પ્રકરણ ૧૧
“ સારું થયું તું આવી ચાલ… કાકીમાં કદાચ મારે ઘરે જ ગયા છે " પ્રેમ ઝડપથી ચાલવા લાગ્યો. તે ચાલતાં ચાલતાં જ રાધિકા ને કહી રહ્યો હતો. રાધિકા પણ તેની પાછળ દોરવાઈ. એ બંને સામેના એપાર્ટમેન્ટમાં પ્રવેશ્યા ત્યાં જ સુમન બહેન તેઓને લિફ્ટના દરવાજા પાસે દેખાયા. તેઓ પૂજા સાથે બહાર નીકળી રહ્યાં હતા. પૂજા પુરે પુરી રીતે સુમન બહેનના ટેકે ઉભી હતી. સુમન બહેન એ સાડી નો છેડો કમર પર ખોંસેલો હતો. તેમનાં કપાળ પર પરસેવાના બુંદો જામી ગયા હતા તેઓ પૂજા ને ધીરેથી બહાર લાવી રહ્યા હતા. આ જોઈ રાધિકા અને પ્રેમ બંને તેમની પાસે પહુંચી ગયા.
“ કાકી પૂજા તમારી સાથે…? કેવી રીતે…? એ પણ આમ કેમ..." પ્રેમ એ પૂજાને આ હાલતમાં જોઈ થોડો ચિંતામાં આવી ગયો તેનું મગજ જાણે કામ કરતું બંધ થઈ જશે એવું એને લાગ્યું. એ માત્ર પૂજાને જોઈ રહ્યો.
પૂજાની સાડી નો છેડો પીનથી ભરવેલો હતો જે અત્યારે લટકી રહ્યો હતો. વાળમાં ભરાવેલ બેન્ડ પણ અત્યારે ઢીલું થઈ ગયું હતું તેમાંથી થોડી લટો ચહેરા પર આવી ગઈ હતી તેની આંખ બંધ હતી છતાંયે ચહેરા પર એ જ સોમ્યતા હતી.
“ પ્રેમ આ લે…” સુમન બહેન પૂજાના ખંભા પર રાખેલા હાથની આંગળીમાં પરોવેલી ચાવીઓમાંથી ગાડીની ચાવી પ્રેમના હાથ તરફ લંબાવી.
“ તું ઝડપથી ગાડી બહાર લઈ લે... ” પ્રેમ એ સાંભળ્યું તેવું તેના ચહેરા પરથી દેખાઈ રહ્યું હતું પરંતુ તેણે હાથમાંથી ચાવી લીધી નહિ. તે એકી નજરે પૂજાના ચહેરા તરફ જોઈ રહ્યો હતો. તેની બંધ આંખો અને તેનું શરીર સંપૂર્ણપણે સુમન બહેન પર આધારિત હતું જો સુમન બહેન ખસી જાય તો તે એક પૂતળી ની માફક નીચે પડી જાય એમ હતી. આ જોઈ પ્રેમના હાથપગ ઠંડા પડવા લાગ્યા હતા.
" પ્રેમ ... સાંભળે છે " સુમન બહેન એ જોરથી ચીસ પાડી. આ જોઈ રાધિકાએ તેમનાં હાથમાંથી ચાવી લઈ લીધી અને કાર તરફ દોડી.
પ્રેમ ને સુમન બહેન ની રાડથી કંઈ અસર દેખાઈ નહિ તે હજુ પૂજાને એમજ જોઈ રહ્યો હતો. પહાડની જેમ સદાય અડગ રહેનારો પ્રેમ આજ જાણે સાવ જમીન પર બેસી ગયો હતો.
રાધિકાએ ગાડી ટર્ન કરી અને પૂજા પાસે લઈ આવી.
સુમન બહેન એ બીજા હાથે પ્રેમનો હાથ પકડી હચમચવ્યો. તે અચાનક સપનામાં થી જાગ્યો હોય તેમ બોલ્યો " હં..." તેણે બંને હથેળીઓ ચહેરા પર ઘસી.
