હકારાત્મકતા Mahesh Vegad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હકારાત્મકતા

ફરી એકવાર નવી વાતો અને નવા ચર્ચાના મુદ્દા સાથે આપણે રૂબરૂ થયે , આ વખતે આપણે વર્તમાન પરિસ્થિતિ અને વિશ્વવ્યાપી બની ગયેલી મહામારી કોરોના કાળમાં લોકોમાં આવેલ હતાશા – નિરાશા માંથી બહાર લાવવા માટે હું તમારા સમક્ષ થોડી હકારાત્મક (પોઝિટીવ) વાતો લઈને આવ્યો છું આ વાતો તમારા જીવનમાં પ્રેરણાદાયી હકારાત્મકતા લાવવા માટે ખુબ ઉપયોગી થાશે.

“ શબ્દોની સમજ ”
કોઈનો ન્યાય કરવા બેસો ત્યારે બોલવામાં ધ્યાન રાખજો.શબ્દો શક્તિશાળી શસ્ત્રો છે જેને કારણે અનેક મહાભારત સર્જાય છે . તમારી જીભને કારણે સામો માણસ ગમાર – અભણ લાગે એવું તો ન જ કરો . તમારા મોટે મોઢે સામો માણસ નાનો લાગે એવું કયારે પણ કરશો નહિ. એક કઠોર શબ્દ એક ધારદાર વાગ્બાણ કોઈના દિલને લાંબા સમય સુધી કોતર્યા કરશે અને મૂકી જશે એક ઊંડો કાયમી જખમ.
સ્વીકારો કે બીજાઓ તમારીથી જુદા છે , જુદી રીતે વિચારે છે , જુદી રીતે વર્તે છે , કઈક જુદું જ અનુભવે છે અને બોલે છે . થોડાક સોમ્ય બનો અને શબ્દોથી એના ઘા રૂઝાવો .શબ્દો ફૂલ જેવા હળવા હોવા જોઈએ , શબ્દો શાંતિ પમાડે તેવા હોવા જોઈએ , જે લોકોને એકમેક સાથે જોડી આપે અને સુખશાંતિ નો અહેસાસ કરાવે.
શબ્દો જયારે શસ્ત્રો બને છે ત્યારે લોકો એકમેક નો મુકાબલો દુશ્મન ની જેમ કરે છે . જિંદગી બહુ જ નાની ને ટુંકી છે અને આપણી દુનિયા કુરુક્ષેત્ર બનાવવા માટે બહુ નાનકડી છે.


“ તોફાન ”

એક ખેડૂત ભગવાનને સતત પ્રાર્થના કરતો, અમને દર વર્ષે ખુબ વરસાદ આપો જેથી ખેતી થાય. ભગવાને આશિષ સાથે નિયમિત વરસાદ આપવા માંડી દર વર્ષે માપસર વરસાદ થવા લાગ્યો. પણ પછી એ ખેતરમાં ઊગેલા ઘઉંનો સ્વાદ ઘટી ગયો. સતત વરસાદ અને સતત ખેતીથી જમીનમાં કસ ન રહ્યો. એ ઘઉંની રોટલી ફિક્કી લાગતી.તેમાં મીઠાસ નહોતી. આખરે ખેડૂતે ભગવાનને કહેવું પડયું ‘ભગવાન , હવામાન માં યથેચ્છ પરિવર્તન લાવો. વાવાઝોડું , હિમ કે દુષ્કાળ પણ વચવચમાં ચાલશે. આવા તોફાન અને દુષ્કાળ પછી ખેતર વાવ્યા વગર પડયું રહેતું.તેમાં કુદરતી ખાતર પેદા થતું .બીજે વર્ષે વરસાદ આવે ત્યારે ઘઉંમાં સ્વાદ આવતો...
એ જ પ્રકારે જીવનમાં સ્વાદ લાવવો હોય તો આપણા જીવન માં કઈંક તોફાન હોવું જોઈએ. તોફાન વગર કે પડકાર વગરની જિંદગી , સરળ ઋતુમાં પાકતા ફિક્કા અનાજ જેવી હોય છે.માનવ નું સાચું સત્વ દુઃખ અને સંધર્ષ માં જલ્દીથી પેદા થાય છે. જયારે તોફાન આવવાનું હોય ત્યારે વૃક્ષ તેના મૂળ ઊંડા નાખે છે એ જ પ્રકારે માણસે જાતે જ જીવનમાં પરિવર્તન કરીને તોફાનને નોતરીને પોતાનાં મૂળ ઊંડા નાખવા જોઈએ. જીવનને હરેક પરીસ્થિતમાં હકારાત્મક ભાવથી માણવી જોઈએ.


