rahasymay tapu upar vasavat.. - 13 books and stories free download online pdf in Gujarati

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 13

અનેક અડચણો બાદ અંધારી ગુફામાંથી જ્યોર્જ , ક્રેટી , પીટર અને એન્જેલા નીકળ્યા બહાર..

_______________________________________


ગુફાના મુખદ્વાર આગળ મોટા પ્રમાણમાં બરફ જમવાથી ગુફાનું મુખ બંધ થઈ ગયું હતું. જ્યોર્જ , ક્રેટી , પીટર અને એન્જેલા આ અંધારી અને અજાણી ગુફામાં ફસાઈ ગયા હતા. એન્જેલા અને ક્રેટીના ચહેરા તો સાવ ઉતરી ગયા હતા.


પીટર ઊંડા વિચારોમાં ખોવાયેલો હતો. જ્યોર્જ નાનકડા પથ્થરોને એક હાથમાંથી બીજા હાથમાં રમાડી રહ્યો હતો.


"પીટર હવે કેવીરીતે બહાર નીકળીશું આ ગુફામાંથી ?? એન્જેલા રડમસ અવાજે બોલી.


એન્જેલાનો અવાજ સાંભળીને પીટરના વિચારોની તંદ્રા તૂટી એણે વહાલથી પોતાના બન્ને હાથ એન્જેલાના ગાલ ઉપર ફેરવ્યા. પછી સરખી રીતે નીચે બેઠો. ક્રેટી અને જ્યોર્જ પણ પીટર કંઈક નવી યુક્તિ કરીને આ આફતમાંથી બહાર કાઢશે એવી આશા સાથે પીટર સામે જ તાકી રહ્યા હતા.


"જુઓ કોઈએ ડરવાની જરૂર નથી.. આ મુસીબતમાંથી પાર ઉતરવા માટે મારી પાસે એક ઉપાય છે..' પીટરે સરખી રીતે બેસીને કહ્યું.


"તો તો આપણે જલ્દી બહાર નીકળી શકીશું..' ક્રેટી આનંદિત થઈને બોલી ઉઠી.


"અરે.. ક્રેટી આટલુ જલ્દી ખુશ થવાની જરૂર નથી.. પહેલા ઉપાય તો સાંભળી લે પીટર પાસેથી..' જ્યોર્જ ક્રેટી સામે જોઈને બોલ્યો.


જ્યોર્જની વાત સાંભળીને ક્રેટીના મુખ પર આવેલી ખુશીની રેખાઓ ઝાંખી બની.


"હા... ઉપાય કેવો છે એ તો બતાવો પીટર તમે અમને..' ક્રેટી હળવા સૂરે બોલી.


"હા.. બતાવું..' આમ કહીને પીટરે ખોંખારો ખાધો. પછી આગળ ચલાવ્યું "જુઓ આપણે કદાચ ગુફાની મુખ સામે જામેલા બરફને ગરમી આપીએ તો કદાચ થોડોક બરફ પીગળી શકે..'


"પણ બરફને પીગાળવા માટે ગરમી કેવીરીતેઆપવાની..' ક્રેટી વચ્ચે બોલી.


"હા એ જ કહું છું.. જુઓ આ ગુફા ખુબ વિશાળ અને લાંબી છે.. એટલે એમાં ઘણી જગ્યાએ નાની મોટી વનસ્પતિઓ તો ઉગી જ નીકળી હશે. એમાંથી જે સૂકી હોય એવી વનસ્પતિઓને આ ગુફાના મુખ આગળ ભેગી કરો. પછી આપણે મોટી આગ સળગાવીશું જેની ગરમીથી આ જામેલો બરફ ધીમે ધીમે નરમ બનશે.. બરફ નરમ બન્યા પછી અહીંયા અણીદાર પથ્થરો તો ઘણાય પડ્યા છે એના વડે બરફને તોડી પાડીશું..' પીટર બધું એકીશ્વાશે બોલી ગયો.


પીટરની વાત સાંભળીને બધાના મુખ ઉપર થોડી ચમક આવી.


"હું અહીં આ જામેલા બરફની બાજુમાં જ પથ્થરરો સારી રીતે ગોઠવી દઉં જેથી એના ઉપર આગ સરળતાથી સળગાવી શકાય..' જ્યોર્જ ઉભો થતાં બોલ્યો.


