સાથીદારોની શોધમાં..
ગાઢ જંગલમાં..
દીપડા સાથે યુદ્ધ કરીને ગોરીલાએ જ્યોર્જને બચાવ્યો..
અડધી રાતે નવી મુસીબત..
___________________________________________
એક દિવસ બરફનું તોફાન આવ્યા પછી સમગ્ર ટાપુ પરનું વાતાવરણ સામાન્ય થઈ ગયું હતું. ટાપુ ઉપર છવાયેલો બરફ પણ હવે પીગળી ગયો હતો.
બહારનું વાતાવરણ ખુશનુમા હતું. પક્ષીઓનો કલરવ ચારેય બાજુ આવેલી ઝાડીમાં ગુંજી રહ્યો હતો. વહેલી સવારે બધા ગુફામાંથી ઉઠીને બહાર આવ્યા. સૂર્યોદય થતાં પહેલા સૌએ બહારની બાજુ પડી રહેલા પાણીના નાનકડા ધોધ નીચે નાહી લીધું.
સૂર્ય ઉગ્યા પહેલા પૂર્વ દિશામાંનું આકાશ આજે એકદમ લાલાસ પડતું થઈ ગયું હતું. સૂર્ય ઉગ્યો ત્યારે એવું લાગી રહ્યું હતું કે સળગતી લાલભઠ્ઠીમાંથી અગ્નિગોળો બહાર આવ્યો.
"આજે સૂર્યનું રૂપ બહુ વિકરાળ લાગી રહ્યું છે..' પીટર પૂર્વ દિશામાં નીકળતા સૂર્યને જોઈને બોલ્યો.
"હા.. લાગે તો છે. આજે ગરમી જોરદાર પડશે.. જે થવું હોય એ થાય.. ચાલો આપણે આપણી સફર ચાલુ કરીએ..' જ્યોર્જ બાજુમાં ઉભેલા ઝાડની એક ડાળી તોડતા બોલ્યો.
"હા.. હવે ખોટી રીતે સમય બગાડવો ના જોઈએ.. ચાલો.. મને તો દુઃખ થાય છે કે પેલા તીરકામઠાં વાળા માણસોએ કેપ્ટ્ન અને આપણા લોકને હેરાન તો નહીં કર્યા હોયને..' ક્રેટી દુઃખમિશ્રિત અવાજે બોલી.
"હવે આ બધી વાતોમાં સમય ના બગાડો.. જલ્દી આગળ વધો કારણ કે આપણને ખબર પણ નથી કે એ લોકોએ કેપ્ટ્ન અને અન્ય લોકોને બંદી બનાવીને ક્યાં બાંધી રાખ્યા હશે..' બધા સામે જોઈને એન્જેલાએ કહ્યું.
એન્જેલાની વાત સાંભળીને બધાના મુખ ગંભીર બન્યા. બધા મૂંગે મોઢે ચાલવા લાગ્યા. જ્યોર્જ સૌથી આગળ હતો. તેની નજર ચારેય બાજુ સમડીની માફક ફરી રહી હતી કારણ કે તેઓ જે પ્રદેશમાં પ્રવેશ્યા હતા એ પ્રદેશ એમના માટે સાવ અજાણ્યો હતો. આફત ગમે તે સમયે ત્રાટકી પડે એમ હતી એટલે સાવચેતી રાખવી ખુબ જ જરૂરી હતી.
પેલા લોકો બંદી બનાવીને લઈ ગયા બાદ વરસાદ અને બરફવર્ષા થઈ હતી એટલે એ લોકો કઈ બાજુ ગયા હશે એના
કોઈપણ નિશાન મળી રહ્યા એમ નહોતા. જેમ-જેમ બધા આગળ વધી રહ્યા હતા તેમ-તેમ પથરાળ વિસ્તાર પૂરો થઈને નાના ઘાસનો મેદાની પ્રદેશ શરૂ થતો હતો. કોઈને કોઈપણ જાતની માહિતી નહોતી કે પેલા લોકો કેપ્ટ્ન અને સાથીદારોને બંદી બનાવીને કઈ બાજુ લઈ ગયા હશે છતાંય બધા આગળ વધી રહ્યા હતા.
