિવા દોરવા માંડ્યું. તે પાછળથી  હાથ રાખી ચાલી આવી. મેં દુકાનની ફૂટપાથે એક્ટિવા ચડાવ્યું. જોર તો પડે જ ને, કે પડ્યું એમ બતાવવું પડે ને? મેં ચડાવ્યું ત્યાં તેણે પાછળથી ધક્કો માર્યો. મેં સ્ટેન્ડ ચડાવ્યું તો હું પાછળ ખેંચાયો અને તેના આગળના  દેહ સાથે મારો વાંસો ચંપાયો. એક ક્ષણ ગોરા ગાલના ટુકડા શરમથી લાલચોળ થઈ ગયા. પીઝા પર લાલ મરચાં કે ટામેટાંનો ટુકડો દેખાય એમ. મેં એક બાઈટ મનોમન લઈ તેની મનમાં જ તીખાશ માણી લીધી.
  તે પાછળ બેઠી અને મેં બાઇક સ્ટાર્ટ કર્યું. પેલી ચોકી આવી. એક એવી જ પાતળી દેહ્યષ્ટિવાળી પણ ઊંચી પોલીસ કન્યા અમને આડો ડંડો ધરી ઉભી રહી.
  'ક્યાં જવું છે?' તેણીએ પૂછ્યું.
  'હું … બેંકમાં છું. … બ્રાન્ચમાં.' માસ્કમાંથી ટહુકો થયો.
  'તો આ ભાઈ આમ જૂનો ટીશર્ટ ને ચડ્ડો પહેરી તમારી સાથે ક્યાં જાય છે?' પોલીસ કન્યાએ મારી ઇજ્જત કાઢી નાખી. મેડમ, આના કરતાં હું પીઠ પર આ દંડો ખાઈ લેવાનું પસંદ કરત.
 'મુકવા. એનું એક્ટિવા બગડ્યું છે અને મારે એની ડ્યુટી કરવી પડે છે.' મેં જાણીજોઈ લાચારીભર્યું લાગે તેવું  સ્મિત કરતાં કહ્યું. મેં ધરાર પગ આઘો લઈ  બટાકાની કોથળી બતાવી.
  મારી હક્કપૂર્વક વાત કરવાની સ્ટાઇલથી એ જે સમજવાનું હોય એ સમજી. 
  'કોઈ રસ્તો શોધો. રોજ ઉઠી  તમને મુકવા આવે તો આમને પણ જોખમ થશે. અમે પણ રોજ ન ચલાવી શકીએ.' કહી પોલીસ કન્યાએ પ્રુફ માંગી. ઢંકાયેલી સુંદરતાએ આઈકાર્ડ બતાવ્યું અને અમે આગળ નીકળી ગયાં.
  મેં ચાલુ એક્ટિવએ તેને પૂછ્યું કે તે સાચે જ એ બ્રાન્ચમાં છે? મારો પ્રશ્ન સાંભળવા તેણે મારી નજીક આવવું પડ્યું. તેનો  સ્પર્શ હું  સ્પષ્ટપણે અનુભવી શક્યો. આગળ ઝુકતાં તેના હોઠ લગભગ મારા કાન સુધી આવી ગયા. મેં હેલ્મેટ પહેર્યો ન હતો. માસ્ક પાછળથી આવતો સુગંધી ઉછશ્વાસ મારા કાનને ગલીપચી કરી રહ્યા. તેણે હા પાડી. એ બ્રાન્ચ તો પુરા નવ કીમી દૂર હતી. એ બીજા કોઈને વિનવે અને લાભ આપે એ કરતાં હું શું ખોટો? 
  માનશો, માસીનું ઘર બે કીમી અને પાંચ મિનિટ થાય તે હું પુરી પચીસ મિનિટે તેની બ્રાન્ચે પહોંચ્યો. બીજી બે ચોકી પર પણ અમને રોકયાં. હવે તેણે આઈકાર્ડ પહેરી લીધેલું તે બતાવ્યું અને સાચે એક્ટિવા બગડયાનું અને સમયની અત્યંત કટોકટીનું કારણ આપ્યું.