" પ્રેમ મદદ કર... " પ્રેમ પૂજાને તરત જ તેડીને ગાડીમાં બેસાડી. બીજી તરફ થી સુમન બહેન બેસ્યા અને ફરી પૂજાને પોતાના ટેકે લઈ લીધી. પ્રેમ આગળ બેસ્યા પછી રાધિકા એ ગાડી મારી મૂકી. તે ગલીમાંથી નીકળીગયા હતા. મેઇન રોડ પર પહુંચ્યા પછી પણ ગાડીની ઝડપ યથાવત જોઈ સુમન બહેન એ તેણે ટોકી.
“ રાધી જરા ધીમે ચલાવ.” તેણે સ્પીડ ઓછી કરી.
પ્રેમ હવે થોડો હાલની પરિસ્થિતિમાં આવ્યો હતો.તેનું મગજ હવે આ બધી ઘટનાઓને વિચારતું થયું હતું.
પૂજા કાકીને કેવી રીતે મળી જ્યારે એણે તો જાતે બધી જગ્યા એ પૂજા ને તપાસી હતી. થોડી વારની મથામણ પછી તેને પૂછી જ નાખ્યું.
“ કાકી પૂજા તમારી પાસે કઈ રીતે પહુંચી...?”
“ એ રસોડાં માંથી..” સુમન બહેન આગળ બોલવા જાય એ પહેલાં જ ગાડીની નજીકથી જાણે ફટાકડો ફૂટ્યો હોય તેવો અવાજ આવ્યો. તેમને પૂજાને વધુ કસીને પકડી લીધી. રાધિકાએ ગાડી રોડની સાઈડમાં ઉભી રાખી. તેણે નીચે ઉતરીને જોયું તો પાછલા ટાયર માં પંચર નીકળ્યું. પ્રેમ પણ તેની પાછળ ઉતર્યો. તે બંને જણ એકબીજાની સામું અને ત્યાર પછી ટાયરની સામું જોઈ રહ્યા હતા.
સુમન બહેન એ બારીનો કાચ ખોલતા પૂછ્યું " શું થયું...? " તેથી રાધિકા તેમની પાસે ગઈ.
"કંઈ નથી થયું મમ્મી... તમે ચિંતા નહી કરો મારો ફોન છે ને તમારી પાસે... એ આપો " તેમને રાધિકાને ફોન આપ્યો અને રાધિકા ગાડીથી થોડી દૂર ચાલી ગઈ.
" પ્રેમ શું થયું મને કહેશો ..." સુમન બહેન એ બારીની બહાર જોતા કહ્યું. પ્રેમ ગાડીની પેલી સાઈડ થી તેમની વિન્ડો તરફ આવી રહ્યો હતો
" રાધિકા આ ફોન મચેડવાનો સમય નથી..." તેમને રાધિકા જે દિશામાં ઉભી હતી તે દિશામાં જોઈ બોલ્યા
" કાકીમાં ગાડીમાં પંચર થઈ ગયું છે" પ્રેમએ તેમની પાસે આવી અને કહ્યું.
" હે નાથ આ શું થવા બેઠું છે." સુમન બહેન એ મનોમન ભગવાન ને પ્રાર્થના કરી
પ્રેમ આજુ બાજુ જોઈ રહ્યો હતો કોઈ રીક્ષા કે ગાડી માટે પણ કોઈ હતું નહી.
" પ્રેમ હવે શું થશે… આપણે કેવી રીતે જઈશું … અત્યારે તો કોઈ રીક્ષા પણ નહિ મળે " સુમન બહેન બોલ્યા
“ તમે ચિંતા નહિ કરો કાકીમાં... હું જાઉં છું આગળ ચાર રસ્તા છે ત્યાંથી કદાચ કોઈ વાહન મળી જશે. ” આટલું કહી પ્રેમ ત્યાંથી આગળ ચાલવા જતો જ હતો પરંતુ રાધિકા એ બૂમ પાડી તેને રોક્યો અને તેને કહ્યું
“ પ્રેમ ભાઈ તમે ચિંતા નહિ કરો મે ઓનલાઇન બુકિંગ કરાવી દસ થી વીસ મિનિટમાં ટેક્સી આવી જશે. ત્યાં સુધી આગળ જોઈ લઈએ"
“ નહીં રાધી... તું અહીં રહે કાકી પાસે હું જાઉં છું. આગળ ચાર રસ્તા છે કદાચ ત્યાં કોઈ હશે " પ્રેમ ત્યાંથી ચાર રસ્તા તરફ ઝડપથી ચાલવા લાગ્યો.