આ મોતના મુખમાંથી બચવાનો જંગ હતો એટલે બધા ઝડપથી ઉભા થયા અને કામે લાગ્યા. પીટર , એન્જેલા અને ક્રેટી સૂકી વનસ્પતિઓને એકથી કરવાં લાગ્યા અને જ્યોર્જ ત્યાં પડેલા પથ્થરોને સારી રીતે ગોઠવવા લાગ્યો જેથી આગ સારી રીતે સળગાવી શકાય.


ક્રેટી અને એન્જેલા સૂકી વનસ્પતિ અને નાના લાકડાઓ વીણી-વીણીને ભેગી કરતી હતી જયારે પીટર એ બધાને લાવીને જ્યોર્જ પાસે ઢગલો કરતો હતો. જ્યોર્જ સૂકા લાકડાં અને વનસ્પતિઓને એણે ગોઠવેલા પથ્થરો ઉપર સારી રીતે ગોઠવતો હતો. લગભગ બે કલાક કામ ચાલ્યું ત્યારે સૂકા લાકડાઓ અને વનસ્પતિઓનો મોટો ઢગલો થયો. પછી થોડીવાર બધા થાક ખાવા બેઠા કારણ કે ગુફામાં પવન પણ આવતો નહોતો એટલે ક્રેટી અને એન્જેલાની ગૌરવર્ણી કાયા પરથી પરસેવો નીતરી રહ્યો હતો. છતાં બંને પોતાના પ્રેમીઓને હિંમત આપી રહી હતી.


થોડીવાર આરામ કર્યા બાદ પીટર ઉઠ્યો અને એમણે ઢગલો કરેલા લાકડાઓને આગ લગાડી. થોડા જ સમયમાં તો ગુફાના બંધ મુખ પાસે મોટી આગ સળગી ઉઠી. ધીમે ધીમે આગ જોર પકડતી ગઈ અને જામેલા બરફનું પાણી બનીને વહેવા લાગ્યું.. પણ થોડીવારમાં તો બધા લાકડા સળગી ગયા એટલે હવે પીટર અને જ્યોર્જ ઉઠ્યા અને બાજુમાં પડેલા અણીદાર પથ્થરો વડે જામેલા બરફને તોડવા લાગ્યો. પણ એમની કમનસીબી હતી કારણ કે બરફનું આગળનું થોડુંક પડ નરમ બન્યું હતું એટલે એ તો તૂટી ગયું પણ એનાથી આગળ તો બરફ પથ્થર કરતા પણ મજબૂત રીતે જામેલો હતો. બરફની બનેલી આ કુદરતી દીવાલને તોડી શકે એટલું સામર્થ્ય જ્યોર્જ અને પીટરમાં નહોતું. થોડો જ સમયમાં બન્ને થાકીને બેસી ગયા.


"હવે શું થશે.. જો આ બરફ નહીં તૂટે તો આપણે અહીંયા જ મરી જઈશું..' એન્જેલા ઉતરેલા મોઢે બોલી.


"હા.. અને હવે બીજો કોઈ ઉપાય પણ નથી બચ્યો જેના વડે આપણે અહીંયાથી બહાર નીકળી શકીએ..' બોલતા બોલતા ક્રેટીનો અવાજ પણ રડવા જેવો થઈ ગયો.


"અરે.. તમે બન્ને આમ નિરાશ કેમ થાઓ છો.. આ છેડે નહીં નીકળાય તો ગુફાને પેલે છેડે નીકળી જઈશું..' જ્યોર્જ મક્કમ અવાજે બોલ્યો.


જ્યોર્જની વાત સાંભળીને બધામાં થોડીક હિંમત બંધાઈ.


ક્રેટીએ આંખમાં આવેલા આંસુઓને લૂછી લીધા. એન્જેલાનું કરમાયેલું મૂખ પણ જ્યોર્જની વાત સાંભળીને ચમકવા લાગ્યું. થાકીને બેઠેલો પીટર પણ જ્યોર્જની વાત સાંભળીને ટટ્ટાર થયો.