  તેને  બેંકની બહાર  ઉતારી. મીઠુંમધ થેંક્યુ અને એથી મીઠી  સસ્મિત અમીદ્રષ્ટિનું પાન કરી હું પરત ફર્યો. વળતાં બે ચોકી પર હમણાં જ ગયેલો હોઈ ઓળખતા હતા, એક પર નજીક રહું છું ને આ દવા આપવી છે તે કહ્યું. સારું થયું પ્રિસ્ક્રીપશન  ન જોયું. એ વિસ્તારથી ક્યાંય દૂરના ડૉક્ટરનું હતું.
મારા અંતિમ પડાવ પાસે આવ્યો તો પોલીસ કન્યાએ દંડો બતાવ્યો પછી જવા દીધો. કહે 'એક્ટિવાનું શું કરશો?' 
  મેં કહ્યું 'મિકેનિક તો મળે નહીં. પછી દોરીને લઈ જઈશ. ઘરનું કામ છે.  થોડું ચાલશે'! 
મેં એટલા તો હક્કથી કહ્યું કે તે માની ગઈ કે એક્ટિવા મારું અને 'એ' પણ મારી હતી.
  મને વિચાર આવ્યો કે તે રિટર્ન કઈ રીતે થશે? બીઆરટીએસ, રીક્ષા બધું બંધ છે. મેં માસીને દવા બહારથી જ આપી. માસા બહારથી જ આભાર માનતાં કહે  ઝટ ઘેર પહોંચી જા.
  મેં તકનો લાભ લઇ ઘેર ફોન કર્યો કે માસીને દવા પહોંચી ગઈ છે, થોડી વાર ત્યાં બેસી, પેટ્રોલ ભરાવીને આવું છું.  ત્યાં લાઈન છે. બટેટા લીધાં છે. ત્યાં લાઈન હતી એટલે હવે કાંદા પણ લઈને આવીશ. મમ્મી કહે નથી લેવા કાંદા. તું જલ્દી ઘેર આવ. આપણે જોખમ નથી લેવું.
  હું થોડી વાર ઓનલાઈન પ્લેટફોર્મ પર કોઈ કૃતિ વાંચી ફરી એ રસ્તે ગયો. માય. પહેલી ચોકી પર પોલીસ કન્યાને બદલે ઊંચો મોટો કન્યો ઉભો હતો. મેં સમય વર્તી મારું બાઇક એ એક્ટિવા પાસે મુક્યું અને એક્ટિવા દોરતો ગયો. એ પોલીસે અત્યારે આમ એક્ટિવા દોરતા ક્યાં જવું છે એ પૂછ્યું. વળી મેં દવાનું પ્રિસ્ક્રીશન બતાવ્યું. તે થોડી શંકાથી  મને તાકીને જોઈ રહ્યો. હાશ! માન્યો. નહીંતો કોઈકનું એક્ટિવા જપ્ત થઈ જાત. 
  આગળ જઈ હું એક શેરીમાંથી ફરી બાઇક લઈ આવ્યો. આ વખતે મેં હેલ્મેટ ડેકીમાં હતો એ પહેરી લીધો અને આગલું ટીશર્ટ ઢંકાય એમ બાઇક લૂછવાનું કપડું વીંટયું. નવો રાહદારી ધારી ફરી મને રોક્યો. મેં પેટ્રોલ ભરાવ્યું તેનું બિલ બતાવ્યું અને આગળ નજીકમાં ઘર છે તેમ કહ્યું. તેણે મને જવા દીધો. બીજે ક્યાંય મને રોક્યો નહીં સિવાય કે  બેંકની ઘણે નજીક એક મોટાં સર્કલે. મારે કહેવું પડ્યું કે .. બેંકની .. બ્રાન્ચમાંથી મેનેજરનો ફોન છે, એક ચેક પાછો ફર્યો છે. 