તે વારે વારે પાછળ જોઈ રહ્યો હતો. પૂજા તેના દરેક દુઃખમાં તેનો સાથ આપ્યો હતો. તેની નાના માં નાની જરૂરિયાતનો ખ્યાલ રાખ્યો હતો આજ એ પત્નીને જરૂર હતી માટે તે કોઈ પણ ભોગે પાછળ હટવા માંગતો ના હતો. તે ચાર રસ્તે પહોંચ્યો ત્યાં સુધીમાં તેને પરસેવે નહાઈ ચૂક્યો હતો. તેણે ચારેય તરફ નજર ફેરવી પણ કોઈ દેખાઈ રહ્યું ન હતું. તે ખરેખર આ ક્ષણે પોતાની જાતને બહું લાચાર મહેસૂસ કરી રહ્યો હતો. તે દૂરથી પોતાની ગાડી ને જોઈ રહ્યો હતો. એવામાં એને ખંભે એક હાથ મુકાયો. પ્રેમ એ પાછળ ફરીને જોયું.
“ તેજ…! “
“ હા... ભાઈ પણ તમે અહીંયા…!” તે પેલા છોકરાને ઓળખતો હતો. ગ્રે ડેનિમ અને બ્લેક શર્ટ માં હીરો જેવો દેખાઈ રહેલો એ છોકરો પ્રેમ માટે પણ એ અત્યારે હીરો બનીને આવ્યો હતો.
“ તેજ તું ગાડી લઈને આવ્યો છે …?" અત્યારે તેને માત્ર પૂજા અને તેના આવનાર બાળકની ચિંતા હતી. તેથી તેણે બધા વ્યવહારો ભૂલીને સીધું જ પૂછી નાખ્યું.
“ હા પણ થયું છે શું એ તો કહો ગાડી તો આ રહી " તેણે આંગળીથી ઈશારો કર્યો રોડની સામેની સાઈડ ગાડી પડી હતી.
“ સમજવાનો ટાઈમ નથી તેજ જો પેલી ગાડી પાસે ક્રીમ કલર ના ડ્રેસ પહેરીને છોકરી દેખાઈ રહી છે... ત્યાં મારી ગાડી છે.
તું સામેથી ટર્ન લઈ અને ત્યાં પહોંચ હું પણ ત્યાં પહુંચું છું " પેલા છોકરાને કશું સમજાયું નહિ તેથી તે પોતાની ગાડી તરફ ઝડપથી દોડ્યો ગાડી લઈ અને પ્રેમ પહુંચે એ પહેલાં પેલો છોકરો ત્યાં પહુંચી ગયો હતો. તે કારમાંથી નીચે ઊતર્યો ત્યાં સુધીમાં પ્રેમ પણ આવી ગયો. તેણે તરત જ પૂજાને પેલા છોકરાની ગાડીમાં બેસાડી દીધી પેલો છોકરો આખી પરિસ્થિતિ સમજી ગયો હતો તેથી તેણે કોઈને ફોન લગાવ્યો. બીજી તરફ પ્રેમ વિચારમાં પડ્યો કે ગાડીમાં તો ચાર જ જણ આવી શકશે. તે રાધિકા તરફ આગળ વધ્યો.
" રાધિકા કારની ચાવી આપ અને તું જા એમની જોડે " પ્રેમ એ કહ્યું
" ના ભાઈ અત્યારે ત્યાં તમારી જરૂર છે તમે જાવ હું કારને રેપેરિંગ કરવા આપી અને ઘરે જતી રહીશ ... આમ પણ મે ટેક્સી બુક કરી જ છે " રાધિકા એ કહ્યું
" પણ રાધિકા હું તને આમ કેવી રીતે એકલી મૂકી શકું કાકીમાં સમજાવોને આને" સુમન બહેન પ્રેમની કાર માંથી બીજી કારમાં ગોઠવાઈ રહ્યાં હતાં.
" પ્રેમ તું સમજ તું જલ્દીથી અહીંયા આવ ... રાધિકા બધું સંભાળી લેશે " સુમન બહેન ના અવાજમાં કડકાઈ ભળી
" પ્રેમ એ રાધિકાના માથા પર હાથ મૂક્યો સોરી બહેન આજ..." તે આગળ બોલવા જાઈ તે પહેલાં જ રાધિકા એ પ્રેમને અટકાવ્યો.
" ભાઈ તમે ઝડપ કરો ... આ મારો મોબાઈલ મમ્મીને આપી દો કદાચ જરૂર પડશે." તે રાધિકાને બે સેકન્ડ માટે જોઈ રહ્યો. આ પરિસ્થિતિમાં પણ તે આટલું દૂરનું વિચારી શકતી હતી એ પણ બીજા માટે.
પેલો છોકરો પ્રેમ ને જોઈ રહ્યો હતો. તે સમજવાની કોશિશ કરી રહ્યો હતો કે એવું તે કોણ હશે જે એની પત્ની જેટલું જ મહત્વનું છે અરે હા એમને બહેન પણ છે. પણ એ તો નાની છે તો પછી આ છોકરી કોણ હશે તેને ચહેરો જોવાની કોશિષ કરી પણ પ્રેમ તેની સામે ઊભેલો હોવાથી દેખાયો નહિ. તે જેવો હટ્યો બરાબર એ જ ક્ષણે તેનો ફોન રણક્યો. તેણે કૉલ ઉપાડ્યો.
" હા ભાઈ... છે ભાભી ત્યાં...? " તે છોકરાએ ફોન પર વાત કરી રહ્યો હતો ત્યારે પ્રેમ ગાડીની અંદર પ્રવેશી ચૂક્યો હતો. તેમની પાસે હવે સમય ના હતો તેથી તેણે ફોન સ્પીકર પર કરી ગાડી ચલાવવા માંડી .
" હા ok ... તું નામ નોંધાવી આપ " તેણે પ્રેમ સામે જોયું અને પાછળની સીટ તરફ અંગૂઠાથી ઈશારો કર્યો તે પૂજાનું નામ પૂછી રહ્યો હતો પરંતુ એ ઈશારો પ્રેમ સમજી શક્યો નહી. એ આખી વાત પાછળ બેઠેલા સુમન બહેન સમજી ગયા.
" પૂજા પિયુષ મોનાણી " તેઓ એ કહ્યું અને પેલા છોકરાએ એ નામ દોહરાવ્યું ત્યાર પછી બે મિનિટ સુધી તે તેની સાથે હોસ્પિટલની કંઇક વાત કરી રહ્યો હતો. પ્રેમને હવે તેના ઈશરાઓનો મતલબ સમજાઈ રહ્યો હતો. કૉલ પતાવ્યા પછી તેને કહ્યું
" પ્રેમ ભાઈ મારો ફ્રેન્ડ છે એમના વાઇફ ત્યાંના પિડિયાટ્રિશિયન છે માટે આપણને થોડી મદદ મળી રહેશે " તે ગાડી ચલાવતા ચલાવતા જ પ્રેમને કઈ રહ્યો હતો.