“ પસંદગી ”
એક સુંદર બગીચો બહુ મસ્ત રીતે ખીલ્યો હતો. ફૂલો ની મહેક પણ ખુબ જ મન મંત્રમુગ્ધ કરીદે એવી હતી. ગુલાબ , ચંપો , જાસુદ જેવા વિવિધ ફૂલોથી આખો બાગ લચી રહ્યો હતો. હા ! બગીચામાં એક ખુણામાં મરેલો ઉંદર પણ પડ્યો હતો. તેની દુર્ગંધ પણ થોડી – થોડી આવતી હતી. એ વખતે ઉપર આકાશમાં કોયલ ઉડી રહી છે . તેને ફૂલ અને તેની સુગંધ જ જણાય છે . કોયલ એ મરેલા ઉંદરની નોધ લેવા પણ તૈયાર નથી. જયારે આકાશમાં ઊડી રહેલા કાગડાને ફૂલોની કોઈ પડી નથી એ તો મરેલા ઉંદરને શોધવામાં જ મસ્ત છે. કોયલ મરેલા ઉંદર સામું જોવા તૈયાર નથી , પોતાના મગજમાં એની નોંધ સુદ્ધા લેવા તૈયાર નથી . જયારે કાગડાને ફૂલોની મદમસ્ત સુવાસની કાંઈ પડી નથી . એને મડદા ચુથવામાં જ મજા આવે છે.
કોઈ પણ વ્યક્તિમાં રહેલા સદ્દગુણોની સુવાસ લેવામાં આનંદ કે એના દોષો જ ચુથવામાં આનંદ . પોતાની જાતને આ પ્રશ્ન કરવા જેવો છે કે - આપણી પોતાની ચિત્તવૃતી કેવી ? કાગડા જેવી કે કોયલ જેવી ?