સૂર્ય આકાશમાર્ગે આગળ વધી રહ્યો હતો અને ધીમે ધીમે પોતાનામાં રહેલી ગરમીનો પ્રકોપ વધારી રહ્યો હતો. ક્રેટીના ગૌરવર્ણા મુખ ઉપર ઉપસી આવેલા પ્રસ્વેદબિંદુઓ સૂર્યપ્રકાશમાં ચમકી રહ્યા હતા. તેઓ સતત બે કલાકથી ચાલી રહ્યા હતા એટલે બધાને તરસ પણ લાગી હતી. પણ અહીંયા દૂર દૂર સુધી પાણીનો કોઈ સ્ત્રોત એમને દેખાઈ રહ્યો નહોતો.
વળી એક કલાક જેટલા ચાલતા રહ્યા ત્યારે તેઓ પર્વતની નાનકડી ટેકરીઓવાળા વિસ્તારમાં પહોંચ્યા.
"પીટર ત્યાં જો.. ત્યાં પેલી ઝાડી પાસે ઘણાબધા પક્ષીઓ આમથી તેમ ઉડી રહ્યા છે.. ત્યાં કદાચ આપણને પાણી મળશે..' સામે રહેલી ઝાડી તરફ જોઈને એન્જેલા બોલી.
એન્જેલાનું મોઢું તરસના કારણે સાવ વિલાઈ ગયું હતું. ક્રેટી પણ માંડ માંડ પોતાના પગને આગળ ધકેલી રહી હતી.
બધા એન્જેલાએ બતાવેલી ઝાડી પાસે પહોંચ્યા. ત્યાં જઈને બધા ખુશીથી ઝૂમી ઉઠ્યા.
"વાહ.. ઝરણું..' ક્રેટીએ ઉત્સાહમાં આવીને બુમ પાડી.
બધાને બહુજ તરસ લાગી હતી. એટલે કોઈપણ જાતનો વિચાર કર્યા વગર બધાએ ભરપેટ પાણી પી લીધું. જ્યોર્જ ગયો અને આજુબાજુથી થોડાંક ફળો વીણી લાવ્યો. બધાએ ત્યાં ઝરણાના કિનારે બેસીને ભોજન કર્યું. પીટરે બે મજબૂત ઝાડની છાલમાંથી એક પાણી ભરવાની નાનકડી મશક બનાવી લીધી. કારણ કે હવે આગળ આવેલા જંગલી પ્રદેશમાં એમની જોખમી મુસાફરી શરૂ થવાની હતી.
સૂર્ય હવે માથા ઉપર આવી ગયો હતો બપોર થઈ ચુક્યા હતા. થોડોક આરામ કરીને બધા ઉઠ્યા. હવે ગાઢ જંગલનો પ્રદેશ શરૂ થવાનો હતો. ગાઢ જંગલમાં રાની પ્રાણીઓનો પણ ભય હતો. કોઈને ખબર નહોતી કે શરૂ થતું આ જંગલ કેટલું લાબું હશે. બધા કુદરતના ભરોસે આગળ વધી રહ્યા હતા.
સૂર્યનો તાપ વધારે હતો. પણ જંગલમાં રહેલા મોટા વૃક્ષોનો છાંયડો જ્યોર્જ , ક્રેટી , પીટર અને એન્જેલા માટે આશીર્વાદ રૂપ હતા. થોડાક આગળ ગયા ત્યાં મોટા વૃક્ષો હલવાનો અને વિચિત્ર અવાજો આવવા લાગ્યા.
"ઓહહ.. ગોરીલા..' અવાજની દિશામાં કાન માંડીને ગભરાયેલા અવાજે પીટર બોલ્યો.
"ગોરીલા આપણને મારી નાખશે..' એન્જેલા ભયથી પીટરને ચોંટી જતાં બોલી.
"અરે.. ડરો નહીં અહીંયા જ ઉભા રહી જાઓ.. ગોરીલા હમણાં આગળથી ચાલ્યા જશે એના પછી આપણે આગળ વધીશું..' પીટરે પોતાના મોંઢા ઉપરનો ડર ખંખેરી નાખતા કહ્યું.
જ્યોર્જે આજુબાજુ જોયું તો એમનાથી થોડેક દૂર એક સુકાયેલું વિશાળ વૃક્ષ જમીન પર પડ્યું હતું એણે બધાને એ વૃક્ષની પાછળ આવી જવા ઇસારો કર્યો.
"જ્યોર્જ મને બચાવ.. ' ક્રેટીએ વેદનાભરી ચીસ પાડી.