  'આવામાં મેનેજરો બોલાવશે તો અમારા કર્યા પર પાણી ફેરવી નાખશે. મરશો ને બીજાને મારશો. ' તેણે સખત અણગમાથી કહ્યું પણ જવા દીધો. 
  આશરે સાડાબારે બેંક આવી પહોંચી. મને તેનું નામ ખબર ન હતી. હું બેંકમાં જાઉં તો શું કામ છે તે કહેવું પડે. બે હજાર ઉપાડવા ઉભેલાઓ પૈકી કેટલાક સાચે કોરોનાગ્રસ્ત છે કે થશે તેવા લાગ્યા. મેં બહાર બાઇક પર જ તપ કર્યું.
  પાર્વતીએ શિવજી માટે તપ કરેલું, અહીં શિવે તેની માની લીધેલ પાર્વતી માટે.
  આશરે અઢી વાગે તે બહાર નીકળી. હમણાં બેંકો વહેલી બંધ કરવાની હતી. મને જોઈ ખૂબ જ ખુશ થઈ ગઈ. એમાં પણ 'તેરે કારન મેરી સાજન'  પરાક્રમો કહ્યાં તો તે આભારવશ અને પ્રભાવિત થઈ ગઈ.
લગા તીર નિશાને પર!
  તેને બેસાડી એ જ રસ્તે અત્યારે તો બિલકુલ ટ્રાફિક ન હતો એટલે પંદરેક મિનિટમાં પેલી ચોકી આવી પહોંચી.        . પોલીસકન્યા તે વખતે બીજા કામે હશે. અત્યારે એ જ હતી. 'મારાવાળી' સામું મીઠું હસીને અમને જવા દીધાં.
  વળતાં અમે અરસપરસ નામ અને સરનામાં પૂછી લીધેલાં. એ નજીકની સોસાયટીમાં જ રહેતી હતી.
  અમે સાથે જઈ એક્ટિવા દોરી એને ઘેર મૂકી આવ્યાં. અત્યારે મને અંદર આવવા આગ્રહ ન થયો. હું ચાલતો જઈ મારી બાઇક લઈ આવ્યો.
  ફોન નંબરની આપ લે અને કાલે ફરી મુકવા જવાની 'તસ્દી' લેવાનો વાયદો,  સામેથી ખાલી આગ્રહ અને તૈયાર થઈ જવું. કયો મિકેનિક એક્ટિવા રીપેર કરવા નવરો હોય?
  તો રોજ લેવા મુકવાની ડ્યુટી શરૂ થઈ. એક વાર તો એક પોલીસ ખિજાયો પણ ખરો કે રોજ કિલો બટાકા કે કાંદા લઈ નીકળો છો તે અમને ભોટ સમજો છો? મેં પરિસ્થિતિ એમ સમજાવી કે 'ઘરમાંથી' એક્ટિવા બગડ્યું છે અને રોજ નોકરીએ જવું પડે એમ છે. મારે વર્ક ફ્રોમ હોમ (કયું વર્ક?) છે. આનાકાની પછી એ માની ગયો.
પોલીસ કન્યા તો રોજ તેને મીઠું સ્મિત આપતી. એકાદ વખત બે પતરાં વચ્ચેથી બાઇક કાઢતાં તેની પીઠ પર હળવો ધબ્બો પણ માર્યો.
  લોકડાઉન પાર્ટ 2. વહેલી સવારથી સાંજે સાત સુધી છૂટછાટ. ગમે તેમ કરી હું ઘરનું કામ કરી આપવા પોણો કિલોમીટર દૂર દૂધ લેવા બરાબર 6.35 ના નીકળતો. મિસકોલ કટ કરી તે પણ એ જ બુથ ઉપર.  'થોડાં ઓછાં' સોશિઅલ ડિસ્ટન્સ સાથે અડીને ઉભતાં. થોડું સાથે ચાલતાં.
  એણે એની મમ્મીને વાત કરી દીધી. લે, મારી મમ્મી સાથે તે કોઈ સ્વાધ્યાય મિલનમાં ભેગાં થતાં જ હતાં.
  મારી મમ્મીએ પહેલાં તો મેં  માસીને ઘેર જતાં આવો ગેરફાયદો ઉઠાવ્યો એ બદલ રિમાન્ડ પર લીધો. પપ્પા કહે એમ જવામાં મને કોરોના થઈ ગયો હોત તો! ખેર, રામ રાખે એને કોણ (કોરોનાનો બાપ પણ) ચાખે?
  લોકડાઉન 3. હવે તે એકલી  બેંક જતી હતી.  મિકેનિક ખુલતાં જ એક્ટિવા સરસ ચાલવા લાગેલું. એટલે જ, સાંજે સાત પહેલાં  શાક કરીયાણા મળતાં એ ચોક્કસ જગ્યાએ લઈને આવતી, હું મારું બાઇક લઈને.
  લોકડાઉન 4. કોઈએ બંધ બારસાખ અને ખુલ્લું ઘર બતાવ્યું.  એવું તો નહીં પણ પૂરતી તકેદારી સાથે જનજીવન ધબકતું થયું. 
  એ સાથે એક દિવસ મારું હૃદય પણ જોરથી ધબકતું થયું. વોટ્સએપ પર મેસેજ કે આમ તો સોશિઅલ ડિસ્ટન્સ છે, અમુક મેડિકલ સ્ટોર પાસે એક મંદિર છે ત્યાં એના મમ્મીપપ્પા ઊભાં છે. મારાં મમ્મી તેનાં મમ્મીને લઈ આવે અને પપ્પા પાછળ.
બંધ બારણે મિટિંગ થઈ. બીજી તો સહકુટુંબ કારમાં અને પછી એને ઘેર. સાંજે 5 વાગે જઈ સાત પહેલાં તો પાછાં હોં! મારા પપ્પા કાયદામાં ચુસ્ત રીતે માને. માનવું જ જોઈએ.
  અનલોક 1. ઘર પાસેનો મીઠાઈવાળો હજી ખુલ્યો જ હતો.  તેને ફોન પર મમ્મીએ આગલે દિવસે તાજો માવો લઈ રાખવા કહેલું. 
  મોબાઈલ પર રીંગ સેરીમની. અમારાં મોં માસ્કમાં ઢંકાએલાં હતાં પણ આંખો તો બોલે ને?
  બસ, પચાસ વ્યક્તિઓનું લિસ્ટ બને છે.
હા, બેરીકેડ ઉઠે એ પહેલાં એ પોલીસ કન્યાને 'પાર્વતી' આ શિવજી, તેના બાઇક રૂપી નંદીની વાત કરી આવેલી.
  પોલીસો પણ માનવી હોય છે. કહે છે તે પોલીસકન્યા તેને ભેટી અને બેસ્ટ લક સાથે હું 'આમ તો' હેન્ડસમ છું અને કેરિંગ તો છું જ તેમ  કહી મારાં વખાણ કર્યાં.
  પચાસ ગેસ્ટમાં તેનું પણ નામ છે. 
  લોકડાઉનમાં અમારું સજ્જડ લોક. આ જન્મમાં ખુલશે નહીં તેની અમે ખાતરી આપીએ છીએ.
  લોકો પૂછે છે, 'કોણે કરાવ્યું?' (સગપણ). કાકી, માસી, મેરેજ બ્યુરો કે..
મારો જવાબ છે- 'કોરોનાએ કરાવ્યું.'
-સુનીલ અંજારીયા