" તેજ મને તો ખબર નથી પડતી કે કઈ રીતે તારો આભાર માનું " પ્રેમ એ બે હાથ જોડતા અને કહ્યું
" ભાઈ એમાં આભાર શું માનવાનો મારી મમ્મીની તમે ખૂબ હેલ્પ કરો છો આ તો તેની સામે કંઈ નથી" તેજ એ કહ્યું
ખરેખર જોવા જઈએ તો એની વાત સાચી હતી તેજ ના મમ્મી એ ઘરેણાં ની ડીઝાઈન માટેનું ભણેલા હતા. તેથી તેને કોઈના એ બનાવેલા ઘરેણાં ગમતા નહી. તેઓ રાજકોટ રહેવા આવ્યા ત્યારે મોટા મોટા જ્વેલર્સ ની કોપીરાઇટ કરેલી ડીઝાઇન પણ તેઓને ગમતી નહિ સ્પેશિયલ ઓર્ડર આપીને બનાવડાવેલી ડિઝાઈનો માં પણ કંઇક ને કંઇક ચૂક રહી જતી અને એ શોભના બહેન ને નજરમાં આવી જતું. એવા માં તેઓને પ્રેમનું કામ ગમ્યું. એટલું જ નહી બીજા સોનીઓ કરતા તેના ભાવમાં પણ સારો એવો ફેર એમને દેખાયો. પ્રેમની ઈમાનદારી અને ખુદ્દારીથી માત્ર એ જ નહિ પરંતુ તેમના પતિ તન્ના સાહેબ પણ પ્રભાવિત થયા હતા. તેઓ ૪ વર્ષ પહેલાં જ રાજકોટ શહેરમાં આવ્યા હતા. તેઓ મુંબઈમાં આવેલ ગાંધી સંકુલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી રહ્યાં હતાં તેઓનું કામ જોઈ અને તેમને કેમ્પસ ડાયરેકટર બનાવવાનું ટ્રસ્ટીઓ એ નક્કી કર્યું હતું પરંતુ સામે તન્ના સાહેબની શરત હતી કે તે ગાંધી સંકુલની ગુજરાતમાં આવેલી શાખામાં જવા માંગતા હતા. તેઓને તેમનાં વતન પાછા ફરવું હતું. તેઓ મૂળ અમદાવાદના હતા પરંતુ ત્યાં એ પોસ્ટ ખાલી થઈ શકે એમ ન હતી તેથી તેઓની નિયુક્તિ રાજકોટ ખાતે કરવામાં આવી હતી. પ્રેમ અત્યારે પણ તેજને જોઈ અને વિચારી રહ્યો હતો કે મમ્મી પપ્પા થી દુર રહેવા છતાંય તેણે સબંધો ની કેટલી કદર હતી નહીતો તે હજુ છ મહિના પહેલાં જ ભારત આવ્યો હતો અને પ્રેમને કદાચ એક જ વાર મળ્યો હતો તો પણ એ અત્યારે એની મદદ કરી રહ્યો હતો.
પ્રેમ વારે વારે પાછળ ફરી પૂજાને જોઈ રહ્યો હતો. આ બધું તેજની નજરથી છાનું ના હતું.
" ભાઈ તમે ચિંતા નહિ કરો બધું ઠીક થઈ જશે " તેજ એ પ્રેમને આશ્વાશન આપતા કહ્યું." પ્રેમ ગાડીની બહાર જોવા લાગ્યો કે અચાનક જ તેણે પોતાના હાથમાં રાધિકાનો મોબાઈલ જોયો. તેણે તરત જ પાછળ બેઠેલા સુમન બહેન તરફ મોબાઈલ લંબાવ્યો અને તેમને તે મોબાઈલ લઈ લીધો. તેઓ આગળ વાત કરે તે પહેલા જ ગાડી હોસ્પિટલના મેઇન ગેઇટમાં પ્રવેશી ચૂકી હતી. તેજ એ ગાડી સીધી જ ત્યાંના અંદર જવા માટેના પગથિયાં પાસે ઊભી રાખી. અને ત્યાં બેઠેલા વોર્ડ બોયને કહ્યું. "ડૉ ફાલ્ગુની" આટલું સાંભળતા જ બે જણા જલ્દી થી સ્ટ્રેચર લઈ આવ્યા. પ્રેમ એ પૂજા ને ગાડી માંથી બહાર કાઢી અને સ્ટ્રેચર પર સુવડાવી કે તરત જ પેલા બંને બોય સ્ટ્રેચર ઝડપથી ચાલવા લાગ્યા. પ્રેમ અને સુમન બહેન પણ તેની પાછળ દોરવાયા. તેજ એ ત્રણેને જતા જોઈ ગાડી પાર્ક કરવા ગયો.
પેલા બંને બોય પૂજા ને ઇમરજન્સી વોર્ડમાં શિફ્ટ કરી અને ચાલ્યા ગયા. સુમન બહેન અને પ્રેમ એ બંને બહાર ઊભા હતા. તે વોર્ડમાંથી એક નર્સ બહાર આવી અને તેને પૂછ્યું
" ડૉકટર મહેતાના પેશન્ટ છો આપ...?"
સુમન બહેન અને પ્રેમ બંને એકબીજા સામે જોઈ રહ્યા હતા. પ્રેમને સમજણ પડી નહિ તે પૂજા ભેગો જતો ખરો પણ ભાગ્યેજ કોઈ ડૉકટર નું નામ પૂછતો તેથી તેમને સુમન બહેન સામે જોયું કેમ કે તેઓ ઘણી વાર પૂજા સાથે જતા.