"પણ જ્યોર્જ ગુફાના સામેના છેડે આવી જ રીતે બરફ જામેલો હશે તો..' ક્રેટી ફરીથી શંકાશીલ અવાજે બોલી ઉઠી."અરે વ્હાલી વાત-વાતમાં શું શંકાઓ કર્યા કરે છે તું.. હમણાં તો ચાલો એ તરફ જઈએ. જો બરફ જામેલો હશે તો આપણો પીટર એને તોડી પાડશે..' આમ કહીને જ્યોર્જે ક્રેટીને પોતાની પાસે ખેંચી અને હોઠ ઉપર એક ચુંબન કરી દીધું.


ક્રેટીને આવી રીતે જ્યોર્જે ખેંચીને ચુંબન કર્યું એ જોઈને અને અને જ્યોર્જની વાત સાંભળીને પીટર અને એન્જેલા હસી પડ્યા.


"અમારી ઉપર કેમ હસો છો તમે બન્ને તું અને એન્જેલા પણ કાલે આવી રીતે ચુંબન કરતા હતા..' પીટર અને એન્જેલાને હસતા જોઈને ક્રેટી પીટર સામે જોઈને બોલી.


"અરે હવે મુકો એ વાતને અને ચાલો નહિતર અહીંયા જ મરી જઈશું..' પીટર એન્જેલાનો હાથ પકડતા બોલ્યો.


પછી ચારેય જણા ગુફાના પેલા છેડા તરફ જવા લાગ્યા. જ્યોર્જે વધેલા ફળો તેમજ કંદમૂળનું પોટલું ઉપાડ્યું. પીટરે એન્જેલાનો હાથ પકડ્યો. ક્રેટી પણ જ્યોર્જ સાથે ચાલવા લાગી. જેમ-જેમ આગળ વધતા હતા તેમ-તેમ ગુફામાં અંધારું ગાઢ થતું જતું હતું. કારણ કે તેઓ જ્યાં બેઠા હતા એ જગ્યાએ તો એમણે અગ્નિ પેટાવ્યો હતો એટલે એકબીજાને સ્પષ્ટ પણે જોઈ શકાતા હતા પણ અહીંયા તો એકબીજાને ઓળખવા પણ મુશ્કેલ બની રહ્યા હતા.


અંધારું પણ ગાઢ હતું અને અડચણો પણ ખુબ જ વધારે હતી કારણ કે ગુફામાં રહેલા કરોળિયાના ઝાળા વારેઘડીએ બધાના મુખ ઉપર ચોંટી જતાં હતા. બધા મોંઢા પરથી કરોળિયાના એ ઝાળાઓને દૂર કરીને માંડ-માંડ આગળ વધી રહ્યા હતા. બહુજ સાવચેતીપૂર્વક આગળ વધવાનું હતું કારણ કે અંધારું ગાઢ હતું એટલે કાંઈ દેખાતું નહોતું જો થોડા પણ ગફલતમાં રહ્યા તો નીચે પડેલા પથ્થર સાથે ઠેસ ખાઈને નીચે પડવાનું હતું. જોખમ બહુજ હતું પણ આ ગુફામાંથી બહાર નીકળવા માટેનો આ એક જ માર્ગ હતો.


લગભગ ત્રણ કલાક જેટલું ચાલ્યા હશે ત્યાં સામેના છેડે કંઈક પ્રકાશ જેવું દેખાયું.


"આપણે પહોંચી ગયા.. જ્યોર્જ જો ત્યાં પ્રકાશ દેખાયો..' ક્રેટી આનંદિત અવાજે બોલી ઉઠી.


"હા.. મને પણ દેખાયો છે પણ તું સાચવીને ચાલ નહિતર અહીંયા જ ઠેસ ખાઈને નીચે પડી જઈશ..' ક્રેટીને સમજ આપતા જ્યોર્જ બોલ્યો.


જ્યોર્જના બોલ્યા પછી ક્રેટી ચૂપ થઈ ગઈ. બધા ધીમે ધીમે સામે દેખાઈ રહેલા પ્રકાશ તરફ આગળ વધ્યા. પણ એમણે ધાર્યો એટલો પ્રકાશ નજીક નહોતો. એ પ્રકાશ સુધી પહોંચવામાં એમને અડધો કલાક જેટલો સમય લાગી ગયો.