“ ઈશ્વર ને શરણે ”
એક ખુબ જ અમીર વ્યક્તિ છે તેના રોકાણ કરેલા પૈસા એક પાર્ટી દ્વારા પોતાના 12 લાખ રૂપિયા ડૂબી ગયા અને તેવી જ રીતે બીજી પાર્ટી દ્વારા પણ 10 લાખ રૂપિયા ને ત્રીજી પાર્ટી દ્વારા 27 લાખ રૂપિયા ડૂબી ગયા છે. પોતે જેની પાસેથી ઉછીના રૂપિયા લીધા છે તેની ઉધરાણી વધી રહી છે .પણ , પોતાના રૂપિયા ડૂબી જવાથી પોતે હવે ચૂકવી શકે તેમ નથી .વર્ષોથી સાચવેલી બાપ-દાદાની આબરૂ ઉપર પાણી ફરીવળી જાય તેવી શક્યતા છે. 49 લાખ રૂપિયા પોતાના ડૂબી ગયા છે , સામે એટલું દેવું છે. એ દેવું ભરવાની કોઈ શક્તિ પોતાની બચી નથી .ટુકમાં, આપત્તિનો પવન પૂરજોશમાં ફૂંકાવા લાગ્યો છે.જીવન ની નાવ ડગુમગુ થવા માંડી છે . બાપ-દાદાની આબરૂ જવાના ડર થી હવે જીવવાની પોતાની કોઈ ઈચ્છા રહી નથી.
અમદાવાદમાં રહેતા એક વિસ્તારના પ્રૌઢ વયની વ્યક્તિની આ વાત છે.પોતાના નજીકના અંગત કહી શકાય તેવા સગાઓને ફોન કરી દીધા છે.પણ કોઈ સહાય કરવા તૈયાર નથી. રૂબરૂ પણ મળી આવ્યા છતાં કટોકટીના સંજોગોમાં કોઈ મદદ કરવા તૈયાર નથી. બધાને ખબર પડી ગઈ છે કે આ તો ડૂબતું જહાજ છે.પોતે પણ ડૂબશે , અમને પણ ડુબાડશે . “ બસ સહુને પોતાના સ્વાર્થની પડી છે.કોઈ કોઈનું સાચું સગું નથી.” અમદાવાદમાં રહેતા એ ભાઈ સંસાર ની આ પરીસ્થિતિ જોઈ ઉબગી ગયા.આમેય પોતાની આબરૂ ગુમાવવા માટેની તો કોઈ તૈયારી હતી જ નહિ .આખરે જીવનને ટુંકાવી દેવાનું જ તેમને યોગ્ય લાગે છે.જે પૈસા ને પોતે પાગલ બની પ્યાર કરેલ તે જ પૈસો પોતાના મોતનું કારણ બની રહેલ છે.દરેક પ્રસંગો માં સંસારનો પક્ષ તાણતા આવ્યા છો. એ જ દુઃખદાયી બને છે. પક્ષપાતી તો ઈશ્વરના જ થવા જવું છે.ઈશ્વરના પક્ષકાર થવામાં જ કલ્યાણ છે.કારણ કે આપત્તિના સમયમાં તો સોહામણો લાગતો સંસાર પણ બિહામણો જ નીવળે છે. માત્ર ઈશ્વર જ ત્યાંરે પડખે ઊભા રહેવા તૈયાર હોય છે .
તેમણે જીવન ટૂંકાવી દેવાનું નક્કી કરી દીધું . બજાર માંથી ઝેર પણ ખરીદીને લઇ આવ્યા. આખા જીવનમાં ઈશ્વરભક્તિ શાંતિથી કરી ન હતી. છેલ્લે છેલ્લે સાચા દિલથી ઈશ્વર યાદ આવ્યા. ઈશ્વરભક્તિ કરવાનું મન થયું. જગતપિતા વાસુદેવ શ્રી કૃષ્ણ ના દેવળ સ્થાને જઈ ઈશ્વરભક્તિ શરૂ કરી. અંતરમાં કોતરાઈ ચુક્યું છે કે ‘ આ આખો સંસાર તો સ્વાર્થી છે. આ સંસાર માં મને બચાવનાર , મારું કોઈ કહી શકાય તેવું હોય તો તે છે માત્ર ને માત્ર જગતપિતા પરમાત્મા ! જીવનની અંતિમ ધડીઓ માં તને ભાવ થી દિલથી ભજી લેવા છે. જેથી મોક્ષ સુધી મને તારો સાથ અખંડ રીતે મળ્યા કરે.’
આવી ઉછળતી ભાવધારમાં ઝીલતા ઝીલતા લગભગ 3 કલાક જેટલો સમય ઈશ્વરભક્તિમાં પસાર થઈ ગયો.પણ,ખ્યાલમાં નથી કે કેટલો સમય વીતી ગયો . ચાર ચાર કલાક ઈશ્વરભક્તિ માં વિતાવ્યા પછી માનસિક સ્વસ્થતા અને પ્રસન્નતા સાથે ઘરે આવ્યા. આપધાત કરવા માટે એક રૂમમાં પોતે જાય છે. રૂમને અંદરથી લોક કરી દીધો . ‘પોતાને મહત્વનું કામ છે. માટે કોઈએ ખલેલ ન પહોચાડવી’ આ પ્રમાણે ઘરના બધા સભ્યોને જણાવી દીધું .