" નહિ તો ..." સુમન બહેન એ પ્રેમ સામે જોઈને કહ્યું તે બંનેના. આવા હાવભાવ જોઈ નર્સ એ આગળના ઇન્સ્ટ્રકશન આપવા માંડ્યા
" તમે જલ્દીથી રિસેપ્શન ડેસ્ક પરથી પેશન્ટ ની ફાઈલ બનાવડાવી આવો ડૉકટર હમણાં આવશે એવા તેઓ તરત જ ફાઈલ માંગશે ... અને તમે પણ આમની સાથે છો ...?" નર્સ એ સુમન બહેન તરફ જોઈને પૂછ્યું "
" જી ... "
" તો તમે અંદર આવી શકો છો " આટલું કહી તે નર્સ અંદર ચાલી ગઈ.
" કાકીમાં હું જાઉં છું ફાઈલ બનાવડાવી આવું ...! જો એટલી વારમાં કંઈ પણ કામ પડે ફોન કરજો "
" હા દીકરા હું અંદર જઈ રહી છું " તે બંને છુટા પડ્યા પ્રેમ રિસેપ્શન ડેસ્ક પર પહૂંચ્યો.
" ફાઈલ બનાવડાવવા કહ્યું છે " ત્યાં બેઠેલી યુવતીને પ્રેમ એ કહ્યું.
" જી નામ બોલો " પેલી યુવતી એ કહ્યું
" પૂજા પિયુષ મોનાણી... " આ નામ સાંભળી પેલી યુવતી એ ફરી નામ પૂછ્યું પ્રેમ એ નામ ફરી દોહરાવ્યું
" તમે ડૉ. મહેતાના પેશન્ટ છો ...? " પ્રેમ વિચારમાં પડ્યો આ જ પ્રશ્ન તેણે થોડી વાર પહેલાં નર્સ એ પણ પૂછેલો. તે આગળ કશું બોલવા જાય એ પહેલાં જ તેજ એ પેલી યુવતી તરફ જોઈ અને કહ્યું " યેસ ડૉ. ફાલ્ગુની મહેતા "
" તો એમની ફાઈલ ફાલ્ગુની મેડમ સુધી પહુંચી ગઈ છે આપ તેમને માત્ર જાણ કરી દો કે આપ આવી ગયા છો તેઓ પહેલાં માળે હશે "
" જી... થેંક યુ " પ્રેમ અને તેજ બંને ચાલતાં થયા તેઓ સીડીઓ ચડી રહ્યા હતા " પ્રેમ ભાઈ એમનું નામ ડૉ. ફાલ્ગુની મહેતા છે અને મારા મિત્રના વાઇફ છે તેથી આપણને મદદ મળી રહેશે " પ્રેમ તેજની વાત સાંભળી રહ્યો હતો. તેઓ બંને સીડીઓ ચડી પહેલાં માળે પહોંચ્યા હતા . તેઓ આગળ વધે એ પહેલાં જ તેને પાછળથી કોઈ સ્ત્રી એ બૂમ પાડી.
" એસ્ક્યુઝ મી... " પંજાબી ડ્રેસમાં સજ્જ તે સ્ત્રી કોઈ નર્સ સાથે ઊભેલી હતી. પેલી સ્ત્રી ડૉકટર જેવું એપ્રોન પહેરી રહી હતી. તેને શૃંગાર પરથી એવું લાગી રહ્યું હતું કે તેનું ગૃહસ્થ જીવન થોડા દિવસો પહેલા જ શરૂ થયું છે તેના હાથમાં ઢગલો બંગડીઓ હતી જે અત્યારે રાણકી રહી હતી. એપ્રોન પહેરાય ગયા બાદ તેની નજીક ઊભેલી નર્સ પાસેથી સ્ટેથોસ્કોપ અને ફાઈલ બંને લઇ લીધુ.
" કેમ ઓળખાણ ના પડીને તેજસ ભાઈ...? "
" નહિ તો ...! " તેણે પેલી સ્ત્રી નો ચહેરો ધ્યાનથી જોયો
" ઓહ્ ફાલ્ગુની ભાભી સોરી ...."