બધા ગુફાના આ છેડે આવી ગયા હતા. અહીંયા પણ ગુફાના મુખ આગળ બરફ છવાયેલો હતો પણ આ છેડો પેલી બાજુના છેડા કરતા પહોળો હતો એટલે આ બાજુના ગુફાના મુખની ઉપરની તરફ થોડીક જગ્યા રહી ગઈ હતી ત્યાં થઈને બહારથી અંદરની બાજુ પ્રકાશ આવી રહ્યો હતો.


"વાહ.! આ વખતે કુદરત આપણા પર મહેરબાન થયો હોય એવું લાગે છે.. આપણને બહાર નીકાળવા માટે એણે થોડીક તો જગ્યા રાખી દીધી..' જ્યાંથી પ્રકાશ આવતો હતો એ ખુલ્લા ભાગ તરફ જોઈને એન્જેલા બોલી.


"વધારે ખુશ થવાની જરૂર નથી અહીંયાથી છૂટ્યા પછી તો હજુ બહારની બાજુ ઘણી આફતો આપણી રાહ જોઈને ઉભી છે..' એન્જેલાને ખુશ થયેલી જોઈને જ્યોર્જ બોલ્યો.


"બહાર.... વળી કઈ આફતો..?? ક્રેટીએ પ્રશ્ન કર્યો.


"પેલા તીર કામઠાવાળા અજીબ માણસો.. એ આપણી સૌથી મોટી મુશ્કેલી છે..' જ્યોર્જ ગુફાના મુખ તરફ આગળ વધતા બોલ્યો.


"જ્યોર્જ.. દોસ્ત.. ચિંતા ના કર આપણે આપણા સાથીદારોને છોડાવવા એમની સામે જરૂર લડીશું..' પીટર ભીના અવાજે બોલ્યો.


કેપ્ટ્ન અને બીજા સાથીદારોની યાદ આવતા બધાની આંખોમાં પાણી આવી ગયું. કારણ કે કેપ્ટ્ન અને એમના સાથીદારો આ ચારેયને એક કરવા માટે દિવસ-રાત ઉજાગરા કરીને નગરનું નિર્માણ કરી રહ્યા હતા. અને આ તીર કામઠાવાળા ટાપુવાસીઓએ એમને કેદ કરી લીધા હતાં.


"તમે થોડાક અહીંયા થોભો.. હું બહાર જઈને તપાસી આવું કે બહારનું વાતાવરણ કેવું છે..' જ્યોર્જ બધા સામે જોઈને બોલ્યો.


"હું પણ તમારી સાથે આવું.. હું આ ગુફામાં કંટાળી ગઈ છું મારે બહારની તાજી હવા ખાવી છે..' જ્યોર્જનો હાથ પકડીને ક્રેટી જીદ કરતા બોલી.


"અરે વ્હાલી બહાર જોખમ છે.. બસ હું બહાર જઈને તપાસ કરી આવું..જો બહાર બધું બરોબર હશે તો હું તને જલ્દીથી બહાર લઈ જઈશ..' જ્યોર્જે વહાલથી ક્રેટીનો હાથ ચૂમીને કહ્યું.


"જાઓ પણ તમે જલ્દીથી પાછા આવજો..' ક્રેટી જ્યોર્જની આંખોમાં જોઈને બોલી.


"હા વ્હાલી.. તરત જ આવી જઈશ..' જ્યોર્જ હસીને ક્રેટી સામે જોઈ આંખ મીંચકારી અને ઝડપથી જામેલા બરફ ઉપર થઈને ગુફાની બહાર નીકળી ગયો.


જ્યોર્જ બહાર આવ્યો તો બહારની તાજી હવા એના શરીરમાં પ્રવેશતા જ શરીરમાં નવી તાજગી આવી ગઈ. બહાર આકાશ સ્વચ્છ હતું. સૂર્ય હવે પશ્ચિમ તરફ ઢળી રહ્યો હતો. ટાપુ પર હવે ક્યાંક ક્યાંક બરફ છવાયેલો દેખાઈ રહ્યો હતો. જ્યોર્જે આજુબાજુ જોયું તો એને કોઈ જોખમ દેખાયું નહીં એટલે એ બધાને બોલાવવા ગુફામાં પાછો ફર્યો. થોડી જ વારમાં બધા ગુફાની બહાર આવી ગયા. બહારની તાજી હવા મળતાની સાથે જ બધાના ચહેરા પ્રસન્નતાથી ખીલી ઉઠ્યા.