જ્યોર્જે પાછળ ફરીને જોયું તો એક મહાકાય ગોરીલો ક્રેટીથી ફક્ત વીસ ફૂટ દૂર જ ઉભો હતો. ગોરીલાની વિશાળ કાયા , મોટા હાથ , મોટા જડબા જોઈને બધાના ગાત્રો થંભી ગયા. ક્રેટી તો ફક્ત એક ચીસ પાડીને ત્યાં જ બેભાન બનીને ઢળી પડી. એન્જેલાના પણ શ્વાસ થંભી ગયા. શું કરવું કોઈને કંઈ સૂજ્યું નહીં. જો આ ગોરીલો ક્રેટીને ઉઠાવી ગળુ દબાવી દે તો ઘડીના છઠ્ઠા ભાગમાં ક્રેટીનું મૃત્યુ નજીક હતું.
ત્યાંતો ગોરીલો ક્રેટી તરફ આગળ વધ્યો. આ જોઈને જ્યોર્જ નું હૃદય ધમણનું માફક અવાજ કરવા લાગ્યું. પીટર પણ આ દ્રશ્ય જોઈને જડ બની ગયો. જો હવે તેઓ ક્રેટીને ના બચાવે તો ક્રેટીનું મૃત્યુ નક્કી હતું. ગોરીલો ક્રેટી પાસે ગયો ત્યાં તો એક ગોરીલાનું નાનકડું બચ્ચું આવીને ગોરીલાની પીઠ ઉપર ચડી ગયું. ગોરીલો હળવેકથી નીચે નમ્યો અને ક્રેટીના મોંઢા સુધી એનું મોઢું લઈ ગયો અને પછી ઉભો થઈ જે દિશામાંથી આવ્યો હતો એ જ દિશામાં પોતાના નાનકડા બચ્ચાં સાથે ચાલ્યો ગયો.
ગોરીલાના ગયા પછી બધાના શ્વાસ હેઠે બેઠા. જ્યોર્જ જલ્દી દોડીને ક્રેટી પાસે ગયો. અને ક્રેટીનું માથું પોતાના ખોળામાં લઈને એને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો.
પીટરને ગોરીલાનું આવું વર્તન અજીબ લાગ્યું. એન્જેલા પણ એની પાસે રહેલી પાણીની મશક લઈને ક્રેટી પાસે દોડી ગઈ.
અને ક્રેટીના મોંઢા ઉપર પાણીનો છંટકાવ કરવા લાગી. હજુ ક્રેટી તો ભાનમાં આવી જ નહોતી ત્યાં તો પીટરે જોરથી બુમ પાડી.
"જ્યોર્જ.. સાવધાન થઈ જા.. તારી પાછળ દીપડો..' પીટર પોતાનું વાક્ય પુરુ કરે એ પહેલા દીપડાએ જ્યોર્જ ઉપર છલાંગ મારી.
એન્જેલા પણ આ દ્રશ્ય જોઈને હેતબાઈ ગઈ. પીટરની પણ આંખો મીંચાઈ ગઈ જ્યોર્જે પાછળ ફર્યો અને દીપડાને પોતાની ઉપર કૂદતો જોયો અને એ તો ત્યાંજ ઢળી પડ્યો. ત્યાં ધબાક..
દઈને અવાજ આવ્યો. પીટરે આંખો ખોલી ત્યાં સામેનું દ્રશ્ય જોઈને એ આશ્ચર્યમાં મુકાઈ ગયો. દીપડો જ્યોર્જથી દસ ફૂટ દૂર પડ્યો હતો અને જ્યોર્જ અને દીપડા વચ્ચે ગોરીલો પોતાના વિકરાળ જડબા ફાડીને ઉભો હતો.
જ્યોર્જે પણ થોડીવાર પછી પોતાની આંખો ખોલી અને સામેનું દ્રશ્ય જોઈને નવાઈ પામ્યો. પોતાના શિકાર વચ્ચે ગોરીલો આવી જવાથી દીપડો બહુજ ગુસ્સે ભરાયો એ ઉભો થયો અને ગોરીલા ઉપર છલાંગ મારવાની તૈયારી કરવા લાગ્યો. ગોરીલો પણ જ્યોર્જનો રક્ષક હોય એવીરીતે દીપડાની સામે જોઈને પોતાની વિશાળ છાતી ઉપર પોતાના હાથની મુઠ્ઠીઓ પછાડવા લાગ્યો.