" અરછા... તમને તો હું પછી જોઈ લઈશ હાલ તો તમે નીચે ચાલો હું પણ તમારી જોડે આવેલા પેશન્ટ પાસે જ જાઉં છુ"
તે પ્રેમ અને તેજ બંને ના મુકાબલે ઝડપથી ચાલી રહી હતી. તમે બંને અહીં જ રોકાવ હું આવું છું થોડી વારમાં તે સીધી જ ઇમરજન્સી વોર્ડમાં અંદર ચાલી ગઈ.
પ્રેમ ત્યાં જ અદબ વાળી અને દિવાલના ટેકે ઊભો રહી ગયો. તે બહુ ઊંડા વિચારોમાં હોય તેવું તેજ ને લાગી રહ્યું હતું થોડી મિનિટો સુધી તેજ એ જોયા કર્યું પરંતુ પ્રેમ માં કોઈ પણ પ્રકારનું હલાં ચલન ન જોતા તે એની પાસે ગયો અને લગભગ ખેંચીને રૂમની બહાર રાખેલી જોઇન્ટ ખુરશી પર બેસાડ્યો.
" ભાઈ તમે શુ કામ આટલા વિચાર કરો છો ભાભી એકદમ ઠીક થઈ જશે ... કેમ આટલા નબળા પડી રહ્યા છો "
" તેજ ... પૂજા ઠીક તો થઈ જશે ને ...? " પ્રેમ ને જાણે તેજસ એ કહેલી વાત સમજાઈ જ ના હોય તેમ તેણે નિર્દોષતા થી ફરી પૂછ્યું
" હા ભાઈ ભાભી એકદમ ઠીક થઈ જશે ફાલ્ગુની ભાભી એ સારા ડૉકટર ની સાથે સાથે મારા મિત્રના પણ વાઇફ છે તેથી તેઓ બરાબર ધ્યાન આપશે."
" તેજ તારું ઋણ હું કઈ રીતે ચૂંકવી શકીશ " તેના અંદરથી અત્યારે એક પતિ કહી રહ્યો હતો. તે બંને વાતો કરી રહ્યા હતા તેવામાં વોર્ડમાંથી બે ડૉકટર બહાર આવ્યા. જેમાંની એક ફાલ્ગુની હતી. તેઓને બહાર આવતા જોઈ પ્રેમ અને તેજ બંને ઊભા થઈ ગયા.
" જી ડૉ. મમતા તમે ત્યાં પહોંચો હું એમને લઈને આવું છું "
" ડૉ. પૂજા ને સારું છે ને .... ? "
" જી... તમે એમના હસબન્ડ છો ? "
" જી "
" તો તમે મારી જોડે આવો કેસ વિશે થોડી વાત કરવી છે... તેજસ ભાઈ આજે તો તમે બચી ગયાં પછી નિરાંતે તમને જોઈ લઈશ હાલ તો તમે આ લેતા આવો. અત્યારે તો એની જરૂર નહિ પડે પરંતુ બે કલાક પછી જોઈશે " તેણે એપ્રોન ના ખિસ્સા માંથી એક કાગળ આપ્યો.
" જી... લાવો " તેજ એ તે કાગળ લઈ લીધો અને તે અને પ્રેમ બંને ત્યાંથી ચાલ્યા ગયા. તેમના ગયા પછી તેજ એ કાચના દરવાજામાંથી એક વાર અંદર જોઈ લીધુ.
પૂજા બેડ પર સૂતી હતી તેના હાથમાં સોઈ ખોંસેલી હતી જેમાંથી એક નડી પસાર થઈ અને ઊંઘી લટકાવેલી ગ્લુકોઝની બોટલ તરફ જઈ રહી હતી. તેની બાજુના સ્ટૂલ પર સુમન બહેન બેઠેલા હતા આ જોઈ તેજ પણ પેલી ખુરશી પર બેસી ગયો. તે અડધી કલાક પહેલા બનેલી ઘટનાઓ વિશે વિચારી રહ્યો હતો. તે થોડી મિનિટો સુધી એમજ વિચારતો રહ્યો. તે જ્યારે બહાર આવ્યો ત્યારે સામેના રૂમનો દરવાજો ખુલ્લો હતો. એમની સાથે આવેલા પેલા બહેન આમ તેમ જોઈ રહ્યા હતા તેથી તે ઊભો થઈ એમની પાસે ગયો. સુમન બહેન એ પણ તેની સામે જોયું
" આન્ટી પ્રેમ ભાઈ ને શોધી રહ્યા છો ...?"
"જી ..."
" તેઓ ડૉકટર સાથે ગયા છે કેસ ડીસ્કસ કરવા માટે એ હમણાં આવતા જ હશે" સુમન બહેન થોડો સંકોચ અનુભવી રહ્યા હતા. જે તેજ થી છાનું ના રહી શક્યું. તેથી તેણે જ પૂછી નાખ્યું. " આન્ટી કંઈ કામ હતું... ?"
તેના પૂછ્યા પછી પણ સુમન બહેન વિચારી રહ્યા હતા કે કેમ પૂછવું આ અજાણ્યા છોકરાને થોડી ક્ષણ વિચાર કર્યા બાદ તેમને પૂછ્યું " તમે મને એક મદદ કરી શકશો ...?"
" હા બોલોને આન્ટી ... પૂજા ભાભી તો ઠીક છે ને "
" હા એ તો ઠીક છે મારે તમારાથી આ ... " તેઓ વરચે જ અટકી ગયા
" આન્ટી તમે મને તમે નહિ કહો હું પ્રેમ ભાઈ કરતા પણ નાનો છું ઉંમરમાં " સુમન બહેન ના ચહેરા પર સ્મિત આવી ગયું તેની આ મજાક જોઈ અને તેમને લાગ્યું કે પોતાને હવે આ વાત પૂછવામાં કંઈ વાંધો નહિ
" જી મારે એક ફોન કરવો હતો " આટલું સાંભળતા જ તેજ એ પોતાના ડેનિમ ના ફ્રન્ટ પોકેટ માંથી મોબાઈલ કાઢી અને આપ્યો
" મોબાઈલ તો મારી જોડે છે પણ મારાથી તેનો લોક નથી ખુલી રહ્યો" તેણે રાધિકાનો મોબાઈલ તેજ ને બતાવ્યો " તો એ તમે ખોલી આપશો " સુમન બહેન તેજના હાથમાં ફોન આપ્યો.
" જી ... " તેજ એ લોક સ્ક્રીન પર રહેલો ફોટો જોઈ રહ્યો જેમાં ત્રણ છોકરીઓ હસી રહી હતી. તેણે સ્વાઈપ કર્યું અને ફોન ખુલી ગયો પરંતુ તેને ફોન પરત કર્યો નહિ તેનું કારણ માત્ર એટલું જ હતું કે હોમ સ્ક્રીન પરના વૉલપેપરમા એ હિંડોળા પર જુલી રહેલી છોકરીની બ્રાઉન આંખો એ તેજને મોહિત કરી દીધો હતો. સુમન બહેન તેજની સામે જોઈ અને ફરી કહ્યું...
" દીકરા તમે મને ફોન પણ કરી આપશો...? "
" જી આન્ટી જી" તેની ચોરી જાણે પકડાઈ ગઈ હોય તેમ તે થોડીક ક્ષણો માટે અસ્વસ્થ થઈ ગયો.
" તમે તેમાં રાજકોટનો લેન્ડ લાઈન કોડ નાખો નંબર તો કદાચ મારા ઘરનો નંબર પણ તેમાંથી મળી જશે "
તેજ એ કોડ નાખ્યો અને તેમાં નીચે લખાયેલું આવ્યું " માય સ્વીટ હોમ " લખાયેલો કોન્ટેક્ટ ડિસ્પ્લે થયો એ કોન્ટેક્ટ પર એક બંગલાનો ફોટો પણ રાખવામાં આવ્યો હતો તેણે તે નંબર પર ફોન લગાવ્યો.
" લ્યો આન્ટી રીંગ જઈ રહી છે " સુમન બહેન ફોન લેવા જાય એ પહેલાં જ નર્સ એ અંદરથી બૂમ પાડી. તેથી સુમન બહેન અંદર ચાલ્યા ગયા.
તેજ એ ફોન કાને લગાવ્યો સામે થી કોઈ છોકરી બોલી
" હેલ્લો "
( ક્રમશઃ )