જ્યોર્જ બધાને લઈને આગળ વધ્યો. જે ટેકરી ઉપરથી પાણીનો ધોધ પડતો હતો બધા એ જગ્યાએ આવ્યા. આજે એ ટેકરી ઉપરથી પાણીના ધોધની સાથે ટેકરી ઉપરથી બરફના નાના-નાના ટુકડાઓ પણ પડી રહ્યા હતા. આવું ખુબ સુંદર અને રમણીય દ્રશ્ય જોઈને બધા ખુબ જ ખુશ થઈ ગયા.


"અરે વાહ..! આ બાજુ તો જુઓ..' ધોધથી થોડેક આગળ રહેલા સરોવરના પાણી ઉપર બરફના ટુકડાઓને તરતા જોઈને એન્જેલાએ ખુશી ભરેલી બુમ પાડી.


"કેટલું સુંદર અને રમણીય લાગી રહ્યું છે..' ક્રેટી પણ ભરપેટ વખાણ કરતા બોલી.


જ્યોર્જ અને પીટર પણ કુદરતના આ અદ્ભૂત નજારાને મુક્તમને માણી રહ્યા હતા. પીટર વિચારી રહ્યો હતો કે કુદરત પણ ક્યારેક તો પોતાની બધી જ સુંદરતા એક જ જગ્યાએ ઠાલવી દે છે.


"જ્યોર્જ પેલી બે ટેકરીઓ વચ્ચે સફેદ સફેદ દેખાઈ રહ્યું એ શું છે..' ક્રેટીએ અલ્સ પહાડની બે ટેકરીઓ તરફ પોતાની આંગળી લાંબી કરીને કહ્યું.


ક્રેટીએ આંગળી લાંબી કરી એ તરફ બધાનું ધ્યાન ગયું.


"જાણે બે ટેકરી વચ્ચે કોઈકે સફેદ લાકડી મૂકી દીધી હોય એવું લાગી રહ્યું છે.. એ શું હશે..?? એન્જેલા ક્રેટીની વાત સાંભળીને અલ્સ પહાડની બન્ને ટેકરીઓ વચ્ચે જોઈને બોલી.


"આ નવાઈ પમાડે એવું છે.. પણ જ્યોર્જ તું કેમ કંઈ બોલતો નથી.. કંઈક તો બોલ આ શું હોઈ શકે..? પીટરે નીચેથી એક બરફનો ટુકડો ઉઠાવ્યો અને પછી બે ટેકરીઓ સામે જોઈને જ્યોર્જને પૂછ્યું.


"મને તો ખબર છે કે એ શું છે..' જ્યોર્જ બધાની સામે જોઈને મીઠું હસતા બોલ્યો.


"તમને ખબર છે..?? તો પછી અમને કેમ નથી બતાવતા કે એ શું છે. અમે બધા ક્યારનાય એ શું હશે એના વિશે અટકળો લગાવી રહ્યા છીએ અને તમે બતાવતા જ નથી..' ક્રેટીએ મોંઢા ઉપર બનાવતી ગુસ્સો લાવીને જ્યોર્જ સામે જોતાં કહ્યું.


"મારી વ્હાલી રાજકુમારી.. કેમ ગુસ્સો કરે છે. હું તને બતાવતો જ હતો પણ તમે બધા એ સફેદ લાકડી જેવી વસ્તુ વિશે શું વિચારો છો એ મારે જાણવું હતું એટલે ના બતાવ્યું..' જ્યોર્જે ક્રેટીના રતુંબડા ગાલ ઉપર હળવી ટપલી મારતા કહ્યું.


"પણ હવે તો બતાવો હવે કોની રાહ જોઈ રહ્યા છો..' ક્રેટી ઉતાવળતાથી બોલી.