પછી ગોરીલા અને દીપડા વચ્ચે દ્વંદ્વયુદ્ધ જામ્યું. ગોરીલો પોતાના વિશાળ હાથ વડે દીપડાને આમથી તેમ પછાડતો હતો જ્યારે દીપડો પોતાના અણીદાર નહોર વડે ગોરીલા ઉપર પ્રહાર કરતો હતો. લડાઈ લગભગ અડધો કલાક ચાલી પણ કોઈ હાર માનવા કે ભાગી જવા તૈયાર નહોતું. ત્યાં તો દીપડાએ પોતાના નહોર ગોરીલાની પીઠમાં ઘુસાડી દીધા. ગોરીલો લોહીલુહાણ થઈ ગયો. ક્રેટી ભાનમાં આવી પણ આ દ્રશ્ય જોઈને ફરીથી ચીસ પાડીને બેભાન થઈ ગઈ. જ્યોર્જ , પીટર અને એન્જેલા પણ ભયથી થથરી ઉઠ્યા.
ત્યાં ગુસ્સે ભરાયેલા ગોરીલાએ દીપડાને પોતાના બે વિશાળ હાથોમાં ઉઠાવ્યો અને પુરી તાકાતથી જમીન ઉપર ઘા કર્યો. દીપડો થોડીવાર તરફડીને ત્યાં જ મૃત્યુ પામ્યો.
ગોરીલો પણ ત્યાં જ બેસી ગયો એના શરીરમાંથી ખુબ લોહી વહી રહ્યું હતું. ઝાડ ઉપર બેસીને લડાઈ જોઈ રહેલું ગોરીલાનું બચ્ચું નીચે આવ્યું અને ગોરીલાના ઘાવ ઉપર હાથ ફેરવવા લાગ્યું.
દેવદૂત બનીને ગોરીલાએ આજે જ્યોર્જને દીપડાનો શિકાર થતાં બચાવ્યો હતો. એન્જેલા ક્રેટીને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરી રહી હતી.. જ્યોર્જ અને પીટર ઝડપથી દોડીને ગોરીલા પાસે આવ્યા. ગોરીલો પ્રેમભરી નજરે બન્ને તરફ જોવા લાગ્યો.
"પીટર જલ્દી જા થોડાંક પાંદડાઓ લઈ આવ.. આને બહુ વાગ્યું છે..' જ્યોર્જે પીટર સામે જોઈને કહ્યું.
પીટર દોડ્યો પાંદડા લેવા.ક્રેટી પણ ભાનમાં આવી ગઈ હતી. એન્જેલા અને ક્રેટી પણ જ્યોર્જ પાસે આવી. ક્રેટી હજુ પણ ડરતી હતી ગોરીલાને જોઈને. પણ જ્યોર્જે ઇસારો કર્યો એટલે એ પાસે આવી.
"એન્જેલા પાણીની મશક લાવ આને પાણી પાઈએ..' જ્યોર્જે ગોરીલા સામે જોઈને એન્જેલાને કહ્યું.
એન્જેલાએ પાણીની મશક લાવીને જ્યોર્જને આપી. જ્યોર્જે એ પાણીની મશક ગોરીલા સામે ધરી. પહેલા તો ગોરીલો મશક સામે જોઈ રહ્યો પછી જ્યોર્જની આંખોમાં પોતાની પ્રત્યેનો પ્રેમ જોઈને ગોરીલાએ બે ત્રણ ઘૂંટડામાં એ પાણી પી લીધું. પીટર પણ પાંદડા લઈને આવી ગયો. જ્યોર્જે એ બધા પાંદડાઓને મસળીને ગોરીલાના ઘાવ ઉપર લગાવી દીધા. ગોરીલાએ રાહતનો દમ લીધો.
ગોરીલાનું નાનકડું બચ્ચું બધા સાથે રમવા લાગ્યું. એ જોઈને બધા ખુશ ખુશ થઈ ગયા. થોડેક દૂર નિષ્પ્રાણ થયેલુ દીપડાનું શરીર પડ્યું હતું. ક્રેટી બેભાન હતી એટલે જ્યોર્જે પુરી ઘટના ક્રેટીને કહી સંભળાવી. ક્રેટીએ પોતાના પ્રેમીની જાન બચાવવા બદલ ગોરીલાનો આભાર માન્યો અને વહાલથી એના માથા ઉપર પોતાનો હાથ ફેરવ્યો.
"જ્યોર્જ મને તરસ લાગી છે..' ક્રેટીએ રડમસ અવાજે જ્યોર્જ સામે જોઈને કહ્યું. જ્યોર્જે મશક ઊંચી નીચી કરી જોઈ પણ એમાં પાણી હતું નહીં. ગોરીલાએ જ્યોર્જને મશક આમ તેમ કરતો જોયો એટલે એ ઉભો થયો. અને મશક હાથમાં લીધી અને પછી એ ચાલવા લાગ્યો ગોરીલાનું બચ્ચું પણ ગોરીલાની પાછળ પાછળ ચાલવા લાગ્યું.
ગોરીલાને આમ મશક લઈને ચાલતો જોઈને બધા અચંબિત થયા.થોડાક આગળ જોઈને ગોરીલાએ પાછળ જોયું જ્યોર્જ તરફ.. જ્યોર્જે પણ ગોરીલા સામે જોયું. ગોરીલો જાણે બધાને પોતાની સાથે આવવાનું કહેતો હોય એવું જ્યોર્જને લાગ્યું. બધા ગોરીલાની પાછળ પાછળ ચાલવા લાગ્યા.
સાંજ ઢળી ચુકી હતી. સૂર્ય હવે પશ્ચિમ દિશામાં નમી ગયો હતો. બધા ઘાયલ ગોરીલાની પાછળ પાછળ ચાલી રહ્યા હતા. ગોરીલાનું નાનકડું બચ્ચું ક્યારેક નીચે તો ક્યારેક ઝાડની ડાળીઓ પર આમથી તેમ લટકતું બધાની સાથે આગળ વધી રહ્યું હતું. તેઓ એક કલાકથી ચાલી રહ્યા હતા પણ ક્યાંય પાણીનું નામ નિશાન જોવા મળી રહ્યું નહોતું. બધાના ગળા તરસથી સુકાઈ રહ્યા હતા.
"જ્યોર્જ.. હવે મારાથી ચલાતું નથી.. મને ખુબ જ તરસ લાગી છે..' ક્રેટી રડી ગયેલા અવાજે બોલી અને ત્યાં જ બેસી પડી.
"વ્હાલી બસ હવે નજીકમાં જ ક્યાંક પાણી મળી જશે.. જો તું આમ હિંમત હારી જઈશ તો આપણે આગળ કેવીરીતે વધીશું..' ક્રેટીને બે હાથમાં ઊંચકી લેતા જ્યોર્જે કહ્યું.
જ્યોર્જના કહેવાથી ક્રેટીમાં ઉત્સાહ આવ્યો. તે જ્યોર્જના હાથમાંથી નીચે ઉતરીને ચાલવા લાગી. પીટર અને એન્જેલા પણ એકબીજા સામે જોઈને ચુપચાપ ચાલી રહ્યા હતા. ક્યારેક એકબીજા સામે જોઈને છાનું હસી લેતા હતા અને એકબીજાનો ઉત્સાહ વધારી રહ્યા હતા.
જંગલની ગીચતા હવે ધીમે-ધીમે ઘટતી જતી હતી. મોટા કદાવર વૃક્ષો હવે ઓછા થતાં જતાં હતાં. હવે ક્યાંક આજુબાજુ પાણી જરૂર હોવું જોઈએ એવું જ્યોર્જને લાગી રહ્યું હતું. ઘટાદાર વૃક્ષોની વનરાજી પુરી થતાં જ સામે ચીકણી માટીનો જમીનપ્રદેશ આવ્યો. બધાએ જોયું તો સામેની દિશામાં એક વિશાળ નદી વહી રહી હતી. એ નદી ડાબી બાજુએ આવેલી ખુબ જ લાંબી પર્વતમાળામાંથી નીકળીને જમણી તરફ વહી રહી હતી.
"હાશ પાણી તો મળી ગયું.. નહિતર આજે તો મારો જીવ જ નીકળી જાત..' ક્રેટીએ પાણીની નદી તરફ જોતાં અતૃપ્ત નજરે કહ્યું.
"હા.. પણ જોજે આખી નદીનું પાણી તું એકલી ના પી જતી અમારા માટે પણ રાખજે..' જ્યોર્જે ટીખળ કરી.
જ્યોર્જે કરેલી મજાક સાંભળીને બધા હસી પડ્યા.
"હવે ચાલો મારાથી તરસ સહન નથી થતી..' ક્રેટી ફરીથી બોલી.એનો અવાજ તરસના કારણે રડવા જેવો થઈ ગયો હતો.
એટલામાં તો પેલો ગોરીલો દોડ્યો અને એના હાથમાં રહેલી મશકને નદીના પાણીમાં ડુબાડીને ભરી પછી એ મશક લઈને જ્યોર્જ પાસે આવ્યો. અને મશક જ્યોર્જ સામે ધરી. આ જોઈને બધા નવાઈ પામ્યા. કારણ કે ગોરીલામાં જે સમજદારી હતી એ જોઈને ગમે તેવો માણસ અચંબિત થઈ જાય. ક્રેટીએ કંઈપણ વિચાર્યા વગર ગોરીલાના હાથમાંથી મશક લઈ લીધી અને ફટાફટ એમાંથી પાણી પીવા લાગી. લગભગ અડધી મશકનું પાણી એ એકીશ્વાશે એકલી પી ગઈ.
પછી પીટર , એન્જેલા અને જ્યોર્જે અડધી મશકમાં રહેલું પાણી પીધું.
નાનકડું ગોરીલાનું બચ્ચું નદીકિનારે પડેલા કાદવમાં આળોટી રહ્યું હતું. બધા નદીકિનારે આવ્યા. જ્યોર્જ , એન્જેલા અને પીટરની તરસ હજુ છીપાઈ નહોતી. એટલે એમણે ફરીથી ત્યાંથી પાણી પીધું.
સાંજ થઈ ચુકી હતી. સૂર્ય પશ્ચિમમાં આથમી ગયો હતો.
સામે દેખાઈ રહેલી વિશાળ પર્વતમાળા બધાના મનમાં નવો ભય ઉત્પન્ન કરી રહી હતી. આ પર્વતમાળા અલ્સ પહાડની પર્વતશ્રેણી કરતા ખુબ જ વિશાળ હતી. જ્યોર્જ , પીટર , ક્રેટી અને એન્જેલાના મનમાં જરાય ભય નહોતો. કારણ કે આ જંગલી ગોરીલો એમનો મિત્ર બનીને બધી જ આફતોથી એમની રક્ષા કરી રહ્યો હતો.
રાત ગુજારવા માટે સુરક્ષિત આશ્રયસ્થાન અને ભોજનની જરૂર હતી. ટાપુ ઉપર આછું અંધારું છવાઈ રહ્યુ હતું. એટલે બધા ચાલ્યા જંગલ તરફ.. પેલો ગોરીલો અને એનું બચ્ચું પણ એમની સાથે ચાલ્યા. જ્યોર્જ આજુબાજુથી મોટા પ્રમાણમાં ફળો તોડી લાવ્યો. અડધા ફળો તો એકલો ગોરીલો ખાઈ ગયો બચેલા ફળો આ ચારેય જણાએ ખાધા. પછી પીટરે સૂકા લાકડા લઈને ત્યાં અગ્નિ સળગાવ્યો. ગોરીલો અને એનું બચ્ચુ પાસેના ઝાડ ઉપર ચડીને આરામ કરવા લાગ્યા. જ્યોર્જ , ક્રેટી , પીટર અને એન્જેલા પણ આજે ભયમુક્ત બનીને સૂઈ ગયા. કારણ કે ઝાડ ઉપર એમની રક્ષા કરવા માટે ગોરીલો જાગી રહ્યો હતો.
બધા ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા. અડધી રાત થઈ ચુકી હતી. ગોરીલો પણ દીપડા સાથેની લડાઈથી થાકી ગયો હતો એટલે ઝાડ પર જ ઊંઘી ગયો. બધા સવારથી થાકેલા હતા એટલે ઊંઘી ગયા હતા. પણ એમના માટે એક નવી આફત એમને મારી નાખવા માટે આકાર લઈ રહી હતી.
"જ્યોર્જ.. ઉઠ..મારા હાથ કેમ બંધાયેલા છે..? અડધી રાતે જાગી જઈને ક્રેટીએ પોતાના હાથ બંધાયેલા જોયા એટલે એના શરીરમાં ગભરાટ વ્યાપી ગયો.
ત્યાં તો કોઈકે ક્રેટીને પાછળથી પકડીને વાળ ખેંચ્યા. ક્રેટી ભયની મારી ધ્રુજી ઉઠી.
"જ્યોર્જ મને કોણ પકડી રહ્યું છે.. બચાવ મને..' ક્રેટીએ જ્યોર્જને મદદ માટે બૂમો પાડી અને રડી પડી.
(ક્રમશ)