ઝેર પેટમાં ઉતરતા પહેલા માનસિક પ્રાર્થના પણ કરી લીધી, પત્ની ઉપર ચિઠ્ઠી પણ લખી દીધી.અચાનક મોબાઈલ ફોન ની રીંગ રણકી .પોતાના પર્સનલ ફોનની રીંગ વાગી રહી હતી . “ આવા સમયે કોણ ફોન કરી રહ્યું છે ? ” એવા વિચાર સાથે ફોન ઉપાડ્યો. ચાર પાંચ મિનીટ ફોન ઉપર વાર કરી અને તે પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા , ઈશ્વરે જાણે પોતાની ઉપર મહેર વરસાવી હતી . વાત એમ બની કે પોતાનો બહુ જુનો પણ અત્યંત નિકટનો મિત્ર મુંબઈ રહેતો હતો. મુંબઈ ગયો ત્યારથી તેની સાથે કોઈ સંબંધ રહ્યો ન હતો. પણ , મુંબઈ માં રહેનાર તે મિત્રને માથે અત્યારે આપત્તિ આવી હતી .ત્યાં ઇન્કમટેક્ષ રેડ પાડવાની શરૂઆત કરી હતી. પોતાના ઘરે ઘણા બ્લેકના રૂપિયા પડ્યા હતા. જો તે પકડાઈ જાય તો જેલમાં જવું પડે તેવી હાલત હતી.
આવા સમયે પોતાનો વફાદાર મિત્ર તેને યાદ આવી ગયો . તેને તરત જ આ મિત્રને ફોન કર્યો . અને વાત કરી કે “ દોસ્ત ! 50 લાખ જેટલી કેશ રકમ તારી પાસે મોકલવું છું . એકાદ વર્ષ સુધી એને સાચવી લેજે. મારે અહી રાખી શકાય તેમ નથી . પ્લીઝ ! હમણા ના નહિ પાડતો . રૂપિયા રાખી લેજે અત્યારે ઉતાવળમાં છું પછી તને વિગતે વાત કરીશ . આટલું કહી મુંબઈના મિત્રે ફોન કટ કરી દીધો. જાણે ઈશ્વરે જ મિત્રના રૂપે સહાય કરી .ચોક્કસ , પૈસા ભગવાન આપવા નથી આવ્યા , મિત્ર એ જ આપ્યા છે . માટે તમારા મગજમાં શંકા થવાની કે આ તો મિત્ર એ સહાય કરી કહેવાય . ભગવાન ક્યાં વચ્ચે આવ્યા ? પણ પરિસ્થિતિનું જો યોગ્ય મૂલ્યાંકન કરશો ઓ સમજાઈ જશે કે આની પાછળ ચોક્કસ ઈશ્વરભક્તિ જ ગોઠવાઈ છે. કારણ કે , મિત્ર ને ફોન કરવાનો વિચાર જ થોડો મોડો આવ્યો હોત તો ? થોડોક જ સમય ફેર થઈ ગયો હોત તો ? આ જ સમયે મિત્રને ત્યાં પણ તકલીફ આવી અને રકમ પાછી 50 લાખ જેટલી જ નીકળી..... આ બધી પરિસ્થિતિ ને યોગાનુયોગ ન કહી શકાય . પણ ઈશ્વરભક્તિ નો પરચો જ માનવો પડે.
એમણે ઈશ્વરનો પાડ માન્યો . થયું પણ એવું કે 50 લાખમાંથી લેણદારોને રૂપિયા ચૂકવાઈ ગયા. બચેલા થોડાં રૂપિયામાંથી ધંધો પાછો પૂરજોશ માં શરૂ કર્યો અને થોડાં મહિનાઓમાં પોતાના રૂપિયા દબાવનાર ત્રણએ પાર્ટી તરફથી 49 લાખ રૂપિયા ની રકમ પાછી પણ આવી ગઈ. જાણે મઝધાર માં ડૂબતી નૈયાને કોઈ અદ્રશ્ય શક્તિએ આવી બચાવી પુરપાટ વેગે દોડતી કરી દીધી.અહી કારણ એટલું જ કે આપત્તિના સમયે સગાવહાલા સંપત્તિ કે શરીર નું શરણ લેવાના બદલે આપણે ઈશ્વરનું શરણ લેવું જોઈએ.
ઉપરોક્ત તમામ વાતો ઉપરથી આપણને એ તો ખબર પડી કે જીવન છે એ દુઃખ – સુખ અને સંઘર્ષો થી ભરેલું છે. ને એક રીતે વિચારો તો જો જીવનમાં આ ત્રણએ બાબતો ન હોય તો જીવન સાવ ફિક્કું લાગે છે . એટલે જ તો કહેવાય છે જીવનની હરેક પળોને હકારાત્મકતા થી જુવો બધા માટે કયાંક ને કયાંક ખાસ ને અલગ છે . જીવન ની બધી પળોને માણતા શીખો કયારે પણ ઉદાશ ના થાવ . બધી વાતો અને ઘટનાઓમાંથી પોઝિટીવ શોધતા શીખો ને જીવનનો આનંદ માણો......

“ રાધે રાધે ” “ જય શ્રી કૃષ્ણ ”