ખુદથી ફરી પ્રેમ થઇ ગયો!
પ્રેમ થયો... ફરી પ્રેમ થયો....
જૂની લાગણીઓ સાથે,
જૂની યાદો સાથે,
એ હર એક પલ સાથે જેને નેવે મૂકી દીધા હતા અજાણ્યે,
ખરેખર તો પોતાની જાત સાથે જ!
સફળતાના શિખર પાર કરવા,
દોડતા જ રહ્યા નિરંતર,
બધું જ મેળવીને છતાંય જે ગુમાવ્યું,
એ પામી લીધું,
એ પ્રેમ પામ્યો જે અંતઃકરણમાં હજી સૂતો હતો!
જૂની એ પસ્તીના ઢગલામાંથી,
ચીતરેલા સ્વપ્નાં કાઢ્યા,
ને એને જીવંત કરવાની મોકળ માંડી,
ઘરના એ ખૂણાઓ જ્યાં બેસવા સમય નહોતો,
એ જ ખૂણાઓને ખુદના અહેસાસથી સિંચન કરવા,
એ ઘરનો સ્નેહ પામવા સમય મળ્યો!
પ્રેમ થઇ ગયો...
મને ખુદથી ફરી પ્રેમ થઇ ગયો!
.................................................
પ્રેમપત્ર
એ મીઠાશ ભરી વાચામાં,
સંવેદના હતી સુરમ્યતામાં,
અઢળક એ પૂર્ણ પ્રેમમાં,
છલકાતો અતૂટ લાગણીમાં,
અલય અવાક પાનામાં,
અક્ષરો અમથા આભામા,
લખાન લયબદ્ધ એમાં,
લાખો લગની ઉરમાં,
સમાયેલી જે છલકાય,
કલમ કેરી છટામાં!
પ્રેમની આ ભાષામાં,
કાગળના સમ તારામાં,
કલામના સમ તારામાં,
પત્રનાં સમ આપણામાં!
પહેલા પ્રેમની મધુરતામાં,
મૂક સંવાદનાં સગપણમાં,
બોલતી કલામની ગાથામાં,
પ્રેમપત્ર મારા સાટામાં!
...................................................
પાનખર
એ પાનખરમાં ખખડતા કોરા પાંદડાઓ,
ને એમાં તારી યાદ,
કોરી ખાય મારા એકલા અટુલા મનડાને!
ઠંડીમાં ઠુંઠવાઈને હવે નિરાશ,
બનીને એ પાનની વ્યથા,
નથી કોઈ સાંભળવા સક્ષમ,
તારી યાદોનું પણ એવુ જ કંઈક,
નથી કોઈને એની પરવાહ મુજ સિવાય,
નથી તને પણ હવે કદાચ!
તારી રાહ છતાં હું જોવું,
હર ઘડી હર પળ,
વસંતની બહારો સમ,
પાનખરની આ મોસમ ભલે આજે,
કાલે તારી યાદો સંગ વાસંતી ખીલાવશે!
તારી યાદોના સહારે સૂકા પાંદડાને,
રંગત લીલી છાયા સમ લાગશે!
........................................................
બચપણ
એ માસુમિયત રેલાતું,
એમાં મીઠી મસ્તી મોજતી,
નાં કોઈ ફિકર દિશાની,
નાં કોઈ ફિકર દશાની,
બસ અનોખી રમતો સંગ,
નિઃસ્વાર્થી રમાતી ચેષ્ટા,
નાની ચોકલેટમાં પણ ખુશી,
શોધી લેવાની અઢળખ!
રમતોના દાવમાં છપ્પો,
તો હાથ તાળી નવલખી.
નાં કોઈ સ્વાર્થ સગાનો,
નાં કોઈ દગો ભલાનો!
અલ્લડતા અનોખી દોસ્તો સંગ,
ભોળપણ રેલાતું સૌને રંગ!
................................................................
ચહેરો
એનો ચહેરો...જેને જોઈને દિલની દીવાલો તાજી થઇ જાય છે...
એનો ચહેરો...જેને વાંચીને આખું જીવન વંચાઈ જાય છે...
એનો ચહેરો...જેને જોયા વગર અધીરા અણસાર થાય છે....
એનો ચહેરો....જેની માયૂસી મનની માયા વિહ્વળ કરી જાય છે....
એનો ચહેરો... જેની ખુશીની આભ માત્રથી આત્મવિભોર થઇ જવાય છે...
એનો ચહેરો....જેનો થાક કાળજું કથડાવી કકડભૂસ કરી દે છે...
એનો ચહેરો....જેની ચંચળતા જિંદગીમાં ચાર ચાંદ લગાવી દે છે....
એનો ચહેરો.....જેની હાજરી માત્રથી દિલને ટાઢકનો ટળવળાટ સમેટી લે છે...
...............................................................................................
કોફી
આજે પણ યાદ છે એ કોફીનો સ્વાદ,
જે તારી જોડે પીધી હતી પહેલી મુલાકાતમાં,
એથીય વધારે યાદ તારો મધુરો સંગ,
પહેલી નજરનો પ્રેમ,
ને તેમાંય રોમાન્સ ભેળવતી કોફી!
સામસામે બેસી હાથમા હાથ,
આંખોમાં આંખો પરોવાયેલી ઘડીઓ,
ને પ્રેમના ઈઝહારની એ ઘડીની,
માત્ર એ કોફી જ મિસાલ છે!
હજીય આપણાં એ સંભારણા,
એની ઝલક સવારે કોફી સંગ,
તારી સાથે માણેલી એ ચુસ્કી,
રોજ તાજા કરાવે છે!
આજેય તું એ જ છે,
હું પણ એ જ છું,
ને એ કોફી પણ એ જ છે,
માત્ર એ સાંજની વેળા પલટાઈ,
સવારમાં સ્થાન પામી છે!
.....................................................
આશાનું કિરણ....
કશુ ન'તું જીંદગીમાં હવે,
માત્ર ને માત્ર ઘોર અંધકાર,
સફળતાની હરેક કેડી,
એમાં હાજર ગાબડાં,
અંધકાર રેલાતી રેલીમાં,
અજવાળું ક્યાંય ન પમાય!
નિષ્ફળતાનાં નિશાસા,
માત્ર એક ઉપાય.
શું કરું ને શું ન કરું?
અવઢવ અપરંપાર,
નાં કોઈ રાહ ને કોઈ સહાય,
ઉકળતા આભમાં હું અસહાય,
નીતરતી આંખમાં પરસેવા,
ને પરિશ્રમના પાઠ લેવા,
ઉધામા અંત ઉપાય!
દોઢધામ કરી મહેનતે,
અથાગ થાક છતાંય,
હિંમત નથી હરાય,
છેવટે એક નાનું શું કિરણ ,
ઉજ્જવળ દેખાડે આશ!