"તમને ખબર છે એક વાર આપણા કેપ્ટ્ન સાથીદારો સાથે ડ્યુગોંગ પ્રાણીનો પીછો કરતા કરતા અલ્સ પહાડની સૌથી ઊંચી ટેકરી ઉપર ગયા હતા.. અને ત્યાંથી તેઓ એ પ્રાણીનો પીછો કરતા કરતા આગળ જતાં હતા ત્યારે એક પથ્થરોનો બનેલો પુલ બે ટેકરીઓને જોડતો હતો એવી વાત એમણે આપણને કરી હતી એ તો બધાને ખબર જ છે ને..? ' ત્રણેય સામે જોઈને જ્યોર્જ બોલ્યો.


"હા.. પણ એ વાતને આની સાથે શું સબંધ છે..' ક્રેટીએ પ્રશ્ન કર્યો.


"આ બે ટેકરીઓ વચ્ચે જે સફેદ લાકડી જેવું દેખાય છે ને એ કેપ્ટ્ન અને આપણા સાથીદારો જે પુલ પર ગયા હતા એજ પુલ છે હમણાં એના ઉપર બરફ પડ્યો છે એટલે એ આપણને સફેદ દેખાઈ રહ્યો છે..' જ્યોર્જે પોતાની વાત પુરી કરતા કહ્યું.


"અરે વાહ.!!!! એ પુલ છે..' ક્રેટીના અવાજમાં અચરજ હતું.


"હા પુલ છે.. ચિંતા ના કર આપણા બધાના લગ્ન થઈ ગયા પછી ત્યાં આંટો મારી આવશું..' જ્યોર્જ ક્રેટી સામે જોઈને આંખ મીંચકારતા બોલ્યો. જ્યોર્જે આંખ મીંચકારી એટલે ક્રેટીએ પણ સામી આંખ મીંચકારી. ત્યાં અચાનક ક્રેટીનું ધ્યાન પીટર અને એન્જેલા પર ગયું. પીટર અને એન્જેલા જ્યોર્જ અને ક્રેટીને સામસામે આંખ મીંચકારાતા જોઈ રહ્યા હતા એટલે એ બન્ને હસી પડ્યા. ક્રેટી શરમથી મીઠું હસીને નીચું જોઈ ગઈ."જુઓ હવે કાલે આપણે સાવચેતી પૂર્વક અહીંયાથી આપણા સાથીદારોની શોધમાં નીકળવાનું છે.. આ કામ ઘણું કઠિન અને જોખમોથી ભરેલું છે. પણ આ જોખમો અને આપણા જીવની કિંમત કરતા આપણા સાથીદારોનું મૂલ્ય વધારે છે એટલે આજની રાત આપણે ગુફામાં જ વીતાવીશું પછી કાલે સવારે આપણી આગળની સફર શરૂ થશે..' જ્યોર્જ બધા સામે જોઈને મક્કમ અવાજે બોલ્યો.જ્યોર્જની વાત બધાએ ધ્યાન પૂર્વક સાંભળી. સાંજ થવા આવી હતી. સૂર્ય હવે અલ્સ પહાડની આગળની બાજુએ અસ્ત થઈ રહ્યો હતો. અંધારું થાય એ પહેલા બધાએ ગુફામાં પહોંચી જવુ હિતાવહ હતું. કારણ કે અલ્સ પહાડની આ બાજુના જોખમોથી તેઓ સાવ અજાણ હતા.

અદ્ભૂત કુદરતી સૌંદર્ય ઉપર છેલ્લી નજર નાખીને બધાએ ગુફામાં પાછા જવા માટે પગ ઉપાડયા. ખાવાની તો કંઈ ચિંતા જ નહોતી કારણ કે હજુ પણ ફળો અને કંદમૂળો પડ્યા હતા.
ગુફામાં સારી જગ્યા શોધીને બધાએ આજુબાજુ સાફ સફાઈ કરી ત્યારબાદ લાકડાઓ એકઠા કરીને અગ્નિ પેટાવ્યો. પછી ફળો અને કંદમૂળો ખાઈ પીટર અને એન્જેલા સૂઈ ગયા. જ્યોર્જ અને ક્રેટી પણ વાતો કરતા કરતા ઊંઘી ગયા.

આ ચાર સાહસિકોની આગળના દિવસથી અજાણ્યા પ્રદેશમાં પેલા તીર કામઠાવાળા અજીબ ટાપુવાસીઓના વિસ્તારમાં જોખમો ભરેલી સફર શરૂ થવાની હતી.

(ક્રમશ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED