*વર્ચ્યુઅલ કલાસ*
સત્યઘટના...... મેહુલજોષીની કલમે.....
રજની આજે શાળામાંથી ઘરે આવી ત્યારથી ઉદાસ હતી, વિહાને પૂછ્યું 'કેમ ઉદાસ જણાય છે? સ્કૂલમાં કઈ થયું કે શું?' ના!'એવું કંઈ નથી' રજનીએ ઉત્તર વાળ્યો. વિહાનને ખુબજ ભૂખ લાગી હતી, આજે ઑફિસ પણ જવાનું નોહતું, એ વિચારતો હતો કે આજે બંને જોડે જમીશુ. પણ સ્ફુટી પાર્ક કરીને જેવી ઘરમાં આવી એવીજ વિહાનને ખબર પડી ગઈ કે આજે મૅડમનો મૂડ ઠીક નથી. ખાધુ ન ખાધુ કરીને રજની સીધી ઉપર એના રૂમમાં ગઈ.
વિહાન પણ પાછળ પાછળ ઉપર ગયો, એણે જોયું કે રજની સ્ટાફમાં બીજા બેન જોડે વાત કરતી હતી, 'આજે મારો મૂડ ઠીક નથી પ્લીઝ આજના લેકચર તમે જ લઈ લેજો, હું વોહટ્સએપ ગ્રુપમાં બાળકો ને મેસેજ કરી દવ છું આજે મારા વિષયની બુક્સ લઈને ના જોડાય.' 'કેમ શુ થયું? કેમ કલાસ નથી લેવા?' વિહાને પૂછ્યું અચાનક વિહાન ને આવેલો જોઈ રજની બબડવા લાગી, 'બુધિયાના બાપે ભેંસ વેચી દીધી, બિચારો! આપડે તો મારો પગાર આવે, તારો પગાર આવે, બિચારા બુધિયાના બાપ પાસે એક તો ભેંસ હતી અને એના ત્રણ છોકરા, આ લોકડાઉનમાં શું ખાતા હશે?' રજની ને સાંભળી વિહાને ફરી પૂછ્યું 'કોણ બુધીયો? અને કેમ ભેંસ વેચી કઈક ફોડ પાડ.'
રજની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા હતી, આ લોકડાઉન અને કૉરોના મહામારીને કારણે બાળકો ઘરે શીખે, શાળાએ બિલકુલ આવે નહીં. શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી ત્યારે માત્ર શિક્ષકોએ શાળામાં જવાનું, અને બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવાનું. રજની પણ રોટેશન મુજબ શાળામાં જાય અને ત્યાંથી એના મોબાઈલ થી ઓનલાઇન કલાસ શરૂ કરે, રોટેશન મુજબ ઘરે હોય તો ઘરેથી ઓનલાઇન કલાસ શરૂ કરે. એની શાળામાં બાળકો માટે વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવેલા એમાં ઑડીયો, વીડિયો, યુ ટ્યુબ લિંક વગેરે મોકલવામાં આવે, ઘરે શીખીએ પુસ્તિકા અને એકમ કસોટીની બુક પણ એ એના વર્ગના બાળકોને ઘરે ઘરે પોહચાડી આવી હતી.
'અરે વિહાન શુ ફોડ પાડુ? બીચારાએ ભેંસ વેચી દીધી, મને એવું થાય છે કે આવું તો કેટલાય વાલીઓએ કંઈક ને કંઈક વેચ્યું હશે? બધા વાલીઓની સ્થિતિ કઈ સરખી થોડી હોય? આજે અમારા વોહટ્સએપ ગ્રુપમાં એક વાર્તા આવી, જનરલી હું વાર્તા વાંચતીજ નથી પણ શિક્ષણ ના ગ્રુપમાં આવી અને પાછું ટાઇટલ હતું "અને ભેંસ વેચી દીધી...." એટલે વાંચ્યું, બિચારા એક વાલીએ એના બાળકનું શિક્ષણ ન બગડે એટલે ફોન લાવવા ભેંસ વેચી દીધી, બોલ!' 'અરે રજની એવું કંઈ ન હોય એતો સાહેબ વાર્તાઓ લખતા હશે એટલે આ પરિસ્થિતિ મુજબ વાર્તા ઘડી કાઢી હશે! તું ચિંતા ના કર.' વિહાને જવાબ વાળ્યો. 'અરે ચોખ્ખું લખ્યું છે સત્ય ઘટના એવું, અને માની લે કે આ વાર્તા જ હોય તોયે એક વાલીની આવી દશા? જે લોકો સધ્ધર છે એતો વ્યવસ્થા કરી શકે, પણ આવા ગરીબ બાળકો ના વાલીઓ!? બિચારા! સુ એમના બાળકોને વર્ચ્યુલ ક્લાસમાં જોડાવાનો અધિકાર નથી? મને એવું થાય કે બિચારા આવા કેટલાય વાલીઓ હશે?'
'તારી વાત સાચી છે રજની પણ આપણે શું કરી શકીએ? સરકારે કંઈક કરવું જોઈએ, આ કૉલેજના વિદ્યાર્થીઓને એક હજાર રૂપિયામાં ટેબલેટ સરકાર આપે છે, મોટાભાગના કૉલેજના વિદ્યાર્થીઓ એવા હોય છે કે એમની પાસે મોબાઈલ હોય જ, અથવા એમના ફેમિલીમાં પણ હોય, સરકાર આવા બાળકોને એક હજારમાં ટેબલેટ આપતી હોત તો આજે કેટલા કામ આવતા હોત, ખરૂ ને?' વિહાન બોલ્યો.
'સરકારી કર્મચારી હોવાને કારણે હું સરકારને આવી શિખામણ આપવા ન જઈ શકુ, પણ તારી વાત સાથે સહમત ખરી.' ખાસી વાર સુધી પતિપત્ની વચ્ચે સંવાદ ચાલ્યો. વળી પાછી સાંજની રસોઈ કરવા રજની રસોડે વળી, સાંજનું જમવાનું પૂરું કરી વિહાન સાથે બજારમાં ગઈ, લોકડાઉન પછી ઘણા દિવસે તે બજારમાં ગઈ હતી, વિહાને કહ્યું 'બોલ શુ જોઈએ છે?' 'પેલુ ઑપો નું બોર્ડ માર્યું છે ત્યાં મોબાઈલની દુકાને લઇલે.' રજનીએ કહ્યું.
'કેમ? તારે મોબાઈલ લેવો છે?' વિહાને પૂછ્યું એટલે રજનીએ કહ્યું 'હા મોબાઈલ લઈએ નવો.'
'તું પણ ખરી છે યાર! આ તારા વન પ્લસ ને છ મહિના તો થયા છે.'
'તો યે'
'ઠીક છે ચાલ!'
બંને મોબાઈલ શૉપમાં ગયા, જુદા જુદા મોડલ જોયા સસ્તામાં સસ્તુ 2 જીબી રૅમ 16 જીબી રૉમ વાળું ચાર હજાર પાંચસો વાળો ફોન રજનીએ પસંદ કર્યો.
'કેમ આવો ફોન? સારો લે ને વધુ મૅમરી વાળો'
'જો વિહાન! મારા ક્લાસમાં ઓગણીસમાંથી સત્તર બાળકો દરરોજ વર્ચ્યુઅલ ક્લાસમાં જોડાય છે, બે બાળકો બિચારા ઘણા ગરીબ છે, હવે એમના પપ્પા કંઈક વેચે એ પેહલા હું આ બે માંથી એક છે કે જેનું નામ વિજય છે, એ ઘણો હોશિયાર છે, એને જેટલું માર્ગદર્શન આપીએ એ બધું કરી નાખે છે. પણ એની પરિસ્થિતિ ઘણી ખરાબ છે, બિચારાનું ફૅમિલી આર્થિક રીતે ઘણું નબળું છે, એટલે હું એને આ ફોન આપી કાલથી ક્લાસમાં જોડીશ, અને બીજો કેશવ છે એની પરિસ્થિતિ પણ ખરાબ જ છે, પણ એ પહેલેથી જ થોડો મંદ બુદ્ધિ છે, એટલે આર ટી ઇ મુજબ પાસ થતો આવે છે, બાકી હજી દસ એકડા પણ આવડતા નથી, એટલે એને ચાલશે. પણ વિજય ક્લાસમાં જોડાય પછીજ હું કલાસ લઈશ.'
પત્ની પર ગર્વ કરતા વિહાને વિના સંકોચે કોઈપણ દલીલ કર્યા વિના ચાર હજાર પાંચસો રૂપિયા નું બિલ પે કરવા કાર્ડ આપ્યું. દુકાન વાળો રસિક પણ આ બંને નો સંવાદ સાંભળતો અને આ દંપતી ને પર્સનલી ઓળખતો એણે બસો રૂપિયા ઓછા લીધા અને ફૉન પૅક કરી દીધો. બંને ઘરે આવ્યા પછી રજનીએ શાંતિથી ઊંઘ લીધી.
બીજા જ દિવસે શાળાએ ગઈ એટલે આચર્યશ્રી એ કહ્યું 'રજનીબેન તમારો વારો નથી તોયે? આજે એક્સ્ટ્રા કલાસ લેવો છે કે સુ?'
'ના!સર આપણે વાલી સંપર્કમાં જવાનું છે, તમે આવશો?.' થોડીવાર પછી બંને વિજયના ઘરે જવા નીકળ્યા, વિજય ના ઘરે પોહચતા જ વિજય ને થયું કે 'બધા મોબાઈલ વાળા તાસ માં જોડાય અને વોટ્સએપ થી લેશન મોકલે છે, જ્યારે મારૂ લેશન તપાસવા સાહેબ અને બેન ઘરે આવ્યા લાગે છે.'
'આવો આવો માસ્તર સાહેબ, બેસો, એ વિજય આ બેન હારુ ખુરશી લઇ આય, અને આ ખાટલા પર ગોદડું નાખ, સાહેબ બેસે'. વિજયના બાપ નારણે વિજયને આદેશ કર્યો.
'અરે ના!ચાલશે રહેવા દ્યો, આ બેન જરા લેશન જોઇલે એટલે અમે જઈએ, વિજય બેટા લેશન ની નોટ લઈ આવ.' ત્યાં સુધી આચાર્ય સાહેબ પણ અજાણ હતા.
પણ સાહેબ અને બેન ઘરે આવેલા એટલે સાહેબના આદેશ ને ધરાર અવગણી વિજયે સાહેબ અને બેન બેસી શકે એવી વ્યવસ્થા જ પેહલા કરી, અને વિજયની મમ્મીએ પણ નારણ નો હુકમ આવે એ પેહલા ચૂલો ચેતાવી દીધો અને તપેલીમાં પાણી મૂકી, ચા ખાંડ પણ નાખી દીધા. આચાર્ય સાહેબને થતું કે આ રજની બેન પણ ખરા નિયમ વાદી છે, એક બાળકનું લેશન ના હોય તો ના ચાલે? અત્યારે મોનીટરીંગ વાળા આવે તોયે આંકડા જ માંગે છે, હવે નિશાળ ખુલશે ત્યારે વિજય ભણશે. પણ આ બેન ને ય બધાને જ ભણાવી દેવા છે, બિચારા માંડ જમતા હશે ને હવે આ બે કપ ચા ખોટે ખોટી વધારાનો ખર્ચો, અને પાછી આ કોરોનામાં ચા પીવી પણ કેમ? ખેર હવે આ બિચારા તો ગામ બહાર ક્યારે ક્યાંય ગયા તો નથી! ને ચા! સો ડિગ્રીએ તપીને આવશે પીવાઈ જશે બીજું શું.?
આ બધા વિચારો ચાલતા ત્યાં વિજય નોટ લઈ ને બેન પાસે આવ્યો.
ઘરે શીખીએ બુક ની બધી પ્રવૃત્તિ કમ્પ્લીટ કરેલી, ગામમાં ક્યાંક ને ક્યાંક જઈ આવતો કોઈની બારીએ ટીંગાઈ દૂરદર્શન જોતો, પણ લેશન ની પાકી નોટ માં લેશન પણ મસ્ત કર્યું હતું.
રજનીએ લેશન ચેક કરી સહી કરી, એટલે આચર્યશ્રી બોલ્યા ચાલો હવે જઈએ, ત્યાં નારણ ની ઘરવાળીએ અવાજ કર્યો સાહેબ ચા બની જ ગઈ છે.
'સાહેબ ચા નું નામ પડ્યું ઘૂટો ભરતા જાવ.' નારણે કહ્યું.
ત્યાંજ રજનીએ વિજય ને બોલાવી કહ્યું, 'જો વિજય તારા માટે એક સરપ્રાઈઝ છે, તેણીએ એની બેગમાંથી મોબાઈલનું બોક્સ કાઢી વિજયના હાથમાં મુકતા કહ્યું.'
વિજયે બોક્સ ખોલીને જોયું તો સ્માર્ટ ફોન..
આચર્યશ્રી પણ આશ્ચર્યથી જોઈ રહ્યા હતા.
'જુવો કોઈએ ના કહેવાની નથી, હું તાસ લેતી હોઉં બધા બાળકો વોટ્સએપ પર જવાબ આપે, એપમાં જવાબ આપે પણ વિજય નો અવાજ ના સંભળાય એ મને નોહતું ગમતું, એટલે મારો વિદ્યાર્થી છે અને એને ભણવા મદદ કરવા હું એને આ ફોન ભેટ આપું છું. અને નારણ ભાઈ તમારે એક પણ રૂપિયાની ચિંતા કરવાની જરૂર નથી, વિના સંકોચે વિજય ને આ ફોન થી ભણવા દો. વિજય બેટા તું પણ ચિંતા ના કરતો, મોટો થઈ મોટો માણસ બને તો કોઈ એક ગરીબ બાળકને આવી મદદ કરી દેજે. અને આ ફોન નો સદ્ઉપયોગ કરજે.'
ચા પી ને આચાર્ય સાહેબ અને રજનીબેન ત્યાંથી નીકળી ગયા, સાહેબ બોલ્યા 'ખરેખર બેન તમારી ઉમદા ભાવનાઓને હૃદયપૂર્વક વંદન કરું છું.'
રજની ઘરે આવી બિલકુલ પ્રફુલ્લિત હતી, આજે વર્ચ્યુઅલ કલાસ માટે બાળકો કરતા એને વધારે ઇંતજાર હતો. અને કેમ ન હોય?
એક વાલી ને કઈક વેંચવા મજબૂર ન થવા દીધાનો આનંદ અનુભવતી રજનીને જોતા વિહાન પણ ખુશ ખુશ હતો.
લેખક:- મેહુલજોષી (બોરવાઈ, મહિસાગર)
મો. 9979935101
270720201043
(ફોટો સૌજન્ય:- ચાંદલોડીયા પ્રા શાળા અમદાવાદ)