shailu sendwich ni vedna books and stories free download online pdf in Gujarati

શૈલુ સેન્ડવિચ ની વેદના , કવિઓને અર્પણ !


શૈલો સેન્ડવિચ ખાણી-પીણી ઓટલા પરિષદ મિત્રમંડળનો પ્રમુખ હતો . ઓટલા પરિષદને શૈલા વગર ચાલે જ નહિ .બધા લોકો ખાસ કરીને – પન્નો પાણિપુરી ,જલો જંકફૂડ ,ચનો ચાઇનીસ ઉર્ફે ચનો ચવાણું , હકો રગડો , ગુલાબ ગોલાવાળો , ભૈયો ભેળ ,તથા આઈરિશ આઇસક્રીમ વગેરે , વગેરે , વગેરે ખાણી-પીણીની દુનિયાના કિંગ ! બધા ઓટલા પરિષદના સભ્યો ! પરંતુ શૈલો સેન્ડવિચ એટલે શૈલો સેન્ડવિચ ! તેનો એક યાદગાર અનુભવ સૌ કોઇ ફરી-ફરીને તેની પાસે દોહરાવતા . ખુબજ આનાકાની કર્યા બાદ શૈલો તેની વિતકકથા એટલેકે તે કઈ રીતે સેન્ડવિચ બનેલો તે કહેતો અને ઓટલા પરિષદમાં આનંદ-આનંદ છવાય જતો કારણકે શૈલાની શૈલી જ આખી કહેવાની એવી હતી કે , મિત્રોને મોજ પડી જાય !
આવો શૈલો સેન્ડવિચ તેના કહેવા મુજબ એક દિવસ મફત સારવારની હોસ્પીટલમાં દાખલ થયેલો . શૈલો મિત્રોના આગ્રહવશ પોતાની વિતકકથા કહેવા સ્ટાર્ટ થયો --- દાખલ થયાના ચોથા દિવસે એક નિલગિરી નામની નર્સ મારી પાસે આવી અને બોલી - ભાઇ ! શૈલુ ભાઇ ! તમોને આજ બિલકુલ સારું છે , આજ તમોને હોસ્પિટલમાથી ઘરે જવા દેવામાં આવશે , તમો બિલકુલ નોર્મલ છો , તમે રાજી ખુશીથી ઘરે જઈ શકો છો .મે નિલગિરી નર્સને કહ્યું- નર્સ મેડમ મને આજે અહીંયા દાખલ થયાના ચોથા દિવસે બિલકુલ સારું નથી ! ઉલ્ટુ મારી તબિયત વધારે ખરાબ થઇ હોય તેવું મને લાગી રહ્યું છે ! નિલગિરી બોલી- ચુપ ! ચુપ રહો ! તમારા કરતાં ડોક્ટર વધારે જાણે છે ! હમણાં જ ડોક્ટર અહીથી ગયા છે , તમને ચેક કરીને ! ડો. સાહેબે જ કહ્યું છે કે આ શૈલા ને આજ ને આજ રજા આપી દો , શૈલો બિલકુલ નોર્મલ છે ! શરમ નથી આવતી ડો. ની સામે દલીલો કરતાં ?!
પછી શૈલો આગળ ચલાવતા બોલ્યો – આ રીતે મારે ધરાર તબિયત સારી ન હોવા છતાં મફતની હોસ્પિટલમાંથી રજા લેવી પડી ! મિત્રો બોલ્યા- પછી શૈલું ,પછી શું થયું ? શૈલો કહે- પછી શું ? પછી હું પ્રાઈવેટ હોસ્પિટલે તાબડ-તોબ પહોંચ્યો . મિત્રો બોલ્યા – પછી ? શૈલો કહે- પછી ત્યાં પ્રાઈવેટ હોસ્પીટલમાં મારી સારવાર શરૂ થઈ . “આ મારી બેટી આ પ્રાઈવેટ હોસ્પીટલ વાળાંની મુશ્કેલી મફત હોસ્પિટલવાળા કરતાં થોડી અલગ હોય તેવું મને લાગ્યું !” ચાર દિવસની સારવાર દરમિયાન હું બિલકુલ નોર્મલ થઈ ગયો હોય તેવું મને લાગ્યું ! હાશ , આજ તો હવે ખુબજ સારું હોઈ ઘરે જવા મળશે અને ઘરે જતાં-વેત જ દુકાને જતો રહીશ , મારા સેન્ડવિચ ના ગ્રાહકો મારી સેન્ડવિચ ખાધા વગરના ગાંડા થઇ ગયા હશે અને મને પૂછશે કે એલા શૈલા આટલા દિવસ ક્યાં હતો ? લાઈ , લાઈ , જલ્દી સેન્ડવિચ લાઈ ! દુકાન બહાર સેન્ડવિચ ખાવાવાળાની લાઈનો લાગી હશે ! આવું બધુ હું વિચારતો હતો ત્યાં નર્સ એલચી મારી પાસે, મારા પલંગ પાસે આઈ ! હું તો ખુશીનો માર્યો પાગલ ! નર્સ એલચી મારી પાસે આવીને બોલી- કેમ શૈલું ભાઈ ! કેમ લાગે છે ?! મે કહ્યું- નર્સ મેડમ બહુ જ સારું ! અત્યારે બહુ જ સારું છે ! ક્યારે રજા આપો છો ?! એલચી બોલી- અરે રજા ની ક્યાં કરો છો ? હમણાં જ ડોકટર ગયા ને ? એમને જ મને કહ્યું- આ શૈલું ભાઈ ને હજુ બે-ત્રણ દિવસ સાજા થતાં વાર લાગશે , એટલે હજુ તમારે અહિયાં બે-ત્રણ દાડા રહેવું પડશે ! મે કહ્યું- પરંતુ એલચી નર્સ મને તો બિલકુલ સારું છે ! એલચી બોલી-ચુપ , ચુપ રહો , તમારે શૈલું ભાઇ બહુ બોલવાની મનાઈ છે અને બીજું કે તમારા કરતાં ડોક્ટર વધારે જાણે છે ! ડો. ની સામે જાજી દલીલબાજી નહિ જોઈએ , સમજ્યા ? શૈલું ભાઇ ! પછી મિત્રો સમક્ષ શૈલું એ આગળ ચલાવ્યું – આમ આ રીતે દશ – અગિયાર દાડા હું મફત-પ્રાઈવેટ બન્ને હોસ્પીટલ નો અનુભવ કરીને પાછો ઓટલા પરિષદમાં વાપસ આયો ! જાણે કેમ હું સેન્ડવિચ ની બે બ્રેડ નો માવો ન હોઉ ? બોલો આવો અનુભવ મને સાક્ષાત થયો , આ રીતે તમારો મિત્ર શૈલો સેન્ડવિચ ખુદ સેન્ડવિચ થયો !
અને મિત્રો બીજી એક આડ વાત આના જ અનુસંધાને કહું તો આ બનાવના થોડા દિવસો પહેલા એક કવિનું ફેમિલી માંરે ત્યાં સેન્ડવિચ ખાવા આવેલું ! કવિ એ થોડી ઔપચારિક વાત કર્યા પછી મને કહેલું – મે એક “સેન્ડવિચના માવા ની વેદના” શીર્ષક અંતર્ગત એક કવિતા બનાવેલી છે , જો તમને વાંધો ન હોય તો રજૂ કરું ! મે ત્યારે એ કવિ ની વાત ઘરાકીને હિશાબે ટાળી દીધેલી પરંતુ આજે હવે મને સમજાય છે કે આ સેન્ડવિચ આપણે બનાવીને વેચી દઈએ છીએ, ખાવાવાળા ખાઈ લે છે પરંતુ કોઈ આ સેન્ડવિચના માવાની વેદના જાણી શકતું નથી , સિવાય કે એક કવિ હ્રદય ! આજે મને સેન્ડવિચના માવા જેવો અનુભવ થતાં મને કવિની વેદના સમજાય છે ! કાશ તે દિવસે કવિની કવિતા સાંભળી લીધી હોત તો ?! એ મહાન કવિને હું આજે શોધી રહ્યો છું , એની કવિતા , એની વેદના સાંભળવા માટે ! હું આજે દરેક મિત્રોને વિનંતી કરું છું કે કોઈ દિવસ કોઈ કવિની વેદનાને નજર અંદાજ ન કરતાં શક્ય છે કે તેમાં તમોને તમારો વણઉકેલ્યો ઉકેલ મળી જાય !
આમ આ રીતે શૈલા સેન્ડવિચે પોતાની રસપ્રદ શૈલીમાં પોતાની વિતક કથા ફરી-ફરીને મિત્રો સમક્ષ દોહરાવી , મિત્રોએ શૈલાની જય બોલાવી તેને તાલીઓથી વધાવી લીધો !!!

લિ. બિપિન આઇ ભોજાણી (કટાક્ષ તથા હાસ્ય વ્યંગ ના લેખક.)
સહયોગ- સંકલન : મૌલિક બિપિનભાઈ ભોજાણી (મિકેનિકલ એંજીનિયર)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED